ચંદુચાવાલા અને કરસનદાદા-વૉન્ડાના વેડિંગ ફંદા

ચંદુચાવાલા અને

કરસનદાદા-વૉન્ડાના વેડિંગ ફંદા

      ‘સાસ્ટરી હું હમના ટને પાંચ મિનિટમાં લેવા આવું છું. ટૈયાર રે’જે.’ ચંદુચાવાલાની નોટિસ મળી. ક્યાં અને કેમ જવાનું તે પુછું તે પહેલાં તો એણે ફોન મુકી દીધો. એ આવીને બારણાં ધમધમાવે તે પહેલાં જ હું બહાર જઈને ઉભો રહ્યો. એમણે એમની જીંદગીમાં  કોઈપણ વાર મારા ઘરનો ડોરબેલ માર્યો હોય એ મને યાદ નથી. આજે મારું બારણું ખૂલ્લું જ હતું. એણે બે ડબ્બા કિચન ટેબલ પર મૂકી દીધા.

       ‘લેટ્સ ગો’ ચંદુભાઈનો ઓર્ડર ફાટ્યો.

       ‘અરે! પણ ક્યાં જવાનું છે?’

       કરસનદાદાને ત્યાં. હોસ્પિટલથી આજે જ સવારે પાછા આવ્યા છે. કહેતા હતા કે તમે બધા આહિ આવી જાવ આજે છેલ્લી ઈચ્છા પુરી કરી લેવી છે. તમારા બધાની સલાહની જરૂર છે.

       ઓહ! એક સાથે બે સર્પ્રાઈઝ. ચંદુભાઈની સુરતી ભાષાને બદલે એકદમ સીધી અને સ્પષ્ટ વાત. કાઈ મોટી  ફ ઉભી થવાની શક્યતાના વાદળ ગગડતા લાગ્યા. છેલ્લી ઈચ્છાની વાત સીરિયસ હોય. સીરિયસ વાત આપોઆપ સીધી ભાષામાં નીકળી જાય. કદાચ દાદાના છેલ્લા દિવસો પણ હોય.

       વધારે કાંઈ પુછું તે પહેલાં તો અમે દાદાને ત્યાં આવી પહોંચ્યા. દાદા એમના કોઈ ભત્રીજાને ત્યાં રહેતા હતા. ભત્રીજો બે પાંદડે સુખી હતો. અને દાદા મેડિકેઇડ વેલફેર પર જલસા કરતા હતા. દાદાનો પડાવ થોડે થોડે દિવસે જુદા જુદા ભત્રીજાઓને ત્યાં બદલાતો. દાદાનો સીધો આડો પરિવાર મોટો. કરસનદાદાનું મૂળ ક્યાં એ સમજવું અધરું. ક્યારેક એ કાઠિયાવાડી કહેવડાવે તો ક્યારેક એ પાંચ ગામના ચરોતરના પટેલ બની જાય. એમણે છેલ્લા થોડા વર્ષ સુરતમાં ગાળેલા એટલે અમારી સાથે સુરતી બની ગયેલા. અમારા ચંદુ ચાવાલા એમની ઉમ્મરને માન આપી એમના સ્વભાવને નીભાવી લે, પણ મંગુ મોટેલ સાથે એમને બારમા ચંદ્રમાં. કરસનદાદાની દરેક વાતનું ખંડન કરીને દાદાને ગુસ્સે કરાવે જ.

       અમે ગયા ત્યારે મંગુ મોટેલ અને ડો. કેદાર અમારી જ રાહ જોતા હતા. એના ભત્રીજાના ઘરના બધા કોઈ વેડિંગમાં ગયા હતા. કરસનદાદા હોસ્પિટલમાંથી જ આવ્યા હતા પણ ફ્રેસ લાગતા હતા. છન્નુ વર્ષની ઉમ્મર અને મફતિયા મેડિકેરની સારવાર એટલે હોસ્પિટલની મુલાકાત લેવાની એક આદત થઈ ગયેલી. આમ તો દાદાને નખમાંય રોગ નહિ, પણ જરા માથું દુખે તોય બ્રેઇન ટ્યુમર તો નથીને એ શંકાના નિવારણ માટે ૯૧૧ બોલાવી હોસ્પિટલ પહોંચી જાય. MRI કે કેટ સ્કેન, ડોગ સ્કેન કે બકરી સ્કેન જે ડોક્ટરને કરવા ઘટે તે સ્કેન કરાવી લે. આ વખતે એઓ અમારા કેદાર જે હોસ્પિટલમાં હતા ત્યાં એડમીટ થયા હતા. એ કેદારના પેશન્ટ નહિ પણ બધાને કહેતા ફરે કે કેદાર તો મારો ભત્રીજો છે. કેદારના નામે એને સ્પેશિયલ કેર મળે.  આજે એ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને આવ્યા હતા. ચંદુની પંચોતેરની બર્થડે પાર્ટિમાંથી એના સુરત ચૂટણીના ઉમેદવાર ભત્રીજા નથ્થુને બહાર કાઢી મૂક્યા હતા અને મંગુને ત્યાં પોસ્ટ ચંદનીપડવા પાર્ટીમાં એમને આમંત્ર્યા ન હતા એટલે થોડા નારાજ હતા પણ; ચંદુચાવાલાએ એમને મનાવી લીધા હતા. આજે ચંદુભાઈ એમને માટે સુરતી ખમણનો લોચો અને ચંદની પડવાની વધેલી ઘારી લાવ્યા હતા.

       દાદાજીએ રિક્લાઈનર પર બેઠા બેઠા ખમણનો લોચો ખાધો. અને ડિઝર્ટમાં બે ઘારી ઠપકાવી દીધી. એક મોટો  ઑડકાર ખાધો અને વાત કરવાની શરૂ કરી.

       ‘મારા વ્હાલા દીકરાઓ’

       કરસનદાદાએ સભાને સંબોધતા હોય એમ એમનું વક્તવ્ય શરુ કર્યું. પછી એક મોટો વિરામ. અમારા ચારે જણાના મોં સામે ધારી ધારીને જોયું. પછી એમણે એની આંખો બંધ કરી. અમને લાગ્યું કે એમને થાક લાગ્યો હશે અને નૅપ લેતા હશે.

       મંગુ મોટેલે કહ્યું કે ‘દાદા તમે બેડમાં સૂઈ જાવ અમે જઈએ છીએ.’

      બંધ આંખે જ કહ્યું કે ‘બેસ મંગુ બેસ; દીકરા મારે તારી જ મદદની જરૂર છે આમ નાસી નહિ જા. તારા સિવાય મારું છે પણ કોણ?’ તમને તો ખબર છે કે મારો એક દીકરો સુરતમાં ડાયમંડ બિઝનેશમાં છે. એક ગાંધીનગરમાં છે. એક દિલ્હી અને એક મુંબઈમાં છે. બધા બિઝનેશ અને પોલિટિક્સમાં પડેલા છે. અને છેલ્લા બે અમેરિકામાં છે. એકે ય દીકરી નથી એનું દુઃખ મને આજે સમજાય છે. મારી પહેલી પત્ની સવિતા જ જો મારા જેટલું જીવી હોત તો આજે મારી આ દશા ન થાત. એક પછી એક ત્રણ વાર ઘોડે ચડ્યો અને ત્રણે મને બબ્બે દીકરાઓ આપીને, એકલો મૂકીને ભગવાનને ત્યાં પહોંચી ગઈ. મેં રાજકારણને મારો બિઝનેશ સમજી થાય તેવી દેશસેવા અને કુટુંબ સેવા કરી; મારા બધા દીકરાઓને ઠેકાણે પાડ્યા પણ મારું એકેય દીકરા સાથે, કશે પણ ઠેકાણું ના પડ્યું. બધા દીકરાઓ એકબીજાના સાવકા ભાઈઓ. અંદર અંદર લડે. મારી છેલ્લી પત્નીના સૌથી નાના બે તો અમેરિકામાં જ છે; મારા પર ભાવ રાખે પણ બન્ને અમેરિકનને પરણ્યા છે. એમની પત્નીઓને મારી સાથે ફાવે નહિ. હું મારા બે ભત્રીજાઓ અને મારા મિત્રના ગ્રાન્ડ સનને ત્યાં વારાફરતી રહું છું. હવે અહિથી પણ વિદાય લેવાનો સમય પાકી ગયો છે.’

       એમની આંખોમાં ઝળઝળીયા હતા. અમારે માટે કરસનદાદાનું આ નવું અને કરૂણાજનક સ્વરૂપ હતું. કાયમ કહેતા ચાલો આ ગ્રુપ બનાવીયે, ફલાણું એસોસિયેશન ઉભુ કરીયે એવી વાતો કરતા કરસનદાદા કેટલા એકલા હતા તે આજે સમજાયું. બિચારાને માણસની ભૂખ હતી. એને એનું વડપણ સાચવવું હતું. એને એની ઉમ્મરનો મોભ્ભો મેળવવો હતો અને આજ સૂધી અમે એમને નકારતા જ આવ્યા હતા. અમારો ચંદુ તો કુમળા હૃદયનો દિલાવર માણસ એ કંઈક એમને માટે કંઈક કહેવા જતો હતો પણ મંગુએ એનો હાથ દાબીને બોલતાં અટકાવ્યો. દાદાને ન સંભળાય એવી રીતે ગણગણ્યો ‘ચંદુ, આ મગરના આંસુ હશે. દાદા પોલિટિશિય છે અને સરસ એક્ટિંગ કરી જાણે છે.”

      ‘દાદા તમારે માટે એક જ ઉત્તમ માર્ગ છે, તમે ઈન્ડિયા જઈને ગાંધીનગર વાળા દીકરાને ત્યાં જ ધામા નાંખો. તમારી માનસિક જુવાની પાછી આવશે. પોલિટિક્સમાં તો તમે આર્ષદ્રષ્ટા ગણાવ છો. જે પાર્ટીની સરકાર હશે તે જ તમારી પાર્ટી હશે. બધાને જ એક ઈચ્છા હોય છે કે જ્યાં જનમ્યાં ત્યા જ દેહ પડે. સ્વર્ગાદપિ ગરીયસી.’ મંગુએ કરસનદાદાની વાતમાં ઝાડું મારી દાદાનો વાત કરવાનો મૂડ બગાડ્યો.

       ‘દીકરા મંગુ આ ઉમ્મરે હવે મને ઈન્ડિયામાં ન ફાવે.  મને ખબર છે, મંગુ તો મને ન્યુ જર્સીમાંથી બહાર, સુરતમાંથી બહાર અને એનું ચાલે તો આ દુનિયામાંથી બહાર જોવા ઈચ્છે છે. પણ તમે બધા મારા દીકરા જેવા જ છોને! મારે કોઈને ત્યાં નથી રહેવું. હું તો કોઈ સસ્તી હોટલમાં માસિક ભાડે રૂમ રાખી રહેવા જવાનું વિચારતો હતો. પણ પછી મને આપણો મંગુ યાદ આવ્યો. એની મોટેલમાં એકાદ રૂમ તો ખાલી હોય જ છે. એની મોટેલમાં  ક્યાં સો ટકાની ઓક્યુપન્સી હોય છે? એ તો મને એક મોટો રૂમ ફાળવી જ આપશે. અમને ભાડાની જગ્યા શોધવાની શી જરૂર!

       દાદા, તમે શું કહ્યું અમને? એકી સાથે મંગુ ચંદુને આચકો લાગ્યો. હું પણ વિચારમાં પડી ગયો. મંગુ ‘માન નમાન મૈં તેરા મહેમાન’ને કેમ હેન્ડલ કરવા તેનો અનુભવી હતો એટલે દાદા આગળ કયું પત્તું ખોલે તેની રાહ જોતો હતો; અને ડો.કેદાર શાંતીથી બેઠો હતો.

       ‘દાદા અમને એટલે કે તમારા ભત્રીજા પણ તમારી સાથે કોઈ મોટેલમાં મુવ થવાના છે? શું કાઈ મોટો ફાઈનાન્સિયલ પ્રોબ્લેમ છે.’

       ‘ના એને ફાઈનાસિયલ કોઈ જ પ્રોબ્લેમ નથી. હું વૉન્ડા સાથે મેરેજ કરું તેનો વાંધો છે.’

       ‘વ્હોટ ???’

      ‘વ્હોટ શું? મેં કહ્યું ને કે હું વૉન્ડા સાથે લગ્ન કરવાનો છું. હું એકલો છું. મને એકલતા સાલે છે. મારા જીવનમાં મને સાથીદારની જરૂર છે. પાછલી ઉમ્મરમાં એક સહારાની જરૂર છે. પૂછો આ શાસ્ત્રીને. એના લેખો વાંચીને તો મને પ્રેરણા મળી છે. મુશ્કેલી એ છે કે ભત્રીજાવહુએ કહી દીધું છે કે તમારે રહેવું હોય તો અમારા નિયમ પ્રમાણે જ રહેવાનું. તમે લગ્ન કરો તો અમને આનંદ થશે. વરઘોડામાં ઢોલ સાથે ભાંગરા કરતાં નાચીશું, પણ મારા ઘરમાં મારા સિવાય કોઈ પણ મહિલા ના જોઈએ. બીજાને ત્યાં જઈને પડાવ નાંખજો. અગર બીજું ઘર માંડજો. મારા બીજા ભત્રીજાઓ અને મારા છોકરાઓ તો મને મેરેજ કરવાની જ ના કહે છે. મંગુ તારા સિવાય મારો છૂટકો જ નથી.’

       ‘કરસનદાદા આ શાસ્ત્રીની વાતમાં ભેરવાશો નહિ. એને તો વાસ્તવિકતાનો જરાપણ ખ્યાલ નથી. એ તો કાલ્પનિક વાર્તાઓ ઠોક્યા કરે. એની વાર્તાઓ પર ભરોસો રાખીને જો ગરબડ કરવા જશો તો તમારા છોકરાઓ માટે આડુંતેડું સાચવ્યું છે તે બધું કોઈ નવી પડાવી લેશે. કોણ છે એ મુરખ બૈરી કે જે તમારા જેવાને પરણવા તૈયાર થાય?’ મંગુએ ક્રુડ ભાષામાં સીધો સવાલ કર્યો.

       ‘વૉન્ડા બ્યુટિફુલ લેડી છે. હું હોસ્પિટલમાં હતો ત્યારે વૉન્ડા નર્સે મારી ખૂબ સેવા કરી છે. મને કાયમ હાય હેન્ડસમ કહેતી. મને બે ત્રણ વાર કહ્યું પણ હતું કે મને જો તારા જેવો જો હેન્ડસમ મેચ્યોર હસ્બંડ મળે તો આજે જ પરણી જાઉં. બિચારી પચાસ વર્ષે પણ કુંવારી છે. તમે માનશો નહિ મને એક વાર તો ગાલ પર કીસ પણ કરી હતી. બસ મેં તો લગ્ન કરવાનો પાકો નિર્ણય કરી લીધો છે. વોન્ડા સાથે પરણી જ જવું છે. ચંદુ સાથે જઈને બે રીંગ લાવવી છે. એક ડાયમંડની એંગેજમેન્ટ રીંગ અને બીજી ગોલ્ડન વેડિંગ રીંગ. બસ હું તૈયાર છું.’ દાદાના ચહેરાની ચમક જૂદી જ હતી.

       દાદા સિનિયર સિટિઝન જ ન હતા. સુપર સિનિયર હતા. છન્નુ વર્ષ પુરા કર્યા હતાં, આમ ભલે તંદુરસ્ત દેખાય પણ ક્યારે હસતા રમતા ઉપર ઉપડી જાય એ કહેવાય નહિ. હા સાંઠ સિત્તેર કે પંચોતેરના પણ હોય તો સમજ્યા. શાસ્ત્રીની વાત કદાચ યોગ્ય કહેવાય પણ છન્નું વર્ષ પછી આ ભભડો?.

       મારે કહેવું પડ્યું ‘દાદા તમે શાંતિથી વિચારો. તમે અત્યારે જ્યાં છો ત્યાં જ યોગ્ય છો. લગ્ન કરવાની જરૂર નથી. માંદા પડશો તો તમને વૉન્ડા જેવી નર્સ ઘરે આવીને તમારી સેવા કરશે. તમે તો સિનિયરોના પણ સિનિયર છો. બધી સર્વિસ ફ્રીમાં મળશે. એને માટે તમારી ભત્રીજા વહુ પણ ના ન પાડે. મારાથી હા પણ ના કહેવાય અને ના પણ ના કહેવાય. પણ દાદા તમારી આ ઉમ્મર લગ્નના લફરામાં પડવા જેવી નથી જ. પછી તો તમે જાણો.’

       ‘હું તો પરણીશ જ. મેડિકેઇડ લેતાં પહેલાં મેં મારા ઈન્ડિયાના ત્રણ કરોડ રૂપિયા છોકરાઓને નામે જમા કર્યા છે. હું વૉન્ડા સાથે જલસા કરીશ. કેદાર, તું તો વોન્ડાને ઓળખતો હશે જ. તારો શું અભિપ્રાય છે.

       ‘દાદા વૉન્ડા વેરી સ્વીટ નર્સ છે. એ જો તૈયાર હોય તો અમને વાંધો નથી. એક કામ કરો, તમે ચંદુભાઈ સાથે કાલે રિંગની ખરીદી કરવા જાવ ત્યારે એને તમારી સાથે લઈ જજો. એના માપની અને એની પસંદગીની રિંગ લો તે એને વધુ ગમશે.’

       ‘દીકરા કેદાર આ બધા તારા દોસ્તારો કરતાં તું જ સૌથી વધારે ભણેલો અને સમજુ છે. રીંગ તો કાલે જ લાવવી પડશે. કાલે પુષ્ય નક્ષત્ર પણ છે. કેદાર મારી પાસે એનો ફોન નંબર નથી. મને હોસ્પિટલમાં એનો કોન્ટેક્ટ કરાવને!’

       આજે અમે બધા દાદાના દીકરા થઈ ગયા હતા. મંગુ ગણગણ્યો ‘આ ડોસો ચોક્કસ ઘોડે ચઢવાનો.’

      ‘મંગુ તું જે બબડ્યો તે મેં સાંભળ્યું. હું તો આ ઉમ્મરે જુવાન છું કારણ કે મારા વિચારો યંગ છે. તમે બધા જ ડોસલા છો; કારણ કે તમારા વિચારો જ ડોસલા જેવા છે. અમેરિકામાં કંઈ કેટલા નાઈન્ટી પ્લસ ઉમ્મરના પરણે છે, એમના ફૉટા ન્યુયોર્ક ટાઈમ્સમાં આવે છે. ટીવી પર સમાચારોમાં આવે છે. કેદાર દીકરા મને વૉન્ડાનો ફોન જોડી આપ. તારી વાત સાચી છે. રીંગ સિકેક્શનમાં વોન્ડા હોવી જ જોઈએ. અને ચંદુ તું તારો ક્રેડિટ કાર્ડ લઈ લેજે. જે બીલ થશે તે મારા દીકરા પાસે અપાવી દઈશ.’

       ચંદુને દાદાની વાત સાંભળી ચક્કર આવવા માંડ્યા. અને કેદારે દાદાને વૉન્ડાનો નંબર જોડી આપ્યો.

       ‘ડિયર વૉન્ડા ધીસ યોર હેન્ડસમ કરસન. આઈ એમ રૅડી ટુ મેરી યુ. આઈ લવ યું. કેન યુ કમ ફોર અવર વેડિંગ રિંગ સિલેક્શન વીથ મી?.’ દાદાએ દેશી ઈંગ્લિશમાં સીધું જ પ્રપોઝ કરી દીધું.

       પછી દાદાએ બે મિનિટ વૉન્ડાની વાત સાંભળ્યા કરી. નિરાશ થઈને ફોન મૂકી દીધો.

        એમણે જાહેર કર્યું ‘મેં લગ્નનો વિચાર માંડી વાળ્યો છે.’

       મંગુ ચંદુને હાશ થઈ ગઈ.

       કેદારે ખુલાશો કર્યો. ‘અમારી વૉન્ડા ખુબ જ હસમુખી અને સેવાભાવી નર્સ છે. દરેક દર્દી સાથે એવી રીતે વાત કરે કે એ પોતાનું દુઃખ ભૂલીને હળવા થઈ જાય. નાના છોકરાની પણ ગર્લ ફ્રેન્ડ બની જાય અને અગ્લીમાં અગ્લી ડોસો હોય તેને પણ હેન્ડસમ બનાવી દે. વૉન્ડા અમારા ઈ.આર. ડોકટર લૂઈસની હેપીલી મેરિડ વાઈફ છે. બે પુખ્ત સંતાનની મા છે. દાદા બિચારા ગેરસમજમાં ભેરવાઈ ગયા.

       ‘અલ્યા કેદાર તું જાણતો હતો તો પહેલાંથી ભસતા શું પેટમાં દુખતું હતું?’

      કેદારે જવાબ ન આપ્યો. મંગુએ સુકાન બદલ્યું. ‘દાદા, જો કોઈ બીજી દાદી તૈયાર થાય તો આપનું હનિમૂન મારી મોટેલમાં જ ગોઠવીશું.’ દાદાના લીલા ઘા પર જરા મરચું ભભરાવ્યું.

     ‘મંગા જરા વડીલ સાથે માનથી વાત કરવાનું શીખ.’

***

“તિરંગા” ડિસે. ૨૦૧૭

9 responses to “ચંદુચાવાલા અને કરસનદાદા-વૉન્ડાના વેડિંગ ફંદા

  1. pravinshastri January 5, 2018 at 3:52 PM

    પોલ ખોલશો નહિ. આતાજી નિખાલસ ભાવે સૌ સાથે ઘણી ગપ્પા બાજી પણ કરી લેતા. મને કહેતા કે મારાથી તો અમુક વાતો ના લખાય! મેં થોડી વાતો વ્યવસ્થિત ભાષામાં લખી પણ છે. વંદનીય વડીલ હતા.

    Liked by 1 person

  2. Sanjay-Smita Gandhi January 5, 2018 at 10:29 AM

    As I was reading through, I thought this is Aataa’s real life story……..

    Liked by 1 person

  3. pravinshastri December 25, 2017 at 12:09 PM

    થેન્ક્સ મનસુખભાઈ.

    Like

  4. મનસુખલાલ ગાંધી December 25, 2017 at 12:07 AM

    સરસ વાર્તા.. બહુ સરસ..

    Liked by 1 person

  5. mhthaker December 15, 2017 at 5:33 AM

    really i also remembered aata dada..and pravinbhai- hats off to your story making and twisting at the end..great show

    Like

  6. pragnaju December 14, 2017 at 3:28 PM

    ‘ડિયર વૉન્ડા ધીસ યોર હેન્ડસમ કરસન. આઈ એમ રૅડી ટુ મેરી યુ. આઈ લવ યું. કેન યુ કમ ફોર અવર વેડિંગ રિંગ સિલેક્શન વીથ મી?.’ દાદાએ દેશી ઈંગ્લિશમાં સીધું જ પ્રપોઝ કરી દીધું.!’
    કેટલા નિર્દોષભાવે પોતાની લાગણી વર્ણવી !

    Like

  7. Amrut Hazari. December 14, 2017 at 2:37 PM

    મેં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા…..કરસનદાદાને દેવાનંદ બનાવવાનું કામ પરવિણજીનું જ ભાઇ…….સરસ…..અભિનંદન.

    Like

  8. pravinshastri December 14, 2017 at 11:05 AM

    આતાજી સાથે આવી તો અનેક ગપ્પાબાજી ફોન પર માણી હતી. એઓશ્રીતો અનેક માઈલસ્ટોન છોડતા ગયા.

    Like

  9. સુરેશ December 14, 2017 at 10:17 AM

    આતા યાદ આવી ગયા. હવે સ્વર્ગની નર્સો હારે હશે !

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: