સૌજન્યઃ ફેસબુક મિત્ર

Irfan Sathia

 

હજ્જારો દિવસથી બાપાનું મોઢું તો દૂર પણ ખબર જોવાની પણ દરકાર ન કરી હોય તેઓ બાપાના મરી ગયાં પછી અજબ ગજબ ડ્રામા કરશે.

” હું અત્યારે જ નીકળી આઉં છું. પપ્પાના દર્શન તો કરીશ જ”

” ના, ના… તમે અત્યારે ન નીકળો. તમને અંહી પહોંચતા સહેજે છત્રીસ કલાક તો થઈ જાય. અંહી ગરમી બહુ છે. મૃતદેહ ન રખાય એટલી વાર. અને તાત્કાલીક ટિકિટનો દર પણ ઊંચો હશે. ખોટું તમારે સિઝન ચાલે છે ને બિઝનેસ ખોટી ન કરાય ”

” અરે…ભલે ગમ્મે તેટલી ટીકીટ થાય હું આવી જઈશ. શોપ પર છો ને અઠવાડિયું તાળું મારવું પડે. ”

” અરે ભૈ તું લાગણીશીલ ન બન. જાત પર કાબુ રાખ. પછી દિવાળી પર જ આવજે. અંહી વાતાવરણ પણ થોડું ઠંડું હશે ને મગન કાકાને ત્યાં લગન પણ સચવાઈ જશે.”

” ઠીક છે આ તો તમે જીદે ચઢ્યા છો બાકી હું તો પહેરેલે કપડે નીકળી જવાનો હતો. પણ પપ્પાના દર્શન કરાવવાનું ન ભૂલતા. અંહી ભલે મોડી રાતના ત્રણ વાગ્યા હશે પણ હું ઉઠી જઈશ.
અને કંઈપણ કામ હોય,હેઝીટેટ થયાં વગર ફોન કરી દેવાનો ”

પછી અંહીના ચાર વાગ્યે વિડીયો કૉલ જોડાય.

” પપ્પાઆઆઆઆ…. હું અનાથ થઈ ગયો. મેં તમારા માટે મફલર લીધું હતું કોને પહેરાવીશ…પપ્પાઆઆઆઆ….ચેમ્પ (ચંપા)ને તો ખબર પણ નથી કે તમે આમ દગો કરી ને જતાં રહ્યા છો. એ ડ્યુટી પરથી આવશે હું શું કહીશ પપ્પાઆઆઆ… આમ ના જાઓ પપ્પાઆઆઆ… ( આમ વૉટ્સએપમાં જીવતા રહો)

“આ વર્ષે કોઈ નોમિનેશન નહીં. બધી કેટેગરીના ઓસ્કર આ ભૈને જ મળવા જોઈએ. ” ઓસ્કર સમિતિએ કોલ ઈન્ટરસેપ્ટ થયાં પછી કરેલી જાહેરાત.

ઈન્ડીયાની બળતી બપોરે….

“પપ્પાનું મોઢું થોડું આ બાજું કરો. થોડું કલોઝઅપ લઈ જાઓ. તમારું નેટવર્ક યાર…”

” પણ તમારું ડાચું તો ચોખ્ખું દેખાય છે.”

“અંહી અમારે વાઈફાઈ ચોવીસ કલાક. ભલે મોંઘું પડે થોડું. સરકાર ટેક્ષ લે પણ સવલતો પણ આપે. અને સૌથી મોટી વાત અંહી શું કે દરેક નાગરીક ઈમાનદારીથી ટેક્ષ ચૂકવી દે. તમારા જેમ ચોરી ન કરે.”

પછી ઈ-પરમીશન અને ઈ-પ્રાર્થના સાથે મુખાગ્નિ અપાયો. થોડીવારમાં જ આગની જવાળાઓ ભડકી અને ધૂમાડો ઉઠવા લાગ્યો.

” અરે પિક્ચર ક્લિયર નથી આવતું. થોડું દૂર રાખો ફોન.”

” અરે ધૂમાડો છે એટલે કાકા”

” તમે યાર ખરું પોલ્યુશન કરો છો. અમારે અંહીયા તો આવી કોઈ જ જફા નહીં. સગાં વ્હાલાં ન હોય તો ય સરકાર બધું પતાવી જ લે. ઈન્સ્યુરન્સ અને ટેક્ષ. સરકાર ટેક્ષ વસૂલે પણ સવલતો પૂરી આપે હો. અંહી તો કેચી પર શબને સુવડાવી દે બટન પાડે ને ખેલ પૂરો. આટલો બધો ટાઈમ પણ ન હોય ને લોકો પાસે અંહી…”

” મમ્મી ને હાચવવા ભારે છે કાકા થોડા દિવસ તમે ત્યાં લઈ જાઓ.”

” હેલ્લો…હેલ્લોઓઓઓઓઓ… હેલ્લોઓઓઓઓઓ…આ વાતાવરણને લીધે…કદાચ રિસેપ્શન પુઅર છે. તમે પતાવી લો વિધિ હું સવારે નહીં તો વિકેન્ડના ફોન કરીશ.”

અને વિડીયો કૉલ ડીસકનેક્ટ થયો…!!!

( કાલ્પનિક નામો સાથે રજૂ થયેલી જવલ્લે જ જોવાં મળતી અકલ્પનીય ઘટના)

( શ્રી બિરેન કોઠારીના વૉટ્સએપ વિડીયો કૉલનું એક્સટેન્શન)

ઈરફાન

😜😜