2018-07-14 3:34 GMT+05:30 Vikram Dalal <inkabhai@gmail.com>:
આજનું મન્થન 14-7-2018
માતા–પીતા સાથે બાળકનો સમ્બન્ધ કુદરતી છે જ્યારે ભાઈ–બહેન, દાદા–દાદી વગેરે સગાંઓ સાથેનો સમ્બન્ધ માતા–પીતા મારફત સમાજે ઉભો કરેલો કૃત્રીમ સમ્બન્ધ છે.
———————————————————
સુરીલી સંગત
આ વાર્તાનો અનુવાદ સ્વ.ચંદ્રકાંતાબહેન અનેશ્રી હરવિલાસબહેને કર્યો છે.આ બન્ને બહેનોએ ભારતની વિવિધ હાષાઓમાંથી ચૂંટી કાઢેલી વારતાઓનો અનુવાદ કર્યો છે. અને એમની વાર્તાઓ “હરીશ્ચંદ્ર” ઉપનામ હેઠળ પ્રસિદ્ધ થઈ હતી.
સૌજન્યઃાઓની
શ્રી ઉત્તમ ગજ્જરાંથી
અને લેખક શ્રી વિક્રમ દલાલ
શ્રોતાઓ મુગ્ધ થઈને ડોલતા હતા. પન્ડીત ગીરીજાશન્કરનું ગાયન આજે ચોટીએ પહોંચ્યું હતું. તબલાની સન્ગત પણ બેનમુન હતી. તાનપુરા પર એમનો શીશ્ય ભાર્ગવ સન્ગત કરી રહ્યો હતો. જાણકારો એના ગળાનેય દાદ આપતા હતા. જાણે અદ્દલોઅદ્દલ પન્ડીતજીનો જ કન્ઠ, પન્ડીતજીની જ લઢણ, પન્ડીતજીની જ સ્વર‑લહરી. અને તેમાં પાછું તારુણ્યનું જોશ. ‘ગુરુ કરતાં શીશ્ય સવાયો થવાનો છે’ – એમ હવે લોકો કહેવા લાગ્યા હતા.
પન્ડીતજી પણ ખુશ હતા. ક્યારેક પોતે જાણી જોઈને એકાદ તાન અડધેથી જ છોડી દેતા અને ભાર્ગવ એને જે રીતે ઉપાડી લેતો, તે સુણી પોતેય ડોલી ઉઠતા અને હરખ વ્યક્ત કરતા. તે દીવસનો કાર્યક્રમ જાણે માત્ર પન્ડીતજીનો જ ન રહેતાં બન્નેની જુગલબન્દીનો બની રહ્યો. છેવટે જ્યારે કાર્યક્રમ પુરો થયો ત્યારે તાળીઓના ગડગડાટથી હૉલ ગાજી ઉઠ્યો.
મહેફીલ પુરી થઈ. પન્ડીતજીનો સત્કાર થયો. તેની સાથે ભાર્ગવનેય પુશ્પગુચ્છ અપાયો. તેણે તે અત્યન્ત વીનય અને ભક્તીભાવપુર્વક પન્ડીતજીના ચરણે મુક્યો. પન્ડીતજી મન્ચ ઉપરથી નીચે ઉતર્યા ત્યારે ભાર્ગવે એમના પગરખાં ઉપાડીને એમના પગ આગળ મુક્યાં. શ્રોતાઓમાં બેઠેલા પન્ડીતજીનાં પત્ની ઉમાજી આવ્યાં. બધાંની વીદાય લઈ પન્ડીતજી મોટર પાસે આવ્યા, ત્યારે બરણું ખોલી ભાર્ગવ ઉભો હતો. પન્ડીતજી અને ઉમાજી બેઠાં એટલે બરણું સમ્ભાળીને બન્ધ કરી, ભાર્ગવ આગળની સીટ પર ડ્રાઈવર પાસે બેસી ગયો.
‘દાદા, આ મફલર ગળે વીંટાળી લૉ’.
‘ક્યાં એટલી ઠન્ડી છે? હજી તારો દાદો એટલો ઘરડો નથી થયો’.
‘સીત્તેર તો થયાં. તમે ભાર્ગવનું કહેવું સાંભળતા જાવ’ – ઉમાજીએ એમને ટોક્યા.
‘હવે બસ થયું. એ તો મારી પાછળ પડ્યો જ હોય છે, તેમાં વળી તારો ટેકો મળ્યો’.
‘ખરું કહું તો ભાર્ગવ તમારી સાથે પરગામ, પરદેશ બધે હોય છે એટલે જ તમે જાવ ત્યારે મને તમારી ચીન્તા નથી રહેતી’.
પન્ડીતજી અને એમના કુટુમ્બ સાથે ભાર્ગવ ખુબ ભળી ગયેલો. એમની પાસે આવેલો ત્યારે નવ વરસનો હતો. આજે ત્રીસીએ પહોંચેલો ભાર્ગવ, પન્ડીતજીનો લાડકો શીશ્ય થઈ ગયો હતો. પન્ડીતજીને બે દીકરીઓ હતી, તે પરણીને સાસરે ગઈ. પન્ડીતજીના ગાયનના ઘરાનાનો વારસદાર ભાર્ગવ જ હતો. ભાર્ગવની ગુરુ પ્રત્યે પુર્ણ ભક્તી. ગુરુનો પડ્યો બોલ ઝીલે. ગુરુની દોરવણી મુજબ કલાકો સુધી રીયાઝ કરે. હવે તો એનું ગળું બરાબર ખીલેલુ. ત્રણેક વરસ ઉપર ભાર્ગવની સ્વતન્ત્ર મહેફીલ રાખવા માટે કેટલાક લોકો આવેલા. ભાર્ગવે વીનયપુર્વક પન્ડીતજી પાસે મોકલ્યા. પણ પન્ડીતજીએ કહ્યું, ‘હમણાં નહીં’, અને ભાર્ગવે ગુરુજીનો બોલ ઉપાડી લીધો.
પન્ડીતજીની આખાબોલી નાની દીકરી ત્યારે સુવાવડ માટે આવેલી. તેણે પન્ડીતજીને પુછ્યું, ‘કેમ ના પડો છો? ભાર્ગવ હવે પુરેપુરો તૈયાર થઈ ગયો છે. દોઢ‑બે કલાકની મહેફીલ તો એ સરસ રીતે ચલાવી શકે તેમ છે’.
‘હા, વાત તો ખરી છે. પરન્તુ એક વાર એ શરુ થયું કે પછી બીજા કાર્યક્રમો, રેડીઓ, ટીવી વગેરે શરુ થઈ જશે’.
‘તો એમાં ખોટું પણ શું છે?’
‘ભાર્ગવની તૈયારી સારી છે, પણ પુર્ણ નથી. હું એને હજી ઘણી વધારે ઉંચાઈએ જોવા માંગુ છું. ઝટપટ પ્રસીધ્ધીનું વીપરીત પરીણામ આવશે. આજકાલ પ્રસાર‑માધ્યમોનું ભારે જોર છે. રાતોરાત એ તમને ઉંચા આસમાને ચઢાવી દે છે, અને પછી તમારા પગ ધરતી પર રહેતા નથી. એ બધી ઝાકઝમાળમાં રીયાઝ, અવાજની કાળજી, સન્ગીત‑સાધના બધું જ ગૌણ બની જાય છે. ભાર્ગવને મારે તેમાં ફસાવા દેવો નથી. એ તો આપણા ઘરાનાનું નામ રાખશે અને સસ્તી પ્રસીધ્ધીને બદલે જીવનભર ચાલે એટલી કીર્તી કમાશે’.
પન્ડીતજી આ બધું બોલી તો ગયા, પણ ભીતર ને ભીતર એમને કાંઈક ચુભતું હોય એવું લાગ્યું. ભાર્ગવ માટે એમને ભારે ગૌરવ હતું, પ્રેમ હતો. ભાર્ગવ એમનો તેજસ્વી શીશ્ય છે, એમ સાંભળીને એમને બહુ સારું પણ લાગતું. તેમ છતાં એનું સ્વતન્ત્ર નામ બને, લોકો પોતાને બાજુએ મુકી એની જ વાહ વાહ કરે, એ સ્વીકારવા એમનું મન તૈયાર નહોતું. જો કે એ પોતે પણ પણ પોતાના મનમાં ચાલતું આ ઘમસાણ પુરું સમઝી શક્યા નહોતા. ભાર્ગવની સ્વતન્ત્ર મહેફીલ માટે ના પાડી, તેને માટે આવી બુદ્ધીગમ્ય સચોટ દલીલ કરી, અને છતાં એમને ભીતર કશુંક ડન્ખતું રહ્યું. શું આમાં સુક્ષ્મરીતે અદેખાઈ તો નથી ને? પોતાની પ્રસીધ્ધી ઝાંખી પડશે, એવો ધ્રાસ્કો તો કામ નથી કરી ગયો ને?
આમ, છેલ્લા બે‑ત્રણ વરસથી પન્ડીતજી મનમાં ને મનમાં મુંઝાયા કરતા. ક્યારેક કોઈના ઉપર વીના કારણ ચીડાઈ જતા. એકલા હોય ત્યારે ઉંડા વીચારમાં ગરકાવ થઈ જતા. ક્યારેક એમને પોતાની જાત ઉપર ચીડ ચડતી. પોતે સન્ગીતના ઉપાસક, એવો જ આવો સરસ સન્ગીતનો ઉપાસક શીશ્ય મળ્યો છે, છતાં હું આટલો પામર? સાંકડા મનનો ગુલામ છું? મોકળા મને કેમ એને નવાજી શકતો નથી?
આજની મહેફીલના આવા સરસ વાતાવરણ વચ્ચેયે જ્યારે ‘ગુરુથી શીશ્ય સવાયો થશે’‑ એમ સાંભળવા મળતું, ત્યારે પન્ડીતજીનું મન થોડું આળું થઈ જતું. તેમાં ઈન્દોરથી આવેલા એમના પ્રસંશકોએ એમને સન્ગીત સમ્મેલન માટે નીમન્ત્રણ આપ્યું, અને ખાસ આગ્રહપુર્વક કહ્યું કે તેમાં ભાર્ગવજી તો આવે જ, ત્યારે એમનું મન ખાટું થઈ ગયું. એમણે તુરત હા ન પાડી. ‘પછી જણાવીશ’ એમ કહ્યું.
પરન્તુ એમના મનમાં જબ્બર ઘમસાણ ચાલ્યું. રાતે પથારીમાં પડ્યા, પણ ઉંઘ વેરણ થઈ. એમનું મન ચકડોળે ચઢ્યું. ચીત્તની સન્ગીતમય સુસંવાદીતા બેસુરી થઈ ગઈ હતી. તેવામાં ગઈકાલે જ એક સામયીકમાં વાંચેલી યયાતીની કથા એમને યાદ આવી ગઈ. આમ તો જાણતા જ હતા, પણ અત્યારે પોતાના મનના તીવ્ર ઘમસાણ વખતે તત્કાળનો સન્દર્ભ લઈને યાદ આવી. શું હું યયાતી બની ગયો છું? તુમુલ મન્થન ચાલ્યું. છેવટે મનમાં અમુક નીર્ધાર થયો ત્યારે જ શાન્તી થઈ અને મીઠી નીંદર આવી ગઈ.
પન્ડીતજીએ સવારે ઉઠીને પહેલું કામ ઈન્દોરવાળા પોતાના ચાહકો‑પ્રશંસકોને જણાવી દેવાનું કર્યું ‑ ‘ઈન્દોરનો કાર્યક્રમ ભાર્ગવનો રહેશે. હું પણ ઉપસ્થીત રહીશ અને એની સન્ગત કરીશ. પણ મુખ્ય ગાયક રહેશે, ભાર્ગવ’.
શ્રી શોભના બેરી ની મરાઠી વાર્તાને આધારે (વી. ફુ. 15 પાના 15‑16)
Vikram Dalal
2/15 Kalhaar Bungaloz
Shilaj
(15 Km. West of Amdavad)
L.L. No. (02717) 249 825
Like this:
Like Loading...
Related
ખૂબ સુંદર વાર્તા
LikeLiked by 1 person
ખૂબ સુંદર વાર્તા
‘‘ઈન્દોરનો કાર્યક્રમ ભાર્ગવનો રહેશે. હું પણ ઉપસ્થીત રહીશ અને એની સન્ગત કરીશ. પણ મુખ્ય ગાયક રહેશે, ભાર્ગવ’.’ગુરુ શિષ્યના પ્રેમાળ સંબંધની અદભૂત ગાથા
LikeLike
માનવમનનાં અતલ ઊંડાણને છતું કરતી વાર્તા. અભિનંદન વિક્રમભાઈને, અને આભાર ઉત્તમભાઈ અને પ્રવીણભાઈનો!
કથા અને પ્રસ્તુતિ આગવી છે, છતાં યે મને એકલવ્ય યાદ આવી જાય છે.
શું આવું મંથન ગુરુ દ્રોણાચાર્યના મનમાં થયું હશે? જો આવું મનોમંથન જાગ્યું હોત તો ગુરુજી અંગૂઠો માગત ખરા?
LikeLiked by 1 person