નામમાંહું ડાટેલું છે? ચંદુ ચાવાલા.

નામમાંહું ડાટેલું છે? ચંદુ ચાવાલા.

દિવાળી અને ક્રિસમસની વચ્ચે અમારા સુરતી ડોસાઓની ગેન્ગનું ગેધરિંગ મંગુની મોટૅલ પર હોય. આ “ડોસાઓની ગેન્ગનું ઘેધરિંગ” શબ્દો અમારા વયસ્ક મંડળના મહાશયો ના સ્નેહ મિલન માટે વપરાય તે મને  રુચે તો નહિ પણ અમારા મંગુએ અમારી નાનપણની ટોળકીને માટે “ગેંગ” શબ્દ રજિસ્ટર કરાવી રાખેલો. બાકી ગેંગ એટલે તો કિમિનલ્સનું નાનુ ગ્રુપ. ખરેખર અમે સદ્ગગૃહસ્થો એમાંના નહિ. આ વર્ષે ભેગા થયા ત્યારે મહિલાઓએ પોતપોતાના ઘરની દિવાળીની વધેલી વાનગીઓના કચરાનો નિકાલ કરવા એપેટાઈઝર તરીકે લઈ આવેલી, જાણે ઢગલાબંધ જાત જાતની મિઠાઈઓનો અન્નકૂટ. ચિલી પનીર, રગડા સમોસા, પાવભાજી પનીર ટીક્કા મસાલા જેવી આઈટમ તો ખરી જ. ગુજરાતી ડિનરમાં  દહિથરા શિખંડ એ મંગુની ભાવતી આઈટમ.

પેટપર હાથ ફેરવતા ફેરવતા અમારા સદાના છન્નુ વર્સીય કરસનદાદાને એક વસવસો રહી ગયો કે આટલી બધી મિઠાઈઓ હતી પણ કેરેટ કેઇક ન હતી.

દાદાએ કહ્યું ‘ઈલેક્શન આવે છે એટલે અક બે મહિનામાં અમદાવાદ ફરવા જવું છે.’

મંગુ મોટેલે કહ્યું ‘દાદા માંડી વાળો  તમે જાવ કે નહિ જાવ રિઝલ્ટમાં કોઈ ફેર પડવાનોધીનથી. મોદી છે ત્યાં સુધી તમારો એકે ય ભત્રીજો જીત્યો નથી અને જીતવાનો નથી.’ મંગુ કરસનદાદાના ટાંટિયા ખેંચવાની એક પણ તક છોડતો નહિ.

‘ગધેડા હું કોઈનો પ્રચાર કરવા નથી જવાનો. મેં અમેરિકામાં બેઠા બેઠા પાંચ પાંચ રાજમાં તારા સાહેબને હરાવ્યા છે ઈલેક્શન માટે મારે ઈન્ડિયા જવાની જરૂર જ નથી. દાદા ઊકળ્યા. હું તો દર મહિને તારું ડાચું  જોવું ના પડે એટલે ઈન્ડિયા જવાનો છું.’

‘માત્ર બે ત્રણ મહિના માટે જ?’ મંગુ હજુ ખેંચતો હતો.

‘સાસ્ટરી ટુ આ મંગુને જરા હમજાવ, ડાડાનું પ્રેસર વઢહે તો આપને જ હોસ્પિટલ દોડવુ પડહે.’ ચંદુએ મંગુને મૂગો કરવા મને કહ્યું. મંગુ મારું માન રાખે.  મેં  જરા ઈશારો કર્યો અને મંગુએ વાતનો વિષય બદલ્યો. ‘દાદા તમે શું માનો છો તમે જ્યારે અમદાવાદ જશો ત્યારે અમદાવાદ એરપોર્ટનું નામ કર્ણાવતી એરપોર્ટ હ્શે?’

‘શાસ્ત્રી, આ ડોબાને સમજાવ કે એરપોર્ટનું નામ અમદાવાદ નથી અને કર્ણાવતી પણ નથી થવાનું. સાલો શરમ વગરનો જાણી જોઈને અધ્ધર વાતો કરે છે.’

હવે મારે શરમાવાનો સમય હતો. મારે તો અમદાવાદ સાથે કશો જ સંબંધ નથી. અને આમ પણ હું લાંબા સમયથી ભારત ગયો નથી. એટલે બોમ્બે સિવાય બીજા એરપોર્ટ પર ઉતરવાનું થયું જ નથી. અમારા ચંદુને અવાર નવાર જવાનું થાય એટલે એને બધી ખબર. ‘સાસ્ટરી અમડાવાડના એરપોર્ટનું નામ સરડાર વલ્લભભાઈ પટેલ આંટરરાસ્ટ્રીય હવાઈ મઠક છે.’

‘ચંદુભાઈ પ્લીઝ મને સુરતીમાં નહિ અંગ્રેજીમાં સમજાવવાનું રાખો.’ મારે કહેવું પડ્યું. મને ખ્યાલ આવ્યો કે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ નામ અપાયું હતું. મેં અને મોટાભાગના અમે સુરતીઓએ જ્યારે ભારત છોડ્યું ત્યારે. અમદાવાદ એરપોર્ટ હતું જ નહિ. હવે તો ઘણા બધા શહેરોના નામ પણ બદલાઈ ગયા છે. ભારતમાં હતાં ત્યારે અમે મુંબઈ જ બોલતા હતા, પણ અમેરિકા આવ્યા પછી, બોમ્બે જ જીભ પર ચઢી ગયું છે. મારા વાંચવામાં આવ્યું હતું કે બોમ્બેનું ઓફિશીયલ નામકરણ મુંબઈ ૧૯૯૬માં થયું. હવે સાંભળવા મળે છે કે અમદાવાદનું નામ કર્ણાવતી થવાનું છે.

કરસનદાદાએ કહ્યું ‘એ તમને ભક્તોને તમારા સાહેબની પોલિસી ના સમજાય. અત્યારે તો સીએમ સાહેબે એ વાત પાછલા ચૂલે ચઢાવી દીધી છે.’

‘ના દાદા અમદાવાદનું કર્ણાવતી કરવા માટે ઘણા રેફરન્સ અને ઈતિહાસ જોડાવો જોઈએ. કણાવતી અને અમદાવાદ વચ્ચે શું સંબંધ તે ઘણાને ખબર નથી કે સમજ નથી’ મંગુ ઘણા બધા ન્યુઝ પેપર વાંચે એટલે એ મારા કરતાં વધુ જાણે.

‘કેટલા બધા નામો બદલાઈ ગયા! બોમ્બેનું મુંબઈ, મદ્રાસનું ચિન્નાઈ, બેંગ્લોરનું બેનાલુરુ, કલકત્તાનું કોલકત્તા, બનારસનું વારાણસી. સાઉથ ઈન્ડિયામાના બદલાયલા નવા લાંબા લાંબા નામો બોલતાં તો સાલી મોંમાની જીભના ગોટા વળી જાય.’ અમારો ચંદુ સુરતીને બદલે રાબેતા મુજબની ગુજરાતી ભાષામાં બોલતો હતો. ‘અલ્હાબાદનું ત્યાંના ચીફ મિનિસ્ટરે પ્રયાગ નામ કર્યું તેમાં વિરોધ પક્ષના પેટમાં કેમ ચૂક આવી? પ્રયાગરાજ તો સદીઓથી કહેવાતું જ હતું ને? આ બધા નામો બદલાયા ત્યારે કઈ સરકાર હતી?’

‘ચંદુ, એટલે તું કોંગ્રેસ પર કાદવ ઉછાળવા માંગે છે?’

‘ના દાદા, તમારી કેરેટ કેઇકની કસમ. મારો એવો ઈરાદો નથી. શાસ્ત્રીનું ફરમાન છે કે ૨૦૧૯માં લોકસભાનું જે પરિણામ આવે પછી જ પોલિટિક્સની વાત કરવાની. અત્યારે આપણે નવા નામોની જ વાત કરીયે.’ આપણા અંગ્રેજી બલસારનું ગુજરાતી નામ વલસાડ કર્યું, બ્રોચ કે બડોચનું ભરુચ કર્યુ, બરોડાનું વડોદરા કર્યું કેમ્બેનું ખંભાત કર્યું તો હવે આપણે આપણા સુરતનું નામ પણ બદલવું જોઈએ ને? શાસ્ત્રી સુરતનું મૂળ નામ શું હતું?

તમારા બધાની જેમ જ હું સુરતી છું પણ હિસ્ટોરિયન નથી. થોડું સાંભળેલું કે આમ તેમ વાંચેલું જ યાદ છે. આપણા સુરતના નામ અંગે કોઈ ચોખ્ખી આધારભૂત વાત જ નથી. અને હોય તો તે મને ખબર નથી. બધી ગોળગોળ દંત કથાઓ છે. આ બાબતમાં હું કંઈ કહી નહિ શકું.’

‘ઓકે શાસ્ત્રી, તમારી કોઈ વાત ખોટી નીકળે તો અમે તમને ફાંસી પર નથી ચઢાવી દેવાના. યુ આર વીથ યોર ફ્રેન્ડસ.’ મંગુ વદ્યો.

‘સામાન્ય રીતે અમારા ગૃપમાં વાતો થતી હોય ત્યારે હું વક્તા નહિ પણ શ્રોતા જ બની રહું.’ હું જાણતો હતો તેટલું તેમને કહ્યું

‘આમ તો સુરતનું અસલ સંસ્કૃત નામ સૂર્યપુર ગણાતું એવું મારું માનવું છે. મારા દાદાશ્રી સુરતની આમલીરાનમાં આવેલી સૂર્યપુર સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડાચાર્ય  હતા. અને હું પણ ત્યાં થોડું ઘણુ ભણ્યો હતો એટલે સૂર્યપુર શબ્દ ખબર. જેને અંગ્રેજો ટાપ્ટી કહેતા તે આપણી તાપી નદી પુરાણ અનુસાર સુર્યપુત્રી ગણાય છે. અને સુર્યપુત્રીને કિનારે વસેલું નગર તે સુર્યપુર એવું મનાય છે.’

‘સાસ્ટરી ટારા ખીસ્સામાં જેટલી ડંટકઠા હોય ટે ખાલ્વી લાખ.’  ચંદુ મારી સાથે બોલીમાં ન સુધરે તે ન જ સુધરે.

‘મુંબઈ ગેઝેટરિયરમાં એક દંત કથા નોંધાયલી છે. તે મુજબ રાંદેરની એક સુરજ નામની શ્રીમંત વિધવાએ ગોપી નામના બ્રાહ્મણપુત્રને સારી જેવી મિલ્કત આપી હતી અને પોતાનું નામ રહે એવું કંઈ કરવાનું કહ્યું હતું. બસ એના ના ઉપરથી એણે સુરજપુર નામ રાખ્યું હતું. બ્રાહ્મણોએ સૂર્યપુર બનાવ્યું.’

‘તો બીજી એક વાત એવી પણ હતી કે રાંદેરના જમીનદારની પુત્રી સુરજ કુવારાવસ્થામાં જ ગર્ભવતી થઈ. એને માછીઓના વિસ્તારમાં કાઢી મુકવામાં આવી. એણે પુત્રને જન્મ આપ્યો. તે ગોપીનામનો પુત્ર મોટો થતાં ધનવાન બન્યો. તે સમયની સરકારમાં એની વગ સારી હતી અને એણે રહેતો હતો તે વિસ્તારનું નામ સુરજપુર  રાખ્યું.

ત્રીજી વાત એવી છે કે તુર્કસ્તાનના એક સુલતાનના જનાનખાનાની એક સુરતાનામની ખુબસુરત ઔરત ઈસ્તંબુલના વેપારી સાથે નાસીને સુરત-રાંદેરના વિસ્તારમાં આવીને વસી હતી. બસ સુરતા ઉપરથી સુરત નામ પડી ગયું.’

સાસ્ટરી ટારી બઢ્ઢી વાટ નાટ ટડ્ડન ખોટ્ટી છે.  સૂર્યપુર બી ખોટ્ટું ને સુરત પન ખોટ્ટું. મારા ગ્રેઈટ ગ્રેઈટ ગ્રાન્ડડાડાએ જ આપના સેરનું નામ હૂરટ પાડેલુ. માટ્ર અમારી નાતના જ નૈ પન આજુબાજુના ગામરા વારા બી હૂરટ જ કે’ટા. ટારી ડંટ કઠા ખોટ્ટી.

મેં કૂટરાની પૂછડી આગળ હાર સ્વીકારી લીધી.

‘પેલો સેક્સનો પિયર એવું કૈ ગૈલો કે ઢંટુરાના ફુલને ગમે તે નામ ઠોકો પન ધંટુરો એટલે ધંટુરો. ‘નામમાં હું ડાટેલું છે?’

“A rose by any other name would smell as sweet” is a popular reference to William Shakespeare’s play Romeo and Juliet, ચંદુ સાહિત્યની વધારે બરબાદી કરે તે તે પહેલાં ચંદુની પુત્રવધુ વિદુષીની બધા માટે ચા લઈને આવી.

‘ડેડી, શાની ચર્ચા ચાલે છે?’

ચંદુએ પાઘડી બદલી. ‘આ તારા મંગુઅંકલ સાથે નામ અંગેની ચર્ચા ચાલતી હતી. તારા મંગુઅંકલ હથોડા છાપ ઇન્જિનીયર. એને શેક્સપિયરનું અને રોમિયો જૂલિયટનું નામ ખબર છે પણ આખી’’ વાત ખબર નથી. એવા ઘણાં હોય છે કે જેઓ આર્ટસ કોલેજમાં ભણ્યા નથી, સાહિત્ય વાંચ્યું નથી, તેને પણ ખબર નથી. તો જરા ટંકમાં સમજાવી દેને કે જૂલિયટે નામની બાબતમાં શું કહ્યું હતું?’

ચંદુ મારી સાથે સુરતીબોલીમાં લવારો કરે પણ ભણેલી અને સંસ્કારી પુત્રવધુ સાથે સીધો દોર.

‘અંકલ ખરેખર નથી જાણતા? ન જાણતા હો એવું બને જ નહિ.’ મંગુએ જાણતો હોવા છતાં, ચંદુની ઈજ્જત સાચવવા કહ્યું કે મને એટલો ક્વોટ ખબર છે કે “વોટ્સ ઈન અ નેઇમ” વર્ષો પહેલાં વાંચ્યું હતું. જરા રિફ્રેશ કરાવી દે.’

અમારા કરસનદાદાને બિચારાને કશી જ ખબર નહિ. એને માટે તો રોમિયો એટલે ગલીને નાકે સડકછાપ છોકરીઓની છેડતી કરતો મવાલી. એમણે કહ્યં કે ‘મને પણ રોમિયોની વાત સમજાવને! મને તો કશી જ ખબર નથી’

‘દાદા, ઈંગ્લેન્ડના મહાન સાહિત્યકાર શેક્સ્પિયરે રોમિયો અને જૂલિયટ નામનું નાટક લખેલું. ઈટાલીના શેહેર વેરોનામાં બે પ્રતિષ્ઠિત કુટુંબ રહેતા હતા. આપણી ઇન્ડિયન સિનેમામાં આવે છે તે પ્રમાણે એ બન્ને પરિવારો વચ્ચે બાપ માર્યાના વેર. એક પરિવાર મોન્ટેગ્યુ અને બીજો પરિવાર કેપ્યુલેટ. મોન્ટેગ્યુ પરિવારનો દીકરો રોમિયો એક વાર કેપ્યુલેટ પરિવારની લગ્ન પાર્ટીમાં ઘૂસી ગયો. ત્યાં એણે કેપ્યુલેટ પરિવારની સુંદર દીકરી જૂલિયેટને જોઈ. બસ બન્ને વચ્ચે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. હવે બંને કુટુંબ વચ્ચે દુશ્મની એટલે પ્રેમ કે લગ્નનો વિચાર થાય જ નહિ. પણ પ્રેમ થઈ ગયો. જૂલિયેટ બિચારી ગાય “સારી સારી રાત તેરી યાદ સતાયે” જૂલિયેટ રિબાય; એ કહે ‘રોમિયો તું મોન્ટેગ્યુ કુટુંબમાં શાં માટે જનમ્યો? મારે ખાતર તું મોન્ટેગ્યુ મટીને કેપ્યુલેટ બની જા. મોન્ટેગ્યુ કે કેપ્યુલેટ!, નામમાં શું છે? વ્હોટ્સ ઈન અ નેઈમ?  રોઝ ઈઝ રોઝ. ગુલાબનુ નામ ગુલાબ હોય કે બીજુ કોઇ પણ સુગંધ તો એની એ જ રહેવાની ને? રોમિયો તું મારું રોઝ છે. લોકો ભલે એને ગમે તે નામ આપે. હવે નામ સાથે મારે શી નિસ્બત?’

‘દાદા, નાટકનું આ વાક્ય વિશ્વભરમાં બોલાતું થઈ ગયું. ગયે મહિને “મી ટુ” ની જેમ જ.

‘પછી રોમિયો જૂલનેલિયેટના લગ્ન થયેલા?’ કરસનદાદાને વાર્તામાં રસ પડ્યો.

‘વિદુષીની, હવે દાદાને એકાદ ઈન્ડિયન ફિલમની વાર્તા સંભળાવી દે એટલે પત્યું.’ મંગુ મોટેલથી દાદાની છેડતી કર્યા વગર રહેવાય નહિ.’

‘આ મશીનના મજૂરીયા અને બુદ્ધિના બળદીયા તારા મંગુઅંકલને સાહિત્યમાં સમજ ન પડે. આજે હું એની મોટલ પર બેઠો છું અને એની મોટેલમાં જ સૂવાનો છું એટલે એ મુરખ સાથે વધારે લમણાંઝીક નથી કરતો.’ દાદાએ ભદ્રભાષામાં મંગુ યજમાનને જેટલા વિશેષણથી નવાજાય તેટલો નવાજ્યો.

‘દીકરી મને નાટકની વાત કર. ફિલમની નહિ. પરણીને બન્ને સુખી થયાને?’ 

‘ના દાદા રોમિયો જૂલિયેટના નાટકમાં ખાધું પીધું અને રાજ કીધું એવું નથી.’

‘ફ્રીઅર લોરેન્સ નામના પાદરીની મદદથી તેઓએ ખાનગીમાં લગ્ન કર્યા. લગ્નની આગલી રાતે રોમિયોને જુલિયટના પિતરાઈ ભાઈ સાથે લડાઈ થઈ હતી. એમાં રોમીયોએ એના ભાઈને મારી નાંખ્યો. લગ્ન પછી તરત જ રોમિયોને, જૂલિયેટને મૂકીને નાસી જવું પડ્યું.’

‘પછી તો આપણી હિન્દી ફિલ્મમાં આવે છે તેમ માબાપને ખબર ન હતી કે જૂલિયેટ તો પરણી ચૂકી છે. એમણે જૂલિયેટને પેરિસ નામના છોકરા સાથે પરણાવવાની તૈયારી કરવા માંડી. જૂલિયેટે બેભાન થવાની દવા લઈને મરી જવાનું નાટક કર્યું. મરેલી સમજીને માબાપે એને ટોમ્બ એટલે કે કબરમાં પધરાવી.’

દાદા ધ્યાનથી સાંભળતા હતા.

‘રોમિયોને આ ખબર ન હતી કે એણે માત્ર બેભાન થવાની દવા જ લીધી છે. રોમિયો પણ એમ જ સમજ્યો કે જૂલિયેટ મરી જ ગઈ છે. તેણે કબર પાસે જઈ ઝેર ગટગટાવીને આપઘાત કર્યો.’

‘જૂલિયેટને ભાન આવ્યું. અને તેને ખબર પડી કે રોમિયો તો મરી ગયો છે. એણે પાસે પડેલી ઝેરની બોટલમાંથી ઝેર પીવાની કોશીશ કરી, પણ બોટલ તો ખાલી થઈ ગઈ હતી. જૂલિયાએ ચૂંબન કરીને રોમિયાના હોઠ પરનું ઝેર ચૂસવા પ્રયત્ન કર્યો. એટલામાં એના માણસો આવી ચઢ્યા. એટલે પોતે પેટમાં ખંજર મારીને આત્મહત્યા કરી લીધી.’

‘દાદા, પ્રેમનું આ સરસ નાટક દુનિયા ભરના સ્ટેજ પર જુદી જુદી રીતે ભજવાય છે. જેમને અંગ્રેજી આવડતું હોય એઓ તો એના સંવાદો સાંભળવા આ નાટક વારંવાર જૂએ છે.’

‘સારું થયું દીકરી તેં મને સરળ ગુજરાતીમાં સમજાવ્યું. ન્યુ જર્સીમાં આ નાટક ગુજરાતીમાં આવે તો મને જોવા લઈ જજે.’

વિદુષીનીએ કિચનમાં જતાં જતાં ન પાળવું પડે તેવું પ્રોમિસ આપ્યું. ‘ચોક્કસ દાદા, ન્યુ જર્સીમાં આવશે તો ડેડીને કહીશ. એઓ ચોક્કસ તમને લઈ જશે.’

દાદા ગણગણતા હતા. મુરખ રોમિયો, નામમાં શું દાટ્યું છે. જુલિયેટ હોય કે જમના પણવાનું તો બૈરાને જ ને. હું કેટલી વાર પરણ્યો! નામ જ બદલાયાને! શું ફેર પડ્યો?

**********

તિરંગા ડિસેમ્બર ૨૦૧૮

8 responses to “નામમાંહું ડાટેલું છે? ચંદુ ચાવાલા.

 1. pravinshastri December 14, 2018 at 11:35 AM

  બસ થોડી હળવી વાતો જ.

  Like

 2. pragnaju December 14, 2018 at 10:08 AM

  ‘તુર્કસ્તાનના એક સુલતાનના જનાનખાનાની એક સુરતાનામની ખુબસુરત ઔરત ઈસ્તંબુલના વેપારી સાથે નાસીને સુરત-રાંદેરના વિસ્તારમાં આવીને વસી હતી. બસ સુરતા ઉપરથી સુરત નામ પડી ગયું.’

  સાસ્ટરી ટારી બઢ્ઢી વાટ નાટ ટડ્ડન ખોટ્ટી છે. સૂર્યપુર બી ખોટ્ટું ને સુરત પન ખોટ્ટું. મારા ગ્રેઈટ ગ્રેઈટ ગ્રાન્ડડાડાએ જ આપના સેરનું નામ હૂરટ પાડેલુ. માટ્ર અમારી નાતના જ નૈ પન આજુબાજુના ગામરા વારા બી હૂરટ જ કે’ટા. ટારી ડંટ કઠા ખોટ્ટી.’
  રમુજી વાત હુરટીઓને વધુ ગમે
  .
  સુંદર લેખ

  Liked by 1 person

 3. pravinshastri December 14, 2018 at 12:42 AM

  અમૃતભાઈ આપના પ્રેમ અને ઉત્સાહ પ્રેરક પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભારી છું. જ્યાં સુધારવા મઠારવા જેવું લાગે તે સમજાવતા રહેજો. મને ગમશે. એક જગ્યાએ ભૂલ હોય તો તેવી જ ભૂલ બીજી કૃતિમાં ન થાય તેનું ધ્યાન રાખીશ.

  Like

 4. Amrut Hazari. December 13, 2018 at 8:04 PM

  સલામ….પ્રવિણભાઇ. કથાના હાર્દસુઘી જવાની સફર…કેવી નમણાસથી કરાવી દીઘી ? હુરતી ભાષામાં જે મીઠાસ છે તે હુરતની ઘારીમાં બી ની મલે. અને તે હુરતી લોકભાષાને જીવતી રાખવા માટે તમને હાર્દિક અભિનંદન.
  મોટે ભાગેના ગુજરાતીઓને સેક્સપીયર કે રોમીયો…જુલીયટ કોણ તેની કદાચ ખબર નહિ હોય…અને જેને હશે તેમને આ દુ:ખદ અંતવાળી વાર્તાની વિગતો નહિ હોય. તમે ૉછા શબ્દોમાં અસરકારક રીતે તે સમજાવી દીઘી.
  યુ આર ગ્રેટ. રલામ !
  અમૃત હઝારી.

  Liked by 1 person

 5. pravinshastri December 12, 2018 at 7:23 PM

  આભાર રક્ષાબહેન.

  Like

 6. રક્ષા પટેલ December 12, 2018 at 3:03 PM

  વાર્તા ખુબ ગમી! તેમાં વળી સુરતી ભાષાનો શણગાર……કહેવું પડે, ફરી ફરી વાંચવાનું મન થાય છે!
  લગે રહો પ્રવિણભાઈ!

  Liked by 1 person

 7. pravinshastri December 11, 2018 at 11:27 PM

  વર્ષો પહેલા અમારા બ્રાહ્મણ સમાજમાં લગ્ન-જનોઈની કંકોત્રીઓ પોસ્ટકાર્ડ પર સંસ્કૃતમાં લખાતી. તેમાં સુરત માટે સૂર્યપુર, વલ્સાડ માટે વ્યગ્રપુરઅને ભરૂચને માટે ભૃગુકચ્છ વપરાતું હતું. નવસારીનું નાગમંડલ

  Like

 8. મનસુખલાલ ગાંધી December 11, 2018 at 10:23 PM

  વાર્તામાં મજા આવી ગઈ…

  સુરતનું સુર્યપુર… સુરતવાળાઓને પણ ખબર નહીં હોય.. ગજબ છો તમેતો…

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: