મારા માનવંતા ફેસબુક મિત્ર

AjayKumar Panchal
દ્વિજ – એક ભયાનક અનુભવ (સત્ય ઘટના ) –
17 May 1987
ઉનાળાના એ ધોમ ધખતાં બપોરે પ્રકૃતિ ચારે બાજુ ગરમીનો કોપ વરસાવી રહી હતી. મેં મહિનાની બપોરનો પવન લૂ વરસાવતો ચારે બાજુ લોકોને ત્રાહિમામ પોકારાવતો હતો. આવી બપોરના બે વાગે જયારે બહાર ચકલું ય ના ફરકે એવી પરિસ્થિતિ હતી ત્યાં જ મારા મિત્ર ધીરેનભાઈએ મારા દરવાજે દસ્તક દીધાં. શુકન અપશુકનમાં તો નથી માનતો એટલે એમ તો ના લખી શકું કે એ કાળ ચોઘડિયું હશે. પણ જે માનો તે પણ સમય સારો તો નહોતો જ. પણ થનગનતી યુવાનીમાં સમય કેવો છે એ જાણવાની કોને પડી હોય છે? ધીરેન કકકડ અમારી જેમ જ એ મકાનમાં રહેતા ભાડુઆત હતા. મારી તો નોકરીના શરૂઆતના વર્ષો હતા.
“અજયભાઈ, શું કરો છો, જમી લીધું?
કેમ છો માસી, શું બનાવ્યું’તું આજે?” આદત પ્રમાણે ધીરેનભાઈએ વાતો શરુ કરી.
રજાના દીવસે આ મારો કાયમનો પ્રોગ્રામ રહેતો. બપોરે જમીને આ રીતે ભેગા થઈને ગપ્પા મારતા અને બપોરનો સમય પસાર કરતા. એવામાં જ એમના પત્ની એટલે કે દિવ્યાભાભીનો અવાજ સંભળાયો.
“એ….. સાંભળો છો?” પત્નીનું નામ લઈને ન બોલાવવાની એમની ટેવ હતી. હું ઘણી વાર એમની મજાક કરતો અને ધીરેનભાઈની જગ્યાએ હું પ્રત્યુત્તર આપતો.
“મને બોલાવ્યો ભાભી!” અને એ શરમાઈને હસી પડતાં. દિવ્યભાભી મધુબાલાની બરોબર કરે એવા સુંદર હતા. અને ધીરેનભાઈ હતા પાતળાં અને ટકલુ. પુરેપુરા તો નહિ પણ ઘણા ખરા વાળ યુવાનીમાં જ જતા રહ્યાં હતા.
“ના..ના….. શું તમેય! તમારા ભાઈને બોલાવું છું. ક્યાં ગયા ઈ?” એ કાઠીયાવાડી લહેકામાં બોલતા. એમના બાબા નીરવનો દુધનો પાવડર ખલાસ થઇ ગયો હતો. એટલે ભરબપોરે તાત્કાલિક લેવા જવાનું હતું.
“ચાલો અજયભાઈ, આવો છો? આનો પાવડર લેતા આવીએ અને પાને ય ખાતા આવીશું”.
અને અમે બંને લુંગીની જગ્યાએ પેન્ટ ચઢાવી એમનું લ્યુના લઈને નીકળ્યા.
બહારની પરિસ્થિતિથી બેખબર એવા અમે બંને નીકળી પડ્યા. એ દિવસે કોઈ રાજકીય કારણસર શહેર-બંધનું એલાન અપાયેલું હતું. ભરૂચ શહેરમાં મોટાભાગની દુકાનો બંધ હોવાની વકી હતી. ભરૂચ શહેર એટલે ખુબ જ સાંકડી અને અંધારી ગલીઓની ભરમાર. લ્યુના સાઈઝમાં નાનું હોવાથી કોઈ પણ ગલીમાંથી નીકળી શકાય એટલે અમે પાછલા રસ્તેથી નાની ગલીમાંથી નીકળ્યા. હજુ અમે ગલીમાંથી સોનેરી મહેલ પાસેના સહેજ મોટા રસ્તા પર નીકળ્યા. અમુક લોકોના ટોળા બહાર ઉભા રહીને બંધ વિષે વાતો કરતા હશે. હવે બન્યું એમ કે એ વિસ્તારનો કોઈ છોકરો અન્ય વિસ્તારમાં એની લારી લઈને શાક વેચવા નીકળ્યો હશે. એમાં એક અટક્ચાળાએ તેની લારીમાંથી કશું ખરીદતાં ઝઘડો કર્યો. એમાં સહેજ બોલાચાલી થઇ ને પેલાએ લારીવાળા છોકરાને એના ત્રાજવાથી માર્યો. એ છોકરો રડતો રડતો એ બાબતની ફરિયાદ કરતો હતો. અને અમારી લ્યુના સવારી એ જ વખતે ત્યાંથી નીકળી. સામાન્ય સંજોગોમાં આ ઘટના નાની જ રહી હોત. પણ બંધનું એલાન હતું અને એક મુસ્લીમ છોકરાને હિન્દુઓના વિસ્તારમાં ઝઘડો થયો હતો.
જેવું અમારું લ્યુના એ ટોળાની નજીક આવ્યું અને એ વિફરેલાં ટોળામાંથી એકાદ બેએ દોડીને અમને પકડવાનો પ્રયત્ન કર્યો. એક જણના હાથમાં મારા વાળ આવી ગયા. લાંબા વાળ રાખવાની ફેશન હતી એ જમાનામાં. હા, આ વાત છે 29 વરસ પહેલા સત્તરમી મે ઓગણીસો સીત્યાશીની.
પાછળ બેઠેલો હું વાળ પકડાવાથી લ્યુના પરથી ફેંકાઈને રસ્તા વચ્ચે પડ્યો. મોડે મોડે પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો કે વાતાવરણ બગડેલું હતું. પણ એ સમજવામાં મોડું થઇ ચુક્યું હતું. અને પછી તો મુક્કા અને ગડદાપાટું વરસવા લાગ્યા. લગભગ પચાસેકનું ટોળું અને એ પણ નાનકડા રસ્તા પર એટલે ભાગી શકાય એવો તો મોકો જ નહોતો. હિન્દી ફિલ્મમાં જેમ વારાફરતી ટોળામાંના લોકો મારતા હોય તેમ ધનાધન મોં પર, માથામાં, બરડામાં, છાતી પર, પેટ પર મુક્કાઓની ઝડી પડવા માંડી. હોઠ ચિરાઈ ગયો, નાકની નસખોરીમાંથી લોહી વહેતું હતું. કોઈના હાથમાં લાકડી હતી તો કોઈના હાથમાં પાઈપ, તો કોઈ વળી સાયકલની ચેન લઈને મંડી પડ્યા. ચારેબાજુ અંધાધુંધી હતી. ટોળામાંથી છટકી શકાય એવો કોઈ લાગ જ નહોતો. પહેલી બે ત્રણ મિનીટમાં જ ખ્યાલ આવી ગયો હતો કે સામનો કરવામાં ટોળું વધારે ઉશ્કેરાય તેમ હતું. એટલે બચવાની આશા તો એમનામાં જો રામ જાગે તો જ હતી.
આ પરિસ્થિતિમાં ગુંડા તત્વો પણ ટોળામાં પ્રવેશી ચુક્યા હતા. એમાંના એકે ચમકતું ચપ્પુ કાઢ્યું અને મારા પેટમાં ઘા કર્યો. જાન બચાવવા માટે હું સહેજ આડો ફર્યો અને ચપ્પુ મારી કમરમાં ઘા કરી ગયું. હજુ ય મને એ સીન સ્લો મોશનમાં બનતો હોય તેમ યાદ છે. ઠેર ઠેરથી લોહીલુહાણ એવો હું પેટ પકડીને વાંકો વળ્યો એવામાં કોઈએ મારા માથા પર ફટાક કરતો ને પાઈપનો ઘા કર્યો. માથામાંથી જાણે લોહીની પિચકારી ઉડી. મને તમ્મર આવતા હતાં. પણ બેભાન થવું એટલે મોતને શરણ થવું એ મને સમજાઈ ગયું હતું. હું પેટ અને માથું પકડતો જમીન પર પટકાયો. એક ખુન્નસથી ઉશ્કરાયેલા માણસે બુમ પાડી ને કહ્યું, “આઘા ખસો”.
ના, એ બચાવવા માટે નહિ પણ મારવા માટે રસ્તાની કિનારે પડેલો મોટો પત્થર બે હાથમાં ઉંચો પકડીને ઉભો હતો. એના આઘા ખસોનો મતલબ હતો કે હવે એ જ પતાવી દેશે. ટોળું આઘું ખસી ગયું. મારી સામે મારો કાળ મોટો અણીયારો પત્ત્થર લઈને મને મારવા ઉભો હતો અને હું લાચાર લોહીલુહાણ રસ્તાની વચ્ચે પડ્યો હતો. આંખોમાં લોહી ધસી આવતું હતું અને માથામાં ઘા વાગવાથી મને ચક્કર આવતા હતા. પણ મારું સંપૂર્ણ ધ્યાન એ શખ્સ પર હતું. એ માણસે મારા માથાનું નિશાન લઈને પથ્થર મારી પર નાખ્યો. એક જ ક્ષણનો ફર્ક પડ્યો હોત તો મારા રામ બોલો ભાઈ રામ રમી જવાના હતા. મારા રીફલેકટ્સ ખુબ જ ઝડપી હતા. હું પલટી ખાઈ ગયો અને પથ્થર મારા માથાની સહેજ બાજુમાં પડ્યો. પથ્થર વાગે એ બીકે ટોળું આઘું ખસ્યું હતું એટલે મેં તક ઝડપી. અને ઉભો થઇને જાન બચાવીને ભાગ્યો. મારી જીંદગીમાં ક્યારેય હું એટલી ઝડપે દોડ્યો નથી. ટોળું મારી પાછળ દોડ્યું પણ હું જાન બચાવવા દોડ્તો હતો. હું લાગ જોઇને એક ગલીમાં ઘુસી ગયો. પડતો આખડતો હું દોડતો હતો. આખરે હું અમારા વિસ્તારમાં હતો. મારી આંખમાં લોહી ધસી આવતું હતું. મારુ આખું શર્ટ લોહીથી તરબતર હતું. અમારા વિસ્તારમાં પણ એક ટોળું ઉભેલું જ હતું. પણ એ હિન્દુઓનું ટોળું હતું. એમાંના એકે મને ઓળખ્યો. ” અરે… આ તો અજયભાઈ છે.” અને ટોળાએ મને પકડીને, લગભગ ઊંચકીને એક ઘરના ઓટલા પર સુવડાવ્યો. અમારા જ વિસ્તારના એક ડોક્ટરને ઘરેથી પકડી લાવ્યા. એણે મને એકાદ બે ઇન્જેક્શન આપ્યાં. સહેજ પાટાપીંડી કરી અને કહ્યું કે મને હોસ્પિટલમાં લઇ જવો પડશે. કોઈએ વળી મને હળદળ-મીઠું પણ ફકાવ્યા. કોઈએ દોડીને મારા મધર-ફાધરને વાત કરી. એ બંને હાંફળા ફાંફળા ત્યાં દોડી આવ્યા. એ વખતે મારા ફાધરને ચાલવામાં સહેજ તકલીફ થતી હતી. મારા મધરનો ચહેરો ગમગીન પણ મક્કમ હતો. એ દિવસે મારી જીંદગીમાં પહેલી વાર મારા ભડ જેવા ફાધરની આંખમાં આંસુ જોયું. કંસારાવાડના મારા મિત્રો ફટાફટ રીક્ષા કરીને મને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા.
આખા શહેરમાં ઠેર ઠેર કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. વાતાવરણ ખુબ જ ભયાનક થઇ ગયું હતું. સ્ટેટ રીઝર્વ પોલીસ બોલાવીને શહેરમાં તોફાનો કાબુમાં લેવાના પ્રયત્નો થયા. અને હું પહોંચ્યો સિવિલ હોસ્પીટલના ઈમરજન્સી વોર્ડમાં. હોસ્પીટલના ઈ.આર. સેક્શનમાં અંધાધુંધી હતી. ઠેક્ઠેકાણેથી ઘાયલો આવતા જ જતા હતા. કોણ કોની સારવાર કરે એ જ લોકો હતો. મારા ઘા ગંભીર તો હતા જ. એટલે મારી સારવારમાં એકાદ ડોક્ટર અને નર્સ લાગ્યા. આખું શર્ટ લોહીલુહાણ હતું એટલે ઘા ક્યાં હતા અને લોહી ક્યાંથી નીકળતું હતું એ નક્કી કરવું ય મુશ્કેલ હતું. મેં એમને માથા અને કમરના ઘા બતાવ્યા. કમરમાં ચાર પાંચ ટાંકા લેવાયા. માથામાં પંદરેક ટાંકા લેવાયા. આખા માથા ફરતે પાટાપીંડી થઇ. મેં ડોકટરે આપેલા ઇન્જેક્શન વિષે કહ્યું. મને ખ્યાલ નથી કે એમણે સાંભળ્યું કે નહિ. હું બેભાન થવાની તૈયારીમાં જ હતો. મારી સુશ્રુષા પતી અને ડોક્ટર બીજા કેસને હેન્ડલ કરવા જતા હતા ત્યાં નર્સે કહ્યું. કે ‘ ડોકટર, માથામાંથી હજુ લોહી વહે છે અને પાતો લોહીથી ખરડાયેલો છે.” ફરીથી બધું ખોલવામાં આવ્યું. આખું માથું ફરી ચેક કર્યું તો બીજો એક ઘા જણાયો. ફરીથી ટાંકા લેવાયા. એ વખતે નર્સને ભાન થયું અને બોલી, “ડોકટર સાહેબ આને એનેસ્થેસિયા તો આપ્યો જ નથી.” મને હજુ ડોકટર અને નર્સનો ચહેરો યાદ છે. હું દર્દ સહેવાની સીમાની બહાર હતો. એનેસ્થેસીયા વિના માથામાં અને કમરમાં ટાંકા લેવાયા હતા. થોડી વાર પછી મારી આંખો સામેથી બધું ઓઝલ થતું હોય એમ લાગતું હતું. હું જાણે બીજી જ કોઈ દુનિયામાં ખોવાતો જતો હતો.
મારી આંખો ખુલી ત્યારે હું હોસ્પીટલના જનરલ વોર્ડમાં હતો. શહેરમાં તોફાનગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યું ફેલાઈ ગયો હતો એટલે મારા મિત્રો મને હોસ્પીટલમાં મુકીને ચાલ્યા ગયા હતા. મારી આખો ખુલી ત્યારે મારી બાજુમાં ધીરેનભાઈ હતા. એમને પણ થોડી ઈજાઓ થઇ હતી પણ મારા જેટલી ભયાનક નહોતી. હું લ્યુના પરથી પટકાયો પછી એ સહેજ આગળ નીકળી શક્યા હતા. પણ એ પણ ઝડપાયા તો હતા જ. એમને મોં અને છાતી પર ઈજા થઇ હતી. માથામાં થોડી ઈજા હતી. પણ સદભાગ્યે એમને સ્ટીચીસ લેવાનો વારો નહોતો આવ્યો. ટોળાના મોટાભાગના મને મારવામાં રોકાયેલા હતા એટલે એમને મારાથી ઘણી પહેલા ભાગવાનો મોકો મળી ગયો હતો. એ ભાગતા ભાગતા સોનેરી મહેલ પોલીસ ચોકીએ પહોંચ્યા.
“અરે દોડો દોડો, ત્યાં એક મોટું ટોળું મારા ભાઈબંધને મારે છે.” એમણે ત્યાં બેઠેલા બે પોલીસ કર્મીઓની કહ્યું. પોલીસનો જવાબ ચક્કર ખવડાવી દે એવો હતો.
“અમારી પાસે ફક્ત લાકડી છે. એટલા મોટા ટોળાને કઈ રીતે કાબુમાં લેવાય? થોડીવાર પછી જમાદાર અને ઇન્સ્પેકટર સાહેબ આવે એટલે અમે જઈશું.”
આ હતી આપણી રક્ષણહાર પોલીસ. જેના હાથમાં રક્ષણ કરવાનું કાર્ય હતું એ ફટ્ટુંઓ ટોળાથી ગભરાતાં હતા. અથવા એમને એવો ઓર્ડર ઉપરથી આપવામાં આવ્યો હશે.
છેવટે એ જાતે જ રીક્ષા કરીને હોસ્પિટલ આવી ગયા હતા. એમનો બેડ મારી બાજુમાં જ હતો. મારા માથામાં, છાતીમાં પીડા થતી હતી. શરીર પર કોઈ જગ્યા એવી નહોતી કે દર્દ ના થતું હોય. મેં મારી ડાબી સાઈડે જોયું તો વીસેક વરસનો એક છોકરો ડાબા હાથમાં જમણા હાથનું કાંડું પકડીને બેઠો હતો. હાથે પાટો બાંધેલો હતો. એ છોકરો પણ અમારા જ વિસ્તારનો હતો. એ મને ઓળખતો હતો પણ મને એનો ખ્યાલ નહોતો. પણ એ ખરેખર વીર હતો. કોઈએ એક આધેડ વ્યક્તિ પર તલવારનો ઘા કર્યો હતો, જનોઈ વધ ઘા હતો પણ એ વીર યુવાને એના ખુલ્લા હાથમાં એ નાગી તલવાર પકડી લીધી હતી. આધેડ વ્યક્તિ બચી ગયો પણ તલવાર પાછી ખેંચાઈ ત્યારે એ યુવાનના હાથનો અંગુઠો અને આંગળી લગભગ લબડતા હતાં. ડોકટરે સ્ટીચીસ લીધા હતા. મેં એ બહાદુર યુવાનને પૂછ્યું, ‘ડોકટરે, સ્ટીચીસ લેતા પહેલાં એનેસ્થેસીયા તો આપ્યો’તો ને? પણ એ નશીબદાર હતો.
મારી નજર આજુબાજુ ફરવા લાગી. આ હોસ્પીટલનો જનરલ વોર્ડ હતો. ઠેર ઠેર આવા જ કેસ હતા. કોઈનો હાથ, તો કોઈનું માથુ, તો કોઈનું પેટ કપાયું હતું. ચારેબાજુ પાટાપીંડી વાળા ચહેરાઓ હતા. ઘણા તો એવા હતા કે જેમને બેડ પણ નહોતો મળ્યો અને પથારીમાં સુવડાવ્યા હતા. રાતના દસ – અગિયાર થયા હશે. બધે આછો અંધકાર હતો. ઘવાયેલા લોકોના સગાવ્હાલા આજુબાજુમાં જ હતા. તોફાનોની વાતો થતી હતી. થોડા હિંદુઓ હતા તો થોડા મુસ્લિમ પણ ઘવાયેલા હતા. સગાઓ પણ પરેશાન હતા. આ વાતાવરણમાં મને લાગ્યું કે જો અહિયાં કોઈ ઉશ્કેરાયું અને અડધી રાત્રે કંઈ થઇ જાય તો? એટલે મેં ધીરેનભાઈને અને પેલા યુવાનને વાત કરી. બંને એ કહ્યું કે આમ તો કઈ થાય નહિ પણ મને વિશ્વાસ નહોતો બેસતો. એક નર્સ ત્યાંથી પસાર થઇ એટલે મેં એને બોલાવીને કહ્યું કે મારે અહીંથી બીજે ક્યાંક પ્રાઇવેટ કલીનીક/હોસ્પિટલમાં જવું છે. એણે મને કહ્યું કે સવારે ડોક્ટર સાહેબ આવે ત્યાં સુધી કઈ જ નહિ થઈ શકે. હું મરતાં મરતાં બચ્યો હતો. હવે હું કોઈ જ જોખમ લેવા તૈયાર નહોતો. મેં ધીરેનભાઈ અને પેલા યુવાનને તૈયાર કર્યો. એ બંને તો ચાલી શકે તેમ હતા. મને બાટલા ચઢાવેલા હતા. મેં કહ્યું કે તું એ સ્ટેન્ડમાંથી ઉતારી હાથમાં પકડી લે. આપણે અહીંથી નીકળી જ જઈએ. જોવા જેવું દ્રશ્ય હતું. હું લંગડાતો ધીરે ધીરે ચાલતો, પેલા બે હાથે અને માથે પાટા બાંધેલા, જેના હાથનો અંગુઠો અને આંગળી કપાઈ ગઈ હતી એ યુવાને મને ચઢાવેલ બોટલ પકડી હતી. નર્સે આ જોયું એટલે એણે અમને રોકવાનો પ્રયત્ન કર્યો. પણ અમે મોતને હાથતાળી આપીને આવેલા એના રોકવાથી રોકાયા નહીં. જોકે એણે થોડા બરાડા પાડ્યા પણ અમે કોઈ બીજું આવીને અમને રોકે એ પહેલા બહાર આવી ગયા. સદભાગ્યે આ હોસ્પિટલ સ્ટેશન રોડ પર હતી એટલે આ વિસ્તારમાં કર્ફ્યું નહોતો. બહાર ઉભેલી એક રીક્ષા પકડીને અમે આવી પહોચ્યા સ્ટેશન પાસે ઝવેરમામાની પ્રાઇવેટ હોસ્પિટલ પર. મારા હાથમાં નળીઓ ખોસેલી અને પેલા યુવાને હાથમાં બોટલ ઉંચે પકડી રાખી હતી. રીક્ષામાં પણ અમે એ જ હાલતમાં આવ્યા હતા.
ઝવેરભાઈ પટેલ આમ તો મારા સગા ન હતા. પણ એમનો ભાણો મારા મિત્રનો ખાસ મિત્ર હતો. વળી એ મારા મોસાળની બાજુના ગામના જ હતા. અને મારા મામાની સાથે સારો એવો સંબંધ હતો. એટલે આ બે સંબંધે એમને હું પણ મામા જ કહેતો. મોડી રાત્રે અમે આવું સરઘસ લઈને ત્યાં પહોંચ્યા. આ પ્રાઈવેટ હોસ્પિટલ હતી. પ્રમાણમાં નાની એટલે રીસેપ્શન પર બેઠેલી નર્સને પૂછ્યું. ‘ઝવેરમામા છે?” ઝડપથી એને પરિસ્થિતિ સમજાવી. એણે કહ્યું કે “ડોકટર સાહેબ તો એમના વાઈફ સાથે બાજુના ગામમાં કોઈના લગ્ન એટેન્ડ કરવા ગયા છે.”
એણે પરિસ્થિતિ સમજીને અમને દાખલ કર્યા ને બેડ પર સુવડાવ્યા. મોડી રાત્રે ઝવેરમામા આવ્યા. નર્સે કહ્યું કે તમારો કોઈ ભાણો રમખાણમાં ઘાયલ થઈને આવ્યો છે. મોડી રાત્રે ઝવેરમામાએ મને ઉઠાડ્યો. મારી પુરેપુરી તપાસ કરી અને ઇન્જેક્શન આપીને સુવડાવ્યો.
એકાદ બે દિવસમાં પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી. મારા માતા પિતાતો બીજા જ દિવસે સવારે હોસ્પિટલ આવી ગયા હતા. મારો મિત્ર ધીમંત એમને લઇ આવ્યો હતો. સવારે ગુજરાત સમાચારનો ફોટોગ્રાફર આવીને ફોટા પાડી ગયો હતો. એટલે છાપામાં ફોટા સાથે વિગતવાર સમાચાર છપાયા હતા. બીજા દિવસે જ મારા કઝીનનું લગ્ન હતું. જાન વડોદરાથી નીકળીને ભરૂચની બાજુમાં આવેલા ગામે જ આવવાની હતી. અમે એમ વિચાર્યું હતું કે છેક વડોદરા જઈને ભરૂચ પાછુ આવવું એના કરતા આપણે અહીંથી જ સીધા પહોંચી જઈશું. જો એમ કર્યું હોત તો આ ભયાનક ઘટના નિવારી શકાઈ હોત. પણ ‘જો’ અને ‘તો’ ની વચ્ચે જ જિંદગીની રમતો રમાઈ જતી હોય છે.
છાપામાં સમાચાર વાંચીને લગ્નમાં આવેલા બધા જ સગાઓ જોવા આવવા લાગ્યા. હું જે કંપનીમાં કામ કરતો હતો તે બધા સહકર્મચારીઓ આવવા લાગ્યા. નાનકડી હોસ્પિટલ અચાનક જ મુલાકતીઓથી ઉભરાવા લાગી. છેવટે રીસેપ્શન પર ખાસ બોર્ડ જ લગાવી દીધું કે અજય પંચાલ રૂમ 303માં છે. ખબર જોવા આવનાર બધાનો મારા જ મોંએ આખી વાત સાંભળવાનો આગ્રહ રહેતો. આજે ય યાદ છે. અમારાથી મોટા એવા એક વડીલ કર્મચારીએ મને પૂછ્યું કે ક્યાં વાગ્યું છે? ત્યારે મેં મડીયલ ચહેરે હસતા હસતા કહ્યું હતું કે ‘બધે જ વાગ્યું છે, પણ એકે ય ઘા પીઠ પર નથી ખાધો.’ એ જમાના પણ કોઈપણ સંજોગોમાં અમે ખુમારી તો છોડતા જ નહોતા. એ વખતે ભરૂચના ચૂંટાયેલા અહેમદ મહમદ પટેલ અમારી મુલાકાતે આવ્યા હતા. મને પૂછ્યું કે હું શું મદદ કરી શકું? મારો જવાબ હતો કે આ રમખાણો કોઈ કોમી ઝઘડાથી નથી થયા. તમારા બંધના એલાનને આખા દેશ સુધી પહોચાડવા માટે જ આ તોફાનો કરાવ્યા છે. હવે તમે પૂછો છો કે શું કરી શકું?
દોઢ મહિના હોસ્પિટલમાં રહીને જયારે ઘરે પહોંચ્યો ત્યારે મને તોફાનીઓની ઓળખ માટે બોલાવવામાં આવ્યો હતો. મારા મહોલ્લાના ઘણાં લોકોએ ઘણા બધા નામ અને ફોટોગ્રાફ્સ મને બતાવ્યા હતા કે જેથી હું પોલીસને એ બધા નામ આપી શકું. પોલીસની ઓળખ પરેડમાં પત્થર મારનાર અને ચપ્પુ મારનારને તો હું જોતા જ ઓળખી ગયો. મારી આંખમાં એક ચમક આવી ગઈ એનો એ બંને ને ખ્યાલ આવી ગયો હતો.
“ના, આમાંના કોઈ જ શખ્સને મેં એ ટોળામાં જોયા નહોતા.” મારો જવાબ હતો.
શમે ના વેરથી વેર, ટળે ના પાપ પાપથી,
ઔષધ સર્વ દુ:ખોનું મૈત્રીભાવ સનાતન.
આજે સત્તરમીએ મેએ આ વાતને બરાબર 31 વરસ પુરા થયા. સત્તરમી મે એ મારો બીજો જન્મ થયો હતો. હું દ્વિજ બની ગયો.
આજે પણ મને કોઈના પ્રત્યે ફરિયાદ નથી. ધર્મના કારણે તો નહીં જ અને રાજકારણ પ્રત્યે સહેજ પણ માન નથી. આ વાંચીને વૈમનસ્ય નહીં પણ એખલાસ ફેલાય એવી જ આશા છે.
અસ્તુ.
-અજયકુમાર પંચાલ
Like this:
Like Loading...
Related
ખરેખર ભયાનક બનાવ. રૂંવાડા ઊભા કરી દીધાં.
LikeLike
હૃદયસ્પર્શી અનુભવ
‘શમે ના વેરથી વેર, ટળે ના પાપ પાપથી,
ઔષધ સર્વ દુ:ખોનું મૈત્રીભાવ સનાતન.’હું દ્વિજ બની ગયો.
આજે પણ મને કોઈના પ્રત્યે ફરિયાદ નથી. ધર્મના કારણે તો નહીં જ અને રાજકારણ પ્રત્યે સહેજ પણ માન નથી. આ વાંચીને વૈમનસ્ય નહીં પણ એખલાસ ફેલાય એવી જ આશા છે.’
ધન્ય ધન્ય
LikeLike
દર્દનાક અનુભવ. અજય ભાઈને બચી જવા માટે અભિનંદન.
ટોળાંશાહી પર ખુન્નસ ચઢી ગયું. માઉસની તલવારથી એ સૌને ફટકાર્યા !
LikeLike
અજય પંચાલની હિંમતનાં કેવી રીતે વખાણ કે તારિફ કરવાં ! તેમને ભડવીર વ્યક્તિ જ કહેવી પડે.
કોઈને નાનીવાત લાગે પણ જ્યાં કાયદો અને વ્યવસ્થા ચીંથરા ને લીરા ઉડતા હોય ને ધર્મઝનૂની
ટોળાએ કબજો લીધો હોય ત્યારે માનવતાતો ત્યાંથી સંતાઈ ગઈ હોય !
તેમણે પોતાનની જાતને બચાવવા જે અથાગ પ્રયત્ન કર્યો હતો તે સ્ટંટ ફિલ્મની પટકથા જેવો પણ
આ તો જીવસટોસટની બાજી સોગઠે લગાવી હતી
આજે અજય પંચાલ જીવતી જાગતી બહાદુરીની એેક મિસાલ બની જબ્બરજસ્ત સંદેશ આપણને આપી ગયા છે.
ઘન્ય છે અજય પંચાલને અને પ્રવીણકાંત શાશ્ત્રી સાહેબનો પણ આભાર.
LikeLiked by 1 person
એકજ શ્વાસે આ સત્ય ઘટના વાંચી ગઈ! શ્વાસ અધ્ધર થઈ ગયો. અંતમાં…. લીધેલ નિર્ણય જાણીને ખુબ શાતા અનુભવી.
LikeLiked by 1 person
વાંચતાં પણ અરેરાટી ઉપડે એવી વાત છે. ૧૯૯૩ માં મુંબઈમાં બોંબ બ્લાસ્ટ થયા હતાં ત્યારે આનાથી પણ વધારે ખરાબ હાલત જોઈ છે. એ તો શ્રી બાલ ઠાકરે હતાં, અને એમણે ‘હુંકાર’ કર્યો હતો એટલે મુંબઈને કોંગ્રેસના હાથમાંથી બીજી કોમને ‘વેચાતું’ બચાવી લીધું… જો બાલ ઠાકરે ન હોત તો મુંબઈ ‘પચરંગી’ કે ‘મરાઠી’ મુંબઈ ન હોત, ‘અહમદ પટેલ’ની કોમનું થઈ જાત…
૨૦૦૨ ની અમદાવાદની હાલત તો કલ્પી પણ ન શકાય….
ઘણું હૃદયસ્પર્શી….ખરેખર દ્વિજ- બીજો જન્મજ થયો કહેવાય..જાન બચી લાખો પાયા…
LikeLiked by 1 person
“આજે પણ મને કોઈના પ્રત્યે ફરિયાદ નથી. ધર્મના કારણે તો નહીં જ અને રાજકારણ પ્રત્યે સહેજ પણ માન નથી. આ વાંચીને વૈમનસ્ય નહીં પણ એખલાસ ફેલાય એવી જ આશા છે.”
આ વાંચીને આનંદ થયો. ઘણું હૃદયસ્પર્શી.
LikeLiked by 2 people