દેસાઈગીરી

દેસાઈગીરી

Dowery

‘અરે ઊર્વિઈઈઈ… ઓ ઊર્વિ,  સાંભળે છે?  ક્યાં મરી ગઈ?  પેલો તારો હગલો બોયફ્રેન્ડ ક્યારનો હોર્ન મારતો નીચે ઉભો છે.’

‘ગ્રાન્ડમા,  હું અહી બાથરૂમમા મરવા પડી છું.  નાહ્યને, પવિત્ર થઈને, બહાર આવું એટલે મારે માટે ગંગાજળ અને તુળસી પાન તૈયાર રાખજો.  દિવો પણ કરી રાખજો. અંડરટેકરને પણ ફોન કરી દેજો.’

‘અરે ભૂંડી, મરેને તારા દુશ્મન. જરાતો બોલવાનું ભાન રાખ.’  રંજનબા બોલ્યા.

ઊર્વિ ટુવાલ વીંટાળી બાથરૂમની બહાર નીકળી. સેલ ફોન કરી નીચે રાહ જોઈને ઉભેલા રોજરને અપાર્ટમેન્ટમા બોલાવ્યો. એ ઉપર આવ્યો. આખલા જેવો રોજર.  સફેદ દાંત સિવાય બધી રીતે કાળો હતો. અરે, જિન અને ટીશર્ટ પણ કાળા. ગોગલ્સ પણ કાળા.

આવતાની સાથે એણે  ઊર્વિને હગ કરી.  ઊર્વિ  હજુતો  ટુવાલમાં જ  હતી.

‘અરે ભગવાન, આ છોકરી કેવા કેવા દાડા દેખાડશે!  એનો બાપ જો આ જુએ તો એને જીવતી સળગાવી મુકે.’

એક દિવસ ઊર્વિએ  કહ્યું હતું,  “ગ્રાન્ડમા, મને મારો બોયફ્રેન્ડ મળી ગયો છે.  હી ઇસ ડાર્ક, ટોલ એન્ડ વેરી, વેરી, વેરી  હેન્ડ્સમ.”

“એ કોણ છે? …. ઈન્ડિયન તો છેને?… એનું નામ, ઠામ?  ફોટો?” ગ્રાન્ડમાના મોઢામાંથી પ્રશ્નોનું પૂર છૂટ્યું.

“અત્યારે કશું જ નહીં.  ઈન્ટરનેટ પર સર્ફિંગ…નહિ, નહિ….ફિશિંગ કરતી હતી. માછલી હૂકમાં આવી છે. જોઈએ શું થાય છે.  હમણા ડૅડી મમ્મીને પણ વાત કરવાની નથી.”

‘પણ બેટી, એ છે કોણ..?’

“મેં કહ્યુંને! …ડાર્ક, ટોલ એન્ડ હેન્ડસમ…. નથ્થીગ મોર ધેન ધેટ.”

રંજનબા મુઝાતા.  પણ એ વાતને પણ આજે સવા વર્ષ થઈ ગયું. કેટલીયેવાર પૂછ્યું’તું. પણ બિંદાસ અને લાડકી દીકરી હસવા  હસવામાં વાત ઉડાવી દેતી.

આજે સવારે જ તેણે રંજનબાને કહ્યું હતું   “મારો હેન્ડસમ એન્ગેજમેન્ટ રીંગ લાવવા દુબાઈ ગયો છે. આજે આવશે. આવતી કાલે એના પેરન્ટસને લઈને અહીં આવશે. પ્રપોઝ કરવાનો છે. ડેડી મામ્મીને હું રાત્રે ફોન કરીને બોલાવી લઈશ. અને ગ્રાન્ડમા આ તમારા સુપુત્ર મીન્સ મારા પરમ પૂજ્ય પિતાશ્રી, તમારા કરતાંયે જુનવાણી છે. પ્લીઝ એને જરા સમજાવી  પટાવી સંભાળી લેજોને!”

પણ આ કાળો, ઊંચો અને કદરૂપો તો આજે આવી પહોંચ્યો! રંજનબા વિચારતા હતા. અકળાતા હતા. આજે જ જો આ કાળીયા સાથે ઊર્વિ નાસી જશે તો એના બાપને હું શું જવાબ આપીશ!

રોજરે બે હાથ જોડી ‘નમસ્ટે’ કહ્યું.

રંજનબાએ નમસ્ટેનો પ્રત્યુત્તર નમસ્તેથી આપ્યો. એ કિચનમા ચાલ્યા ગયા.

ઊર્વિ તૈયાર થઈ બહાર આવી.

ફાટેલું જીન કે જે તેણે એંસી ડોલરમા ગઈ કાલે જ ખરીદ્યું હતું.  અને ઉભરાતા યૌવન પર, “ટ્રાય મી “  લખેલું  કાબર ચિતર્યું ટીશર્ટ  પહેર્યું હતું.

રંજનબાએ ઊર્વિને કિચનમા બોલાવીને ધીમે અવાજે પૂછ્યું.  “આ તારો બોય ફ્રેન્ડ છે? તું આની જ વાત કરતી હતી?”

ઊર્વિ હસી. “કેમ ગ્રાન્ડમા! જમાઈ તરીકે ચાલે એવો છેને?  ડાર્ક, ટોલ એન્ડ હેન્ડ્સમ.”

“સીધી વાત કર, આ તારો બોયફ્રેન્ડ છે?”  રંજનબાની ધિરજ ખૂટતી હતી.

“ગ્રાન્ડમા લેટ મી આસ્ક હીમ.” ઊર્વિ થંડે કલેજે વ્હાલી ગ્રાન્ડમાને સતાવતી હતી. રંજનબાએ અકળાઈને ઊર્વિના ગાલ પર મોટો ચિમટો ખણ્યો. સીધી વાત કરવી છે કે હું જાતે કાળીયાને ઘક્કો મારી બહાર કાઢું?”

“ઓઈ મા…મારો ગાલ છોડો. આજે તો તમે મને બે વાર મારી નાંખી. હું કહું છું.”

“એ બોય છે અને ફ્રેન્ડ પણ છે.  પણ મારો બોયફ્રેન્ડ નથી.  મારો પ્રોડ્યુસર છે. મારો બોસ છે. પરણેલો છે ને ચાર છોકરાનો બાપ છે. સરસ ધોળીને પરણેલો છે. હવે શાંતિને?”

“હાસ. મારોતો જીવ ઊચો ચઢી ગયો તો.   ઉકાળો બનાઉ?”  રંજનબા બ્લેક કૉફીને ઉકાળો કહેતા.

ઊર્વિએ કહ્યું ” તો હો જાય “

રોજર અને ઊર્વિએ બ્લેક કૉફી અને ડોનટને ન્યાય આપ્યો. રંજનબાએ એકલા દૂધમા ચાર ચમચી ખાંડવાળી કૉફી લીધી.

“આજે મારી કાર સર્વિસમા આપી છે એટલે રોજરની રાઈડ લીધી છે. આવતા મોડું થાય તો ચિંતા ના કરશો. હું ફોન કરીશ. કાલને માટે ડેડી મમ્મીને પણ ફોન હું જ કરીશ.

ઊર્વિ રાબેતા મુજબ કિચનમા રાખેલા દેવસ્થાનમાં પ્રણામ કરી, ગ્રાન્ડમાને હગ અને કીસ કરી, રોજર સાથે નીકળી પડી. ગ્રાન્ડ્માએ લોબીમાંથી નીચે જોયું તો રોજરની સ્પોર્ટ કન્વરટેબલ ઊર્વિને લઈને  જાણે ઉડતી હતી.

ઊર્વિના પિતા અને રંજનબાના પુત્ર વિરલ દેસાઈ હાર્ટફોર્ડમા ડેન્ટિસ્ટ છે. જુનવાણી રંજનબા પૌત્રી સાથે રહીને ઉદારમત વાળા થતા ગયા. ડૉ.વિરલ દેસાઈમાં આધેડ વયે દેસાઈગીરી જાગૃત થતી ગઈ. ઊર્વિના મમ્મી સુરુચિ હાઈસ્કુલમા ટિચર છે. વિધવા રંજનબા મનના મીઠા અને મોંના આકરા જાજરમાન દેસણ છે. ઊર્વિને જ્યારે પ્રિન્સ્ટોનમા એડમિસન મળ્યું ત્યારે સુરુચિ વહુએ  સાપ મરે અને લાકડી ભાંગે નહીં એવો રસ્તો કાઢ્યો.

“બા આપણે ઊર્વિને ડોર્મમાં રાખવાને બદલે કોલેજ પાસે બે બેડરૂમનો એપાર્ટમેન્ટ રાખીયે અને બા તમે ત્યાં રહી એમા પર નજર રાખો તો કેમ?  મગને પગ આવવા માંડ્યા છે. આડું અવળું કરશે તો અનાવલામા ઠેકાણું પાડવું અઘરું પડશે”

સુરુચિમમ્મીની વાત કંઈ ખોટી પણ ન્હોતી. ઊર્વિ એટલે બિંદાસ્ત છોકરી. રસ્તે ચાલતા સાથે દોસ્તી કરે. એ છોકરાઓને રમાડે કે છોકરાઓ એને રમાડે એ કળવું મુશ્કેલ. અકળાયા વગર વડિલોની કોન્ઝરવેટિવ સલાહોને રમુજમા હસતા હસતા ઉડાવી દે. ઊર્વિ અને ગ્રાન્ડમાના વિચારો ઉત્તર દક્ષિણ અને હાર્દિક કેમેસ્ટ્રી એક સરખી. બન્નેને પ્રિન્સ્ટોનના એપાર્ટમેન્ટમાં ફાવી ગયું.

ઊર્વિ ગ્રેજ્યુએટ થયા પછી ટીવી એન્કર બની ગઈ. ભલભલાના ઈન્ટરવ્યુ લેતી થઈ ગઈ. બીજાની વાત કઢાવે પણ પોતાની વાત મોમાંથી કાઢે નહીં.

એક વારતો ઊર્વિએ પૂછ્યું હતું ” ગ્રાન્ડમા તમે મેરેજ પહેલા ગ્રાન્ડપા કે બીજા કોઈ સાથે સેક્સ માણેલોકે?”

‘હાય…, હાયમાં…. વડિલને આવું તે પૂછાતું હશે. શું કળિયુગ આવ્યો છે? ક્યાં મારી પેઢી અને ક્યાં આ નફ્ફટ છોકરાંઓ.’

એક વાર ગમે તેને પરણીને ઠેકાણે પડે એટલે ગંગા નાહ્યા.

આજે રવીવાર હતો…. ગંગાસ્નાનનો દિવસ આવી પહોંચ્યો હતો.

ડેન્ટિસ્ટ ડૉ.વિરલ દેસાઈ અને સુરુચિબેન અને રંજનબા; ઊર્વિ પર ધૂંધવાતા બેસી રહ્યાતા. દિકરી ત્રેવીસ વર્ષની હતી. આતો અમેરિકા. સ્વત્ંત્રતા સ્વછ્ંદતા બની નાચતી હતી. દિકરીએ એની દેસાઈગીરી પર કાદવ ઉછાળ્યો હતો. પણ એક વાર એને જોઈ લેવો હતો. ઊર્વિ એને એરપૉર્ટપર લેવા ગઈ હતી. સુરુચિબેન વિચારતા હતા. જો કોઈ વ્હાઈટ હોયતો ચલાવી લઈશું. હવેતો આપણાંમા પણ  આવા ઘણા કેઇસ બને છે. પણ કોઈ બ્લેક હોયતો?…અરે કોઈ મુસ્લીમ હોયતો?…પચાવવાનુ ખરેખર અઘરું છે…

અને ઊર્વિ એક યુવાન સાથે દાખલ થઈ. તે ડાર્ક ન્હોતો. ઉજળો હતો. ઊંચો, પ્રભાવશાળી અને ખરેખર હેન્ડસમ હતો. એ બ્લેક નહતો પણ કદાચ આરબ હોયતો?

રંજનબાએ આવકાર આપ્યો “વેલકમ યંગમેન”

વિરલભાઈએ ઠંડા અવાજે પૂછ્યું ” વેર ઈઝ યોર પૅરન્ટ્સ?”

“એઓ રેન્ટલ કારમા આવે છે એટલે કદાચ વાર લાગી હશે. હમણાં આવી પહોંચશે.”

અરે, આતો ગુજરાતી બોલે છે! સુરુચિ બેનનો અગ્નિ શાંત થઈ ગયો.,,, હાસ!

ફરી ડોર બેલ…

ઊર્વિએ ડોર ઉઘાડ્યું.

આધેડ કપલ દાખલ થયું.

વિરલભાઈ ઉભા થઈ ગયા. આ કોણ? કોણ સુમન વશી? અલ્પના? તમેતો આફ્રિકા હતાને?

વિરલભાઈ મહેમાનને બાઝી પડ્યા.

“બા આ સુમનને ઓળખ્યો કે નહીં? અમદાવાદ હોસ્ટેલનો મારો રૂમ પાર્ટનર. અને આ અલ્પના અમારી સાથે જ ભણતી હતી. એ મૅડિકલમા ગયો અને હું ડેન્ટીસ્ટ્રીમા ગયો.”

“અરે સુમન આ છોકરો તારો છે?”

“મારા એકલાનો નહિ, મારો અને અલ્પનાનો.”

‘તને છોકરાંઓના લફડાની ખબર હતી?’

“હા મને ખબર હતી. જ્યારે મેં જાણ્યુંકે ઊર્વિ તારી દિકરી છે તો તને જરા સતાવવાનું મન થયું.”

“તો અમારા જમાઈની ઓળખાણ કરાવ.”

“હા આ મારો દિકરો ઉજ્જવલ કોન્ટીનેન્ટલ એરલાઈન્સમા ફર્સ્ટ ઓફિસર છે. મેં અલ્પના સાથે પ્રેમ લગ્ન કર્યા ત્યારે ફાંકામા ને ફાંકામા વાંકડો લેવાનો રહી ગયેલો. ઘણાં વર્ષે તક મળી છે. બોલ આપણા જુના રિવાજ પ્રમાણે કેટલો વાંકડો આપશે?”

“અરે, વાંકડો? તું તો ગળામા પાટિયા ભેરવીને બધાના માંડવામા બરાડા પાડતો હતો કે વાંકડાપ્રથા બંધ કરો. હવે અમેરિકામા વાંકડો માગે છે?”

“હું આપીશ…. લે આ કોરો ચેક…… જેટલા લખવા હોય તે લખ.”

સુમનરાયે ચેકમા એક ડોલર અને પચીસ સેન્ટનો આંકડો પાડ્યો.

10 responses to “દેસાઈગીરી

  1. pragnaju September 12, 2017 at 9:01 AM

    દેસાઈગીરી-દેસાઇઓમા વાંકડા પ્રથા મશહૂર -છોકરો પરણાવવો હોય તો કન્યાનો બાપ ધન આપે. વાંકડાની કિંમત જેટલી ઊંચી એટલી ખાનદાની વધારે! આજે પણ લગભગ ૯0 ટકા અનાવિલ છોકરા વાંકડો લે છે એવું એક અનુમાન છે. અમે આવી વાતમા ગંમ્મત કરતા કે- ”આપેલો માલ પાછો નહીં લેવાય” કેટલાકના અકુદરતી મરણમા આ વાર્તાનો અંત માણી

    મન પ્રસન્ન…………..

    Like

  2. pravinshastri September 2, 2017 at 8:24 AM

    માનનીય વિનોદભાઈ મારા ઘણાં દેસાઈ મિત્રો સાથે જ ઉછર્યો છું. એઓની વાત વિચારની ખાસિયતો અલાયદી જ હોય છે. બસ એમાં ની જ એક વાત રજુ કરી છે.

    Like

  3. Vinod R. Patel September 1, 2017 at 12:13 PM

    સ્વત્ંત્રતા સ્વછ્ંદતા બની નાચતી હતી. વાહ, સરસ અભિવ્યક્તિ .

    નવા- જુના સમયની ટૂંકી પણ મજાની સત્ય ઘટના લાગે એવી રસ દાયક વાર્તા ગમી ગઈ. એમાં રહેલો સંદેશ પણ સરસ છે .

    Liked by 1 person

  4. pravinshastri August 31, 2017 at 11:13 PM

    આ માત્ર હળવી વાર્તા જ છે. ત્રણ જનરેશનના વિચારો અને અનાવિલ પરિવારોની ટીપીકલ વાતો છે. વિપુલભાઈ કોઈ કોઈ વાર સમય કાઢીને વાંચતા રહેજો. આભાર.

    Like

  5. Vipul Desai August 31, 2017 at 10:26 PM

    તમારા ધ્યાનમાંના સાચા પાત્રો નામ બદલીને મુક્યા એવું લાગે છે.

    Liked by 1 person

  6. pravinshastri August 31, 2017 at 9:02 PM

    કશો વાંધો નહિ. આ બધા પાસવર્ડના ગોટાળામાં હું તો કાયમ અટવાઈ જાઉં છું.

    Like

  7. મનસુખલાલ ગાંધી August 31, 2017 at 8:08 PM

    બહુ મજા આવી ગઈ…

    મનસુખલાલ ગાંધી

    મારો પાસવર્ડ ડીસએબલ થઈ ગયો છે, નવો મેળવવા પ્રય્ત્ન કર્યો, પણ, જે રીત છે તે સમજાતી નથી, એટલે અભિપ્રાય નથી લખી શકતો.

    ________________________________

    Liked by 1 person

  8. pravinshastri August 31, 2017 at 3:54 PM

    થોડી સુરત જીલ્લાના દેસાઈઓની હળવી વાતો છે.

    Like

  9. Vimala Gohil August 31, 2017 at 1:49 PM

    ઉમદા દેસાઈગીરી.

    ________________________________

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: