ઉરોજધ્વંસ

‘મેમ, આપનો ફોન છે. લેતા કેમ નથી?’ હાઉસકિપર જાનકીએ બેડ પર બેઠેલી નીનુ નંદાને હળવેથી કહ્યું.
ફોન તો નીનુની પાસે જ બેડ પર પડ્યો હતો. રીંગ વાગતી રહી. એ ફોન સામે શૂન્યમનસ્ક થઈ જોઈ રહી હતી. બેડ પર અનેક મેગિઝિન વિખેરાયલા હતા. દરેકના કવર પેઇજ પર સેક્સ સિમ્બોલ અભિનેત્રી નીનુ નંદાના સેક્સી ફોટાઓ હતા. કોઈ પણ સંતપુરુષના હાર્મોન્સને ઉત્તેજીત કરી મુકે એવા બીચ બિકિની અને વિક્ટોરિયા સિક્રેટ લિગરીંમાંના ફોટાઓ જાણે નીનુને જ તાકીને જોઈ રહ્યા હતાં. કોઈપણ લાજ શરમ વગર એણે અનેક જાણીતા અભિનેતાઓ સાથે “બોલ્ડ” અભિનય આપ્યો હતો.
‘મેમ, ફોન ઈઝ સ્ટીલ રીંગીંગ, બંધ કરી દઉં? કહી દઉં કે મેમ આરામ કરે છે. પછી ફોન કરજો.’ જાનકીએ ફરી યાદ કરાવ્યું.
‘ના, હું વાત કરું છું.’
ફોન એના મેનેજર સુશાંતનો હતો.
‘બોલ સુશાંત, શું ખબર છે?’
‘નીનુ, આઈ ટ્રાઈડ માઈ બેસ્ટ. ખુબ માથાકૂટ કરી. હરામખોર બાલાનાથ હવે માનતો જ નથી. જે બાલાનાથ પગથીયા ઘસતો હતો તે નામુક્કર ગયો. કોનટ્રાક્ટ એણે કેન્સલ કર્યો અને હવે સાઈનિંગ એમાઉન્ટ પાછો માંગે છે. કહેતો હતો, સ્કિપ્ટ પ્રમાણે મેં જે નીનુ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો તે ઉભાર વાળી ઓરિજીનલ નીનુને લઈ આવ. સ્ક્રિપ્ટમાં ફ્લેટ નીનુ નહિ ચાલે. મારી પાસે ઘણી નીનુડી મીનુડીઓની લાઈન લાગી છે. આપણે આપણા લોયર સાથે વાત કરવી પડશે. આજે લોયર નહિ મળ્યો. વેકેશન પર છે. નીનુ ડિયર અત્યારે તું ચિંતા છોડ. પહેલાં એકદમ સારી થઈ જા. બોલીવૂડને બદલે ટેલીવુડમાં પણ ઘણી ઓપોર્ચ્યુનિટી છે.’
‘નીનુ સાંભળે છે ને?’
‘ગુડનાઈટ’ કહીને નીનુએ ફોન મુકી દીધો.
‘જાનકી, એક ડ્રિન્ક બનાવ. નો આઈસ.’
‘મેમ, ડોક્ટરે ના કહી છે. મેડિસીન આપું છું તે લઈને સૂઈ જાવ.’
બેડ પર પડેલા મેગેઝિન ભેગા કરતાં જાનકીએ કહ્યું. જાનકીએ દવા સાથે સ્લિપ્પીંગ પિલ્સ પણ આપી. નીનુ દવા લઈને ઊંઘી ગઈ.
બીજી સવારે જાગી ત્યારે જાનકી એ બેડમાં જ બ્રેકફાસ્ટ અને મેડિસીન આપી. નીનુ બાથરૂમમાં ગઈ. રોબ ઉતાર્યો અને મિરર વોલમાં સપાટ છાતી પરના રેપએરાઉન્ડ બેન્ડેજને જોતી રહી. એક સમય હતો જ્યારે રોજ પોતાના હાથો પોતાના સ્તન પર ફરતા, હવે તે ભરાઉ ઉરોજો છાતી પર ન હતાં. તેણે બન્ને હાથોથી છાતી ઢાંકી દીધી. આંખો વરસી પડી. ધૂસકે ધ્રૂસકે રડી પડી. બ્રેસ્ટ કેન્સર હતું. ટોટલ માસ્ટેક્ટોમીથી બન્ને બ્રેસ્ટ કાઢી નંખાયા હતા.
શરૂઆતમાં જાણ્યા છતાં શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે સમયસર જરૂરી સારવાર લેવાઈ ન હતી. જો લેવાઈ હોત તો સુડોળ સ્તન કદાચ બચી જાત. પણ ના છેલ્લી ફિલ્મ પૂરી કરવાની હતી. એ પૂરી થાય તે પહેલાં નવી ફિલ્મનું મુહુર્ત થઈ ચૂક્યું હતું. સુંદર પારેવડાઓતો એની જાયદાદ હતી. દોઢ મહિના પહેલાં સર્જરી થઈ. ઉરોજધ્વંસ થઈ ગયો. ઉપરથી ઈન્ફેકશન થતાં છાતી પર ફરી રેપએરાઉન્ડ બેન્ડેજ આવી ગયા. બધા શૂટિંગ બંધ થયા.
પ્રખ્યાત અભિનેત્રીની સારવાર સસ્તામાં તો ના થાય. બેંક બેલેન્સનું તળીયું દેખાવા માંડ્યું હતું. નીકળતા નાણા પણ, નિર્માતાઓ આપવાના અખાડા કરતા હતા. સ્તનસૌંદર્યે અપાવેલ સંપત્તિ સ્તન જતાં જ સરી ગઈ હતી. પણ એ દુઃખ કરતાં તો વધુ વેદના સ્ત્રીત્વ ગુમાવ્યાની હતી. “સુહાની રાતેં” ફિલ્મ પૂરી કર્યા પછી આબિદ સાથે નિકાહનામુ કરીને એના બાળકોની મા બનવાના સ્વપના જોતી હતી. પણ બાળકો માટે પયોધરો ક્યાં હતા? એ સ્ત્રી મટી ગઈ હતી. એનું સ્ત્રીત્વ લૂંટાઈ ગયું હતું.
માત્ર અગ્યાર વર્ષની ઉમ્મરે તે બાળકીમાંથી યુવતી બની ગઈ. ભગવાને રૂપ આપ્યું હતું. મમ્મી ગામડાની સ્કુલમાં શિક્ષિકા હતી, પપ્પા નજીકના શહેરમાં પોલિસ કોન્સ્ટેબલ હતા. ત્રણ વર્ષ નાનો ભાઈ તો હજુ પ્રાથમિક શાળામાં હતો. સંતોષી કુટુંબ સુખી હતું. નીનુની તેર વર્ષની ઉમ્મરે મમ્મી કેન્સરમાં ગુજરી ગઈ. એના બેસણાંમાં આવેલા એક ઈન્સ્પેક્ટર સાહેબને ફોટોગ્રાફીનો શોખ હતો. એમને બેબી નીનુની મુખાકૃતિ ફોટોજેનિક લાગી. એમણે શોકગ્રસ્ત નીનુના ફોટા પાડ્યા. એ ફોટા, આર્ટ એન્ડ ફોટો મેગેઝીનમાં પ્રસિદ્ધ થયા. કિશોરી નીનુ ક્યારે ફેશન મોડેલ બની ગઈ તેનું પોતાને પણ ભાન ન રહ્યું. ઉમ્મર કરતાં વહેલી મોટી થઈ ગઈ. એક કોમર્શીયલ ફોટોગ્રાફર એને પપ્પા અને પપ્પાના ઈન્સ્પેકટર સાહેબની ઇચ્છા વિરૂધ્ધ સમજાવી પટાવી મુંબઈ લઈ ગયો. ભણવાનું છોડીને મુંબઈ પહોંચી ગઈ. અને બાપ અને નાનાભાઈ સાથેનો સંબંધ તૂટી ગયો.
એક સી ક્લાસના ફિલ્મ પ્રોડ્યુસરના ધ્યાનમાં આવતાં એ મોડેલમાંથી હિરોઈન બની ગઈ. અલબત્ત મોટાભાગની છોકરીઓને મને કમને ફિલ્મજગતમાં જે કિમત ચૂકવવી પડે છે તે એણે પણ ચૂકવી. નિર્માતાએ નીનુનું સૌંદર્ય માણ્યું, જાણ્યુ અને પડદા પર સારી રીતે પ્રસિદ્ધ પણ કર્યું.
એક સારા દિગ્દર્શકે એનું પોટેન્શીયલ જોયું અને એને સ્ટાર બનાવી દીધી. હવે એને કોઈની પથારી ગરમ કરવાની જરૂર ન હતી. સુપરસ્ટાર આબિદખાન સાથે ઉપરાચાપરી ત્રણ બ્લોગ બસ્ટર ફિલ્મ પછી આબિદખાન સાથે નીનુનું નામ જોડાઈ ગયું હતું. પરિણિત ત્રણ સંતાનનો બાપ આબિદખાન તલ્લાક લઈને નીનુ સાથે રહેવા જવા તૈયાર હતો એવા સમાચારો ફેલાઈ ચૂક્યા હતા. આબિદ સાથેની ચોથી અને મોસ્ટ ડેરિંગ બોલિવૂડ ફિલ્મ “સુહાની રાતેં” નું મુહુર્ત થઈ ગયું હતું. ફિલ્મ ટેબ્લોઈટ્સ આબિદ-નીનુની સાચી ખોટી અનેક ગોસીપ અને આગામી ફિલ્મ “સુહાની રાતેં” ની વાતોથી ભરાયલા રહેતા હતા. બાલાનાથ ખંધો પ્રોડ્યુસર હતો, મલ્ટિમિલિયોનેર હતો. અંડરવર્ડ સાથે પણ એનો સારો ઘરોબો હતો. મનમાં તો નીનુને માણવાની ઈચ્છા હતી. આજ સુધીમાં એની બધી જ અભિનેત્રીઓને ભોગવતો. કેટલીક મિડલઈસ્ટમાં જતી. નીનુ આ જાણતી જ હતી. સતર્ક હતી. એક પ્રયાસને નીનુએ નિષ્ફળ બનાવ્યો હતો. નીનુને આબિદખાનનો સાથ હતો. એ આબિદના પ્રેમમાં હતી. હવે એ માત્ર જાણે આબિદની જ હતી. આબિદને એ સર્વસ્વ ગણતી હતી. રેખા અને અમિતાભ કે ઐશ્વરિયા અને સલમાનની જેમ જ એમનો સંબંધ જાહેર ચર્ચાનો વિષય હતો.
નીનુ રોજ સવારે એક્સરસાઇઝ કરતી, યોગા કરતી અને બાથરૂમ મિરરમાં પોતાના દેહને જોતી. સ્તન પર બ્રેસ્ટ ફર્મિંગ ક્રિમથી મસાજ કરતી, રમાડતી. ચારેક મહિના પહેલાં એને લાગ્યું હતું કે ધીમે ધીમે એના સ્તન ભરાઉ અને ફર્મ થતા જાય છે. પહેલાં તો એને ગમ્યું જ હતું પણ પાછળથી એને ખ્યાલ આવ્યો કે આતો સોજા છે. અને બન્ને બાજુ, કંઇક ગઠ્ઠા અને લમ્પ્સ છે. એ ધૂજી ઉઠી હતી. મમ્મીને કેન્સર હતું. મને થાય તો?
ધીમે ધીમે સ્તન પર સંતરાની છાલ જેવા ડિમપ્લિંગ દેખાવા લાગ્યા. નીપલ્સ દુખવા લાગ્યા અને ઉપસવાને બદલે અંદર જતાં હોય એમ લાગવા માંડ્યું.
આબિદ સાથેનો શારીરિક સંબંધ દુખદ બનતો ગયો, પણ એ મુંગી રહી. ડોકટરને જણાવ્યા વગર દુઃખ સહન કરતી રહી. એને મોટા બજેટની ફિલ્મ પૂરી કરવી હતી. નવીનો મુહુર્ત શોટ એના પર જ લેવાયો હતો. એક રાત્રે સમાગમ વેળા આબિદને કહેવું પડ્યું ‘પ્લિઝ ડોન્ટ ટચ માઈ બ્રેસ્ટ મુઝે બહોત પેઇન હો રહા હૈ’ આબિદને ધક્કો મારી પોતાનાથી અળગો કરી દીધો હતો.
‘નીનુબેબી, તેરે બ્રેસ્ટમેં કુછ ગરબડ હૈ.’ ડોક્ટરકો દિખાઓ. સામાન્ય રીતે રાત ગાળતો આબિદખાન એને કીસ કરીને ચાલતો થયો. ‘સી યુ ટુમોરો. અબ આરામ કરો.’
બીજી સવારે શૂટિંગ કેન્સલ કરીને નીનું ડોક્ટરને ત્યાં ગઈ. પછી તો એક પછી એક, અનેક ટેસ્ટસ, મેમોગ્રામ, બાયોપ્સી શરૂ થઈ ગઈ. જેની દહેશત હતી તે જ નિદાન થયું. અને તે પણ છેલ્લા ગેડનું. મેટાસ્ટેટિક બ્રેસ્ટ કેન્સર. ત્રીજા અને ચોથા સ્ટેજનું કેન્સર. બેકાળજીને કારણે બ્રેસ્ટની બહાર બગલ તરફ પ્રસરવાની શરૂઆત થઈ ચૂકી હતી. દિવસો વિતતા ગયા. છૂટકો જ ન હતો. બસ ટોટલ માસ્ટેક્ટોમી થઈ ગઈ. સુંદર, સખ્ત સ્તનની જગ્યાએ સપાટ છાતી આવી ગઈ.
આબિદે સર્જરી પછી “ગેટવેલ સુન” નો કાર્ડ મોકલી આપ્યો. નીનુ વગર “સુહાની રાતેં”નું શૂટિંગ ચાલતું હતું એ સમાચારો એને મળતા હતા. સર્જરી પછી ફોન પણ નહિ અને વિઝિટ પણ નહિ. એક માત્ર સુશાંતને એના પ્રત્યે કંઈક લાગણી હતી. એ સજ્જન હતો. ઓળખાણની શરૂઆતમાં એ પાસે બેસીને મેનેજર તરીકે સલાહ આપતો હતો. એકવાર એનો હાથ એના સ્તન પાસે ગયો અને તરત પાછો ખેંચાઈ ગયો. ત્યારથી એણે જાતે જ બાજુમાં નહિ પણ સામે બેસીને જ વાત કરવાનો નિયમ રાખ્યો હતો. હવે નીનુને થતું કે સુશાંત એની પાસે બેસે, આલિંગન આપે. એને પુરુષના પ્રેમની અને શારીરિક આલિંગનની સ્વૈચ્છિક ઝંખના જાગતી હતી. એને એના સ્ત્રીત્વની સ્વીકૃતી જોઈતી હતી.
આ વાતને વધુ એક મહિનો વિતી ગયો. સુશાંતે બીજી અભિનેત્રીની મેનેજમેન્ટ સંભાળી લીધી. છતાં અવાર નવાર ફોન કરતો અને ખબર પૂછતો રહેતો હતો. જાનકીને ચાર મહિનાથી એનો પગાર અપાયો ન હતો. ‘મેમ, મારે મારા દીકરાની કોલેજની ફીઝ ભરવાની છે. મેં બીજે કામ શોધી લીધું છે. પણ મેમ વચ્ચે હું આવી જઈશ નાનું મોટુ કામ હોય તો કરી જઈશ. લક્ઝરી એપાર્ટમેન્ટના ભાડાં ચઢી ગયા હતાં. લિગલ નોટિસોના ઢગલાં થતા હતા. હવે આવતા તેઓ માત્ર પત્રકારો જ હતા. જાત જાતના ઈન્ટર્વ્યુ લઈને ચાલ્યા જતા. ઈન્ટર્વ્યુમાં ન કહેવાયલી કાલ્પનીક વાતો પણ ફેલાતી જતી હતી. કેટલાક તો જાણે એના મરણ પછીના લેખની તૈયારી કરતા હતા.
ડોક્ટર રમાએ જાતે જ સર્વાઈવલ રૅઇટનો ચાર્ટ સમજાવ્યો હતો અને હિમ્મત આપી હતી કે તું યંગ છે. કેરિયરની ચિંતા ન કર અત્યારે તારે સારા થવાનું છે. તું સારી કલાકાર છે. અત્યારે તો બ્રેસ્ટ રિકંસ્ટ્રકશનની શક્યતા નથી પણ આપણે એક પ્રયત્ન જરૂર કરીશું. સ્પેશીયલ પેડેડ માસ્ટેક્ટમી બ્રા પહેરશે પછી બીજાને તો શું પણ તને પણ ખબર નહિ પડે કે શું છે અને શું નથી. પણ એ જાણતી હતી કે હવે વધુમાં વધુ ત્રણ ચાર વર્ષ જ મળશે. કદાચ એટલા પણ ન મળે. એને જોઈતો હતો કોઈ એક પુરુષનો શેષ જીવનનો સ્નેહ સથવારો. જે આબિદ સાથે એનું નામ ગાજતું એ નીનુનો ફોન ઉઠાવતો ન હતો. એક વાર એની બીબીએ જ ફોન ઉઠાવ્યો. બીબી ફોન પર ઘણું હસી. “નીનુ યે તો ફિલ્મી દુનિયા હૈ. પગલી હો ક્યા? આબિદકી ફેમસ હિરોઈન ગંદી ગટરમેં મર ગઈ કીસીને જાના ભી નહિ. યે બાત તૂ જાનતી નહીં થી? આબિદ અપની પબ્લિસિટિ કે લીયે ચાહે કુછ બી કરે લેકિન મેરે ઘરમેં કોઈ સૌતન નહિ લાયેગા” પછી એ ભયંકર હસી હતી.
નીનુ ડિપ્રેશનમાં સરતી જતી હતી. એપાર્ટમેન્ટની બહાર નીકળતી ન હતી. હવે તો એપાર્ટમેન્ટ છોડવાનો સમય આવી ગયો છે. નાનાભાઈ પાસે જવા વિચારતી હતી પણ એનો પત્તો જ જ હતો.
એક દિવસ બાલાનાથનો ફોન આવ્યો.
‘નીનુબૅબ, કૈસી હો. જાવ મૈને સાઈનિંગ એમાઉન્ટ માફ કર દીયા, ફિક્ર મત કરના. નીનુબૅબ તૂ અભી ભી બહોત બ્યુટિફૂલ હો. અબ ભી તૂ બીક શકતી હો. કલ સામ, મેં તેરે લીયે લિમો ભેજુંગા, આ જાના બૅબ. સિર્ફ બ્રેસ્ટ નહિ હૈ તો ક્યા હૂવા, બાકીકે સબ સ્પેરર્પાર્ટ તો હૈ ના! શેખ સાહબકો તૂ બહોત પસંદ હૈ. મેરા નામ બાલાનાથ હૈ. અનાથ બાલાઓ કા નાથ હૂં મૈ.’
નીનુએ ફોન કટ કરી નાંખ્યો.
એના કાન પર હથોડા ઠોકાતા હતા. ‘નીનુ યે ફિલ્મી દુનિયા હૈ. યે દુનિયા જિસ્મકી દુનિયા હૈ.’ એને ભ્રમણાં થતી હતી કે એનો રૂમ અનેક બ્યુટિફુલ પરવીનબાબીઓથી ભરાઈ ગયો છે. ધીમે ધીમે એ પરવીનબાબીઓ જાડી અને બેડોળ થતી જાય છે એને એઓ જ જિસ્મકી ફિલ્મી દુનિયા હૈ એવા વિચિત્ર અવાજો કરે છે. એણે આંખો બંધ કરી. બંધ આંખોમાં એને જીયા ખાન, શીખા જોષી, સિલ્ક સ્મિથા, નહિષા જોસૅફ, કુલજીત રંધવાના ભૂતાવળા નૃત્ય કરતાં હતાં. ‘નીનુ અમારી પાસે પણ રૂપ હતું. સંપુર્ણ દેહ હતો. તારી પાસે તો તે પણ નથી. બધીએ પોતાના વક્ષસ્થળ ખૂલ્લા કર્યા. તારી પાસે તો આ પણ નથી.’
બધા અદૃષ્ય થઈ ગયા. કાનમાં માત્ર એમના અવાજો સંભળાતા હતા. અવાજો બંધ થયા. એક સફેદ સાડીમાં ઓગણીસ વીશ વર્ષની છોકરી આવી. ‘ચાલ હું તને નવી દુનિયાનો રસ્તો બતાઉં. નવી દુનિયામાં કોઈ વ્યથા નથી. કોઈ જ ચિંતા નથી અપાર શાંતિ છે. ચાલ હું તને ઉપરની દુનિયાના નિર્માતા-પ્રોડ્યુસર સાથે ઓળખાણ કરાઉં. ચાલ મારી સાથે.’
‘તું, તું, તું! કોણ દિવ્યા? દિવ્યાભારતી?’
‘હા નીનુ, હિમ્મત રાખ. હું તને લેવા આવી છું.’
નીનુને પોતાને સફેદ વાદળોમાં હોય એમ લાગ્યું.
તે મળશ્કે, નીનુ બાવીસમાં માળની બાલ્કનીમાંથી રોડ પર પડેલી લાશ બની ગઈ હતી.
[ગુજરાત દર્પણ જાન્યુઆરી ૨૦૧૯]

Like this:
Like Loading...
Related
શાસ્ત્રીજી,
કથા તો ખૂબ ગમી. વિષય પણ.
મને જેનિફર લોપેઝની હિંમત વધારે ગમી.
LikeLiked by 1 person
બહુ જ વાસ્તવિક અને આંખો ખોલનારી વાર્તા. વધુને વધુ લોકો વાંચે એવી અભ્યર્થના.
LikeLiked by 1 person
મહેન્દ્રભાઈ, પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, આપના જેવા થોડા મિત્રોના પ્રતિભાવો જ મને લખતો રાખે છે.
LikeLike
અમૃતભાઈ, પ્રતિભાવ બદલ માત્ર “આભાર” સિવાય મારી પાસે બીજા શબ્દ જ નથી. આવડ્યું તેવું લખ્યું. વાર્તા કહો કે વાત.
LikeLike
સાચા અને વિગતોથી ભરપુર નોલેજ વિનાના લેખક લેખક નથી હોતા. યુ હેવ ટુ બી પરફેક્ટ….ગપ્પા મારનાર ફેંકાય જાય. પ્રવિણભાઇ પોતાના નોલેજમાં વાર્તાના વિષય માટે પરફેક્ટ બનીને જ લખવાનું પ્રયાણ કરે છે. હિરોઇન બનવા માટે વલખા મારતી યંગ યુવતીઓ જો ગુજરાતી લેંગ્વેજ વાંચી શકતી હોય તો તેમને માટે આ વાર્તા અેક આંખ ખોલનારી વાર્તા છે. ફિલ્મ દુનિયા…..સ્ત્રીઓને ફોલીખાવાનું શ્મસાન છે…..પ્રવિણભાઇ મેડીકલ સાયંસમાં પરફેક્ટ વંચાયા પરંતું તેઓઅે ફિલ્મ જગતને પણ ખૂલ્લુ પાડી દીઘુ છે. ગુજરાતી વાચકોના ઘરની બહેન..દિકરીઓને બચાવી લેવા માટે આ વાર્તા યોગ્ય છે. પ્રવિણભાઇ અભિનંદન.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Very touching & true story of glamour world – value of breast – sad breast cancer & there after all reel relation are stopping -desire to reconstruct breast by Dr Rama possibility- her innet need as woman to meet Sushant – dialogue with aabid wife –
Balanath black offer – depression- described all past glamorous ladies & last brought Divya to commit suicide from 22nd floor .
In this story you have given many messages for man dominating society & SHOSHAN of our ladies – but as you mentioned at one place it’s Chemical – Locha of man Hormones that even Sadhu can’t control & which brings disfame & life long imprisonment too. Yet this goes on in society .
You have given early warning signal to keep breast checking learning from medico- regular memography etc .
Your stories are meaningful message to society always.
LikeLiked by 1 person
તમે ખાનગીમાં કે સપનામાંમાં પણ જરૂર ડૉક્ટરી અને સાઈકોલોજી ભણ્યા લાગો છો, તે સિવાય આટલી બધી સરસ વિગતવાર વાર્તા ન લખી શકો… ફીલ્મી દુનીયાની કહેવાય ખાનગી પણ આખી દુનીયા જાણ્તી હોય તેવી સુંદર પણ કરૂણ પણ કહી શકાય તેવી અલગ વિષયની સુંદર વાર્તા.
LikeLike
એદુખદ વિષય છે.
LikeLike
જીવન માં આવી ઘણી નીના છે જે સ્તન ના કર્ક રોગ થી પીડાતા પોતાનું જીવન જીવવા નું ગુમાવી બેઠી છે
દર ૮ માંથી ૧ સ્ત્રી ને આ રોગ થઇ છે…. અને દર ૫ આ રોગ પીડિત માંથી ૧ પોતાનો છેલ્લો સ્વાસ ગુમાવે છે…… પરંતુ જે ૪ બચી જાય છે એ ખરેખર બાકી ની જિંદગી જીવી નથી શક્તિ…..
મારા માટે આ વિષય ખુબ જ નજદીક નો છે અને આ રોગ પર હું બ્લોગ કરતો રહુ છું…..
https://www.facebook.com/groups/122954304389886/
LikeLike