વિનોદ ભટ્ટઃ સ્વર્ગલોકમાં – આલેખનઃ રમેશ તન્ના

વિનોદ ભટ્ટ

સ્વ શ્રી વિનોદ ભટ્ટ

શ્રી ઉત્તમ ગજ્જરના ઈ-મેઈલમાંથી સાંપડેલું.

વિનોદ ભટ્ટઃ સ્વર્ગલોકમાં – આલેખનઃ રમેશ તન્ના

 

 

મીત્ર શ્રી પરભુભાઈ મીસ્ત્રીએ મોકલેલો વૉટસેપ… સાભાર..ઉ.મ..

આલેખનઃ રમેશ તન્ના

ગઈ કાલે યમરાજ પોતે વિનોદ ભટ્ટને લેવા આવ્યા. તેમના નિવાસસ્થાને પહોંચ્યા. મનોમન બોલ્યા, ઘોર કળિયુગમાં આ માણસ ‘ધર્મયુગ’માં રહે છે. કમાલનો માણસ લાગે છે !

વિનોદભટ્ટ તો જવા તૈયાર જ હતા. યમરાજાએ ધર્મયુગ કોલોની બહાર પાડો પાર્ક કરેલો. બન્ને ચાલતા ચાલતા સોસાયટીના ઝાંપે આવ્યા.

વિનોદ ભટ્ટ સોસાયટીના મુખ્ય ઝાંપે પાછા ફરીને ઊભા રહ્યા. પોતાનું ઘર, સોસાયટીની શેરી, અન્ય બંગલાઓ જોતા રહ્યા.

યમરાજા બોલ્યાઃ રહેવું છે હજી થોડાં વર્ષ ?

ના, ભઇલા ના, હવે બહું થયું, કૈલાસ ગઇ, હમણાં નલિની ગઇ, તેમને મળવાની ઉતાવળ છે. જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાનેય મળવું છે. અને જો યમરાજભાઈ, અહીં આમેય બધુ સેટ થઇ ગયું છે. નવા હાસ્યલેખકો પણ ઉત્તમ લખતા થઈ ગયા છે. તેમના માટે પણ જગ્યા કરવી પડે. પછી વિનોદભાઇ કહે,” ચાલો, તમતમારે… આપણે રેડી છીએ.”

યમરાજા કહે, ઊભા રહો, માવો ખાઇ લઉં.

“હા, એ પહેલું હો.. માવો ખાધા વિના વાહન ના ચલાવી શકાય, તો તમારે તો આવડો મોટો પાડો ચલાવવાનો છે. બાય ધ વે, હમણાં સૌરાષ્ટ્ર બાજુ કામ બહું રહેતું લાગે છે.”

યમરાજા આંખો પહોળી કરીને કહે, અરે, તમને કેવી રીતે ખબર પડી.

” ખબર તો પડી જ જાય ને. આ માવાની લત ત્યાંથી જ લાગે, અને તમારા દાંત પણ લાલ થઇ ગયા છે. આ તમારા પાડાને નથી ખવડાવતા ને ! ”

યમરાજા હસી પડ્યા, ના, ના, પાડો તો નિર્વ્યસની છે. લીલા ઘાસ વિના બીજું કશું ખાતો નથી. વિનોદભાઈ કહે, અમારા દેશના રાજકારણમાં દાખલ કરી દો, બધુ ખાતો થઈ જશે.

એયને પછી તો વિનોદ ભટ્ટ પાડા પર, યમરાજાની પાછળ બેસીને પહોંચ્ચા યમલોકમાં. યમરાજાએ વિનોદ ભટ્ટને ચિત્રગુપ્તને  સોંપતાં કહ્યું- આમનો હિસાબ-કિતાબ કરીને જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલી દેજો.

*

ચિત્રગુપ્તે મોટો ચોપડો કાઢ્યો.

પૂછ્યું, નામ ?

“વિનોદ”

“કેવા ? ”

“એવા રે અમે એવા”

“એમ નહીં, જ્ઞાતિએ કેવા ?”

” અહીં પણ લોકશાહી છે? અહીં પણ જ્ઞાતિવાદ ચાલે છે? ”

“ભાઇ, આખું નામ તો કહેવું પડે ને ! પૃથ્વીલોકમાં વિનોદ કુલ 67,583 છે.”

“વિનોદ ભટ્ટ હસીને કહે છે, હવે 67,582 થઈ ગયા. મારું આખું નામ વિનોદ ભટ્ટ.”

ચિત્રગુપ્તે ચોપડો ફંફોસવા માંડ્યો.

બોલ્યો,” હિસાબમાં તો કિતાબો જ કિતાબો છે. આટલું બધું લખ્યું છે ?”

“વધારે લખાઇ ગયું છે? ઓછું લખે એને જ સ્વર્ગ લોક મળે એવી કોઈ યોજના છે ?”

ચિત્રગુપ્ત થોડો અકડાયો, વિનોદભાઇ, જે ઓછું કે વધુ નહીં, પણ ઉત્તમ લખે તેને સ્વર્ગ લોક મળે. ફેસબુક પર લખે એના માટે કડક ધોરણો છે. બાય ધ વે, તમે તો લોકોને બહુ હસાવ્યા છે.”

“વિનોદ ભટ્ટે ચિત્રગુપ્તના ખભા પર હાથ મૂકીને કહ્યું, જો દોસ્ત, લખવાનું કામ આપણું, હસવાનું કામ વાચકોનું.”

ચિત્રગુપ્ત ગળગળો થઇ ગયાઃ સાહેબ, મેં પણ તમને બહુ વાંચ્યા છે.

આંખ મીંચકારીને વિનોદભાઈ કહે તો પછી હિસાબકિતાબમાં થોડું ધ્યાન રાખજો.

સાહેબ, તમારા જેવા હાસ્યવિદ્ સ્વર્ગલોકમાં આવે એ તો તેના ફાયદામાં છે. હાસ્ય વગરનું તો સ્વર્ગ પણ નકામું છે.

અચ્છા તો તું ગુણવંત શાહને પણ વાંચે છે એમ ને.. પણ એમને લાવવાની ઉતાવળ ના કરતો. દિવ્ય ભાસ્કરમાં એક સાથે બે કોલમો બંધ થાય તો તેમને તકલીફ પડે.

સાહેબ, આ બધુ તમારે ઉપર, યમરાજાને કહેવું પડે. હું તો હિસાબનો માણસ. પૃથ્વીલોક પર જેવું કરો તેવું અહીં ભરો.  ચિત્રગુપ્ત (પોતાના) નાક પર આંગળી મૂકીને કહે છે હવે વિનોદભાઈ થોડી વાર મનમોહનસિંહ થઈ જજો. હું તમારો હિસાબ જોઈને તમને તમારું નવું સરનામું ફાળવી દઉં.

ચિત્રગુપ્તને વિનોદભટ્ટનાં હિસાબ કરતાં વાર લાગી એટલે વિનોદભાઇ કહે, તમે યાર, હજી આ ચોપડા છોડતા નથી. કોમ્ય્યુટર લાવી દો ને… બધું ઓનલાઇન કરી નાખો.

ચિત્રગુપ્તે ચશ્માં સરખાં કરતાં કહ્યું,”જીવભાઈ, એ માટે અનેક મિટિંગો થઇ ગઇ છે. ઠરાવો પાસ થઇ ગયા છે, પણ છેવટે એવું નક્કી થયું છે કે મોદી અહીં આવશે ત્યારે એ જ બધું કરશે, આપણે ખોટી મહેનત કરવી.”

વિનોદ ભટ્ટ હસતાં હસતાં કહે,”એ અહીં આવવાને બદલે તમને ત્યાં ના બોલાવી લે એનું ધ્યાન રાખજો…હવે મારો વિભાગ મને ફાળવી દો…

ચિત્રગુપ્ત હસતાં હસતાં કહે,” નર્કમાં જવું છે કે સ્વર્ગમાં ?”

વારાફરતી બન્નેનો અનુભવ કરી શકાય તેવું કોઇ પેકેજ નથી ?

“ના, અહીં અકાદમી-પરિષદ જેવું ના હોય. અહીં તો કોઇ એકમાં જ જવું પડે. તમારાં હાસ્યકર્મોને આધારે તમે સ્વર્ગલોકમાં જઇ શકો તેમ છો”

“તો ભઇલા, ત્યાં લઇ લે. મારો કોલમ લખવાનો સમય જતો રહેશે તો ‘દિવ્યભાસ્કર’માંથી સંપાદક ફોન કરી કરીને માથું ખાઇ જશે.”

“તમે કહેતા હોય તો, તેમને અહીં બોલાવી લઇએ.”

“ના, ના. ”

બન્ને જણ વાતો કરતા હોય છે ત્યારે ચિત્રગુપ્ત પર વોટ્સએપ મેસેજ આવે છે. મેસેજ વાંચીને તે વિનોદભાઇને કહે છે,”તમને જ્યોતિન્દ્ર દવે વગેરે યાદ કરે છે, જાઓ, સ્વર્ગલોકમાં સિધાવો.”

*

ચાર-પાંચ સૂરજ એક સાથે ઉગ્યા હોય એવું અજવાળું છે, લતાઓ અને વનલતાઓ, અનેક પ્રકારના છોડ, નાનાં-નાનાં પ્રકારનાં પુષ્પો, ફૂલ-ઝાડથી વાતાવરણ છલકાઇ રહ્યું છે. સુંદર અપ્સરાઓ ડીજેના તાલે નૃત્ય કરી રહી છે. ના ઓળખી શકાય તેવા એક સુંદર વૃક્ષ નીચે જ્યોતિન્દ્ર દવે આરામ ખુરશી પર સૂતા છે, તેમની બાજુમાં બકુલ ત્રિપાઠી અરધા બેઠા અને અરધા સૂતા છે, તારક મહેતા પાન ખાતાં ખાતાં ઝાડની ડાળી પર લગાડેલા હીંચકા પર ઝૂલી રહ્યા છે.

          “આવો, વિનોદ આવો,” જ્યોતિન્દ્ર દવેએ વિનોદ ભટ્ટને આવકાર્યા.

         બધાંને વંદન. તમને બધાને એકસાથે આ રીતે સ્વર્ગલોકમાં મળીને આનંદ થયો. વિનોદ ભટ્ કહે છે.

          ” અહીં આવીને તમે યુનિયન કરી નાખ્યું છે? વિનોદ ભટ્ટે તારક મહેતાની બાજુમાં સ્થાન લેતાં પૂછ્યું.”

“નર્કમાં સ્વર્ગનો અને સ્વર્ગમાં પણ નર્કનો અનુભવ કરી શકાય એટલે સંચાલકોએ અમને હાસ્ય લેખકોને એક સાથે રાખ્યા છે.” જ્યોતિન્દ્ર દવે બોલ્યા.

 “વિનોદ, તમે બહું સૂકાઇ ગયા લાગો  છો ? ” બકુલ ત્રિપાઠીએ વિનોદભાઇના દેહ પર નજર કરતાં કહ્યું.

          “બકુલભાઇ, સૂકાઇ ગયો એટલે તો અહીં આવ્યો, નહીંતર તો પૃથ્વીલોક પર જ ના રહેત ? પણ તમારી હાઈટ અહીં સ્વર્ગમાં પણ ના વધી હો બકુલભાઈ”

વચ્ચે થોડી વધી હતી, પણ પછી તમે અહીં આવવાના હતા એટલે ઓછી કરી નાખી.. બકુલ ત્રિપાઠીએ હસતાં હસતાં જવાબ આપ્યો.

તારક મહેતાએ વિનોદ ભટ્ટના ખભા પર હાથ મૂકી કહ્યું,” સારું થયું તમે અમારી સાથે આવી ગયા. મજા આવશે હવે…!”

          “તે અહીં સ્વર્ગમાં મજા લેવી પડે છે ? અહીં તો પરમેનેન્ટ મજા નથી હોતી ?”

“પહેલા એવું હતું, પણ ટીવીનાં કનેકન્શન લીધા પછી સ્થિતિ બદલાઇ છે.” જ્યોતિન્દ્રભાઇ બોલ્યા.

તારક મહેતા કહે, બોરીસાગર કેમ છે ?

          “એકદમ મજામાં છે. તેમના નામે સાવરકુંડલામાં હોસ્પિટલ થઇ છે ત્યારથી તેમની તબિયત ફૂલગુલાબી રહે છે. ડોક્ટર રમેશ કાપડિયાએ શીખવાડેલું શવાસન દરરોજ 30 મિનિટ કરીને યમરાજાને દૂર રાખે છે. હમણાં 30-35 વર્ષ અહીં આવે તેમ લાગતું નથી!” વિનોદભાઇએ જવાબ આપ્યો.

એકાદો સારો હાસ્યલેખક તો ત્યાં રાખવો જોઈએ. જ્યોતિન્દ્ર બોલ્યા. પછી કહે, જોકે બીજા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. મધુસુદન પારેખ, અશોક દવે, શાહબુદીન રાઠોડ, નિરંજન ત્રિવેદી, લલિત લાડ, ઉર્વિશ કોઠારી, અક્ષય અંતાણી, ડો. નલિની ગણાત્રા, જગદીશ ત્રિવેદી, મંગલ દેસાઈ આ બધા લખી રહ્યા છે.

જ્યોતિન્દ્ર દવે બોલ્યા, તમે મારા કરતાં પૃથ્વી પર બે વર્ષ વધારે રહ્યા. હું 78એ અહીં આવ્યો હતો તમે એંશીએ આવ્યા. આ તારક મહેતા 87માં વર્ષે આવ્યા હતા. બકુલ ત્રિપાઠી 77મેં આવ્યા. મધુસુધન પારેખ 85 વર્ષે હજી જામેલા છે, આમ તો રતિલાલ બોરીસાગરને 80 થઇ ગયાં છે; પણ એ બન્ને શતાયુ થાય તેવી શક્યતા છે.

” ના, ના, બધા હાસ્યલેખકો અહીં ભેગા થાય એ ઉચિત ના કહેવાય, થોડાને ત્યાં પણ રહેવા દો” બકુલ ત્રિપાઠી બોલ્યા.

ત્યાં  એક છોકરો દોડતો-દોડતો આવ્યો, વિનોદ ભટ્ટ કોઈ કૈલાસબહેન અને નલિનીબહેન તમને યાદ કરે છે.

વિનોદ ભટ્ટ ઊભા થાય છે, ઉતાવળે પગલે જતાં જતાં બોલે છે, ઘણાં વર્ષે બન્નેને એકસાથે મળીશ.

———————————————————–

{પોઝિટિવ મિડિયા માટે આલેખન.. રમેશ તન્ના 9824034475.)

વિનોદભાઈના અવસાનના સમાચારથી દુ:થી થવું કે એમની અંજલિ રૂપે આવતા સમાચારો-લેખોથી હસતા રહેવું એ દ્વિધા છે. પ્રભુ એમના આત્માને શાન્તિ અર્પે.

..ઉ.મ..

***************************************

                                                                        -અંકિત ત્રિવેદી

                          કેટલાક લખે ત્યારે કાગળનું નથી વિચારતાં…! કેટલાક લખે ત્યારે કાગળનું પણ વિચારે છે…! કેટલાક લખે ત્યારે પેન કાગળને ભોંકાતી હોય છે. કેટલાક લખે ત્યારે કાગળને પોતાની પેન પંપાળતી હોય છે. કેટલાક લખે ત્યારે કોરા કાગળનું અકાળે મોત થયેલું લાગે ! કેટલાક લખે ત્યારે કાગળનો મોક્ષ થઈ જાય… વળી, કેટલાક કાગળની નારણબલી કરતાં હોય એમ લખે…! અને કેટલાક કાગળને અશોકનાં શિલાલેખ જેવી શાશ્વતી સમયનાં અક્ષરોને ઉકેલીને આપે…! એમની ભાષા સમાજનું દૂરબીન લાગે..! વિનોદ ભટ્ટ આમાંનું એક નામ…! નામ પ્રમાણેના ગુણો અને અટક પ્રમાણેનું બ્રાહ્મણપણું…! જ્યોતીન્દ્ર દવે, તારક મહેતા પછીની પેઢીનું બહુ મોટા કેનવાસ પર હાસ્યનું ચિત્રકામ કરી જાણ્યું છે. અત્યારે હાસ્ય પર ફાવટ એવી કે ડાબા હાથે લખે…! (એમને જમણા હાથમાં દૂ:ખાવાને કારણે ખરેખર ડાબા હાથથી લખે છે.) એમનું હાસ્ય જેટલું તરત સમજાય એટ્લે એમનાં અક્ષર ના વંચાય..! એ હાજરી અને ગેરહાજરી બંનેમાં વર્તાયા વિના રહે જ નહીં…! 
                          સુરેશ દલાલની વિદાય પછી બહુ ઓછા સર્જકોને સામેથી ફોન કરવાનું ગમે છે. વિનોદ ભટ્ટ એમાંના એક અને અનન્ય. પુષ્કળ કાર્યક્રમો એમની સાથે કર્યા છે… અમદાવાદથી અમેરિકા સુધી… એવું કહેવું હોય તો કહી શકાય કે સંગીતનાં કાર્યક્રમો સહુથી વધારે પુરુસોત્તમ ઊપાધ્યાય જોડે કર્યા છે અને એ પછી સાહિત્યનાં કાર્યક્રમોમાં સુરેશ દલાલ પછી વિનોદ ભટ્ટ જ આવે…!  
                          એકવાર મેં એમને અમસ્તાં જ પૂછેલું કે, ‘ વિ.જ.ભ. ( વિનોદચંદ્ર જશવંતલાલ ભટ્ટ આખું નામ એમનું આ છે પરંતુ એમના મતે એમના સસરા પછી વિ.જ.ભ.ના નામે હું એકલો જ બોલાવું છું. ) હું તમારાં દરેક કાર્યક્રમમાં આવું છું. તમે મારા કાર્યક્રમમાં કેમ નથી આવતાં ?’ એમણે કહ્યું : એક વાત સાંભળી લે. તું મારા બેસણાંમાં આવે એનો મતલબ એવો નહીં કે મારે પણ તારા બેસણાંમાં આવવાનું…!’ – આટલો બે-ધબકારા વચ્ચેનાં અંતર વગરનો સહજ હાસ્યસભર જવાબ કોણ આપી શકે
                           એટ્લે જ વિનોદ ભટ્ટ કહી શકે છે કે મને મૃત્યુની બીક લાગે છે કારણકે મને જીવનની પડી છે.માંદગી એમને માટે અવારનવાર આવતી એકાદશી જેવી છે. ઉંમરને કારણે ઘણીવાર ખબર કાઢવા આવતાં મહેમાનની જેમ આવે અને ઘરધણી બનીને રોકાઈ પણ જાય…! તો ય એમનો તોર એવો ને એવો અકબંધ…! જેટલું જીવ્યા છે અને જીવે છે એનું ગુમાન વિવેકી લાગે…! જિંદગી એટલી બધી વ્હાલી જેમ ડાયાબિટીસના દર્દીને મીઠાઇ વ્હાલી ! આ દિવાળીમાં ડાયાબિટીસ હોવા છતાં હવે આવતી દિવાળી નહીં હોય એમ માનીને મીઠાઇ ઉપર જીભને ઝંપલાવી…! અને માંદા પડ્યા તો ય ઘરે રહીને માંદગીને પ્રેમ કર્યો… વિનોદ ભટ્ટ માને બધાનું (યોગ્યતા અનુસાર ) પણ કોઈ સલાહ આપે તો જરા વસમું લાગે…! સાહિત્યમાં હાસ્યની સ્થિતિ જેવું… આ જ માણસ કહી શકે કે માંદગી હોય ત્યારે બધા જ સલાહ આપે છે. જાણે ઢળતી ઉંમરે સલાહનું ટ્યુશન લેતો હોઉં એવું લાગે છે…! 
                           હાસ્યની ઊપાસના કરનારાં આ સાધક જીવને ક્યારેય ઉદાસ થતાં નથી જોયાં… ! ગુસ્સે થતાં જોયાં છે. એ ગુસ્સો ક્ષણવારનો હોય પણ વાજબી હોય. એમના ગમા અને અણગમાં સ્પષ્ટ છે. એ પોતે જ કહે છે કે જેટલું ધોધમાર જીવ્યો છું એટલું ધોધમાર ફરી જીવવા ન મળે તેનો સ્હેજ પણ અફસોસ નથી…! મૃત્યુને થોડાં સમયથી એમણે ભાઈબંધ બનાવ્યો છે. એટ્લે જીવવામાં રસ વધારે પડે છે. એમની પત્નીનાં હાથ નીચે ભણેલાં ડોક્ટરો પર એમને વધારે વિશ્વાસ છે, કારણકે એ પોતે પણ એમની પત્નીને માસ્તરકહીને જ સંબોધે છે… 
                           આટઆટલાં પુસ્તકો, ભરચક કાર્યક્રમો અને ધોધમાર લોકોને મળ્યા પછી તાજા ગુલાબની સુગંધ જેવું હાસ્ય એટ્લે વિનોદ ભટ્ટ…! એમને યાદ એટ્લે કર્યા કે આ લેખ એ વાંચે અને નવી પેઢીના લેખકો-વાચકો એમનામાંથી માત્ર ને માત્ર હસતાં શીખે…! નિર્દોષ હાસ્ય ઈશ્વરની ગેરહાજરીને સભર કરી આપે છે… બાકી આ એ જ વિનોદ ભટ્ટ છે જે બોલતા હોય અને બાજુમાં પદ્મશ્રી ગુણવંત શાહ બેઠાં હોય ત્યારે ઓડિયન્સની વચ્ચે માઈકમાં ગુણવંત શાહને એમ કહે કે ગુણવંતભાઈ હું બોલું છું તો બોર નથી થતાં ને ?” ગુણવંત શાહ નાપડે પછી વિનોદ ભટ્ટ એટલું જ બોલે કે, ‘ જો બોર થતાં હોવ તો જામફળ લાવીએ…!ત્વરીત હાસ્યનો તરવરાટ વિનોદ ભટ્ટનો વિશેષ છે… ગુજરાતી હાસ્ય વિનોદ ભટ્ટથી સવિશેષ છે… 

ઓન ધ બીટ્સ 

 “ઘણા પુરુષોને એવી પત્ની જોઈએ છે કે ઘરરખ્હુ હોય, રૂપાળી હોય, કરકસરિયણ હોય અને ફક્કડ રસોઇયણ હોય… કમભાગ્યે કાયદો એક કરતાં વધારે પત્ની કરવાની છૂટ આપતો નથી…”                    

                                                                        –વિનોદ ભટ્ટ.

 

3 responses to “વિનોદ ભટ્ટઃ સ્વર્ગલોકમાં – આલેખનઃ રમેશ તન્ના

 1. મનસુખલાલ ગાંધી July 18, 2018 at 6:36 PM

  હાસ્ય સમ્રાટ સ્વ. વિનોદ ભટ્ટ ને હાર્દિક શ્રધાંજલિ

  Liked by 1 person

 2. pragnaju May 27, 2018 at 5:05 PM

  હાસ્ય સમ્રાટ સ્વ. વિનોદ ભટ્ટ ને હાર્દિક શ્રધાંજલિ

  Liked by 1 person

 3. Vinod R. Patel May 26, 2018 at 1:40 PM

  વિનોદ ભટ્ટ જ્યાં પણ જાય ત્યાં હાસ્યની મહેફિલ સાથે લેતા જાય છે. સ્વર્ગમાં ખમતીધર હાસ્ય લેખકો ભેગા થાય ત્યારે સ્વર્ગની જે ખામી હોય એ પુરાઈ જાય છે.સ્વર્ગ ખરેખર સ્વર્ગ બની જાય છે. જ્યાં હાસ્ય છે ત્યાં જ સ્વર્ગ છે.

  શ્રી રમેશ તન્નાએ વિનોદ ભટ્ટ ની હાસ્ય શૈલીમાં જ એમને સુંદર શ્રધાંજલિ આપી છે એ માટે એમને ધન્યવાદ ઘટે છે.

  હાસ્ય સમ્રાટ સ્વ. વિનોદ ભટ્ટ ને વિનોદ પટેલની હાર્દિક શ્રધાંજલિ

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: