વચલો રસ્તો –આશા વીરેન્દ્ર

UttamGajjar

સૌજન્યઃ શ્રી ઉત્તમ ગજ્જર – ‘સન્ડે ઈ.મહેફીલ’ 

વચલો રસ્તો

–આશા વીરેન્દ્ર

(માલતી જોશીની હીન્દી વાર્તાને આધારે)

        લીના ઘરની મોટી દીકરી અને સંજુ એનાથી નાનો. બન્ને નાનપણથી જોતાં આવેલાં કે એમના પીતા કદાચ પોતાનાં સન્તાનોથી પણ વધુ પ્રેમ કાકા–કાકીને એટલે કે તેમનાથી નાના ભાઈ અને તેની પત્નીને કરતા. માને પણ પોતાનાં દીયર–દેરાણી પ્રત્યે એવો જ વાત્સલ્યભાવ હતો. ઘરમાં ખાવા–પીવાની કોઈ વસ્તુ આવે કે પછી પહેરવા–ઓઢવાની, પીતાજી કાકા–કાકીને પહેલાં યાદ કરતા અને મા પણ એમાં પુરો સાથ આપતી. કદાચ બાપુને નાની ઉમ્મરમાં માતા–પીતાની ઓથ ગુમાવી હતી એ પણ એનું કારણ હોઈ શકે. માતા–પીતાના આવા પક્ષપાતને કારણે લીના–સંજયને ક્યારેક ઓછું પણ આવી જતું.

        વર્ષો વીત્યાં તોયે ની:સન્તાન રહી ગયેલાં કાકા–કાકીએ મોટા ભાઈ–ભાભીનાં દીકરા–દીકરીને પ્રમથી એવાં તો ભીંજવ્યાં કે એમને કશી ફરીયાદ તો ન જ રહી; પણ ઉપરથી ચારચાર માબાપનાં લાડ–પ્યાર મેળવવા બદલ પોતાની જાતને નસીબદાર માનવા લાગ્યાં.

        પછી તો લીના પરણીને આ શહેરમાં આવી અને સંજુને પણ અહીં જ નોકરી મળી એટલે એ પણ સપત્ની અહીં જ વસી ગયો. એ જ કમ્પાઉન્ડમાં બાજુ બાજુમાં બંધાવેલા બંગલાઓમાં કાકા અને બાપુ રહેતા. પાછલી અવસ્થામાં બન્ને ભાઈઓ અને બન્નેની પત્નીઓ અહીં જ સાથે મળીને વીતાવીશું એવું એમણે વીચારી રાખેલું. બાપુ રીટાયર્ડ થયા ત્યારે સંજુએ જીદ પકડી ‘અહીં એકલા શા માટે રહેવું છે? સાજા–માંદા થયા તો કોણ તમારી દેખભાળ કરશે? આ ઘર વેચીને શહેરમાં મોટો ફ્લેટ લઈ લઈએ. બધા સાથે જ રહીશું.’ લીનાએ પણ સંજુની વાતમાં સુર પુરાવ્યો.

        ‘હા બાપુ, હું પણ ત્યાં જ છું. બે–ચાર દીવસે તમને મળવા આવ્યા કરીશ. વળી સંજુનાં અને મારાં છોકરાંઓને દાદા–દાદી અને નાના–નાનીનો સહવાસ મળશે તે નફામાં!’

        થોડીઘણી હા–ના અને ખેંચતાણ પછી બે બેડરુમ, હૉલ–કીચનનો ફ્લેટ લેવાઈ ગયો. જો કે સંજુ–સીમાના બન્ને દીકરાઓ મોટા થશે એમ આ ફ્લેટ નાનો પડશે એ તો ખ્યાલ હતો જ; પણ હાલ પુરતી તો બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. પરન્તુ ગામનું ઘર વેચ્યું એમાં લીનાએ પોતાનો ભાગ ન માંગ્યો એ એના પતી યોગેશને જરાયે ન ગમ્યું.

        ‘કેમ, બાપની મીલકતમાં દીકરીનો ભાગ ન હોય ?’

        ‘હોય, એ લોકો પણ જાણે છે અને હું પણ જાણું છું; પણ એ ઘર વેચીને માંડ આ ફ્લેટ લેવાનો મેળ પડ્યો છે. સંજુએ પણ બૅન્કની લોન લીધી છે, એમાં હું ક્યાં ભાગ માંગવા જાઉં? ને અન્તે તો મા–બાપુ જ શાન્તીથી રહેશે ને ?’

        ‘હા, તું તો મોટી દાનેશ્વરી છે એ મને ખબર છે. તારો ભાગ માંગી લીધો હોત તો છોકરાંઓને સારામાં સારી સ્કુલમાં ભણાવી શકાત. પણ તારે તો ડાહી દીકરી બનીને રહેવું છે ને?’

        ઘણી વખત સીમા નોકરી પરથી સીધી લીનાને મળવા આવી પહોંચતી. મળવાનું તો ખાલી બહાનું જ હતું. આવે એટલે એનો ફરીયાદનો પટારો ખુલી જતો. ‘છ–છ જણાનાં કામને હું એકલી કેવી રીતે પહોંચી વળું? ઘર સાચવવાનું, રસોઈ કરવાની અને નોકરી પણ કરવાની. હું તો થાકીને ઠુંસ થઈ જાઉં છું.’ બેસે તેટલી વાર તેનો કકળાટ ચાલતો.

        માને જ્યારે ખબર પડે ત્યારે તે કહેતી : ‘સાવ ખોટાબોલી છે. બે ટાણાંની રસોઈ હું કરું છું. છોકરાંઓ સ્કુલેથી આવે ત્યારે બેઉને ગરમ નાસ્તો કરીને હું ખવડાવું છું. વળી, કામવાળી ન આવે ત્યારે કામવાળી પણ હું જ બની જાઉં છું.’

આ બધી રામાયણ ચાલતી જ રહેતી એમાં વળી, અચાનક જ કાકીનું અવસાન થયું. આટલા મોટા બંગલામાં કાકાને એકલા છોડતાં જીવ ન ચાલ્યો એટલે કાકીના તેરમા સુધી રોકાયેલાં મા–બાપુ આવ્યાં ત્યારે પોતાની સાથે કાકાનેય લેતાં આવ્યાં. હવે સંજુ–સીમાની ચણભણ વધી ગઈ :

       ‘અમને વાત પણ ન કરી ને કાકાને લઈ આવ્યાં, બોલો દીદી? ઘરમાં બીજે ક્યાંય જગ્યા તો છે નહીં. કાકાને બહાર દીવાન પર સુવડાવવા પડે છે. અમારે રાત પડ્યે ટીવી જોવું હોય ને કાકાને તો વહેલાં સુઈ જવું હોય ! શું કરવું? કંઈક રસ્તો સાથે મળીને વીચારવો પડશે.’

        લીના બીજું તો શું કરી શકે? એણે કાકાને પોતે ત્યાં લઈ જવાની તૈયારી બતાવી.

        ‘ના, કાકાને નહીં. તમારે લઈ જવા હોય તો મા–બાપુને થોડો વખત લઈ જાઓ. હજુ તો કાકા હમણાં આવ્યા ને તમારે ત્યાં મોકલી દઈએ એ સારું ન લાગે.’ સીમાએ કહ્યું.

        લીનાએ યોગેશને વાત કરી ત્યારે એણે લુચ્ચું હસતાં કહ્યું, ‘તારી ભાભી પાસેથી થોડી હોશીયારી શીખતી જા. એની આગળ તું તો બહુ ભોળી પડે!’

        ‘કેમ?’

        ‘કેમ શું? સંજુ ને સીમા બરાબર સમજે છે કે બુઢ્ઢાકાકાને રાજી કરીને, એને સાચવી લઈને એને ખંખેરી લેવાશે. કાકાને આગળ–પાછળ કોઈ છે નહીં. પાછલા દીવસોમાં જે એની સેવા કરશે એને જ દલ્લો આપીને જશે ! તું જરા ઉસ્તાદ બનતાં શીખ.’

        ‘મને આવી બધી ગણતરીમાં જરાયે રસ નથી. ભગવાનનું દીધું ઘણું છે આપણી પાસે. સંજુ–સીમાને ભલે જે કરવું હોય તે કરે.’

        ‘તને રસ હોય કે નહીં; પણ મને પુરો રસ છે. કાલે સવારે જ જઈને કાકાને તું લઈ આવજે. કહેજે કે તમારા જમાઈએ ખાસ કહ્યું છે.’ લીના લાચાર નજરે પતી સામે જોઈ રહી.

        બીજે દીવસે લીના ઘરમાંથી નીકળે તે પહેલાં કાકા જ આવી પહોંચ્યા.

        ‘બેટા, અમે ત્રણેએ વચલો રસ્તો વીચાર્યો છે. આ ઉમ્મરે અમારે ત્રણેએ ફુટબોલની માફક અહીંથી તહીં ઉછળવું તેના કરતાં હું ગામનું મારું ઘર વેચી કાઢીશ. અહીં તમારી નજીકમાં જ એક ફ્લેટ લઈ, મારા ભાઈ–ભાભી અને હું અમે ત્રણે જણાં ભેગાં રહીને જલસા કરીશું. કેમ બરાબર છે ને?

લીનાએ ‘હા’ કહેવા ડોકું હલાવ્યું ત્યારે તેની આંખોમાં ભલે આંસુ હોય; પણ હોઠ પર સ્મીત હતું.

–આશા વીરેન્દ્ર

(માલતી જોશીની હીન્દી વાર્તાને આધારે)

સર્જક–સમ્પર્ક :

–આશા વીરેન્દ્ર

બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001

ફોન : 02632-251 719 મોબાઈલ : 94285 41137 ઈ–મેઈલ : avs_50@yahoo.com

♦●♦

‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 390 –December 24, 2017

‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

 

@@@@@@@@@

 

One response to “વચલો રસ્તો –આશા વીરેન્દ્ર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: