ડો.જીતેશની બા

પ્રવીણ શાસ્ત્રી

ડો.જીતેશની બા

     ‘બા તમને અહિ ફાવશે ને? જૂઓ મેં બધી જ સગવડ કરી છે મેનેજર આપણો ગુજરાતી જ છે. તમે ઝીરો ડાયલ કરશો એટલે રમણભાઈ જ ફોન લેશે. અને આ સેલ ફોનપર વન ડાયલ કરશો એટલે સીધો ફોન મને મળશે. કંઈ પણ મુઝાવા જેવું નથી માત્ર બે જ દિવસનો સવાલ છે. હું આવીને લઈ જઈશ.’

    ‘દીકરા તું મારી ખોટી ચિંતા કરે છે. મારે બે દિવસ તો શું બે મહિના પણ રહેવું હોય તો રહેવાય એવી સરસ સગવડ કરી છે. તું તારે મને તારી સગવડે ફોન કરતો રહેજે. હું તને ખોટા ટાઈમે ફોન નહિ કરું.’

     ‘રમણ, ટૅઇક  કૅર ઓફ માય મૉમ.’ કહીને ડો. જીતેશ વિદાય થયો.

     બીજી સવારે હોટેલ મેનેજરને બાએ ફોન કર્યો. ‘રમણભાઈ મારો જીતુ ક્યારે મને લેવા આવશે?’

     ‘બા, ડોક્ટર સાહેબનો હમણાં જ ફોન હતો. થોડા રોકાયલા છે. કદાચ કાલે કે પરમ દિવસે લેવા આવશે, કંઈ પણ કામ હોય તો મને કહેજો. મેં તમારે માટે સવાર સાંજના ટિફિનની વ્યવસ્થા કરી છે.’

     ‘રમણભાઈ ઈંડિયાની ટિકિટનો શું ખર્ચો આવે?’ બાએ હળવેથી અચકાતાં અચકાતાં પુછ્યું.

     ‘બા, એતો સિઝન અને એરલાઈન પર આધાર રાખે. કેમ એ પુછવું પડ્યું?

     ‘ના આ તો અમસ્તું જ.’

     બિચારો મારો જીતેશ. મારી હાજરી એની કર્કશા પત્નીને અને તેની મમ્મીને ગમતી નથી. હું આવી ત્યારથી જોતી આવી છું. બન્ને વચ્ચે કંઈક  ખૂટે છે. મારે અહિથી ચાલ્યા જવું જોઈએ. હું ક્યાં એની સાચી મા છું!

     અને રોકી રાખેલ અશ્રૂધોધથી બાનો પાલવ ભીનો ભીનો થઈ ગયો.

     હું કોણ માથા પર મેલાના ટોપલા ઉપાડનારનું લોહી. હું કેવી રીતે ડોક્ટર જીતેશની મા બની એની સાથે રહી શકું? ખબર પડ્યા પછી મારાથી એના ઘરને કેમ અભડાવાય? મને ક્યાં ખબર હતી કે મારા માબાપ કોણ છે? આશ્રમવાળાએ મને કદીયે ન કહ્યું કે હું કોણ છું?

     બાને આંસુના પડળમાંથી પણ વર્ષો પહેલાના ચિત્રો સ્પષ્ટ દેખાવા લાગ્યા. હું કદાચ પાંચ છ વર્ષની હોઈશ. મને કહેવામાં આવ્યું હતું. બેટી તું અહિ સલામત છે. હું અનાથાશ્રમમાં હતી. જરા મોટી થતાં સમજ પડી કે મારા પર બેત્રણ વાર બળાત્કાર થયો હતો. બેભાન અવસ્થામાં પોલિસે હોસ્પિટલ પહોંચાડી હતી અને ત્યાર પછી ત્યાંથી અનાથાશ્રમમાં જીવન શરું થયું. ત્યાં સહારો અને પ્રેમ મળ્યો. દશ ધોરણ સૂધી ભણી પણ ખરી અને ગીરધારીલાલ શેઠ આવ્યા જીતેશના બાપુ કાંતિલાલને ત્યાં કામ કરવા લઈ ગયા. આમ પણ હું સોળ વર્ષની થઈ ગઈ હતી. અનાથાશ્રમમાં રહેવાની મારી ઉમ્મર ન હતી.

     બા આયનામાં પોતાના પ્રતિબિંબ સામે જોઈને પોતાની વાત પોતાને જ કરતાં હતા.

     દીકરા જીતુ તને કદાચ ખબર નથી પણ તારી સાસુએ તને કહ્યું હતું તે મેં સાંભળ્યું હતું.

     ‘હવે આ લપને કોઈ રીતે કાઢને, ક્યાં સૂધી અમારે એને વેઠવાની છે. જીતુ તું બા બા કર્યા કરે છે. એ ક્યાં તારી સાચી બા છે? એ જશે તો જ આપણે સાથે રહીશું નહિતો ડિવોર્સ. ગીરધારીલાલ કાકાએ અમને ભેરવી દીધા. તારા કરતાંતો હિતેશ હેન્ડસમ હતો. બીલકુલ અમેરિકન ક્વોલિટી. વેદિયા ડોક્ટર કરતાં તો વધારે સ્માર્ટ લાગતો હતો.’

     દીકરા જીતેશે હળવેથી કહ્યું હતું ‘નીના બા તને શું નડે છે. આખા ઘરનો ઘસરડો તો બા કરે છે. હવે બાનું ઈન્ડિયામાં છે પણ કોણ? એ બિચારા ક્યાં અને કોની સાથે રહેશે. છતાં જો તને ના જ ફાવે તો બાને માટે એમને અનુકૂળ વ્યવસ્થા કરીશું’

     આ વાત તો બે મહિના પહેલાંની હતી; પણ ગઈ કાલે તો નીનાએ બાની હાજરીમાં જ નોટિસ ફટકારી હતી! તારી બાને આજે ને આજે ઘર બહાર કાઢ. મારા ઘરમાં માથે મેલાના ટોપલા ઉચકવા વાળી ના જોઈએ. જીતેશે જવાબ આપ્યો ઠીક છે. હું વ્યવસ્થા કરીશ. જીતેશ એની બાને મિત્રની હોટેલમાં મૂકી ગયો.

     કુસુમબા ખુરશી પર બેસી દિવાલ પરના મોટા આયનામાં પોતાની જાતને જોતાં, પોતાના જ પ્રતિબિંબ સાથે વાતો કરતાં હતાં. જાણે મિરરમાંથી મોટો અવાજ આવ્યો; ‘એ ક્યાં તારી સાચી બા છે?’

     જાણે સાંભળવા ના માંગતા હોય એમ એમણે કાન પર હાથ દાબી દીધા. છતાં અવાજ આવતો જ રહ્યો. વાત સાચી જ હતી. ‘કુસુમ તેં ક્યાં એને પેટમાં રાખ્યો હતો? તેં ક્યાં એને ધવડાવ્યો હતો?

     અશ્રુબંધ તૂટી ગયા હતા.  વણથંભ્યો પ્રવાહ વહેતો રહ્યો. સફેદ સાડલો ભીનો ભીનો થઈ ગયો. બા પણ સાચી અને ખોટી હોઈ શકે?

     આંખ પર ઝામેલા અશ્રુપટલમાંથી એને કાંતિલાલ દેખાયા. ‘અરે કુસુમ તું જ મારા જીતેશની બા છે.

     કાંતિલાલ પોતાની વણિક જ્ઞાતિના જ કાપડના વેપારી ગીરધારીલાલને ત્યાં ગુમાસ્તા તરીકે નોકરી કરતા હતા. આર્થિક રીતે મધ્યમવર્ગના કાંતિલાલનું એમના સમાજમાં આદરણીય નામ હતું. પ્રમાણિક અને સરળ કાંતિલાલ, ગીરધારી શેઠના વિશ્વાસુ માણસ હતા.  માત્ર એક જ દુઃખ હતું. પત્નીની ત્રણ ત્રણ કસુવાવડ પછી બાળકની આશા છૂટી ગઈ હતી. ડોક્ટરે પણ જણાવ્યું હતું કે પછીની પ્રેગ્નન્સી માતા માટે જીવલેણ નીવડે એવી શક્યતા છે. ધ્યાન રાખજો.

     જન્મ મરણ તો કુદરતના હાથની વાત છે. બન્યું પણ એવું જ. ધ્યાન રાખવા છતાં મોનાપોઝના સમયે જ,  લાંબા સમય પછી મોટી ઉમ્મરે કાંતિલાલના પત્ની પ્રેગ્નન્ટ થયા. બિમાર રહેતાં. પૂરતી કાળજી લેતાં ગર્ભ તો આઠ મહિના ટકી ગયો પણ એકાએક એમણે દેહ છોડી દીધો. મૃતમાતાના શરીરમાંથી સર્જરી કરીને પ્રિમેચ્ચોર બાળકને બચાવી લેવાયું. કાંતિલાલ પર આભ તૂટ્યું.

     શેઠજીએ પોતાના ગામથી એક નિરાધાર છોકરીને આખા દિવસની કામવાળી તરીકે બોલાવી લીધી. ખાવું પીવું, ઘરકામ કરવું, બાળ જીતેશની કાળજી લેવી, ઘરના માણસ જેટલું સુખ ભોગવવું, મહિને સો રૂપિયા પગાર. વર્ષમાં ત્રણ નવા ફ્રોક અને બે ચણીયા ચોળી. કાંતિલાલ તો ભગવાનના માણસ એમણે તો એના લાલને અને ઘરના કબાટની ચાવી એ છોકરીને સોંફી દીધી. એમનું ગુમાસ્તા જીવન વહેતું થઈ ગયું. કુસુમ ઘરમાં ગોઠવાઈ ગઈ. જીતેશ કુસુમના ખોળામાં ગોઠવાઈ ગયો.  કુસુમ ઓટલે બેસીને પાડોસી છોકરીઓ સાથે જીતેશને રમાડતી હતી ત્યારે ખોળામાં બેઠેલા જીતેશનો પહેલો શબ્દ હતો બા. બસ ત્યારથી એ કામવાળી કુસુમનું નામ મહોલ્લાની છોકરીઓ અને મહિલાઓ માટે ‘જીતેશની બા’ નામ થઈ ગયું. અને તે દિવસથી એ જીતેશની મા બની ગઈ.

     એક બે મહિલાઓએ કાંતિલાલને સૂચન પણ કર્યું કે કુસુમે કબાટમાંથી તમારી પત્નીના સાડલા પહેરવા માંડ્યા છે તો એની સાથે પરણી જાવને! કાંતિલાલે જવાબ આપ્યો, મિસકેરેજમાં જીતેશ પહેલાના છેલ્લા સંતાન કરતાં પણ ઘણી નાની છે. સાડી લુઘડાં વાપરે તો દીકરી છે ભલે પહેરે. એ પણ મારી તો દીકરી જ કહેવાય. મારો જીતેશ જરા મોટો થાય એટલે કુસુમને ગમતા છોકરા સાથે પરણાવીશ. અનાથ કુસુમ કાંતિલાલને માટે દીકરી બની અને જીતેશને માટે બા જ બની ગઈ. હેત વહેતું રહ્યું.  જીતેશ મોટો થતો ગયો. સમજણો થતો ગયો. કુસુમને માટે તો નાનો જીતલો જ રહ્યો. એને પોતાના લગ્નનો કે શરીર સુખનો વિચાર પણ ન આવ્યો.  મોટો થતાં જીતેશને ખ્યાલ આવતો ગયો કે કુસુમ મારી મા નથી. એનો આદર ઘટ્યો નહિ પણ ઉલટો વધ્યો. કુસુમ પોતે પણ પોતાનું નામ ભુલી ગઈ. લોહીના સગપણ વગર માત્ર “બા” નામ રહી ગયું. અરે કાંતિલાલ પણ હવે નોકરાણી કુસુમને “બા” જ કહેતા.

     બાને જીતેશની ઉપર વહાલ હતું તેમ કડપ પણ ભારે હતો. પોતે તો અભણ હતી. પણ એટલું સમજતી કે આજ કાલ બધા માબાપ પોતાના છોકરાઓને ડાક્ટર, વકીલ કે ઈજનેર જ બનાવે છે. બસ એણે જ નક્કી કરી લીધું કે મારે મારા જીતેશને મોટો ડાક્ટર બનાવવો છે.

     જીતેશ ભણવામાં હોશિયાર હતો. સ્કોલરશીપ અને ઉદાર શેઠની આર્થિક મદદથી ડોક્ટર થયો. ભગવાને બુદ્ધિશક્તિ આપી પણ રંગ શ્યામ આપ્યો હતો. બરાબર કુસુમનો જ રંગ. શેઠજીના એક મિત્રની વિધવા, પોતાની દીકરી નીનાના લગ્નને માટે આવી હતી. શેઠજીએ મિત્રદાવે જિતેશ સાથે મેળ પાડી આપ્યો. બધું જ શુભમ શુભમ પાર પડ્યું. જીતેશ લગ્ન પછી અમેરિકા આવ્યો. પિતાને આગ્રહ કરતો, પપ્પા અમેરિકા આવી જાવ. પણ પપ્પા માનતા ન હતા. પપ્પા માંદા પડ્યા. કેન્સરનું નિદાન થયું. કુસુમે ખૂબ સેવા કરી. ડોક્ટરોએ આશા છોડી દીધી. સમાચાર મળતાં જીતેશ ઈન્ડિયા દોડ્યો. કાંતિલાલે મરતાં પહેલાં જીતેશ ને કહ્યું બેટા કુસુમે ભલે તને જન્મ નથી આપ્યો પણ માત્ર સો રૂપિયાના પગારે એ આજ્ન્મ તારી મા બની રહી છે. એણે એનો પગાર પણ પોતાને માટે વાપર્યો નથી. વર્ષો સૂધી બચાવેલા પગારના પૈસામાંથી વહુનીના માટે ઘરેણાં કરાવ્યા હતા. જન્મ પછી તને જીવતો રાખવા જે કાળજી લીધી છે તે ન લેવાઈ હોત તો આજે તારું અસ્તિત્વ ના હોત. તું બા કહે છે તો બાને બા જ માનજે. એની કાળજી લેજે દીકરા. આ કાંતિલાલના આખરી શબ્દો હતા.

     કાંતિલાલની અંતિમ ક્રિયા થઈ ગઈ. જીતેશે જે કાંઈ પૈસા વેરવા પડે તે વેરીને કુસુમનું નામ પોતાની માતા તરીકે કોર્ટમાં દાખલ કરાવી, જરૂરી સર્ટીફિકેટ મેળવી લીધા. વિઝા પણ મળી ગયા અને પોતાની સાથે જ બાને લઈને અમેરિકા આવી પહોંચ્યો. સાથે રહેતા વિધવા મરજાદી સાસુમાને કુસુમબાનું આગમન ના રુચ્યું. રોજ મા દીકરીના જાત જાતના મહેણાં ટહોણાં શરુ થઈ જતાં. જીતેશ ધનિક વિધવાનો ઘરજમાઈ હતો. પહેલાં જેતેશની ગેરહાજરીમાં બોલાતું. પછી કુસુમબાની હાજરીમાં બોલાતું થયું અને છેલ્લે બોલાતું કે આ લગ્ન જ એક મોટી ભૂલ છે. જીતેશ ઘણીવાર ખમી ખાતો અને કેટલીકવાર પ્રેમથી સમજાવવાની કોશીશ કરતો.

     જીતેશને કે કાંતિલાલને કોઈપણ દિવસ બા નું મૂળ જાણવાની ઈચ્છા જ નહોતી થઈ. જરૂર પણ  નહતી; પણ સાસુમાએ એ શોધી કાઢ્યું કે બનાવી દીધું. કાંતિલાલ અને બાળકને માટે ઘરમાં એક સ્ત્રીની જરૂર હતી. કાંતિલાલની કામ પરની ગેરહાજરી ગીરધારીલાલના ધંધાને અસ્ત્વ્યસ્ત કરી મૂકે એમ હતું. એમણે અનાથાશ્રમમાંથી કુસુમને મેળવી આપી.  એના પર બે વાર બળાત્કાર થઈ ચૂક્યો હતો. અનાથાશ્રમે આશ્રય આપ્યો હતો. અનાથાશ્રમના રેકર્ડ મુજબ  કુસુમના માબાપ અછૂત હરિજન હતા.સર્વોદય સંસ્થાએ એને દશ ધોરણ સૂધી ભણાવી હતી. આ માહિતી મુજબ સાસુમાની નજરમાં આ વણિક જમાઈ જીતેશ હવે ભારતમાં કાયદેસર ન બોલાય એવા શબ્દોવાળો અછૂત બની ગયો હતો.

     કુસુમબાને વેવાણે અને વધૂએ અછૂત તરીકે અપમાનિત કરી અને જીતેશને પણ હલકી વરણનો ઘણી કાઢ્યો. મારી હાજરીની જરૂર નથી. જીતેશ હવે બાળક નથી. મારે જીતેશનું લગ્ન જીવન અને ડોક્ટર તરીકેનું ભવિષ્ય બગાડવું નથી. હું તો ઈન્ડિયા જ જઈશ. મારે મારા દીકરાના જીવનમાંથી નીકળી જ જવું જોઈએ. હું ક્યાં એની મા છું? હું તો એક કામવાળી. ફરી અનાથાશ્રમમાં જઈશ. ત્યાંના અનાથ બાળકોની સેવા કરીશ. હું ઈન્ડિયા પાછી જઈશ.

     વિચારતાંવિચારતાં એમની આંખ ઢળી ગઈ.

     ૦૦૦૦

     ‘બા હું આવી ગયો છું.’ બાએ જાગીને જોયું તો જીતેશ એની સામે બેઠો હતો.

     ‘ઓહ! જીતેશભાઈ, ક્યારે આવ્યા? હવેથી હું તમારી બા નથી. મને કુસુમ જ કહેજો. જીતેશભાઈ મારા બાકીના પગારમાંથી મને ઈન્ડિયાની ટિકિટ કઢાવી આપો. હવે મારે તમારી નોકરીમાંથી છૂટા થવું છે.’

     ‘બા એકદમ શું થયું? આવું કેમ બોલો છો? આગળ એક પણ શબ્દ બોલશો તો મને મરેલો જોશો     . મારી વાત ધ્યાનથી સાંભળો. મને ફ્લોરિડાની હોસ્પિટલમાં જોબ મળી છે. બીજું બે દિવસ લોયર અને નીના સાથે ઘણાં કલાકો ગાળ્યા. ડિવોર્સ માટેનું સેટલમેન્ટ થઈ ગયું છે. અમને બન્નેને ખાત્રી થઈ ખ્યાલ આવી ગયો છે કે અમે બન્ને એકબીજા માટે અનુકૂળ નથી. એને હિતેશ સાથે લગ્ન ન થયા તેનો વસવસો છે. એને માટે હું કાળો છું. બા તમે અને નીનાના મમ્મી માત્ર નિમિત્ત જ બન્યા છો. જીવનમાં ઘણીવાર ન ધારેલા પ્રવાહમાં ઘસડાઈ જઈએ. આખી જીંદગીની રિબામણીને બદલે જાગ્યા ત્યાંથી સવાર કરવામાં  કશું જ ખોટું નથી. જ્યાં સૂધી તમે મારે માટે ગરમ ગરમ રોટલી કરવાવાળી શોધો નહિ ત્યાં સૂધી તો તમે મહિને સો રૂપિયા પગારના મારા બા જ રહેવાના. ત્યાર પછી નવી વહુના એકસો અને એક રૂપિયાના સાસુમા તરીકે પ્રમોશન મળશે. આવતી કાલે થોડા કાગળો પર સહિ કરવાની બાકી છે તે કરીને આપણે પરમ દિવસે બપોરની ફ્લાઈટમાં ફ્લોરિડા જવા નીકળી જઈશું. ચાલો ફેસ થઈ જાવ. આજે તો મારા દોસ્ત રમણને ત્યાં જ જમવાનું છે. નાનપણનો દોસ્ત છે. એની સાળી માટે મુરતીયો શોધે છે. એ તમારી સાથે વાત કરવા માંગે છે. જઈશું ને?’

     ‘ચાલ, ચાલ દીકરા ચાલ. હું તો ક્યારની તૈયાર છું.’

     જીતેશની બાના ચહેરાના રંગો બદલાઈ ગયા.

 

ગુજરાત દર્પણ જાન્યુઆરી ૨૦૧૮.

3 responses to “ડો.જીતેશની બા

  1. pragnaju January 21, 2018 at 8:54 PM

    મેલાના ટોપલા ઉચકવાવાળીથી યાદ આવ્યું
    આશરે ૬૦ વર્ષ પહેલા અમે ગામડામા રહેતા ત્યાં ટોપલી સંડાશ હતો અને તે સાફ કરવાવાળી બેનને પુરતો પગાર આપતા છતા દાદાગીરી કરી વધુને વધુ પૈસા માંગતી તેને એમ કે આ બેન આવું કામ નહીં કરી શકે !મેં ઉંડો ખાડો કરાવી તેમા ટોપલી ખાલવી ઉપર માટી નાંખવા માંડી…અને એનો પગાર પણ ચુકવતી.
    અહીં પણ છુટાછેડા સામાન્ય થયા જાય છે તેમા થોડા દાખલામા ડીએનએનો પ્રશ્ન હતો અને ઘણાખરા કેસમા હજુ જુના જડ સંસ્કારો !કેટલાક સારા પગારવાળાને પરણી છુટાછેડા લઇ ધીકતી કમાણી કરે તો ઘણા સ્વયંસેવકો સંડાશ સાફ કરવાનું કામ આનંદથી કરે છે! કેટલાક તો લગ્ન પહેલા જ શરત કરે કે બે ટ્રેશકેન સાથે નહીં રહેવા દંઉ ! ચાલો એટલું સારું કે આવા બાને આગળથી ખબર પડે…

    Like

  2. Amrut Hazari. January 17, 2018 at 10:43 AM

    વાહ. ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી મરજાદીઓના ઘરોની રીયાલીટીને વાર્તામાં વણી તો ખરી પણ તેને જીવંત બનાવી દીઘી. જાણે મારા બાજુના ઘરની વાત હોય અને હું દુ:ખી મનથી કાંઇ પણ કરી નહિ શકવાની હાલાતમાં જોતો જ રહી ગયો હોઉં.ફક્ત મરજાદીઓના ઘરની આ રીયાલીટી નથી….પરંતું પોતાને ઉચ્ચ વરણના માની બેઠેલાઓના ઘરોની આ રીયાલીટી છે. કુસુમ તો પોતાની મા ન્હોતી…પરંતુ હસબન્ડની પોતાની મા સાથે પણ આ વહેવાર થતો જોયો છે. હાર્દિક અભિનંદન.
    વાંચનારો ઉપર કેવી અસરો પડશે તે તો તે વાંચનાર પોતે જાણે. સમાજની આંખ ખોલવા માટે તમે સુંદર કર્મ કર્યુ છે.

    Liked by 1 person

  3. mhthaker January 17, 2018 at 9:55 AM

    very touchy story of what happens in society time to time- and thx to Jeetesh who took bold step to be with Ba- divorcing neena- and there after his MIL lap !!!!
    hope they live happily there after and jeetesh remarry with a girl who respect BA.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: