“મનીયાની ડાયસ્પોરિક કિસ”

“મનીયાની ડાયસ્પોરિક કિસ”

મનિયાની કિસ

સૌથી પહેલાં કહી દઉં કે આ ઈન્ડિયાની વાત નથી. અમેરિકાના દેશી વિસ્તારમાં રહેલા, અમારી કોઈપણ જાતના બંધારણ વગરની ડાયસ્પોરા ક્લબના દેશીઓની વાત છે. “હુરત”ની આજુબાજુના તાપીથી વાપી વચ્ચેના ગામોના અમે બધા દોસ્તારો એક જ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષમાં રહીએ. દર ફ્રાયડે રાતના કોઈકને ત્યાં અમારી મહેફિલ જામે. કોઈને કાંઈ તકલીફ હોય, અમે બધા ભેગા થઈને રસ્તો કાઢીયે. એક જાતનું સપોર્ટગ્રુપ.

અમે બધા ચાલીસ પિસ્તાળીસના. એમાં બધા કરતાં નાનામાં નાનો છવ્વીસ વરહનો મરોલીનો મનિયો અને અમારા ગ્રુપમાં સૌથી મોટા પંચાવનના વલહાડ(વલસાડ) ના વડીલ વસંતરાય દેહાઈ (દેસાઈ).

એકદમ સીધો સાદો, ભલો ભોળો, મનીયો એટલે કે મનુ, અમારી વાઈફોને માટે લાડકા મનુભાઈ. અમે હુરતીઓ ‘વાઇવ્ઝ’ બોલવું જોઈએ એવો આગ્રહ નથી રાખતા. અમે જેને પ્રેમથી મનીયો કહીએ તે એના સાસરિયાઓ માટે મનહરલાલ. હન્ડ્રેડ પર્સન્ટ નિર્દોષ “માણહ”. અમારા મિત્રમંડળમાં બસ ગોળની ગાંગડીની જેમ ગળાઈ ગયેલો. આમ તો મનુભાઈ માત્ર બારમા ધોરણ સૂધી જ ભણેલા પણ, સાસરીયાઓએ જ “નૌહારી”ની(નવસારીની) બેન્કમાં લગાવેલા. બેન્કે દેવાળું કાઢેલું એટલે નોકરી વગરના મનહરલાલને લાગણીવાળા સાસરીઆઓએ જ આમતેમ દહ પંદર લાખ વેરી, આટાપાટા કરીને પોતાની દીકરીના સુખ ખાતર અમેરિકામાં ધકેલી દીધેલા.  બે વરાહ પે’લ્લા જ એ મનીયો ફૂટડી મેનકા હાથે અમેરિકા આવેલો અને અમારા ગ્રુપમાં દાખલ પડી ગઈલો.

અમારી એડલ્ટ ટોળકીમાં ઈન્ડિયા અમેરિકાનું રાજકારણ, અમારી જોબ, વર્ડઈકોનોમી, અમારી બાઓ અમારા બાબાઓની મોમ કરતા રસોઈકળામાં કેટલી એક્ષપર્ટ હતી એવી મરચાં લાગે તેવી વાતો, દેશી અને અમેરિકન ભીંડાના ભાવો, વેજી અને નોનવેજી જોક્સ બધું જ ચાલે. જો નોનવેજ જોક ચાલતો હોય તો મનીયાની મેનકા રસોડામાં ભરાઈ જાય અને મનીઓ પણ એટલો શરમાળ કે અમારી મર્યાદા રાખતો હોય એમ નીચું જ જોઈ રહે. બસ નિર્બંધ આનંદ. અડધી રાતના ભાભીઓ વ્હાલી વ્હાલી ગાળ પ્રદાન કરીને પણ અમારી ફરમાઈસ પર ફરસાણ માટે પેણી પણ ચડાવે.

મેનકી એટલે બધી ભાભીઓની નાનામાં નાની દેરાણી મીઠડી મેનકા. સામાન્ય રીતે અમે રાત્રે નવ વાગ્યા પછી નિરાંતે ભેગા થઈએ પણ આજે બધાને ત્યાં એકાએક સાજે છ વાગ્યામાં જ મેનકાનો ફોન આવ્યો. “જલ્દી મારે ઘેર આવો, હું તો બરબાદ થઈ ગઈ. મને હું ખબર કે અમેરિકા આવીને તમારો નાલ્લો નિર્દોષ મનુ, ગોરકીની હાથે બાઝમ્બાઝી કરવાનો છે. માંડ માંડ વાસંતીભાભીએ ઠેકાણે પાડ્યો ત્યાં ભવાડા કરીને જોબ હૌ ગુમાવી. જોબ ગઈ. ઈજ્જત ગઈ. તમે જલ્દી આવો.” બસ મેન્કીની રાડે અમે બધા ખાધા પીધા વગર એના એપાર્ટમેન્ટમાં ધસ્યા. ‘એકદમ શું થયું?’

મનીયો સોફા પર ટૂંટિયું વાળીને, ઘૂંટણ પર માથું ટેકવીને બેઠો હતો. અમારા વાસંતીભાભી એના પપીને ‘સીટ’ કહે અને એ ડાહ્યું થઈને સોફા પર બેસી જાય એમજ સ્તો.

મનિયાએ જોબ પરની મારિયાને કિસ કરી. અને વાસંતીભાભી એ જ એને ફાયર કર્યો. એકદમ સિરિયસ સીચ્યુએશન. અમારા વડીલમિત્ર વસંતરાયના વાઈફ, દેહણ, વાસંતીબેન એક પ્રાઈવેટ કંપનીમાં હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટમાં સીનિયર ક્લાર્ક. મીઠડી મેનકાએ વાસંતીભાભીને મસ્કા મારેલા. ‘તમારા ભાઈને જોબ અપાવી દોને, તમે તો બહુ મોટા મેનેજર છો. તમારી ઓફિસમાં તમારું આટલું યે ના ચાલે?’  વાસંતીભાભીએ વટને ખાતર એની મહાકાલિકા હેડંબા બોસને મસ્કા મારી મનાવી લીધી. બસ વાસંતીભાભીનું ચાલી ગયું. એણે અમારા મનીયા, મનુભાઈને  કંપનીના વેર હાઉસમાં જોબ અપાવી દીધી.

જે મનીયો જોબ પર બધાને જ સર, મેડમ કરીને વાત કરતો જાય, બધાનું દોડી દોડીને કામ પણ કરે. અરે બીજા વર્કરના ભાગનું પણ કામ ઉત્સાહથી કરી દે તે અમારો મનીયો જોબ ગુમાવીને, મોં લટકાવી ને બેઠો હતો. આજે બેકાર થઈ ગયો હતો. અમારા મનીયાને જોબમાંથી ફાયર કર્યો. પાણીચું મળી ગયું. જોબ અપાવનાર પણ વાસંતીભાભી અને પીંક સ્લીપ આપનાર પણ વાસંતીભાભી.

અને કારણ?  મનિયા મારીયાની સેક્સી કિસ.

સીસી ટિવી પર મનુભૈ અને મારિયા કિસ કરતા ઝડપાયા. સિક્યોરિટિ ઓફિસ, મેઈન ઓફિસમાં બધાએ એ નિહાળ્યા. અરે ખૂદ વાસંતી દેસાઈએ પણ રિવાઈન્ડ કરેલા સિક્યોરિટી મોનિટર પર, મનીયા અને મારિયાને વળગીને કિસ કરતા જોયા. કાળી હેડંબા મેનેજરે રીપીટ કરીને બતાવ્યા. વેર હાઉસના બાર પંદર વર્કરો પણ તાળી પાડીને ચીયર્સ કરતાં દેખાયાં હતાં એવું ભાભીજી કહેતા હતાં. પિંક સ્લીપ આપ્યા વગર છૂટકો ન હતો. કારણકે એ સેક્રેટરી તરીકેની દુઃખદ ફરજ હતી.

અમે માનવા તૈયાર ન હતા. અમારા મતે મનીયો કોઈ પણ દિવસ એવું કરે જ નહિ. વડીલ વસંતરાયના મતે તો કરે તો એ કંઈ મોટી વાત જ નથી. અમેરિકામાં કાંઈ નવાઈની વાત નથી. અમારા ‘હુરતી’ હસમુખની વાત હોય તો તરત માની લઈએ પણ મનીયો? અમારી વાઈફોનો મનુભૈ? બને જ નહી. વાત જો ‘હાચી’ હોય તો અમે તો ચોક્કસ એને શાબાશી જ આપીએ. પણ બિચારો મનીયો કોઈ મોટી જબ્બર જસ્ત મિસઅંડરસ્ટેન્ડીંગનો વિક્ટિમ હોય એવું લાગેલું. અમે બધા એને પ્રેમથી પૂછીયે કે અલ્યા શું થયું તો પણ એ મોં ખોલે જ નહિ.

વાસંતીભાભીએ મનુ માટે કંઈ નહિ કર્યું એટલે વસંતરાયે ટોણાં પર ટોણાં માર્યા. ‘દમ વગરની દેહણ.’

એમાં મેન્કીનું રડારોડ વાળું સતત ઈનટ્રોગેશન. વાસંતીભાભીએ તો કહી દીધું, ‘મેં પણ મનુભાઈને મારિયા સાથે બાઝીને કિસ કરતા ટીવી પર જોયા હતા, અને મારે તો બોસ કહે તે પ્રમાણે કરવું પડે. મનુભાઈ તો ઓફિસમાં રડ્યા પણ કશું જ બચાવમાં બોલ્યા નહિ, હું શું કરુ? મારિયા તો થેન્કસ કહીને ચાલી ગઈ. એટલું જ નહિ પણ જતાં જતાં મનુભાઈને હેડંબાના દેખતાં મનુભાઈને હગ કરીને કહેતી ગઈ કે “હની, ડોન્ટ વરી. સી યુ ઓન મનડે” મારાથી વેરહાઉસમાં જઈને પૂછાય પણ નહિ કે હકિકત શું છે?’

‘પણ મનુભાઈ હવે તો બોલો શું થયું? મન્ડે ફરી કાળીમાતાને સમજાવી જોઉં’

અમે એને હિમ્મત આપી ‘એક વીકમાં તને બીજી સારી જોબ અપાવી દઈશું. ચિતા છોડ પણ શું થયું તે તો કહે? અલ્યા તું તો છૂપો રૂસ્તમ નીકળ્યો!’ અમને એની જોબ ગઈ તેની ચિંતા ન હતી. એ તો બધાની જાય અને બીજી પહેલાં કરતાં સારી પણ મળે. અમને તો અમારા મનીયાની રોમાન્ટિક ડાયસ્પોરા કિસમાં ઈન્ટરેસ્ટ હતો.

‘મારામાં હું વાંધો પઈડો કે ગોરકીની હોડમાં ભરાયા? રોજે રોજ તો તમને જોઇતું તમારી રીતે આપતી ઉતી તો હો? મારા બાપે પંદર લાખ ખરચીને મારા આ સુખને હારુ અમેરિકા મોકલ્યા હતા? મારા બાપે જમાઈને ગોરકીના થુંક ચાટવા મલે એટલા હારુ વીસ લાખનો જગન કર્યો હતો? મારા માબાપે પચ્ચીસ લાખ, મારી શોક લાવવા કૂવામાં લાખ્યા હતા.’

 મીઠડી મેનકી રડતાં રડતાં દર પાંચ સેકંડે સીધા પાંચ લાખ ઉમેરતી જતી હતી.

છેવટે મનહરલાલે મોં ખોલ્યું. અમને બધી વાત પુરેપુરી કરી દીધી. વાત સમજાઈ. હવે જ્યારે બે જણા કિસ કરતા હોય ત્યારે કોણ કોને કિસ કરે એ નક્કી કરવાનું અઘરું તો ખરું જ. હવે અમે અમારા મનિયાનો જરા પણ દોષ કે વાંક કાઢતાં નથી. એનો દોષ જ નહિ. એતો નિર્દોષ એટલે નિર્દોષ જ. દોષ હોય તો મારિયાનો જ. દુઃખ એ વાતનું જરૂર હતું કે અમને મારિયા જેવી સહકર્મી મળી ન હતી.

જૂઓ તમને માંડીને વાત કરું. પછી તમે જ જજ્મેન્ટ આપજો, બિચારા મનિયાનો શો દોષ?

અમે સમજીએ છીએ કે અમેરિકન ફેકટરી જગતનું આપને તો ખાસ જ્ઞાન ન હોય એ સ્વાભાવિક છે. પણ જેંમણે અહિ જાત જાતના નોકરા ફાડ્યા હોય તેઓ તો જાણે જ કે નાની કંપનીની ઓફિસોમાં છોકરીઓ વધારે હોય અને પ્લાન્ટ, મશીન વર્કશોપ, વેરહાઉસમાં ભાયડાઓ વધારે. કાયદાઓ તો બધ્ધા જ પણ પાલનને નામે ઝીરો.

પ્લાન્ટમાં ખૂણા પર એક ક્યુબિકલ ઓફિસ હોય, તેમાં ભંગાર ટેબલ ખૂરસીઓ હોય, દિવાલ પર પ્લેબોય મેગેઝિનના સેન્ટરફોલ્ડ ફોટાઓ હોય. નો સ્મોકિંગની સાઈન નીચે જ માથાભારે ફોરમેન ધુમાડા પણ કાઢતો હોય. ડસ્ટબીન્સ અને ગાર્બેજ ખાલી બિયરકેનથી ઉભરાતા હોય, રેડિયો પર ક્યાં તો મ્યુઝિક કે સ્પોર્ટસ બ્લાસ્ટ થતું હોય અને કાળા ગોરા વર્કરો ના હાથ અને ખુલ્લી છાતી ટેટ્ટુથી ભરેલા હોય સામાન્ય વાતમાં પણ બધાના મોંમાંથી ફ..ફ…ફ ચાલ્યા કરતું હોય. બસ એવા વર્કિંગ એનવાય્રોમેન્ટમાં અમારો મનિયો નીચું જોઈને કામ કર્યા કરતો હતો.

એક વાર એણે જ કહ્યું હતું કે અમારા વેરહાઉસમાં તો એવા એવા ગંદા ફોટા હોય ને બધા એવી એવી વાત કરે કે મને તો બૌ શરમ આવે. ભાભીએ તો કોઈપ્ણ વાર વેરહાઉસમાં આવવા જેવું જ નહિ. હવે આવો સીધો સરળ મનિયો મારિયાને કીસ કરે ખરો?

પણ હા, બે વચ્ચે કિસ તો થયેલી જ.

ફરી પાછો મૂળ વાત પર આવું.

મનિયાની વાત અને વાસંતીભાભીની માહિતી પ્રમાણે મારીયા એક બિન્દાસ, બ્યુટિફુલ, બીગ બ્રેસ્ટેડ, બે વાર પરણીને ડિવૉર્સ લીધેલ મેક્ષિકન હોટ યુવતી. એ પેકેજીંગ સુપરવાઈઝર. કંપનીના ઓનર પ્રેસીડન્ટના એના પર ચાર હાથ. કેમ ચાર હાથ એની ચર્ચા જ નકામી. એને કામને માટે વેરહાઉસમાં વારંવાર જવું પડે. ફોરમેન સાથે બેસીને ગપ્પા મારે, સીગરેટ ફૂકે. ડોનાલ્ટ ટ્રંપની ‘લોકરરૂમ બોય્ઝ ટોક’ જેવી વાતોમાં પણ જોડાય. તોયે પાછી ખબરદાર. એને જેની સાથે જે છેડછાડ કરવી હોય તે કરે, પણ બીજાથી એને અડપલાં ના થાય. ક્યાં અટકવું એ સારી રીતે જાણે.

અમને જેમ મનીયો વ્હાલો તેમજ મારિયાને પણ એ ગમતો. મારિયા આપણા મનિયાને કાયમ “હાય હેન્ડસમ” કહીને ટિઝિંગ કરે. મનિયો બિચારો શરમાય. મનિયા માટે સૌ કોઈની જેમ એને પણ ભલી લાગણી. એને  કાયમ ચીઢવે અને શરમાવે.

આજે સવારે મારિયા વેરઉસમાં આવેલી. બધા મરદો સાથે ઠઠ્ઠા મશ્કરી ચાલતી હતી. ઈન્ડિયામાં જાહેરમાં કિસ ના થાય, હસબન્ડ વાઈફની સેક્સ સ્ટાઈલની વાત ચાલતી હતી. મનિયો બિચારો ઈન્ડિયન કલ્ચરના સ્પેસિમેન જેવો ડાહ્યો ડમરો થઈને ખૂણા પર ઉભો હતો. મારિયાએ એને બોલાવ્યો.

“હાય હેન્ડસમ, શો મી હાવ ડુ યુ કીસ યોર વાઈફ ઇન ઈન્ડિયા?”

બિચારા મનિયાનો બ્રાઉન ચહેરો લાલ તો નહી પણ જાંબુડીયા રંગનો થઈ ગયો. બિચારો શું બોલે? બધાએ એને ચડાવ્યો. મારિયા કહે કે મને કીસ કરી બતાવ તું તારી વાઈફને કીસ કેવી રીતે કરે છે?

“ના ના. અમે લોકો કીસ કરીયે જ નહિ. વી ડોન્ટ કિસ” મનિયાએ ભચડ્યું. ભચડાઈ ગયું.

ઓહ માય ગોડ. બિચારાએ એવું કહ્યું કે ટોળાને તો મજા જ પડી ગઈ. મારિયાએ એને ખેંચીને પડખામાં લીધો. “શો મી, હાવ ડુ યુ કિસ. ગો ઓન હેન્ડસમ. કીસમી.”

“નો નો નો નો આઈ કાન્ટ, આઈ કાન્ટ”

બીજી બાજુ, કીસ, કીસ કીસ કીસ. ક્લેપિંગ શરૂ થયું. મનીયાએ ગભરાતા શરમાતા ના છૂટકે મારિયાના ગાલ પર હળવી બકી કરી.

પાછી બુમો પડી…. નો, નો, નો, નો. હેન્ડસમ નોટ ધીસ વે.

પછી મારિયાએ, ‘ધીસ વે’ કહીને, આપણા ભોળા મનીયાના હોઠ પર એના હોઠ જોરથી ચીપકાવી દીધા. તે જરા વાર માટે નહી ખાસ્સા લાંબા સમય માટે. ઈટ વોઝ જ્સ્ટ ઈનોસન્ટ ફન ટાઈમ.

પણ આ ફન ટાઈમ એટલે મનિયાની જોબનો મહાવિનાશ.

આનંદના અવાજો અને સીસી ટીવી પર નો વેરહાઉસનો સેક્સી સીન જોઈને “મહાકાલિકા હેડંબા – પરસનલ મેનેજર” વેરહાઉસમાં દોડી આવી.  એણે જોયું તો બિચારો મનુ મારિયાને ચીપકેલો હતો. મનુ મારિયાથી છૂટા થવા મારીયાનો ખભા ઢકેલતો હતો પણ બિચારાને ભાન કે ધ્યાન ન હતું કે એનો હાથ ખભા કરતાં નીચો હતો. ખભો નહિ પણ કંઈ જૂદું જ ઢકેલતો હતો. આ તો ન જ ચાલેને!

મારિયા અને પરસ્નેલ મેનેજર મહાકાલિકા વચ્ચે કાયમ યુધ્ધ ચાલતું રહેતું. બન્નેની સિનિયોરીટી સરખી. મહાકાલિકાને વાઈસપ્રેસિડન્ટનો સપોર્ટ. એને મારિયા સાથે હિસાબ ચૂકવવાનો હતો એટલે એને તક મળી ગઈ. બન્નેને વાઈસ પ્રેસિડન્ટ પાસે ખેંચી ગઈ. ઈન્ડિસન્ટ એક્પોઝર જેવું કંઈક ગણીને બન્નેને પિન્ક સ્લિપ આપવાનું કામ વાસંતીભાભી ને જ સોંફાયું. ભાભીને તો પૂરી વાતની ખબર પણ નહી. એને તો એની બોસનો ઓર્ડર એટલે કરવું પડે. બિચારો મનુ નામનો બકરો વધેરાઈ ગયો. બધી પૂરી વાતની તો હમણાં ખબર પડી. મજાની સજા થઈ. બિચારો મનીયો ઘેર આવ્યો. મેનકીના ‘મારા તો ભાગ્ય ફૂટી ગયા’ના છાજીયા નોન સ્ટોપ ચાલુ રહ્યા. શું બોલવું તે સમજાતું ન હતું.

 થોડીવાર માટે, જાણે મનિયાના બાપા ઉપર ગયા હોય એવો શોકનો માહોલ હતો. અમે બધા ભૂખ્યા તરસ્યા દોડી આવ્યા હતાં. પાડોસીને ત્યાં મરણ થયું હોય એમ બાજુમાં જ રહેતી અમલસાડી અંજુ અમારે માટે ચા લઈ આવી.

ભાભીને આપણા નિર્દોષ મનિયાને પિન્ક સ્લિપ આપતા જરા પણ વિચાર ન આવ્યો? અમે બધા મનિયાને ક્યાં ઠેકાણે પાડવો તે વિચારતા હતા. હમણાં સાલુ જોબ માર્કેટ પણ ડાઉન છે. બધે લે ઓફ ચાલે છે. મોટેલિયો મંગુ ઈન્ડિયા ગયો છે બાકી એ એને ઠેકાણે પાડી દેત. હુરતનો હરિયો જોબ પર એના બાપનું જ રાજ ચાલ્તું હોય એમ ડંફાસ મારતો પણ એ હૌ પાણીમાં બેસી ગયો.

જાણે મારિયા મનિઆનું વસ્ત્રાહરણ કરી ગઈ હોય અને મનિયા માટે અમે કાંઈ ન કરી શકતા હોય એવી ફિલિંગ સાથે પાંડવોની જેમ લાચારીથી નતમસ્તકે વિચારતા રહ્યા.

એટલામાં વાસંતીભાભીના શેલ ફોન પર ગાયત્રી મંત્રનો રીંગ ટોન વાગ્યો. એમણે નાક પર આંગળી કરી. અમે ચૂપ થઈ ધીમે ધીમે થતી વાત સાંભળતા હતાં.

‘યસ,’

‘વ્હોટ?’

‘હં.’

‘હં,’

‘હં.’

‘આઈ ડોન્ટ બીલીવ ઈટ.’

‘આઈ હોપ યુ આર નોટ કિડિંગ.’

‘વાઉવ. યુ નૉટી ગર્લ. આઈ નો, માય મનુ ઈઝ ગુડ બોય. નો…. હી ઈઝ રીયલ જેન્ટલમેન.’

‘હં.’

‘થેન્ક્યુ. ગ્રેઇટ રીલિફ. ઈસ ઈટ ઓફિસિયલ ઓર કોન્ફિડેન્શિયલ?’

‘હં’

‘કેન આઈ ટેલ હીમ?’

‘યુ આર ગ્રેટ.’

ભાભીએ ફોન મૂકી દીધો. અમારી સામે જોઈ રહ્યા. ઘડીકમાં મનિયા સામે, ઘડીકમાં મેન્કી સામે.

એ કંઈક ધડાકો કરવાના હોય એમ અમે વાસંતીભાભી સામે જોઈ રહ્યા. એ બધાની વાઈફો(કોઈએ અમારું ઈંગ્લિશ સુધારવાની જરર નથી.) કરતાં ઉમરમાં મોટા અને પાવરફૂલ દેહણ. એની નજર ફરતી હોય ત્યારે અમે  એની સામે યે ન જોઈએ. છેવટે એણે એના દેહાઈ પર નજર સ્થિર કરી.

“જે કંઈ ભસવાના હોય તેમ ભસો ને. આમ ડાગીયાની જેમ મારી સામે શું ઘુરક્યા કરો છો? મને તો તમારા રાજમાં કોઈને કીસ કરવાની તક નથી મળી. હં હં કરીને બે કલાક કોની સાથે મનીયાની વાત કરતા ઉતા?” વસંતરાય દેહાઈ ઉવાચ.

એક ત્રાડ પડી ‘આ જનમમાં બીજીની હાથે કીસ કરવાની તક મલવાની હૌ નથી દેહાઈ, આઈ એમ હંગ્રી. ઓર્ડર પીઝા ફોર એવ્રીબડી. હાહરિનાઓ બૈરા બનાવે તેની રાહ જોઈને બેઠા છો. મનુભાઈની જોબ જરા વાર ગઈ તેનું હું બેસણું માડ્યું છે?’

‘સોમવારથી મનુભાઈની જોબ ચાલુ જ છે.’

‘વ્હોટ?’ એક સાથે અમારા બધાના ગળામાંથી પ્રશ્ન છૂટ્યો.

‘યસ.’

‘કેમ? શું થયું? કોનો ફોન હતો?’

‘પહેલા પિઝા; પછી બધી વાત.’

‘ના ના પહેલા વાત, પછી પિઝા.’

‘ઓકે ઓકે હું જ ઓર્ડર કરું છું. ભાભી પ્લીઝ સાચી વાત કરોને શું વાત છે? મેન્કીએ  વાસંતીભાભીનો હાથ પકડી લીધો.’

‘હમણાં મારીયાનો ફોન હતો. પિન્ક સ્લિપ લઈને એ સીધી અમારી કંપનીના ઓનર-પ્રેસિડન્ટને ત્યાં પહોચી ગઈ હતી. એણે એની ખાસ રીતે પ્રેસિડન્ટને સમજાવી દીધા. ટર્મિનેશન ઓર્ડર કેન્સલ કરાવી બન્નેની જોબ ચાલુ રખાવી. એટલું જ નહિ પણ એણે મનુભાઈને વેરહાઉસમાંથી એની જ ઓફિસમાં એને ટ્રાનસ્ફર પણ કરાવી દીધા. કલાકના ત્રણ ડોલરના રેઇઝ સાથેનું પ્રમોશન છે.’

‘ચાલો, દોસ્તો માત્ર પિઝા જ નહિ સાથે કેક પણ ખરી.’ અમે બધા હરખ માણતા હતા. ત્યાં મેન્કીયે બોમ્બ ફોડ્યો. ‘ભાભી, મારે એમને તમારી કંપનીમાં જોબ પર નથી જવા દેવા.’

‘કેમ?’ અમારા મોં પહોળા થઈ ગયા.

“કેમ શું? જે મારિયાએ વેરહાઉસમાં જઈને બધાના દેખતાં એમની છેડતી કરી તે મારિયા એમની સાથેને સાથે એક ઓફિસમાં હોય તો ખાનગીમાં તમારા ભોળાભાઈનું શું નું શું કરી નાંખે? મારા બાપના પચ્ચીસ લાખ તો પાણીમાં જ જાયને? નથી જોઈતી એવી જોબ.”

“જો મનિયાને જોબ ના કરવી હોય તો આપણે મારિયાના હાથ નીચે ઓછા પગારે પણ કામ કરવા તૈયાર છીએ. હની પ્લિઝ તારી લાગવગ લગાવ.” વલહાડી વસંતરાય દેસાઈ ઉવાચ. અને રસિક દેહાઈજી પર ધીર ગંભીર ભાભીએએ સોફા પરના પિલોનો છૂટ્ટો ઘા કર્યો.

ધીમે રહીને મેન્કીએ કહ્યું ‘ભાભી મારા વતી મારિયાને થેન્ક્યુ કહેજો. મને તમારા ભાઈ પર વિશ્વાસ છે.’

અમારા હુરતી હસમુખને સળી કરવાની કુટેવ. એણે કહ્યું. ‘મનિયા તેં મારિયા જેવી કિસ કરેલી તેવી કિસ તારી મેનકાને કરી બતાવ.’  બસ બધી ભાભીજીઓ એ જ કીસ કીસ કીસ કીસ શરૂ કરી દીધું.

મેનકી દોડીને બેડરૂમમાં ભરાઈ ગઈ.  મનિયો બાઘા મારતો ઊભો હતો. સદાયે ગંભીર રહેતા વાસંતી દેહણે મનિયાનો હાથ ખેંચી બેડરૂમમાં ધકેલી દીધો.

પછી શું થયું તે કહેવું જરૂરી નથી. અમને યે શું ખબર? અમે માત્ર અભદ્ર કલ્પના કરતાં રહ્યાં. જરૂર કરતાં રૂમમાં મનીયો મેનકી લાંબો સમય રોકાયાં હતાં એટલું જ. બસ અમે તો મનિયો પાછો ઠેકાણે પડ્યો એના આનંદમાં પીઝા અને ચીઝ કેઇક ઝાપટતા રહ્યા.

(ગુજરાત દર્પણ – ઓગસ્ટ ૨૦૧૭)

9 responses to ““મનીયાની ડાયસ્પોરિક કિસ”

  1. pravinshastri September 28, 2019 at 3:37 PM

    આપનો આભાર પ્રજ્ઞાબહેન,

    Like

  2. pragnaju September 28, 2019 at 10:24 AM

    હાસ્ય રસ થી ભરપૂર લેખ ઓછા જોવા મળે છે
    ટેમા અમારા હુરટી મનિયા અને મેનકીને સ રસ રમુજી માહોલ બનાવ્યો
    ફરી ફરી માણવી ગમે તેવી રમુજ કરાવતા રહો
    ધન્યવાદ

    Liked by 1 person

  3. જગદીશ મહંત August 10, 2017 at 9:55 PM

    સરસ આર્ટિકલ.
    ફક્ત મનીઓ ફોટામાં વલહાડીઓ જરાય લાગતો નથી.

    Liked by 1 person

  4. pravinshastri August 10, 2017 at 7:15 PM

    એક નાની કંપનીના મેઇન્ટેનસ પ્લાન્ટમાં કંઈક આવું જ બન્યું હતું. પણ વર્કર દેશી ન હતો.

    Like

  5. pravinshastri August 10, 2017 at 7:09 PM

    ના ભાઈ આતો માત્ર એક જ વાત છે. આગળ વધવામાં તો ઘર સંસાર ભાંગે.

    Like

  6. મનસુખલાલ ગાંધી August 10, 2017 at 5:50 PM

    આ નવા દાખલ થયેલા ઇન્ડો-અમેરિકન મનીયા યાને મનુભાઈ -મનહરલાલ એ મજા કરાવી દીધી.

    આવા “નસીબદાર” મનીયાની બધાને અદેખાઇ આવે તે સ્વાભાવિક છે. આવતા અંકમાં, ખાનગીમાં મનીયા અને મેનકા પાસેથી લીધેલો સાચેસાચો રીપોર્ટ જણાવજો…સાબિતી માટે જો તેઓએ ફોનમાં ફોટાઓ લીધા હોય તો તે પણ મુકજો. .

    Liked by 1 person

  7. harnishjani52012 August 10, 2017 at 5:00 PM

    હસા હસનું હુલ્લડ તે આનું નામ. બહુ સરસ. મઝા આવી. મનિયા અને મેનકીને બરબર જમાવો. હુરતી લે.ગ્વેજ ગમી.

    Liked by 1 person

  8. Vinod R. Patel August 10, 2017 at 3:08 PM

    આપના ચંદુ ચા વાળા ના પાત્રની જેમ આ નવા દાખલ થયેલા ઇન્ડો-અમેરિકન મનીયા યાને મનુભાઈ -મનહરલાલ એ મજા કરાવી દીધી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: