ડો.મંજરીના પાંચ હસ્બન્ડ

ડો.મંજરીના પાંચ હસ્બન્ડ

‘એઈ શાસ્ત્રી, અહિ આવ.’

એક લગ્ન રિશેપ્શન પાર્ટિમાં મને જોઈને ચંપાકાકીએ મોટેથી બુમ પાડીને મને બોલાવ્યો.

હું એમની પાસે ગયો.

એમણે મોટા અવાજે કહ્યું ‘મારી જમણી બાજુ બેસ. મને ખબર છે. તારો ડાબો કાન જ થોડો ઘણો કામ કરે છે.’

અમારા ચંપાકાકીએ લગભગ આજુબાજુના બે ડઝન માણસો સાંભળે એ રીતે મોટેથી બુમ પાડી મારું સ્વાગત કરી એમની જમણી બાજુ બેસાડ્યો. કાકીને વાતો કરવાનો જબરો શોખ. પંચ્યાસીની ઉમ્મર પણ સ્વભાવ પાંત્રીસીનો. એમની ગોસીપ કે ગપ્પા એવી ગંભિરતાથી રજુ કરે કે ખોટી વાત છે તે સમજાય તો પણ સાભળવી ગમે. ક્યારે સિરીયસ છે અને ક્યારે જોક કરે છે એ સમજવું અધરું.

અમારા ચંપકકાકા પણ મારી જેમ બહેરા. કાકાના બન્ને કાન આઉટ ઓફ ઓર્ડર. કાકીને કાકા સાથે મોટેથી બોલવાની ટેવ એટલે એમને કોઈ પ્રાઈવસી એક્ટ લાગુ પડે જ નહિ. ગામ સાંભળે એટલા મોટા અવાજે વાત કરે.

એક જમાનામાં કાકી નાટકો લખતા અને ભજવતા. અમેરિકામાં આવ્યા પછી નાટકો છૂટી ગયા. એમણે સોસિયલ ગ્રુપમાં ગપ્પાબાજી શરૂ કરી. પંચ્યાસીની ઉમ્મરે બેત્રણ વોટ્સપ ગ્રુપ, ટ્વિટર એકાઉન્ટ અને એક ઓરિજીનલ અને બે ત્રણ ફેક આઈડી વાળા ફેસબુક એકાઉન્ટ રાખ્યા. એ મારી દરેક વાર્તા વાંચે અને દરેકમાં કાંઈ ને કાંઈ વાંધો કાઢે.

‘હમણાં તારું લખવાનું કેમ ચાલે છે? બંધ કરી દીધું?’

મને મોટેથી પૂછાયલો આ સવાલ સારો લાગ્યો. એટલિસ્ટ આજુબાજુના લોકો જાણે તો ખરા કે હું લેખક છું.

‘કાકી હમણાં હું સારો પ્લોટ કે કથાબીજની શોધમાં છું.’ 

‘જો, પેલા ખૂણામાં; મરૂન ટુ સ્પિલ્ટ ગાઉનમાં તારો બ્યુટિફૂલ પ્લોટ ઉભો છે..’

‘કોની વાત કરો છો? ડો.મંજરીની?’

‘હા, એની વાત તને ખબર છે?’

‘ના.’

હું ડો. મંજરીને ઓળખતો હતો. પણ એના પ્રોફેશન પૂરતો જ. એની પર્સનલ લાઈફ વીશે કશું જ જાણતો ન હતો. એકવાર ઈન્ડિયન ટીવી પર સાઈકોલોજીના વાર્તાલાપમાં મેં એમને સાંભળ્યા હતા. યંગ, ઈમ્પ્રેસીવ એન્ડ બ્યુટીફુલ ગર્લ. એક ફ્રેન્ડને ફેમિલી પ્રોબ્લેમ હતો મેં એમને ડો.મંજરીનું નામ રિફર કર્યું હતું એટલે નામ નજરની ઓળખાણ. કાકી શું વાત કરવાં માંગતાં હતાં તે મને ખબર ન હતી એટલે મેં ના  કહી.

‘તને ખબર છે આ મંજરી ચાર ડિવૉર્સ પછી પાંચમાં ને પરણી છે.’

‘વ્હોટ? મંજરી પરણેલી છે?’

‘એકવાર નહિ અનેક વાર. તું જાણતો નથી એણે ભલે એના પેશન્ટસને સાજા કર્યા હશે; પણ એના બધા વરોને તો ગાંડા કરી જ મૂક્યા છે.’

‘અરે કાકી યુ મિન્સ હસ્બન્ડસ? ના હોય. મને તો એમ કે ડો.મંજરી સિંગલ છે.’

‘અરે શાની સિંગલ. કાયમની લગ્ને લગ્ને કુંવારી. નથી મિસ લખતી, નથી મિસિસ લખતી. ઓન્લી એક એમ અને એક એસ. ઓન્લી મિઝ. કંઈ કારણ વગર? એને પોતાને જ ખબર નથી કે પોતે પરણેલી છે કે કુંવારી છે.’

‘જો સંભળ,’ એમણે એમના હોઠ લગભગ મારા કાનમાં ઘૂસાડતા હોય એ રીતે મંજરીનું પતિપુરાણ કહેવા માંડ્યું.

‘મંજરી કોલેજમાં ભણતી હતી ત્યારે એણે એના ક્લિનિકલ સાઈકોલોજીના પ્રોફેસરને પ્રેમમાં લપેટેલા અને લગ્ન કરેલા. સબ્જેક્ટમાં વગર મહેનતે પાસ થવા માટે જ તો. અને લગ્ન પછી કોર્સ પુરો થયો અને છ વીકમાં જ પ્રોફેસર પતિને ગાંડો કરી દીધેલો અને ડિવોર્સ થઈ ગયેલા. આ પતિ નંબર વન. આ વાત ખબર હતી?

‘ના. ના હોય’

‘હું યે પહેલાં ન્હોતી માનતી. એ તો પછી રિલાયેબલ સોર્સ દ્વારા ખબર પડેલી. ત્યાર પછી મંજરી પાસે કોસ્મેટિકના પૈસા ખૂટી ગયા. એક ફિલિપિનોને વીઝા અપાવવા પેપર પર પરણેલી અને છૂટી પડેલી, એ પતિ નંબર ટુ.’ 

‘એના ત્રણ નંબરનો હસબન્ડ કાઠિવાડી દોસ્ત હતો. લગ્નના બીજા દિવસે દોસ્તોની હાજરીમાં બાપુ મંજરી સાથે “પતિગીરી” કરવા ગયો તો એણે એના દોસ્તોની હાજરીમાં જ એવો ઝપેટ્યો, એવો ઝપેટ્યો કે બિચારાએ બે હાથ જોડી દયાની ભીખમાં તલ્લાક માંગ્યા હતા.’

‘ના હોય કાકી, મંજરી બહેન તો બહુ સૌમ્ય અને મીઠ્ઠા સ્વભાવના છે. એ એવું કરે જ નહિ.’

‘અરે! ભઈલા એ તો બહારથી જ મીઠડી છે બાકી ઘરમાં શું ચાલે તે તને શું ખબર? હું તો એને અંદર બહાર, ઉપર નીચે. આગળ પાછળ. બધે થી પાક્કી ઓળખું. આ વાત તો મને એના દોસ્તે જ કરેલી.’

‘શાસ્ત્રી, તારી કાકીને આખા ગામના ઘરોમાં શું થાય તે બધી જ ખબર.’ કાકાએ મને કહ્યું

‘હું કોઈની પણ સાથે વાત કરતી હોઉં ત્યારે તમને વચમાં ડખો કરવાની ટેવ પડી ગઈ છે. પ્લીઝ તમે મારે માટે અને શાસ્ત્રીને માટે આઈસ્ક્રિમ લઈ આવો. તમારે નથી ખાવાનું. હમણાં તમારી સુગર કંટ્રોલમાં નથી. અને સાચવીને લાવજો. તમારા સૂટ પર ગયા વખતની જેમ આઈસ્ક્રિમ ના પાડતા.’

‘કાકી હું લઈ આવું. કાકાએ તકલીફ લેવાની ના હોય.’

‘ના ના તારે જવાની જરૂર નથી. જો તું તો લાઈનમાં ઉભો રહેશે અડધો કલાકમાં યે તારો પત્તો નહિ લાગે. કાકા તો લાઈનમાં ઉભા રહ્યા વગર જ લઈ આવશે.’ એમણે મંજરીની વાત ચાલુ રાખી

ચોથો હસબંડ પણ ઈન્ડિયન ડોક્ટર જ હતો. ગાયનેક હતો. મંજરીએ એને ફિઝિકલ એકઝામની ધરાર ના પાડી દીધેલી.  બિચારાને દાંપત્યજીવન અસાર લાગ્યું. એ પણ ગાંડો થઈ ગયો. એ પ્રેક્ટિસ છોડીને  સ્વામિનારાયણના સંતોની સેવામાં જોડાઈ ગયો. એણે માત્ર મંજરીનો જ નહિ પણ દુનિયાની તમામ મહિલાનો ત્યાગ કર્યો.

 હું ચારની વાતમાં જ ધરાઈ ગયો. મેં એમની પાસેથી છૂટવાની તૈયારી કરી. ‘ચાલો કાકી હું જરા કપલને વીશ કરી આવું.’

‘અરે! કાકા આઈસ્ક્રિમ લેવા ગયા છે હમણાં આવશે આ પાંચમાની ની વાત તો જાણવા જેવી છે.’

‘કાકી, તમે બધી અનરિયાલિસ્ટિક વાતો કરો છો.’

‘તો બધી તારી વાર્તા રિયાલિસ્ટિક છે? બધી કવિતા નવલકથા રિયલ છે? બધા પુરાણો રિયલ છે? ફિલ્મોની વાતો રિયલ છે? કાકીનું છટક્યું. રિયાલિસ્ટિક વાતમાં કહેવાનું પણ શું હોય. જાણીતી વાતો જાણવા જણાવમાં નવીનતા પણ શું? હું તને પ્લોટ આપું છું, સમજ્યોને?

‘હું વીશ વર્ષની ઉમ્મરે તારા કાકા સાથે પરણી. છ મહિના પહેલાં પાંસઠમી લગ્ન જયંતિ ઉજવી. હું ચંપાચમેલીમાંથી ચંપાબા અને ચંપાદાદી બની ગઈ ફિલમ પૂરી. એબ્સોલ્યુટ રિયલ સ્ટોરી. વારતા પૂરી. કોઈને રસ ના હોય.’

‘મંજરી દર વર્ષે હસબન્ડ બદલે એ વાત ભલે અનરિયાલિસ્ટિક લાગે, હાઈલી અનયુઝવલ બટ વેરી ઈન્ટરેસ્ટીંગ. જો વાંચનાર સંભળનાર ઓહ નો, ઈમ્પોસિબલ, નાવ વોટ, હાઉકમ; ન કરે તો ફરાળી વારતાની મજા પણ શું. મંજરીની વાતમાં રસ ના પડતો હોય તો હું તને મારી કેડના દુખાવાની વાત કરું?’

‘ના કાકી, તમારી વાત ચાલુ રાખો એમ મારે કહેવું પડ્યું. કાકી મેં સામેથી પૂછ્યું, તો પાંચમા હસબંડની શું વાત છે?

‘તને રસ નથી પછી ખોટી લમણાંઝિકનો અર્થ પણ શું?’ કાકી ખોટું ખોટું રિસાયા

‘આતો કાકી તમે……..’

‘લે જો કાકા આઈસક્રિમ લઈને આવી ગયા.’

જોયું તો ખરેખર કાકા આવતા હતા. કાકાના હાથમાં અડધું ખાધેલું આઈસક્રિમ. હતું. એમના સૂટ પર આઈસ્ક્રિમ રેલાતું હતું. સાથે ડો.મંજરી, અને એક બીજો ટોલ, ડાર્ક અને હેન્ડસમ યુવાન બન્ને હાથમાં આઈસ્ક્રિમ લઈને આવી પહોંચ્યા.

‘નમસ્તે ચંપાદાદી, નમસ્તે શાસ્ત્રી અંકલ.’ ડો. મંજરીએ વિવેક દર્શાવ્યો.

‘શાસ્ત્રી અંકલ, કાકાએ વાત કરી, દાદી તમને મારા હસ્બન્ડ પુરાણની વાત કહેતા હતા ખરું ને? કેટલા નંબર સૂધી આવ્યા.’ ડોક્ટર મંજરીએ પ્રીએમ્ટિવ સર્જીકલ સ્ટ્રાઈક જેવો સીધો જ સવાલ મને કર્યો. હું તો સડક જ થઈ ગયો.

કાકીએ ગંભીરતાથી પેલા હેન્ડસમ યુવક સામે જોઈને કહ્યું ‘આ તારા પાંચમા નંબરના હસબન્ડની ગાથા બાકી છે.’

‘ઓહ! અંકલ! દાદીને ના કહી હતી તોયે એમનાના પેટમાં ખીર ટકી નહિ, મારી વાત આખા ગામમાં કહેતા ફરે છે. એકલા દાદીની વાત નથી. કેટલાયે લોકોની ગોસીપિંગ કરવાની કુટેવ હોય છે. મૂળ વાત કંઈ હોય તેમાં અનેક કલ્પનાઓ ઉમેરાય, ગપ્પાબાજી વહેતી થાય, વાતનું વતેસર થાય. આપણા દાદીની એમાં એક્ષપર્ટીસ છે.’

‘એઇ ચાંપલી, મેં આ શાસ્ત્રી અંકલને તો તું ઓળખે છે. લેખક છે. પણ પ્લોટ વગરના છે. એમને પ્લોટ આપું છું. એમના સિવાય તારી સિવાય કોઈને કહી નથી. બાકી મારે શું? તારે ડઝન ડિવૉર્સ ડઝન વેડિંગના માંડવા બાંધવા હોય તો બાંધજે ને! પણ હવે આ તારા મગુભાઈની  બાકીની વાત તું જ પૂરી કર.’

‘શાસ્ત્રી અંકલ આ મારા છેલ્લા હસબંડ મંગુભાઈ છે. અત્યારે તો સાત જન્મના સાથીદાર છે એમ કહેતી ફરું છું. કાલની ખબર નથી.’

હું છક્ક જ થઈ ગયો. એકદમ સ્પીચલેશ. જે વાતને હું કાકીનું ગપ્પુ સમજ તો હતો તે વાત ‘સ્ટ્રૅઇટ ફ્રોમ ધ હોર્સ માઉથ’ જેવી સાચી સાબિત થઈ.

‘મંજરીબહેન સીરીયસલી વાત કરો. માનું છું કે કદાચ આ આપના પહેલા હસબંડ હશે. કાકીને મશ્કરી કરવાની ટેવ છે.’ મારાથી કહેવાઈ ગયું.

‘અંકલ વાત એમ છે કે મારાથી હસબંડ વગર જીવાતું નથી અને પતિદેવ સાથે ફાવતું નથી. અમારા સાઈકોલોજીસ્ટનો આ જ મોટો પ્રોબ્લેમ છે. આ મારા હનીને ઈન્ડિયાથી લઈ આવી છું. અંકલ મને આશીર્વાદ આપો કે આ પતિદેવ જીવનભર ટકી રહે’

મંજરી જાણે ઈન્ડિયાના શાક બજારમાંથી ટામેટા લઈ આવી હોય એમ વાત કરતી હતી.

‘ક્વોલિફાય હસબંડ લેવા હું ઈન્ડિયા ગઈ હતી. તમારા સુરતના એક હિરાઘસુના ફેમસ ડોક્ટર દીકરા સાથે મારો ઈન્ટર્વ્યુ ગોઠવાયો હતો. હું બોમ્બેમાં હતી. એનો ડ્રાઈવર મંગુ, મને કાર લઈને લેવા આવ્યો હતો. સુરતમાં એના ભવ્ય બંગલામાં ઈન્ટર્વ્યુની શરૂઆત થઈ. ડોક્ટર દેખાવમાં બીલકુલ ગબલો લાગ્યો. જાડા ચશ્મા અને માથે ટાલ.’

મેં એને પૂછ્યું ‘રસોઈ કરતાં આવડે છે?’

‘બસ મોં પહોળું…. નો એન્સર.’

‘લોન્ડ્રીમશીનમાં કયો વોશીંગ પાવડર નાંખો છો?  જવાબમાં હેં?’

‘ખમણ ઢોકળા અને ખમણના લોચામાં શું ફેર? ટાલમાંથી વાળ શોધતો હોય એમ એનો હાથ માથા પર ફરતો હતો.’

‘ઈન્ટર્વ્યુ પૂરો. એનો ડ્રાઈવર મંગુ મને બોમ્બે મૂકવા આવ્યો. રસ્તામાં એણે મને પૂછ્યું મેડમ તમને હસબન્ડ જોઈએ છે કે હાઉસકિપર?’

‘મેં કહ્યું, ટુ ઈન વન.’

‘ડ્રાઈવરે કહ્યું હું બન્નેમાં ચાલુ એવો છું. અને હું આ મંગુને લઈ આવી. નાવ હી ઈઝ ધ ડ્રાઈવર ઓફ માય લાઈફ.’

ચાર જણા હસતાં હતાં હું બાઘાં મારતો હતો.

મંજરીના પાંચ પતિની વાત કોની સાથે સરખાવવી? શ્રીમતિ  દ્રૌપદી? એલિઝાબેથ ટેલર કે ઝાઝા ગેબોર સાથે? નાઇન લાઈવ્ઝ ઓફ કેટ કે સાતખૂન માફ સાથે? હું મારૂં મો પહોળું કરીને માંજરી આંખ વાળી ડોકટર મંજરી સામે જોતો જ રહ્યો. ના ના એ બને જ નહિ.

મંગુને મારી સ્થિતિની દયા આવી. એણે ફોડ પાડ્યો.

‘અંકલ, આઈ એમ ડો.મનિષ મરચન્ટ. અમારા સાઈકોલોજીકલ એસોસિએશન કન્વેન્સનમાં એક વર્કશોપ “ગોસીપ” અને રુમર્સ એટલે કે અફવા  ઉપર છે. અને બીજો વિષય સાઈકોલોજીસ્ટની ફેમિલી લાઈફ વીશેનો છે. દાદીજીએ એક કોમેડી વિડિયો ડ્રામા “ડિવોર્સીસ એન્ડ ફાઇવ હસ્બન્ડસ ઓફ ડો.સુનિતા”  તૈયાર કરી આપ્યું છે. ડો.સુનિતા તરીકે ડો.મંજરી અને એના પાંચેય હસબન્ડ તરીકે મેં અભિનય આપ્યો છે. અમે એ વિડિયો કન્વેન્શનમાં રજુ કરવાના છીએ. ગોસીપીગની મજા માણનાર કે રુમર્સ ફેલાવનારની મનોદશા અને વ્યક્તિ અને સમાજ પર થતી એની અસર વિગેરે પર ઘણા વાર્તાલાપો થશે હું આપને કોમ્પ્લીમેન્ટરી ઈન્વિટેશન કાર્ડ મોકલીશ. જરૂરથી પધારજો.’

હું બોલ્યો નહિ પણ મનમાં વિચારતો હતો કે માનસશાસ્ત્રીઓ ભલે આખા ગામને

ગાંડામાંથી ડાહ્યા કરતા હશે પણ એની સાથે કાયમ રહેનાર બૈરા છોકરાંઓને તો ગાન્ડા કરીને જ જંપતા હશે. સાઈકોલોજીસ્ટસનું મનોવિશ્વ કદાચ નોર્મલ કરતાં જૂદું હોતું હશે. જે હોય તે પણ એટલિસ્ટ મને મારી આજની વાર્તાનો પ્લોટ મળી ગયો.

પબ્લિસ્ડઃ ગુજરાત દર્પણ ઓક્ટો. ૨૦૧૭

13 responses to “ડો.મંજરીના પાંચ હસ્બન્ડ

 1. mhthaker December 12, 2017 at 4:07 AM

  all have said – and i don’t repeat- but only a word “Addabhut”
  ..and your last comment about psychologist– perhaps you can come next with their plot – Indian verses western psychologist story

  Liked by 1 person

 2. pravinshastri October 9, 2017 at 12:08 PM

  મારી જાણમાં બે સાઈકોલોજીસ્ટ છે તેઓ પોતે પોતાની અમુક માન્યતાઓમાં એવા તો બંધાલયા હોય છે કે તેઓ સીધી સાદી વાતને પણ વક્રદૃષ્ટિથી મુલવતા હોય છે.
  ભારતીય સમાજમાં ઉછરેલો મનોવૈજ્ઞાનિક અમેરિકા કે જર્મનિના સમાજના રોગીને કઈરીતે સારવાર આપીશકે? એજ રીતે અમેરિકામાં જન્મ્કેલો સાઈકોલોજીસ્ટ ચરોતરના સાસુ વહુને કઈ રીતે સમજાવી શકે.

  Liked by 1 person

 3. pragnaju October 9, 2017 at 7:25 AM

  ‘સાઈકોલોજીસ્ટસનું મનોવિશ્વ’ વાળો અંત અમારી કલ્પના બહારનો હતો !

  કેટલાક ચાઇલ્ડ સકાએટ્રીકો ના નિદાન જોતા ડૉ ગાંડા હોય તેમ લાગે ! અમારા સ્નેહીની છ મહીનાની દીકરીને ઉલટી થતી હતી તો કહે તેને માનસીક રોગ છે અને તે ખોરાક પેટમા રાખવા માંગતી નથી.ઘણા માનસશાસ્ત્રીઓ સારવાર કરનારને સારું નથી થવાનું જાણી ગાંડા થતા જોયા છે

  ડ્રામા “ડિવોર્સીસ એન્ડ ફાઇવ હસ્બન્ડસ ઓફ ડો.સુનિતા” વાળા ડોને જોયા છે-જાણ્યા છ્રે તેઓએ અનેક હ સ બં ડ ન કર્યા હોય પણ માનસિક રીતે તો તેઓએ ડિવોર્સીસ અને અનેક વૅડીંગ કર્યા હોય છે ! અમેરીકામા ડિવોર્સીસ લેવા પોષાય તેમ ન હોવાથી અમારા અનેક સ્નેહીઓના દીકરા-દીકરીઓ ફ્રેંડ સાથે થોડો વખત રહી ગમે ત્યારે-‘ લે તારી છાલી અને હું મારે ચાલી !’ કેટલાક તેને નાર્સીસ્ટ ગાંડપણ કહે!

  ધન્યવાદ સુંદર પ્લોટ વાળા ડ્રામા બદલ

  અમેરીકાનો ગાંડાઓનો પ્રશ્ન મુંઝવે તેવો છે.ઘણા ખરા હત્યા અને સામુહીક હત્યામા ગન કરતા ગાંડપણ વધુ જવાબદાર છે, દવા એટલી મોંઘી આવે કે દર્દી બંધ કરે અને ગાંડપણનો જોરદાર ઉથલો મારે ! દવાની લોબી પણ પાવરફૂલ તેથી અનેક સંસ્થાઓની વિનંતી છતા ભાવ વધતા જ જાય…ગનલોબી પાવરફુલ છે તેથી આવા માનસિકતાવાળા અનેક ગન ખરીદી શકે છે.

  Liked by 1 person

 4. Valibhai Musa October 9, 2017 at 12:04 AM

  અલે ઓ પ્રવીનભાઈ, ટમે ટો આ વાર્તાથી ખૂબ્બજ મજા કરાવી ડીધી. ડાયલોગમાં ટો મજ્જા પડી ગઈ. આ વારટાને એકાંકી નાટકમાં ફેરવી ડિયો ટો લોકો ટાલિયો પાડી ઊઠે. પન એ જાહેર કરવું પડે કે માટ્ર ડાઢીમૂચ્છવાલાઓએ જ જોવું. ઢન્યવાદ.

  Like

 5. pravinshastri October 8, 2017 at 6:26 PM

  આપના પ્રેમાળ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર.

  Like

 6. pravinshastri October 8, 2017 at 6:23 PM

  આભાર ગાંધી સાહેબ.

  Like

 7. મનસુખલાલ ગાંધી October 8, 2017 at 5:08 PM

  આ વાર્તાના પ્લોટની નવીનતા ગમી. વાર્તાની જમાવટ કરવાની કળા તો પ્રવીણભાઈ શાસ્ત્રીની.છેલ્લે સુધી વાંચ્યા વિના છૂટકો ના થાય.અને છેલ્લે વાર્તાનો અણધાર્યો અંત પણ માણવો
  ગમે એવો .

  Liked by 1 person

 8. Vinod R. Patel October 8, 2017 at 5:03 PM

  આ વાર્તાના પ્લોટની નવીનતા ગમી. વાર્તાની જમાવટ કરવાની કળા તો પ્રવીણભાઈ શાસ્ત્રીની.છેલ્લે સુધી વાંચ્યા વિના છૂટકો ના થાય.અને છેલ્લે વાર્તાનો અણધાર્યો અંત પણ માણવો
  ગમે એવો .

  ” ડોક્ટર મંજરીએ પ્રીએમ્ટિવ સર્જીકલ સ્ટ્રાઈક જેવો સીધો જ સવાલ મને કર્યો. ” જેવા સંવાદો પણ વાર્તાની ખુબીમાં વધારો કરે એવા છે.

  Liked by 1 person

 9. kanu October 8, 2017 at 4:06 PM

  can you tell me …..How to type in gujarati?

  Like

 10. pravinshastri October 8, 2017 at 3:46 PM

  આપના આ પ્રતિભાવને હું વડિલ મિત્રના આશિષ સમજું છું. આપનો ખૂબ ખૂબ આભાર.

  Like

 11. chaman October 8, 2017 at 3:32 PM

  આજ સુધીની તમારી વાર્તાઓમાં આ મને શ્રેષ્ઠ લાગી; માનો યા ન માનો!

  Liked by 1 person

 12. pravinshastri October 8, 2017 at 1:50 PM

  જાનીબાબુ,
  અમારા એક મિત્ર સાઈકોથેરેપી વાળા છે. એમના પત્ની એમની એકેયે વાત સાંભળતા નથી; અને સાંભળે તો સ્વીકારતા નથી. એનો દીકરો કહે “ડેડ, પ્લીઝ આઈ એમ નોટ યોર પેશ્ન્ટ.”
  થેન્સ સુરેશભાઈ.
  હમણાં હું નિષ્ક્રિયતાનો આનંદ માણું છું. કલ્હવું, વાંચવું બંધ છે.

  Like

 13. સુરેશ જાની October 8, 2017 at 12:29 PM

  માનસશાસ્ત્રીઓ ભલે આખા ગામને ગાંડામાંથી ડાહ્યા કરતા હશે પણ એની સાથે કાયમ રહેનાર બૈરા છોકરાંઓને તો ગાન્ડા કરીને જ જંપતા હશે.
  ———-
  આ વાત અમારા રાત્રિને ના કરતા, નહીં તો બોસ્ટનથી તમને ગાંડા કરવા દોડી આવશે.
  ——–
  મજાક બાજુએ મેલીને…
  તમારી વાર્તા જમાવવાની કળાને સો સલામ. ઓછી પડે તો ૯૦૦ લટકામાં !

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: