
પ્રવીણ શાસ્ત્રી
સ્પર્શ

મધુ કારમાંથી ઉતરી, કૅઇન સ્વિંગ કરતી ધીમા પગલે બિલ્ડિંગના મુખ્ય પ્રવેશદ્વાર તરફ આગળ વધી. ગઈ રાત્રીએ અણધાર્યો સ્નો પડ્યો હતો. સ્નો તો સાફ થઈ ગયો હતો પણ કેટલાક ભાગમાં બરફ જામી ગયો હતો. બિચારી મધુનો પગ જરાક સર્યો. એ પડવાની જ હતી અને એની પાછળ આવતા જયેશે એને કમ્મરમાંથી પકડી લીધી. મધુ પડતાં બચી ગઈ. એને ખ્યાલ આવી ગયો કે કોઈ મજબુત હાથ એની મદદમાં આવી ગયો હતો.
‘થેન્કસ.’
‘ચાલો, હું આપને અંદર સુધી મુકી જાઉં.’ જયેશે સદ્ભાવના દર્શાવી.
‘ઓહ! આપ ગુજરાતી છો? અહિ નવા આવ્યા છો?’
‘ના હું અહિ નથી રહેતો. પાર્ક સામેના બિલ્ડિંગમાં રહું છું. અહિ મિત્રના કામ માટે આવ્યો હતો અને આપને પડતા જોયા.’ હજુ જયેશનો હાથ કમ્મરને જ અડેલો હતો. મધુએ ધીમેથી હાથ અળગો કર્યો.
‘મારો આ બિઝનેશ કાર્ડ આપની પાસે રાખજો. હું નજીક જ રહું છું. જરૂર પડ્યે હાજર થઈ જઈશ’
મધુએ કાર્ડ લીધો અને પર્સમાં મૂક્યો.
‘આપનો ઘણો આભાર.’ અને મધુ બિલ્ડિંગમાં પ્રવેશી. એલિવેટરમાં ચૌદમા માળે પહોંચી ગઈ. જયેશ એને જોતો રહ્યો.
આ હાઈરાઈઝર લકઝરી કોન્ડો બિલ્ડિંગમાં એનો નવો બનેલો મિત્ર માઈકલ રહેતો હતો. છ મહિના પહેલાં જ્યારે જયેશ હ્યુસ્ટનથી જર્સી સીટી આવ્યો ત્યારે પાર્ક સામેના બિલ્ડિંગમાં જયેશને માઈકલે સ્ટુડિયો કોન્ડો અપાવ્યો હતો. બે દિવસ વરસાદ હતો. એપાર્ટમેન્ટ સેટ કરવામાં સમય ગયો. પછીના રવિવારની ખુશનુમા સવારમાં એણે બાલ્કનીમાંથી આજુબાજુનું નિરિક્ષણ કરવા એનું બાઈનોક્યુલર ઘુમાવ્યું. નીચે પાર્ક હતો સામે થોડા હાઈરાઝર્સ હતા. જો સામેનું બિલ્ડિંગ ના હોત તો આખું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જોઈ શકાત. ફરતા બાઈનોક્યુલરના વર્તુળમાં એ જ બિલ્ડિંગની બાલકનીમાં એક યુવતી આવી ગઈ. લેન્સ ઝૂમ થયો.
વાઉવ, શોર્ટ પેન્ટ અને ટાઈટ ટી શર્ટ, ડાર્ક ગ્લાસીસ સાથે બાલ્કનીમાં, તે યુવતી, રાઉન્ડ ટેબલ પર લેપટોપ પર કંઈ કામ કરતી હતી. એના પગ પાસે જર્મન શેફર્ડ બેઠો હતો. કાનમાં ઈયર ફોન હતા. જયેશના મોમાંથી ‘વાઉવ’ એક વાર નહિ બે ત્રણ વાર નીકળી ગયું. જેટલું ઝૂમ થાય એટલું કરીને એ જોતો જ રહ્યો. ત્યાર પછી એ બાલ્કનીમાં દેખાઈ ન હતી. ધીમે ધીમે બદલાતા હવામાનમાં બાલ્કનીમાં શોર્ટપેન્ટ પહેરીને બેસવાના દિવસો પુરા થયા હતાં. રૂમના આછા પડદામાંથી એની આકૃતિ જ દેખાતી. નવરાત્રીના દિવસો હતા અને ફરીવાર એ યુવતી સાડીમાં દેખાઈ.
ઓહ! આ તો ઈન્ડિયન છે. વાઉવ! મળવું પડશે. બ્યુટિફુલ પ્રોસ્પેક્ટિવ ક્યાયન્ટ.
પાંત્રીસ વર્ષીય જયેશ ફાઇનાન્સિયલ એડવાઈઝર હતો. અમેરિકામાં જૂદા જૂદા સ્ટેટમાં ફરતો રહેતો અને મની મેનેજ્મેન્ટનો બિઝનેશ મેળવતો હતો. સામેનું બિલ્ડિંગ, સુપર લક્ઝરી કોન્ડોમિનિયમ હતું. મોટાભાગના મેન્હ્ટ્ટન ન્યુયોર્કમાં કામ કરતા પ્રોફેશનલ્સ રહેતાં હતાં. બાલ્કની વાળી યુવતીની આજુબાજુ કોઈ પુરુષ દેખાતો નહતો. એણે એના મિત્ર માઈકલને એક સાંજે બોલાવ્યો. સામેની બાલ્કની બતાવી પુછ્યું “માઈક,સામેના ફ્લેટમાં રહે છે તે કોણ છે.”
‘સી ઈઝ મધુ. બ્લાઇન્ડ છે. કોઈ કોલેજમાં પ્રોફેસર છે.’
બે દિવસ એણે માઈકના બિલ્ડિંગમાં માઈકને મળવાને બહાને આંટા માર્યા. એટલી ભાળ મળી કે મધુ શર્મા ૧૪૦૭ નંબરના લક્ઝરી ફ્લેટમાં રહેતી હતી.
ત્રીજે દિવસે મધુ કારમાંથી ઉતરી, એક હાથમાં બ્રીફકેસ અને બીજા હાથમાં વ્હાઇટ કેન. કોન્ફિડન્સથી ચાલતી મધુનો પગ અચાનક આઈસપેચ પર પડ્યો, સમતોલન ગુમાવ્યું પણ જયેશે એને સંભાળી લીધી. કમ્મર પરનો સ્પર્શ મધુને ધણી માહિતી આપી ગયો. જે કામ ચક્ષુ નથી કરી શકતા તે સ્પર્શેન્દ્રિય કરી શકતી હોય છે. હાથ પકડીને સહાયતા કરવા વાળા ઘણાને વિનયપૂર્વક નકાર્યા હતા.આજે આ હાથે અચાનક પડતા બચાવી. બિચારો જર્મન શેફરડ ગાઈડડોગ ‘બડી’ બે દિવસથી બિમાર હતો. એને ઘરમાં મુકીને આવી હતી એની ચિંતામાં એ આઈસપેચ ચૂકી ગઈ હતી.
થેન્ક્સ, કહીને એ બિલ્ડિંગમાં પ્રવેશી અને જયેશ એને જોતો જ રહી ગયો. એ પ્રોફેસનલ હતો. ડિવોર્સી હતો. મધુ તો બ્લાઇન્ડ છે, એ જાણવા છતાં એનું સંપર્કનું પહેલું સોપાન હાથમાં બિઝનેશ કાર્ડ પધરાવવાનું જ હતું.
અને ખરેખર તે જ રાત્રે જયેશના ફોનની રિંગ વાગી.
‘હલ્લો!’
‘હાય જયેશજી આઈ એમ મધુ, માફ કરજો આપની સાથે હું વધુ વાત કરી શકી નહિ. મારો બડી બિમાર છે. ગઈ કાલે જ હોસ્પિટલમાંથી લઈ આવી. મારે એને મેડિસિન આપવાનો સમય થઈ ગયો હતો એટલે હું દોડી. મને પડતાં બચાવી. સારું થયું આપ આપનો બિઝનેશ કાર્ડ આપી ગયા હતા. આપનો આભાર.’
‘પણ મધુજી આપ અને મારો કાર્ડ તો………’
મધુ હસી “ આઈ ગેસ યુ મસ્ટ બી વંડરિંગ હાઉવ ડિડ આઈ રીડ યોર કાર્ડ. મારી સ્વીટ નેબર જુલિયા મારી રિડિંગ આસિસ્ટનટ છે બાર વર્ષની છે. મારી મેઈલ રિડર અને રાઈટર છે. છે તો બાર વર્ષની પણ મેચ્ચોરિટી બાવીશની. મજાની છોકરી છે. સ્કુલ સમયને બાદ કરતાં એનો ઘામો મારે ત્યાં જ હોય છે. મારા બડી સાથે સરસ દોસ્તી છે. બસ એણે વાંચીને તમારો નંબર કહ્યો. વેરી સિમ્પલ. રાઈટ?’
મધુએ ખુબ જ નિખાલસતાથી પોતાની ઓળખને બદલે જુલિયાની અને જર્મન શેફર્ડ ગાઈડ ડોગ બડીની વાત જણાવી દીધી.
‘મધુજી મારી પાસે બ્રેઇલ એન્ગ્રેવ્ડ કાર્ડ પણ છે. પણ મે આપને પ્લેઇન કાર્ડ આપી દીધો. સોરી. કાલે હું પહોંચાડી જઈશ.’
‘ના હવે તકલીફ લેવાની જરૂર નથી. આપનો પ્રોફેશનલ પરિચય તો મળી જ ગયો છે. આપ ફાયનાન્સિયલ પ્લાનર છો એ જાણી આનંદ થયો. હું કોઈકની શોધમાં જ છું. આપનો કાર્ડ મારી પાસે જ છે. આપના થોડા રેફરન્સ ચેક કર્યા પછી મુલાકાત ગોઠવીશું. ફરી એકવાર આપનો આભાર.’
અત્યાર સુધીની ફાઈનાન્સ કારકિર્દીમાં કોઈએ સામેથી કહ્યું ન હતું કે હું તમારો રેફરન્સ ચેક કરીને જણાવીશ. એ થોડો ધૂજી ગયો.
જયેશે પોતાના સર્ચ એન્જીન દ્વારા મધુનો બાયોડેટા, મેડિકલ રિપોર્ટ, શિક્ષણ અને ફાઈનાન્સિયલ માહિતી મેળવી લીધી.
મધુ ગરીબ માબાપની ચોથા નંબરની દીકરી હતી.માત્ર પાંચ મહિનામાં જ પ્રિમેચ્યોર જન્મ થયેલો. અંડર વેઈટ. ફેફસાને ઓક્સિજન ટ્રીટમેન્ટ અપાઈ. ફેફસા ટક્યા પણ ઓક્સિજનનું બેલેન્સ ન જળવાયું અને રેટિના ખલાસ થઈ ગયા. જન્મથી આંધળી હતી. દૂરના નિઃસંતાન કાકા-કાકી અમેરિકામાં લોયર હતા. ઈન્ડિયા આવ્યા. એમણે મધુને એડોપ્ટ કરી. મધુએ જીંદગીમાં દુઃખ જોયું નથી. બસ જલ્સા જ કર્યા છે. બ્લાઇન્ડને માટે જે જે સુવિધાઓ સંશોધાય છે તેનો લાભ એને મળતો રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અનેક ઉપકરણોએ એને દૃષ્ટિહિનતાનો અહેસાસ થવા દીધો ન હતો. કાકા અને કાકીએ એને લો પ્રેફેસર અને કંસલ્ટિંગ લોયર લોયર બનાવી. કાકા ડિસ્ટ્રિક એટરની હતા. કાકી કોર્પોરેટ લોયર હતા. બ્લાઇન્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની ચેરપરસન છે. કાકા મૃત્યુ બાદ મોટી જાયદાદ મધુના નામ પર કરતાં ગયા. દૂરના કાકાનો મલ્ટિમિલિયોનનો વારસો મળ્યો. અંધ હતી, ધનિક હતી, સુંદર હતી. એટલું જયેશને માટે પુરતું હતું,
દશ દિવસ પછી, જયેશને મેસેજ મળ્યો. શુક્રવારે ચાર વાગ્યે કોલેજ લાઈબ્રેરીમાં મળીયે.
અને બન્ને મળ્યા.
સામાન્ય રીતે એક મિલિયન ડોલરના પોર્ટફોલિયો મેનેજ્મેન્ટના વર્ષના પાંચ છ હજાર ડોલર મળતા. મધુના ત્રીસ મિલિયનની વ્યવસ્થામાં વાર્ષિક સવા લાખ મળે. આ કંઈ નાની રકમ ન કહેવાય. પણ જો એ શ્રીમંત બ્યુટી પત્ની બને તો?
‘મધુજી આપ સાથે પોર્ટફોલિયોની ઘણી વાતો કરવી પડશે. હજુ મારી ઓફિસની ગોઠવણો થઈ નથી. જો આપને વાંધો ન હોય તો આપને ત્યાં નિરાંતે ચર્ચા કરી શકીયે.’
‘સ્યોર. મારે ત્યાં રવિવારે લંચ સાથે લઈશું અને પોર્ટફોલિયોની ચર્ચા કરીશુ.’
જયેશ મઘમઘતા ફૂલોનો એક મોટો ગુલદસ્તો લઈને પહોંચી ગયો.
મધુએ એને ફૂલદાનીમાં સરસ રીતે ગોઢવી દીધો. ‘બધાજ મારા મનગમતા પુષ્પો. આભાર.’ એની આંગળીઓનું સ્પર્શજ્ઞાન અને ઘ્રાણેન્દ્રિય થી બધા જ ફૂલો એટલી સરસ રીતે વાઝમાં ગોઠવ્યા કે કોઈને ખ્યાલ ન આવે કે મધુ અંધ છે.
એને મધુમાં રસ પડી ગયો. ‘મધુજી અત્યારે, આપનું રિટર્ન માત્ર દશ ટકા જ છે, ધીમે ધીમે હું તમને બધો પ્લાન સમજાવતો જઈશ. આપણે સહેલાઈથી બાવીસ ટકા મેળવી શકીશું.’
મુલાકાતો રોજની. થઈ ગઈ. નાણાકીય વાત ઉપરાંત પ્રેમ મહોબતની દિશામાં જયેશ વાતોને વાળતો રહ્યો. એ વિષયમાં એની નિપુણતા હતી.
‘આપને ખબર છે કે આપ ખુબ જ સુંદર છો?’
‘જયેશજી આપ કહો તે હું ન માનું એવું બની શકે ખરું?’
‘જયેશજી નહિ, માત્ર જયેશ કહો. હવે, હું જો એમ કહું કે હું આપના પ્રેમમાં પડી ગયો છું. જો શક્ય હોય તો મારું જીવન આપની સાથે જ ગાળવા માંગું છું તો આપ માનશો?’
‘ઓહ! યુ મીન્સ લીવિંગ ટુ ઘેધર?’
‘નો. આઈ વોન્ટુ મેરી યુ. વિલ યુ મેરી મી?’
‘હું મારી જાતને નશીબદાર સમજીશ. હું અંધ છું છતાં પણ આપ મારા પ્રેમમાં પડ્યા? આટલા ઓછા અને ટૂંકા પરિચય પછી આટલા જલ્દી પ્રેમમાં કેવી રીતે પડાય? મારામાં એવું તે શું છે?
‘તે તો મને પણ ખબર નથી. પણ કદાચ પહેલી નજરનો પ્રેમ હશે’
‘તો એ એકમાર્ગીય પ્રેમ કહેવાય. મારી નજરનો તો સવાલ જ નથી. ચોક્કસપણે આપ હેન્ડસમ જ હશો. પણ ન હો તો પણ શું ફેર પડે? અત્યારે તો આપણી વચ્ચે માત્ર પ્રોફેશનલ રિલેશન છે. મારી આર્થિક વ્યવસ્થા માટેનો જ સંબંધ છે. પ્રેમમાં પડતાં પહેલાં મૈત્રી, ખાસ મૈત્રી, અને મૈત્રી અને ખાસ મૈત્રી વચ્ચે પરની સાચી ઓળખ હોવી જરૂરી છે. આપની દુનિયા નજરની છે. તમે તન જૂઓ છો. તનનો રંગ જુઓ છો. હું તો માનવીના તનના શ્વાસોછ્શ્વાસ અને તનની ધડકન સાંભળું છું. હું એક માત્ર સ્પર્શથી વ્યક્તિના રંગરૂપ જાણી શકું છું. તમે મને પ્રેમમાં પડી શકું એવી વ્યક્તિ ગણી એ મારા જેવી અંઘને માટે જેવી તેવી વાત નથી. મારા વિષે તો આપ બધું જ જાણી ચૂક્યા છો. તમારે માટે તો હું માત્ર એટલું જ જાણું છું કે આપ પ્રોફેશનલ ફાઈનાન્શિયલ પ્લાનર છો અને મને પ્રેમ કરો છો. તમારા કહ્યા મુજબ આજે તો હું સુંદર છું. યુવાન છું. અને ધનિક પણ છું. અને વધુમાં અંધ પણ છું. યુવાની વિતતાં સૌંદર્ય જાય અને કોઈક કારણસર ધન પણ ન રહે તો તમે મને જાળવશો?’ મધુએ ગળગળા થતાં સીધો જ પ્રશ્ન પૂછ્યો.
‘આઈ લવ યુ મધુ. આપણે બન્ને જ વૃદ્ધ તો થવાના જ. સમય જતાં શારીરિક સુંદરતા પણ જવાની જ. પણ આપણી વચ્ચે જે પ્રેમ અને આપણું ધન છે તે નહિ જાય. હું એનો રખવાળો બની રહીશ. મધુ તને વ્હાઈટ કૅનની જરૂર નહિ પડે. કેનને બદલે તારા હાથમાં સદાકાળ મારો હાથ હશે.’ જયેશે મધુને હાથથી ખેંચી હોઠ પર તસતસતું ચૂબન ચોંટાડી દીધું.
‘પ્લીઝ જયેશ, નોટ સો ફાસ્ટ.’ મધુએ એને હડસેલો માર્યો. ‘હજુ આપણે ગાઢ મૈત્રી સંબંધમાં પણ જોડાયા નથી. પ્રિમેચ્યોર ફિઝિકલ રિલેશનશીપ યોગ્ય નથી. ધિરજ રાખો. યોગ્ય સમયે બધા જ સંબંધો આપોઆપ બંધાતા જશે. આજે હું થાકેલી છું. આવતી કાલે મળીશું અને નિરાંતે વાતો કરીશું.’
બીજે દિવસે જ્યારે જયેશ મધુને ત્યાં ગયો. ત્યારે એનો આખો ફ્લેટ વિશિષ્ટ રીતે શણગારાયલો હતો. બેડની આજુબાજુ પ્રાઈવસી ડિવાઈડર આવી ગયા હતા. બેડ પર હાર્ટ આકારની વેલ્વેટ બેડસ્પ્રેડ હતી. નાના ડાઈનિંગ ટેબલ પર બે વ્યક્તિ માટેની ડિનર ડિશ ગોઠવાઈ ગઈ હતી. એની કમનીય કાયાના વળાંકો પ્રદર્શીત થાય એવા ગાઉનમાં મધુ એને ચીપકી ને બેસી ગઈ.
‘ડિયર, ગઈકાલે હું ખુબ જ થાકેલી હતી. ઘણી ઘણી વાતો કરવી હતી. તમે ક્યારે અને કેમ ડિવોર્સ લીધા એની વાત કરશો. આપણે થોડું અંગત અંગત જાણી લઈએ.’
‘અમારી વચ્ચે ઉમ્મરનો મોટો તફાવત હતો. ન ફાવ્યું. અને મળી સંપીને છૂટા થઈ ગયા.’
‘અને તે પહેલાં પણ તમે પરિણિત હતાને? આતો મારી ઇનીશીયલ સર્ચ રેકોર્ડમાં જાહેર વાત જણાઈ એટલે પૂછું છું.’
‘ઓહ! એ વાતને તો વર્ષો થઈ ગયા. અમારા પ્રેમ લગ્ન હતા. ત્રણ વર્ષના લગ્ન જીવન પછી ભગવાને’ બોલાવી લીધી.’
‘શું થયું હતું.’
‘અમે વેડિંગ એન્નિવરસરી માટે મેક્સિકો ગયા હતા. ઓસનમાં ડૂબી જવાથી એ ગુજરી ગઈ.’
‘જયુ, મધુએ આત્મીય સંબોધન કર્યું મારી માહિતી મુજબ તમારા પર હજુ એ અકસ્માત અંગે ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ચાલુ છે એ વાત સાચી છે?’
‘મધુ, આ બધી એવી ગાંડા ગપગોળા ક્યાંથી લઈ આવી. એમાં કોઈ પણ ઈન્વેસ્ટિગેશનનું કોઈ કારણ જ ન હતું. એક્સિડન્ટ હતો એક્સિડન્ટ’
‘જયુ,’ ‘જે દિવસે તમે મને પડતાં બચાવી તે દિવસનો તમારો સ્પર્શ મને કહી ગયો હતો કે મને તમારા હાથનો સહારો જીવનભર મળશે. આમ છતાં હું કોઈ પણ નિર્ણયમાં ઉતાવળ કરવામાં માનતી નથી. બે દિવસ પહેલા જ મારા કોલેજ કલિગ્સ વાત કરતા હતા કે કોઈ ઈન્ડિયને મેક્સિકોમાં પાંચ વર્ષ પર એક ઈન્ડિયને એની અમેરિકન પત્નીને ડૂબાડી હતી તેનો કેસ ઉભર્યો છે. પ્લીઝ આ તમે તો નથી ને? જે હોય તે, પહેલાં મન મૂકીને તમારી તકલીફની વાત કરો. હું લોયર છું. હું તમને બનતી બધી મદદ કરીશ પણ મારે સાચી વાત જાણવી છે. આપણા ભવિષ્યના સંબંધ માટે પણ સત્ય જાણવું જરૂરી છે. પ્લીઝ જો ખરેખર મને ચાહતા હો તો મને સાચી હકીકત જણાવો. તમે મને ખૂબ જ ગમો છો.’ મધુના હાથમાં રહેલો જયેશનો હાથ જુદા જ કંપનો અનુભવતો હતો. જેમ કુશળ વૈદ્ય નાડી પકડીને દરદીના રોગનું નિદાન કરી શ કે તેમ જ મધુ સ્પર્શ સ્પંદનથી માનવી માનસિક સ્પંદનો ઓળખી શકતી.
‘મધુ જીવનમાં પહેલી વાર જ મને તારા પ્રત્યે અંતરની લાગણી જન્મી છે. હું પણ ગરીબ માબાપનો છોકરો હતો. આમ છતાં ભગવાને મને સારું શરીર આપ્યું. ગેરકાયદે અમેરિકામાં આવ્યો. બારમાં જીગલો મેઈલ ડેન્સર તરીકે જોબ કરી. અમેરિકાની ધનિક વિધવાઓને પૈસા લઈને દેહ સુખ આપ્યું. એમાંની એકની સાથે લગ્ન કર્યા. પણ ત્રાસી ગયો હતો. મેક્સિકોમાં વેવસર્ફિંગ કરતાં ફ્લિપ થઈ ગઈ. ફેફસામાં પાણી ભરાયું અને ગુજરી ગઈ.’
‘મેક્સિકો ગાર્ડિયનમાં ફોટા સાથે સમાચાર હતા. ગઈ કાલે સવારે મારી રિડર ફ્રેન્ડ જુલિયાએ સ્પેનિશ પેપરમાં આવેલા સમાચાર વાંચી સંભળાવતાં કહયું કે આતો તારા ફાયનાન્સિયલ પ્લાનર ફ્રેન્ડનો ફોટો છે. એમાંતો લખ્યું હતું કે જ્યારે એ મહિલા પાણીમાં ગબડી પડી ત્યારે એના પાર્ટનરે ગુંગળાવી હતી. અને પાર્ટનર દૂર ચાલ્યો ગયો હતો. અત્યાર સુધી એને અકસ્માત ગણવામાં આવ્યો હતો. પણ કોઈકે દૂરથી પાડેલો વિડિયો બહામાની પોલિસને મળ્યો છે.’
‘ક્યાં છે એ ન્યુઝ પેપર?’
‘એ તો ગાર્બેજમાં ગયું. સ્પેનિસ પેપર હતું. આપ સ્પેનિશ જાણો છો?’
‘ના. માત્ર ફોટો જ જોવો હતો.’
‘આટલા બધા ધ્રૂજો છો કેમ? પ્લીઝ મને સાચી વાત કરો. હું તમને મદદ કરીશ.’ અને મધુ એને લપેટાઈ ગઈ.
‘મધુ, પ્લીઝ હેલ્પ મી. મારે એ ડોસીથી છૂટવું હતું. એણે મને લાલચ આપી હતી કે મારી પાસે મલ્ટિમિનિયમ ડોલરની એસેસ્ટ છે. ખરેખર એની પાસે કશું જ ન હતું. એ મને પરણીને મને ચૂસતી હતી. મારે કરવું પડ્યું. હવે મારે સ્થિર જીવન જીવવું છે. ગરીબાઈ પણ જોઈ છે. અને પૈસો પણ માણ્યો છે. કંઈ પ્રોબ્લેમ થાય તો મને મદદ કરશે ને?’
અને……
અને બારણે ટકોરા પડ્યા. મધુએ બારણું ખોલ્યું. એના મિત્ર માઈકલ સાથે બે અમેરિકન પોલિસ ઓફિસર અને એક મેક્સિકન પોલિસ ઓફિસર દાખલ થયા.
‘થેન્ક્સ મિસ મધુ. એન્ડ મિસ્ટર જયેશ ગુપ્તા, યુ આર અન્ડર એરેસ્ટ ફોર મર્ડર ઓફ અમેરિકન સીટીઝન ઈન મેક્સિકો.’ ઓફિસરે પ્રોટોકોલ પ્રમાણે એના રાઈટ્સ સમજાવી દીધા.
‘મધુ. યુ…..યુ….યુ ટ્રીક મી. આઈ રિયલી લવ યુ. આ બધું ખોટું છે. આઈ એમ ઈનોસન્ટ’
મધુએ એના પારદર્શીય ગાઉન પર રોબ ચઢાનતાં કહ્યું, ‘મુહમ્દ તેં કદીયે કોઈને પ્રેમ કર્યો છે ખરો? તારું સાચું નામ તો મને તું રહેવા આવ્યો તે જ દિવસથી જ ખબર હતી કે તું જયેશ નથી મુહ્મ્દ છે. તને એપાર્ટમેન્ટ અપાવનાર તારો નવો ફ્રેન્ડ માઈકલ, સ્ટેટ એપોઈન્ટેડ ઇન્વેસ્ટિગેટર ડિટેકટિવ છે. તને સામેનો એપાર્ટમેન્ટ અપાવ્યો તે પણ મને ખબર હતી. તેં મને બાલ્કનીમાં જોઈ તે પણ હું જાણતી હતી.’
‘એ તો તેં જાતે જ કબુલ કર્યું છે કે તું ઈલલિગલ ઈમિગ્રાન્ટ છે. બારમાં મેઈલ ડેન્સર હતો તે પણ તેં જ કહ્યું હતું. તેં જે ડોસીને મારી નાંખી તે ડોરિસ એના જમાનાની અનુભવી સર્ફર હતી. જ્યારે પલ્ટિ ખાઈ ગઈ ત્યારે તું નજીક હતો. અને તેં જ એને પાણીમાં ગળચી દાબીને મારી નાંખી અને પછી પાણીમાં ડૂબાડી.’
મેક્સિકોના ઓફિસરે વધુ ખૂલાસો કરતાં કહ્યું કે ‘તે સમયે અક્સ્માત મૃત્યુ તરી કે વધુ તપાસ ન થઈ અને કેસ ક્લોઝ થઈ ગયો. એના નામનો મોટો ઈન્સ્યુરન્સ હતો. બેનિફિશીયરી તરીકે એના ભત્રીજાનું નામ હતું. ભત્રીજાએ એક રેર વિડિયો રજુ કરી અને અમારે અમેરિકન ક્રિમિનલ ઈન્વેસ્ટિગેટિંગ ટીમની મદદ લેવી પડી.’
માઈકલે કહ્યું, ‘તેં એક મહિના પહેલાં જ તારા નામ પર સ્પાઉસ તરીકે બદલાવ્યું હતું. ત્યાર પછી મળેલા પૈસામાંથી ફાઈનાન્સનો બિઝનેશ શરૂ કર્યો. ફ્લોરિડાથી ટેક્ષાસ ગયો. તારી ચાર્મિંગ વાતથી હેલન અંજાઈ ગઈ અને તારી સાથે લગ્ન કર્યા. તેં એની સાથેના જોઈન્ટ એકાઉન્ટમાંથી નાણા હડપ કરવા માંડ્યા. પણ હેલન સજાગ હતી. એને ખબર પડતાં તેં કબુલાત કરી ને બધા નાણાં પાછા આપી દીધા. હેલને પોલિસ કેસ કરવાની ધમકી આપી એટલે ડોરિસ પાસે મળેલી રકમમાંથી ડિવોર્સ સેટલમેન્ટમાં હંડ્રેડ થાઉસન્ડ આપી જ્યોર્જમાંથી જયેશ બનીને ન્યુ જર્સીમા આવ્યો.’
‘જે સમયે ડોરિસનું મૃત્યુ થયું ત્યારે એક યુવાને દૂરથી સર્ફિંગ કરતી ડોરિસનો વિડિયો લીધો હતો. એ એના મિત્રો સાથે સોસિયલ મિત્રો સાથે વિડિયો શેર કરતો હતો. એના ભત્રીજાએ એ વિડિયો જોયો. “ઓહ આતો મારી આન્ટ ડોરિસ છે.” બસ કેસ પાછો ઉઘડ્યો.’
‘માઈકલે તારે માટે સ્ટિંગ ઓપરેશન સેટ કર્યું.’ મધુએ જણાવ્યું ‘તેં ધનિક સિંગલ મહિલાઓને ફસાવવાનું ચાલું રાખ્યું. ડિયર જયેશ કે મહમ્મદ તું જે હોય તેં સિંગલ ધનિક બ્લાઈન્ડ લેડી તરીકે તેં મને ટાર્ગેટ કરી, મેં થોડો સમય થવા દીધી. કોઈકને કોઈ દિવસે ગુનો તો પકડાય જ. કેટલિક વાર પોલિસે પણ ધિરજથી ગુનેગારને ફાલવા દેવો પડે છે. તું સારી રીતે ફૂલ્યો છે. તારા પર અનેક કેસ ઠલવાશે, તને કોઇ જ બચાવી ના શકે. અને બીજી વાત. મારા કાકાનો વારસો ચાળીસ મિલિયનનો નથી. માત્ર ચાર મિલિયનનો જ છે. અને તે તમામ મેં બ્લાઈન્ડ વેલ્ફેરના ટ્રસ્ટમાં રાખ્યા છે. હું મસ્તરામ થઈને જીવું છું. મારે તારા જેવાની મારા જીવનમાં જરાય જરૂર નથી. અને મારી ફરજ અમેરિકાના ન્યાય તંત્રને વફાદાર રહેવાની છે.’
‘ઓફિસર આજની બધી જ વાતો જ્યુડિશીયલ પરમીશનથી રેકોર્ડ થએલી છે, તે તમે ટેકનીશીયનને મોકલીને મંગાવી શકો છો.’
‘દુઃખ એ જ છે કે આમાં મારી માતૃભૂમીના એક કુપુત્રએ મારા દેશને બદનામ કર્યો.’ અંધ આંખોમાંથી બે ટીપાં પડ્યા અને નૂછાઈ ગયા.
_____________________________
પ્રગટ – ગુજરાત દર્પણ ડિસેમ્બર ૨૦૧૮
Like this:
Like Loading...
Related
આપનો આભાર.
LikeLike
એકજ બેઠકે વાંચવી પડે તેવી સરસ વાર્તા
LikeLiked by 1 person
વિમળાબહેન મારી વાર્તા વાંચી ને પ્રતિભાવ આપવા બદલ આપનો આભારી છું. .
LikeLike
જસ્ટિસ બીઇંગ સર્વ્ડ ….. સરસ લખાણ અંત સુધી પકડી રાખે તેવું…… વાંચવા ની મજા આવી ગઈ….. અને હા આના પર તો બૉલીવુડ ફિલ્મ પણ બનાવી શકે…….
LikeLiked by 1 person
” કોઈકને કોઈ દિવસે ગુનો તો પકડાય જ.’
રસપ્રદ વાર્તાં . નજર સામે ભજવાતું જોતા હોઇએ તેવું આબેહૂબ આલેખન.
LikeLiked by 1 person