વાત-વાસંતીબાની

વાત-વાસંતીબાની

વાસંતીબા

ચોવીસ વર્ષની ઉમ્મરે અંકિત પંડ્યા સાથે લગ્ન કરીને અમેરિકા આવેલી કોલેજની આસિસ્ટન પ્રોફેસર વાસંતી; આજે સાઠ વર્ષ પછી ચોર્યાસી વર્ષની ઉમ્મરે, બેડ પર ટુંટીયું વાળીને પડ્યા છે.

બેડ પાસે જ કમોડ છે. બેડ સાઈડ ટેબલ પર દવાઓની બોટલ્સના ઢગલાઓ છે. એક ડિશમાં કઈ ખાવાનું પડ્યું છે. કદાચ વાસંતીબા એ ન ખાધું હોય. ખૂણામાં વ્હિલચેર છે. જરૂર પડ્યે ઓક્સિજનનું મશીન પણ છે. દિવાલ પર એક ટીવી છે. ચોવીસ કલાક મ્યુટ ટીવી ચાલુ જ હોય છે.

આમ જૂઓતો હોસ્પિટલમાં મળતી બધી જ સુવિધાઓ છે. શું નથી? સવારે ચાર કલાક માટે નર્સિંગ એઇડ આવે છે. ડાયપર બદલે છે, સ્પંજ બાથ કરે છે. દર અઠવાડિયે એકવાર પ્રેક્ટિશનર નર્સ આવે છે. જો કે પાંચ દિવસથી નર્સિંગઍઇડ આવી નથી.

બા એના દીકરા શુભમને ત્યાં છે. ધરતો પોતાનું જ છે;… ના હતું. દીકરાને લગ્ન પછી આપી દીધું હતું. હવે એ ઘર દીકરાનું છે. સમાજમાં દીકરાના ગુણગાન ગવાય છે.દીકરા વહુ માની કાળજી રાખે છે. વહુની પણ ખૂબ જ પ્રસંશા થાય છે. વૃદ્ધ સાસુને નર્સિંગ હોમમાં ઢકેલવાને બદલે ઘરમાં જ એમની સેવા કરે છે. બા નસીબદાર છે.

નહિ…

બા નસીબદાર નથી. …..એક સમયે બા નસીબદાર હતાં.

અંકિત પંડ્યા, સિવિલ ઇન્જિનિયર તરીકે અમેરિકા આવ્યા હતા. શરૂઆતમાં નસીબે સાથ ન આપ્યો. એના ભણતર પ્રમાણેની નોકરી તો ન મળી, પણ એક કેમિકલ ફેકટરીમાં ઓપરેટરની નોકરી મળી.અને ધીમે ધીમે પોતાની ખંતથી જ આગળ વધ્યા અને ઓપરેટરમાંથી મિકેનિકલ ઇન્જિનિયર થયા. મેનેજર થયા અને કંપનીના વાઈસ પ્રેસિડન્ટ પણ થયા. વાસંતીબેનને પણ ઓફિસની નોકરી મળી. સુખી હતા. સંતાન સુખ ન હતું પણ મોડી અને મોટી ઉમ્મરે મેડિકલ મદદ અને અનેક માનતાઓ ફળતાં. સુંદર દેખાવના પુત્ર શુભમ નો જન્મ થયો. બન્નેની આવક  ધરખમ હતી પણ કરકસરીયો જીવ, દીકરા માટે અને પોતાના ઘડપણ માટે બચાવવા માંડ્યું. એક સરસ મકાન પણ બંધાવ્યું. ભગવાને એક આપ્યો છે. હવે બીજા સંતાનની શક્યતા નથી. બસ; વન ઈઝ ફન.

દીકરો શુભમ પણ માયાળુ હતો. લાડ પ્રેમ માં ઉછર્યો. ભણી ને એક ઈન્ટર્નેશનલ કંપનીમાં કન્સલ્ટનની જોબ પણ મળી. દીકરાને ભારત લઈ જઈ પરણાવ્યો. વાસંતીબેનના જીવનની પહેલી અને મોટી ભૂલ હતી. દીકરાને અમેરિકન ગર્લફ્રેન્ડ હતી. આ કલ્ચર અને ધર્મ મારા ઘરમાં ન ચાલે. એકનો એક દીકરો જૂદો થઈ જાય તે કેમ પોસાય? આજુબાજુના પરિવારમાં શું થઈ રહ્યું તે જાણવા જોયાં છતાં અમેરિકામાં જન્મેલા શુભમને ભારતીય સંસકૃતિના ઢાળમાં ઢાળવાનો આગ્રહ રાખ્યો. દીકરો છેવટે માની ગયો. દેશમાંથી મોટા વકીલ પરિવારની એક છોકરી સાથે માત્ર દશ મિનિટના ઈન્ટર્વ્યુમાં દીકરાએ એની એક્ષને પણ ટક્કર મારે એવી રૂપાળી નીલાને પસંદ કરી અને લગ્ન થઈ ગયા. વહુ આવી. ઓવારણાં આરતિ ઉતારાઈ. એક જ વર્ષમાં અંકિત અને વાસંતિ બેન રિટાયર થયા. ભૂરી આંખવાળી નીલાનું અમેરિકાનું સ્વપનું કંઈક જૂદું જ હતું. સાસુ વહુ વચ્ચે સ્વભાવનો મેળ ન બેઠો. સાસુ-વહુ વચ્ચે અપેક્ષાઓની વણબોલાયલું માનસિક શીત યુદ્ધ શરૂ થયું.

અંકિત મૂગે મોઢે જોતા રહ્યા. દીકરા સાથે થોડી આર્થિક-વ્યાહવારિક વાત કરી. બાપ દીકરા પરિસ્થિતિ સમજતા હતાં. વાસંતીબેનની બર્થડે પાર્ટિ પછી વાત કરી કે મેં ફ્લોરિડાની એડલ્ટ કોમ્યુનિટીમાં એક સરસ ફ્લેટ રાખ્યો છે. ખૂબ કચવાટ સાથે વાસંતીબેન ગયા. નીલાને જે જોઈતું હતું તે મળી ગયું.

થોડા બળાપા પછી વાસંતીબેને પણ મન મનાવી લીધું. કોઈ આર્થિક ચિંતા હતી નહીં, બન્ને સો વર્ષ જીવે ત્યાં સૂધી ચાલે એટલું રિટાયર ફંડમાં બચાવ્યું હતું. અંકિત વાસંતીનું નવું જીવન શરૂ થયું. પુત્રનો સંસાર પણ સુખી હતો.

 પુત્રવધૂ પ્રેગ્નન્ટ થઈ. હરખધેલા વાસંતી બહેને કહ્યું કે ચાલો આપણે શુભમ પાસે જઈએ. એને આપણી જરૂર છે. જીદ કરીને ત્યાં જવાનું વિચાર્યું પણ પછી ખબર પડી કે નીલાએતો એના નિવૃત્ત માબાપને બોલાવી લીધા છે. દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો. પૌત્રને રમાડીશું આપણે એની સાથે રમીશું. ક્યાં પારકું ઘર છે? આપણું જ છેને? પોતાને ધેર ગયાં. પણ આવ નહિ, આવકાર નહિ, આદર નહિ. વેવાઈ વેવણનું જ ચલણ. માત્ર પંદર દિવસમાં જ ફ્લોરિડા પાછા વળ્યા. મહાપરાણે મન વાળી લીધું.

દીકરો એના પ્રોફેશનમાં આગળ વધતો હતો. અવાર નવાર બિઝનેશ અંગે ફ્લોરિડા આવવાનું થતું. ડેડી મમ્મીને મળતો. કોઈકવાર રાત રોકાતો અને મમ્મીના હાથની ભાવતી રસોઈ જમી લેતો. અંકિતભાઈને નવા અમેરિકન મિત્રો મળી ગયા હતા. અઠવાડિયામાં બે દિવસ ગોલ્ફ રમવા જતા હતાં. શુક્ર શની સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં હાજરી આપતા. રવિવારની સાંજ કોઈક મંદીરમાં વિતતી. વાસંતી બહેને કોમ્પ્યુટર પર સોસિયલાઈઝેશન શરૂ કરી દીધું. ઘણાં બધા વર્ચ્યુલ ફ્રેન્ડ્સના સુખમાં નીલાવહુ પણ ભૂલાઈ ગઈ. ન જોયલા જાણેલા યુવાન યુવતીના માનિતા બા બની ગયા હતા. મૂળતો કોલેજના પ્રોફેસર. ઈલેક્ટ્રોનિક મિડિયા દ્વારા એક સાહિત્યકાર તરીકે છવાઈ ગયા. રાત્રે પતિ-પત્ની સાથે ટીવી જોતાં. જે સુખ યુવાનીમાં નહોતું ભોગવ્યું તે નિવૃત્તિના વર્ષોમાં માણવા મળ્યું. પ્રવાસો કર્યા. હરા-ફર્યા. પુત્રની વયના જ વર્ચ્યુઅલ મિત્રો પોતાના બાળકો સાથે ડિઝનીલેન્ડ આવતા એઓ બે ત્રણ રાત વાસંતીબાને ત્યાં જ રહેતાં પણ ખરા. અને વાસ્તવિક સ્નેહિઓ બની જતાં. જીંદગી પ્રત્યે કોઈ જ અસંતોષ ન હતો. માત્ર એક ખૂણો ખાલી ખાલી લાગતો. નીલા એના મા બાપ અને બાળકો સાથે ફ્લોરિડા આવતી પણ, મળવા માટે સમય ન હતો. અંકિતભાઈને તો કોઈ જ વસવસો ન હતો. પુખ્ત સંતાનનું પોતાનું કુટુંબજીવન હોય. પુત્ર શુભમ સાથે મિત્ર હોય એ રીતે જ પોતાની ગોલ્ફ અને સ્પોર્ટ્સની વાત થતી. વાસ્તવિકતા એટલી હદે સહજ થઈ ગઈ હતી કે કુટુંબની વાતમાં માત્ર એટલું પૂછતા, હાઉ ઇસ ધ ફેમિલી? બસ પતી ગયું. પુત્ર સુખી હતો એ જ પુરતું હતું. પણ વાસંતીબેન આખરે તો સ્ત્રી હતી. યુવાનીમાં જે પારિવારિક સુખના સ્વપ્ના જોયા હતા તે નહોતા ફળ્યા. કોઈકવાર બે ચાર આંસુ પડી જતાં. દીકરાને સમજાવી પટાવીને ઈન્ડિયામાંથી વહુ લઈ આવ્યા હતા. પણ જમાનો બદલાઈ ગયો હતો. એને વહુ સાથે પ્રેમાળ સંબંધ ન જળવાયો તેનું દુઃખ અને અજંપો સતાવતો રહ્યો હતો. બસ એકલા એકલા રડી લેતા. બાકી કોઈ જ દુઃખ ન હતું.

વર્ષો વિતતા ગયા. પતિ પત્ની દેહપર ઉમરની અસર વર્તાતી હતી. વાસંતીબાને એલ્ઝાઈમરની અસર થવા માંડી હતી. અંકિતભાઈ બને તેટલી કાળજી રાખતા. પણ ધીમે ધીમે રોગ વધતો જ ગયો. બધું જ બદલાઈ ગયું.

….એક દિવસ ગોલ્ફકોર્સ પર અંકિતભાઈને માસીવ એટેક આવ્યો અને એમણે એનું જીવન સંકેલી લીધું. શુભમ આવ્યો. ડેડીનું ડેડ બોડી અને મમ્મીને પોતાને ત્યાં લઈ આવ્યો. યોગ્ય રીતે ફ્યુનરલ અને ધાર્મિક વિધીઓ પણ થઈ. ફ્યુનરલ હોમમાં નીલા વાસંતી બાને વળગી વળગી ને ખૂબ જ રડી હતી.

વાસંતીબાનું શું?

શુભમ નીલા અને બાના સંબંધોની કેમેસ્ટ્રિ સમજતો હતો. ઘરની અને બાની હાલત બરાબર સમજતો હતો. એણે બાને નર્સિંગહોમમાં મૂકવાનો વિચાર કર્યો. નીલાની મમ્મી વકીલ પરિવારની હતી. એણે દીકરીને ખાનગીમાં આર્થિક ગણત્રીઓ સમજાવી. જો તારી સાસુ કાંઈ મેડિકેઇડ વેલ્ફેરની ડોસી નથી. સાસુસરાએ સારો ડલ્લો ભેગો કર્યો છે. જે બચશે તે બધું તમારું જ છે. નર્સિંગ હોમના વર્ષે એક લાખ થશે. તમે ધોવાઈ જશો. ડોસીને ઘરમાં જ રાખ. શુભમ ને કહી દે, બાને પાંજરાપોળમાં નથી મોકલવા. બાની સેવા હું કરીશ.

બાને માટે બેઝમેન્ટમાં એક રૂમ તૈયાર થઈ ગયો. મેડિકેરમાંથી જે જે સગવડ મળે તે મેળવી લેવાઈ ગઈ. બાની યાદ અને ઓળખ શક્તિ ક્ષીણ થતી ગઈ. ધીમે ધીમે પોતાના દીકરાને પણ ઓળખવાનું ભૂલી ગયા. શુભમ ઈન્ટરનેશનલ કન્સલ્ટન્ટ બની ગયો હતો. એક સાથે દશબાર દિવસ પરદેશ રહેવાનું થતું. જ્યારે જ્યારે ઘરમાં હોય ત્યારે બા સાથે બેસતો, અબુધ થયેલી માના માથાપર હાથ ફેરવતો. વહુ નીલાને ચાર પગથીયાં ઉતરીને બેઝમેન્ટ રૂમમાં જવાની ફૂરસદ ન હતી. પણ કોઈ મહેમાન ખબર કાઢવા આવતું તો નીલા પોતે બાની કેવી કેવી કાળજી રાખે છે એની આત્મ પ્રસંશાની વાતો કરતી.

સારવાર માટે આવતી નર્સિંગએઇડ. એક વીકના વેકેશન પર જવાની હતી. સબટિટ્યુડ રિપ્લેસમેન્ટની તકલિફ હતી. કદાચ એક બે દિવસ ફેમિલી મેમ્બરેજ સગવડ કરવી પડે એમ હતું. નીલાએ કહી દીધું કે ડોન્ટ વરી, વી વીલ મેનેજ. બે દિવસ તો કાળજી રખાઈ. શુભમ તો કંસલ્ટિંગ ટૂરમાં હતો. નિલાને બહેનપણીના દીકરાના લ્ગ્ન પ્રસંગમાં જવાનું હતું. તેમાં બા જેવું કોઈ પ્રાણી ઘરમાં છે એ તદ્દન ભૂલાઈ જ ગયું. ટેવ જ ન હતી ને. પાંચ દિવસ પછી શુભમ ટૂરમાંથી ઘેર આવ્યો. રાબેતા મુજબ બેઝ્મેન્ટમાં બાને મળવા ગયો. બા બેડ પર ટુંટીયું વાળીને પડ્યા છે.

‘મૉમ, હું આવી ગયો છું.” દીકરાએ બાના માથા પર હાથ મૂક્યો. ટૂંટીયુંવાળીને પડેલી માનો દેહ જક્કડ અને ઠંડોગાર હતો.

*****

શુભમને જીવનભર એક અફસોષ સતાવતો રહ્યો “મૉમ હોમ કેરને બદલે નર્સિંગહોમમાં હોત તો વધુ સુખ પામી હોત.

===================

ગુજરાત દર્પણ – જુન ૨૦૧૮

10 responses to “વાત-વાસંતીબાની

  1. pravinshastri July 8, 2018 at 10:58 PM

    આપના પ્રતિભાવોની હમેશા હું આતુરતા પૂર્વક રાહ જોતો હોઉં છું. દરેક વખતે મને કાયમ કંઈક નવું જ જાણવા સમજવાનું મળે છે. સમય સર ઉત્તર ન આપી બ્શક્યો તે ક્ષમ્ય ગણશો. આત્માષ્ટક મને ખૂબ ગમે છે.

    Like

  2. pravinshastri July 8, 2018 at 10:46 PM

    અમૃતભાઈ, આપનો પ્રતિભાવ સિનિયર્સ માટે ઘણો માર્ગ દર્શક છે. જેમની પાસે કરકસર કરીને બચાવેલું હોય તે વારસદારોને મળવાને બદલે નર્સિંગ હોમમાં ઘસડાઈ જાય એ ભયથી વારસદારો ને મળનાર વારસો અંતિમ દિવસોમાં નર્સિંગહોમમાં ખલવાઈ જાય. આપણે જ્યારે ઍરિસ્ટોકેરમાં ગયા હતા ત્યારે ઠાકર સાહેબ સાથે પણ મારે આ જ વાત થઈ હતી. અને આજ વાતનો આંશિક ભાગ મને ફ્લોરિડાનાએક સ્નેહી પાસે જાણવા મળી.

    Like

  3. Amrut Hazari. July 8, 2018 at 9:23 AM

    પ્રવિણભાઇ,
    આ આર્ટીકલ ઉપર મોડેથી નજર પડી. કોમ્પ્યુટર બગડેલું હતું. ટાઇટલ છે , ‘ વાત…વાસંતીબાની.‘
    ાાઆ ‘ વાત‘ વાંચી.
    આ વાત નથી. ઘણાખરા અમેરિકાસ્થિત ભારતીય ઘરોની સત્ય હકીકત છે. ૨૧મી સદીમાં ભણેલા ગણેલા મા બાપ જ્યારે અમેરિકામાં ઘણા વરસોના અનુભવને , સામાજીક હકિકતોને અવગણીને સત્ય સાથે આંખમીચોલી રમે ત્યારે આજ પરિસ્થિતિ જન્મ લેતી હોય છે.
    ભૂલ વાસંતીબાની હતી. તમે તમારા શબ્દોમાં તે કહેલું જ છે. શુભમને અમેરિકન ગર્લફ્રેન્ડ હતી…અેનો અર્થ અે કે તે તેની ગર્લફ્રેન્ડને ખૂબ સારીરીતે જાણતો હતો અને પ્રેમ કરતો હતો. અને વાસંતીબાઅે શુભમની જીંદગીને ખોટો વળાંક આપ્યો.વાસંતીબાના. માતૃપ્રેમના વહેણમાં શુભમ તણાઇ ગયો. નીલા આવી. તેણે ‘ વહુ ‘ નો રોલ…ભજવ્યો. તે વહુ, દિકરી બનવા તૈયાર ન્હોતી. વઘુમાં તેના મા બાપે બળતામાં ઘી હોમ્યું.
    ખોટે રસ્તે જવાની શરુઆત વાસંતીબાઅે કરી. રસ્તો અજાણ પણ ન્હોતો. સમાજમાં આવા ઘણા દાખલાઓ હજરાજૂર હતાં અને નવા બનતા પણ હતાં.
    બન્ને વડીલો પ્રેમના વહેણમાં પોતાની મેચ્યોરીટી ભૂલીને જીવતાં હતાં. પ્રેક્ટીકલ બની ના શક્યા.
    પ્રેક્ટીકલ બનીને પણ દિકરાને પ્રેમ આપી શકાય….તે અમેરિકન નહિ હવે તો ભારતમાં પણ સનાતન સત્ય છે. પ્રેમમાં આંઘળા થઇઅે તો કાંઇક તો ગુમાવવું પડે ને ?
    નીલા, દિકરી ના બની શકી. વાસંતીબા માં ના બની શક્યા. અને સાચી જીંદગી વાર્તા બનીને અંત પામી.
    બે વાત મગજમાં ઘૂમે છે. ૧. યુગોથી ચાલતી આવતી સત્યતાને આપણો સમાજ ૨૦૧૮ના વરસમાં પણ કેમ બદલી નથી શક્યો ? સવાલના રુપમાં…‘ સાસ ભી કભી બહુથી.‘ ? અને…
    ૨. ભણેલો ગણેલો દિકરો…પોતાના મા બાપની દુર્દશા જોતો રહે અને વહુને સાથ આપતો રહે તે કેમ નથી બદલાતું ? શુભમ પણ ભારતીય સંસ્કારના નામના ઝેરના પડીકાઓ ખાતો ગયો અને મા બાપ સ્લોલી મરતાં ગયા…દિકરો જોતો રહી ગયો..અને વહુ અને તેના મા બાપ મોજ કરવાને થનગની રહ્યા.
    મા બાપે…પ્રેક્ટીકલ લાઇફ જીવવી રહી….ભારત હોય કે અમેરિકા…
    ભારતીય સંસકાર ??????? હાથીના દાંત છે…ચાવવાના જુદા અને બતાવવાના જુદા….કૈકયીના દાખલાના નેરેસન વખતે મોરારીબાપુની કથામાં રડતા ઘરડાંઓ પોતાના ઘરમાં જુદુ જીવન જીવતાં હોય છે. તમે જો પોતે ભણેલાં ગણેલાં હો તો પોતાનું જીવન પોતે ઘડો….કથામાં જવાની જરુરત નથી….કૈકયી ને નીલાના જીવનના સમય જુદા છે…સંસ્કૃતિ જુદી છે….વાતાવરણ જુદા છે….રામાયણ કે મહાભારતની કથાઓના અેક્ટરોને આજના જીવંત જીવોને ઢાળવાની કોશીષ અેટલે આત્મહત્યા.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  4. pravinshastri June 21, 2018 at 8:58 AM

    આ આંશિક સત્ય ઘટના છે. અમો એ આખી જીંદગી કામ કર્યું. ટેક્ષ ભર્યો, અને મેડિકેરના અને બીજા પ્રિમિયમ ભરતાં કમ્મર તૂટી જાય છે. મેડિકૅઇડ વાળા જલ્સા કરે છે. એવા જ કપલની આ દશા છે. લોંગ ટર્મ મેડિકલ ઈન્સ્યુરન્સ ના હોય તો મહેનત કરીને બચાવેલી રકમ સંતાન માટે રહે નહિ અને નર્સિંગ હોમમાં જ સાફ થઈ જાય. સંતાનો વારસો જાળવાના લોભમાં જરૂરી સેવાથી વૃદ્ધોને વંચિત રાખે એવી આ વાત છે.

    Like

  5. મનસુખલાલ ગાંધી June 21, 2018 at 2:46 AM

    બહુ કરૂણ વાર્તા પણ, વાસ્તવિકતાથી ભરેલી. વાત પણ ખરી છે, અમેરીકામાં જો તમારી પાસે વૃધ્ધાવસ્થાનો વિમો ન હોય તો તમારા ગોટલા છોતરા પણ ઉખડી જાય.. અને માબાપની સેવા કરવામાં સંતાનોની ઈચ્છા હોય તો પણ, કોઈ કોઈ વહુઓ નામરજીયે બતાવે છે.

    Liked by 1 person

  6. pragnajup June 20, 2018 at 10:35 PM

    યે ગત સબકી હોતી રે………………..
    ટૂંટીયુંવાળીને પડેલી માનો દેહ જક્કડ અને ઠંડોગાર હતો…અમને ભણકારા વાહે છે
    અરીસો સામે લાવીને હવે આરામ કરવો છે,
    બધાં મ્હોરાં ઉતારીને હવે આરામ કરવો છે.
    સ્મરણની ભેખડો નીચે સતત ચગદાયું છે જીવન,
    બધી ભેખડ હટાવીને હવે આરામ કરવો છે.
    ખભે વેતાળ માફક બેઠી છે ટાંપીને સદીઓથી,
    જુઓ, નફ્ફટ ઉદાસીને હવે આરામ કરવો છે !
    ‘કશો તો મર્મ છે એમાં, અમસ્તું કંઈ નથી થાતું’ –
    ચલો એ ખ્યાલ ત્યાગીને હવે આરામ કરવો છે.
    વમળ આ વ્યસ્તતાઓના હવે વિખરાય તો સારૂં,
    આ શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે.
    સમયના જીર્ણ ટેબલ પર પડ્યા છે એક-બે પત્રો,
    ‘જિગર’ ! એ પત્રો બાળીને હવે આરામ કરવો છે.
    અમારી વાત યાદ આવે
    કેટલાક મિત્રો એ ફ્યુનરલ વખતે થયેલ અનુભવ અંગે જણાવવાનું સૂચન કર્યું.૧૯૯૬મા અહીં આવ્યા બાદ અમારા કુટુંબ/ સ્નેહીઓમા દિનકરભાઇ, જ્યોત્સનાબેન, વીણાબેન, નરેશભાઇ, રમાબેન, કાંતિભાઇ, વિજયભાઇ વિ સાથ છોડી ગયા તેનું દુઃખ સમય જ્તા હળવું થયુ પણ ગઇ સપટેંબરની ૨૨મી એ મારી નાની બેન મૃણાલિની ની માંદગી,સ્વર્ગવાસ,ફ્યુનરલ અને ત્યાર બાદ પણ વીધીમા સક્રિય રહી છતા જાણે તે હજુ છે તેમ લાગે છે !ત્યારબાદ કૈલાસબેન ગયા અને ભાસ્કરભાઇના ફ્યુનરલ બાદની વિધી તો હજુ ચાલે છે.ત્યાં વતનથી બાળાબેનના સમાચાર આવ્યાં.
    હવે તો આપણે ત્યાં પણ સ્ત્રી ઓ સ્મશાનમા જાય અને અગ્નિદાહ આપે તેની નવાઇ નથી પણ અહીં તો એ સામાન્ય ગણાય. અને અમારા નજીકના ફ્યુનરલ હૉમની વ્યવસ્થામા છોકરીને જોઇ નવાઇ લાગે ! જેવી ધાર્મિક વિધી,ભજનો,શ્રધ્ધાંજલી અને બધાએ ફૂલ ચઢાવી પ્રાર્થનાથી આખરી વિદાય આપી કે તુરત આ છોકરીએ એકલે હાથે શબ પેટી ખસેડી ટ્રોલી લીફ્ટમાં મૂકી ભઠ્ઠી પાસે પહોંચી ગઈ!
    અને શોકગ્રસ્ત મનમા એક ગૂંજ ઉઠી…
    શિવોહં શિવોહં, શિવોહં શિવોહં, શિવોહં શિવોહં
    મનો બુધ્યહંકાર ચિત્તાનિ નાહં
    ન ચ શ્રોત્ર જિહ્વા ન ચ ઘ્રાણનેત્રમ |
    ન ચ વ્યોમ ભૂમિર-ન તેજો ન વાયુઃ
    ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ ||
    અહં પ્રાણ સંજ્ઞો ન વૈપંચ વાયુઃ
    ન વા સપ્તધાતુર-ન વા પંચ કોશાઃ |
    નવાક્પાણિ પાદૌ ન ચોપસ્થ પાયૂ
    ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ ||

    ન મે દ્વેષરાગૌ ન મે લોભમોહો
    મદો નૈવ મે નૈવ માત્સર્યભાવઃ |
    ન ધર્મો ન ચાર્ધો ન કામો ન મોક્ષઃ
    ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ ||

    ન પુણ્યં ન પાપં ન સૌખ્યં ન દુઃખં
    ન મન્ત્રો ન તીર્ધં ન વેદા ન યજ્ઞઃ |
    અહં ભોજનં નૈવ ભોજ્યં ન ભોક્તા
    ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ ||

    અહં નિર્વિકલ્પો નિરાકાર રૂપો
    વિભૂત્વાચ્ચ સર્વત્ર સર્વેંદ્રિયાણામ |
    ન વા બન્ધનં નૈવ મુક્તિ ન બંધઃ |
    ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ ||

    ન મૃત્યુર-ન શંકા ન મે જાતિ ભેદઃ
    પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ |
    ન બંધુર-ન મિત્રં ગુરુર્નૈવ શિષ્યઃ
    ચિદાનંદ રૂપઃ શિવોહં શિવોહમ ||

    શિવોહં શિવોહં, શિવોહં શિવોહં, શિવોહં શિવોહં

    ત્યાં ફરી પૂજા,પ્રદિક્ષણા કરી અગ્નિસ્પર્શ કરાવી ઉભા ઉભા ધૂન કરતા હતા અને તેમણે ભઠ્ઠામા દેહ સમર્પિત કરી ડીજીટલ કોડ ગોઠવી સ્વીચ ઓન કરાવી.બીજે દિવસે અસ્થિ લેવા આવવાનું કહ્યું…
    કહત કબિરા બૂરા ન માનો,યે ગત સબકી હોતી રે.
    અને હવે બીટા વેવમાંથી આલ્ફા નહીં પણ થીટા વેવમા જવા આંખ મીંચી …

    Like

  7. pravinshastri June 20, 2018 at 6:56 PM

    સરસ વાસ્તવિકતાનું વિશ્લેષણ કર્યું છે. મારી આવો અમેરિકાના સાંપ્રત સમાજમાંથી જ આવે છે.

    Like

  8. pravinshastri June 20, 2018 at 6:51 PM

    આભાર સુરેશભાઈ.

    Like

  9. vimla hirpara June 20, 2018 at 8:50 AM

    આદરણીય પ્રવિણભાઇ, જે વાર્તા તમે આજે મુકી છે એ પરિસ્થિતિ જમાનાથી ચાલી આવે છે. ખરેખર તો આપણા વૈદિક ધર્મમાં જે ચાર આશ્રમોનો જે ઉલ્લેખ છે એ પ્રમાણે ત્રણ પેઢી એકસાથે એક જ છત નીચે રહી નથી. આવરદા પણ આટલી લાંબી નહોતી, એટલે દિકરો વિદ્યાભ્યાસ કરીને ધેર આવે ત્યા સુધીમાં દાદાદાદી નિવૃત થઇ વાનપ્રસ્થાશ્રમમાં જતારહ્યા હોય. એટલે ધરમાં પૌઢ માબાપ ને યુવાન દંપતિ એમ ચક્રઆગળ વધતું રહે. પછીતો એલોપોથી દવાને કારણે આવરદા વધી ને સાથે રહેવાનો સમય લંબાતો ગયો. પછી દરેક પેઢીના પહેરવેશ, ખાનપાન ને માન્યતા બદલાય છે. રોટલા ને અડદની દાળ,ખીચડી ને કઢી પેઢીને ઇડલી ઢૌંસા ને પાઉવડા ખાતી પેઢી જુદી લાગે તો એ પેઢીને પીઝા,બર્ગર ને નુડલ ખાતી પેઢી જુદી લાગે.સાડલા પહેરીને માથે ઓઢતી કે લાજના ધુંધટમાં રહેતી દાદીને પેન્ટશર્ટમાં ફરતી પુત્રવધુ
    નફ્ફટ લાગે. એક સમયના વિધવા ત્યકતા કે છુટાછેડા લેનાર સ્ત્રી સામે જે સામાજિક સુગ હતી. એની સામે ઘણા સારા સુધારા થયા છે પણ આગલી પેઢીને ધર્મ રસાતાળ ગયો હોય એમ લાગે છે. પણ સાથે રહેવા સિવાય કોઇ છુટકો જ નહોતો. સામાજિક દબાણ ને આબરુનું ખોખલુ આવરણ બન્ને પક્ષને સાથે રહેવા મજબુર કરતુ હતું. આજે વૃધ્ધાશ્રમો શરુ થયા છે ને માગ વધતી જાય છે. બન્ને પક્ષ એ વાત સ્વીકારતા થયા છે. કમ સે કમ વૃધ્ધ લોકોને પોતાના જમાનામાં જીવતા લોકો સાથે સ્મરણો વાગોળવાનો ને બળાપો કાઢવાનો મોકો કે કોઇ સાંભળવાળુ તો છે એ સંતોષ તો રહે છે. એ પણ એક વાસ્તવિકતા છે કે આજની નોકરી કરતી ગૃહીણીને વડીલોની ચાકરી કરવાનો સમય ન પણ હોય. સાથે આજની યુવાન પેઢી લગ્ન કરતા પહેલા એ પાકુ કરી લે છે કે એના સંસારમાં વડીલ નામની કોઇ ‘પનોતી’ તો નથીને!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: