અપેક્ષા-ઉપેક્ષા

અપેક્ષા-ઉપેક્ષા

Image

પ્રવીણ શાસ્ત્રી

અંકુર ડાબા હાથમાંના શેમ્પેઇન્જ ગ્લાસમાંથી ચૂસ્કી લેતો એના નવા ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા આમંત્રિતો સાથે હસ્તધૂનન કરતો અને અભિનંદન સ્વીકારતો ફરતો હતો. બધા મિત્રોથી ઘેરાયલલા અંકુરની પાછળ પાછળ બિચારા શંકરલાલ એની સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં ફરતા હતા; પણ અંકુર અન્ય મહેમાનોમાં વ્યસ્ત હતો. એની સાથે જ એની ફિયાન્સી ડોક્ટર નિઓમી પણ બધાનું અભિવાદન ઝીલતી; હસી ખુશીથી વાતો કરતી હતી.

શંકરલાલ હોટેલના કોવર્કર દિનેશની રાઈડ લઈને આ પાર્ટિમાં ડોક્ટર અંકુરને આશીર્વાદ આપવા આવ્યા હતા. સાથે આવેલો દિનેશ સમજતો હતો કે ઈન્વિટેશન શંકરકાકાને જ હતું એટલે, તે બહાર કારમાં જ થોભ્યો હતો.

****

અંકુર ફિલાડેલ્ફિયાથી એની ફિયાન્સી નિઓમી સાથે એના નવા ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે મિત્રોને આમંત્રણ આપવા અને કેટલીક ખરીદી માટે ન્યુયોર્ક આવ્યો હતો. બપોરના લંચ માટે તે એના ત્રણ ચાર મિત્રો સાથે મહારાજા રેસ્ટોરાન્ટમાં પ્રવેશ્યો. રસ અવરમાં થોડો સમય બહાર રોકાવું પડ્યું એટલે નિઓમી અકળાતી હતી. દશેક મિનિટમાં. ટેબલ મળી ગયું પણ ટેબલ બરાબર સાફ ન હતું. નિયોમીએ વૅઇટરને ઈશારતથી બોલાવ્યો અને હળવેથી પણ દાંત પીસીને કહ્યું. ‘પ્લીઝ ક્લીન ધીસ.”

‘યસ મેમ’ વૅઈટર તરીકે કામ કરતાં શંકરે એ સાફ પણ કરી નાંખ્યું. કાંઈ મોટી વાત ન હતી. અંકુરને લાગ્યું કે આ વૅઇટરનો ચહેરો જાણીતો છે, કશેક જોયો છે. પણ યાદ આવતું ન હતું. લંચ દરમ્યાન મિત્રો અને નિઓમી સાથે વાત કરતાં કરતાં એની નજર એ વૅઇટર તરફ જ જતી હતી. એણે બીલ ચૂક્વ્યું અને પાર્કિંગ લોટમાં આવ્યો. અને એકદમ એની સ્મૃતિ જાગૃત થઈ. ઓહ! આતો શંકરલાલ માસ્તર.

શંકરલાલ સાહેબ એના ગામની નિશાળના એના ત્રીજા ધોરણના શિક્ષક હતા. એ ચાર ધોરણ સૂધી ગામની નિશાળમાં જ ભણ્યો હતો. પછી શહેરમાં ઈંગ્લિશ મીડિયમમાં ભણ્યો હતો.

‘વેઈટ ડાર્લિંગ આઈ’લ બી બેક.’ એણે બ્રીફ કેઇસમાંથી એક ઈન્વિટેશન કાર્ડ કાઢ્યું. લઈને એ એ શંકરલાલ પાસે ગયો. બે હાથ જોડ્યા. સાહેબ હું અંકુર. આપના હાથ નીચે થર્ડ ગ્રેડમાં ભણ્યો હતો. આપને યાદ છે? શંકરલાલને ખાસ યાદ આવ્યું નહિ. વિદ્યાર્થીઓને શિક્ષકો યાદ રહે પણ દર વર્ષે બદલાતા વિદ્યાર્થીઓ ખાસ વિશિષ્ટતા વગર શિક્ષકોને યાદ રહેતા નથી.

‘ભાઈ, કંઈ યાદ આવતું નથી?’

‘હું રાયચંદ શાહનો દીકરો અંકુર.’

‘હાહા, યાદ આવ્યું, તું તો મારો માનીતો વિદ્યાર્થી. તને કેમ ભૂલાય? શેઠજી કુશળ છે ને?’ ગઈકાલના શિક્ષક શંકરલાલ અને આજના વૅઇટર શંકરે યાદ ન હોવા છતાં પ્રેમથી પરિચયની પુષ્ટિ કરી.

‘એ તો ચાર વર્ષ પહેલાં ગુજરી ગયા. હું ફિલાડેલ્ફિયામાં છું. સાહેબ હું ડોક્ટર થઈ ગયો. હમણાં જ મારી ઈન્ટર્નશીપ પૂરી થઈ. હવે મારું ક્લિનિક શરું કરું છું…..પણ સાહેબ તમે? અમેરિકામાં? અને આ જોબ?’

‘બસ આનંદમાં છું. દીકરી પરણીને અમેરિકા આવી. મારા પત્ની ગુજરી ગયા. મને એણે અમેરિકા બોલાવ્યો. હું પણ રિટાયર થયો હતો. ત્રણ વર્ષ પહેલાંજ દીકરી ગુજરી ગઈ. જમાઈએ બીજા લગ્ન કર્યા. જમાઈ તો ખૂબ સજ્જન માણસ. એમણે તો મને તેમની સાથે જ રહેવાનું કહ્યું પણ એની નવી પરણેતરને સ્વાભાવિક રીતે ન જ ગમે. બસ મને આ રેસ્ટોરાંટમાં નોકરી મળી ગઈ. આનંદમાં સમય જાય છે. હવે ઈન્ડિયામાં પણ મારું કોઈ જ નથી.  એકલો રહું છું. ખાવાપીવાની ચિંતા નથી. કોઈ કામ નાનું નથી. કામથી શરીર સારું રહે. આનંદમાં છું’

નિઓમિ પાર્કિંગ લોટમાંથી અંકુરને શોધતી પાછી રેસ્ટોરાંટમાં પ્રવેશી. તે પહેલેથી જ કોઈ કારણસર ગ્રાઉચી હતી. અંકુ, ‘વી આર વૅઇટિંગ ફોર યુ’

‘સાહેબ આપણે ઘણી વાતો કરીશું. અત્યારે હું ઉતાવળમાં છું. આ ઈન્વિટેશન કાર્ડ છે. પંદરમી તારીખે મારા ક્લિનિકનું ઉદ્ઘાટન છે. જરૂરથી પધારજો.’

***

‘દિનેશ મને ફિલાડેલ્ફિયા લઈ જશે? મારો સ્ટુડન્ટ અમેરિકામાં ડોક્ટર થયો છે. પ્રેમથી ઈન્વિટેશન આપી ગયો છે.’

‘દાદા, એક કલાકના ફંક્શન માટે સો માઈલ લાંબા થવાની જરૂર નથી.’ દિનેશની પાસે ખખડધજ કાર હતી. વૃદ્ધ કોવર્કર શંકરદાદાને જ્યાં જવું હોય ત્યાં એ લઈ જતો; પણ કોઈવાર કંટાળતો પણ ખરો. ફિલા જવાની ઈચ્છા ન હતી પણ છેવટે બિચારા દાદાનું કોણ? એમ સમજીને તૈયાર થયો.

શંકરલાલે માત્ર બે જોડી લેંઘા કફનીમાં આખી જીંદગી ચલાવ્યું હતું. અમેરિકા આવ્યા ત્યારે એક કાળો સૂટ સિવડાવી લાવ્યા હતા. માત્ર એક જ વાર પહેર્યો હતો. પછી સુટ પહેરવાનો પ્રસંગ જ આવ્યો ન હતો. હવે તો હોટલના યુનિફોર્મથી જ ચાલતું હતું. એમણે બેગમાંથી સૂટ કાઢ્યો. અસ્ત્રી કરી. હવે થોડું શરીર સોસાયું હતું. સૂટ ઢીલો અને સોગી થઈ ગયો હતો; પણ ચાલશે. ચઢાવી દીધો. દિનેશે આવડે એવી ટાઈ પણ બાંધી આપી. દિનેશને શું લેવા-દેવા? એ તો જિન્સ અને ટિ-શર્ટમાં જ નીકળી પડ્યો હતો. બન્ને સમયસર ક્લિનિક પર પહોંચી ગયા. કેટલાક સજીધજીને થ્રી પીસ સૂટમાં, તો કેટલાક સામેની હોસ્પિટલમાંથી સીધા જ વ્હાઈટકોટમાં સ્ટેથેસ્કોપ લટકાવીને આવ્યા હતા. એની બે નર્સ અને રિસેપ્શનિસ્ટ બધાનું સ્વાગત કરતી હતી. ક્લિનિકનો રિસેપ્શન એરિયા ડોક્ટર મિત્રોથી ઉભરાતો હતો.

શંકરલાલ હાથમાં એકાવન ડોલરનું કવર લઈને અંકુરની પાછળ પાછળ ફરતા હતા. મનમાં ધાર્યું હતું કે જરા મોકળાશ મળતાં અંકુર વાંકોવળી મને પગે લાગશે. એ બધા સાથે મારી ઓળખાણ કરાવશે. હું એને માટે બે શબ્દો બોલી એને આશીર્વાદ આપીશ. મનમાં શબ્દો ગોઢવતા ગોઢવતાં શંકરલાલ સાહેબ અંકુર પાછળ ફરતા હતા. પણ બિચારા અંકુરને ક્યાં સમય હતો? નિઓમીને મુઝવણ થતી હતી આ કોણ પાછળ પાછાળ ફરે છે. પછી ખ્યાલ આવ્યો કે આ તો ન્યુયોર્કની હોટલનો વૅઇટર છે.

“અંકુ, ડિડ યુ હાયર ધીસ ઓલ્ડ્મેન ફોર સમ હેલ્પ?”

“ઓહ! નો. એ અમારા ગામના છે. આઈ ઇન્વાઈટેડ હિમ”

શંકરલાલ તરફ ફરીને કહ્યું. ‘તમે હમણાં પેલી ખુરશી પર બેસો, આ બધા સાથે મળીને હું આવું છું. આવ્યા તે મને ગમ્યું. ફંકશન પતે એટલે બુફે રાખ્યું છે. જમ્યા વગર ચાલ્યા ના જતાં.’ અને અંકુર ડોક્ટરોની સેવામાં ગુંથાઈ ગયો.

શંકરલાલ ખૂણા પરની ખુરશી પર બેઠા. મેડિકલ કોલેજના એક ડોક્ટર પ્રોફેસરને હાથે અદ્યતન એક્ઝામિનેશન રૂમની સિમ્બોલિક રિબન કપાઈ. પ્રોફેસરે એના બ્રાઈટ સ્ટુડન્ટની યશગાથા ગાઈ. શંકરલાલ થોડું સમજ્યા. ઘણું ના સમજ્યા. ધીમે રહીને ટેબલ પર એકાવન ડોલરનું આશીર્વાદનું કવર મૂકીને બહાર નીકળી ગયા.  બહાર પાર્કિંગ લોટમાં અનેક લક્ઝરી કાર વચ્ચે ગોબાવાળી દશ વર્ષ જૂની ફોર્ડમાં દિનેશ નિરાંતે આંખો બંધ કરીને મ્યુઝિક સાંભળતો હતો.

‘ચાલ ભાઈ ટ્રાફિક નડશે તો જોબ પર મોડું થશે. માંડ છૂટ્ટી મળી છે; આપણે ત્રણ વાગ્યા પહેલાં તો પહોંચવું પડશે.’

‘દાદા, પાર્ટીમાં મજા આવીને?’

‘હા, બિચારો અંકુર તો મને જોઈને વળગી જ પડ્યો હતો. એની ફિયાન્સી મને વાંકી વળીને પગે લાગી. અંકુરે બધા ડોક્ટર અને પ્રોફેસરો સાથે મારી ઓળખાણ કરાવી. એણે ડોક્ટરોને કહ્યું કે ભલે હું અમેરિકામાં ભણીને ડોક્ટર થયો; પણ મારો પાયો તો આ અમારા ગુરુએ જ નાંખ્યો હતો. એમના પ્રતાપે જ હું ડોક્ટર બની શક્યો. ઓફિસની રિબન કાપવાનું પણ મને કહ્યું. પણ મેં જ એના પ્રોફેસરને ઉદ્ઘાટન વિધી કરવા કહ્યું.’

‘દાદા, તમે લંચ લીધું?’

‘હા હા. મારે માટે એની ફિયાન્સી ખાસ ડીશ બનાવી લાવી હતી. મને આગ્રહ કરીને કહ્યું છે કે તમારે અમારા લગ્નમાં આશીર્વાદ આપવા આવવાનું જ છે. પણ મેં બહાનું કાઢ્યું કે મારાથી  આવી શકાય એમ નથી. હું રોકાયલો છું મારે કેટલી વાર તને ફિલાડેલ્ફિયા સુધી દોડાવવો!’

‘દાદા આગળથી જ ના કહી તે સારું કર્યું. તમને પાર્ટીમાં લાવવા જવા માટે મારે નવી કાર લેવી પડે. અરે હાં દાદા, તમે તો ભરપેટ લંચ લઈને આવ્યા છો. મારા પેટમાં તો બિલાડા બોલે છે. ભલે તમે ધરાયલા હો પણ મને કંપની આપવા, મારી સાથે થોડું તો ખાવું જ પડશે. આપણે બર્ગરર્કિંગ પર થોભીને જરા નાસ્તો કરી લઈએ. બરાબર?’

‘હા દિનેશ તું આગ્રહ કરે છે એટલે તને કંપની આપીશ, બાકી તો પેટમાં જરાયે જગ્યા નથી.’

દિનેશે દાદાને કાંઈ કહ્યું નહિ, પણ ખરેખર તો, શેડ વગરની, ફ્લોર ટુ સિલિંગ ગ્લાસ વિન્ડોમાંથી તેણે ઓફિસની અંદરની પાર્ટીના બધા જ રંગો જોયા હતા. દિનેશે કાકાની થતી અવગણના અને ઉપેક્ષા નિહાળ્યા હતા. એણે કાકાના સ્વમાનને જાળવી લીધું. શંકરકાકા વેજીબર્ગર ખાઈને કારમાં ઉંઘતા હતાં. ઉંઘમાં બોલતા હતા, મેં અંકુરને ભદ્રસુક્તના શ્લોક “શતમિન્દુ શરદો અંતિ દેવા…”થી આશીર્વાદ આપ્યા હતા અને ડોક્ટરોએ તાળીથી મને વધાવી લીધો હતો.

પ્રગટઃ ગુજરાત દર્પણ જુલાઈ ૨૦૧૮.

19 responses to “અપેક્ષા-ઉપેક્ષા

  1. pravinshastri July 21, 2018 at 11:28 PM

    સરસ પૃથ્થક્કરંણ. .“જો હું મારું માન બીજાના હાથમાં સોંપુ તો જ તે મારું અપમાન કરી શકે ને?”
    કાકાસાહેબની વાતમાંથી ઘણું જાણવાનું છે.

    Like

  2. pravinshastri July 21, 2018 at 11:15 PM

    આભાર સાહેબ.

    Like

  3. pravinshastri July 21, 2018 at 11:13 PM

    આભાર ઠાકર સાહેબ.

    Like

  4. mhthaker July 21, 2018 at 1:51 PM

    very touching true story…like we were seeing movie..well written – thx pravinbhai for the spirit

    Liked by 1 person

  5. R.m.modi July 21, 2018 at 12:35 AM

    કડવો ઘુંટડો ગળી જઈ શંકરલાલ ચાલી ગયા પણ દિનેશ ને સમજાવી દેવા બહુ સારું લગાડવા વાતો કરી, દિનેશ પણ સમજી ગયો,સરસ લાગેછે,Congrates.

    Liked by 2 people

  6. pragnaju July 20, 2018 at 10:04 PM

    અપેક્ષા- અંગે કવિ કલાપી…
    આશા એ તો મધુર કડવો અંશ છે જિંદગીનો
    છેદાયે ના જીવીત લગી, એ છેદતાં જીવ જાતો
    વૃધ્ધ શંકરલાલની અપેક્ષા સ્વાભાવિક હતી
    પણ જ્યારે અપેક્ષાથી ઉપસ્થિત થતી મન-મૂંઝવણનું આ એક જ મારણ છે.તે ન સમજો તો માનસિક અસ્થિર સ્થિતીમા ગમે તે પરીણામ આવે.ઉપેક્ષા પોતાની નજર ભૂત અને ભાવિ બેઉ તરફ રાખી શકે છે. ભૂતકાળમાં કોઇએ આપણી ઉપેક્ષા કરી હોય તો તે આપણાથી ભૂલાતી નથી અને ભાવિમાં જો તક મળે તો આપણે તેનો બદલો લેવાનું ચૂકતા નથી. અને જો આપણે કોઈની ઉપેક્ષા કરી હોય તો તે પણ ભવિષ્યમાં તક મળે તો તેનું ફળ આપવાનું ચૂકતો નથી.
    એક બીજાથી થતી ઉપેક્ષાના દુઃખથી બચવાના બે સરળ ઉપાય છે. એક છે સહકાર અને બીજો છે સંયમ. સહકાર એટલે જ્યારે કોઈ આપણી સહાયની અપેક્ષા રાખે ત્યારે તેને બનતી મદદ કરવી અને જ્યારે આપણે અપેક્ષા રાખી હોય ત્યારે કોઈ મદદ ન કરે ત્યારે સંયમ રાખી તે વાતને ભૂલી જવી. કોઈ વાર એવું બને કે કોઈ વખતે વિના વાંકે પણ આપણી ઉપેક્ષા થાય. આવું થવાનું કારણ શું છે તે કાકા સાહેબ કાલેલકરે એક જ વાક્યમાં સરસ રીતે સમજાવ્યું છે. .
    .
    .
    .“જો હું મારું માન બીજાના હાથમાં સોંપુ તો જ તે મારું અપમાન કરી શકે ને?”

    Liked by 2 people

  7. pravinshastri July 20, 2018 at 12:42 PM

    વિમળા બહેન, આપ તો મારા પ્રેમ પુર્વક વખાણ કરવાના જ. તમને મારી વાત ગમી એનો આનંદ. આ સાહજીક વાતનું ઘણી રીતે મૂલ્યાંકન કરી શકાય. તમે કર્યું તે ગમ્યું.

    Like

  8. vimla hirpara July 20, 2018 at 8:55 AM

    પ્રવિણભાઇ,દર વખતની જેમ આ વખત પણ તમારી કલમ મેદાન મારી ગઇ. અપેક્ષા જ બધા દુઃખનું મુળ છે. બાકી તો અંકુરના વર્તનમાં ઉપેક્ષા દેખાતી નથી. આવા પ્રસંગે માણસ ધારે તો પણ બધાને ન્યાય કે સમય આપી ન શકે. એમાં આપણા વડીલો પાયલાગણ માગે!એક વાત સમજવા જેવી કે જો દેશમાં જ શ્રમ કરવામાં આપણે નાનમ ન અનુભવી હોત કે કોઇ કામને મોભા સાથે જોડી દીધુ ના હોત તો આપણે ‘મેરી લેંડ’ છોડી ‘તેરી લેંડ’માં આવવુ નપડ્યુ હોત! બરાબર ને!

    Liked by 2 people

  9. Devika Dhruva July 19, 2018 at 3:38 PM

    મા-બાપ સાથેની આવી વાર્તાઓ ઠેર ઠેર વાંચી છે. પણ શિક્ષક-વિદ્યાર્થીની આવી વાત,સંવાદ,અપેક્ષા,ઉપેક્ષા આટલી નજાકતથી અને સરળ શૈલીમાં લખાયેલી આટલી હ્રદયસ્પર્શી અને ઉમદા સંદેશથી ભરી ભરી તો તમારી કલમે જ. ખૂબ ગમી.સુંદર વાર્તા.

    Liked by 2 people

  10. pravinshastri July 19, 2018 at 2:27 PM

    અમૃતભાઈ હજારીએ પણ એ જ કહ્યું છે.

    Like

  11. pravinshastri July 19, 2018 at 2:24 PM

    કર્મણેવાધિકારસ્તે…..

    Like

  12. મનસુખલાલ ગાંધી July 19, 2018 at 2:23 PM

    બહુ સુંદર વિશ્લેષણ કર્યું છે. અને ખરી વાત છે, આવા મોટા પ્રસંગે ઘણા બધા આમંત્રિતો આવે, અને દરેકને મળવાનું હોય. કોઈ એક પાછળ બહુ સમય ન કાઢી શકે એ સ્વાભાવિક છે.

    Liked by 2 people

  13. વાસુદેવભાઈ પટેલ July 19, 2018 at 1:50 PM

    રિબીન કાપનાર ડોક્ટરને શંકરલાલના જમાઈ બતાવીને અંકુરને શરમાવી શકાત !

    Liked by 2 people

  14. Amrut Hazari. July 19, 2018 at 1:50 PM

    હાતિમ તાઇના શબ્દોમાં કહું તો…‘ નેકી કર ઓર દરિયેમે દાલ

    Liked by 1 person

  15. pravinshastri July 19, 2018 at 12:07 PM

    અમૃતભાઈ સરસ માનસશાસ્ત્રીય વિશ્લેષણ. આગળથી જ જે અપેક્ષાઓ બાંધી હોય તે જ્યારે ન સંતોષાય ત્યારે ઉપેક્ષા જ લાગે. માનસિક દુઃખનું કારણ બને.

    Like

  16. pravinshastri July 19, 2018 at 11:52 AM

    આભાર જુભાઈ. મારે માટે એવૉર્ડ કહેવાય.

    Like

  17. Amrut Hazari. July 19, 2018 at 9:08 AM

    સરસ. પ્રવિણભાઇના મંજાયેલા હાથે ખૂબ મંજાયેલી વાર્તા વાંચી.

    વાર્તાનું મથાળું છે….અપેક્ષા..ઉપેક્ષા.

    અહિં બે જુદા જુદા સમયની બે પેઢીઓના વિચારોની કશ્મકશ છે. બે જુદા જુદા સમયની અને બે જુદા જુદા દેશોની જુદી જુદી સંસ્કૃતિની કશ્મકશ છે. શંકરલાલ માસ્તરના હાથ ગુજરાતના અેક ગામડામાં નીચે પ્રાઇમરી શાળાના ત્રીજા ઘોરણમાં ભણેલો અંકુર જ્યારે શંકરલાલને દુનિયાના સૌથી અેડવાન્સ શહેર ન્યુ યોર્કમા. મળે છે ત્યારે તે ડોક્ટર થઇને પોતાની પ્રેક્ટીસ કરવાની ઉમરનો થઇ ગયો છે. બન્ને સમય વચ્ચે લગભગ ૨૪ વરસોનો ગાળો થઇ ગયો છે. આજની અમેરિકન સંસ્કૃતિ અને સાયકોલોજીકલ નોલેજને સહારે અેક વાત કહે છે…, ડોન્ટ અેક્ષ્પેક્ટ…..અપેક્ષા નહિ રાખો….તમે તમારી ફરજો બજાવી…..અમે અમારી ફરજો બજાવીશું. શંકરલાલ લાગણીઓના પ્રવાહમાં તણાતા ગયા અને અંકુર૨૦૧૮ના વરસની આઘુનિક સંસ્કૃતિમાં રહીને વર્તતો ગયો.
    શંકરલાલ પાસે અપેક્ષા હતી…તેણે તેની સાથેના વર્તનને ઉપેક્ષા માની. આ બન્ને શંકરલાલની પોતાની માનસિક પરિસ્થિતિ હતી.
    અંકુરને જો કોઇઅે પૂછયુ હોત તો અંકુરના મનના વિચારો જાણવા મળતે. પહેલી વાત તો અે કે ૨૪ જેટલા વરસો બાદ જો અંકુર શંકરલાલને ઓળછવાની કશ્મકશમાં ,વિચારોમાં જો છંકરલાલને ઓળખી કાઢીને ઇન્વીટેશન કાર્ડ આપે તો કહેવું જોઇઅે કે અંકરે શંકરલાલની જરીકે ઉપેક્ષા કરી નથી. તેણે તો તે જ ઘડીે કહેલું કે સમય મળશે ત્યારે સાથે બેસીને ખૂબ વાતો કરીશું.ક્લીનીકના ઉદઘાટનના સમયે અંકુરનુ;ં બીજા મહેમાનો સાથે બીઝી રહેવું જરુરી કહેવાય. શંકરલાલ તો પોતાના છે…તેમની સાથે તો નિરાંતે લાબા સમય માટે સાથે બેસીને વાત કરાય.
    શંકરલાલે પોતાની અપેક્ષાઓમાં અંકુરને અન્યાય કર્યો છે. તેના મન હૃદયને પૂછવા વિના નિર્ણય લઇને શંકરલાલનુ.ચાલી જવું….જ્યારે અંકુરને ખબર પડી હશે ત્યારે તેના દિલ પર શું વીતી હશે તેનો કોઇઅે વિચાર કર્યો છે?
    અંકુરની પ્રેમિકા તો અેક પાત્ર જ છે…સ્ત્રી છે અને તેણે અેક સામાન્ય સ્ત્રી જેવું વર્તન કર્યુ.
    દુનિયા આછી વરસોથી જાણે છે…ઘર્મગંથો પણ શીક્ષણ આપે છે કે જે કર્મ તમે કર્યુ છે તેને માટે કોઇ અપેક્ષા કરવી નહિ.
    મારે મતે શંકરલાલ આ સિનિયર ઉમરે લાગણીના પ્રવાહમાં તણાઇ ગયા અને વાર્તાનો જન્મ થયો છે.
    પ્રવિણભાઇ, તમે જે પોઇંટ પર બ્રેક મારીને વારતાને અટકાવી તેમાં તમારો વિજય જોઉં છું.
    અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 4 people

  18. jugalkishor July 19, 2018 at 1:47 AM

    સારી વાર્તા. ગમી તેથી અહીં ટપકાવું ધન્યવાદ.

    Liked by 2 people

  19. મનસુખલાલ ગાંધી July 18, 2018 at 6:24 PM

    બીચારા શંકરલાલ…. મોટી ઉંમરે કે ન છુટકે અમેરીકા આવી ચડેલા આવા તો અનેક શંકરલાલો-શાંતિલાલો- કમળાકાકીઓ-મણીબેનો વગેરે ઢગલાબંધ અમેરીકામાં મળશે.. અને દેશમાં બાદશાહી ભોગવેલાઓ પણ અહીં ટકી રહેવા માટે ન છુટકે આવા નાના મોટા પરચુરણ કામો કરતાં હોય છે. ફક્ત તકલીફ એકજ છે, દરેકને આવા સમજદાર અને સહયોગ દેનારા ‘દિનેશો’ મળતાં નથી…!! જેને મળે છે તે ભલે થોડા તો થોડા પણ નસીબદાર ગણાય..

    બહુ સુંદર વાર્તા..

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: