મેડિકલી યોર્સ -મુકેશ પંડ્યા

લંડનથી મારા/આપણાં મિત્ર શ્રી

Prabhulal H. Bharadia

જુદા જુદા માધ્યમમાં પ્રગટ થતી વાતો મિત્રોને મૅઇલ દ્વારા ફોરવર્ડ કરે છે. આજે મને મુકેશ પંડ્યાનો આ સરસ લેખ મળ્યો જે આપ વાચક મિત્રો માટે પોસ્ટ કરું છું

 

 તમારી તબિયત કેમ છે? (Gujarati) [Posted by B D Jesrani]

કેમ છો? મજામાં? તમારી તબિયત કેમ છે?

મેડિકલી યોર્સ -મુકેશ પંડ્યા

દુનિયાની કોઇ પણ બે વ્યક્તિ રૂબરૂ મળે કે ટેલિફોન ઉપર વાતચીત કરે, મોટેભાગે શરૂઆત તો આ સંવાદથી જ થતી હશે. કેમ છો? મજામાં? હા, હિન્દીમાં વાતચીત કરતા હોય તો એમ પૂછે કે કૈસે હો? મજેમે? અથવા અંગ્રેજીમાં વાતચીત કરતા હોય તો પૂછશે, હાઉ આર યુ? ફાઇન? (આવું જ દુનિયાની દરેક ભાષાનું સમજી લેવું.) વિશ્ર્વમાં વધુમાં વધુ કયા સંવાદ બોલાતા હશે એનું જો સર્વેક્ષણ કરવામાં આવે તો ઉપરોકત સંવાદોને અવશ્ય પ્રથમ સ્થાન મળે જ. આના પરથી એક વાત જરૂર ફલિત થાય છે કે લોકોને પોતાના તેમ જ અન્યના સ્વાસ્થ્યની ચિંતા હોય છે. પણ જ્યારે કોઇ હિતેચ્છુએ પૂછેલા ઉપરોકત પ્રશ્ર્ન- કેમ છો? મજામાં? નો તમે એટલો ઉત્તર આપો કે હા મજામાં છું? ત્યારે એ એકમાત્ર ઔપચારિકતા બની જાય છે. ખરેખર તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (વિશ્ર્વ આરોગ્ય સંસ્થા – હુ) જેની સ્થાપના ૭ એપ્રિલ,૧૯૪૮ના દિવસે થઇ અને જેનું મુખ્યાલય સ્વિટ્ઝર્લેન્ડના જીનિવા શહેરમાં છે, તેના બંધારણ પ્રમાણે માનવ આરોગ્યની જે વ્યાખ્યા કરી છે એ થોડી વિસ્તૃત છે. આ વ્યાખ્યા પ્રમાણે, ‘માત્ર રોગ કે નબળાઇની ગેરહાજરી જ નહીં, શારીરિક, માનસિક અને સામાજિક સ્વસ્થતા જાળવતી સ્થિતિ એટલે આરોગ્ય. જોકે, ત્યાર બાદ તો દુનિયાની નદીઓમાં ઘણાં નીર વહી ગયા. આજે સાત દાયકા પછી આ ત્રિમાર્ગી આરોગ્યની વ્યાખ્યા સ્વાસ્થ્યના સાત સોપાન સુધી વિસ્તરી છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કૅલિફોર્નિયાએ મનુષ્યની સંપૂર્ણ સ્વસ્થતા માટે સાત પરિમાણો નક્કી કર્યા છે તે આ પ્રમાણે છે:
૧) સોશિયલ વેલનેસ – સામાજિક સ્વસ્થતા
૨) ઇમોશનલ વેલનેસ -વિવિધ લાગણી સંબંધી સ્વસ્થતા
૩) સ્પિરિચ્યુઅલ વેલનેસ -અધ્યાત્મ સંબંધી સ્વસ્થતા
૪) એનવાયરનમૅન્ટલ વેલનેસ – પર્યાવરણીય સ્વસ્થતા
પ) ઓક્યુપેશનલ વેલનેસ-વ્યવસાયિક સ્વસ્થતા
૬) ઇન્ટેલેક્ચ્યુઅલ વેલનેસ – બૌદ્ધિક કે માનસિક સ્વસ્થતા અને
૭) ફીઝીકલ વેલનેસ – શારીરિક સ્વસ્થતા.

 

આ સાતેસાત પરિમાણોની આપણા સ્વાસ્થ્યના સ્તર પર અચૂક અસર થાય છે. મતલબ કે તમે શારીરિક રીતે સ્વસ્થ હો, પણ જે નોકરી કે ધંધો કરો છો તેનાથી સંતુષ્ટ નથી તો પછી તમને પૂર્ણ સ્વસ્થ વ્યક્તિ તો ન જ કહી શકાય. આ જ રીતે તમે જે વાતાવરણમાં રહો છો તેની સારી કે નરસી અસર પણ તમારા પર પડ્યા વગર રહેવાની નથી. આમ ઉપરોકત સાતે સાત કોઠા જો શાંતિપૂર્વક પાર પાડી શકો તો તમે ગુણવત્તાભર્યુ સ્વસ્થ જીવન જીવો છો એમ કહી શકાય. જો તમારે ખરેખર મજામાં રહેવું હોય તો આ સાતે પરિમાણોનો અભ્યાસ અને અનુભવ જરૂરી છે.

 

ચાલો, આ સાતે કોઠાઓને જરા વિગતવાર જોઇએ.

 

૧) સોશિયલ વેલનેસ – સામાજિક સ્વસ્થતા

દુનિયામાં અસંખ્ય જાતના નાના મોટા પ્રાણીઓ છે એમાં મનુષ્યને સામાજિક પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ દુનિયામાં વસતા અન્ય માનવી પછી તે માબાપ, ભાઇ-બહેન કે પત્ની હોય, સગાં-સંબંધી હોય, મિત્રો હોય કે સાથે કામ કરતા સહકર્મચારી હોય આ દરેક લોકો સાથે સકારાત્મક સંબંધો બાંધવાની કે જાળવવાની ક્ષમતા તમારી સામાજિક સ્વસ્થતા નક્કી કરે છે. એક સંતે બહુ સરસ વાત કહી હતી કે સંન્યાસી જીવન તો અઘરું હશે જ, પણ સંસારમાં રહીને જીવવું એથી પણ અઘરું કામ છે. એકને મનાવવા જતાં, બીજું રિસાય એમ પણ બને. દરેક જણા સાથે સંબંધો સાચવીને રહેવું એ તંગ દોરડા પર સમતુલા જાળવીને ચાલવા જેટલું અઘરું કામ છે. જો તમે સામાજિક સંબંધો જાળવવામાં સફળ થયા તો તમે તબિયતથી જીવો છો એમ કહી શકાય ખરું.

 

૨) ઇમોશનલ વેલનેસ -વિવિધ લાગણી સંબંધી સ્વસ્થતા

આપણી જાતને સમજવાની ક્ષમતા અને અનેક પ્રકારની લાગણીઓને સંયમમાં રાખવાનું સામર્થ્ય એ પણ આપણી સ્વસ્થતાનો માપદંડ નક્કી કરે છે. ઘણા લોકો બે કટ્ટર હરીફો વચ્ચેની રમતને ખેલદિલીથી ન લેતાં મગજ ઉપર લઇ લે છે અને પોતાની માનીતી ટીમ જો હારી જાય તો હાર્ટ એટેકનો ભોગ પણ બની જાય છે. ઘણી વાર તો લોકોના હાર્ટફેઇલ થયાં હોવાના સમાચાર પણ મળતા હોય છે. ક્રોધ, ડર, સુખ -દુ:ખ, માનસિક તાણ, આશા-નિરાશા, પ્રેમ, આનંદ,ઉત્સાહ આવી અનેક પ્રકારની સારી-નરસી લાગણીમાંથી માનવી પળે પળે પસાર થતો હોય છે. આમ તો મગજ અને હૃદય વચ્ચે માત્ર ૧૪ ઇંચનું જ અંતર હોય છે. હૃદયમાં અનુભવાતી અનેક પ્રકારની લાગણીઓની અસર પોતાના મગજ, શરીર કે મન પર ન પડવા દે એ જ ખરો સ્વસ્થ માણસ કહેવાય એમાં બે મત નથી.

 

૩) સ્પિરિચ્યુઅલ વેલનેસ -અધ્યાત્મ સંબંધી સ્વસ્થતા

દરેક વ્યક્તિને જીવન શું છે? મૃત્યુ શું છે? પોતે કોણ છે? ક્યાંથી આવ્યો છે? ક્યાં જવાનો છે? સત્ય શું છે? અસત્ય શું છે? ધર્મ શું છે? અધર્મ શું છે? એ વાતો જાણવાનો અધિકાર છે જ. પણ આ વાતો જાણ્યા પછી પોતે જે જાણે છે એ બરાબર અને બીજા જે જાણે છે તે ખોટું આ પ્રકારની મન:સ્થિતિનું નિર્માણ તેના મગજમાં થાય છે ત્યારે સામાજિક શાંતિ અને સુમેળની ભાવના ડહોળાય છે. ઘણા લોકો ધર્મ અને અધ્યાત્મની એવી ભેળસેળ કરી નાખે છે કે સાચું શું? ખોટું શું એ જાણવાની ઉત્કંઠાથી વાત હું સાચો- તું ખોટો પર પહોંચી જાય છે. આજે દુનિયા આખી આ મુદ્દા પર લડાઇ ઝઘડા કરી રહી છે તેથી ધાર્મિક સંઘર્ષ અને આધ્યાત્મિક અસ્વસ્થતાનું પ્રમાણ વધતું ચાલ્યું છે. પરિણામસ્વરૂપે થતી ક્રાંતિ ક્યારે લોહિયાળ સ્વરૂપ ધારણ કરી લે તે નક્કી નથી હોતું. વાત કદાચ કડવી લાગે પણ એ હકીકત છે કે હાલ દુનિયાની અસ્વસ્થતામાં જે વધારો થયો છે કે રોજેરોજના ખૂનામરકી વધ્યા છે તેમાં આ ધાર્મિક અને અધ્યાત્મ સંબંધી કથળેલુ આરોગ્ય ઘણું જ જવાબદાર છે. શાંતિ અને સુમેળ તરફ કૂચ કરવાની અધ્યાત્મની પહેલી શરતનો જ ભંગ થઇ રહ્યો છે. કહેવાતા ધર્મગુરુઓના અસંખ્ય સંપ્રદાયોમાં આપણી આધ્યાત્મિક શાંતિના ટુકડે ટુકડા થવા ન દઇએ તો આપણે સ્વસ્થ છીએ એમ સમજી લેવું.

 

૪) એનવાયરનમૅન્ટલ વેલનેસ – પર્યાવરણીય સ્વસ્થતા

આપણી આજુબાજુની જમીન, પાણી અને હવાને સ્વચ્છ અને શુદ્ધ રાખવાની આપણી જવાબદારી આપણે સારી રીતે નિભાવવી જ જોઇએ આ વાત પશ્ર્ચિમી સમાજ ભલે હવે માનતો થયો હોય, પણ આપણી સંસ્કૃતિ તો ‘યથા બ્રહ્માંડે તથા પિંડે’ વાળી થિયરીમાં માને છે. મતલબ કે બ્રહ્માંડમાં જે પાંચ મૂળ તત્ત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને અવકાશ છે એ સઘળા આપણા પિંડ (શરીર)માં પણ છે. મતલબ જેટલું પર્યાવરણ નીરોગી રહે એટલું આપણા શરીર માટે પણ ફાયદાકારક છે. ખાવાપીવામાં જેટલી તકેદારી રાખીએ છીએ એટલી જ તકેદારી કે કદાચ એનાથી વધુ તકેદારી આસપાસની હવાની શુદ્ધતાની બાબતમાં રાખવી જરૂરી છે, કારણ કે ખાવાપીવાની ક્રિયા તો અમુક સમયે જ થતી હોય છે, પણ હવાનો ઉપયોગ તો આપણે રાતદિવસ નિરંતર કરતા હોઇએ છીએ. જો તમે નિયમિત કસરત કરતા હો, મનથી પણ મજબૂત હો, પણ તમારી આસપાસનું વાતાવરણ દૂષિત હોય તો તમે મજામાં નથી.

 

પ) ઓક્યુપેશનલ વેલનેસ-વ્યવસાયિક સ્વસ્થતા

આપણી નોકરી, ધંધો કે કારકિર્દી ક્ષેત્રે મળતો સંતોષ અને આપણા ઉપરી અને સહકાર્યકરો સાથેના તંદુરસ્ત સંબંધો પણ આજના સ્પર્ધાત્મક યુગમાં અત્યંત જરૂરી છે. તમે જેટલો સમય જીવો છો એના ત્રીજા ભાગનો કે તેથી વધુ સમય તમે નોકરી-ધંધામાં વીતાવો છો. તમારા કાર્યક્ષેત્રે જો તમે સ્વસ્થ નથી કે જોબ સેટિસફેક્શન (સંતોષનો ભાવ ) નથી તો પણ તમે મજામાં નથી.

 

૬) ઇન્ટેલેક્ચ્યુઅલ વેલનેસ – બૌદ્ધિક કે માનસિક સ્વસ્થતા

મન ચંગા તો કથરોટમાં ગંગા – આ કહેવત તો તમે સાંભળી જ હશે તેની સાથે બીજી કહેવત પણ સાંભળી હશે કે, મન હોય તો માળવે જવાય. મતલબ સાફ છે. તમે તંદુરસ્ત કે બોડી બિલ્ડર હો, પણ માનસિક રીતે નબળા હો તો કશો અર્થ સરતો નથી. આથી ઊલટું મહાત્મા ગાંધી જેવા સૂકલકડી માનવી દક્ષિણ આફ્રિકા અને ભારતમાં બળવાન અંગ્રેજો સામે લડી શક્યા હતાં એ તેમની માનસિક અને બૌદ્ધિક શક્તિનો બોલતો પુરાવો છે. જો મનથી સશક્ત નહીં હોવ તો પણ તમે મજામાં નથી.

 

૭) ફિઝિકલ વેલનેસ – શારીરિક સ્વસ્થતા

તંદુરસ્ત અને થકાવટ વગરનું જીવન જીવવા શરીર હેમખેમ હોવું જરૂરી છે. તમે બોડી બિલ્ડર હો તો સારી વાત છે, પણ ન હોવ તો નિરાશ થવાની જરૂર નથી. શરીરની સુખાકારી માટે આકર્ષક શરીર નહીં પણ રોગપ્રતિકારક અને નીરોગી શરીરની જરૂર પડે છે. શરીર રોગગ્રસ્ત હોય એટલે સ્વાભાવિક જ તમે મજામાં નથી.

 

આગળ આપણે આ કૉલમ હેઠળ અનેક બીમારી, તેની અનેક પ્રકારની સારવાર વિશે ઘણી બધી ચર્ચા કરીશું, પણ એટલું યાદ રાખજો કે તમારે ખરેખર મજામાં રહેવું હોય તો માત્ર શરીર જ નહીં બાકીના છ એ છ પરિબળો સ્વસ્થ રહે તેના પ્રયત્નો કરવા પડશે.

 

બેસ્ટ ઑફ લક!

One response to “મેડિકલી યોર્સ -મુકેશ પંડ્યા

  1. pragnaju August 7, 2018 at 10:31 PM

    કેમ છે ?…
    ઘણું નવું જાણવા મળ્યું બાકી હંમણા
    પ્રેમ છે
    ઉતરમા કહેવાની પ્રથા છે

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: