એક અજાણ્યા ગાંધીની આત્મકથા પ્રકરણ 6

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

નટવર ગાંધી

પ્રકરણ 6–મુંબઈ આવ્યો

મારા જીવનમાં જે વળાંકો આવ્યા છે, જે પરિવર્તનો થયાં છે, તેમાં મોટામાં મોટું તે અમારા નાના ગામમાંથી મુંબઈ આવવું તે. દેશમાંથી અમેરિકામાં આવવા કરતાં પણ મોટો બનાવ હતો. મુંબઈ મારા માટે માત્ર દેશની જ  નહિ, પણ દુનિયાની બારી હતી.  અહીં મને પહેલી વાર ભાત ભાતના લોકો જોવા સાંભળવા મળ્યા.  દેશવિદેશના અંગ્રેજી છાપાં અને મેગેઝિન જોવા વાંચવાં મળ્યા.  મારી આખી દૃષ્ટિ બદલાઈ ગઈ. અંધારિયા કૂવાનો દેડકો જાણે કે મોટી માછલી બનીને મહાસાગરમાં તરવા માંડ્યો!

આજનું મુંબઈ તો રહેવા માટે લગભગ અશક્ય થઈ ગયું છે. અત્યારે તો ત્યાં આવવાજવાની મુશ્કેલીથી થાકી જવાય છે.  એમાં ઉમેરો: ગંદકી, ગરમી, ગિર્દી, ઘોંઘાટ, હુંસાતુંસી, કીડિયારાની જેમ ઊભરાતી વસતી, પૈસા અને માત્ર પૈસાની બોલબાલા, ખૂણે ખૂણે ઊભી થઇ ગયેલી ઝૂંપડપટ્ટી લગોલગ બંધાતા મીલીયન કે બિલીયન ડોલર્સના મહેલો, ટ્રાફિક લાઈટ આગળ હુમલો કરતા ભિખારીઓ, અસહ્ય ગરીબી વચ્ચે છડેચોક પૈસા ઉડાડતા અને મોજમજા કરતા ધનિકો બધું જોતાં અમારા જેવા અમેરિકાની સુવિધાઓથી સુંવાળા થઈ ગયેલા મુલાકાતીઓને એક બે અઠવાડિયામાં થાય કે ભાગો!

પરંતુ ઓગણીસો પચાસના અને સાઇઠના દાયકાનું મુંબઈ જુદું હતું.  આધુનિક સગવડ વગરના નાના ગામમાં ઉછરેલા મારા જેવા માટે મુંબઈનું  મહાનગર મોટું આશ્ચર્ય હતું!  મેં જિંદગીમાં પહેલી   વાર આટલા બધા માણસો અને આટલો બધો ટ્રાફિક જોયો.  પાણીના રેલાની જેમ સરતી પીળી પીળી ટેક્સીઓ, મુસાફરોથી ખીચોખીચ ટણણ કરતી દોડતી ટ્રામો, હજારો અને લાખો પરાંવાસીઓને સડસડાટ લાવતી ને લઇ જતી ઇલેક્ટ્રિક ટ્રૈન, ડબલ ડેકર બસો, ફોર્ટ એરિયાના આલિશાન મકાનો, ભવ્ય ગેઇટ વે ઑફ ઇન્ડિયા અને એની સામે તાજમહાલ હોટેલ, મરીન ડ્રાઈવ, મલબાર હિલ, હેંગીંગ ગાર્ડન, મુંબઈ યુનિવર્સીટી, રાજાબાઇ ટાવર, એલ્ફિન્સ્ટન અને સેન્ટ ઝેવિયર્સ જેવી વિખ્યાત કૉલેજો, એરકન્ડીશન્ડ મુવી થીએટરો, હોલીવુડની મૂવીઓ, ક્રિકેટમાટેનું બ્રેબોર્ન સ્ટૅડિયમ, બોરીબંદર અને ચર્ચગેટ સ્ટેશન, ઊંચાં મકાનોમાં ઉપર નીચે લઈ જતી લીફ્ટોઆવું આવું તો કંઈ કંઈ હું મારી ભોળી આંખે જોઈને અંજાઈ ગયો.  પહેલી વાર લીફ્ટનો અનુભવ કંઈક અનોખો હતો!

આજે તો મુંબઈમાં ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. ફોર્ટ એરિયાની બધી ફૂટપાથ ફેરિયાઓએ કબજે કરી છે.  (જો કે એમને હવે ફેરિયા કેમ ગણવા?  ફરવાને બદલે તો એમને જે વેચવાનો માલ હોય છે તેનો પથારો કરીને ફૂટપાથ ઉપર બેઠા હોય છે!)  પણ જમાનામાં ફૂટપાથ ઉપર લોકોને હાલવાચાલવાની મોકળાશ હતી.  શરૂ શરૂમાં હું ફોર્ટ એરિયામાં ફરવા જતો.  ભવ્ય ગેટ વે ઑફ ઇન્ડિયાથી ઠેઠ હું ચાલવાનું શરૂ કરું. ત્યાંની તાજમહાલ હોટેલ, આગળ ચાલતા ડાબી બાજુ વિશાળ કાવસજી જહાંગીર હોલ.  1957માં પ્રવૃત્તિ સંઘનું કવિ સમ્મેલન થયેલું ત્યારે ત્યાં ગયો હતો.  આવો મોટો હોલ મેં જિંદગીમાં પહેલી વાર જોયો.   હોલમાં વર્ષો સુધી પ્રખ્યાત ધારાશાસ્ત્રી અને ટેક્સ નિષ્ણાત નાની પાલખીવાલા દર વર્ષે એમનું નવા બજેટના કરવેરા વિષે જોરદાર ઈંગ્લીશમાં ભાષણ આપતા.  (આવું ભારેખમ અને જૂનવાણી ઈંગ્લીશ આપણા દેશ સિવાય ભાગ્યે ક્યાંય બોલાતું હશે. અમેરિકામાં તો નહીં .) એમને સાંભળવા આખો હોલ ભરાઈ જતો.

થોડુંક આગળ વધો તો કાલાઘોડા પર જમણી બાજુ જહાંગીર આર્ટ ગેલેરી આવે અને  

ડાબી બાજુ ડેવિડ સાસુન લાયબ્રેરી અને એલ્ફિન્સ્ટન કૉલેજ.  ડેવિડ સાસુનની પાછળ એક નાનો બગીચો. ત્યાં ચા કૉફીની નાની દુકાન.  ચા લઈને બગીચામાં બેસો અને મિત્રો સાથે અલકમલકની વાતો કરો.  હું એનો મેમ્બર થઇ ગયો હતો.  લો કૉલેજમાં ભણતો હતો ત્યારે ત્યાં વાંચતો.  દેશવિદેશના મેગેઝિન ત્યાં મને પહેલી વાર જોવા મળ્યાંએનકાઉન્ટર, ન્યુ સ્ટેટ્સમેન, સ્પેકટેટર, ક્વેસ્ટ. એની અગાશીમાં લાંબા થઈને પડવાની વ્યવસ્થા.  પરંતુ બધી આર્મ ચેર ઉપર તો  બૂઢા પારસીઓનો ઈજારો.  સવારથી સાંજ સુધી ત્યાં સુતા પડેલા હોય.  ધોબી તળાવ ઉપર મેટ્રો સિનેમા સામે એક મોટી લાયબ્રેરી હતી.  ત્યાં પણ લોકો સૂવા આવે!   સૂનારાનાઓનો એવો તો ત્રાસ થઈ ગયેલો કે પીયુન દર કલાકે ટેબલ પર લાકડાની એક જાડી પટ્ટી પછાડે. લોકો જાગે, અને પાછા સૂઈ જાય!   ત્રાસ ઓછો હોય તેમાં ખુર્સીઓમાં માંકડનું ધણ છુપાઈને બેઠું હોય. જેવા તમે ત્યાં બેસો કે તુરત તમારા ઉપર હુમલો કરે.  જો કે સૂનારા બહાદુરોને પીયુનની કે માંકડની કોઈ અસર!   તો નસકોરાં બોલાવે જાય!

કાલાઘોડાથી આગળ ચાલો તો ડાબી બાજુ મુંબઈ યુનીવર્સીટી આવે.  એનો રાજાબાઈ ટાવર, કોન્વોકેશન હોલ, ગાર્ડન, એની સામે ભવ્ય મેદાન જ્યાં પોપ આવેલા ત્યારે જંગી સભા યોજાઈ હતી.  આગળ વધતા ફ્લોરા ફાઉન્ટન અને સર ફિરોજશાહ મહેતાનું ભવ્ય પૂતળું.  એક વખતે મુંબઈના બેતાજ બાદશાહ ગણાતા.  દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી એમની ચળવળ માટે મદદ લેવા દેશમાં આવ્યા હતા ત્યારે તેમને મળવા ગયા હતા. ગાંધીજી એમનાથી કેટલા પ્રભાવિત થયેલા વાત એમણે ‘આત્મકથા’માં લખી છે.  

એરિયામાં અસંખ્ય રેસ્ટોરાં. સસ્તા સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં પણ ઘણાં.  ટેમરીન્ડ લેનમાં એક છાયા નામનું રેસ્ટોરાં હતું. હજી પણ છે.  જયારે જયારે હું ફોર્ટ એરિયામાં જાઉં ત્યારે ત્યાં મારો ધામો જરૂર પડે. સસ્તું ખરું ને.   બધાં રેસ્ટોરાંમાં જબ્બર ગિર્દી હોય.  તમારા ચારના ટેબલ પર બીજા ત્રણ બેઠેલા હોય જેમને તમે કોઈ દિવસ જોયા પણ હોય. બધા નીચે મોઢે મૂંગા  મૂંગા જલદી જલદી ખાઈ લે.  તમે ઉઠો કે તરત તમારી જગ્યાએ બેસવા માટે પાછળ કોક ઊભું હોય!  તમારે જો તમારા ટેબલ પર કે બુથમાં એકલા કે મિત્રો સાથે બેસવું હોય તો ગે લોર્ડ કે લા બેલા જેવા વેસ્ટર્ન સ્ટાઈલના મોંઘા રેસ્ટોરામાં જવું પડે. પણ ત્યાં જવાની આપણી ત્રેવડ નહીં.

ફ્લોરા ફાઉન્ટનથી થોડા આગળ હોર્ન્બી રોડ પર જઈએ તો ટાઈમ્સ ઑફ ઇન્ડિયાનું બિલ્ડીંગ, ન્યુ બૂક કંપની, વેસ્ટ ઍન્ડ વોચ, હેન્ડલુમ હાઉસ, ખાદી ગ્રામોદ્યોગ વગેરે જોવા મળે.  ખાદી ગ્રામોદ્યોગવાળા લંચ ટાઈમે એક કલાક સ્ટોર બંધ કરી દે, કારણ કે કર્મચારીઓનો લંચ ટાઈમ તો સચવાવો જોઈએ!  જ્યારે આજુબાજુની ઑફિસોના લોકોને લંચ ટાઈમે શોપિંગ કરવું હોય ત્યારે સ્ટોર બંધ હોય! બોલો, કેવો ધંધો કરતા હશે?!  પણ કર્મચારીઓના યુનિયનનું જોર જબરું.  સ્ટોરમાં નફો થાય કે ખોટ, એમને એમનો લંચ ટાઈમસર લેવાનો એટલે લેવાનો .  ટાઈમ્સના બિલ્ડીંગમાં મારું રોજનું આવવાનું થતું.  નોકરી શોધવાની જે એપ્લીકેશન કરતો તે રોજ અહીં આવીને એના ચમકતા પીળા બોક્સમાં નાખતો. દર વખતે ભગવાનને કહેતો કે બાપા, હવે ખમૈયા કરો, જેવી તેવી પણ કોઈક નોકરી અપાવો!

ફ્લોરા ફાઉન્ટનની (આજના હુતાત્મા ચોક)ની આજુબાજુ ફરતા હું નિરંજન ભગતના મુંબઈ વિશેને ‘પ્રવાલદ્વીપનાં  કાવ્યો ગણગણતો.  1864માં બંધાયેલ ગ્રીક ગોડેસ ફ્લોરાના આરસના પૂતળામાં આર્કિટેક્ચર, સ્કલ્પચર અને વોટરનો અદ્ભુત સમન્વય થયો છે. કવિએ ગોડેસ ફ્લોરા માટે ‘વિશ્વ માલણી’ જેવો સુંદર શબ્દ વાપર્યો છે, તો એના હાથમાં રહેલાં પુષ્પોને  “શલ્ય ફૂલ” કહ્યા છે. ‘હોર્નબી રોડ’ના પ્રવાહી લય અને એના કાવ્ય વસ્તુનું મને હંમેશ આકર્ષણ રહ્યું છે: “આસફાલ્ટ રોડ, સ્નિગ્ધ સૌમ્યને સપાટ, કશી ખોડ!” ‘હોર્નબી રોડ’ના કવિ મધરાતે લટાર મારવા નીકળે છે તે મોટિફનું મેં વર્ષો પછી મારા ‘પેન્સીલવેનિયા એવન્યૂ’ નામના કાવ્યમાં અનુસરણ કર્યું છે, જો કે મેં ગુલબંકી નહીં પણ ઝૂલણા છંદ વાપર્યો છે.

હોર્ન્બી રોડ ઉપર આગળ જમણી બાજુ બોરીબંદર સ્ટેશન અને ડાબી બાજુ જરાક અંદર એક્સેલ્સિઅર થીયેટર હતું.  ઓપેરા થિયેટરની જેમ બેસવા માટે અનેક લેયર. ત્યાં સૌથી ઉપરના માળે બેસીને માથું એકદમ નીચું કરીને ‘Bridge on River Kwai’ નામની હોલીવુડની ફિલ્મ જોઈ હતી તે હજી યાદ છે.  આગળ જતાં કાલબાદેવી, પણ પહેલાં મેટ્રો થિયેટર યેટર જ્યાં અનેક મેટિની શો જોયેલા.  દર રવિવારે લાઈનમાં ઊભા રહી જવાનું.   હોલીવુડની મૂવીઓ બે કલાક માટે મને અમેરિકા પહોંચાડી દેતી.   જમાનામાં હજી મુંબઈમાં ટ્રામ હતી.  કિંગ્સ સર્કલ ઉપરથી બેસો તો ઠેઠ ફોર્ટ સુધી લઈ જાય.   સર્કલ પર અરોરા થિયેટર હતું, ત્યાં પણ હોલીવુડની ઘણી મુવીઓ જોઈ છે.

મુંબઈના મલબાર હિલ, માટુંગાના ફાઈવ ગાર્ડન્સ, હોર્ન્બી રોડ જેવા અનેક વિસ્તારોમાં ફરતા મને વારંવાર થતું કે  ક્યાં મારું ધૂળિયું ગામ અને ક્યાં મુંબઈ!  ગંદકી, વરસાદની મોસમમાં થતો કીચડ, ગમે ત્યાં પિશાબ કરતા છોકરાઓ, રખડતી ગાયો, ગૂંગળાવી નાખે એવું અંધારિયા કૂવાનું વાતાવરણ છોડીને મને હવે મહાન શહેરની સ્વચ્છતા અને મોકળાશમાં રહેવાનું મળ્યું. થયું હું કેટલો ભાગ્યશાળી છું!  જાણે કે મારું સપનું  સાકાર થયું.  ગામની સંકુચિતતામાંથી નીકળીને આવ્યો હતો તેથી મુંબઈનું બૃહદ્દ સાંસ્કૃ તિક, સાહિત્યિક અને રાજકીય વાતાવરણ મારે માટે કોઈ ઈશ્વરદત્ત વરદાન હતું.  જે મને ગામમાં કયારેય જોવા મળતું તે બધું મુંબઈમાં એકાએક મારા ખોળામાં આવી પડ્યુ. હું તો ભૂખ્યા ડાંસની જેમ તૂટી પડ્યો. જ્યાં જ્યાં મને જવાની જોવાની તક મળે કે તરત દોડી જતો.

દરરોજ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા લઉં. ખબર પડે કે પડે પણ વાંચું.  ટાઇમ્સમાં રોજના બનાવો અને મીટીંગની માહિતી આપવામાં આવતી.  સવારે પહેલું કામ જોવાનું કરું. સાંજે જવા જેવી કોઈ મીટીંગ છે ખરી?  કોઈ સાહિત્યકાર કે  દેશપરદેશનો નેતા આવવાનો છે?  આમ મુંબઈના સાંસ્કૃતીક, સાહિત્યિક અને રાજકીય વાતાવરણમાં હું સહેજે વિહરવા માંડ્યો.

2 responses to “એક અજાણ્યા ગાંધીની આત્મકથા પ્રકરણ 6

  1. pravinshastri December 11, 2018 at 11:29 PM

    ઘણી મજાની વાતો તાજી થાય છે.

    Like

  2. મનસુખલાલ ગાંધી December 11, 2018 at 10:03 PM

    શબદસહ આબેહુબ વર્ણન લખ્યું છે… શું એ જમાનો હતો… અડધી ચાનો એક આનો, ટ્રામની ટિકીટ એક આનો અને મ્યુઝીયમથી કીંગ્સ સર્કલના ફક્ત બે આના… ૧૯૫૭ સુધી ઢોસો -ઈડલી-ચટણી-સંભાર જોઇએ તેટલો-બટાટાવડા ટોમેટો સોસ(કેચ અપ) સાથે- બ્રેડ્બટર(પ્યોર પોલ્સનનું બટર)… બધાના બે આના (૧૨ પૈસા)..ખાંડ છ આને રતલ, રેલ્વેની ટિકીટ બે આનાથી શરૂ થાય. ચર્ચગેટથી બોરીવલી ૬ આના.. ફીલમની ટિકિટ નાના ૪- ૫ થિએટરમાં ચાર આનાથી શરૂ થાય, બીજે બધે સાડા દશ આનાથી શરૂ થાય અને પછી એક રૂપિયો પાંચ આના. જો બ્લેકમાં બોલે તો one five one twelve.. એકરૂપિયા પાંચ આનાના એક રૂપિયો બાર આના… (આજે તો સામાન્ય ફીલમ હોય તો ૧૦૦ કે ૧૫૦ થી શરૂ થાય.. વધીને ૫૦૦ થી પણ ઉપર આય..બસ..સોંઘવારી પુરી થઈ….૧૯૫૭માં નયા પૈસાનું ચલણ આવ્યું અને પછી ભાવો વધવા માંડ્યા.. સમજોને કે ખરી મોંઘવારી શરૂ થઈ ગઈ..

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: