“યારાના”

‘ગ્રાન્ડમા વ્હાઈ ડોનચ્યુ મેરી દાદાઅંકલ.’ કાજલમમ્માના ખોળામાં ચડી બેઠેલી ગ્રેટગ્રાન્ડડોટર ટીનાએ ત્રણસો માણસની હાજરીમાં આ સવાલ એની ગ્રેટગ્રાન્ડમાને પૂછ્યો.
‘આઈ કાન્ટ મેરી હિમ. હી ઈઝ નોટ માઈ બોયફ્રેન્ડ. હી ઈઝ માય બેસ્ટફ્રેન્ડ.’
આજની છોકરીઓ પણ આ જ જવાબ આપતી હોય છે. પણ આ જવાબ કોઈ ટિનેજર છોકરીનો ન હતો. આ તો એંસી વર્ષના કાજલદાદીનો જવાબ હતો. પ્રસંગ હતો કાજલદાદી અને ગૌરાંગદાદાની એંસીમી બર્થડેની ઉજવણીનો.
એંસી વર્ષ પહેલા, ગૌરાંગબાબાનો જન્મ જૂનની પાંચમી તારીખે સવારે આઠ વાગ્યે અને કાજલબેબીનો જન્મ રાત્રે આઠ વાગ્યે. બનેની બાઓ ખાસ બહેનપણીઓ. એક જ સોસાયટીના, એક જ ડુપ્લેક્ષના પાડોસીઓ. બન્ને પરિવારે નક્કી કરેલું કે દર વર્ષે બાબા-બેબીની વર્ષગાંઠ સાથે જ ઉજવવી અને આખી સોસાયટીમાં બધાને આઈસ્ક્રિમ ખવડાવવું. બન્નેની બાઓએ તો ખાનગીમાં સમજૂતી પણ કરી મૂકેલી કે મોટા થાય પછી બન્નેને પરણાવી દેવા. પણ આ બે બાબા-બેબીની તો વાત જ ન્યારી હતી.
સવારે જન્મેલો એટલે ગોરો ગૌરાંગ શાંત અને રાત્રે જન્મેલ જરા ઘઉંવર્ણી કાજલ ભારે ઉત્પાતી. બધી જ વાતે જૂદા અને ઊંધા. પહેલી જ બર્થડેમાં બન્ને છોકરાંઓએ જબરી મારામારી પણ કરેલી. ગૌરાંગ બિચારો શાંત અને ઢિમ્મર. કાજલ મારતી રહી અને બિચારો ગૌરાંગ માર ખાતો જ રહ્યો. જેમ જેમ મોટા થતાં ગયા તેમ તેમ તોફાનના પ્રકારો બદલાતાં ગયાં. ગૌરાંગ જરા શરમાળ. અને કાજલ બિન્દાસ. બન્ને એક જ સ્કુલમાં અને એક જ ક્લાસમાં ભણે. ગૌરાંગ જરા ગણીતમાં કાચો. એક દિવસ હોમવર્ક ન કરવા બદલ એના ટિચરે શિક્ષા કરી. કાજલને ખરાબ લાગી આવ્યું. બીજા દિવસથી કાજલે ગૌરાંગને ઘરને ઓટલે બેસીને મોટે મોટેથી ગણીત શીખવવા માંડ્યું. અરે જ્યારે એને સમજ ન જ પડે ત્યારે એનું હોમવર્ક પણ કરી આપે. બન્ને પાસે કોલેજ જવા માટે સાયકલ પણ છેલ્લી ઘડીએ કાજલ ગૌરાંગની સાયકલ પાછળ ચઢી બેસે. બિચારાને એનો ભાર ખેંચવાની મજૂરી કરવી પડે. લડતા ઝગડતા બન્ને બીકોમ. થઈ ગયા.
મોટા થાય એટલે લગ્ન તો કરવા જ પડે. ફેમિલીએ જન્માક્ષર મેળવ્યા. ભલે દિવસ એક જ પણ નક્ષત્ર બદલાઈ ગયેલું. મિઢળને બદલે રક્ષા બાંધવાના દિવસો આવી ગયા. જો કે કાજલે રાખડી બાંધવાની ધરાર ના પાડી દીધી. એ મારો ભાઈ નથી. દુશ્મનની અવેજીનો મારો દોસ્ત છે. મારે એને પરણવું જ નથી. કહીને ગૌરાંગ અને કાજલના કુટુંબીઓની હાજરીમાં જ ગૌરાંગને વળગીને એનો ગાલ કરડી ખાધેલો. ગૌરાંગે પણ ચોખ્ખું કહેલું એ ચિબાવલીની સાથે મને નહિ ફાવે. આને કાંઈ લવ કહેવાય? કોઈક બીજા સાથે જોશીએ કાજલના ગ્રહો ગોઠવી આપ્યા. કાજલના લગ્ન થઈ ગયા. વિદાય સમયે કાજલ ગૌરાંગને વળગીને ખૂબ જ રડેલી પણ ખરી. કેટલીયે વાર એને હેરાન કરવા બદલ સોરી, સોરી, સોરી પણ કહેલું. બન્નેનું વ્હાલ જોઈને કાજલનો હસબંડ પણ રડેલો. બિચારો ભલો માણસ હતો. ચાર વર્ષના લગ્નમાં કાજલ બે પુત્રીની મા બની ગયેલી અને પાંચમે વર્ષે તો બિચારી કાજલ વિધવા થઈને બન્ને દીકરીને લઈને પિયરમાં આવી ગયેલી.
ગૌરાંગ હજુ કુંવારો જ હતો. એક વાર ખાનગીમાં કાજલને પૂછેલું પણ ખરું; ‘કાજલ જો તારી ઈચ્છા હોય તો આપણે પરણી જઈએ. હું તારી અને બન્ને દીકરીની કાળજી રાખીશ.’ કાજલે હાથમાં હાથ લઈને કહ્યું હતું, “દોસ્ત તું દોસ્ત જ રહેજે અને થાય એટલો સપોર્ટ કરતો રહેજે. મારે મારી દીકરીઓને મોટી કરવાની છે. તું કોઈ સારી છોકરી શોધીને પરણી જા. બને તો નોકરી શોધી આપ.’
ગૌરાંગ એક પ્રાઈવેટ કંપનીમાં આસિસ્ટન મેનેજર તરીકે નોકરી કરતો હતો. એ જમાનામાં લાગવગ વગર નોકરી મેળવવાની સહેલી ન હતી. ગૌરાંગે એના માલિકને વાત કરી. માલિકે સહાનુભૂતિ ભર્યો જવાબ આપ્યો; ‘અત્યારે તો જગ્યા નથી, પણ કોઈ નોકરી છોડીને જાય તો તેની જગ્યાએ એને જરૂર ગોઠવી દઈશું.’
ગૌરાંગે તરત જ કહ્યું ‘સાહેબ મારા લગ્ન એક ધનિક છોકરી સાથે થવાના છે એટલે મારે એની સાથે રહેવા બેંગલોર જવાનું છે. મારી જગ્યાએ જ કાજલને ગોઢવવાની વાત કરું છું. અમે બન્ને સાથે જ બી.કોમ. થયા છીએ. હું થર્ડ ક્લાસમાં અને કાજલ ફર્સ્ટ ક્લાસમાં. સાહેબ મારી જગ્યાએ એને રાખી લો.’ ગૌરાંગની આંખ ભીની હતી. બોસ પીગળી ગયા. કાજલને નોકરી મળી ગઈ.
ગૌરાંગે તો ગપ્પુ જ માર્યું હતું; પણ કાગનું બેસવું અને તાડનું પડવું. અમેરિકાથી જ્ઞાતીની જ એક આંખે બાડી અને શરીરે જાડી છોકરી પરણવા આવી હતી. અમેરિકાના લોભે પણ કોઈ એની સાથે લગ્ન માટે તૈયાર થતું ન હતું. ગૌરાંગે પણ પહેલાં તો ના જ કહી દીધી હતી; પણ હવે દોસ્ત કાજલને સારી નોકરી મળી ગઈ એટલે એણે સામેથી હા કહેવડાવી દીધી. વિચાર્યું હતું કે અમેરિકા જઈને ડિવૉર્સ લઈ લઈશ.
બાડી જાડી એન.આર.આઈ સાથે લગ્ન થઈ ગયા. અને ગૌરાંગ અમેરિકા આવી ગયો. સસરાજીનો રિયલ એસ્ટેટ બિઝનેસ મોટો હતો. માયાળુ હતા. ગૌરાંગ એની સાથે જ બિઝનેસમાં જોડાઈ ગયો. પત્ની પ્રિયા, ભલે જાડી અને બાડી હતી પણ ખરેખર ખૂબ પ્રેમાળ અને સુશિક્ષિત હતી. ગૌરાંગે ડિવૉર્સનો વિચાર માંડી વાળ્યો. પ્રિયા પોતાની શારીરિક મર્યાદા જાણતી હતી. એને તો પ્રેમ જ જોઈતો હતો. એકવાર તો ગૌરાંગને આડકતરી રીતે યૌવન સુખ “બહાર”થી માણી લેવાની” છૂટ આપી દીધી હતી…..પણ ગૌરાંગ સંસ્કારી હતો. એણે પ્રિયાને દેહ અને દિલથી ‘એઝ ઈઝ” અપનાવી લીધી હતી. ઈન્ડિયાથી ગૌરાંગના કુટુંબની જ એક દીકરી જ્યોતિને દત્તક લઈ લીધી હતી.
સમય અને સરનામાં બદલાતાં કાજલ ગૌરાંગનો સંપર્ક પણ તૂટ્યો. દત્તક લીધેલ દીકરી જ્યોતિ, મોટી થઈ, ભણી અને ડોક્ટર થઈ. એક ડોક્ટર સાથે લગ્ન પણ થઈ ગયા. દીકરીના લગ્ન પછી એક જ વર્ષમાં ગોરાંગના સસરાજી અને પત્ની પ્રિયા પરલોક સિધાવ્યા. ગૌરાંગે ધંધો સમેટી લીધો. દીકરી જ્યોતિએ તો કહ્યું પણ ખરું “પપ્પા યુ આર યંગ, બીજા લગ્ન કરી લો. અગર અમારી સાથે આવીને રહો. પણ ગૌરાંગને દીકરીને ઘેર રહેવાનું ઉચિત ના લાગ્યું. એકલા રહેવાનું જ પસંદ કર્યું. વાર-તહેવારે દીકરીને ત્યાં જતા. થોડા દિવસ દીકરી અને ગ્રાન્ડ કીડસ સાથે ગાળતા. બધું જ હતું પણ કંઈક ખૂટતું હતું. પણ કંઈક શું એ સમજાતું ન હતું. સમય વહેતો ગયો.
એક દિવસ દીકરીનો ફોન આવ્યો. ‘ડેડી, અમે જોઈન્ટ મેડિકલ પ્રેક્ટિશનું નવું ગ્રુપ બનાવ્યું છે. આ સેટરડે મોર્નિંગમાં ઓપનિંગ સેરિમોની છે અને ઈવનિંગમાં બધા જ ડોક્ટરના ફેમિલી મેમ્બર સાથે ડિનરનો પ્રોગ્રામ રાખ્યો છે.. કીપ સેટરડે ઓપન. સેવ ધ ડેઇટ…’
અને શનિવારની સાંજે દશ ભારતીય મૂળના ડોકટરોના કુટુંબીઓ ડાઈનરમાં પરસ્પરની ઓળખાણ મેળવતાં હતાં.
‘ડેડી, આ ડોકટર નિરાલી અને એના હસબન્ડ ડોકટર પરાગ. અને આ એની બહેન આરાધના અને પ્રથમેશ. આ મારા ડેડી. જ્યોતિ ડેડીને બધાની ઓળખાણ કરાવતી હતી. ચાલો પેલા કોર્નર ટેબલ પર બેઠા છે એ એમના મોમ છે એમની સાથે ઓળખાણ કરાઉં. તમારે પણ એ જ ટેબલ પર બેસવાનું છે’. જ્યોતિ ગૌરાંગ ડેડીને નિરાલી અને આરાધનાની મમ્મી પાસે લઈ ગઈ.
સાનંદાશ્ચર્ય…. આતો કાજલ!
‘નમસ્તે કાજલજી’ ગૌરાંગે હાથ જોડ્યા.
અંકલ આપ અમારી મૉમને ઓળખો છો? નિરાલી અને આરાધનાને આશ્ચર્ય થયું.
‘હા, હું તો ઓળખું છું પણ એ મને ભૂલી ગયા લાગે છે. કાજલજી, હું ગૌરાંગ.’
કાજલ ઉભી થઈને ગૌરાંગને વળગી પડી. બધી દીકરીઓ અને જમાઈઓ જોતાં જ રહ્યા. બન્નેના અશ્રુભીના આલિંગન પછી જાણે ન છૂટકે લાંબા સમયે છૂટ્યાં
‘ગૌરાંગ તું….સોરી તમે. આ દાઢી, માથા પર હેટ અને ઉમ્મરની અસર. માનવામાં આવતું નથી કે તમે ગૌરાંગ છો.’
….બસ પછી તો કોર્નર ટેબલ પર બન્ને મિત્રોએ બેઠક જમાવી “તને સાંભરે રે, મને કેમ વિસરે રે” પાડોસનો અતિત વાગોળ્યો.
ગૌરાંગ તમારી વાત કરો. તમે તો પૂરા અમેરિકન થઈ ગયા.
‘કાજલ, હું ગૌરાંગ અને તું કાજલ. તમે-અમેનો દંભ છોડ. મારા જીવનની વાત તો તદ્દન સીધી સાદી છે. પ્રિયા સાથે હું ખૂબ જ સુખી હતો…..’ ગૌરાંગે ટૂંકમાં પોતાના અમેરિકન જીવનનો ઇતિહાસ કહ્યો. ‘હવે હું એકલો જ છું. કાજલ તું સુખી તો છે ને? તારા વર્ષો કેવા વિત્યા? કેટલા વર્ષે મળ્યા?’
‘દોસ્ત. મારી વાત જરા લાંબી છે. નિરાંતે વાતો કરીશું. અત્યારે તો પાર્ટી ટાઈમ છે લેટ્સ એન્જોય.’
‘ચાલ કાજલ, મારે ત્યાં; સાથે બેસીને ઘણી વાતો કરીશું. નાના હતા ત્યારે જેમ ઝગડતા તેમ ઝગડીશું.
અને બીજે જ દિવસે કાજલને એની દીકરી ગૌરાંગને ત્યાં મૂકી ગઈ.
અધુરી વાતનો દોર ચાલુ થયો.
‘ગૌરાંગ, મારે તો લગ્ન કરવા જ ન હતા. તેમાંયે તારી સાથે તો નહિ જ. મેં તને જ પ્રેમ કર્યો છે પણ કદીયે તને કહ્યું ન હતું. મને ખબર છે કે તું પણ મને પ્રેમ કરે છે. મારે તો લગ્ન કરવા જ ન હતા. પણ કરવા પડ્યા. તેં, મારું જીવન સુધારવા તારી નોકરી મને અપાવી દીધી. જેને પરણવા માટે કોઈ પણ તૈયાર ન હતું તેની સાથે તેં લગ્ન કર્યા. તું અમેરિકા ચાલ્યો ગયો. મારે બે દીકરીને ઉછેરવાની હતી. પૈસાની જરૂર હતી. તારા ગયા પછી એક દિવસ કંપનીના માલિકે મને ઓફિસમાં બોલાવી કહ્યું કે આજથી તારો પગાર ડબલ કરી નાંખું છું. મને તો તારા બ્રેઇન અને બોડીની આવશ્યક્તા છે. જો મને બન્ને મળે તો આપણે ઘણી પ્રગતી કરી શકીયે એમ છીએ. હું તારા પર કોઈ જ દબાણ કરતો નથી. મારી લાગણી સમજી શકે એવી સુંવાળી સંગત ઝંખું છું. મેં બે દિવસ ખૂબ જ મનોમંથન કર્યું. બોસની વાઈફ કર્કશા હતી. એમનું સહજીવન અને સહશયન લગભગ અશક્ય થઈ ગયું હતું. મારી યુવાની પણ તડપતી હતી. બે દિવસ પછી મેં મારા બોસને મારી દીકરીઓની ગેરહાજરીમાં ડિનર માટે આમંત્ર્યા. ત્યાર પછી અવાર નવાર અમે બિઝનેશ અંગેની વાતો માટે મળતા રહ્યા. દેહ અને દિમાગથી એકબીજાની જરૂરિયાતો સંતોષનાર મિત્રો બની રહ્યા. જીવનને વહેતું રાખ્યું હતું. આજે પણ હું કોઈ ગિલ્ટી ફિલિંગ અનુભવતી નથી. બીઝનેશ વધ્યો અને મને પચાસ ટકાની પાર્ટનરશીપ પણ મળી. મારી બન્ને દીકરીઓ ડોક્ટર બની અને અમેરિકામાં સ્થાયી થઈ. બોસના ડિવૉર્સ થઈ ગયા. અમે લગ્ન કરવાના હતા; અને એમને એટેક આવ્યો, બોસ ગુજરી ગયા. બધું સમેટી અમેરિકા આવી. આવી ત્યારથી તારી શોધ કર્યા કરતી હતી. પણ ભાળ મળતી ન હતી. બન્ને દીકરીઓને ત્યાં અવાર નવાર રહું છું પણ માનસિક રીતે એકલી પડી ગઈ છું. દીકરીઓનો પોતાના સંસાર છે. સર્વ સુખ છે પણ એકબીજા માટે સમય નથી. સદ્ભાગ્યે તું મળી ગયો’
…..અને બે દિવસ માટે ગૌરાંગને ત્યાં રહેવા ગયેલી સાંઠ વર્ષની કાજલ, એક બે દિવસ નહિ પણ પૂરા વીશ વર્ષ સાથે રહેતી થઈ ગઈ.
આતો અમેરિકા. બન્નેની દીકરીઓ ખૂબ જ સમજુ હતી. એઓ સિનિયરના સંગાથની જરૂરિયાતને સમજતી હતી. અવાર નવાર પોતાના દીકરા દીકરીઓને લઈને વડીલને મળવા આવતી. બધી દીકરીઓએ એમની જોઈન્ટ બર્થડે સેલિબ્રેટ કરવાનું શરૂ કર્યુ.
આજે બન્નેની એંસીમી જન્મ જયંતિ હતી. ભવ્ય ઉજવણી હતી. વર્ષો વીતી ગયા હતા. મોટા ભાગના આમંત્રીતો તો એમ જ માનતા હતા કે દાદા દાદી તો મેરિડ જ છે. ઘરમાં થતી વાતો પરથી આ ટેણકી ટીના એટલું સમજી ગઈ કે ગ્રાન્ડ પેરન્ટ મેરિડ નથી. અને ખોળમા ચડી બેસીને કાજલ ગ્રાન્ડમાને પૂછી બેઠી
“ગ્રાન્ડમા વ્હાઈ ડોનચ્યુ મેરી દાદાઅંકલ.”
કાજલ ગ્રાન્ડમાએ હસતાં હસતાં જવાબ આપ્યો “ડિયર, આઈ કાન્ટ મેરી હિમ. હી ઈઝ નોટ માઈ બોયફ્રેન્ડ. હી ઈઝ જસ્ટ માય બેસ્ટફ્રેન્ડ.”
લગ્ન કરીશું તો પણ નવું શું મેળવવાના ઈએ. અને ન કરીયે તો આપણે શું ગુમાવવાના છીએ? યાર આપણે તો સાથે જ જીવીયે છીએને.
એંસી વર્ષ પહેલાં જન્મેલ જૂનવાણી કાજલ જન્માક્ષરની માન્યતાને કારણે ગૌરાંગની સાથે લગ્ન કરવા નહોતી માંગતી. જોશીએ કહ્યું હતું કે જેની સાથે લગ્ન કરશે એ પુરુષ પાંચ વર્ષની અંદર ઉપડી જશે. કાજલ દાદીમા કોઈને પોતાની વહેમીલી માન્યતાની વાત કરતા ન હતા અને ગૌરાંગદાદા સાથે પ્રેમથી રહેતાં હતાં. દુન્યવી દૃષ્ટિએ ગ્રાન્ડમા ગ્રાન્ડપા ‘લિવિંગ ટુ ઘેધર’માં માનતા આધુનિક ડોસા-ડોસી હતા.
હોલમાં ગાજતું હતુ હેપી બર્થ ડે ટુ ગ્રાન્ડમા એન્ડ ગ્રાન્ડપા; હેપ્પી બથડે ટુ યુ.
(પ્રગટ ગુજરાત દર્પણ મે ૨૦૧૮)
Like this:
Like Loading...
Related
આભાર.
LikeLike
બહુ સુંદર વાર્તા..
LikeLiked by 1 person
વડીલશ્રી, આપનો પ્રતિભાવને હું આશિષ તરીકે સ્વીકારું છું.
LikeLike
તમારી એક એક વાર્તા નવીનતા પીરસે છે. લાગતે રહો
LikeLiked by 1 person
pravibhai,,
great smooth flow of story and with punch of social belief- and at last love – love and nirmal love – heard such story first time, very impressive in simple words- many thx
LikeLiked by 2 people
મને તો ઘણી વાર એજ અનુભૂતી થાય છે કે તમે મારા મનની જ વાતો સરળ રીતે લખી દો છો. હું પત્ની વગર કશે જતો નથી અને શારીરિક મર્યાદાઓને કારણે એ પ્રવાસ કરી શકતી નથી.
LikeLike
પ્રેમ એક એવું રસાયણ છે કે જે પ્રેમ પામનાર અને પ્રેમ ગુમાવનાર બંનેના મનોજગતને વિચલિત કરે છે. પ્રેમમાં પાગલ થવું કે પાગલ પ્રેમી જેવી ઉક્તિઓતો આપણે ખૂબ સાંભળીયે છીએ કે પછી તારા વગર હું પાગલ થઇ જઈશ એવું બોલતા ઘણા લોકોને સાંભળ્યા છે જો કે એ હૃદયના ભાવોની અભિવ્યક્તિ છે. પ્રેમની પાછળ ફના થવાવાળા કે સાચા અર્થમાં પાગલ…..મનોશારીરિક અસંતુલિત ખોઈ બેસનાર કોઈ વ્યક્તિ બહુ ઓછી જોવા મળી હશે પણ આ વાર્તા એવાજ પ્રેમદીવાનાઓની વાત છે. વિધાતાની અવળચંડાઇને લઈને પ્રેમસંબંધમાં મળેલી નિષ્ફળતા અને વર્ષો પછી થતાં મેળાપની આ વાર્તા વાચકના મન અને હૃદયને ઝંઝોળી નાખે છે. ‘જૂનવાણી કાજલ જન્માક્ષરની માન્યતાને કારણે ગૌરાંગની સાથે લગ્ન કરવા નહોતી માંગતી. જોશીએ કહ્યું હતું કે જેની સાથે લગ્ન કરશે એ પુરુષ પાંચ વર્ષની અંદર ઉપડી જશે…’
માન્યતા પર સ રસ વાર્તા
હંસબંડ, બોયફ્રેન્ડ. કરતા ખરા પ્રેમી બેસ્ટફ્રેન્ડ!
વાર્તામાં લેખક કઈ દિશામાં જવાનું છે એની વાચકોને જાણ ના થાય તો જ આહ્વાદક કૃતિ બને. આ કૃતિમાં છેલ્લે જ … અંત સુધી વાચકને અંત શું આવશે એ તરફ ધ્યાન હોતું નથી ને પછી એકાએક વાર્તાનું કથન એને અંત તરફ લઈ જાય છે.
.
.
.
.
.બહુ સ રસ
LikeLiked by 2 people
ખુબ સરસ વાર્તા.આ ૭૭ વર્ષના ડોસાને પણ થોડા દિવસો પહેલાં, સિનિયર સિટીઝન્સની મીટીંગમાં, એની બેસ્ટ ફ્રેન્ડ ‘કાજલ’ મળી હતી-વર્ષો પછી. એ અંગેની વાત મેં ઇ-મેઇલ દ્વારા ઘણાં મિત્રોને જણાવી હતી. હું તમારા જેવો લેખક હોત તો કદાચ આ વાર્તા મેં જ લખી હોત.આપણું ટ્યુનીંગ ઘણું મળતું આવે છે.આપણે માત્ર ઇ-મેઇલ્સ અને બ્લોગ દ્વારા જ મળીએ છીએ પણ ક્યારેય સદેહે મળી શકીશું ખરા ? હું ત્યાં આવી શકતો નથી અને તમને અહીં બોલાવી શકતો નથી. કેવી વિડંબના છે, નહીં ?
નવીન બેન્કર (હ્યુસ્ટન) ૨૭ મે ૨૦૧૮
LikeLiked by 2 people
અમૃતભાઈ, મનભાવન પ્રતિભાવ. સરસ પિંજણ કર્યું. આભાર. આપે જ મને કંઈક લખતો રાખ્યો છે.
LikeLike
પ્રવિણભાઇ,
શરદબાબુને તમે તો વાચા આપી દીઘી. દેવદાસ….ગૌરાંગ દેવદાસ બની રહ્યો અને પ્રેમને માટે નીછાવર થતો ગયો., જાણીને અને સમજીને….છોને ત્રીજુ પાત્ર જાડુ હોય ….પ્રેમાળ તો છે જ ને ?પ્રવિણભાઇ, તમે જે રીતે વાતને વળાંક આપ્યો તે તમારી લેખક તરીકેની સહનશક્તિની ઓછપને કારણે.
સેક્સપીયરે સરસ વાત કરેલી…તે વાત ગુજરાતીમાં…‘ પાગલ, પ્રેમી અને કવિ, ફક્ત કલ્પનાઓથી જ પરિપૂર્ણ હોય છે.‘ ગમી વાત ? કારણ કે સેક્સપીયરનાં ત્રણ પાત્રમાં અેક કવિ,/ લેખક છે….પ્રવિણ શાસ્ત્રી.
ભારતમાં કદાચ બોય ફ્રેન્ડ અને બેસ્ટફ્રેન્ડ વચચેની પાતળી રેખા દેખાતી હશે કે કેમ તેની મને સમજ નથી.
તમે સમાજમાં સામાજીક રહીને સમાજને સમજણના બોઘ આપ્યો છે.
ખુબ સરસ વાત કરી……અમેરિકન ગ્રાન્ડ ડોટરને મુખે શરુ કરીને….
હાર્દિક અભિનંદન.
ઘણી સ્ત્રીઓ તો કદાચ રડી પણ હશે….વાંચતાં વાચતાં……..
અમૃત હઝારી.
LikeLiked by 2 people
બહુ સરસ. બે કલ્ચરનો સમનવય ગમ્યો. સરસ વળાંક આપ્યો.
LikeLiked by 2 people