ચંદુ ચાવાલા ના જ્યોતિફોઈનું અવસાન

ચંદુ ચાવાલા ના જ્યોતિફોઈનું અવસાન.

“હલ્લો શાસ્ત્રીભાઈ, હમણાં આપણો ડો.કેદાર હોસ્પિટલ આવે છે. રસ્તામાં જ હશે. તમને લેવા આવે છે. હોસ્પિટલ આવી રહો” ચંદુ ચાવાલાનો ફોન આવ્યો.

સાસ્ટ્રીને બદલે શાસ્ત્રીભાઈ, હમનાને બદલે હમણાં, કેડારને બદલે કેદાર. અને હોસ્પિટલ…અને આ અમારો ચંદુ બોલતો હતો. સમથીંગ મસ્ટ બી સિરીયસ. એણે વાત અધુરી રાખી ફોન મુકી દીધો. હું તૈયાર થઈ ગયો અને ડો.કેદાર આવી પહોંચ્યો.

“કેદાર, ચંદુને શું થયું?”

“ચંદુને કશું થયું નથી. જ્યોતિફોઈની જ્યોતિ બુઝાવાની તૈયારીમાં છે.” પ્રોફેશનલ સ્વસ્થતાથી કેદારે જવાબ આપ્યો.

જ્યોતિફોઈ એટલે ચંદુના સત્તાણુવર્ષના ફોઈ. એમના જમાનામાં તે ચૌદ વર્ષની ઉમ્મરે પરણેલા અને આણું  થતાં પહેલા જ વિધવા થઈ ગયેલા. ચંદુભાઈનો ખૂબ જ મોટો પરિવાર. જાણે પરણ્યા જ નથી અને વિધવા થયા જ નથી. ઘરમાં જ દીકરી તરીકે સમાઈ ગયા. સ્કુલે તો જવાયું જ ન હતું. વીશ વર્ષની ઉમ્મરે કુટુંબે પુનર્લગ્ન માટે પ્રયાસો કરવા માંડ્યા. તે સમયે તેમના સમાજમાં પુનર્લગ્ન માટે “નાતરું” શબ્દ વપરાતો. જ્યોતિફોઈને લગ્ન શબ્દનો જ ફોબિયા લાગી ગયો હતો. એને તો ભણવું હતું. ચાર ધોરણ સૂધી જ ભણ્યા હતાં. પિતાનો ચાનો મોટો વેપાર. ભારતીય સંસ્કાર અને યુરોપીયન વ્યવહાર.

બસ હવે એમણે ભણવા માંડ્યું. શિક્ષકો ઘરે ભણાવવા આવતા. ફાયનલની પરીક્ષા પાસ કરી. બહારથી જ મેટ્રીકની પરીક્ષા પસાર કરી. મોટી ઉમ્મરે બી.એ. કર્યું. સંસ્કૃત અને અંગ્રેજી સાથે માસ્ટર પણ કર્યું. ચંદુભાઈના જ્યોતિફોઈનું સૌમ્ય વર્ચસ્વ. એમની વાત કરવાની એક ખાસ લઢણ અને પ્રકૃત્તિ. બે વર્ષનું બાળક પણ કેમ ના હોય! ઘરના અને બહારના બધાની સાથે લખનૌવી સ્ટાઈલથી “આપ” કે “તમે” કરીને વાત કરે. ભાઈ, ભાભી અને ભત્રીજાઓ પણ એમનો ખૂબ જ આદર કરે. જ્યોતિફોઈએ કોલેજમાં પણ લેક્ચરર તરીકે થોડો સમય નોકરી કરેલી.

અમે બધા ચંદુના મિત્રો, એમની નજર સામે જ મોટા થયેલા. ચંદુભાઈનો પરિવાર અમેરિકા આવ્યો તેની સાથે એઓ પણ અમેરિકા આવીને સ્થાયી થયા. જીવન વ્યવસાયની ચિંતા ન હતી. વેકેશનમાં ભત્રીજાઓ અને એના સંતાનો સાથે પ્રવાસો કર્યા. નવી કોમ્પ્યુટર ટેકનોલોજી કુશળતાથી અપનાવી  સોસિયલ મિડિયામાં પણ લોકોનો પ્રેમ સંપાદન કર્યો.

ઉમ્મરની અસર ધીમે ધીમે વર્તાતી ગઈ. છેલ્લા પાંચ મહિનાથી ખોરાક ઘટતો ગયો અને વજન ઓછું થતું ગયું. અમે સૌ જાણતા હતા જ્યોતિફોઈ સો પૂરા નહિ કરે. બે દિવસ પહેલાં જ પરિવારે એમની બર્થડે ઉજવી હતી. મેં પણ હાજરી આપી હતી અને એના આશીર્વાદ મેળવ્યા હતા. એમણે મને પૂછ્યું, પ્રવીણભાઈ આ અમારા ચંદુભાઈ માત્ર તમારી સાથે જ આપણી તોતડી સુરતીભાષા બોલે છે. એમાં વાંક કોનો? અમારા ચંદુભાઈનો કે તમારો?

મેં જવાબ આપ્યો હતો “ફોઈબા મારો જ.”

એમણે હસીને કહ્યું “ નો લેટ્સ ડિસાઈડ બાય ટોસ. ઈફ હેડ, ઈટ્સ યોર ફોલ્ટ; ઈફ ટેઇલ; અવર ચંદુભાઈઝ ફોલ્ટ ફોર હિસ લેગ્વેજ પ્રેફરન્સ.

આજે જ્યારે જ્યોતિફોઈની આખરી ઘડી ગણાતી હતી ત્યારે ચંદુએ શુધ્ધ ભાષામાં હોસ્પિટલ આવવા સંદેશ આપ્યો. અમે હોસ્પિટલ પહોંયા. સત્તાણું વર્ષના સંતોષ જનક વર્ષો પછી થતી વિદાયનું દુઃખ સામાન્યરીતે આકરું ન જ હોય. હોય તો પ્રેમાળ જીવન અદૃષ્ય થવાનું જ હોય.

મોટા પ્રાઈવેટ રૂમમાં વયસ્ક ભાઈઓ અને યુવા ભત્રીજાઓનો પરિવાર હતો.  ફોઈની આંખો બંધ હતી. ઓક્સિજન માસ્ક ઓક્સિજન આપ્યા કરતું હતું, આઈ.વી દ્વારા મોર્ફિન ટપકતું હતું.  હાર્ટમોનિટર ડચકા ખાતું હતું. ચંદુભાઈએ કાનમાં મોટેથી બુમ પાડી અને કહ્યું “આપણા કેદારભાઈ અને શાસ્ત્રીભાઈ આવી ગયા છે.

કેદાર ડોક્ટર હતો પણ હોસ્પિટલ સ્ટાફના પ્રોટોકોલની શિસ્તમાં રહીને જ વર્તતો. એણે એનો હાથ કપાળ પર ફેરવ્યો વાંકા વળી કાનમાં મોટેથી કહ્યું “બા હવે પ્રભુધામમાં આપની રાહ જોવાય છે, શાંતી અને આંનંદથી પ્રયાણ શરૂ કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જ્યોતિ ફોઈ.”

અને ભલે કેદાર ડોક્ટર આખરે તો બ્રાહ્મણનો દીકરો. એણે ફોઈના કાનમાં મૃત્યુન્જય મંત્ર ગુંજતો કર્યો.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥

અને થોડી ક્ષણોમાં અમારા વડીલના હોઠનો ડાબો ખૂણો ખેંચાયો અને સ્મિત સાથે એમણે વિદાય લીધી. ઘરની મહિલાઓએ ગંગાજળનું એક ટીપું બિડાયમા બે હોઠ વચ્ચે મુક્યું. એનો કોઈ અર્થ ન હતો પણ કેદારે એનો વિરોધ ન કર્યો.

જ્યોતિફોઈ એમની એક કિડની એની એક કઝિનને વર્ષો પહેલાં આપી ચૂક્યા હતા. અને થોડા વર્ષો પહેલાં ઓર્ગન અને ટિસ્યુ ડોનેશન રજીસ્ટર કરાવ્યું હતું.

બધાએ શાંતિ પ્રાર્થના કરી. અમે સૌ તદ્દન ધીમા અવાજે મહામૃત્યુંજય મંત્ર બોલ્યા. આ ઘર નહોતું, હોસ્પિટલ હતી. અન્ય પૅશન્ટનો પણ ખ્યાલ રાખવો જ પડે આંખ ભીની થઈ. પણ કોઈ રડારોળ નહિ. સફેદ ચાદર ઢંકાઈ ગઈ. હોસ્પિટલ સ્ટાફે દીલગીરી વ્યકત કરી ધૈર્ય અને શાંતિથી ઘરે જવાનું નમ્રતા પૂર્વક સૂચન કર્યું. અમે સૌ ચંદુભાઈને નિવાસ સ્થાને પહોંચ્યા.

સૌ મૂંગા બેઠા હતાં.

“ડોક્ટર કેદાર, તમે કાનમાં જે વિદાય આપી તે ફોઈએ સાંભળી હશે? એમણે સ્મિત પણ કર્યું હતું. મ્રુત્યુની છેલ્લી ઘડીઓ કેવી હોય? ફોઈને દુઃખ તો સહન કરવું પડ્યું ના હોયને? ધાર્મિક નહિ પણ મેડિકલ દૃષ્ટિએ શરીરને શું થાય? જરા સમજાવોને?”

આજે ચંદુ શુધ્ધભાષામાં બધા સાથે માન પૂર્વક વાત કરતો હતો.

मरणं प्रकृतिः शरीरिणाम्,  Death is natural to everyone born.ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાજે સનાતન સત્ય ઉચ્ચાર્યું છે; “जातस्य हि ध्रुवो मृत्युः meaning, “what is born, will die.”

 ટેકનોલોજીએ માનવ જીવન લંબાવ્યું છે અને સાથે સાથે મૃત્યુ શું અને કેવું છે તે પણ સમજાવ્યું છે. તદ્દન સાદી ભાષામાં કહીયે તો જ્યારે શ્વાસ દ્વારા ઓક્સિજન લેવાની ક્ષમતા ગુમાવીયે છીએ ત્યારે આપણા શરીરનું મૃત્યુ થાય છે. એટલે જ ઓક્સિજનને આપણે પ્રાણવાયુ કહીયે છીએ.

શરીરના દરેક કોષને ઓક્ષ્સિજનની જરૂર છે. પણ સૌથી વધારે જરૂર મગજને છે. મગજ ઘણો જ ઓક્સિજન વાપરે છે પણ સંગ્રહ કરતું નથી. વૃધ્ધાવસ્થામાં  આ પ્રક્રિયા ધીમી પડતી જાય છે. ઓક્સિજન દ્વારા મળતી શક્તિ ટકાવવા માટે સક્રિયતા ઓછી થાય અને વૃધ્ધ વ્યક્તિ બાકી રહેલી થોડી ઊર્જાને બચાવવા માટે વધુ ઊંઘે છે અને ખાવા પીવા માટેની ઇચ્છા ગુમાવી શકે છે. ખોરાક પાણી ગળી જવાનું મુશ્કેલ બને છે અને મુખ શુષ્ક થઈ જાય છે, ડિહાઈડ્રેશન થવા માંડે છે. વ્યક્તિ મૂત્રાશય અને આંતરડાના નિયંત્રણ ગુમાવે છે..

મૃત્યુ વેદના ડોક્ટર્સ મેડિસીનથી ઓછી કરી શકે પણ દરેક શરીરની પ્રક્રિયા અલગ હોય છે. દરેક માનવ શરીરનું બંધારણ અને રોગ અલગ હોવાના. મૃત્યુ નજીકની છેલ્લી સ્થિતિને એગોનલ  ફેઇસ(agonal phase) કહેવાય છે. શ્વાસ માટે તડફતો દેહ, જે ઘર્રરાટો બોલાવે છે તેને the death rattle કહેવાય છે. શરીરના કોષો કનેક્શન ગુમાવતા જાય અને મસ્લ્સ પ્લાઝમ શરૂ થઈ જાય.

આ તબક્કે વ્યક્તિ કેવી વેદના અનુભવી રહ્યા છે તે બરાબર જાણી શકતા નથી, છતાં મૃત્યુ નજીકના અનુભવો near-death experiences (NDE) ધરાવતા લોકો સહમત થાય છે કે પ્રક્રિયા દુઃખદાયક નથી. એન.ડી.ઇઝમાં કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ હોય છે, જેમાં શાંતિ અને સુખાકારીની લાગણી, ભૌતિક શરીરથી અલગતા અને પ્રકાશમાં પ્રવેશવા માટે અંધકારમાંથી પસાર થવાની સનસનાટીનો સમાવેશ થાય છે.

મૃત્યુને બે સ્ટેજમાં વહેંચી શકાય. એક ક્લિનિકલ ડેથ અને બીજું સ્ટેજ બાયોજીકલ ડેથ.

હૃદય બંધ થતાં કે ઓક્સિજન સપ્લાય ન મળતા થતા ક્લિનિકલ ડેથમાં સી.પી.આર કે વેન્ટિલેટર અને બ્લડ સપ્લાયથી બચી જવાની શક્યતાઓ છે અથવા લાઈફ એક્સ્ટેન્ડ કરી શકાય છે.

બાયોલોજિકલ ડેથ પછી વ્યક્તિ જીવંત રહી શકે નહિ.

ક્લિનિકલ મૃત્યુના ચારથી છ મિનિટ પછી બાયોલોજીકલ ડેથ શરૂ થાય છે. હ્રદયના ધબકારા અટકી જાય પછી, મગજની કોશિકાઓ ઓક્સિજનની અભાવમાંથી મૃત્યુ પામવા માટે માત્ર તે જ લાંબો સમય લે છે. આ તબ્બક્કે રિસુસિટેશન અશક્ય છે

મૃત્યુની છેલ્લી ઘડીઓમાં વ્યક્તિના દેહ અને મનમાં શું થયું છે તે તો અંગત ધાર્મિક અને સાંસ્કૃતિક ઘડતર અને માન્યતાઓ પર આધારિત છે..કોઈને તેમના માનેલા દેવદેવીની ભ્રમણાં થાય કે જીસસ અને મહમ્દ કે યમ અને ભગવાન પણ દેખાય. કોઈ બાળપણમાં સરી જાય. પણ અત્યારે હું તો મેડિકલ પ્રક્રિયાની વાતો જ કરી રહ્યો છું

આપણે બધા જ જાણીયે છીયે કે હૃદય અટકી જાય પછી, શરીર તરત જ ઠંડું થવા માંડે છે. આ તબક્કો એલ્ગોર મોર્ટિસ અથવા ડેથ ચિલ તરીકે ઓળખાય છે. દર કલાકે, 1.5 ડિગ્રી ફેરનહીટ (0.83 ડિગ્રી સેલ્સિયસ) રૂમ ટેમ્પ્રેચર આવે ત્યાં સૂધી ઘટતું જાય છે.

મૃત શરીરના બધા જ અંગો એક સાથે મરતા નથી. સ્કીન સેલ કે આંતરડાના બેક્ટેરિયા થોડા સમય માટે જીવંત રહે છે. પડી રહેલી લાશમાંના લાઈવ બેક્ટેરિયા શરીરને જ ખાવાનું શરૂ કરે છે. શરીરનો રંગ બદલાતો જાય છે. તીવ્ર દુર્ગંઘવાળો ગેસ પેદા થાય છે. ગેસથી શરીર ફૂલવા માંડે છે. ચામડી સંકોચાતા નખ અને વાળ બહાર આવે છે.  

ધર્મ અને સંસ્કૃતિ હંમેશાં મૃત્યુ સાથે સંકળાયેલા હોય છે. મૃત્યુ એક વિષય એવો છે જેની ઘણા લોકો ચર્ચા કરવા માંગતા નથી, પરંતુ તે જીવનનો એક ભાગ છે જેનો આપણે બધાએ જ સામનો કરવો પડશે. આપણે જનમ્યા છીએ એટલે મરવાનું તો નિશ્ચિત જ છે. મૃત્યુ  વિશે જેમ વધુ જાણીયે તેમ તેનો ડર ઓછો થઈ જાય છે. ડાયીંગ ઈઝ એ પ્રોસેસ. એમાંથી કોઈ મુક્ત નથી. વી ઓલ આર ગોઈંગ ટુ ડાય.

શ્વાસ ધીમી પડવાની પ્રક્રિયા એ મ્રૂત્યુ નજીક જવાની કુદરતી પ્રક્રિયા છે. સેન્સીસ ગુમાવતા જવાય. વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું નથી પણ માનવામાં આવે છે કે સાંભળવાની શ્રવણેન્દ્રિય હિયરિંગ સેન્સ સૌથી છેલ્લે જાય છે. એટલે જ આપણે મરનારના કાનમાં મોટેથી એમને શાંતિ મળે એવા ટુંકા વાક્યો કે ભગવાનનું નામ બોલીયે છીએ. સ્વજનો તેમના છેલ્લા વિચારો અને પ્રેમ પ્રિયજનના અંતકાળે વ્યક્ત કરે છે. માનવામાં આવે છે કે તેઓ સાંભળી શકે છે કે આપણે શું છીએ કહે છે. અને એ શાંતિથી દેહ છોડે છે”
 આપણે જોયું કે આપણી નજર સામે જ્યોતિફોઈએ શાંતિથી વિદાય લીધી. સ્વજનની વિદાયનો પણ ઉત્સવ મનાવવો જોઈએ.

આપણે જાણીયે છીએ કે કેટલીક વિદાય વસમી હોય છે. આપણે કાળ નક્કી કરતા નથી તો પણ સાહજિક જીવનનો અંતકાળ  અક્સ્માત, હત્યા, આત્મહત્યા જેવા બાહ્ય પરિબળોને કારણે અચાનક આવી પડે ત્યારે અકાળ મૃત્યુની વેદના સ્વજનો માટે સહન કરવી કઠણ છે.

સદ્ભાગ્યે આપણા જ્યોતિફોઈ ખૂબ જ સારું જીવન જીવ્યા. સૌને ઘણો પ્રેમ આપ્યો અને બધાનો અઢળક પ્રેમ પામ્યા એમના જેવું દીર્ઘ અને ઉમદા જીવન બાધાના પ્રારબ્ધમાં હોતું નથી. આપણી નજર સામે મેડિકલ પેઇન કે શારીરિક વેદના વગર એમણે શાંતિથી એમનું ઇવન સમેટી લીધું છે. સ્કુલમા ગયા વગર મેટ્રીક સૂધીનો અભ્યાસ કર્યો અને કોલેજનું શિક્ષણ લઈને પ્રોફેસર પણ બન્યા. આપણે સૌએ એમના વિદાયનું દુખ અનુભવવાને બદલે એમના જીવનમાંથી ઘણું જ શીખવાનું છે.

ડોક્ટરે સાદી ભાષામાં ઘણું સમજાવ્યું. અને સરસ સમાપન પણ કર્યું. આ ચંદુભાઈના પાનના ગલ્લાની વાત ન હતી. જીવનની આખરી પળોની ગંભીર વાતો હતી. ચાવાલા કુટુંબને ધૈર્ય રાખવાનું સાંત્વન આપી હું અને કેદાર ઘરે જવા નીકળ્યા.

Advertisements

8 ટિપ્પણીઓ (+add yours?)

 1. kaushikamin
  જુલાઈ 18, 2017 @ 08:29:40

  Wonderful explanation of Death Phase.

  Liked by 1 person

  જવાબ આપો

 2. Pravin Patel
  જુલાઈ 19, 2017 @ 17:15:49

  આ તમારો ચંદુ ચાવાળો અને કપિલ શર્માનો ચંદુ ચાવાળો બન્ને જુદાં કે એક જ છે ?

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જુલાઈ 19, 2017 @ 19:45:51

   તદ્દન જૂદા. ચંગુ ચાવાલા કેરેક્ટરનું સર્જન કપિલ શર્માના શોનું અસ્તિત્વ નહતું તે પહેલાનું છે. પ્રેમાળ ધનાઢ્ય મિત્ર છે. એમ.એસ.સી ગોલ્ડમેડાલિસ્ટ છે પણ નોકરી નહિ પણ બિઝનેશ જ કર્યો છે. સરસ ગુજરાતી, અંગ્રેજી અને સ્પેનિસ બોલી શકે છે પણ મારી સાથે સુરતી ભાષામાં જ વાત કરે છે. ચાની કિટલી વાળો અા વાળો નથી. ચની પેટીઓનો જથ્થાબંદ વેપારી કુટુંબનો દિલાવર માણસ છે.

   Like

   જવાબ આપો

  • pravinshastri
   જુલાઈ 19, 2017 @ 19:51:39

   ચંદુચાવાલા ના પાત્ર સાથે પ્રવીણ શાસ્ત્રીની પત્ર ગુંથણી સાથે અમેરિકામાં સુરતી મિત્રોની વાત અને અમેરિકન લાઈફ સ્ટાઈલની વાતો જૂદા જૂદા કેરેક્ટર દ્વારા થતી રહે છે. એમાં જાણવા જેવી વાતો પણ આવી જાય છે.
   વાંચીને પ્રતિભાવ આપવા બદલ આપનો આભાર પ્રવીણભાઈ.

   Like

   જવાબ આપો

 3. મનસુખલાલ ગાંધી
  જુલાઈ 19, 2017 @ 21:52:03

  મૃત્યુ માટેની અને અંત સમય વખતની આટલી બધી જાણકારી પહેલી વખતજ મલી. વાર્તા લખનારા પ્રવિણભાઇ આવો સરસ જીવન અને મૃત્યુ વિષે પણ લેખ લખી શકે છે, એ પણ એક કુદરતજન્ય હથોટી કહેવાય.

  સૌમ્ય શબ્દોમાં બહુ સુંદર અંજલી આપી છે.

  જ્યોતિફોઈના આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના..

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જુલાઈ 20, 2017 @ 01:12:20

   ગાંધી સાહેબ એઝ યુઝવલ જ્યોતિફોઈ અને બધાજ પાત્રો કલ્પીત જ છે. માત્ર માહિતીનું સંકલન ચંદુભાઈની વાતોમાં વણાયુ છે. આપનો આભાર મનસુખભાઈ.

   Like

   જવાબ આપો

 4. pragnaju
  જુલાઈ 29, 2017 @ 10:16:03

  वाह्

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: