રેખાઃ જીવતરના રંગો. એના પોતાના શબ્દોમાં

Rekha

 

Pravinkant Shastri <shastripravinkant@gmail.com>

 


ગણેશન મારું ઉધાર લીધેલું, ચોરી કરેલું નામ છે (Gujarati)

Prabhulal H. Bharadia <phbharadia@hotmail.com> Sun, Nov 12, 2017 at 3:03 PM

રેખાજીની આ આત્મકથા મને ઈમેઇલ દ્વારા મળી. એનુ  મૂળ ક્યાં છે તે ખબર નથી પણ કાજલ ઓઝા વૈદ્ય, ભુપેન્દ્રભાઈ જેસરાની અને મિત્ર પ્રભુલાલભાઇના  સૌજન્ય સહિત આપ  વાચક મિત્રો માટે રજુ કરું છું.


Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>

 ગણેશન મારું ઉધાર લીધેલું, ચોરી કરેલું નામ છે (Gujarati)

તમે હિન્દી ફિલ્મો જોતા હોવ અને તમને તેમના ‘એકટરો’ ની માહિતી જાણવાનો રસ હોય તો આ ‘લાંબો ‘ લેખ વાંચશો નહીંતર

વાંચવાની બહુ ‘વ્યાધી’ નાં કરતાં.

ગણેશન’ મારું ઉધાર લીધેલું, ચોરી કરેલું નામ છે!
કાજલ ઓઝા વૈદ્ય

નામ : ભાનુરેખા ગણેશન

બે દિવસ પહેલા મને ૬૩ વર્ષ પૂરાં થયા… આમ તો હોલીવૂડની કોઈપણ અભિનેત્રી માટે ૬૩ વર્ષ એ છુપાઈને રહેવાનો, લોકો સામે નહીં આવવાનો અને અરીસામાં જોવાનું ટાળવાનો સમય છે, પરંતુ મોટાભાગની હિન્દી ફિલ્મ અભિનેત્રીઓ ૬૦ની ઉંમર પછી પણ સુંદર દેખાય છે… એમની ભારતીયતા અને એમનો ગ્રેસ એમની સુંદરતામાં વધારો કરે છે. મારી પહેલાંની પેઢીની અભિનેત્રીઓ વહીદાજી, નંદાજી, હેલનજીની વાત કરીએ કે પછી મારી જ પેઢીની અભિનેત્રીઓ હેમાજી, શર્મિલાજી… આ બધી જ સ્ત્રીઓ પોતાની કારકિર્દીમાં ટોપ પર રહી, સ્ટારડમ એન્જોય કર્યું અને હવે પ્રમાણમાં શાંત જીવન ગાળે છે. હેમાજી વિશે વિચારીએ તો કદાચ આશ્ર્ચર્ય થઈ જાય એટલી ધીરજથી એમણે ધરમજીની પ્રતીક્ષા કરી… શર્મિલાજીના લગ્ન એક એવા પરિવારમાં થયા કે જ્યાં એમણે જિંદગીની કોઈ ચિંતા કરવાની રહી નહીં… મારી પેઢીની અભિનેત્રીઓમાંની ઘણી ખોવાઈ ગઈ છે. મુમતાઝ, રીના રોય, યોગિતા બાલી અને શબાનાજી, મૌસમી… જેવા કેટલાંય મોટા નામો આજે ધીમે ધીમે ભુલાવા લાગ્યાં છે. મારા પ્રેક્ષકો આજે પણ મને ચાહે છે અને ૬૦ વર્ષે પણ એમને હું ગ્લેમરસ અને ખૂબસૂરત દેખાઉં છું, એ મારે માટે ગૌરવ અને સંતોષની લાગણી છે.

જોકે, આમ જોવા જઈએ તો મારી જિંદગીમાં સંતોષ થાય એવું બહુ બન્યું નથી… જે જોઈતું હતું તે મેળવવા મારે સતત સંઘર્ષ કરવો પડ્યો છે. આજે મારી પાસે મુંબઈમાં બંગલો છે, ગાડીઓ છે, સ્ટાફ છે, ફિલ્મોની ઓફર્સ છે… હું મારી મરજીથી કામ નથી કરતી, બાકી મને ઓફર્સની ખોટ નથી એ ઈશ્ર્વરની કૃપા છે ! ઘણીવાર વિચારું તો લાગે કે મારી જિંદગીમાં હું એ બધું જ પામી છું જે પામવાની ઝંખના જગતની કોઈપણ સ્ત્રીને હોય. સુંદરતા, સંપત્તિ, પ્રસિદ્ધિ, સ્વતંત્રતા, સલામતી, સફળતા અને પ્રેમ…

હા, પ્રેમ બહુ લોકોએ કર્યો મને, મેં પણ બહુ લોકોને પ્રેમ કર્યો, પરંતુ આજ સુધી મારી પાસે કોઈની પરિણીત પત્ની હોવાનું ગૌરવ નથી. લોકો વાતો કરે છે કે મેં અને અમિતજીએ લગ્ન કરી લીધા છે… અમારો અફેર હજી ચાલે છે… એટલું ઓછું હોય એમ ફિલ્મના એવૉર્ડ સમારંભોમાં અમિતજી કંઈ બોલતા હોય, એવૉર્ડ આપતા હોય, તે સ્ટેજ પર હોય ત્યારે બધા જ ટીવી કેમેરા મારી તરફ ફર્યા વગર રહેતા નથી !

સીમી ગરેવાલે એના ટીવી શૉ, ‘રેન્દેવુ વિથ સીમી ગરેવાલ’માં મને પૂછેલું, “ડુ યુ લવ અમિતાભ બચ્ચન ? આવો સીધો સવાલ આજ સુધી મને કોઈએ જાહેરમાં પૂછ્યો નથી. એક ક્ષણ માટે હું ખચકાઈ ગઈ. પછી મેં કહ્યું, “હુ ડઝન્ટ લવ હીમ ? એ જ ઈન્ટરવ્યૂમાં સીમીએ મને પૂછ્યું હતું, “તારામાં આવો ફેરફાર કેવી રીતે થયો ? ૧૯૭૦માં મારી પાસે અનેક ફિલ્મો હતી. હું પણ ઝાઝું વિચાર્યા વગર રાઈટ, લેફ્ટ એન્ડ સેન્ટર ફિલ્મો સાઈન કરતી હતી, ‘આજ કા મહાત્મા’, ‘રામભરોસે’, ‘કચ્ચા ચોર’, ‘ફરિશ્તા’, ‘એક હી રાસ્તા’, ‘રાહુ કેતુ’ જેવી ફિલ્મો મેં ૭૦ થી ૮૦ના ગાળામાં કરી. ૧૯૭૭માં ૧૧ અને ૭૮માં મારી ૧૪ ફિલ્મો રિલીઝ થઈ. પરંતુ મારી પાસે એ રિસ્પેક્ટ કે સીરિયસ અભિનેત્રી હોવાનું લેબલ નહોતું, જે જયાજી પાસે કે મારા સમયની બીજી અભિનેત્રીઓ પાસે હતું. એનું કારણ કદાચ એ હતું કે જયાજી એક પત્રકાર, નાટ્યકારની દીકરી હતા. તરુણ ભાદુરી ભોપાલમાં બહુ સન્માનનીય નામ હતું… એ જ રીતે મૌસમી હેમંતકુમારના પુત્રવધૂ હતા, રીના રોય પાસે શત્રુઘ્ન સિંહાનું બેકિંગ હતું અને એની બહેન સ્વયં પ્રોડ્યુસર બની ગઈ હતી. શબાના તો કૈફી આઝમીની દીકરી હતી… એક હું જ હતી જે મદ્રાસથી આવેલી જાડી, કાળી અને થોડી બેવકૂફ પ્રકારની છોકરી હતી. એ બધા માટે ફિલ્મ પેશન હતું, શોખ હતો જ્યારે મારે માટે ફિલ્મ બ્રેડ એન્ડ બટર-અથવા કદાચ કમાવવાની એક રીતથી વધુ કશું જ નહોતું. 
મારું બાળપણ બહુ અભાવોમાં વીત્યું. મારી મા પુષ્પાવલ્લી સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સ્ટાર હતી. એ પણ મારા જેટલી જ બેવકૂફ હતી એટલે એનું સ્ટારડમ કે એની આવડતને એ પોતાના ફાયદામાં વાપરી શકી નહીં. ૧૯૪૦-૫૦માં પુષ્પાવલ્લીનું નામ જેમિની સ્ટુડિયો સાથે બહુ આદરથી લેવાતું. ૧૯૪૭માં એસ.એસ. વાસન સાથે મારી માની ફિલ્મો ધૂમ મચાવતી. ત્યારે એ બે બાળકોની મા હતી. દીકરો બાબુજી અને દીકરી રમા. જેમના પિતા વાસન હતા. વાસનના લગ્ન થઈ ચૂક્યા હતા એટલે એ પુષ્પાવલ્લીને કંઈ પણ આપવા તૈયાર હતા, લગ્ન કે સામાજિક સ્વીકાર આપી શકે એમ નહોતા. લગભગ એ જ સમયે એક કેમેસ્ટ્રીના પ્રોફેસરે પોતાની નોકરી છોડીને જેમિની સ્ટુડિયોઝમાં કામ કરવાનું શરૂ કર્યું. એનું નામ રામાસ્વામી ગણેશન હતું. એ યુવાન છોકરાને ‘મિસ. માલિની’ નામની ફિલ્મમાં મારી મા સામે નાનકડો રોલ મળ્યો. ફિલ્મના સેટ ઉપર મારી મા અને એ યુવાન છોકરા રામાસ્વામી ગણેશન વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. પ્રોડ્યુસર અને દિગ્દર્શક વાસનના નાક ઉપર આ ‘લફરું’ ચાલતું રહ્યું પણ કોઈને કશી ખબર પડી નહીં. ‘મિસ. માલિની’ સુપરહિટ થઈ… એ પછી વાસને હિન્દી ફિલ્મ બનાવી, ‘સંસાર’. જેમાં પુષ્પાવલ્લીને હિન્દી સિનેમામાં બ્રેક મળ્યો. વાસને હિન્દી ફિલ્મ ‘સંસાર’ પૂરી થતા જ પોતાના ડ્રીમ પ્રોજેક્ટની જાહેરાત કરી. દિલીપકુમાર, દેવઆનંદ અને પુષ્પાવલ્લીની સાથે, ‘ઈન્સાનિયત’ નામની ફિલ્મની જાહેરાત થઈ. મારી મા કદાચ મારા જેટલી જ મૂરખ હશે એવું હવે લાગે છે અથવા તો હું મારી મા જેટલી મૂરખ છું કારણ કે, એ વખતે વાસનને મારી મા અને રામાસ્વામીના ‘લફરા’ની ખબર પડી ગઈ હતી એટલે એણે મારી માને એ રામાસ્વામી અને આ બિગ બજેટ સુપરસ્ટારર હિન્દી ફિલ્મની વચ્ચે પસંદગી કરવાનું કહ્યું… મારી માએ રામાસ્વામી ગણેશનને પસંદ કરીને ફિલ્મની સાથે વાસનને પણ છોડી દીધા. પ્રેમના નામે અમે બંનેએ જિંદગીમાં ખૂબ ભોગવ્યું છે, ઘણું છોડ્યું છે, ઘણું ગુમાવ્યું છે. કોઈક પ્રેમ કરે તો એ જે માંગે તે આપી દેવું, એ થાકી જાય, હારી જાય, એને અબખે પડી જાય ત્યાં સુધી આપ્યા જ કરવું એ અમારા બંનેની કમજોરી છે. અમને બંનેને આખી જિંદગી જે જોઈતું હતું એ ન મળ્યું, સ્વીકાર અને સન્માન !

મારી મા છેલ્લે સુધી, ૧૯૯૧માં એનું મૃત્યુ થયું ત્યાં સુધી મને એક જ વાત શીખવતી રહી, લગ્ન કરી લે… પણ ૧૯૯૦માં લગ્નનો જે અનુભવ થયો મને એ પછી છેલ્લું વર્ષ એણે પણ કંઈ કહેવાનું બંધ કરી દીધેલું. હું માનું છું એને પણ સમજાઈ જ ગયું હશે કે અમારા નસીબમાં કે કુંડળીમાં લગ્ન કરવાનું, પતિ અને સામાજિક સ્વીકારનું સુખ લખવાનું ઉપરવાળો ભૂલી ગયો છે. ગમે તેટલા ફાંફાં મારીએ તો પણ અમને એ નથી મળવાનું એ વાત મારી મા મૃત્યુ પામી ત્યાં સુધી સ્વીકારી શકી નહીં પણ મેં એ વાત સ્વીકારી લીધી છે.

મારી માએ જે નિર્ણય કર્યો, જેમિની સ્ટુડિયો અને વાસન બંનેને છોડવાનો એ સાચો હતો કે નહીં એવો સવાલ એને એ વખતે થયો જ નહીં. એને માટે કારકિર્દીથી વધુ મહત્ત્વનો પ્રેમ હતો એટલે રામાસ્વામી-જેમિની ગણેશન સાથે બે ફિલ્મો સાઈન કરીને એણે એસ.એસ. વાસન સાથેનો કોન્ટ્રાક્ટ તોડી નાખ્યો. રામાસ્વામીએ પણ જેમિની સ્ટુડિયો છોડી દીધો. પણ એને ફિલ્મો મળતી રહી. એણે પોતાનું નામ રામાસ્વામી ગણેશનમાંથી જેમિની ગણેશન કરી નાખ્યું ! જેમિની સ્ટુડિયોઝના માલિક એસ.એસ. વાસન માટે આ એક તમાચો હતો. કારણ કે એને ત્યાંથી તૈયાર થયેલો એ જ છોકરો એનું નામ વાપરીને એની ગર્લફ્રેન્ડને પડાવી લઈને પણ ધડાધડ ફિલ્મો સાઈન કરી રહ્યો હતો, સફળ થઈ રહ્યો હતો અને વાસન એને રોકવા માટે કંઈ કરી શકે એમ નહોતા.

મારી મા અને જેમિની ગણેશન વચ્ચે પણ એ જ સમસ્યા આવીને ઊભી રહી. જેમિની ગણેશન-રામાસ્વામી ગણેશન ફિલ્મોમાં આવ્યા એ પહેલાથી પરણેલા હતા. એમના પત્નીનું નામ બોબજી હતું… એ રામાસ્વામીને ક્યારેય છોડવાના નહોતા એ નક્કી હતું… મારી મા પુષ્પાવલ્લી અને જેમિની ગણેશનના અફેરની ખબરો છપાતી રહી. આખી તમિળ સિનેમાની ઈન્ડસ્ટ્રી જાણતી હતી કે પુષ્પાવલ્લી ખુલ્લમખુલ્લા જેમિની ગણેશનની બીજી પત્ની તરીકે રહેતી, એ જ પ્રકારના હક્કો ભોગવતી… મારા પિતા ‘કિંગ ઓફ રોમેન્સ’ (કડાલ મન્નાન) કહેવાતા. એમની આંખો, એમની ૠજુતા અને અત્યંત ચોકલેટી લુકે એમને રોમેન્ટિક હીરો તરીકે જબરજસ્ત પ્રસિદ્ધિ આપી.

મારી માની જિંદગીમાં કદાચ ઠરીઠામ થવાનું લખ્યું જ નહીં હોય… એટલે એણે તો પોતાના સોએ સો ટકા આપી દીધા, પરંતુ મારા પિતા એને નામ કે સન્માન કશું જ આપી શક્યા નહીં. બે બાળકો હોવા છતાં મારી મા જ્યારે ગર્ભવતી થઈ ત્યારે એણે મારા પિતાને કહ્યું, “હું આ સંતાનને જન્મ આપીશ… મારા પિતાએ એને ઘણી સમજાવી પણ મારી મા પ્રેમમાં અંધ હતી. એટલી અંધ કે એને એવું પણ નહોતું સમજાતું કે બે બાળકો પછી આ ત્રીજા સંતાનના જન્મને કારણે એનું શરીર અને કારકિર્દી બંનેને નુક્સાન થશે… તેમ છતાં મારી માએ એ ત્રીજા સંતાનને જન્મ આપવાનું નક્કી કર્યું. એ સમયે જેમિની ગણેશન કે પુષ્પાવલ્લી બેમાંથી કોઈને ખબર નહોતી કે એ બંને જણાં મળીને જે સંતાનને જન્મ આપવાના છે એ આવનારા વર્ષોમાં પુષ્પાવલ્લી જેવી જ જિંદગી જીવશે પણ જેમિની ગણેશનના ડી.એન.એ. સાથે એ એના જેટલી જ પ્રસિદ્ધિ અને લોકચાહના પણ મેળવશે… ૧૯૫૪ની ૧૦મી ઑક્ટોબરે, પુષ્પાવલ્લીને એક દીકરી જન્મી એનું નામ પાડ્યું ‘ભાનુરેખા’.

જેમિની ગણેશન એને પોતાનું નામ આપવા તૈયાર નહોતા તેમ છતાં મારી માએ હિંમત કરીને હોસ્પિટલમાં અને બર્થ સર્ટિફિકેટમાં મારું નામ ભાનુરેખા ગણેશન લખાવ્યું… આ વાતને અખબારોએ ખૂબ ચગાવી…

 

 

દુનિયાની દરેક સ્ત્રી આમ તો પ્રેમની જ ભૂખી હોય છે. એ જેને પ્રેમ કરે છે એ વ્યક્તિ એને ચાહે, સ્વીકારે અને સામાજિક સન્માન આપે એટલું પૂરતું નથી હોતું. દુર્ભાગ્યે એને સલામતી અથવા વિશ્ર્વાસ પણ જોઈએ છે. આ સલામતી અને વિશ્ર્વાસ સૌથી અઘરી અને સૌથી દુર્લભ ચીજ છે કોઈપણ સ્ત્રી-પુરુષ સંબંધ માટે. પરણેલા પુરુષો પણ પોતાની પત્નીને પ્રેમથી છેતરે છે (આ મારાથી વધારે કોને ખબર છે ?!) ત્યારે, લગ્ન ન થયા હોય એવા સંબંધમાં તો વળી સલામતી અને વિશ્ર્વાસની અપેક્ષા જરા વધારે પડતી જ છે. સીમી ગરેવાલે એના રેન્દેવુમાં મારી ઓળખાણ આપતા કહ્યું હતું, “રેખા બીજું કઈ નથી પણ એની ફેન્ટસી અને કલ્પનાઓમાં રાચતી એક એવી સ્ત્રી છે જેની અંદર ટીનએજર ફ્રીઝ થઈ ગઈ છે. એની વાત કદાચ ખોટી નથી કારણ કે આ સતત ટીનએજર રહેવાની માનસિક્તા મને મારી મા પાસેથી વારસામાં મળી હશે. એક દીકરીને જન્મ આપીને મારી માને સત્ય નહીં સમજાયું હોય ? ત્રણ-ત્રણ બાળકોને મોટા કરવાની જવાબદારી, સાથે સાથે શુટિંગ, મહેનત અને પોતાની જાતને સાચવવાના પ્રયત્નોની વચ્ચે એ ચોથી વાર પ્રેગ્નેન્ટ થઈ. એ જ્યારે મારી બહેન રાધાને જન્મ આપતી હતી ત્યારે મારા અપ્પા સાવિત્રી નામની એક ન્યુકમર સાથે લફરામાં સંડોવાયા. એ ‘મનામપોલ માંગલ્યમ’ નામની ફિલ્મ શુટ કરી રહ્યા હતા. જેમાં સાવિત્રી અને સુરભી બાલસરસ્વતી એમની સામે ડબલ રોલમાં બે હીરોઈનો હતી. ફિલ્મ ખૂબ ચાલી પણ એ સમયમાં સાવિત્રીની સાથેનો એમનો અફેર એટલો ચગ્યો કે મારી માનું દિલ તૂટી ગયું. અહીં મારી બહેન રાધાનો જન્મ થયો અને બીજી તરફ મારા પિતાએ ચામુંડી મંદિર, માયસોરમાં સાવિત્રી સાથે લગ્ન કરી લીધા. જેમિની ગણેશનની દીકરી નારાયણીએ એના પુસ્તક,‘ઈંટરનલ રોમેન્ટિક : માય ફાધર જેમિની ગણેશન’માં લખ્યું છે, “સાવિત્રી અને મારા પિતાના સંબંધો ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન બહુ ગાઢ રહ્યા. અમારા ઘરમાં એને કારણે યુદ્ધ થતા. મારી મા લડતી-ઝઘડતી-રડતી પણ એણે મારા પિતાને સ્પષ્ટ કહી દીધું હતું, તમે કંઈ પણ કરો હું તમને છૂટાછેડા આપવાની નથી.

બીજી તરફ મારી મા, પુષ્પાવલ્લી સતત વિશ્ર્વાસ અને સ્નેહ મેળવવાના પ્રયત્નમાં જેમિની ગણેશન સાથે સંબંધ ટકાવી રાખવાના પ્રયત્ન કરતી રહી. છેલ્લે એવો સમય આવ્યો કે અમે, હું અને રાધા મારા પિતાને મહિને મહિને જોતા. કેટલીકવાર એ નારાયણીને મૂકવા એ જ સ્કૂલમાં આવતા જેમાં હું ભણતી હતી. લાંબી ચમચમતી ગાડીમાંથી પિતાને બાય કહીને ઊતરતી નારાયણી… ને બીજી તરફ હું, બસમાં ધક્કા ખાતી, કંટાળેલી, માની ગાળો ખાઈને માંડ માંડ ભણવા માટે સ્કૂલે જતી ! અપ્પાને જોઈને હું એમના તરફ દોડતી. એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતી પણ ત્યારે એ ‘અપ્પા’ રહેતા નહીં, સુપરસ્ટાર જેમિની ગણેશન થઈ જતા… એમની ગાડી ચાલી જતી અને હું રાધાને સમજાવતી, ‘ઉતાવળમાં હશે’ પણ મને એટલી ખબર પડવા માંડી હતી કે એ જાહેરમાં અમારી સાથે વાત કરવાનું કે ઓળખવાનું સુદ્ધાં ટાળી જતા…

એ જ ગાળામાં મેં એક ફિલ્મ કરી, ‘રંગુલા રત્નમ’. હું ખૂબ નાની હતી પણ મારે માટે ફિલ્મ કરવા કરતા અગત્યનું એ હતું કે મને મારી મા સાથે સેટ ઉપર પુષ્કળ સમય વિતાવવા મળતો.

મારી મા અમને બધાને બહુ પ્રેમ કરતી પણ અમને મોટા કરવાના ચક્કરમાં બિચારી ઘરમાં સમય આપી શક્તી નહીં. મને બરાબર યાદ છે કે એ જ્યારે ઘરે હોય ત્યારે અમે બધા એની આસપાસ ગોઠવાઈ જતા. ખૂબ વહાલ કરતા અને એ પણ અમને ખૂબ સમય આપતી પણ એ ન હોય ત્યારે અમારી બાઈ, અમ્મા અમારું ધ્યાન રાખતી. સ્કૂલ મારા માટે બહુ જ અઘરી જગ્યા હતી. મને સ્કૂલે જવું ગમતું જ નહીં. મારી મા અમને બધાને ફિલ્મ અને ફિલ્મી દુનિયાથી દૂર રાખવા માગતી. એ ઈચ્છતી હતી કે અમે બધા ખૂબ ભણીએ, આગળ વધીએ અને જિંદગીમાં કશુંક ઉત્તમ કરીએ. મારી બહેન રાધા ભણવામાં હોશિયાર હતી પણ મને સ્કૂલમાં ગમતું જ નહીં… એમાંય હું જાડી, ભદ્દી, કાળી હતી. મારા પિતાનું અનૌરસ સંતાન હતી. ચાલુ ક્લાસે ઊંઘી જતી… ક્યારેક સ્કૂલના મેદાનમાં બેસીને પંખીઓને જોયા કરતી. ક્લાસમાં બધા મને લોટ્ટા કહીને ચીડવતા. તમિલમાં એનો અર્થ બાસ્ટર અથવા હરામી થાય છે. જ્યારે જ્યારે હાજરી માટે મારું નામ લેવાતું ત્યારે દરેક વખતે મને લાગતું કે, હું કશુંક ચોરીને, કશુંક છુપાવીને જીવી રહી છું… મારા ટીચર કહેતા, ભાનુરેખા ગણેશન પણ મને જવાબ આપવાની ઈચ્છા ન થતી કારણ કે, હું ભાનુરેખા હતી, પણ ગણેશન તો નહોતી જ.

૧૯૬૮ સુધીમાં અમારા ઘરની સ્થિતિ ભયાનક થઈ ગઈ. અમે ચાર ભાઈ-બહેન તો હતા જ. દરમિયાનમાં મારી માનો એક બીજો અફેર થયો. મદ્રાસના જાણીતા સિનેમેટોગ્રાફર કે. પ્રકાશ સાથે. કે. પ્રકાશ મારી મા સાથે લગ્ન કરવા તૈયાર હતા પણ એનાં ચાર સંતાનોને અપનાવવા તૈયાર નહોતા. મારી મા અમને મૂકીને જાય એટલી નિષ્ઠુર ન થઈ શકી… એણે કે. પ્રકાશ સાથેના સંબંધો ચાલુ રાખ્યા પણ લગ્ન કરવાની ના પાડી દીધી. અન્ના, (અંકલ) કે. પ્રકાશ સાથેના સંબંધમાં એને બીજાં બે બાળકો થયાં. ધનલક્ષ્મી અને શેષુ. હવે અમે છ ભાઈ-બહેન હતાં… મારી મા એક જ કમાનાર હતી. એને પણ હવે ઉંમર નડવા લાગી હતી. હીરોઈનના રોલ મળવાના ઓછા થઈ ગયા હતા એટલે આવક પણ ઘટી હતી.

ઘરમાં પ્રવેશેલા અભાવો, સમાજનો અસ્વીકાર અને વારંવાર સહેવી પડતી મજાક, છ ભાઈ-બહેનો સાથેના ન સમજાય તેવા ગૂંચવણભર્યા સંબંધો… ટૂંકમાં મારી જિંદગી ૧૪ વર્ષ સુધીમાં તો એટલી બધી ગૂંચવાઈ ગઈ કે એક દિવસ મેં આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો. મને લાગ્યું કે મરી જવું એ જ આ બધામાંથી છૂટવાનો સહેલો રસ્તો છે. જોકે, મરી ન શકી બચી ગઈ ને મારી માને હૉસ્પિટલનો ખર્ચો થયો તે વધારાનો ! મારી આંખ ખૂલી ત્યારે મારી મા મારી નજર સામે બેઠી હતી… ભીની આંખે એણે મને પૂછ્યું, “હું તને ત્રણ ચોઈસ આપું છું. સ્કૂલ, સિનેમા અને લગ્ન. તારે શું કરવું છે?

લગ્ન અને સ્કૂલના ઓપ્શન મારે માટે નકામા હતા. સિનેમા મને આકર્ષતું. સેટની લાઈટો, મેકઅપ, મસ્કરા લગાવેલી આંખો, રંગબેરંગી વો અને ઘેલા થઈને પાછળ દોડતા ફેન્સ આ બધું મારે માટે મારી ફેન્ટસીનો જ એક ભાગ હતો. મેં તરત પસંદગી કરી નાખી, ‘સિનેમા’. મને ખબર નહોતી કે મેં જે પસંદ કર્યું છે એ દેખાય છે એટલું સહેલું નહોતું. સમય જતાં મને સમજાયું કે, સિનેમામાં પણ ભયાનક મહેનત કરવી પડે છે. એ ૧૯૬૮નો સમય હતો. હું ૧૪ વર્ષની હતી. તમિલ ફિલ્મોમાં હિરોઈન બનવા માટે નાની અને બાળ કલાકાર તરીકે કામ કરવા માટે મોટી. મને બે-ચાર સેક્ધડ લીડના રોલ મળ્યા પણ એનાથી મારા પરિવારનું ગુજરાન ચાલે એમ નહોતું. મારે તો ખૂબ પૈસા કમાવા હતા. મારી માને મદદ કરવી હતી. પરિવારનું ધ્યાન રાખવું હતું અને સિનેમામાં રાજ કરવું હતું…

એ દિવસોમાં મારી માને એક ટેવ પડી ગઈ હતી, રેસ રમવાની. જોકે, અમને બહુ મોડી ખબર પડી. એણે એટલું બધું દેવું કરી નાખ્યું હતું કે પઠાણો અમારી પાછળ પડ્યા હતા. કેટલીક વાર અમારે સંતાઈ જવું પડતું. ધડાધડ બારણા ઠોકાતા રહેતા અને ચૂપચાપ ટેબલ નીચે, ખાટલા નીચે ભરાઈને એમના જવાની પ્રતીક્ષા કરતા રહેતા. આ દેવું ચૂકવાય એવી કોઈ સ્થિતિ જ નહોતી… મારે મદ્રાસની બહાર જતા રહેવું હતું. મને સમજાતું નહોતું કે હું શું કરું તો અહીંથી છૂટું. એવામાં ઈશ્ર્વરે જાણે મારું સાંભળ્યું હોય એમ એક પ્રોડ્યુસર મદ્રાસમાં હિરોઈનની તલાશ કરતો આવી પહોંચ્યો. એનું નામ કુલજીત પાલ હતું. એની ફિલ્મ ‘ગલીઓ કા રાજા’ જેમાં મુમતાઝ, હેમા માલિની અને રાજકુમાર હતા, એ અટકી પડેલી. મુંબઈની હિરોઈનોના નખરાથી કંટાળેલો કુલજીત મદ્રાસમાં હિરોઈન શોધવા આવ્યો હતો. એને હિન્દીમાં ફિલ્મ બનાવી હતી, ‘અનજાના સફર’. વિશ્ર્વજીતને એણે સાઈન કરી લીધા હતા. એ વખતે એક સ્ટુડિયો પર મને એણે જોઈ. કોઈકે એને માહિતી આપી, આ જાણીતી એક્ટ્રેસ પુષ્પાવલ્લીની દીકરી છે. એ સાંજે કુલજીત પાલ મારે ત્યાં આવ્યા તેમણે મને પૂછ્યું, ‘તમે હિન્દી બોલી શકો છો ?’ મેં પટ દઈને ના પાડી. મારી મા ડરી ગઈ. એણે કહ્યું મારી દીકરીની મેમરી બહુ સરસ છે. તમે અંગ્રેજીમાં, રોમનમાં લખીને આપશો તો એ તરત બોલશે. કુલજીતે મને રોમન હિન્દીમાં ડાયલોગ લખીને આપ્યો. હું થોડીવાર રૂમમાં ગઈ, મોઢે કરીને, શુદ્ધ હિન્દીમાં એ ડાયલોગ મેં એમને સંભળાવ્યો… કુલજીતને હું ગમી ગઈ. એણે મારી માને કહ્યું, હિન્દી ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઈ આવવું પડે. મારી મા આમ પણ મદ્રાસથી કંટાળી હતી. દેવામાં ડૂબી ગયા હતા અમે એટલે મદ્રાસ છોડવું પણ અનિવાર્ય હતું. મારી માએ કુલજીત સાથે ચર્ચા કરી, “એક ફિલ્મ માટે મુંબઈ ન આવી શકાય… તમારે સરખું કામ આપવું પડે… કુલજીતે મારી મા સાથે કોન્ટ્રાક્ટ કર્યો, ચાર ફિલ્મો એની અને ચાર એના ભાઈ, શત્રુજીતની. દરેક માટે ૨૫ હજાર રૂપિયાનું મહેનતાણું. ૭ ઑગસ્ટ, ૧૯૬૯ના દિવસે ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું, ‘અનજાના સફર’. મુહૂર્તના દિવસે અભિનેતા રાજકુમારે કુલજીતની મજાક ઉડાવતા કહ્યું, “તું આફ્રિકાનો છે ને ? તને કાળી જાડી છોકરીઓ ગમે એ સ્વાભાવિક છે પણ આ છોકરી હિન્દી સિનેમામાં ચાલશે નહીં. મને ખૂબ અપમાન લાગેલું. મેં નક્કી કરી લીધેલું કે હિન્દી સિનેમાને જવાબ આપ્યા વગર નહીં રહું. એક દિવસ એવો આવશે, જે દિવસે આ ઈન્ડસ્ટ્રી મને સાઈન કરવા માટે લાઈન લગાવશે…

એ પછી કુલજીતના ભાઈ શત્રુજીતની ફિલ્મનું મુહૂર્ત થયું, ‘મહેમાન’ ૨૦ ઑગસ્ટ, ૧૯૬૯. ત્રીજી ફિલ્મ, રામ દયાલ નામના પ્રોડ્યુસરે લોન્ચ કરી, ‘હસીનોં કા દેવતા’. અને ૩૦મી ઑગસ્ટે, ચોથી ફિલ્મ, ‘સાવન ભાદોં’, જેના નિર્માતા હતા, મોહન સહેગલ…

ભાનુરેખા ‘ગણેશન’થી છૂટવા માટે હું મુંબઈ આવી હતી, મેં મારું નામ બદલી નાખ્યું, હવે હું માત્ર ‘રેખા’ છું. ગણેશન સાથેનો મારો સંબંધ અને સંવાદ બંને અહીં પૂરા થયા.

માણસની જિંદગી ક્યાંથી ક્યાં પહોંચી જતી હોય છે ! ઘણી વાર વિચારું તો મને લાગે કે, મારી જિંદગી પણ નહીં ધારેલા, નહીં કલ્પેલા રસ્તા પર પસાર થઈ છે. મેં હંમેશા મારી જાતને એક સીધીસાદી, સરળ છોકરી તરીકે જોઈ છે. મુંબઈ પહોંચી ત્યારે હું ૧૪ વર્ષની હતી. મારી ઉંમરની છોકરીઓ સ્કૂલે જતી, આઈસક્રીમ ખાતી, બહેનપણી સાથે મજા કરતી પણ એક હું હતી જેને સવારે ૬ વાગ્યે ઉઠવું પડતું, સ્ટુડિયો જવું પડતું. મારી માની અપેક્ષા હતી કે હું એક અત્યંત ડિસિપ્લીન અને કમિટેડ અભિનેત્રી બનું પણ મારી માટે અભિનય એક કમાવાના સાધનથી વધુ બીજું કંઈ જ નહોતું એટલે મને સ્ટુડિયોમાં જરાય મજા પડતી નહીં…

ચાર-ચાર ફિલ્મો એકસાથે સેટ પર હોય ત્યારે હિરોઈનની સ્થિતિ શું થાય એની માત્ર એ જ વ્યક્તિને સમજણ પડે જેણે એકાદ વાર આવી જિંદગી જીવવાનો પ્રયાસ કર્યો હોય ! મારી સ્થિતિ કોઈ સમજતું નહીં. મારા ભાઈ બાબુજીને હવે હું સોનાના ઈંડા આપતી મરઘી જેવી લાગતી હતી. હું મોડી ઊઠું, કે સ્ટુડિયો જવાની આનાકાની કરું તો એ મને મારતો… મારી મા સમજાવવાનો પ્રયત્ન કરતી પણ અંતે એય મને ઘસડીને ગાડીમાં બેસાડી દેતી… એમાં એક દિવસ મારી સાથે ભયાનક ઘટના બની. એ ઘટનાએ મને ફિલ્મ પર, ફિલ્મી માણસો પર અને ફિલ્મી પત્રકારત્વ ઉપર નફરત પેદા કરી દીધી.

બિશ્ર્વજીત અભિનેતા તરીકે બહુ નામ કાઢી શક્યા નહીં. કુલજીત પાલની ફિલ્મો પણ કંઈ એવી સુપરહિટ પુરવાર થઈ નહીં, એટલે એ બંને જણા કોઈ પણ કારણસર સેન્સેનલ પબ્લિસિટી શોધી રહ્યા હતા. ‘અનજાના સફર’ ફિલ્મનું શૂટિંગ મહેબૂબ સ્ટુડિયોમાં ચાલતું હતું. બિશ્ર્વજીત અને મારી વચ્ચે એક રોમેન્ટિક સીન શૂટ થઈ રહ્યોે હતો ત્યાં અચાનક એણે મને પકડીને ચુંબન કરી લીધું. એ મારા હોઠ ઉપર પોતાના હોઠ ઘસી રહ્યા હતા. મારા હોઠને મોઢામાં લઈને રીતસર ચૂસી રહ્યા હતા. મારી આંખો બંધ હતી. ચીસ પાડવાની પણ જગ્યા નહોતી. મારા કાને યુનિટ મેમ્બર્સની તાળીઓ અને સીસોટીના અવાજ સંભળાતા હતા… હું અત્યંત અપમાનિત અને ચિટેડ ફિલ કરતી હતી… કોઈકે જાહેરમાં મારાં વસ્ત્રો ઉતારી દીધા હોય એટલી ગંદી ફીલિંગ આવતી હતી મને પણ હું કશું જ બોલી શકી નહોતી!

એ દિવસે ઘરે જઈને હું ખૂબ રડી. મારી માએ મને સમજાવી, “જે થયું તે ! તને આનાથી ફાયદો જ થશે. ખૂબ પબ્લિસિટી મળશે. બીજા દિવસના અખબારો એ કિસના સીનની વાતો સાથે છપાયાં. મારી મા અને મારો ભાઈ ખુશ થતાં હતાં… બેમાંથી કોઈને મારા અપમાનની, મારી પીડાની કે મને જે શરમ આવતી હતી એનો વિચાર પણ ન આવ્યો?!

એ પછી હું ધીમે ધીમે વધુને વધુ બદતમીઝ, બેશરમ અને તોછડી થવા લાગી… મને સમજાઈ ગયું કે કોઈને મારા સુખ-દુ:ખમાં રસ નથી. મને મળતા ચેક સિવાય બીજી કોઈ વાતમાં એમને રસ નહોતો. જેમ્સ શેફર્ડ નામનો એક અમેરિકન જર્નાલિસ્ટ ભારત આવ્યો હતો. એના સુધી આ ક્સિના સમાચાર પહોંચ્યા. એણે મારો ઈન્ટરવ્યૂ કરવાનો પ્રયત્ન કર્યો પણ રણધીર કપૂરે જેમ્સને મારા સુધી આવતો રોકવાનો પૂરો પ્રયત્ન કર્યો. જોકે, એ મારા સુધી પહોંચી ગયો અને એણે એક ફોટોશૂટ કર્યું, જેમાં હું અને બિશ્ર્વજીત ચુંબન કરતા હોઈએ એવા ફોટા પાડ્યા. સાથે સાથે ‘અનજાના સફર’ ફિલ્મના બે સ્ટીલ્સ પણ એમાં મૂકવામાં આવ્યા. ‘લાઈફ’ મેગેઝિનના કવર ઉપર એ ક્સિનો ફોટો છપાયો. કુલજીત પાલે પ્રેસ કોન્ફરન્સ ઓર્ગેનાઈઝ કરી. પ્રેસ કોન્ફરન્સમાં મને પૂછવામાં આવ્યું, “તમે આ ક્સિની ફેવરમાં છો ?

“યસ મેં કહ્યું.

“કઈ સિચ્યુએશનમાં ? પ્રેસમાંથી સવાલ પુછાયો.

“જ્યારે હિરોઈને સ્લેક્સ પહેર્યું હોય ત્યારે કોઈને સમજાયું નહીં કે આ જવાબ મૂર્ખતા હતી કે સ્માર્ટનેસ… એ પછીના અનેક સવાલજવાબ થયા અને લોકોએ મને એક બેવકૂફ, જાડી, કાળી, ૧૪ વર્ષની એવી છોકરી તરીકે ચીતરી જે કોઈ રીતે હિન્દી સિનેમાને લાયક નહોતી ! મોહન સહેગલે ‘સાવન ભાદોં’નું શૂટિંગ શરૂ કર્યું ત્યારે મારી દોસ્તી જયશ્રી ટી. સાથે થઈ. એ હિન્દી સિનેમામાં મારી પહેલી મિત્ર હતી. એ મારી ચિંતા કરતી. મને ત્વચા સુધારવા અને વજન ઉતારવાના નુસખા બતાવતી. એમણે હંમેશા મારી ચિંતા કરી, કાળજી લીધી…

‘સાવન ભાદોં’નો પ્રીમિયર નોવેલ્ટી સિનેમામાં યોજાયેલો. શશી કપૂરે ફિલ્મ જોઈને કહ્યું, “આવી જાડી, કાળી અને વિચિત્ર છોકરીને હિરોઈન તરીકે શું જોઈને લીધી હશે ! એની પત્ની જેનીફર કેન્ડલ (કપૂર) ફિલ્મ જોવા આવ્યાં હતાં એમણે શશી કપૂરને કહેલું, “આ છોકરી પાસે જબરજસ્ત ટેલેન્ટ છે. એનો આત્મવિશ્ર્વાસ કોઈને પણ ડરાવી દે એવો છે. આ છોકરીને જો યોગ્ય તરાશનારો મળશે તો આ છોકરી હિન્દી સિનેમાનું અવિસ્મરણીય આભૂષણ બની રહેશે. આ વાત મને શશી કપૂરે કહેલી જ્યારે એ મને ‘ઉત્સવ’ માટે સાઈન કરવા આવ્યા ત્યારે !

કોઈને ખબર નહોતી પણ મને તરાશનારો પણ એ જ સમયે હિન્દી સિનેમામાં પ્રવેશી ચૂક્યો હતો ! ખ્વાજા અહેમદ અબ્બાસ નામના એક જાણીતા લેખક, વિવેચકે એક ફિલ્મ બનાવેલી, ‘સાત હિન્દુસ્તાની’. ફિલ્મ તો ચાલી નહીં, એમાં અભિનય કરી રહેલા એક છોકરાને બધાએ સલાહ આપી, “આ ઊંચાઈ, આવા નાક અને આવા લાંબા ટાટિયા સાથે તું અભિનેતા નહીં બની શકે એ છોકરો પણ જક્કી અને આત્મવિશ્ર્વાસથી સભર હતો. એણે નક્કી કરી લીધું કે એ હારીને ઘેર પાછો નહીં જાય. જાણીતા કવિ, લેખક અને જ્ઞાનપીઠ એવૉર્ડ વિજેતા હરિવંશરાય બચ્ચનનો દીકરો, નામ એનું અમિતાભ બચ્ચન.

જોકે, હું અમિતજીને મળી એ પહેલા મારી જિંદગીમાં નાના-મોટા અફેર્સ થઈ ચૂક્યા હતા. એમને મળી ત્યારે હું ઘડાઈ ગયેલી, દુનિયા જોઈ ચૂકેલી, પ્રમાણમાં ઉસ્તાદ થઈ ગયેલી ને છતાં, બદતમીઝ, બેફિકર જીવન જીવતી એક એવી અભિનેત્રી હતી જે સિનેમાના છાપાંઓ માટે, સિનેમાના અખબારો અને મેગેઝિન માટે સતત ગોસિપ પૂરી પાડતી રહેતી. મારા દરેક ઈન્ટરવ્યૂમાં હું કંઈક એવું બોલી નાખતી જેને ચગાવવાની મેગેઝિન અને અખબારોને ખૂબ મજા પડતી. અમે મળ્યા ત્યારે, દુલાલ ગુહા એક ફિલ્મ બનાવતા હતા. શર્મિલાજી, વહીદાજી, મુમતાઝ અને હેમા માલિનીએ ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી. ફિલ્મમાં હિરોઈનનું પાત્ર થોડું નેગેટિવ હતું. અત્યંત મહત્ત્વાકાંક્ષી પત્ની પોતાના જ પતિની હત્યાનો પ્રયાસ કરે છે. એવા રહસ્ય અને રોમેન્ટિક કથાવાળી આ ફિલ્મનું નામ હતું, ‘દો અનજાને’. આ ફિલ્મ બંગાળીમાં બની ચૂકી હતી ‘રાત્રિર યાત્રિ’ (રાતના મુસાફર). અમિતાભને આ ફિલ્મ માટે સાઈન કરાઈ ચૂક્યા હતા. અમિતાભ ત્યારે સુપરસ્ટાર બનવાના રસ્તે નીકળી ચૂક્યા હતા. ‘શોલે’ ૧૯૭૫, ‘ઝંઝીર’ અને ‘દીવાર’ ૧૯૭૫, ‘કભી કભી’ ૧૯૭૬ રિલીઝ થઈ ચૂકી હતી અને બ્લોકબસ્ટર પુરવાર થઈ ચૂકી હતી!

હું ‘દો અનજાને’ના સેટ પર અમિતજીને મળી એ પહેલાં વિનોદ મહેરા સાથે મારો પ્રગાઢ પ્રણય થઈ ચૂક્યો હતો. વિનોદ મહેરા મારી જિંદગીમાં આવ્યા એ પહેલાં હું બેવકૂફ પણ બની ચૂકી હતી. મારી પાસે સફળતા હતી. ૧૧ ફિલ્મો હાથ પર હતી, પરંતુ સન્માન કે આદર નહોતા. બી.એન. ઘોષે મને જીતેન્દ્ર સાથે ‘એક બેચારા’માં સાઈન કરી. જીતેન્દ્ર ત્યારે ‘જમ્પિંગ જેક’ તરીકે ઓળખાતા. ફિલ્મનું શૂટિંગ શિમલામાં હતું. બાકીના બધા લોકો મારી સાથે જે રીતે વર્તતા હતા એના કરતા જીતેન્દ્રનું વર્તન જુદું હતું. શિમલાના એક મહિના દરમિયાન જીતેન્દ્રએ મને પ્રેમમાં હોવાની પ્રતીતિ કરાવી. ૧૯૭૩માં અમે ‘અનોખી અદા’ નામની ફિલ્મ સાઈન કરી… એ દરમિયાન બોલીવૂડના અખબારોએ અમારા રોમેન્સની ખબરો છાપવા માંડી હતી. સાચું પૂછો તો મેં પણ એ અફવાઓને નકારી નહીં. મને લાગતું હતું કે, જીતેન્દ્ર મને પ્રેમ કરે છે અને આ જ માણસ હવે મારી જિંદગીનો, રિયલ લાઈફનો ‘હીરો’ બનશે. એક દિવસ જ્યારે મેં જીતેન્દ્રની સાથે એ વિશે વાત કરી ત્યારે એણે કહ્યું, “સોરી ! મેં તને ક્યારેય લગ્નનું વચન નથી આપ્યું. મારી એક સ્ટેડી ગર્લફ્રેન્ડ છે જે છેલ્લાં ચાર વર્ષથી મારી પ્રતીક્ષા કરે છે. લગ્ન તો હું એની સાથે જ કરીશ.

મેં એને પૂછ્યું, “તો આ બધું શું હતું ? મને કોઈકે તમાચો માર્યો હોય એવી લાગણી થઈ રહી હતી. માથું ભમભમ થતું હતું, તમ્મર આવતા હતા, કંઈ જ સમજાતું નહોતું. પહેલી વાર બિશ્ર્વજીતે મૂર્ખ બનાવીને ચુંબન કર્યું ત્યારે થઈ હતી એના કરતાં વધુ અપમાનની લાગણી અનુભવી રહી હતી હું.

“ટાઈમપાસ ? જીતુએ હસીને કહ્યું, “આવું બધું સીરિયસલી નહીં લેવાનું. કહીને એણે મારો ખભો થપથપાવ્યો. “આઈ એમ શ્યોર, તને પણ કોઈ મળશે જે તારી જિંદગી બદલી નાખશે.

મને સમજાયું નહીં મારે શું કરવું જોઈએ. હું રડતી રડતી ત્યાંથી નીકળી ગઈ. એ પછીના દિવસો ભયાનક પીડાના, હાર્ટબ્રેકના, દુ:ખના દિવસો હતા. ‘અનોખી અદા’ માંડ માંડ પૂરી થઈ. અમે સેટ પર અજાણ્યાઓની જેમ વર્તતા. રોમેન્સના સીન કરતી વખતે હું એની આંખમાં જોવાનું ટાળતી.

‘અનોખી અદા’ સુપરહિટ પુરવાર થઈ…

એ દિવસોમાં હું વિનોદને મળી. અત્યંત સૌજન્યશીલ, પ્રેમાળ અને સમજદાર પુરુષ, જેની મને હંમેશા ઝંખના હતી એવો હતો વિનોદ ! હું એને ‘વિન વિન’ કહેતી. સ્ટાર એન્ડ સ્ટાઈલને ૧૯૭૨માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં મેં કહ્યું હતું, “વિનોદ મહેરા મારા જીવનનો પહેલો સાચો અને આખરી બોયફ્રેન્ડ છે. જોકે, એવું થયું નહીં. અમે એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે એકબીજા વિના રહી શકીએ એમ નહોતા. વિનોદ મહેરાનો ફ્લેટ, ‘નિબાના’ (પાલી હિલ)માં હતો. સાવનકુમાર એની નીચે જ રહેતા. હું ઉપર જતાં-આવતાં સાવનકુમારને ઘણીવાર મળી જતી. એ મને હંમેશા કહેતા, “હવે ક્યારે રહેવા આવે છે ? હું શરમાઈ જતી… વિનોદ મહેરાના મમ્મી કમલા મહેરાને આ લગ્ન કોઈ રીતે મંજૂર નહોતા. એમણે વિનોદને મને મળવાની ના પાડી દીધી. એટલું જ નહીં એક-બે વાર વિનોદના ફ્લેટ પર આવીને એમણે ધમાલ મચાવી. વિનોદની સ્થિતિ ખૂબ ખરાબ હતી. એ માને કશું કહી શકે એમ નહોતો અને મારા વગર જીવી શકે એમ નહોતો. એની સિગારેટ, શરાબ ખૂબ વધી ગયા…

અંતે એક દિવસ કંટાળીને મેં ટિક ટ્વેન્ટી, માંકડ મારવાની દવા પી લીધી. હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને બચાવી લેવામાં આવી પણ મારા આ આપઘાતના પ્રયાસને પ્રેસે બહુ ચગાવ્યો. અમે એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં મેં અને વિનોદે સાથે મળીને મને ફૂડ પોઈઝન થયું હોવાના પૂરાવા રજૂ કર્યા. આજે વિચારું છું તો સમજાય છે કે એવું કંઈ કરવાની જરૂર નહોતી કારણ કે પ્રેસે ત્યારે પણ મારી વાત માની નહોતી અને મારે વિશે બેફામ છાપ્યું હતું.

અમે કલકત્તામાં પરણી ગયા. મૌસમી ચેટર્જીના હસબન્ડ બાબુ, રિતેશ ચેટર્જીએ અમારા લગ્નની બધી વ્યવસ્થા કરી હતી. મૌસમીએ પોતાના અંગત દાગીનામાંથી પોતાની નથણી પણ મને પહેરવા આપી. પાર્ક સર્કસ પાસે આવેલા મંદિરમાં અમે લગ્ન કર્યા.

વિનોદ મહેરાના મમ્મી કમલા મહેરાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એમણે વિનોદ સાથે વાત કરવાની બંધ કરી દીધી. ઘણાં સંઘર્ષ અને પીડા પછી અંતે વિનોદે મારી માફી માંગી અને અમે એકબીજાથી છૂટા પડ્યાં. એ એક એવો માણસ હતો, જેણે મને કોઈ દિવસ છેતરી નથી. હંમેશા સન્માન આપ્યું અને જ્યારે જરૂર પડી ત્યારે મારી મદદે આવીને ઊભો રહ્યો. એ સંબંધ ટક્યો નહીં એનો અફસોસ મને આજે પણ છે અને એને મૃત્યુ સુધી રહ્યો એની મને ખબર છે.

“ના! હું વિનોદ મહેરા સાથે ક્યારેય પરણી જ નહોતી. એ મારો બહુ સારો દોસ્ત હતો, હિતેચ્છુ હતો પણ અમે લગ્ન નહોતાં કર્યા… મેં જ્યારે સીમી ગરેવાલના ‘રેન્દેવુ’ કાર્યક્રમમાં આવું કહ્યું ત્યારે મને પણ વિચાર આવેલો કે હું સાચું બોલી રહી છું કે ખોટું ! સત્ય એ છે કે અમારાં લગ્ન મંદિરમાં થયાં હતાં. એ લગ્નના કોઈ પૂરાવા કે કોઈ ઓથેન્ટીસિટી નહોતી. મન મનાવવા ખાતર કરેલાં લગ્નનું શું મૂલ્ય ? ક્યારેક વિચારું છું ત્યારે મને સમજાય છે કે, મારે માટે ‘પ્રેમ’નો અર્થ સલામતી થતો હતો… આજે પણ કદાચ એ જ અર્થ થાય છે. મારી જિંદગીમાં આવનારા પુરુષો માટે કદાચ પ્રેમનો અર્થ માત્ર શરીર અથવા સેક્સ થતો હતો. અમે જુદી જુદી વ્યાખ્યા સાથે, એકબીજાની તરફ આકર્ષાયાં ! શરૂઆતમાં બહુ ઝડપથી ધસ્યા એકબીજા તરફ… પરંતુ સમય જતાં અમને સમજાયું કે અમે એક જ જરૂરિયાત માટે એકબીજા સાથે નથી જોડાયા. નવાઈની વાત એ છે કે લગભગ દરેક પુરુષ સાથે મારે આવું જ થતું રહ્યું ! એમને હું સુંદર, સેક્સી અને આકર્ષક લાગી જ્યારે મારી જિંદગીમાં ગેરહાજર રહેલા મારા પિતાને હું એ પુરુષોમાં શોધતી રહી.

વિનોદ મહેરા સાથેના સંબંધ પૂરા થયા ત્યારે હું ખૂબ દુ:ખી, તરછોડાયેલી અને એકલવાયી હતી… એ ગાળામાં હું કિરણકુમારને મળી. ‘વિન વિન’ પછીનો સમય ‘કિન કિન’નો હતો. કિરણ સાથેના સંબંધો ખૂબ ગાઢ અને પ્રેમાળ હતા પણ એણે મને પહેલાં જ કહી દીધેલું, “મારા મમ્મી-પપ્પા હા પાડશે તો જ હું લગ્ન કરીશ. હિન્દી ફિલ્મોના જાણીતા વિલન, જીવનનો દીકરો એટલે કિરણકુમાર. એ ત્યારે બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરતો. ‘જંગલ મેં મંગલ’ જેવી ફિલ્મો ચાલતી પણ એની પાસે કઈ ખાસ કારકિર્દી નહોતી. અમે સાથે ફરતાં ત્યારે સહુને લાગતું કે કિરણ મારો ફાયદો ઉઠાવવા માગે છે, પરંતુ સત્ય તો એ છે કે એણે કોઈ દિવસ મને કહ્યું નથી કે મારે એને રેકમેન્ડ કરવો જોઈએ !

કિરણ સાથેના સંબંધ બહુ લાંબા ચાલી શક્યા નહીં, પરંતુ એ ગાળામાં મને દુલાલ ગુહાએ ફિલ્મ ઓફર કરી, ‘દો અનજાને’. મને જ્યારે ખબર પડી કે એ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને સાઈન કરવામાં આવ્યા છે ત્યારે હું પેરાનોઈડ થઈ ગઈ હતી. એ ત્યારે સુપરસ્ટાર થઈ ગયેલા. ‘ઝંઝીર’, ‘દીવાર’, ‘શોલે’ જેવી ફિલ્મોએ એમને એક એન્ગ્રીયંગ મેનની છાપ આપી દીધેલી. એમની સાથે કામ કરવાનું સ્વપ્ન એ સમયની દરેક હિરોઈન જોવા લાગેલી. હું એમને ઓળખતી પણ ‘દીદીભાઈ’ના પતિ તરીકે !

‘દીદીભાઈ’ એટલે જયા ભાદુરી. અમે બંને જણાં એક જ બિલ્ડિંગમાં રહેતાં. અમારી કારકિર્દી પણ લગભગ એક જ સમયે શરૂ થયેલી. એમની છાપ એક ગંભીર, સિરીયસ, થિન્કર હિરોઈન તરીકે પડેલી, જ્યારે મને કોઈ ગંભીરતાથી લેતું નહીં. જ્યારે મારા અફેર્સ થતા રહ્યા અને લોકો મારા વિશે જેમ તેમ બોલતા રહ્યા ત્યારે ‘દીદીભાઈ’એ મને ઘણી સલાહો આપેલી. હું એ સમયમાં એમને મારા સલાહકાર તરીકે જોતી. શરૂઆતમાં અમિતજી એમના ઘરે, એમના બોયફ્રેન્ડ તરીકે આવતા-જતા… એ પછી એમણે લગ્ન કર્યાં. ‘દીદીભાઈ’ની સાથે હું આટલી બધી નજીક હતી તેમ છતાં, એમણે મને લગ્નમાં નહોતી બોલાવી. હું ત્યારે બહુ હર્ટ થયેલી પણ પછી મને વિનોદે સમજાવેલું, “તું એમને જેટલા ચાહે છે એટલી લાગણી એમને તારા માટે નથી. એ દિવસે મને સાચે જ આઘાત લાગેલો !

હું અમિતજીને ‘દો અનજાને’ના સેટ પર મળી, ત્યારે એ મારી સાથે તદ્દન પ્રોફેશનલી, કોઈ અજાણ્યાની જેમ વર્તતા હતા. હું તો એવી જ બેજવાબદાર, તોફાની અને મારા કામને મોજમજા સમજનારી વ્યક્તિ હતી પણ એમને કામ કરતા જોયા ત્યારે મને સમજાયું કે, એક્ટરે સફળ થવા માટે કેટલું બધું કરવું પડે છે. એમની શિસ્ત, એમની સમયબદ્ધતા અને કામ પ્રત્યેની એકાગ્રતા જોઈને હું આભી બની ગઈ. મારે માટે તો આ એક રમતનું મેદાન હતું અથવા કહો કે પૈસા કમાવાનું સાધન, માત્ર! મેં મારા કામને કોઈ દિવસ આટલી ગંભીરતાથી જોયું જ નહોતું. અમિતજીને જોયા પછી મને સમજાયું કે, એક વ્યક્તિની સફળતા માટે કેટલા બધા પરિબળો જવાબદાર હોય છે! ‘દો અનજાને’ બોક્સ ઓફિસ પર સફળ ન થઈ પણ એ ગાળામાં હું અમિતજીથી બહુ જ પ્રભાવિત થઈ ગઈ. મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ ગણો કે મારા પોતાના બદલાવનું કારણ ગણો તો એ ‘દો અનજાને’નો સમય હતો.

૧૯૭૦નું વર્ષ મારા માટે ચમત્કાર લઈને આવ્યું. મીડિયા અને સિનેમાએ એક નવી રેખા જોઈ. જે લોકો અત્યાર સુધી મને ગંભીરતાથી નહોતા લેતા એ બધા લોકો મારા આ બદલાવને જોઈને ચક્તિ રહી ગયા. લગભગ ‘દો અનજાને’ થી ‘ઉમરાવ જાન’ સુધીનો મારો પ્રવાસ એટલે, ‘ઘર’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘સુહાગ’, ‘ઉત્સવ’, ‘કલિયુગ’, ‘વિજેતા’ અને સૌથી મહત્ત્વની ફિલ્મ એટલે, હૃષીકેશ મુખર્જીની ‘ખુબસૂરત’ જેવી ફિલ્મો જેણે મને એક નવી ઈમેજ આપી. હૃષીદા આજે પણ મને ‘ચેન્નાપુન્નુ’ કહે છે. જેનો અર્થ પરિવારની સૌથી નાની દીકરી થાય છે. સાવનકુમાર, દુલાલ ગુહા, મોહન સહેગલ અને હૃષીદાની સાથે સાથે શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની, શશી કપૂર જેવા દિગ્દર્શકો સાથે મેં કામ કર્યું. જે ઈન્ડસ્ટ્રી મને એક રખડેલ, નકામી અને બેકાર સ્ત્રી સમજતી હતી એ ઈન્ડસ્ટ્રીએ આજે મને સન્માન અને અહોભાવની નજરે જોવાની ફરજ પડી. આ બધા માટે હું અમિતજીને જેટલો આભાર માનું એટલો ઓછો છે.

જયાજીએ અમિતજીને મારી સાથે કામ કરવાની ના પાડી. અખબારોએ અમારા રોમેન્સને ચગાવ્યો. જાતજાતની કથાઓ વહેતી થઈ ગઈ. એમાં હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કરી લીધાં… બંનેએ ઈસ્લામ ધર્મ અંગીકાર કરીને, ધર્મેન્દ્રના પ્રથમ પત્ની પ્રકાશને છૂટાછેડા આપ્યા વગર લગ્ન કર્યા એટલું જ નહીં, હેમાજી પ્રેગ્નેન્ટ હતા ત્યારે અખબારોએ, ફિલ્મી મેગેઝિનોએ કોઈ કારણ વગર મારો અને અમિતજીનો અફેર ચગાવ્યો, એટલું જ નહીં, અમે પણ લગ્ન કરવાના છીએ અથવા કરી લીધા એવી અફવાઓ વહેતી થઈ ગઈ.

એવામાં એક કિસ્સો બન્યો જેણે આ અફેરની વાતોને વધુ ઘેરો રંગ આપ્યો. ૨૨ જાન્યુઆરી, ૧૯૮૦ના દિવસે રિશી કપૂર અને નિતુ સિંઘનાં લગ્ન હતાં. આર.કે. સ્ટુડિયોમાં આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી, મીડિયા અને જેનું નામ લઈ શકીએ એવા બધા મોટાં નામો હાજર હતા. અમિતજી પણ એમના પરિવાર સાથે લગ્નમાં આવ્યા હતા. હું જ્યારે દાખલ થઈ ત્યારે મીડિયાએ રિશી-નિતુને છોડીને મારા ફોટા પાડવા માંડ્યા. લાલ અને સફેદ સાડીમાં ખૂબ સજીધજીને હું લગ્નમાં ગઈ હતી. મેં માથામાં સિંદૂર પૂર્યું હતું. મીડિયાએ મારા એ સિંદૂર પર સવાલ ઉઠાવ્યા… મને નવાઈ લાગી, પરંતુ જ્યારે મને રિયલાઈઝ થયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું ! અમિતજીને જવાબ આપવા અઘરા પડ્યા. એમણે મને ક્લેરિફિકેશન કરવાનું કહ્યું ત્યારે મેં સ્ટારડસ્ટ અને સ્ટાર એન્ડ સ્ટાઈલના મેગેઝિનને ઈન્ટરવ્યૂ આપીને કહ્યું, “હું શૂટિંગમાંથી સીધી આવી હતી. મારા ગેટઅપમાં સિંદૂર અને મંગળસૂત્ર હતા. વાળ ધોવાનો સમય નહોતો એટલે સિંદૂર લૂછ્યા વગર હું લગ્નમાં આવી ગઈ… એમાં એટલો હોબાળો કરવાની જરૂર નથી. જોકે, એ ઘટનાનું સત્ય હજી મારા અને અમિતજી સિવાય કોઈને ખબર નથી.

સીમી ગરેવાલ સાથેના એક ઈન્ટરવ્યૂમાં મેં અમિતાભ વિશે કહેલું, “કશું એવું જે મેં જિંદગીમાં પહેલા ક્યારેય નહોતું જોયું. હું એના જેવા માણસને પહેલા ક્યારેય નહોતી મળી. આટલી બધી સારી ક્વોલિટીઝ એક માણસમાં કેવી રીતે હોઈ શકે! હું મૂર્ખ નથી, ઈન્ટેલિજન્ટ છું માટે મને એનામાં વિશ્ર્વાસ કરવાનું ગમ્યું. હું હંમેશાં સારી ચીજને, સારા ગુણને જોઈને ઓળખી જાઉં છું. એ એક પ્રોફાઉન્ડ ક્ષણમાં મને સમજાયું હતું કે જે કંઈ છે તે આ જ છે ! અહીં જ છે.

એ દિવસોમાં મારા ઈન્ટરવ્યૂઝ મારી મચેડીને રજૂ કરવામાં આવતા. અમિતજી સાથેના મારા સંબંધો જાતભાતની રીતે ચગાવામાં આવતા પણ અમિતજીએ કોઈ દિવસ આ રિપોર્ટ્સ કે આક્ષેપો, અફવા કે સત્યો વિશે કોઈ કમેન્ટ કરી નહીં ! આજ સુધી એમણે અમારા સંબંધ વિશે ક્યારેય કશું કહ્યું નથી… હા પણ નહીં, અને ના પણ નથી જ કહી !

‘મુકદ્દર કા સિકંદર’ના પ્રીમિયરમાં જયાજી, દીદીભાઈએ મને કહેલું, “તું બહુ સારી અભિનેત્રી છે પણ ગમે તેટલો અભિનય કરવા છતાં તારી આંખમાં જે સત્ય દેખાય છે એને તું છુપાવી શકીશ નહીં.

હું કંઈ કહું તે પહેલા એમણે એકદમ દૃઢતાથી મને કહી દીધેલું, “અમિતે આ જ સુધી મારા મોઢે ક્યારેય કોઈ અફેરની કબૂલાત કરી નથી… એ કરી શકે એમ જ નથી કારણ કે એ જાણે છે કે જે દિવસે એ બીજી સ્ત્રી સાથેના સંબંધને સ્વીકારશે એ દિવસે હું એને છોડીને જતી રહીશ… હું ડઘાઈ ગયેલી. એમણે કહેલું, “હું અમિતને ક્યારેય ડિવોર્સ નહીં આપું અને એ જે પ્રકારના પરિવારમાં જન્મ્યો છે, ઉછર્યો છે એમાં ઈસ્લામ અંગીકાર કરીને છાનગપતિયાં કરવાનું એના સંસ્કાર કે વ્યક્તિત્વમાં નથી. એમણે આ મને શું કામ કહ્યું એ હું સમજી શકી નહોતી અથવા સમજી ગઈ હતી પણ સ્વીકારી શકી નહોતી.

૮૦નું વર્ષ શરૂ થયું ત્યારે હેમાજીએ લગ્ન કરી લીધા હતા અને હેમા માલિની અને ઝિનત અમાન પણ એમની ખાસ ઈમેજને કારણે ભારતીય દેખાવની ફિલ્મો કરી શક્તા નહોતા. લગભગ તમામ દિગ્દર્શકોની નજર મારા તરફ પડવા લાગી અને ૮૦માં ટી. રામારાવે સાઉથની રિમેકમાં મને કાસ્ટ કરવા માંડી. ‘માંગ ભરો સજના’, ‘જુદાઈ’, ‘એક હી ભૂલ’, ‘સાજન કી સહેલી’ અને ‘બસેરા’ જેવી ફિલ્મો એ સમયે મેં કરી, જે સુપરહિટ રહી. જ્યારે સામે અમિતજીની ચાર ફિલ્મો ઉપરાઉપરી ફ્લોપ થઈ. ૭૯માં યશરાજની ‘કાલા પથ્થર’ અને ૮૦માં ત્રણ ફિલ્મો, ‘રામ બલરામ’, ‘દો ઔર દો પાંચ’ અને ‘દોસ્તાના’ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નહીં. મારી સાથે કામ કરવાની જયાજીની મનાઈને કારણે અમિતજીનું પેરિંગ પણ કોઈ હિરોઈન સાથે થતું નહોતું. પરવીન અને ઝિનત સાથે એમણે પેરિંગનો પ્રયાસ કરી જોયો પણ લોકોએ સ્વીકાર્યા નહીં… રાખીજીના ધીમે ધીમે વળતા પાણી હતાં. અમિતજી કારકિર્દીને લઈને ચિંતામાં હતા અને અમારા અફેરની વિગતો હજી પણ અખબારો માટે ચટપટી, ચાટ મસાલા જેવી હતી…

એ ગાળામાં યશરાજે અમિતજીને એક ફિલ્મ સંભળાવી, ‘સિલસિલા’.

જયાજીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ આ અફેરની ખબરો પછી એકવાર ઝઘડામાં એમણે અમિતજીને ધમકી આપી હતી કે જો આ જ પ્રકારનું વર્તન ચાલું રહેશે તો પોતે ફરી કામ કરવાનું શરૂ કરી દેશે… અમિતજી ટીનુ આનંદની ફિલ્મ ‘કાલિયા’ માટે શ્રીનગરમાં શૂટિંગ કરતા હતા, ૨૧ ઓક્ટોબર ૧૯૮૦. યશરાજે એમને ડિનર પર ફિલ્મ સંભળાવી. અમિતજી ફિલ્મ કરવા તૈયાર થયા અને કાચા કાસ્ટીંગમાં વાઈફના રોલમાં શબાના અને ગર્લફ્રેન્ડના રોલમાં પરવીનનો વિચાર કરવામાં આવ્યો. જોકે, યશરાજે શાહરૂખને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “હું આ કાસ્ટીંગથી બહુ ખુશ નહોતો. મારો ઉત્સાહ જોઈએ એવો નહોતો એટલે અમિતજીએ મને પૂછ્યું, તમે આ કાસ્ટીંગથી ખુશ છો, સંતોષ છે તમને? મેં કહ્યું ના. અમિતજીએ પૂછ્યું, તો તમારે હિસાબે આઈડિયલ કાસ્ટીંગ શું છે ? મેં હિંમત કરીને કહી દીધું, જયાજી અને રેખાજી… જાણે ડાઈનિંગ ટેબલ પર બોમ્બ ફૂટ્યો હોય એવી શાંતિ પથરાઈ ગઈ

યશરાજે જ્યારે મને આ ફિલ્મ સંભળાવી ત્યારે મેં સંજીવકુમાર સાથે ‘દાસી’ ફિલ્મ માટે ડેટ્સ આપી દીધેલી અને આમિરખાનના પિતા તાહિર હુસૈનની ફિલ્મ ‘લોકેટ’ પણ ફ્લોર પર જવાની તૈયારીમાં હતી. એ ગાળામાં અમિતજીનું એક નાનકડું અફેર ચાલતું હતું… નેલી નામની એક ઈરાનિયન એક્ટ્રેસ સાથે એ ખૂબ નિકટ હતા. પ્રકાશ મહેરાએ એમના એક ઈન્ટરવ્યૂમાં ત્યારે કબૂલાત કરેલી, લાવારિસના શૂટિંગમાં નટરાજ સ્ટુડિયોમાં હું પહોંચી ગઈ હતી. લગભગ ચાર કલાક સુધી મારી અને અમિતજી વચ્ચે ઝઘડો ચાલેલો. સ્ટારડસ્ટે તો રાડારોળ અને મારામારીના પણ રિપોર્ટ પણ છાપી નાખ્યા હતા… મારે એટલું તો સ્વીકારવું જ પડે કે એ દિવસોમાં નેલી સાથેની નિકટતાને કારણે હું અમિતજીથી ઘણી દૂર થઈ ગઈ હતી. મેં ‘દાસી’ અને ‘લોકેટ’ની ડેટ્સ કેન્સલ કરીને ‘સિલસિલા’ને તારીખો આપી… જયાજીએ કામ કરવાનું સ્વીકાર્યું કારણ કે છેલ્લા સીનમાં અમિતાભ કહે છે, “હું પાછો ફર્યો છું તારી પાસે, તારા માટે…

એ ફિલ્મની પ્રીમિયરમાં મેં જયાજીને અમારા પ્રણય દૃશ્યો દરમિયાન રડતા જોયા છે. મને એ નથી સમજાતું કે એવું શું છે જે જયાજી પાસે છે અને મારી પાસે નથી, સવાલ એ છે કે એવું શું છે જે જયા પાસે છે, ને મારી પાસે પણ છે…

‘સિલસિલા’ પછીનો સમય મારે માટે બહુ કશ્મકશનો, પીડાનો, ડિસકમ્ફર્ટનો સમય હતો. ભારતીય ઓડિયન્સે પતિને પત્ની પાસે પાછો ફરેલો જોઈને ફિલ્મને વધાવી લીધી. એક સ્ત્રી, એક પુરુષને ગમે તેટલો પ્રેમ કરે પણ જો એ પત્ની ન હોય-અથવા એના લગ્ન એ પુરુષ સાથે ન થયા હોય તો એમનો સંબંધ રસનો વિષય બની શકે છે, રિસ્પેક્ટનો નહીં. ગોસિપ બની શકે છે, ગ્રેસ નહીં ! ‘સિલસિલા’ પછી અમિતજીની ફિલ્મો ફરી હિટ થવા લાગી. ‘લાવારિસ’, ‘કાલિયા’, ‘સત્તે પે સત્તા’, ‘દેશપ્રેમી’, ‘નમકહલાલ’, ‘ખુદ્દાર’, ‘શક્તિ’, ‘નાસ્તિક’ અને ‘મહાન’… આ બધી ફિલ્મોમાંથી ત્રણ ફિલ્મોમાં મને કાસ્ટ કરવાનો વિચાર કરીને પછી મને પડતી મૂકવામાં આવી. કારણ કે, જયાજીએ સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો હતો. ત્યાં સુધીમાં અમિતાભ બચ્ચન સુપર સ્ટાર હતા… એટલે, એમનું કાસ્ટિંગ અગત્યનું હતું. હિરોઈન બહુ મહત્ત્વની નહોતી !

૨૬ જુલાઈ, ૧૯૮૨, અમિતજી બેંગ્લોર યુનિવર્સિટી કેમ્પસમાં શૂટિંગ કરી રહ્યા હતા. પુનિત ઈસ્સાર સાથેની ફાઈટ સિકવન્સમાં એમને ટેબલનો ખૂણો વાગ્યો. ઊભા થઈને એમણે કહ્યું, “મને વાગ્યું છે. એ પછી હેલિકોપ્ટરમાં બ્રીચ કેન્ડી… ડૉક્ટર્સ… દોડાદોડ… છ મહિના ભયાનક સંઘર્ષના, પીડાના અને એકલતાના દિવસો હતા એ. આખા ભારતના અખબારોએ, એમના ફેન્સ, એમના સહકાર્યકરો અને પરિવારે એમના માટે પ્રાર્થના કરી.

એક મને એમના સુધી જવા દેવામાં આવી નહીં.

મને શું થતું હતું એ કોઈએ પૂછ્યું નહીં. મેં પ્રકાશ મહેરા, મનમોહન દેસાઈ, હૃષિદા, શશી અને રોમેશ શર્માને વિનંતી કરી કે જયાજીને ક્ધવેન્સ કરે, પરંતુ મને અંદર જવા દેવાની ના પાડી.

એ પછી ફિલ્મ ફેરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં મેં કહ્યું, “આ અકસ્માતે મને એ શીખવ્યું જે હું મારી જિંદગીના ૪૦ વર્ષમાં ન શીખી શકી. હું એક વધુ સારી વ્યક્તિ, વધુ મજબૂત વ્યક્તિ તરીકે બહાર આવી. હવે દુનિયાનો કોઈ સંબંધ મારી નબળાઈ નથી. માત્ર સંબંધ તરીકે એ મારી શક્તિ હોઈ શકે !

સામાન્ય રીતે જગત એમ જ ચાલે છે. આપણે બધા સ્ટેટ્સ અને લેબલના માણસો છીએ. લાગણી અને ઈમોશન સાથે આપણી ઝાઝી લેવા-દેવા નથી… કોઈ એક વ્યક્તિની સચ્ચાઈ અને પ્રામાણિક્તા જોઈને આખો સમાજ હચમચી જાય છે કારણ કે એમની સાથે એ સચ્ચાઈ અને પ્રામાણિક્તા નથી. હું નિરાંતે મારા એકદંડિયા મહેલમાં જીવું છું. ફિલ્મો નથી કરતી… ફરઝાના સાથેનો મારો સંબંધ મા-દીકરી, દોસ્ત, બહેન, સેક્રેટરી અને સલાહકારનો છે… મારા ડોગીઝ, પિસ્તી, શિવા અને હવે ટાઈગર મારા સાથીદાર રહ્યા છે. હવે પિસ્તી અને શિવા નથી… પરંતુ એમની યાદો અને એમનો સ્નેહ યાદ કરું તો મારી આંખો ભીંજાઈ જાય છે. માણસ કરતા વધારે જાનવર વફાદાર હોય છે, આપણી પ્રામાણિક્તા અને સચ્ચાઈ એમને સમજાય છે !

મારે કોઈની જરૂર નથી અને હું માનું છું કે હવે કોઈને પણ મારી જરૂર નથી.


Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>

2 responses to “રેખાઃ જીવતરના રંગો. એના પોતાના શબ્દોમાં

  1. pragnaju December 14, 2017 at 3:42 PM

    ક્યાંય દંભ નથી
    મઝાની વાતો

    Like

  2. mhthaker December 12, 2017 at 3:54 AM

    great and sad story of most successful and gorgeous actress

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: