એક અજાણ્યા ગાંધીની આત્મકથાઃ પ્રકરણ 20

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

NatwarGhandhi.jpg

નટવર ગાંધી

પ્રકરણ 20– આખરે ઓરડી લીધી!

મુંબઈમાં અમારી નાતનાં બધાં જ સેનેટોરિયમોમાં હવે અમે રહી ચૂક્યા હતા. એક ઠેકાણે તો એક્ષ્ટેન્શન પણ લીધું હતું.  કેટલીક જગ્યાએ ટ્રસ્ટીઓ અને મહેતાજીઓ અમને ઓળખી ગયા હતા. હવે ફરી વાર ત્યાં જવું મુશ્કેલ હતું.  એ મળે તોયે ત્રણ મહિના પછી તો એનો એ જ પ્રશ્ન ઊભો રહેવાનો છે.  વધુમાં આ સેનીટોરીયમમાં દર ત્રણ મહિને થતી રઝળપાટથી હું થાક્યો પણ હતો.  જો સેનેટોરિયમ મળ્યું તો મુંબઈમાં ક્યાં અથવા કયા પરામાં અને કેવું મળશે તે બાબતમાં અમારો કોઈ ચોઈસ થોડો હતો?  ભારતીય વિદ્યા ભવનની બાજુમાં જે એક જગ્યા મળી હતી, તે એવી તો ખખડધજ હતી કે ક્યારે પડી ભાંગશે તેનો કોઈ ભરોસો ન હતો. રૂમની વચમાં જ ટેકા માટે મોટા થાંભલાઓ મૂકાયેલા  હતા! 

હવે મારે શું કરવું?  મારી દશા વળી પાછી સાપે છછુંદર ગળ્યા જેવી થઈ!  નોકરી મુંબઈમાં છે, પણ રહેવા માટે ઓરડી નથી.  દૂરના પરામાં પણ સામાન્ય ઓરડી લેવા જેટલાય પૈસા નથી અને એ પૈસા ભેગા થવાની હું કોઈ શક્યતા જોતો નહોતો.  હવે નલિનીને પણ દેશમાં પાછી મોકલવી મુશ્કેલ.  આ મુસીબતનો એક જ ઉપાય મને દેખાતો હતો. તે હતો મુંબઈ છોડવાનો!   મુંબઈમાં જ્યાં આખા દેશમાંથી લોકો પોતાનું નસીબ અજમાવવા આવતા હતા, ત્યાં  મારો જ પત્તો ન લાગે એમ?  મારે મુંબઈ છોડવું પડશે એમ?  અનેક સગાંઓ, મિત્રો અને ઓળખીતાઓ એમ બધા જ જો મુંબઈમાં પોતાનો રસ્તો શોધી લેતા હોય તો હું એક જ એવો નમાલો નીકળ્યો કે સામાન્ય ઓરડી પણ ગોતી શકતો નથી?   બધા જ પોત પોતાની રીતે મુંબઈમાં ગોઠવાઈ જતા હોય છે તો હું જ એવો અક્કલ વગરનો કે હજી ઓરડી વગરની રખડપટ કરું છું?  મેં તો એવો શું ગુનો કર્યો છે? 

જે જે વસ્તુઓ વિષે મનમાં હું ખાંડ ખાતો હતો, જેને માટે મગજમાં રાઈ ભરીને બેઠો હતો–બી. કોમ. ડીગ્રી, મારી સાહિત્યપ્રીતિ, ખાસ કરીને પૃથ્વી છંદ ઉપરનું મારું પ્રભુત્વ, દેશના રાજકીય પ્રવાહો વિશેની મારી સમજ, દેશોદ્ધાર કરવાની મારી ધગશ, કશુંક કરી છૂટવાની મારી મહત્ત્વાકાન્ક્ષા–આમાંનું કશું કરતાં કશું જ મને કામમાં નહોતું આવતું. થયું કે એ બધામાં ધૂળ પડો.  થયું કે આ કરતા હું કૉલેજમાં ન જ ગયો હોત તો સારું.  કાકાની વાત સાવ સાચી હતી.  મારાં કેટલાં બધાં સગાંઓ જેમણે કૉલેજનો દરવાજો પણ જોયો નથી તે આજે મારકેટમાં દલાલી કરે છે, અથવા નાનીમોટી કોઈ ધંધાની લાઈન પકડી લઈને પૈસા બનાવે છે.  કેટલાક તો ગાડીઓ ફેરવે છે.  અને હું બી.કોમ ભણેલો ઓરડી વગરનો રખડું છું.

પેઢીમાં બહારગામની મિલોમાંથી જે માલ આવતો તે છોડાવવાનું કામ મારે માથે હતું.  તે માટે હૂંડીઓ ભરવાની હોય.  એક બેંકમાંથી લાખો રૂપિયા ઉપાડી બીજીમાં ભરવાના અને હૂંડી છૂટે.  ઘણી વાર તો આખી સવાર એમાં જ જાય.  એ જમાનો કસ્ટમર સર્વિસ કે ટેકનોલોજીનો નહોતો.  એક બેન્કમાંથી પૈસા ઉપાડું, ટેક્સીમાં બેસી બીજી બેંકમાં જઉં.  મારી પાસે બેગમાં લાખો રૂપિયા હોય. અડધોએક કલાકની ટેક્સી રાઇડમાં હું લખપતિ બની જતો.  આવી રીતે લાખો રૂપિયા લઈને જવું આવવું એ કેટલું જોખમી હતું એવો વિચાર પણ આવ્યો નહોતો, કે એવું પણ વિચાર્યું નહોતું કે આમાંથી પાંચેક હજારની ગાપચી મારી લઉં તો મારો ઓરડીનો સવાલ ઊકલી જાય. કોને ખબર પડવાની છે?  જો કે એવું કાંઈ કરવાની હિંમત પણ નહોતી. 

મારી મુંબઈની ભયંકર નિષ્ફળતા મને બહુ કઠતી હતી. મારા હાથ હેઠા પડ્યા હતા.  આપણે મુંબઈ છોડવું પડશે એ વાત નલિનીને સમજાવતા હું એકાએક જ રડી પડ્યો!  બાળપણમાં હું જરૂર રડ્યો હોઈશ, પણ પુખ્ત વયમાં આ પહેલી જ વાર રડ્યો. એ મને રડતો જોઈ હેબતાઈ ગઈ.  નલિની પણ દર ત્રણ મહિને સેનેટોરિયમોમાં લબાચા ફેરવી ફેરવીને થાકી હતી. એણે  હા પાડી. અને મેં મુંબઈ બહાર કોઈ મોટા શહેરમાં નોકરી શોધવાનું શરૂ કર્યું.  તુરત જ  ભોપાલના એક મોટા કેમિકલ પ્લાન્ટમાં એકાઉટન્ટ તરીકે સારી નોકરી મળી. પગાર પણ સારો હતો. અને ત્યાં મુંબઈ જેવો કોઈ રહેવાનો પ્રશ્ન હતો જ નહીં.  જે પગાર મળવાનો હતો તેમાંથી હું કોઈ સારું મકાન ભાડે લઈ શકું.  મેં હા પાડી. જવાની તારીખ નક્કી થઇ.  આજે પચાસેક વર્ષ પછી એ યુનિયન કાર્બાઈડનો પ્લાન્ટ હતો કે બીજો કોઈ એ યાદ નથી, પણ દાયકાઓ પછી ભોપાલના યુનિયન કાર્બાઈડના પ્લાન્ટમાં ભયંકર હોનારત થઈ હતી જેમાં હજારેક માણસો મરી ગયા હતાં.  અમેરિકામાં બેઠા બેઠા એ સમાચાર વાંચ્યા ત્યારે મારી નોકરી માટે ભોપાલ જવાની વાત યાદ આવી હતી.  

બા કાકાને જણાવી દીધું.  કાકાને મારી મુંબઈ છોડવાની વાત જ નહીં ગમી.  અમારા સગાંઓ કે ઓળખીતાઓમાં કોઈ મુંબઈ સિવાય બીજે ક્યાંય ગયું હોય એમ સાંભળ્યું નહોતું.  હું એમની બાજી બગાડી નાખતો હતો.  એમને તો દેશમાં બાકી રહેલા મારા બીજા બે ભાઈઓ અને એક બહેનને બને એટલી જલદીથી મુંબઈ મોકલવા હતા.  હું જો મુંબઈમાં હોઉં જ નહી તો કેવી રીતે મોકલે?  મેં તો નક્કી કરી નાખ્યું હતું કે મુંબઈ બીજા બધા  માટે ભલે સારું હોય, પણ મારે માટે તો સાવ નકામું નીવડ્યું હતું. 

દેશમાં હતો ત્યારે હું મુંબઈ આવવાનાં અને રહેવાનાં સપનાં સેવતો હતો.  નાનપણથી નાસ્તિક છતાં, ગમે તેમ પણ મારું મુંબઈ જવાનું થાય એવી હું ઈશ્વર પાસે દિવસરાત પ્રાર્થના કરતો.  એ જ મુંબઈને હું હવે ધિક્કારતો થઈ ગયો.  ત્યાંથી ભાગવા તૈયાર હતો.  છતાં મુંબઈમાં જે મારી હાર થઈ હતી તે હું સ્વીકારવા તૈયાર ન હતો.  મનમાં ને મનમાં નક્કી કરતો હતો કે ભોપાલ કે બીજે જ્યાં ક્યાંય હું સ્થાયી થઈશ ત્યાં ખૂબ પૈસા બનાવીશ, આગળ આવીશ અને આ મુંબઈવાળાઓને બતાડી દઈશ!   વધુમાં મારી જાતને મનાવતો હતો કે મુંબઈની બહાર લાખો લોકો વસે જ છે ને?  એ બધાનું જે થાય છે તે મારું થશે. 

હજી મેં કોઈને વાત નહોતી કરી કે અમે તો ભોપાલ જવાની તૈયારી કરી રહ્યા છીએ.  થયું કે ઓછામાં ઓછું મારે મારી બહેન, મામા-મામી અને રતિભાઈને તો જણાવવું જોઈએ કે હું મુંબઈ છોડું છું.  દેશમાંથી આવીને પહેલો વહેલો બહેનને ત્યાં જ ઊતર્યો  હતો.  મામા-મામીએ અઢળક પ્રેમથી મુંબઈમાં મારી સંભાળ લીધી હતી. અને રતિભાઈએ તો મને કૉલેજમાં ભણાવ્યો હતો.  પહેલા રતિભાઈને મળવા ગયો.  વાત કરી.  રતિભાઈ કહે, આ તેં શું આદર્યું?  મુંબઈ કઈ છોડાય?  અને તે પણ ભોપાલ માટે?  ત્યાં તારું ભવિષ્ય શું? મેં કહ્યું કે મુંબઈમાં મને મારું ભવિષ્ય બહુ કાંઈ દેખાતું નથી, અને ધારો કે અહીં મારું ભવિષ્ય હોય તો પણ આ ઓરડી વગર અમારે રહેવું ક્યાં?  હવે મને સેનેટોરિયમ મળે એમ લાગતું નથી.  અને મળે તો ય એ રઝળપાટથી હું થાક્યો છું. એ મારી મૂંઝવણ સમજ્યા.  કહે, જા તું ઓરડીનું નક્કી કરી આવ, પાઘડીના પૈસા હું આપીશ!  હું એમની ઉદારતા જોઈને આભો બની ગયો.  મેં કહ્યું કે એ પૈસા હું ક્યારે પાછા આપી શકીશ તેની મને ખબર નથી.  એ કહે, એ બાબતમાં મુંઝાવાની જરૂર નથી.  જ્યારે તારી પાસે સગવડ થાય ત્યારે આપજે, અત્યારે તો ઓરડી લઈ લે.    

હું તો રાજીના રેડ થઈ ગયો. તરત ઓરડીની શોધ આદરી. દૂરના પરા કાંદિવલીમાં એક મારવાડી શેઠે પોતાના બંગલા પાછળ નોકરોને રહેવા માટે થોડી ઓરડીઓ ઉતારી હતી, તેમાંથી જે એક વધી હતી તે મળતી હતી.  પાઘડીના અઢી હજાર કહ્યા. ગયો રતિભાઈ આગળ. કહ્યું કે અઢી હજાર રૂપિયામાં કાંદીવલીમાં ઓરડી મળે છે.  એ કહે, હું તને બે હજાર આપીશ. બાકીના પાંચસોની વ્યવસ્થા તું કરી લેજે.  એ પાંચસો ઊભા થાય એટલે મારી પાસે આવજે, હું તને બે હજાર આપીશ. 

હવે મારે પાંચસો રૂપિયા ક્યાંથી કાઢવા?  પેઢીમાં તો બન્ને ભાગીદાર વચ્ચે ઝગડો ચાલતો હતો, ત્યાં કાંઈ વળે એમ લાગ્યું નહીં.  આખરે એક દૂરના માસા જેની પેઢીમાં દેશમાંથી આવીને વગર પગારે કામે લાગ્યો હતો, તેમને મળ્યો, અને પાઘડી માટે ખૂટતા પાંચસો રૂપિયાની વાત કરી.  એમણે તરત હા પાડી. દોડીને રતિભાઈ પાસે ગયો.  એમણે કહ્યું આવતી કાલે આવજે, અને પૈસા લઈ જજે.  આમ પાઘડીના અઢી હાજર રૂપિયા ઊભા થયા. અમે ઓરડી લીધી! અને અમારું ભોપાલ જવાનું બંધ રહ્યું.  

પાઘડીના પૈસા હાથમાં આવ્યા કે તુરત જ સેનેટોરિયમની દુનિયાને રામરામ કરીને અમે ઓરડીમાં રહેવા ગયા, અને ઘર માંડ્યું.  એ એક રૂમમાં અમારું કિચન, લીવીંગ રૂમ, ડાયનીંગ રૂમ, ફેમીલી રૂમ, લાયબ્રેરી, બાથરૂમ, જે ગણો તે બધું જ આવી ગયું!  ભાઈ રાતે બહાર ચાલીમાં સૂવે અને અમે ઓરડીમાં. સંડાસ માટે બહાર એક કામ ચલાઉ જગ્યા હતી ત્યાં પાણીનું ડબલું લઈને જવાનું. બારણું પકડીને બેસવાનું, નહીં તો ઊઘડી જાય. સંડાસ એક જ, અમે વાપરનારા વીસ. સવારના લાઈન લાગી હોય. વરસાદ વખતે છત્રી લઈ સંડાસ જવાનું!

પૈસા તો હતા નહીં, એટલે ઉધારું કરીને ઘરવખરીનો સામાન લઈ આવ્યા. થોડો સામાન સગાંઓએ આપ્યો. આમ અમારો મુંબઈનો ઘરસંસાર શરૂ થયો.  મારા અઢીસોના પગારમાં છોકરાને ઘૂઘરા રમાડવાની વાત તો બાજુમાં રહી,  હૂતો હુતી એમ બેનું અમારું ઘર પણ ચલાવવાનું મુશ્કેલ હતું.  તેથી મેં પ્રાઇવેટ ટ્યુશન કરવાના શરૂ કર્યા.  જો હવે સેનેટોરિયમ ગોતવાનું બંધ થયું તો ટ્યુશનની શોધ શરુ થઈ.  સાથે સાથે સારી નોકરી માટેની તપાસ તો ચાલુ જ હતી.  ટાઈમ્સ તો નિયમિત જોતો જ હતો.  એક વાર જોયું તો એક શ્રીમંત કુટુંબના એક નબીરાને ઈંગ્લીશ શીખવવા માટે શિક્ષકની જરૂર હતી. મેં તરત જ અરજી કરી.  મને મળવા બોલાવ્યો.

શ્રીમંત શેઠ કહે,  એમનો દીકરો સખ્ત માંદગીમાં સપડાયો એટલે એને સ્કૂલમાંથી ઉઠાડી લેવો પડ્યો હતો.  દીકરો ઝાઝું ભણ્યો નથી, અને હવે ઉંમર વધી હોવાથી સ્કૂલમાં જવાની ના પડે છે.  હવે એને કોઈ કૉલેજની ડિગ્રી નથી મળવાની, પણ જો પાંચમાં બેઠો હોય તો  કાંઈ બાફે નહીં એવું કાંઈક કરી આપો. ઓછામાં ઓછું મારે એનું ઈંગ્લીશ સુધારવું છે  અને એનું જનરલ નોલેજ વધારવું છે.  વળી હસતાં હસતાં કહે, ચોપાટી ઉપર જે દાઢીવાળાનું પૂતળું છે તે ટાગોરનું છે એમ માને છે!  (એ પૂતળું મુંબઈના એક વખતના મેયર વિઠ્ઠલભાઈ પટેલનું છે!) તમારે એની સાથે એક કલાક બેસવું, ટાઈમ્સ વાંચવું જેથી એનું ઈંગ્લીશ સુધરે, સાથે સાથે એનું જનરલ નોલેજ વધે અને કરંટ અફેર્સની પણ કૈંક ખબર પડે. અને છોકરો એમ ના માને કે બધા દાઢીવાળા પૂતળાં ટાગોરનાં છે!  મને થયું કે આ તો અદ્ભૂત તક છે.  મેં તુરત હા પાડી.  થયું કે હું દરરરોજ સવારના પહેલું કામ ટાઈમ્સ વાંચવાનું કરું જ છું, તો હવે આ રાજકુંવર સાથે એ કરીશ.  ઉપરથી મને મહિને દોઢસો રૂપિયા મળશે! 

આમ મને આવું સારું ટ્યુશન મળ્યું એથી હું તો ખુશ થઇ ગયો.  થયું કે આ તો સેલીબ્રેટ કરવું જોઈએ.  એમની ટેમરીન્ડ લેન પર આવેલી ઑફિસની નીચે જ ‘છાયા’ અને ‘ન્યૂ  વેલકમ’ નામના બે રેસ્ટોરાં હતા. ‘છાયા’માં જઈને બેઠો અને પૂરી ભાજીનો મોટો ઓર્ડર આપ્યો, આરામથી એ ખાઈને કોફી પીતો હતો, ત્યાં મારા જૂના મિત્ર કનુભાઈ દોશીને રેસ્ટોરાંમાં દાખલ થતા જોયા. મેં એમને બોલાવ્યા, અને પૂછ્યું: તમે અહીં ક્યાંથી?  એ કહે, એક ઈંગ્લીશ ભણાવાના ટ્યુશનના ઈન્ટરવ્યું માટે આવ્યો હતો, પણ એમણે મને કહ્યું કે હમણાં જ એ ટ્યુશન અપાઈ ગયું.  મેં કહ્યું કે બેસો, જેને એ ટ્યુશન મળ્યું છે તેની સાથે કૉફી પીવો! 

પોતાના જૂજ પગારને સપ્લીમેન્ટ કરવા મુંબઈમાં મારા જેવા ભણેલા લોકો પ્રાઇવેટ ટ્યુશન કરતાં. મારામાં જો ધંધા કરવાની કંઈક પણ સૂઝ હોત તો એનો મોટો ધંધો કરત.  કારણ કે આજે ટ્યુશન ક્લાસ ચલાવવાનો ધંધો કરનારા લોકો કરોડપતિ થઈ ગયા છે.  સ્કૂલો અને કૉલેજોમાં છોકરા છોકરીઓ કશું ભણતા જ નથી, અને જે ભણાવાય છે તે એક્ઝામમાં પાસ થવામાં બહુ ઉપયોગી નીવડતું નથીં.  જો સારા માર્ક્સ મેળવવા હોય તો પ્રાઇવેટ ટ્યુશનના ક્લાસ ભરવા જ પડે.  જાણે કે એક  પેરેલલ એજ્યુકેશન સીસ્ટમ ઊભી થઇ ગઈ છે.  મારી જેમ બીજા મિત્રો પણ આ રીતે પ્રાઇવેટ ટ્યુશન કરીને પોતાની ઇન્કમ સપ્લીમેન્ટ કરતા.

હવે મારું દરરોજનું રૂટીન બદલાઈ ગયું.  ટ્યુશન કરવા મારે મલબાર હિલ પર સવારના આઠે પહોંચવાનું.  મારું રહેવાનું ઠેઠ કાંદિવલીમાં. સવારના પાંચે ઊઠું. ન્હાઈ ધોઈ તૈયાર થઈ, થોડો ચા નાસ્તો કરીને ઘરેથી નીકળું. છની ગાડી પકડું. મુંબઈના ગ્રાન્ટરોડ સ્ટેશને ઊતરું, ત્યાંથી મલબાર હિલની બસ લઉં, અને બસ જ્યાં હેન્ગીંગ ગાર્ડન જવા જમણી બાજુ વળે ત્યાં હું ઊતરી પડું અને હાર્કનેસ રોડ દસેક મિનિટ ચાલીને દરિયા કાંઠે આવેલા શેઠના ઘરે પહોંચું. ટ્યુશન પતાવીને પાછો બસ પકડીને ઑફિસ પહોંચું ત્યાં સાડા દસ અગિયાર થઈ જાય.  

મુંબઈમાં પૈસાવાળા લોકો કેમ રહે છે તેનો મને હવે ખ્યાલ આવ્યો.  મકાનમાં દાખલ થાઉં તો ચોકીદાર ગુરખો મને સલામ કરે!  ભલે ને ત્રણચાર માળનું મકાન હોય તોય લીફ્ટ હોય.  લીફ્ટવાળો ગુરખો પણ તમને સલામ ભરે. ઘરે ઘાટી તો ખરા જ, પણ ઉપરાંત બીજા બે ત્રણ નોકરો, રસોયા મહારાજ, શોફર હોય. બબ્બે ગાડીઓ હોય, સવારે જતાં હું જોતો કે દરરોજ એ ગાડીઓ ધોવાતી.  ચાર પાંચ રૂમનો મોટો ફ્લેટ.  દરેકને પોતાના જુદા જુદા રૂમ, દરકે રૂમમાં બાથરૂમ. એ ઉપરાંત દિવાનખાનું, ડાઈનીંગ રૂમ, આ બધું જોઈ ને હું તો છક્ક થઈ ગયો.  ક્યાં મારી કાંદિવલીની એક ઓરડી જેમાં મારો આખો સંસાર આવી ગયો અને ક્યાં આલીશાન ફ્લેટ?! 

સવારના જેવો પહોંચું કે તરત મારે માટે એસ્પ્રસો કૉફી આવે.  મને પાછળથી ખબર પડી કે જે કુટુંબના નબીરાને હું ભણાવવા જતો હતો તે તો બહુ ખ્યાતનામ કુટુંબ હતું. લોકો વિનયી અને સંસ્કારી પણ ખરા.  મારી સાથે વાત કરે તો કોઈ દિવસ તું-તા ન કરે, હંમેશ તમે કહીને જ વાત કરે.  જે છોકરાને હું ભણાવતો હતો તે હતો ઉછાંછળો, પણ મારી સાથે વિનયથી વાત કરે.  ઘણી વાર તો હું ટ્યુશન કરીને નીકળતો હોઉં ત્યારે શેઠ જો નીકળતા હોય તો મને બસ સ્ટોપ સુધી રાઇડ આપે. 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s