“શાપિત શુભાશિષ.”

“શાપિત શુભાશિષ.”

जीवेत शरदः शतम् शतम्

अखंड सैभाग्यवती भव

**********

 

          ભીની આંખે શાંતિલાલને નર્સિંગ હોમમાંની એમની રૂમમાં એમના બેડપર બેસાડ્યા. વાંસા પર હાથ ફેરવ્યો,  વ્હિલચેરમાં બેઠેલા સરલાબાનો હાથ શાંતિલાલ પાપાના માથા પર ફરતો રહ્યો. શાંતિલાલ કશું સમજતા હતા કે નહિ; તે તો માત્ર ભગવાન જ જાણે, પણ બન્ને હાથે તમણે એમની “સરુ” એટલે કે સરલાબા નો એક હાથ પક્ડી રાખ્યો હતો. શાંતિલાલના દૃષ્ટિહીન નેત્રો માત્ર એમની સરુનો આભાસ જોતા અને કાન અવાજ ઓળખતા. એલ્ઝાઇમરને કારણે એમણે જગતની જાણકારી અને અન્યોની ઓળખ ગુમાવી દીધી હતી. ધીમે રહીને હાથ છોડાવ્યો.

      ‘લેટ્સ ગો બા, ડોન્ટ વરી, હી વીલ બી હેપ્પી હિયર. એવ્રી વીક હી વીલ વિઝિટ યુ.’ નર્સિંગહોમની નર્સે સધ્યારો આપતાં કહ્યું; અને કૃશકાય સરલામાની વ્હિલચેર ફરી એમ્બ્યુલન્સમાં ગોઠવાઈ. એમ્બ્યુલન્સ સ્ટ્રેચર પર બાને હળવે રહીને સૂવડાવી દીધા. એમ્બ્યુલન્સ સરલાબાને લઈ “ટેન્ડર કેર હોસ્પીસ હોમ” ને રસ્તે દોડવા માંડી.

          સરલાબાને છેલ્લા સ્ટેજનું લિવર કેન્સર હતું. એમની નેવું વર્ષની ઉપરની ઉમ્મરને લીધે કોઈ ઉપાય કારગત નીવડે એમ ન હતા. એમને માટે ત્રણ ચાર મહિના, ત્રણ ચાર અઠવાડિયા કે ત્રણ ચાર દિવસ કરતાં વધુ સમય ન હતો. દેહ તૂટતો જતો હતો. પણ કોઈ અગમ્ય કારણસર એમની ચેતના સજાગ હતી. સરલાબા પોતે પણ પોતાનો અંત જાણતા જ હતા. પંચોતેર વર્ષના દીર્ઘ લગ્નજીવન બાદ જીવતા જીવત પતિથી છૂટા પડવાની વેદનાએ શારીરિક વેદના ભૂલાવી દીધી. હવેનું ભવિષ્ય ટૂંકુ હતું અતિત લાંબો હતો. બંધ આંખે એઓ હોસ્પીસને પંથે જતાં જતાં પોતાના ભૂતકાળને જોતા હતા.

          સોળ વર્ષની ઉમ્મરે હાથમાં મહેંદી મુકાઈ હતી, શરણાઈના સૂરો વાગ્યા હતા. એને અખંડ સૌભાગ્યવતી ભવ અને શાંતિલાલને દીઘાયુષ્યના અનેક આશીર્વાદ મળ્યા. કેટલાકેતો હળવાશથી સો છોકરાંની માં થજે એવી શુભેછા પણ પાઠવી હતી. શાંતિલાલે હળવાશથી કહ્યું હતું. મારાથી તો સરુ વગર ના જીવાય. મને સૌભાગ્યવતો ભવ ના આશિષ આપો અને સરુને દીર્ઘાયુષ્યના આશિષ આપો.

          એ જમાનામાં કોઈ, વડીલ બહેનો કે કાકી, મામી, માસી, ફોઈ કે દાદી સાથે આવી વાત નહોતું કરતું. પણ શાંતિલાલે કરી હતી. બધી મહિલાઓએ “બૈરી ઘેલો શાંતિ” કહીને મજાક પણ ઊડાવી હતી.

         શાંતિલાલ કેમિકલ એન્જીનીયર થયા હતા. એઓ ચાર મોટી બહેનોના એક માત્ર નાના ભાઈ હતા.  હરખઘેલી નણંદો ભાભીનો ક્યારે ખોળો ભરાય અને કૂળદિપકનું નામ પાડવા જઈએ તે દિવસની રાહ જોતી હતી. લગ્ન થયાને બાર બાર વર્ષ વિતી ગયા. એ દિવસ ન આવ્યો. બહેનો અને માબાપ તરફથી સીધા આડકતરા બીજા લગ્ન માટેના સૂચનો થવા માંડ્યા. તે જમાનામાં અને તે સમાજમાં એની નવાઈ પણ ન હતી. પણ શાંતિલાલ સંસ્કારી અને પ્રેમાળ હતા. સરલાને ખૂબ જ પ્રેમ કરતા હતા. સરલાએ પોતે પણ બીજા લગ્ન કરવા વિનવ્યા હતા. પણ શાંતિલાલ મક્કમ હતા. એમણે સ્વીકારી લીધું હતુ કે એમના ભાગ્યમાં સંતાન સુખ ન હતું. એણે બીજા લગ્નની ના કહી. એક બહેને તો હદ બહારની ટીકા કરતાં સરોજને વાંઝણી પણ કહી દીધી. સરલા ખૂબ જ રડી હતી. સરલાના બચાવમાં શાંતિલાલે કહી દીધું કે “મેં ડોકટરી તપાસ કરાવી છે. સરોજમાં વાંધો નથી; વાંધો તો મારામાં છે.” બસ થઈ રહ્યું.

          કુટુંબ છોડીને શાંતિલાલ વિઝા મળતાં અમેરિકા આવી ગયા. શાંતિલાલની નોકરી સારી હતી. સરલા   ને જોબ કરવાની જરૂર ન હતી. ત્રણ દિવસ હોસ્પિટલમાં વોલેન્ટિયર તરીકે સેવા આપતી. બન્નેનો સંસાર સૂખી હતો. બન્ને વચ્ચે અપાર પ્રેમ હતો. એમણે અમેરિકામાં પચ્ચીસ અને પચાસમી લગ્ન જયંતિ મિત્રોની હાજરીમાં ભવ્ય રીતે ઉજવી હતી.

          શાંતિલાલ નિવૃત્ત થયા હતા. આનંદ અને સંતોષ પૂર્વક જીવન વહેતું હતું. પણ કહેવાય છે સુખ દુઃખ સદા ટકતા નથી.

          શાંતિલાલને એક રાત્રે સ્ટ્રોક આવ્યો. બચી ગયા પણ અડધા અંગની ચેતના ગુમાવી દીધી. ત્યાર પછી ડિમેન્ટીયા અને ઍલ્ઝાઈમરની પણ અસર થઈ. શંતિલાલ લાચાર થઈ ગયા. યુવાનીનો તરવરાટ અદૃષ્ય થઈ ગયો. શાંતિલાલની આંખોનું તેજ પણ ગયું. તેઓ સરલાનો માત્ર આભાસ જ ઓળખતા, મેડિકલ ઈન્સ્યુરન્સે હોમ નર્સિંગએઈડની સગવડ કરી આપી હતી પણ, મદદનીશ એમને મદદ કરવા જતી તો બાળકની જેમ રડવા માંડતા. એ સમજતા કે આ એમની સરુ નથી. નર્સ ખવડાવવાની કોશીશ કરતી તો આંખો બંધ કરી દેતા. મોં બંધ કરી દેતા. ખાતા જ નહિ. યુવાન સરુ હવે વૃધ્ધ સુરુમા થઈ ગયા હતા.એને જ એમને ખવડાવવું, નવડાવવું પડતું. ઝાડો પેશાબ સાફ કરતાં. સંસ્કારી દંપતિએ એક પ્રથા જાળવી હતી. રોજ રાત્રે બેડમાં સૂતા સૂતા શાંતિપાઠ બોલતા અને બેત્રણ ભજન ગાઈને જ સૂતા. સરુબા હવે બાળકને સૂવડાવતાં હોય એમ શાંતિલાલના માથાપર હાથ ફેરવતા, શાતિપાઠ બોલતા અને ભજન ગાતા. શાંતિલાલ બાળકની  જેમ ઊંઘી જતા.

          ધીમે ધીમે ખબર કાઢવા આવતા મિત્રોની આવન જાવન ઘટવા માંડી. સગાઓનો સંસાર તો હતો જ નહિ. સ્નેહી મિત્રો વૃધ્ધ અને પરવશ થઈ ચૂક્યા હતા. કેટલાક લાગણીશીલ મિત્રોએ તો એમના પહેલાં જ વિદાય લઈ લીધી હતી. દીર્ઘ વૃધ્ધાવસ્થાએ એમને એકલા પાડી દીધા હતા. સંબંધ રહ્યો હતો માત્ર પ્રોફેશનલ ડોક્ટર, નર્સ અને મદદનીશ એઈડ સાથેનો જ. એક વાર તો ઘરના ભગવાન સામે બેસીને સરુમા ખૂબ જ રડ્યા. હે ભગવાન મને જો એકાદ સંતાન આપ્યું હોત તો મારા શાંતિની સેવા કરનાર કોઈક તો હોત! અરે! શાંતિએ બીજા લગ્ન કર્યા હોત તો એનો પણ ભર્યોભાદરો સંસાર હોત. એની કાળજી રાખનારું કોઈક તો હોત.

          અમેરિકા આવ્યા પછી, ઘડપણના સહારા માટે સરલાએ એકવાર શાંતિલાલને કહ્યું હતું કે “ચાલો આપણે એકાદ બાળકને દત્તક લઈએ.” ત્યારે શાંતિલાલ હસતા હસતા એના ખોળામાં માથું મૂકીને સૂઈ ગયા. સરુ,  મને જ દત્તક લઈ લે. તારા ઘડપણમાં હું તારા દીકરાની જેમ જ સેવા કરીશ. પછી અનેક દાખલાઓ બતાવ્યા હતા કે જેમાં પુખ્ત સંતાનોએ માંબાપને ચૂસી લીધા પછી નકામા ઢોરની જેમ પાંજરાપોળ જેવા સસ્તા ઘરડાઘરમાં ધકેલી દીધા હોય. શાંતિલાલે પૂરતી  આર્થિક વ્યવસ્થા તો કરી જ હતી.

          એકલી આર્થિક વ્યવસ્થા જ પૂરતી ના કહેવાય. વૃધ્ધાવસ્થાની બિમારીના સમયની હૂંફની વ્યવસ્થા કરવાનો એમની પાસે કોઈ જ માર્ગ ન હતો.

          સરુમા રડતાં. એના ડૂસકાનો અવાજ શાંતિલાલ સાંભળતા હતા. એને સમજાતું ન હતું. એના પડછાયા સમાન આભાસને એની નિસ્તેજ આંખ ટાંસી રહી હતી. ડોક્ટરની અનેક સલાહ હોવા છતાં શાંતિલાલને નર્સિંગહોમમાં મૂકવાનો જીવ ચાલતો ન હતો. વર્ષો વહેતા રહ્યા. એ મેડિકલ સલાહને અવગણતા રહ્યા. હવે એનાથી નિભાતું ન હતું. હવે સરુમા નો ખોરાક લગભગ બંધ થઈ ગયો. શરીર હાડપિંજર જેવું થઈ જવા માંડ્યું હતું.

          રોજ સર્વિસ માટે આવતી નર્સેને એની લગ્નની તારિખ ખબર હતી. એ કેક લઈ આવી, એના ડોક્ટર અને નર્સને ઘેર બોલાવ્યા અને પંચોતેરની લગ્નજયંતિની ઉજવણી કરી. શાંતિલાલને શું થાય છે તેની ખબર ન હતી.

          બીજે દિવસે ડોક્ટર જાતે આવ્યા. સાથે ગુજરાતી નર્સિંગહોમના પ્રતિનિધિ એવા ગુજરાતી સોસિયલ વર્કર બહેન પણ હતા. એક ઈન્ડિયન વકીલ પણ હતો. ડોક્ટરે ધીમે રહીને સમજાવ્યું. ‘આપને છેલ્લા સ્ટેજનું લિવર કેન્સર છે. તમે આત્મબળથી ખૂબ જ ખેંચ્યું. તમારે માટે હવે સારવારનો કોઈ માર્ગ બચ્યો નથી. મોંમ તમે શાંતિથી હોસ્પીસ કેરમાં બે ત્રણ મહિના પ્રભુ સ્મરણ કરતાં સમય પસાર કરો. અને પાપાને નર્સિંગહોમમાં સારવાર લેવા દો. હવે બીજો કોઈ જ માર્ગ નથી.’

          સરોજમા હોસ્પિટલમાં સેવા આપી ચૂક્યા હતા. કેન્સર અને હોસ્પીસ શબ્દ એમને માટે નવા ન હતા.

          ‘પણ મારા શાંતિનું શું?’

         ‘મૉમ, ગ્રાન્ડપાને નર્સિંગ હોમમાં જ મોકલવા પડશે. ત્યાં એને તમામ સેવા સગવડ મળશે. તમે તો એમની આખી જીંદગી ખૂબ સેવા કરી છે. હવે અમને ગ્રાન્ડપાની સેવા કરવાની તક આપો. તમારે હવે પ્રભુસ્મરણ કરવાનો સમય છે.’ નર્સિંગ હોમની સમજણ આપવા સાથે આવેલા ગુજરાતી બહેને ખૂબ જ સધ્યારો આપતા જણાવ્યું. ગુજરાતી ડોક્ટર, નર્સ, સ્વાદિષ્ટ ગુજરાતી તાજું ભોજન, મંદિર અને મનોરંજનની સુવિધાઓના ગીતો પણ ગાયા.

          ‘દીકરી, હું પણ બધું જ જાણું છું. પણ પાપાને હવે એ બધાની કશી જ જરૂર નથી. એને તો મારી જ જરૂર છે. નર્સિંગ હોમમાં અપંગ ઓલ્ડ પર્સનની હાલત વિશે હું છેક અજાણ નથી. દરેકને માટે વિધાતાએ સુખદુખ નિર્માણ કરી જ રાખ્યા છે. હરિ ઈચ્છા બલીયસી. ત્યાં તમે તો મશીન મેન્ટેઇનન્સની જેમ કાળજી રાખશો જ પણ એ મારા હાથનું જ ખાય છે. મોં જ ન ખોલે તો શું? એની આંખો મને જ ખોળતી હશે તો એનું શું? ત્યાંની ગમે એટલી સારી વ્યવસ્થા હશે તો પણ એ અબુધ બાળકની જેમ રિબાશે. એની કલ્પનાજ નથી કરી શકતી. હે પ્રભુ મારા “અખંડ સૌભાગ્યના” શ્રાપને પાછા લઈ લો. મારી નજર સામે મારા શાંતિને તમારા ખોળામાં લઈ લો.’  આટલું બોલતાં તો સરુમાને શ્વાસ ચડ્યો. હાફી ગયા.

         ‘અમે દર અઠવાડિએ એમને તમારી પાસે લઈ આવીશું. અરે હું જ એમની સાથે આવીશ. અમે એમની આંખને માટે પ્લાન કર્યો છે. એઓ અત્યારે જૂએ છે એના કરતાં કંઈક વધારે તો જૉઈ શકશે. નવી નવી રિસર્ચ. એમને રોજ મસાજની પણ જોગવાઈ કરીશું.’

          ‘ભલે’

          અને અશક્ત હાથે, સાથે આવેલા વકીલે જ્યાં જ્યાં બતાવ્યું ત્યાં ત્યાં ગ્રાન્ડમાંએ  ભીની આંખે લીટી જેવા હસ્તાક્ષર કરી આપ્યા. શાંતિલાલ સમજતા હોય કે ના હોય પણ એની આંખો આવતી કાલની વિખુટા પડવાના કદાચ એંધાણ સમજતી હોય એવી નિરાધાર લાગતી હતી.

          તે રાત્રે રોજની જેમ સરુબાએ શાંતિપાઠ કર્યો. શાંતિલાલને આખા શરીરે હાથ ફેરવ્યો. એ એમના દેહનો કદાચ આખરી સ્પર્શ હતો. શાંતિલાલની ટગર ટગર જોતી આંખો બંધ થઈ. એક બાળકની જેમ ઊંઘી ગયા. મારા વગર શાંતિ રિબાઈ રિબાઈને મરશે. હું એમની રિબામણી સહન ના કરી શકું. ભલે મને વૈધવ્ય મળે. હે પ્રભુ તું હવે મારા પહેલાં એમને મુક્ત કર. તું એમને રિબાયા વગર ઉપાડી લે.

          સરોજબાએ એક હાથમાં ઓસિકું લીધું. એ ઓશીકું શાંતિલાલના ચહેરા પર નાંખ્યું. દબાવવા માટે હાથ મૂક્યો પણ એ હાથમાં શક્તિ જ ન હતી. હાથ ધ્રૂજ્યા. આંખો રડી. ઓશિકું ખસેડી કાઢ્યું માથાપર હાથ ફેર્વ્યો. શાંતિલાલ ઊંધતા જ રહ્યા. સરુબા આખી રાત જાગતા રહ્યા.

        જેમણે જીંદગીના પંચોતેર વર્ષ એકસાથે ગાળ્યા હોય એમને જીવતે જીવત છૂટા પડવાની કલ્પના જ કેવી ત્રાસદાયક અને ધ્રૂજાવનારી હોય છે.

         પંચોતેર વર્ષ પહેલાં, સહજીવન માટે શણગારેલી બગીમાં નવદંપતિએ ગૃહપ્રવેશ માટે પ્રવાસ કર્યો હતો. આજે સવારે એક એમ્બ્યુલન્સમાં સરુબા અને શાંતિલાલે છેલ્લો સહપ્રવાસ છૂટા પડવા માટે કરતા હતા. શાંતિલાલને કઠણ કાળજે નર્સિંગ હોમમાં મૂકીને સરલાબા હોસ્પિસને રસ્તે જઈ રહ્યા હતા. હવે એમ્બ્યુલન્સમાં એમની સાથે માત્ર એક પેરામેડિક આસિસ્ટન્ટ જ હતી.

        હોસ્પિસ સરનામે પહોંચવા દોડતી એમ્બ્યુલન્સ માંડ અડધે રસ્તે પહોંચી હશે અને આસિસ્ટન પર ફોન ટેક્સ્ટ આવ્યો. “મિસ્ટર શાંતિલાલ પાસ અવે. મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટ”. એમ્બ્યુલન્સે યુ ટર્ન લીધો.

       સાથે આવેલી આસિસ્ટંટે સરલા બાને જણાવ્યું; ‘મોમ વી આર ગોઈંગ બેક ટુ નર્સિંગ હોમ. અનફોરચ્યુનેટલી પાપા ઈઝ નો મોર વીથ અસ નાવ. આઈ એમ સોરી. યુ હેવ ટુ સાઈન સમ પેપર્સ.’

          સૂતેલા હાડપિંજર સમા સરલાબાના ચહેરાપર સ્મિત રેલાયું. ‘હે ભગવાન તેં સારું જ કર્યું. મારું સૌભાગ્ય છીનવીને તેં અમારા બન્ને પર કૃપા જ કરી છે. મારા વગર એ રિબાતા બચી ગયા.’

         નીકળતા પહેલાં ઈન્ડિયન મદદનીશે કરી આપેલો લાલ ચાંલ્લો, ભૂંસાઈને કપાળ લાલ થયું. એણે હાથ જોડ્યા. અને આંખો બંધ કરી.

         એમ્બ્યુલન્સ નર્સિંગહોમના દરવાજે પહોંચી, બે સહાયકો એમને ખુરશીમાં બેસાડવા જગાડવા ગયા ત્યારે સરલાબાનો દેહ નિઃચેતન અને ઠંડોગાર હતો.

 

૦૦૦૦

“ગુજરાત દર્પણ” સપ્ટેમ્બર ૨૦૧૭

14 responses to ““શાપિત શુભાશિષ.”

  1. pravinshastri October 2, 2017 at 12:36 PM

    દીર્ઘાયુષ્ય દુઃખદ પણ બને છે.

    Like

  2. મનસુખલાલ ગાંધી October 1, 2017 at 3:11 PM

    બહુ વાસ્તવિકત લાગે જાણે…વાર્તા કરૂણ પણ ખરી… પણ ઘણાંના અંત આવા પણ ખરા.. અમારા અમેરીકાના એક પાડોષી ઍલ્ઝાઈમરને કારણે ન્યુ જર્સીના નર્સિંગ હોમમાં આજે ઘણા વખતથી રીબાય છે.

    Liked by 1 person

  3. pravinshastri October 1, 2017 at 2:55 PM

    બહેન, કઈ કોમેન્ટ? હું ગુંચવાયો.

    Like

  4. pragnaju October 1, 2017 at 2:04 PM

    તમને પણ ન ગમી ટ્પટણી ?

    Liked by 1 person

  5. pragnaju September 12, 2017 at 9:16 AM

    આજની તદ્દન નવી વાર્તા તો અમારા સ્નેહીઓમા અનુભવાયેલી …અને અમારા જીવનમા વિચાર વંટોળ ઉભો કરનારી …અમારો અમેરીકા આવવા વિચાર ન હતો . ૧૯૯૫ના ડીસેમ્બરના પહેલા અઠવાડીયામા અમારી દીકરી રોમા સહકુટુંબ શ્યામલ મુન્શીના કાર્યક્રમમા…તેના સાસુ વીણાબેનને બ્રેન હેમોરેજ અને ત્યાંજ ડૉ શ્યામલે કરેલ નિદાન અને ૯૧૧ બોલાવેલ સારવાર બાદના ૧૧ વર્ષોના અમે સાક્ષી બન્યા તે દરમિયાન સ્હીનેઓમા જોયેલ નોન આલ્કોહોલીકમા છેલ્લા સ્ટેજનું લિવર કેન્સર , ડિમેન્ટીયા , ઍલ્ઝાઈમર બેફામ દવાના ઉપયોગને લીધે થયેલ માંદગી ઓ અને આવા “શાપિત શુભાશિષ.”વાળાના જીવનના હૉસ્પીસમા પીડા વગરની વિદાય…

    ન ગમ્યો ઓશિકાથી ખૂન કરવાની વાત !

    Like

  6. pravinshastri September 7, 2017 at 5:43 PM

    રક્ષાબેન, પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.

    Like

  7. Raksha Patel September 7, 2017 at 5:32 PM

    વાર્તાએ દિલ વલોવી દીધું. કરૂણ અંતમાં કોણજાણે હાશકારાની લાગણી થઈ! સુંદરરીતે લખાયેલ વાર્તા!

    Liked by 1 person

  8. pravinshastri September 7, 2017 at 5:21 PM

    બહેન, તમારી વાત સો ટકાસાચી જ છે. માનવીને માનવીની જરૂર છે જ. પણ કેટલાકના નસીબમાં એ સુખ નથી હોતું. પારકી ભૂમિ, ખૂબ લાંબુ આયુષ્ય અને અને સ્વજનનો અભાવ. ભાગ્યમાં સંતાન સુખ નહિ. લાગણીશીલ સમવયસ્કો વિદાય કે અપંગ અને લાચાર થઈ ગયા હોય. ત્યારે બેમાંથી એક સબળ ઈચ્છે કે મારી હાજરીમાં મારા પતિ/પત્ની ઉપડી જાય. બીજી પરાઈ વ્યક્તિ શું કાળજી રાખશે?

    Like

  9. vimla hirpara September 7, 2017 at 11:19 AM

    માફ કરજો પ્રવિણભાઇ, વિષયાન્તર થઇ ગયુ કોમેન્ટ લખવામાં. તમારી વાત સાચી છે કે કેટલાક આર્શીવાદ અમુક સમયે શાપ કે શ્રાપ? સાચો કયો શબ્દ? જેવા લાગે. શાસ્ત્રમાં પણ સો વરસની જિંદગી તંદુરસ્ત ને કાર્યરત હોય એ જ કામના કરવામાં આવી છે. નહિ કે રિબાઇ રિબાઇને જીવવાનુ. આજના આરોગ્યવિજ્ઞાને ઘણા રોગો પર કાબુ મેળવીને ઉંમરમાં વધારો તો કર્યો છે. પણ કેમ જીવવુ એ માણસ પર છોડ્યુ છે. જીવતા ના આવડે તો વૃધ્ધાવસ્થા જેવો કોઇ શાપ નથી. જે લોકોએ સમાજમાં સ્નેહ ને સબંધોનુ રોકાણ કર્યુ નથી એવા લોકોને એકલતા અસહ્ય થઇ જાય છે. ઝુરી ઝુરીને મરવાનુ. મજાની વાત કહુ તો ઘણીવાર લોકો ખોટી જગ્યાએ પ્રેમનુ રોકાણ કરે છે. જેમ કે આ દેશમાં સંતાનોને બદલે લોકોમ કુતરાબિલાડામાં રોકાણ કરે છે. ગેલછાની કક્ષાએ. ગમે તેટલુ પ્રાણી તમને વહાલુ હોય, પણ જરુર પડે એ તમને દવાખાને લઇ નહિ જઇ શકે. પડી ગયા તો ઉભા નહિ કરી શકે. તમારી સોસિયલ સિક્યોરીટી નહિ ભરે. એ માટે તો કુતરા કરતા દિકરા જ કામ આવશે. ઘરડાઘરમાં જુઓ કેટલા કુતરા એના માલિકની ચાકરી કરેછે?

    Liked by 1 person

  10. vimla hirpara September 7, 2017 at 9:04 AM

    પ્રવિણભાઇ, બહુ સમજવા જેવી વાત, યુવાનીમાં જેલોકો ખાસ કરીને પ્રેમી યુગલ જેની દુનીયા માત્ર પરસ્પરમાં સમાઇ જાય છે. એ સિવાય બીજા લોકોના સુખદુઃખમાં ભાગ લેતા નથી. આડોશપાડોશ ને બહારના લોકોને પોતાના સંસારમા જંજાળરુપ માને છે. અરે, એને તો પોતાના બાળકો પણ અડચણરુપ લાગે છે. મોટેભાગે તો બાળક હોતા જ નથી. એમનો પ્રેમ બે પુરતો જ મર્યાદિત હોય છે. એમને કોઇની જરુર લાગતી નથી. પણ કુદરતનો ક્રમ કે શરીર કાયમ એકસરખૂ રહેતુ નથી. ઉંમર વધે ત્યારે એક યા બીજુ કે બન્ને પાત્ર નબળા પડે ત્તારે બહારની મદદની જરુર પડે. પણ વાવ્યુ હોય તો લણવા જવાય ને? ને બે ય સાથે જ વિદાય લે એની પણ કોઇ ખાતરી નથી. અગ્રેજીમાં કહેવત છે કે એક જ બાસ્કેટમાં બધા ઇંડા ન મુકાય કે એક જ સ્ટોકમાં બધી મુડી ન રોકાય. હવે એક જ પાત્રમાં આપણે સ્નેહની મુડી રોકી હોય તો બેશક આવા સમયે આપણે ખુવાર થઇ જવાના. માણસને માણસની જરુર પડે છે કારણ કોઇ જન્મીને ચાલવા નથી માંડતુ કે મર્યા પછી ચાલીને મસાણ નથી જઇ શકતું. જલન માતરીએ કહ્યુ છે એમ માણસની લાશ ઉંચકવા ભગવાન નથી આવતો. જે લોકો સમાજની એસીતેસી કરીને બિન્દાસ જીવનને ખુમારી માનીને જીવે છે એ અંતે તો એની આગળ રાજમહેલ હોય કે તાજમહેલ, પોતાની સ્વનિર્મિત જેલમાં કેદી બનીને એકલતાની સજા ભોગવે છે. માન્યામાં નઆવે તો આપણા ‘વાચસ્પતિ’ રમણપાઠકનુ એકલતાનુ વિરહગાન કે વેદના વાંચજો. સમાજમાં સ્નેહના રોકાણ જેવી કોઇ મુડી નથી. એનુ વળતર અંતે મળતુ જ હોય છે.

    Liked by 1 person

  11. pravinshastri September 6, 2017 at 11:28 PM

    ઓહ માય ગોડ. જ્યારે પાત્રનું નામ કરણ કર્યું. ત્યારે આપનો જરાયે ખ્યાલ જ ન હતો. ખૂબ જ મોટી ઉમરના ૯૫+ વડીલ ના નામ તો સાદા જ હોયને?
    મેં ન્યુ જર્સીના બે નર્સિંગ હોમની મુલાકાત લીધી હતી. જોવા જાણવા માટે જ. ન્યુ જર્સીમાં ડો. મુકુંદ ઠાકરના ઘણાં નર્સિંગ હોમ છે. એમને મળ્યો.. દીર્ઘાયુષ્ય પણ શાપિત બને છે. …..ભાઈ આમાં આપની વાત નથી જ. વાર્તાથી દુઃખ થયું તે બદલ મને પણ દુઃખ છે. મિત્ર ક્ષમા યાચના.

    Like

  12. Navin Bnaker September 6, 2017 at 10:33 PM

    પ્રવિણભાઇ, તમને વાર્તા લખવા હું જ મળ્યો ? શાંતિલાલ એટલે શાંતિલાલ ગરોળીવાલા અને સરોજ એટલે શોન્તાબા ? અમે ય પંચોતેર વર્ષના અને સંતાન વગરના. કેટલું રડાવ્યા છે તમે અમને બન્નેને ?
    નવીન બેન્કર

    Liked by 1 person

  13. pravinshastri September 6, 2017 at 4:34 PM

    આભાર વિમળાબેન.

    Like

  14. vimala September 6, 2017 at 3:48 PM

    હ્રુદય દ્રાવક છતાંય અનન્ય સ્નેહભરી કથા.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: