હરનિશ અને હું.

સ્મર્ણાંજલિ – સ્નેહાંજલિ.

harnish jani

હરનિશ અને હું.

 

મારા એક મિત્રની વસમી વિદાય.

વાત છે રાજપીપળાના રાજકુમાર તરીકે ઓળખાતા, સિદ્ધહસ્ત સાહિત્યકાર. અને સરળ વક્તા હરનિશ જાનીની. વાતચીત કરવાના રંગઢંગમાં એક અનોખી વિશિષ્ટતા. એ કંઈ પણ વાત કરતા હોય, અની આસપાસ ટોળું ભેગું થઈ જાય. આ વાત કાંઈ આજકાલની નથી. હું તો એમને ૧૯૬૦ થી ઓળખું. અત્યારના હરનિશભાઈ તે તે સમયનો હરનિશ.અમારો ગમતો હેન્ડસમ જાની. પીટી સાયન્સ કોલેજ, સુરતના જુનીયર બીએસસી અને સિનિયર બીએસસીના વર્ષોમાં એક જ બેન્ચ પર મેં, હરનિશ, ઉપેન અને દિલીપે કેટલાઓ કલાક સાથે ગાળ્યા હતાં.

હાઈસ્કુલના વર્ષો અને કોલેજના બે વર્ષો દરમ્યાન મેં વાર્તાઓ લખી. પ્રગટ થઈ. અને પછી મેં લખવાનું બંધ કર્યું. એ જ સમય દરમ્યાન હરનિશ પણ સામયિકોમાં વાર્તા લખતા હતા. કેટલીક વાર્તાએ સ્પર્ધામાં ઈનામ મેળવ્યું.

મિત્ર ઉપેન વૈદ્ય અને હરનિશ બન્ને હોસ્ટેલમાં રહેતા એટલે એમની ગાંઠ વધારે પાકી. બીએસસી પુરું કર્યુ અને અમે ૧૯૬૨માં વિખરાયા.

૧૯૭૦ના અરસામાં ફરી અમે અમેરિકામાં ઉપેન વૈદ્યને ત્યાં ભેગા મળ્યા. બસ આવી મુલાકાતોનો સીલસીલો ઉપેનની વિદાય સુધી ચાલુ રહ્યો. ભેગા મળીયે ત્યારે સામાન્ય રીતે. સામાજિક વાતો થાય, કૌટુંબિક ઘરેલુ વાતો થાય. એમની પોતાની વાર્તા કે અન્ય સાહિત્યિક વાત કે એમના ટીવી શોની વાતો થાય અને છેલ્લે સંગીતના વિષયથી વાતોનું સમાપન થાય; જે મારો પ્રીય વિષય. અમે બધા સ્થળ-કાળના સમવયસ્ક પણ ઘણી વાતોમાં હું પૂરો “ઢ” એટલે મોટેભાગે એમનું કામ બોલતા રહેવાનું અને મારું કામ સાંભળતા રહેવનું. મને તો શું સૌ કોઈને એમની વાતો સંભળવાનું ગમે જ ગમે. એમના જીવનના જાતજાતના અવલોકનો, પુશ્કળ વાંચન, વાંચન પછીનું તારણ; સામાન્ય સ્તરના વાચક કરતાં ઘણું જ અનોખું અને વિશિષ્ટ.

હું ૨૦૦૯માં મારી નોકરીમાંથી નિવૃત્ત થયો અને નિવૃત્તિની પ્રવૃત્તિ તરીકે પૂરા પચાસ વર્ષના સાહિત્યિક સન્યાસ પછી મેં વાર્તાઓ લખવા માંડી. તે સમયે હરનિશભાઈનું નામ તો ગુજરાતી સાહિત્ય સમાજમાં ઊંચી કક્ષાના હાસ્યલેખક તરીકે સ્થાપિત થઈ ચૂક્યું હતું. અમેરિકામાં મારી પહેલી વાર્તા “સ્પેસ” ગુજરાત દર્પણમાં પ્રગટ થઈ. મેગેઝિન એમના હાથમાં આવ્યું અને તેજ સાંજે એમનો ફોન આવ્યો. એમને વાર્તા ઘણી જ ગમી. છેલ્લી પંચ લાઈનના વખાણ કર્યા. જેમણે એમની એવૉર્ડ વિનિંગ બુકસ “સુધન” અને “સુશીલા” વાંચી હશે એમને ખ્યાલ આવશે કે વાર્તાઓમાં એન્ડિગ પંચ લાઈન આખી વાર્તાનું હાર્દ હોય છે. મારી દરેક વાર્તા રસપુર્વક વાંચતા અને સૂચનો કરતાં. ક્યારેક વખાણ, ક્યારેક ટિકા તો ક્યારેક સૂચનો. સુજ્ઞ વાચકોને તો ખબર હશે જ કે હરનિશનુ પહેલું પુસ્તક “સુધન” કે જે પિતાશ્રી સુધન લાલના સ્મરણે લખાયું હતું તેને ગુજરાત્ સાહિત્ય અકાદમીનું પારિતોષક મળ્યું હતું. બીજા પુસ્ત્કનું નામ “સુશીલા”નું નામ માતાને અંજલિ અર્પણ કરવા માટે રાખ્યૂ હતું. અને એ પુસ્તક ‘સુશીલા’ને ‘જ્યોતિન્દ્ર દવે’ પારિતોષિક મળ્યું હતું. ૨૦૧૭માં એમનું ત્રીજું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા” પ્રસિદ્ધ થયું જે એમના પત્ની હંસા બહેનને અર્પણ કર્યું છે.

હરનિશભાઈ પોતાને માટે કહેતા કે મારું લખાણ એ જ મારો પરિચય છે. હુ લખું છું દિલથી અને બોલું છું પણ દિલથી. અને એજ દિલેર મિત્ર હરનિશે દિલથી મારી પહેલી નવલકથા શ્વેતાની પ્રસ્તવનામાં લખ્યું છે;

મિત્રને વધાઈ-

કોઈપણ પુસ્તકને બીજાકોઈ લેખકના પ્રાસ્તાવિકરૂપી પ્રમાણપત્રની જરૂર ખરી કે? મને નથી લાગતું કે પુસ્તકને અંગે બીજા લેખકના સહાનુભૂતિપૂર્ણ શબ્દો, વાચકોને તે પુસ્તક વાંચવા પ્રેરે! મારા આ પ્રાસ્તાવિકથી પ્રવીણભાઈ શાસ્ત્રીની કલમમાં કાંઈ ફેર નથી પડવાનો કે પુસ્તકના વેચાણ ઉપર કાંઈ અસર નથી થવાની. કહેવાય છે કે ‘ક્રુતિ પોતેજ સર્જકનો પરિચય છે’ પ્રવીણભાઈ એમ માને ચે કે પોતે નવા લેખક છે અને તેમને સિનિયર લેખ્કનો ટેકો મળે; તો લોકો તેમને વાંચતા થાય.

હું એમની એ વાત સાથે સંમત થતો નથી. એ નવા લેખક નથી. એમની કલમને કોઈના સહારાની જરૂર નથી. જો તમને મારી વાત ખોટી લાગતી હોય તો તેમે પુસ્તક વાંચી જોજો. પછી તમે જ નક્કી કરજો.

સિત્તેર વર્ષની ઉંમરે અને અમેરિકાના પચાસ વર્ષના લાંબા વસવાટ પછી જે લેખક સમજપૂર્વક કલમ ઉપાડતા હોય અને જેમની આવી કૌવતવાળી ભાષા-શૈલી હોય તેને ભલા નવોદિત લેખક કેમ કહેવાય! હું માનું કે તેઓ પચાસ વર્ષ અમેરિકામાં ‘કોમા’માં નહોતા. અમેરિકામાં જીવન જીવ્યા છે. પત્ની અને બાળકો સાથે અમેરિકી જીવન શૈલીમાં સમય વિતાવ્યો છે. એકરસ થયા છે. નોકરી-ધંધામાં, અમેરિકન જીવનનું ભાથું ભર્યું છે. આ બધી વાતો એક સારા નવલકથાકાર માટે કાચો મસાલો છે. સાથે જરૂરી છે સાહિત્યપ્રેમ. તો તે તો છે જ. આટલા વાનાં જેની પાસે હોય તે નવોદિત શાના?

તેમના હાઈસ્કુલ જીવનથી તેઓ ટૂંકી વાર્તાઓ લખવાના શોખીન જણાયા છે. અગાઉ મેં જણાવ્યું તેમ અમેરિકામાં તેઓ કંઈ બેભાન અવસ્થામાં નહોતા. તેમણે ઘણું અનુભવ્યું છે, ઘણું નિરીક્ષણ કર્યું છે, ને તે બધું તેમણે અહીં પોતાની વિશિષ્ટ શૈલી-લઢણથી નિરૂપ્યું છે. આ નવલકથા ભલે એમનું પ્રથમ પુસ્તક હોય; પણ આપણને એમના લખાણમાંથી આ વાતની સાબિતી મળે છે.

એમના પાત્રો સામાન્ય ગુજરાતી કુટુમ્બનાં પાત્રો છે. શ્વેતા આપણી જ બહેન-દીકરી લાગે. તેનો પતિ અક્ષય આમતો ભારતમાં વસે છે પણ અમેરિકામાં રહેતો ગ્રીન કાર્ડવાળો ગુજરાતી યુવક લાગે. અમેરિકામાં કેટકેટલા યુવાનો એ દેશમાં જઈને, ત્યાંથી પરણીને આવેલી કોડભરી કન્યાઓને, અહીંની અમેરિકન યુવતીઓના ચક્કરમાં રઝળાવી છે! પરંતુ સુંદરલાલ અને સુવર્ણાબહેન જેવાં શ્વેતાના સાસુ-સસરા તો કોઈ નસીબદારને જ મળે. લેખકે શ્વેતાને રણમાં મીઠી વીરડી સમા સાસુ-સસરા આપ્યાં છે. જેને કારણે તે સરળ વિનમ્ર ગૃહલક્ષ્મીમાંથી ઝાંસીની લક્ષ્મી બની જાય છે.

ફિલ્મવાળા કહે છે તેમ, વધુ માટે રૂપેરી પડદે જુઓ અથવા તો પુસ્તકનાં પાના ખોલો એમ કહી શકું.

એમાં નવાઈની વાત તો એ છે કે એમણે પચાસ વરસ (૪૦-૪૫ કરતાં ૫૦ નો આંકડો સારો લાગે) પછી કલમ ઉપાડી છે. વાર્તા સિદ્ધહસ્ત લેખકની જેમ વહેતી રહે છે. રસભંગ કે પ્રવાહભંગ થતો નથી. વળી આ નવલકથામાં વાચકને જકડી રાખવાનો બધો જ મસાલો  છે. પ્રેમ – લગ્ન – બિઝનેસ – પાર્ટી – ડ્રગસ – દગો – પોલિસ અને જેના વિના વાર્તામાં રસ જ ન પડે એ – સેક્સની વાતો, સ્વેતાને છોડીને શ્વેત છોકરીના રોમાન્સમાં લેખકે અજમાવી છે. એ બતાવે છે કે લેખક સાઠનો દાયકો છોડીને નવા મિલેનિયમમાં પ્રવેશી ચૂક્યા છે અને વર્તમાન ગુજરાતી સમાજને ચિતર્યો છે.

જો કે આ નવલકથામાં લેખકે વાપરેલા ભર્પૂર અંગ્રેજી શબ્દો થોડા નિવારી શકાયા હોત. નવલકથા વાંચીએ તો લાગે કે લેખકના પાત્રો અંગ્રેજી માધ્યમવાળી સ્કૂલમાં ભણ્યાં હશે અને ગુજરાતી બોલવા સભાન પ્રયાસ કરી રહ્યાં છે. અમેરિકાની અસર જ સમજો.

પ્રવીણભાઈને આવી સુંદર વાર્તા પીરસવા બદલ અભિનંદન. લેખક ભવિષ્યમાં નવા નવા વિષયો સાથે આપણી સમક્ષ આવે એવી અભ્યર્થના. પ્રવીણભાઈ ભૂલતા નહીં કે તમે મોડી શરૂઆત કરી છે અને લોકો સિત્તેર વરસનાને નવોદિત નથી ગણતા. લગે રહો પ્રવીણભાઈ.

હરનિશ જાની

(હાસ્ય લેખક)

Harnish Jani

4 Pleasant Drive,

YARDVILLE, NJ – 08620 –USA

E-Mail:-harnish5@yahoo.com

Phone  001-609-585-0861

June 1, 2011.

***

આ મારા મિત્ર એપ્રિલ ૫, ૧૯૪૧ (રામનવમી) ના દિવસે જન્મેલ હરનિશ; સ્વર્ગના દેવતાઓને મનોરંજન કરાવવા માટે ઓગસ્ટ ૨૦, ૨૦૧૮ ના રોજ  સ્વર્ગલોકમાં પ્રયાણ કરી ગયા. એમના “On Loving Memory of Harnish Jani પત્રીકામાં યોગ્ય રીતે જ દર્શાવાયું છે કે “THOSE WHO LIVE IN THE HEARTS OF OTHERS SHALL NEVER DIE”.

આજે સવારે નવ વાગ્યે ધાર્મિક વિધી અને પ્રાર્થનાઓ થઈ. પરિવારના સદસ્યો ઉપરાંત શ્રી મધુ રાય, બોબ મોર્ગન, રામ ગઢવી, રાહુલ શુક્લ જેવા મહાનુભાવોએ સ્મરણાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

સુક્ષ્મ હાસ્ય સભર લેખો, વાર્તાઓ કે  વક્તવ્ય દ્વારા સૌને હસતા રાખતા આ જીદાદિલ મિત્ર હરનિશનો પાર્થિવ દેહ આજે ૨૪ ઓગસ્ટ ૨૦૧૮ ને રોજ સવારે ૧૧ વાગ્યે પંચમહાભૂતમાં ભળી ગયો. ન્યુ જર્સીના ફ્રેન્કલીન મેમોરિયલ પાર્કની ક્રિમેટરી હોલમાં ખીચોખીચ માનવ મેદની શોક અનુભવતી હતી. હાજરી આપનાર દરેક વ્યક્તિ સાથે કંઈકના કંઈક અંગત માનસિક જોડાણો હતા. કંઈક વ્યક્તિગત સ્મૃતિઓ હતી. બધાને માટે હરનિશ અંગત હતા. સાંપ્રત ગુજરાતી સાહિત્ય વાંચનાર ભાગ્યે જ કોઈ એવી હસ્તી હશે જેમણે હરનિશ જાનીને વાંચ્યા ન હોય. એવા કોઈ સાહિત્યકાર ન હોય જેઓ ન્યુ જર્સીમાં આવ્યા હોય અને હરનિશભાઈ અને હંસાબહેનનું ભાવભીનું આતિથ્ય ન માણ્યું હોય.

એમના પત્ની હંસાબેન, પુત્રી આશિની અને શિવાની તથા પુત્ર સંદીપને હરનિશની વિદાયનું દુઃખ સહન કરવાની આંતરિક શક્તિ મળી શકે એ માટે પ્રભુપ્રાર્થના. આખરે તો સૌ સ્નેહીઓએ એક માત્ર આશ્વાસન સ્વિકારવું રહ્યું “जातस्य हि ध्रुवो मृत्यु’.

પ્રભુ એમના આત્માને પરમ શાંતિ બક્ષે.

#################################

એમના કેટલાક સરસ યાદગાર લેખો વાંચવા માટે મારા બ્લોગની કેટેગરી  હરનિશ જાનીની હાસ્ય પ્રસાદી પર ક્લિક કરી વાંચી શકો છો.

9 responses to “હરનિશ અને હું.

 1. ગોદડિયો ચોરો… September 1, 2018 at 2:58 AM

  હરનિશભાઇ ખરેખર એક ગુજરાતી લેખનના દ્રોણાચાર્ય હતા.
  ભરતભાઇ સુચક દ્વારા ચાલુ કરાયેલ “ગુજરાતી -“ગુજરાતી બ્લોગમાં રાજકારણ વિશે મુકતક જેવાં તુકતક લખેલાં ત્યારે એમના અમુલ્ય પ્રતિભાવ બાદ માર્ગદર્શન માટેએક વખત ફોન પર વાત થઇ શકેલી.
  પ્રભુ એમના આત્માને શાંતિ આપે.

  Liked by 1 person

 2. pravinshastri August 31, 2018 at 11:09 AM

  હરનિશ નું મિત્રમંડલ વિશાળ હતું . દરેકને એ પોતાના લાગતા.

  Like

 3. મનસુખલાલ ગાંધી August 31, 2018 at 2:11 AM

  પ્રવીણભાઈ, તમારા હ્રદયમાંથી નીકળેલા આ લખાણે મને હલાવી દીધો છે. જીવનમાં આવા મિત્રો અને આવી મૈત્રીથી વધારી કીમતી કશું નથી.

  ”ફીર ભી દિલ હૈ હિંદુસ્તાની’ના એમના લેખોથી, હું કંઈ પણ નહોતો જાણતો એવા અમેરીકાના રીતરિવાજો તથા પોલીટીકસ વિષે બહુ બધી જાણકારી મલી. હસી હસીને પેટ દુઃખી જાય.. હવે એમના વગર એમના જેવા નવા લેખો ક્યાં મળવાના..?

  તમે સરસ પરમ મિત્ર ગુમાવ્યો, અમે પણ તેમના એક વાંચક તરીકે મિત્ર ગણાઈએ, અમે પણ મિત્ર ગુમાવ્યો. તમે બહુ ભવ્ય રીતે ‘સ્મર્ણાંજલિ – સ્નેહાંજલિ’ આપી છે. પ્રભ તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના અને તેમના કુટુંબીજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.

  Liked by 1 person

 4. pragnaju August 30, 2018 at 10:07 PM

  હૃદયસ્થ હરનીશભાઈના આત્માને શાંતિ બક્ષે.

  Liked by 1 person

 5. Devika Dhruva August 26, 2018 at 1:46 PM

  હરનીશભાઈ ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના નિકટના મિત્ર હતા અને અંગતપણે અમારા ( દેવિકા અને રાહુલના) પણ ખૂબ સારા દોસ્ત હતા. રંગીન સ્વભાવની જેમ ખાવા-પીવાના પણ એવાં જ શોખીન. અમારા આતિથ્યની વારંવાર પ્રશંસા કર્યા વગર ક્યારેય ફોન મૂકતા નહિ.
  ઈશ્વર તેમના આત્માને તારક મહેતા,વિનોદ ભટ્,જ્યોતિન્દ્ર દવે વગેરેના હાસ્ય-દરબારમાં ગોઠવી હસતા રાખે એ જ પ્રાર્થના.
  ૐ શાંતિ….ૐ શાંતિ..ૐ શાંતિ..

  Liked by 3 people

 6. P. K. Davda August 26, 2018 at 11:40 AM

  પ્રવીણભાઈ, તમારા હ્રદયમાંથી નીકળેલા આ લખાણે મને હલાવી દીધો છે. જીવનમાં આવા મિત્રો અને આવી મૈત્રીથી વધારી કીમતી કશું નથી. હરનીશભાઈને હું મળ્યો નથી પણ અનેક વાર ફોન ઉપર ઘણી બધી વાતો કરી છે. એક સ્પષ્ટ વક્તા કોને કહેવાય એનું ઉદાહરણ આપવું હોય તો હરનીશભાઈનું નામ પહેલું જ ધ્યાનમાં આવે. તમને એમનો લાભ ખૂબ લાંબા સમય સુધી મળ્યો છે એટલે તમે નશીબદાર છો.

  Liked by 3 people

 7. ગોવીન્દ મારુ August 26, 2018 at 3:48 AM

  હૃદયસ્થ હરનીશભાઈને હાસ્યાંજલી…

  Liked by 1 person

 8. Vinod R. Patel August 25, 2018 at 1:50 AM

  પ્રભુ હરનિશભાઈ ના આત્માને શાંતિ બક્ષે.

  Liked by 2 people

 9. Gurjarica August 24, 2018 at 11:01 PM

  પ્રવીણભાઈ આપે સાચું કહ્યું કે હરનિશ જાની સર્વમિત્ર હતા અને સૌના અંગત હતા. મારો પરિચય એમની સાથે આપની સરખામણીએ તો સાવ અલ્પ પણ અમારો સંસર્ગ જામતો. મને કાયમ કહેતા તમે બહુ સરસ લાખો છો સાહેબ… મને એ કાયમ સાહેબ જ કહે… મને થોડું અડવુ લાગે પણ સાચું કહુંને તો એમના મોએ થી સાંભળવું પણ ગમતું. સાહિત્ય સંસદના મારા કાર્યક્રમમાં સતત મને પીઠબળ પૂરું પાડે. ન્યૂ જર્સીના સાહિત્ય રસિકોનો એ ધબકાર હતા. હરનિશભાઈના મગજમાં અને હૃદયમાં ભગવાને એક એક એક્સ્ટ્રા ચેમ્બર બનાવી હતી. મગજમાં હ્યુમરની અને હૃદયમાં ઉમદાપણાની… એમના મગજમાં ઉદ્ભવતો કોઇપણ વિચાર પ્રકાશની ગતીથીયે વધારે ઝડપથી એમના હ્યુમરમાં પ્રોસેસ થઈ જાય અને સાથે સાથે એ વિચારનું મલ્ટીપ્લીકેશન પણ થઈ જાય અને પછી એક સાથે એક હરોળમાં અનેક વિષયોની મર્માળ અને વ્યંગનો પાશ ચડાવેલી વાતો એમના શ્રોતાને સાંભળવા મળે. એમની સામે એક શ્રોતા હોય કે એક હજાર હોય પરંતુ જયારે એ બોલે ત્યારે ઉપસ્થિત તમામના ચહેરે ખીલખિલાટ જ હોય. હરનિશ જાનીનું ઓબ્ઝર્વેશન એટલું બધું સૂક્ષ્મ કે કોઇપણ પરિસ્થિતિ કે ઘટના કે વિધાન કે પ્રસંગો પર એમની વક્ર દ્રષ્ટિનું અને એમના વ્યંગનું આવરણ ચડે અને પછી એ પ્રસંગ કે ઘટનાને એમની વર્ણવવાની કુનેહથી એ જ નાનો કે મોટો કે પછી અગત્યનો કે યુઝલેસ પ્રસંગ કે ઘટનાનું વર્ણન પણ અત્યંત રોચક અને રસપ્રદ બની જાય.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: