ઈલિયાસ
ઈલિયાદ કાનેટી (Elias Canetti)
સૌજન્યઃ ફેસબુક મિત્ર
બાબુ સુથાર

આ અનુવાદ ‘સન્ધિ’ના કોઈક અંકમાં પ્રગટ થઈ ગયો છે.

ઈલિયાદ કાનેટી (Elias Canetti)
અનુવાદ: બાબુ સુથાર

1. આપણને માણસ નહીં, કેવળ ઈમેજ જ સંપૂર્ણ આનંદ આપી શકે. કેમ કે ઈમેજમાં જ દેવદૂતનાં મૂળ પડેલાં છે.

2. હું એક જ વસ્તુ જોવા માગું છું: ઉંદર જીવતી બિલાડીને ગળી જાય. પણ એ પહેલાં બિલાડી ઉંદર સાથે ખાસ્સો વખત ગેલ કરે.

3. દિવસો જુદા હોય છે, રાતો તો એક સરખી.

4. કવિનો ઈશારો ઈશ્વરનાં ભૂલાઈ ગયેલાં સાહસો તરફ હોય છે.

5. સાબિતી તો વિચારપ્રક્રિયાની વારસાગત કમનસીબી છે.

6. જ્ઞાનને દેખાડો કરવા જોઈએ. જો ન કરે તો એ નિરંકુશ થઈને વેર વાળે.

7. ઈશ્વર પણ મનુષ્યને મરણથી બચાવી શકે નહીં. એ હકીકત જ એક અને કેવળ એક એવા ઈશ્વરને શક્ય બનાવે છે.

8. માણસ જાતે જાણે કે ક્યારેય ન્યાયની સમજ વિષે વિચાર્યું જ ન હોય એમ માનીને યુદ્ધ આગળ ધપતું હોય છે.

9. માનવતા કદી પણ પોતાની જાતમાંથી નિવૃ્ત નહીં થાય.

10. સૌથી નીચો માણસ એ કે જેની એકે એક ઈચ્છાઓ પૂરી થઈ હોય.

11. જ્યારે આપણે કોઈક પશુને તાકી તાકીને જોઈએ ત્યારે આપણને એ વાત સમજાય છે કે એ પશુની અંદર બેઠેલો એક માણસ આપણી મશ્કરી કરી રહ્યો છે.

12. મરેલાઓ લોકોના મૂલ્યાંકનના આધારે અને જીવતા લોકોના પ્રેમના આધારે ટકી રહેતા હોય છે.

13. એક માણસ જગતમાં કેટલાં પાંદડાં છે એ ગણવાનું નક્કી કરે છે. આ છે આાંકડાશાસ્ત્રની પ્રકૃતિ.

14. એણે મારો ડાબો કાન ચોરી લીધો. મેં એની જમણી આંખ કાઢી લીધી. એણે મારા ચૌદ દાંત છૂપાવી દીધા, મેં એના હોઠ સીવી લીધા. એણે મારા ઢગરા પર રાંધ્યું. મેં એના હ્રદયને ઊંધું-ચત્તું કરી નાખ્યું. એ મારું કાળજું ખાઈ ગયો. હું એનું લોહી પી ગયો. યુદ્ધ.

15. એ એના પૈસા એના હ્રદયમાં રાખતો હોય છે. એના હ્રદયના ધબકારા એ પૈસા ગણવાનું કામ કરતા હોય છે.

16. મનુષ્યનો અવાજ ઈશ્વરનો રોટલો હોય છે.

17. તમામ માનવ-ધર્મોમાં યુદ્ધ સૌથી વધારે મજબૂત ધર્મ હોય છે; પણ એનેય વિખેરી તો શકાય.

18. અંધકારમાં શબ્દોનું વજન બમણું થઈ જતું હોય છે.

19. ભૌતિકવાદી ફિલસૂફીને લાવવા માટે માણસે કેટલા ભૌતિક પદાર્થોનું નિર્માણ કરવું પડશે?

20. કેટલાંક વાક્યો એમનામાં રહેલું ઝેર વરસો પછી આંકતાં હોય છે.

21. ગરીબ માટે આશા, જેમ શ્રીમન્ત માટે વારસદાર.

22. જે કાયમ સત્ય બોલતો હોય એની વાત કદી પણ માનવી નહીં.

23. સફળતા તો માનવજાત માટે ઉંદર મારવાની દવા છે. બહુ ઓછા લોકો એનાથી બચી જતા હોય છે.

24. દરેક ભાષામાં એની પોતાની ચૂપકીદી છુપાયેલી હોય છે.

25. ઇતિહાસ જનાવરો વિષે બહુ ઓછી વાત કરતો હોય છે.

26. ઈશ્વરનો વારસો ઝેરીલો હોય છે.

27. જ્યારથી માણસોએ ખાવા માટે ખુરશીટેબલનો ઉપયોગ કરવા માંડ્યો ત્યારથી એ લાંબાં યુદ્ધો કરતા આવ્યા છે.

28. મરેલાઓ જીવતાથી ડરતા હોય છે. જીવતા, જેમને આ વાતની ખરેખર ખબર નથી, મરેલાઓથી ગભરાતા હોય છે.

29. જે ઇતિહાસને ચાહતો હોય છે એને ઇતિહાસ ધિક્કારતો હોય છે.

30. પ્રાણીઓ વિના આ વિશ્વ કેટલું ભયાનક હશે એ વિષે વિચાર પણ કરી શકાય એમ નથી.

31. લોકો પૂર્વજોનો આભાર માનતા હોય છે કેમ કે એ એમને જાણતા નથી હોતા.

32. પવન: આપણી સંસ્કૃતિમાં એક માત્ર સ્વતંત્ર ચીજ.

33. જો એમ હોય તો પશુઓએ કયું original પાપ કરેલું? પશુઓને શા માટે મરણ આવતું હશે?

34. અનુભવવું અને મૂલ્યાંકન કરવું એ બે વચ્ચેનો ભેદ શ્વાસ લેવો અને બચકું ભરવા વચ્ચેના ભેદ જેવો છે.

35. જો મરણ જ ન હોય તો કેટલા લોકોને આ જીવન જીવવા જેવું લાગશે?

36. હું બહુ નકશા નથી જોઈ શકતો. શહેરનાં નામો મને વાસી માંસ જેવાં ગંધાતાં હોય છે.

37. મરતા તમામ મનુષ્યો ભવિષ્યમાં આવનારા ધર્મના શહીદો છે.

38. ઇતિહાસ આપણા જૂઠા વિશ્વાસની પુન:સ્થાપના કરતો હોય છે.

39. આકુળવ્યાકુળ કરી નાખે એવો એક વિચાર: આ જગતમાં કશું જાણવા જેવું નહીં હોય પણ આપણે એને જાણવાનો પ્રયાસ કરીએ છીએ એટલે જ એમાં ભૂલો કરતા હોઈએ છીએ.

40. વાંચનનો અર્થ: અક્ષરો કીડીઓ જેવા હોય છે અને એ કીડીઓનું પોતાનું ગુપ્ત સામ્રાજ્ય હોય છે.

41. વિકાસની એક ખરાબ બાજુ હોય છે: સમયે સમયે એ ઉઘાડો પડી જતો હોય છે.

42. ખરાબ લેખકો રૂપાન્તરનાં પગલાં ભૂંસી નાખતા હોય છે, સારા લેખકો એ પગલાંને પ્રગટ કરતા હોય છે.

43. જે સ્ત્રી જાહેરમાં એવું કહે કે મેં કદી પણ સ્વપન્ જોયું નથી એ ત્યાં ઉપસ્થિત લોકોની નજરમાં તરત જ વાંદરી બની જતી હોય છે.

44. જે માણસ ઈશ્વરમાં નથી માનતો એ આખા જગતનો દોષનો ટોપલો પોતાના માથે લઈ લેતો હોય છે.

45. બધું બરાબર થઈ જશે. પણ ક્યારે? કૂતરાંનું રાજ્ય આવશે ત્યારે?

46. હજી એક બાબતની શોધ થઈ નથી: વિસ્ફોટને અવળીગતિમાં કઈ રીતે મૂકવો.

47. યુદ્ધ હવે આકાશમાં લડાય છે. પૃથ્વીને અન્ત પહેલાં થોડી શાન્તિ તો જોઈએને?

48. સાચા લેખકો પાત્રોનું સર્જન કર્યા પછી એમની સાથે મુકાબલો કરતા હોય છે.

49. ખ્યાતિ તારાઓ પર લટકતી હોય છે. કેમ કે તારા દૂર હોય છે. ખ્યાતિ હંમેશાં સલામતિ શોધતી હોય છે.

50. તમે જ્યારે એકલા હો ત્યારે તમે તમારી જાતના બે ટુકડા કરતા હો છો જેથી એક ટૂકડો બીજા ટુકડાને આકાર આપી શકે.

51. એણે પોતાના અંગત પુસ્તકાલયનાં બધાં જ પુસ્તકો બાળી નાખ્યાં. પછી એ સન્યાસી બનીને જાહેર પુસ્તકાલયમાં રહેવા ચાલ્યો ગયો.

52. ઈશ્વર ઈંડામાંથી જનમ્યો છે અને એ ઈંડું ફિલસૂફે મૂકેલું.

53. તમારો હવે પછીનો શ્વાસ કદાચ બીજાનો અન્તિમ શ્વાસ હોઈ શકે.

54. હવે ફાંસી આપવાની પ્રક્રિયા માછલી પકડવા જેવી નમ્ર બની ગઈ છે.

55. દરેક યુદ્ધમાં એના અગાઉનાં બધાં જ યુદ્ધો સમાયેલાં હોય છે.

56. સમુદ્ર કદી એકાકી નથી હોતો.

57. એ માણસને તો મચ્છરોમાં પણ ધિક્કારની લાગણી જગાડતાં આવડે છે.

58. છબીકલાએ ઈમેજનો નાશ કર્યો છે.

59. કોઈ આપની પૂજા કરે એના જેવું કંટાળાજનક કામ બીજું કોઈજ નથી. મને સમજાતું નથી કે ઈશ્વર કઈ રીતે આટલી બધી પૂજા સહન કરી શકતો હશે?

60. કેવળ અંધશ્રધ્ધાળુને જ ચમત્કારનો અધિકાર છે.

61. એ કલ્પના કરે છે કે ઈશ્વર એક કરતાં વધુ ભાષાઓ જાણતો હોવો જોઈએ. એટલે જ તો એ દરેક ભક્તોને એની પોતાની ભાષામાં જવાબ આપતો હોય છે.

62. જે પોતાની સ્મૃતિઓથી ડરતો હોય એને જ કાયર, સાચેસાચ કાયર, કહી શકાય.

63. ધર્મ જેવું ચેપી બીજું કશું નથી. એક ધર્મનો ચેપ લાગે એટલે બીજા ધર્મોનો ચેપ પણ લાગવા માંડે.

64. માણસનું સાચું પૂતળું કેવું હોવું જોઈએ? ઘોડા પરથી પડી ગયેલા માણસ જેવું.

65. મોટા ભાગના લોકોનું જીવન એમણે લોકોને જે વગર વિચાર્યે દિશા બતાવી હોય એના એક સરવાળાથી વિશેષ કશું નથી હોતું.

66. “માણસની સંપત્તિ એના પુસ્તકાલયમાં કેટલાં પુસ્તકો છે અને તબેલામાં કેટલા ઘોડા છે એના આધારે નક્કી થતી હોય છે” (Timbukru, c 1500)

67. એનું હ્રદય રાત્રે દીવો બનતું હોય છે.

68. પુસ્તકો વગર આનંદ સડી જતો હોય છે.

69. ઘડીયાળો વધુને વધુ નાજુક બનતી જાય એમ સમય વધુને વધુ ખતરનાક બનતો જતો હોય છે.

70. જીવન પર સૌથી વધુ તણાવ એક જ વાતનો: આપણે મરણથી ટેવાતા નથી.

71. મને ભેટશો નહીં. હું દાણાઓનો બનેલો છું. ભેટશો તો વેરાઈ જઈશ.

72. તમે કાફ્કા વાંચો ત્યારે તમને કઈ બાબતની શરમ આવતી હોય છે? તમને તમારી તાકાતની શરમ આવતી હોય છે.

73. એ એનાં કાર્યોને ગુલાબની કળીઓ ખવડવાતો હોય છે અને એમના કાનમાં રિલ્કેની કવિતા ગણગણતો હોય છે.

74. યંત્ર એક વૈશ્વિક ભાષા શોધે છે. એ ભાષા કોઈ સમજતું નથી એટલે બધા લોકો એ ભાષાને સ્વીકારી લે છે.

75. પ્રેમીઓને એવું લાગતું હોય છે કે ચંદ્ર એમની જાસૂસી કરી રહ્યો છે.