ચંદુ ચાવાલાને ત્યાં ગ્રેજ્યુએશન પાર્ટી. (૭)

ચંદુ ચાવાલાને ત્યાં ગ્રેજ્યુએશન પાર્ટી.

 

લંચ પછી હું જરા નેપ લેવાની તૈયારી કરતો હતો અને અમારા ચંદુભાઈ ચાવાલાનો ફોન આવ્યો. “સાસ્ટ્રી આજે ચાર વાગે ટું મારે ટાં વેલ્લો આવી રેજે. સોરી આ ટો એકડમ શોર્ટ નોટિસ છે. પન તુ ટો યાર આપના ઘરનો જ માનસ છે. ડર વખટે તૉ ટને જાટે આવીને લૈ જાવ છું. પન સોરી, આજે મને જરી બી ટાઈમ નઠી. બીજાને ટાં જવાનું હોય ટો ટને મારી લક્ઝરી કારમાં રાઈડ આપું છું; પન આજે ટો ટારે ટારી ખરખરીયા જેવી ભંગાર ગારીમાં,  ખડર ખડર કરટાં જ મારે ટાં આવ્વુ પરહે. જરા વે’લો નીકરજે;  પારતી રાખેલી છે. ટારે વિડ્યા બાબટમાં બે શબ્ડ બોલવાનું છે.”

“અરે! ચંદુલાલ તમને તો ખબર છે કે હું મુવી જોતો જ નથી. માત્ર વિદ્યાબાલનનું નામ જ સાંભળ્યું છે. મને એના વિશે કશી જ જાણકારી નથી.”

“સાસ્ટ્રી હું વિડ્યા બાલનની વાટ નઠી કરટો. વિડ્યા મિન્સ એજ્યુકેશનની વાટ કરું છું. મારે ટાં એક પોઇરાની ગ્રેજ્યુએશન પાર્ટી રાખી છે. ટારે બે શબ્ડ બોલીને એને આશીર્વાડ આપ્પાના છે. આપની હુરટી ગેન્ગને બી ઈન્વાઈટ કરી છે.”

અમારા ચંદુભાઈનો પરિવાર ખૂબ જ મોટો. દર મહિને કોઈના એન્ગેજ્મેન્ટ કે મેરેજ કે બેબીશાવર કે બર્થડે કે ગ્રેજ્યુએશન પાર્ટી થતી જ હોય. કોઈ સગાનું બેસણું પણ એમના ઘરના મોટા બેઝમેન્ટમાં જ ગોઠ્વાતું હોય.  મેં તો પૂછવાનું જ છોડી દીધેલું કોનું શું છે કે કોના કયા પ્રસંગની પાર્ટી છે. તે જાણવાનું અને યાદ રાખવાની ટેવ રાખેલી જ નહિ. આમંત્રણ મળે એટલે ગમે તેટલા બહાના કાઢું પણ આખરે તો જવું જ પડે. આજે કદાચ એનો એક ગ્રાન્ડસન આ વર્ષમાં લોયર થવાનો હતો. એના ગ્રેજ્યુએશનની પાર્ટી હશે એ વિચારીને અમેરિકાના લો એજ્યુએશન અને એના ફ્યુચર પ્રોસ્પેક્ટ માટે શું બોલવું તે વિચારી લીધું.

એના એ ગ્રાન્ડસને એક સેનેટરને ત્યાં ઈન્ટર્નશીપ પણ કરેલી એ મને ખબર. એટલે એને કહેવાનો પ્લાન કરેલો કે અમેરિકામાં આપણા ભારત જેવું નથી. ભારતમાંતો રબડી દેવી પણ મુખ્ય મંત્રી બની જાય. અહિં તો કોંગ્રેસ અને સેનેટમાં પણ મોટાભાગના ઈલેક્ટેડ મેમ્બર્સ લોયર હોય છે. તારું ભવિષ્ય ઉજળું જ છે. તું તો અમેરિકામાં જ જનમ્યો છે. એક દિવસ તું પણ અમેરિકાનો પ્રેસિડન્ટ બનશે અને તારું ઍર ફોર્સ વન આપણા સુરતના એરપોર્ટ પર લેન્ડ થશે. એવી શુભેચ્છાની તૈયારી સાથે હું ચંદુભાઈને ત્યાં પહોંચ્યો તો મગજ ચકરાવે ચડી ગયું.

ચંદુના ગ્રેટગ્રાન્ડસન કોઈ મુન્નાની કિન્ડરગાર્ડન ગ્રેજ્યુએશન પાર્ટી હતી. હવે એના ઉજ્જવળ ભવિષ્ય માટે એ ગ્રામર સ્કુલમાં ફર્સ્ટગ્રેડમાં જવાનો હતો. “બેટા ખૂબ ભનજે” કહેવા સિવાય કહેવાનું પણ શું હોય.

તારું ભલું થાય. હું અમેરિકામાં વર્ષોથી રહું છું એટલે મને ખબર છે કે કિન્ડર્ગાર્ડન ગ્રેજ્યુએશન, ગ્રામરસ્કુલ ગ્રેજ્યુએશન, હાઈસ્કુલ ગ્રેજ્યુએશનના નાટકો બસ ચાલ્યા જ કરે. પણ કિન્ડરગાર્ડન ગ્રેજ્યુએશન પાર્ટી? હું પહોંચ્યો ત્યારે; નાના નાના ભૂલકાં અને તેની મમ્મીઓથી ઘર ભરેલું હતું. એક બાજુ ભૂલકાઓ કાગળની ગ્રેજ્યુએશન હેટ પહેરીને કુદાકુદ કરતા હ્તા; બીજી બાજુ મમ્મીઓ એમની પોતાની ગ્રેજ્યુએશન પાર્ટીઓની અને વિસરાઈ ગયેલા બોયફ્રેન્ડસને યાદ કરતી હતી. એના યુવાન હબીઓ બિયર કેન સાથે સ્પોર્ટસની વાતો કરતા હતા અને એક ખૂણામાં અમારા પાંચ સાત સુરતી ડોસાઓ પાન વગરના ચંદુચાવાલાના પાનના ગલ્લા પર આખી દુનિયાનું ડહાપણ ડહોળતા હતા.

મને મારા દિવસો યાદ આવ્યા. હું બી,એસ,સી થયો તેની તો કોઈએ નોંધ જ લીધી ન હતી. પાસ થયાની પાર્ટી-બાર્ટી કશું જ નહિ. અમારા સમયે સુરતની કોલેજો ગુજરાત યુનિવર્સીટી સાથે સંકળાયલી હતી. બસ હું તો પાસ થઈને, કોલેજનું સર્ટિફિકેટ લઈને નોકરો શોધવામાં લાગી ગયેલો. મને અને મારી સાથેના ઘણાં મિત્રોને ખબર પણ ના હતી કે ડિગ્રી લેવા ફોર્મ ભરવું પડે અને ડિગ્રી સર્ટિફિકેટ લેવા અમદાવાદ કોન્વોકેશનમાં જવું પડે. રામ તારું નામ. હું ગ્રેજ્યુએટ થયો પણ બુઠ્ઠો જ હતો. મારા બે ત્રણ દોસ્તો સુરતના જ સ્ટુડિયોમાં જઈને, ત્યાંનો મેલો-ઘેલો ધૂરાળીયો, ખીટીએ લટકેલો ગાઉન પહેરીને, હાથમાં પીંડો વાળેલો ભળતો જ કાગળ પકડીને ફોટો પડાવી આવેલા. મેં તો તે યે નહોતો પડાવ્યો. જોકે ચંદુભાઈને એમ.એસ.સી.માં ગોલ્ડ મેડલ મળ્યો હતો તે લેવા અમદાવાદ ગયેલા. 

અમેરિકામાં મોટામાં મોટો નાટક હાઈસ્કુલ ગ્રેજ્યુએશનનો. એમને માટે તો જાણે લાઈફ ટાઈમ ઈવાન્ટ. ગ્રેજુએશન પહેલાં હાઈસ્કુલ પ્રૉમમાં છોકરીઓનો ઠાઠ તો જૂઓ….પાંચસો ડોલરથી માંડીને હજાર ડોલર સૂધી માં-બાપે લાંબા થવું પડે. અને પેલા એમના લઠંગા બોયફ્રેન્ડો યે ગર્લફ્રેન્ડ કે સ્વીટહાર્ટ્ને પ્રોમનાઈટમાં ડેઇટ પર લઈ જવામાં ઓછો ખર્ચો નથી કરતા. બિચારા બર્ગરકિંગ કે મેગ્ડોનાલ્ડમાં મિનિમમ વૅજીસમાં કલાકો કામ કરીને ટક્ક્ષેડો ભાડે કરતા હોય છે. બિચારાઓ ખૂબ જ ટેન્શનમાં હોય છે. ગ્રેજ્યુએશનના દિવસે મોટેભાગે સ્કુલ સ્ટેડિયમમાં દરેક સ્ટુડન્ટને તેમના વાલીઓ માટે બે ચાર ટિકિટ માટે પણ સાલી ભીખ માંગવી પડે. મારા તો છોકરાઓ અને તેના છોકરાઓના ગ્રેજ્યુએટ થઈ ગયા પણ આજેયે મને બધી ટ્રેડિશન ગુંચવાડા વાળી અને નવી જ લાગે. આ ગાઉન અને કેપના પણ નિયમો.

કેપ બરાબર કપાળના સેન્ટરમાં હોવી જોઈએ, અને વાંકીચૂકી નહિ ચાલે, બરાબર જમીનની સમાંતર ફ્લેટ હોવી જોઈએ. જ્યારે સ્કુલ સોંગ ગવાતું હોય કે રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે દરેક છોકરાઓએ કેપ હાથમાં રાખવી પડે. કેપનું ફુમતું Tassels જમણી બાજુ રાખવાનું અને ડિપ્લોમાં લેતી વખતે ડાબી બાજુ રાખવાનું. ગાઉનની લંબાઈના પણ નિયમો.

સેરિમોની પૂરી થાય એટલે બધા જંગ જીત્યા હોય એમ પોતાની કેપ હવામાં ઉછાળે. જમીન પર કેપના ઢગલા થાય. કેટલીક સ્કુલોમાં કેપ ઉછાળવા પર પ્રતિબંધ હોય કે કેટલીક સ્કુલો આંખ આડા કાન પણ કરતી હોય છે. છોકરાઓ પોતપોતાની કેપ પાછી જમીન પરથી લઈ લે છે.

આ વાતો ચાલતી હતી ત્યાં ચંદુભાઈની નાની પુત્રવધૂ વિદુષીની આઈસ્ક્રિમ લઈને આવી. નામ પ્રમાણે જ ગુણ. દોડાદોડીમાં થાકી હશે તે અમારા ડોસલાઓના ગ્રુપમાં આવીને બેસી ગઈ. એની હાજરીમાં કોઈથી વાંકીચૂકી વાત તો થાય જ નહિ. ચંદુભાઈ પણ શુદ્ધ ગુજરાતી બોલતા થઈ જાય. એ અમારી સાથે વાતમાં જોડાઈ ગઈ. પોલિટિક્સની વાત બંધ કરી અને ગ્રેજ્યુએશનમાં ટોપા ઉછાળવાની વાત નીકળી, એણે પૂછ્યું; અંકલ તમને ખબર છે કે આ કે આ કેપ ટૉસિંગ પ્રથા કેવી રીતે શરૂ થઈ?

અમને તો એમ કે આ પોઈરાઓ સ્કુલના ત્રાસમાંથી છૂટ્યા એટલે હવે તો જલસા જ છેને, મેં પોતે પણ એ દિશામાં વિચાર્યું જ ન હતું.

વિદુષીનીએ હવામાં કેપ ટૉસિંગનો ઈતિહાસ જણાવ્યો.

૧૯૧૨માં ઇંગ્લેન્ડની નેવલ એકાડમીમાં આ પ્રથા શરૂ થઈ હતી. આ પ્રથા મૂળતો બ્રિટનની નેવી અકાડેમીમાં શરુ થઈ હતી. નેવલ ગ્રેજ્યુએટ્સને ઓફિસર બનતાં પહેલાં નેવી કેપ પહેરીને બે વર્ષ ફ્લિટ પર સખત કામ અને ટ્રેનિંગમાંથી પસાર થવું પડતું. પહેલી વાર આ ગ્રેજ્યુએટ્સ એ ટ્રેઈનિંગ પૂરી થતાં પોતાની નેવી કેપસ હવામાં ઉછાળી ફેંકી દીધી હતી. બસ ત્યારથી એ રોગ અમેરિકાની હાઈસ્કુલમાં પણ લાગુ પડી ગયો. અહિની એક સ્કુલે મનાઈ હોવા છ્તાં કેટલાક સ્ટુડન્ટોએ પોતાની ગ્રેજ્યુએશન કેપ ઉછાળી હતી એને સ્કુલે ડિપ્લોમા નહોતો આપ્યો અને મોટો ઉહાપો થયો હતો.

પછી ગ્રેજ્યુએટ અટલે સ્નાતક શબ્દની વાત નીકળી. આપણાં આર્યાવર્તમાં વર્ણાશ્રમ સંસ્કૃતિ હતી તે સમયે બ્રાહ્મણ બાળકો યજ્ઞોપવિત સંસ્કાર પછી વધુ શિક્ષા મેળવવા માટે ગુરુકુળમાં જઈને અભ્યાસ કરતા. પચ્ચીસ વર્ષ સૂધી બ્રહ્મચર્ય પાળીને શિક્ષા સમાપ્ત થતાં સમાવર્તન સંસ્કાર થતો. પોતાને ઘેર જઈને ગૃહસ્થાશ્રમમા પ્રવેશતા પહેલાં, ગુરુકૂળમાં એમને યાજ્ઞિક સ્નાન કરાવવામાં આવતું. એ સ્નાન પછી તે સ્નાતક કહેવાતો.

આ ગંભીર વાતો ચાલતી હતી ત્યારે ત્યાં આજનો સ્ટાર ગ્રેજ્યુએટ મુન્નો એની મૉમની સાથે બધાને પગે લાગવા આવ્યો. બધા સુરતી ડોસાઓએ પ્રેમથી આશીર્વાદ આપ્યા. અમારા બલ્લુભાઈ દેહાઈએ મુન્નાને પુછ્યું, “બેટા, વોટ યુ વોન્ટ ટુ બી, વ્હેન યુ ગ્રો અપ.”

ટેણકાએ વટથી જવાબ આપ્યો “યુ નો દાદાઅંકલ આઈ એમ પ્રાઉડ ચાવાલા, માય વિદુઆન્ટી સૅજ, ઓલ ચાવાલાઝ આર વેરી ઈન્ટેલિજન્ટ એન્ડ પાવરફુલ ગ્રૅઇટ પરસન. મોદી ચાવાલા ઈઝ બીગ પ્રાઈમિનિસ્ટર ઈન ઈન્ડિયા. આઈ એમ ગોઈંગ ટુ બી લાઈક મોદી ચાવાલા; બીગેસ્ટ પ્રાઈમિનિસ્ટર ઓફ હોઉલ વર્લ્ડ. મુન્નાએ બન્ને હાથ પહોળા કરીને બીગેસ્ટ કહ્યું તો ખરું પણ એક હાથમાં આઈસ્ક્રિમ કપ હતું તે બાણું વર્ષના કરસનદાદાની સિલ્કખાદીની કફની પર પડ્યું. બસ કરસનદાદાનું છટક્યુ. કફની બગડી એટલે નહિ પણ છોકરાએ મોદીના વખાણ કર્યા એટલે. મોદીભક્તિ એટલે લાલ કપડું અને કરસનડોસા એટલે ભુરાયો થયેલો બુલ. બિચારો ગ્રેજ્યુએટ ટેણીયો કરસનદાદાને નિર્દોષ ભાવે મોદીના નામનું લાલ કપડું બતાવી ગયો.

“એઈ છોકરી, આ પોઈરાને અત્યારથી જ ગેરરસ્તે દોરવે છે? મોદી કે’દાડાનો ગ્રેટ પરસન? મેં મારા બાણુ વરહમાં મોદી જેવો મહાફેંકુ એક પણ નેતા જોયો નથી. હાથ પહોળા કરી મોટી મોટી વાતો કરી દેશને ઉલ્લુ બનાવ્યો. એકેયે વચન પાળવાની તાકાત નથી. રાજ કરવા માટે તો નહેરુંનું બ્લડ જોઈએ. એનામાં તો ચા વેચવાની પણ આવડત નથી.”

વિદુષીનીતો ખૂબ ઠરેલ અને શિક્ષીત છોકરી. ચર્ચા કરવી હોય તો વિદ્વત્તાભરી ચર્ચા કરી શકે પણ બગડેલા ડોસાને ના છંછેડાય. એણે મારે ડિનરની તૈયારી કરવાની છે, હું જઈશ કહીને નાસી છૂટી. જતાં જતાં મને ધીમે રહીને કહેતી ગઈ, “અંકલ હવે બાપાનો પાનનો ગલ્લો બરાબર જામશે.”એની વાત સાચી જ હતી.

કરસનદાદાને માથે ટાલ. મોટી વળચડાવેલી અણીદાર સફેદ કાઠીયાવાડી મુંછ. કરડો ચહેરો. એક પત્નીનો કાયદો ન હતો તે સમયે બે પત્ની સાથે સંસાર માંડેલો. કુલ ચૌદ સંતાનો હતા એવી વાત ચાલતી. પરિવાર રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, બેંગલોર, દિલ્હી, ન્યુ જર્સી, કેલિફોર્નિયામાં પથરાયલો. આઝાદીની લડતમાં એણે ભાગ લીધો ના હોત તો આજે પણ ભારત ગુલામ જ રહ્યું હોત એવી ડંફાસ મારતા. એને તો જવાહરલાલે પ્રધાનપદુ પણ સ્વિકારવા વિનંતી કરેલી પણ એણે સવિનય ના પાડેલી. આઝદી પછી તો એઓ કિંગ મેકર બની ગયેલા. અનેક વાર ટોપીઓ બદલેલી. કોને કઈ પાર્ટીમાંથી ઊભો રાખવો, કોને જીતાડવો બધું જાણે એના જ હાથમાં હોય એવી વાતો કરતાં. એમની લાગવગ વધી અને એમાંને એમાં બે પાંદડે નહિ પણ બાવન પાંદડે થયા.  કરસનદાદા પટેલ. એના મગજમાં ભરાયું કે મોદી તો પટેલોના ખભે ચડીને ગુજરાતનો સૂબો બની બેઠો છે. બસ એને કાઢવા માટે પરિવર્તન પક્ષના ઢોલ પીટ્યા. એના એક નજીકના સગાને પરિવર્તન પાર્ટિમાં ભાજપ સામે ઉભો રાખ્યો, પણ બિચારાએ ડિપોઝિટ ગુમાવી. બસ એમને માટે મોદીને ભાંડવા માટે આ જ કારણ પૂરતું હતું.

થોડા વર્ષ પહેલા અમેરિકા વિઝિટર વિઝા પર આવેલા અને અહિના લાભ જોઈને ઠસી પડેલા. પછી તો લોયરે ગ્રીનકાર્ડ અને સીટીઝનશીપ પણ અપાવી દીધેલી. ઇન્ડિયાની આવણ જાવણ ચાલુ રહેલી. એમના મત મુજબ ભાજપે જ દેશની પત્તર ફાડી નાંખી છે. મોદી અને ભાજપની જેટલી ધોલાઈ થાય એટલી કરવા માંડી.

હવે આપણા ચંદુભાઈને મોદીમાટે ઘણું જ માન. ચંદુભાઈ મોદીને ચાણક્ય માનતા.

“ચંદુ, મને ખબર છે કે મોદી તારી ન્યાતનો છે એટલે તું તો એનો જ ભગત બનવાનો, પણ દેશનું હિત પહેલાં જોવાનું.”

દાદાએ ન્યાતનો ઉલ્લેખ કર્યો એટલે ચંદુભાઈનો ભત્રીજો ચંપક ઊકળ્યો. “દાદા તમારા જેવા અનામતિયાઓ જ દેશનું નખ્ખોદ વાળવા બેઠા છો. હિરો જ હિરાને કાપે તેમ બળેલ ગુજરાતી જ ગુજરાતીના ટાંટિયા ખેંચે.”

અમારો ચંદુ બિચારો શું બોલે? એણે કહ્યું “ચંપક જરા ઘરમાં તપાસ કર કે ડિનરની કેટલી વાર છે!” કરસનદાદા એમના ગેસ્ટ. બાણું ત્રાણું વર્ષના દુર્વાસા બ્રાન્ડના વડીલ; એની સામે દલિલ કરવામાં વાતનું વતેસર થાય. અમે બધા ચૂપ રહી એમને સાંભળતા રહ્યા. સૌજન્ય ચૂક્યા વગર ચંદુભાઈએ કહ્યું; “દાદા અમે તો બિઝનેશમેન, અમે તો ઉગતા સૂર્યને પૂજવા વાળા સુરતી. જે પ્રધાનની ગાદી પર આવે તેનું શરણું સ્વિકારીયે. તેના ગુણગાન ગાઈયે. કાલે ઊઠીને તમારો હાર્દિક કે રાહુલ કે કેજરી ગાદીએ બેસે તો એને પણ હાર પહેરાવવા દોડીયે. અમને તો ઓબામા પણ વહાલો હતો અને હવે ટ્રંપ પણ એટલો જ વહાલો લાગે છે.”

ચંપક ફરી સળી કરવા ટપકી પડ્યો. “દાદા શરત મારવી છે. તમને ગમે કે ન ગમે પણ તમારા ઈંદીરાજી કરતાં પણ અમારા મોદી સાહેબ દિલ્હીમાં વધારે વર્ષ રાજ કરશે.” ચંપક વધુ લવારીએ ચઢે તે પહેલાં એની દીકરી હાથ ખેંચી બીજા રૂમમાં લઈ ગઈ. “મમ્મી બોલાવે છે.”

કરસનદાદાએ મને લપેટમાં લેવા માંડ્યો, ‘એઈ શાસ્ત્રી તારું શાસ્ત્ર શું કહે છે? તું કઈ પાર્ટીને મત આપવાનો છે?. તું ગમે તેને આપે પણ અમે તો ૨૦૧૯માં મોદીના ભાજપને ભારતમાંથી ભગાડીને ઝંપીશું”

“દાદા મારાથી તો ભારતમાં વૉટિંગ થાય જ નહિ. ઈન્ડિયાના રાજકારણમાં મારું નોલેજ બીલકુલ ઝીરો. હું તો બસ વારતાની વાતો જ ઠોકું, તે પણ બધી કાલ્પનિક જ, વાસ્તવિકતા સાથે એને કશો જ સંબંધ નહિ. હું તો તમારી વાત બીજાના નામ સાથે જોડી દઉ અને બીજાનું કામ ત્રીજા નામ સાથે જોડી દઉં. અમે લેખકો તો જાત જાતની ઠોકાઠોક કરીએ. રિયાલિટીની વાતમાં અમે હાથ ઊંચા કરી દઈએ. અમારી વાત સીરીયસલી લેવાની જ નહિ, ભાજપનું ભાવિ તો આપના જેવા કાબેલ મુત્સદ્દી પટેલો જ નક્કી કરી શકે.”

સદભાગ્યે વિદુષીનીએ ડિનર માટે બોલાવ્યા અને અમારો પોલિટિકલ થૂંકાથૂંકનો પાનનો ગલ્લો બંધ થયો.

“તિરંગા” પબ્લિશ્ડ જુન ૨૦૧૭

8 responses to “ચંદુ ચાવાલાને ત્યાં ગ્રેજ્યુએશન પાર્ટી. (૭)

  1. Vinod R. Patel June 25, 2017 at 12:44 PM

    પ્રવીણભાઈ, જૂની આંખોએ નવા જમાનાના તમાશા જોયાં કરવાના ! બીજું શું ! હવે તો ના બોલ્યામાં નવ ગુણ . બોલીએ તો કોઈ ગણે નહી અને મૂર્ખામાં ખપીએ. સરખે સરખા મિત્રોએ અંદર અંદર મનનો ઉભરો કાઢીને હળવા થતા રહેવું.

    Liked by 1 person

  2. pravinshastri June 25, 2017 at 8:07 AM

    મારું પણ એવું જ. બીજી એક વાતની મને નવાઈ લાગે છે. થોડા વર્ષ પહેલાં ઈન્ડિયા ગયો હતો. આપણા વખતમાં જેમ મેટ્રિક કે SSC હતું તેમ હમણાં બારમું ધોરણ ની પરિક્ષાના ગીતો ગવાય છે. હું મારી બહેનને ત્યાં હતો. એણે કહ્યું ચાલો ભાઈ ફલાણાભાઈને ત્યા અમુક છોકરાને વીશ કરવા જવાનું છે. બારમાની પ્રીક્ષા છે ને!!! લો કરો વાત. બારમાની પરીક્ષા કેન્દ્રમાં શુભેચ્છા માટે લોબીમાં ચાંલ્લા અને આરતીયો ઉતારાય છે. તારું ભલું થાય…….!!!

    Like

  3. Vinod R. Patel June 22, 2017 at 10:22 PM

    હું મારા ગ્રાન્ડ સન અર્જુનની કિન્ડરગાર્ડન ગ્રેજ્યુએશન પાર્ટીમાં ગયો હતો ત્યારે મને ઘણી નવાઈ લાગી હતી. એના દાદા એટલે કે હું બી .કોમ. બી.એ. એમ.કોમ . એલ.એલ.બી. થયો પણ મારી કોઈ ગ્રેજ્યુઈશન પાર્ટી કે ફન્કશન એટેન્ડ કર્યું ન હતું નહિ .પોસ્ટમાં ડીગ્રીનાં સર્ટીફીકેટ ઘેર આવેલાં !

    ખુબ મજાનો લેખ હમ્મેશ મુજબનો હળવી સુરતી લહેજામાં …

    Liked by 1 person

  4. pravinshastri June 20, 2017 at 11:41 AM

    સુરેશભાઈ તમારી વાત જરાયે ખોટી નથી જ. પ્રેગનન્સી દરમ્યાન પતિ પત્ની ( કે જે પાર્ટનર હોય) તેમને માટે ચાઈલ્ડ બર્થના કોર્ષ ચાલે છે. બન્ને જણાએ સાથે કેમ ફૂકો મારવી, કેમ અને ક્યારે ક્યાં પ્રેસર આપવું. પરસેવો કેવી રીતે નૂછવો અને ઘણી ઘણી વાતોનું જ્ઞાન આપવામાં આવે છે. બસ જ્યાં કોર્ષ ત્યાં સર્ટિફિકેટ અને ડિપ્લોમા. અને જ્યાં ડિપ્લોમાં ત્યાં ગ્રેજ્યુએશન. બધું જ હાહર છે. સબ ધંધા હૈ ભાઈ ધંધા.

    Like

  5. pravinshastri June 20, 2017 at 11:18 AM

    આ પ્રસસ્તિમાં મારી કોઈ જ વિશિષ્ટતા કે કાબેલિયત નહિ પણ આપનો પ્રેમભાવજ છલકે છે. આભાર અનૃતભાઈ.

    Like

  6. સુરેશ June 20, 2017 at 11:02 AM

    હવે બર્થ ગ્રેજુએશન પણ આવશે ! એ બહાને ધંધાવાળાઓને એક ઓર કમાણીનું સાધન !

    Liked by 1 person

  7. Amrut Hazari June 20, 2017 at 10:39 AM

    સરસ.
    ચંદુ…હરતી ચંદુ….અમેરિકામાં ચાર પાંદડે થયેલો અને દરિયાવ દિલનો…ચંદુ. પ્રેમ વહેંચતો ચંદુ. સમય આવ્યે મિત્રો વચ્ચે હુરતી અને બીઝનેસ કે બીજા વાતાવરણમાં અમેરિકન અને અમદાવાદી કે વડોદરાના ઉચ્ચારોવાળો ચંદુ……..
    પરવિન શાસ્ત્રી તેનો ફ્રેન્ડ…..અને..તેણે…ગ્રેજ્યુઅેશનના વાતાવરણમાં અમેરિકન, બ્રિટીશ ઇતિહાસના…ગ્રેજ્યુઅેશનની વિઘિના ઇતિહાસના બાવન પાના સોશીયલ માઘ્યમમાં ખોલી આપીને વાચકનુ જ્ઞાન વઘાર્યુ. હાસ્યની છોળો હોય ને કરસનકાકા જેવા અમર પાત્રો હોય પછી ?????? શું જોઇઅે ?
    તમે પચાસ કે સાંઠ વરસો પરના ગુજરાતને શબ્દોથી જીવંત કરીને પીરસ્યુ છે.
    તમારા શબ્દો તે સમયના સુરતી ગુજરાતને સજીવન કરે છે. પરંતુ ત્યાં…તે જમાનામાં વિદુષિ પણ છે….
    ગુજરાતને અાવા અમર પાત્રો અને ગામઠી..તળપદી ભાષા પ્રયોગથી જીવંત કરતાં રહો……
    અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  8. pragnaju June 19, 2017 at 10:16 PM

    યાદગાર ગ્રેજ્યુએશન પાર્ટી ના પરીણામે વિશ્વમા હલચલ મચાવી…
    ફ્રાંસીસી ભાષામાં લખેલા પુસ્તક ‘એ યંગ મેન, સો પરફેક્ટ’ ‘A young man, so perfect’ માં ઈમાનુએલ મૈક્રોન અને બ્રિજિટ ટ્રોગનેક્સના જીવન સફર વિશે બતાવવામાં આવ્યુ છે. ફ્રાંસમાં મૈક્રોન પર લખેલ આ પુસ્તક ખૂબ ફેમસ થઈ ચુક્યુ છે. જેમા 2 ચેપ્ટર ખાસ રીતે તેમની પત્ની અને તેમના વિશે છે. પુસ્તકમાં મૈક્રોન અને બ્રિઝિટની મુલાકાત અને લગ્ન વિશે બતાવવામાં આવ્યુ છે. જેના મુજબ મૈક્રોનની બ્રિઝિટ સાથે પ્રથમ મુલાકાત 15 વર્ષની વયમાં થઈ હતી. 16 વર્ષના મૈક્રોને પોતાની 40 વર્ષીય ટીચર જે 3 બાળકોની માતા હતી સાથે પ્રેમ થઈ ગયો હતો. 17 વર્ષની વયમાં જ મૈક્રોને એ સમયે પોતાની શિક્ષિકા રહેલ બ્રિજિટ ટ્રોગનેક્સને પ્રપોઝ કર્યુ હતુ. 17 વર્ષની વયમાં આગળના અભ્યાસ માટે શહેર છોડીને જતી વખતે મૈક્રોને પોતાની ટીચરને કહ્યુ, ‘તમે ભલે જે કરો હુ તમારી સાથે લગ્ન કરીશ. મૈક્રોનના તેમના ટીચર સાથેના પ્રેમની વાતે તેમના માતા-પિતાને ખાસી ચિંતામાં નાખી દીધા હતા.

    Like

Leave a comment