કાંતાઆન્ટની ફ્રેન્ચ કિસ.

પ્રવીણ શાસ્ત્રી

french Kiss

કાંતાઆન્ટની ફ્રેન્ચ કિસ.

       અમારા કાંતાઆન્ટીની એક જ શબ્દમાં ઓળખાણ આપવી હોય તો કાંતાઆન્ટી એટલે “કાંતાઆન્ટી” જ. પછી આગળ પાછળ વિશેષણના જે પૂછડાં લગાવવા હોય તે લગાવી શકાય. આન્ટી જબરા વાતોડીયા. કાંતાઆંટીના કહ્યાગરા કંથ કનકઅંકલ, બહાર તો ખૂબ વાચાળ અને ઈન્ડિયાના જાણીતા વકીલ પણ એની તાકાત કે ઓકાત નહિ કે એઓ આંટીની હાજરીમાં મોં ઉઘાડે. આન્ટીની વાત કયા વિષયથી શરૂ થાય, ક્યાં વળાંક લે અને ક્યાં પૂરી થાય એની કલ્પના કરવી એ મુશ્કેલ. એકની એક પુત્રીએ એમને અમેરિકા બોલાવેલા. કાંતાઆન્ટીએ મેરેજબ્યુરોનો બિઝનેશ શરુ કરેલો. નિવૃત્તિની પ્રવૃત્તિ અને સમાજ સેવા. શાદી ડોટ કોમ વાળા કરતાં પણ ખુબ કમાયા.
        ખાસ તો નિર્દોષ ડિવોર્સીઓને પાછા પરણાવવાની સેવાના એક્ષપર્ટ.  દેશીને દેશી સાથે જ પરણાવે એવું કાંઈ નહિ. પોર્ટુરિકન, મેક્ષિકન, જમૈકન કે ફિલિપીયન સાથે પણ ચોખઠાં ગોઠવી આપે. ઈમિગ્રેશન, મેરેજ, અને ડિવોર્સના પેપર્સની માથાકૂટ ફરજીયાત રીતે કનક અંકલને જ જખ્ખ મારીને કરવી પડે. કહ્યાગરા કંથ અને આજ્ઞાંતિક  પેલેસ એમ્પ્લોયીનો રોલ ભજવતા અંકલને એની સિત્તેર વર્ષની ઉમ્મરે કોઈકવાર આન્ટી સાથે ડિવોર્સનો ફની વિચાર આવી જતો પણ હિમ્મતનો અભાવ કે પછી ચાળીસ વર્ષનો લગ્ન જીવનનો લવ, તેમ કરતાં રોકતો. બસ ટેવાઈ ગયા હતા. માત્ર શાંતિનો સાક્ષાતકાર એમને સ્વામિનારાયણ મંદિરની ધાર્મિક સભા અને ભોજનમાં જ થતો. બાકી એઓ ને એ સંપ્રદાય સાથે કશી જ લેવાદેવા નહિ હતી.  કાર હોય કે જીવન; અંકલ ભલે ડ્રાઈવ કરતાં; પણ બધી સુચના તો બાજુમાંથી આન્ટી જ આપતા. આન્ટી જીપીએસને પણ ચક્ક્રાવે ચઢાવતા.
         ગયા રવિવારે એક ફ્રેન્ડના દીકરાની વેડિંગ પાર્ટિમાં અંકલ અને કાંતાઆન્ટી અમારા ટેબલ પર હતા. તમે માનશો નહિ; પણ દશના ટેબલ પર આન્ટીની વાત સાંભળવાં બે કપલ પણ સાંકડી જગ્યામાં ખુરસી ખેંચીને બેસી ગયા. બીજા છ સાત ઉભા ઉભા આન્ટીની વાત સાંભળતા હતા.
        વાતનો વિષય સ્વાભાવિક રીતે જ લગ્નનો હતો. અનુપ જલોટાની વાત નીકળી, અનુપે જસલીન સાથે લગ્ન કરવા જોઈએ કે નહિ.
         કાંતા આન્ટીએ કહ્યું, ‘મિડિયા અને જેલસ જુવાનીયાઓએ બિચારા જલોટાને નકામો ઝૂડી નાંખ્યો, મેં હમણાં જ આપણાં એક દેશી દિલીપકાકાને સાયરાની ઉમ્મરની ચીકની ચમેલી સિનિયોરીટા સાથે ગોઠવી આપ્યું. અત્યારે એઓ હનિમૂનપર ગયા છે.’
       ‘મારા પપ્પાના કાકાની ચાર ચાર અખંડસૌભાગ્યવતિ કાકીઓ એમને છોડીને સ્વર્ગે સિધાવી હતી અને અમારા મોટાકાકાને પાંચમી વાર પરણવું હતું. પણ ધોળા વાળ વાળા દીકરાઓએ એમને બેસાડી પાડ્યા. છેલ્લા ત્રણ વર્ષ બિચારા સિંગલ તરીકે જ જીવ્યા અને ઉપર સિધાવ્યા. જો મારા હાથમાં હોત તો હું એમને પાંચમી વાર ઘોડે ચઢાવતે’ આન્ટિએ લગ્ન વિષયમાં કેટલા મોડર્ન છે તે ડિક્લેર કર્યું.
        ‘આન્ટી, પ્રિયંકા માટે શું માનો છો? એના કરતાં દશ વર્ષના નાના છોકરાને પરણવાની એ ઠીક છે?’ મિનાક્ષીએ પ્રશ્ન કર્યો. મિનાક્ષીએ લગ્ન પછી ત્રણ જ મહિનામાં ડિવોર્સ લીધા હતા અને દશ વર્ષથી સિંગલ હતી. આન્ટીએ જ્ઞાનયજ્ઞ શરૂ કરી દીધો.
         આન્ટીએ અમને પૂછ્યું ‘તમારામાંથી કેટલા ફ્રાન્સના પ્રેસિડન્ટનું નામ અને એમના વિષે જાણો છો.’
        મને ટ્રંપ અને ઇમેન્યુઅલ મેક્રોનના જી-૭ મિટિંગ સમયના ખાટા મીઠા સંબંધની રાજકીય વાત ખબર હતી; પણ આન્ટી કોઈ વાત કહેવા માંગતા હોય ત્યારે જો તમે એમ કહો કે હું જાણું છું તો એમનો એમનો મૂડ ભાંગી જાય. હું ચૂપ જ રહ્યો.
        આન્ટીએ અમને સલાહ આપી કે ‘આખો દિવસ ગુજરાતી ચોપડાં ને હિન્દી મુવી જોવાને બદલે અંગ્રેજી છાપાંઓ પણ વાંચો. તમને ખબર છે કે ૨૦૧૭માં ચૂટાયલા ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનની વાઈફ, બ્રિગિટ ટ્રોગનેક્સ એના કરતાં ચોવીસ વર્ષ મોટી છે.  મા દીકરાની ઉમ્મર જેટલો જ તફાવત છે.’
        ‘ડોસો મોટો હોય અને પટાકડી નાની હોય એવું તો બધે જ બને છે પણ આતો આજે જ સાંભળ્યું કે ડોશીઓએ પણ પારણાંમાના છોકરાં ઉપાડવા માંડ્યા.’ એક કાકાએ અફસોષ જાહેર કર્યો.
        ‘હા તો આન્ટી, ફ્રાન્સની એ ડોશીનું પ્રેસિડન્ટ સાથે કેવી રીતે લફરું થયું? કોઈ તમારા જેવી કોઈ એજંસીવાળાએ જ ગોઠવ્યું કે પેપરમાં એડ મુકી હતી.’ એક આધેડ મહિલાએ સવાલ પુછ્યો. તેઓ રસિક વાતની લિન્ક તોડવા નહોતા માંગતા.
         આન્ટીએ ફ્રેન્ચ પ્રેસિડન્ટની વાત ચાલુ રાખી.
         ‘૧૯૯૪ની વાત છે. હાલના ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન, એમીન્સમાં ખાનગી જેસ્યુટ સ્કૂલમાં થીએટર અને ડ્રામા વિશે શીખતા હતા. તે સમયે એની ઉમ્મર ૧૬ કે ૧૭ વર્ષની હતી. અને તેની ડ્રામાટિચર મિસિસ બ્રિગિટ ટ્રોગ્નુક્સ, ૪૧ વર્ષનીતી. આ ડ્રામાટિચર પરણેલી હતી અને ત્રણ ત્રણ સંતાનની મા હતી. બન્ને વચ્ચે ૨૪ વર્ષની ઉંમરનો તફાવત હોવા છતાં, સ્ટુડન્ટ અને ટિચર વચ્ચે પ્રેમ થઈ ગયો. કોણે કોને શું શિખવ્યું એ ફ્રેન્ચ લોકોને પૂછવું જ નહિ.
         ‘હાય રામ! લાજ શરમ વગરની ફ્રાન્સની ડોસીઓ!’ એક માજી બોલી ઊઠ્યા ‘પછી શું થયું?
          ‘રોમાન્સ એટલે રોમાન્સ. ઈલ્લુ ઈલ્લુ, આઈ લવ યુ, આઈ લવ યુ, શરૂ થઈ ગયું. મેક્રોન સાહેબના પરિવારને તો ન જ ગમેને! અલ્યા તુ લવ કરવા બહુ નાદાન છે. અઢારનો થાય પછી લવ બવનો વિચાર કરજે.’
          ‘બાપાએ ઇમ્યુઅલ મેક્રોનને બીજી સ્કુલમાં ધકેલી દીધો. આપણી દેશી ફિલ્મોમાં આવે છે એવું જ થયું. બન્નેને છૂટા તો પાડ્યા પણ સાચા પ્રેમીઓ કદી છૂટા પડતા નથી. જ્યાં પ્રેમ હોય છે ત્યાં ઉમ્મરનો આંકડો જોવાતો નથી. પ્રેમ આંધળો છે. બન્ને સ્ટાર-ક્રોસ પ્રેમીઓએ ક્યારેય સંપર્ક ગુમાવ્યો ન હતો.
          ‘મેક્રોન ૨૭ વર્ષના થયા ત્યાં સુધી બન્નેનો રોમાન્સ ચાલ્યો. બ્રિગિટની તડપન વધી. મીનાકુમારીની જેમ દર્દિલા ગીતો ગાવાને બદલે ઇમેન્યુઅલ સાથે લગ્ન કરવા માટે તેના હસબન્ડ સાથે રાજીખુશીથી ડિવૉર્સ લઈ લીધા, ત્રણ પુખ્ત સંતાનોને છોડી દીધા. બન્નેએ લગ્ન કરી લીધા. કશું જ છાનું છપનું નહિ. પ્યાર કીયાતો ડરના ક્યા. પ્યાર કિયા કોઈ ચોરી નહિ કી. હો ગઈ શાદી ઔર હો ગયા હનિમૂન.’
         ‘અનુપ કે પ્રિયંકા જેવી સોસિયલ ચાંપલાશ કે સોસિયલ ધમાધમી કશી જ નહિ. ફ્રાન્સમાં તો બધું જ સાહજિક. મેક્રોને ૨૦૧૭માં ફ્રાંસના સૌથી યુવાન પ્રમુખ બનવામાં એની મેચ્યોર પત્નીનો ફાળો મોટો છે. તેણે પતિની સાથે ખૂબ જ સારી રીતે કામ કર્યું હતું. દરેક મહાન માણસની સફળતા પાછળ એક સ્ત્રી છે.કાન્તાઆન્ટીએ અમને ઈન્ટરનેશનલ સમાચારથી માહિતગાર કર્યા.
          આન્ટીએ ઉમ્મરના તફાવતની વાત ચાલુ રાખી. ‘જૂદાજૂદા કારણસર લોકો પરણે છે અને છૂટા પડે છે. ગયે વર્ષે અમે ક્રુઝમાં હવાઈ ગયા હતા. અમારા  ડાઈનિંગ ટેબલ પરના ગ્રુપમાં મારી ઉમ્મરની એક લેડી અને તેની સાથે એક હેન્ડસમ યુવાન પણ હતો. સ્વાભાવિક રીતે અમને લાગ્યું કે મા દીકરા હશે. એક ટેબલ પર હોય અટલે પહેલે દિવસે પરસ્પર ઓળખાણ થઈ. આ ડોશી અને છોકરો તો નવા પરણેલા હસબન્ડ વાઈફ નીકળ્યા. ન્યુલી વેડ કપલ ફ્રાન્સથી હનિમૂન પર નીકળ્યા હતા.’
          ‘ડોશીનું નામ સરાહ અને આશરે પચ્ચીસેક વર્ષના યંગ હસબન્ડ નું નામ આર્થર. જેવા રાજા એવી પ્રજા. એમની ઉમ્મરનો તફાવત પણ ફ્રાન્સના પ્રેસિડન્ટ જેટલો જ. પાછળથી ખબર પડી કે આર્થર એની બહેનપણીનો જ દીકરો હતો. બન્ને અમારી હાજરીની પરવા કર્યા વગર ડિનર લેવાને બદલે એકબીજાને જ ખાતા હોય એવું લાગતું, એક બાઈટ લે, એક સીપ ડ્રિન્ક લે અને એકબીજાને ચાટ્યા કરે.’
          ‘અમને એની સાથે સરસ ફ્રેન્ડશીપ થઈ ગઈ. ફ્રાન્સના લોકોની રહેણી કરણીની ઘણી વાતો થતી. આન્ટીએ એમના ક્રુઝ વેકેશનની વાત કરવા માંડી.
          ‘એકવાર અમે બધાં સ્વિમિંગ પુલમાં હતાં. હવે ક્રુઝના પુલમાં ખાસ તરવાનું તો હોય જ નહિ. કોઈક તરે બાકી બીજા બધા પાણીમાં પડી ડ્રિંક્સ અને મ્યુઝિક એન્જોય કરે. વાતો કરે. અંકલ લોંન્જ ચેર પર આડા પડીને કંઈક વાંચતા હતા. હું, સરાહ અને આર્થર પુલમાં હતા.’
‘        સરાહ મને કહે કે આર્થર ઇઝ ધ બેસ્ટ કીસર. હું એને એટલે જ પરણી. પહેલાના ત્રણ હસબંડ તો એની કંપેરિઝનમાં ઝીરો. બેશરમ ડોસલી. કીસને માટે જ પરણેલી એ કબુલ કર્યું. કીસની વાત નીકળતા એણે મને પુછ્યું ‘તારો હસબંડ તને કેટલી જાતની કીસ કરે છે?’
        ‘ડોશલીને શું જવાબ આપું. આપણાંથી કાંઈ ડોશલીની જેમ બધી ખાનગી વાત થોડી કહેવાય! મેં કહ્યું કે અમે તો ગાલ પર જ કીસ કરીયે. એણે મને ચુંબન શિક્ષણ આપવા માંડ્યું. કહે કે કીસ તો ૪૦-૫૦ જાતની થાય. કોણ કોને ક્યારે ક્યાં અને કેવી રીતે કરે છે એના પર એના નામ નક્કી થાય છે. ફોરહેડ કીસ કપાળ પર થાય.’
         મેં કહ્યું કે ‘એતો અમે પણ કરીયે. અમે એને બ્લેસિંગ કીસ કહીયે.’
        ‘કીસ ઓન હેન્ડ.’
       ‘હા હા એ પણ અમે કરીયે. રોયલ ફેમિલી સાથે અમે પણ એવી જ કીસ કરીયે. ઈન્ડિયામાં તો થાઉઝન્ડ ઓફ રજવાડા રોયલ્સ.’ મારે આપણું નાક નીચું પડવા નહોતું દેવું.
        ‘પછી એસ્કિમો કીસ.’
        ‘એ વળી કેવી.’
       ‘એસ્કિમોને વ્હાલ આવી જાય ત્યારે એક બીજા સાથે નાક ઘસ્યા કરે. વાઉવ નાકમાંથી ગરમ ગરમ હવા આવે. આખું બોડી ગરમ થઈ જાય.’
       ‘હું કાંઈ બોલી નહી; પણ હમણાં હમણાં દેશી ટીવી પર નાક રગડવાનું શરુ થઈ ગયું છે. તમને તો ખબર જ હશે દેશી મુવીમાં તો હોલિવુડ આવી જ ગયું છે.’
       પછી આવી ફ્રેન્ચ કીસની વાત. મને એટલી તો ખબર હતી કે એક બીજાની જીભ ચાટે. પણ એતો કહે કે એમાં માસ્ટરી મેળવવી અઘરી છે. એમાં બે જીભ એક બીજા સાથે રોમેન્ટિક વાતો કરે છે. એક પછી એક ઈરોટિક લેવલ ધીમે ધીમે ઉપર જાય બ્લડ ગરમ થાય છે. મારો આર્થર, હી ઈઝ ધ બેસ્ટ.’ અમારા ટાઉનમાં દર વર્ષે લોન્ગેસ્ટ કીસની કોમ્પિટિશન થાય. લાસ્ટ યર હું અને આર્થર ચેમ્પિયન થયેલા. ટ્વેન્ટી થ્રી અવર્સ એન્ડ સેવન મિનિટ્સ. પછી અમે અમે પરણવાનું નક્કી કર્યું.
        આર્થર આવીને ડોસીને ચાટી ગયો. ભલે એ લોકોને વાંધો ના હોય પણ આપણાંથી કાંઈ ઘારી ધારીને થોડું જોવાય? તોયે મેં ત્રાંસી નજરે જરા જોઈ લીધું.
          સરાહે મને પુછ્યું ‘આ તેં બાડી આંખે જોઈ તે કઈ કીસ એ ખબર છે?’
           મને તો બધું સરખું જ દેખાય. મેં કહ્યું ‘ફ્રેન્ચ કીસ.’
          તો કહે ‘નો, આ સિંગલ લીપ કીસ છે. ચાર હોઠની સેન્ડવીચ બનાવીને હવા ચૂસતા જવાનું. ઈનસ્ટન્ટ અસર થાય’
         પછી તો એણે જાત જાતની કીસની વાતો મને સમજાવી. હું તો રાજકપુર અને નરગીસના જમાનાની. એ લોકોએ માત્ર પ્રેમ જ કરેલો એવું માની જ લેવાનું. પડદા પર કોઈ દિવસ એમને કીસ કરતા મેં જોયા નથી. ઝાડ પાછળ શું કર્યું તે ભગવાન જાણે. એની પંચાતમાં પડવું નહિ.
          કાન પરની ઈયરલોબ કીસ, આંખ પરની બટરફ્લાય કીસ,  સ્પાઈડરમેન કીસ, લિંગરિંગ કીસ, દેશી ગાલપરની કીસ, લીવમાર્ક કીસ, સિક્રેટ મેસેજ કીસ, લિઝર્ડ કીસ, સિડક્ટિવ કીસ, બાઈટ એન્ડ નિબ્બલ કીસ, જૉ કીસ, વેમ્પાયર કીસ અને છેલ્લે બીગ ટીઝ કીસ.
           આ બીગ ટીઝ તો બેડરૂમની કીસ. કપાળથી શરૂ થાય અને પગના અંગુઠા સુધી પહોંચે. બધી કીસનું વર્ણન અને એની ઈફેક્ટ વીશેની વાત થઈ. પણ જે વાત મારી અને સરાહ વચ્ચે થઈ તે બધી વાત આપણી વચ્ચે ન થઈ શકે. તમારા સ્પાઉસને બીજા કોઈ શીખવી જાય તે પહેલાં તમે જ કરતાં થઈ જજો. જમાના બદલ ગયા હૈ.
          એક બાજુ લગ્નનો માહોલ અને બીજી બાજુ અમારા ટેબલ પર આન્ટીનું રસિક ચુંબનશાસ્ત્ર. ‘આ ફ્રેન્ચ લોકો ભલે જાતના નામ આપે પણ તમને જે સમયે જે યોગ્ય લાગે તે કરવું. અને જે કાંઈ કરો તેના નગારા વગાડવા નહી.’ આન્ટીએ છેલ્લી સલાહ આપી.
         અંકલ અત્યાર સૂધી ચૂપ હતા. એમણે મમરો મૂક્યો. વાત અધુરી કેમ રાખી. પેલા આર્થરે તમને ફ્રેન્ચ કીસ કેમ કરવી તે શીખવ્યું તેની વાત કરોને!
         “તમને કંઈ ભાન છે કે નહિ? તમે આ છોકરાંઓ આગળ શું લવારા કરવા માંડ્યા છે?” આન્ટી તાડુક્યા. “બસ બંધ કરો.”
 
         “ના, ના આન્ટી કંઈ જાણવા શીખવાની વાત હોય તો તમે નહિ શીખવો તો અમે કોની પાસે શીખીશું. અહિ બધા ચાળીસની ઉપરના જ છીએ.” મિનાક્ષીને આન્ટિની કિસની વાતમાં જબરો રસ પડ્યો.
          અમારા ટેબલ પર એક કપલની એક બાર તેર વર્ષની દીકરી પણ હતી. આન્ટીએ. પર્સમાંથી પોતાના બિઝનેશ કાર્ડની એક થોકડી એક છોકરીના હાથમાં પકડાવી દીધી. ‘જા બેટી આ બધા ટેબલ પર વહેંચી આવને.’
        ‘અંકલનેને તો વાતનું વતેસર કરવાની ટેવ જ છે. વાતમાં કંઈ દમ નથી. મારી અને સરાહની દોસ્તી થઈ ગઈ હતી. એનો જુવાનીઓ ભરથાર આમતેમ ભટકે અને થોડી થોડી વારે આવીને એનું મોં ચાટી જાય.’
         ‘પણ આન્ટી, અંકલે જે વાત કરી એ તો તમે કહી જ નહી.’ મિનાક્ષીએ પુછ્યું.
        ‘અરે બહેનો! એ વાતમાં કાંઈ દમ નથી. અમે કીસની વાતો કરતાં હતાં અને આર્થર આવ્યો. સરાહે કહ્યું કાંતાને શોર્ટ ફ્રેન્ચ કીસ શીખવી છે. આર્થરે મને કહ્યુ, ઓપન યોર માઉથ. આઇ’લ ટીચ યુ. યુ આર વેરી બ્યુટિફુલ ઈન્ડિયન લેડી. એણે તો સ્વિમિંગ પૂલમાં મારા બન્ને બાવડાં પકડી લીધા. આમ બ્યુટિફુલ કહે એટલે કાંઈ મોં થોડું ખોલાય? મેં તો જોરથી હોઠ અંદર લઈને મોં બંધ કરી દીધું. તો ય એની જીભ મને  અડાડી ગયો. અને અંકલે એ ડેકપરથી જોયું. ત્યારથી એ મને ચીઢવે છે.’
         ‘મેં તો તરત પુલની બહાર નીકળીને બાથરૂમમાં જઈ કોગળા કર્યા. પછી અમારા રૂમમાં જઈને લિસ્ટરીનના કોગળા કર્યા. એ ફ્રેન્ચ કીસ નહોતી, આલ્કોહોલીક મોં ગંધાય એવી કીસ હતી.’
           ‘અમારા ભારતભૂષણ અને મીનાકુમારીને તો આવી કીસ કરવાનો વિચાર પણ આવ્યો ન હશે. અમે બૈજુ બાવરા માં એમને કીસ કરતાં જોયલા નહિ, પછી અમને શું ખબર પડે આ ફ્રેન્ચ કીસ શું બલા છે.’
         ‘ફ્રેન્ચ કીસ ભલે ફ્રાંસના લોકો કરે, આપણે ઈન્ડિયામાં આવી કીસ કરવી નહિ. માવો ખાધેલા મરદને ફ્રેન્ચ કીસ કોણ કરે? એઈડ વાળાથી પણ ચેતતા રહેવું પડે. બેક્ટેરિયા મોંમાં ભરાઈ જાય અને રોગ થાય.’ આન્ટીએ અમને શાકાહારી સલાહ આપી.
          એક બાજુ હસ્ત મેળાપ થયો અને બીજી બાજુ ડિનર શરૂ થયું. જે વાત જુવાનીયાઓએ સાંભળીને શીખવા-કરવાનું હતું તે વાતો અમે પાકા ઘડાઓએ પણ સાભળી. અમને તો ગાલ પરની બકા બકી જ ફાવે. જો કીસનું કે ફ્રાન્સની વાતોનું જ્ઞાન મેળવવું હોય તો અમારા કાંતાઆન્ટીને મળજો.
###
પ્રકાશીત “ગુજરાત દર્પણ” નવેમ્બર ૨૦૧૮.

5 responses to “કાંતાઆન્ટની ફ્રેન્ચ કિસ.

 1. pravinshastri November 13, 2018 at 1:27 PM

  ખાનગીમાં પ્રયોગ કરી જોવાના>

  Like

 2. ્સતિશ પરીખ November 13, 2018 at 12:19 PM

  દાદા, વાંચવાની મઝા પડી ગઈ. માણવાનુ તો નસીબ મા નથી.

  Liked by 1 person

 3. pragnaju November 13, 2018 at 7:56 AM

  કાંતાઆન્ટીની રમુજી વાતો સાથે આ વ્યાખ્યાઓ સમજાવે તો આ પાત્ર વધુ રસિક બને !
  સામાન્ય વ્યાખ્યા-‘A kiss is the touch one’s lips against another person or an OBJECT ! પણ
  ભારતના કાયદાને લીધે શબ્દ વધુ બિભત્સ લાગ્યો-‘In India, public display of affection is a criminal offense under Section 294 of the Indian Penal Code, 1860 with a punishment of imprisonment of up to three months, or a fine, or both. This law was used by police and lower courts to harass and prosecute couples engaging in intimate acts, such as kissing in public. However, in a number of landmark cases, the higher courts dismissed assertions that kissing in public is obscene
  ત્યારે નવા જમાનાના પ્રખ્યાત ક્વોટ અને કોમ્પ્યુટર સ્લેંગ
  ‘kiss’ is Ingrid Bergman’s quote “A kiss is a lovely trick, designed by nature, to stop speech when words become superfluous”
  The definition of KISS is “Keep It Simple, Stupid”
  Computer Slang
  · 8* Kiss

  Liked by 1 person

 4. pravinshastri November 12, 2018 at 11:49 PM

  બધી જ કીસના ફોટાઓ હતા. માત્ર વર્ણન જ મઠારીને મુક્યું.

  Like

 5. મનસુખલાલ ગાંધી November 12, 2018 at 8:53 PM

  અધધધ…. kiss ના સંપુર્ણ જ્ઞાનની બારાખડી શીખવી દીધી… ફોટાઓ પણ સાથે આપ્યા હોત તો વધારે જ્ઞાનનો લાભ મળત.. ફક્ત એ બતાવો કે શરૂઆત કઈ કીસથી કરવી… બંધ તો થાકે ત્યારે ઓટોમેટીકલી થઈ જશે…

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: