ફેસબુક પરથી મિત્રદાવે તફડાવેલું કાવ્ય
સૌજનયઃ આનંદ વ્યાસ.

મારા પુત્ર આનંદે મારા જન્મથી લઈને ગયા વરસ સુધીની કથા પદ્યમાં લખેલી…ભાઈ પંકજ સુતરિયાએ યાદ કરાવ્યું, તો આજે અહીં મુકી દઉં…..
————————–
.૭૫ મે વર્ષે પુજ્ય “કાકા” (પિતાશ્રી) ને સમર્પિત___

હીરક જયંતિ એ…

ઢાળઃ ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ.

————————————–
હે ઇશ્વર ભજશું તને,
(પણ) પહેલાં માં ને બાપ
તારો નંબર છે ત્રીજો,
તો પ્રભુ કરજે માફ !

ભાવનગરની ભીતરે,
ઉમરાળા છે ગામ,
ભક્તિ કરે બેઉ ભાવથી,
ગામ બને વ્રજ ધામ !

ભાંડર જન્મે પાંચમો,
“જુગલ” એવું નામ,
હવેલીએ ઉછરી રહ્યો,
જ્યાં ભક્તિ યોગ ને જ્ઞાન

હેતે લાડ લડાવતાં,
વર્ષ વિત્યા જ્યાં પાંચ
માતા સ્વર્ગ સિધાવીયા,
પહેલી વાગી ટાંચ

માં વિનાના બાળને,
“થયું શું ?” ન સમજાય
આંખ્યું માં ને ગોતતી,
સાડલો જોઈ છલકાય !

બાળ પુછે છે માતનેઃ
તું ક્યાં ગઈ છે ખોવાઈ ?
વેશ ધરીને પ્રગટીયા,
રાંદલ માં ભોજાઈ.

કાકા ને ભતરિજ બેઉ,
શાળાએ હવે જાય
શાળામાં આ જોડકું,
જુગલ-ભુપત કહેવાય

હોંશ ઘણી સ્નાતક તણી, લોકભારતી દેખાય
ભણતર ભલે ખેતી કરે,
દિલ “કવિતડાં” ગાય

ભજે ભલે શ્રીકૃષ્ણને,
મૂળશંકર દેખાય,
મનુભાઈ ગોવાળીયા,
બુચભૈ વિદુર વરતાય

સ્નાતક થઈ માસ્તર બની, બાવળા ગામે જાય
ખેતી છે વેરણ બની,
કોડ “માસ્ટર્સ” ના થાય.

વૈદરાજનું ઘર હતું,
જ્યાં સમૃધ્ધી છલકાય
રાજવૈદની દિકરી,
વરીને સંગે જાય

સાડી કદી ના પહેરતી,
ફરી એક ની એક,
પાણી સીંચે ને ચુલા ફુંકે,
કામ કર્યા અનેક

MA કરવા થનગને,
બાવળા છોડી જાય
“આનંદ” સંગે હરખને,
ભીખુભાઈ લૈ જાય

ભાષામાં MA થવા,
મિલમાં થયાં મજુર
ભણતર થકી છે પામવા, ઉંચા,મીઠાં ખજૂર

શિક્ષકનેય હંફાવીયા,
થૈ વિદ્યા-પીઠે પ્રથમ
રાષ્ટ્રપતિ થકી પામીયા,
પ્રમાણ-પત્રની રસમ

પ્રોફેસર થૈ ઈડર ગયા, (પછી)સમોડે કર્યું મુકામ
આનંદ હવે ના એકલો,
મનન ગજાવે ગામ

કોલેજનાં એ બાગમાં,
લજામણી નો છોડ,
મહેંદીની વાડો વચ્ચે,
સરસ મઝાનો રોડ.

સુખ ના દિ’ ટકે નહી,
ને દુઃખ ના જુએ વાટ
સમોડા છોડી ગયા,
કારણ – જાતિવાદ

ધરતી અમદાવાદની,
પોકારે દઇ સાદ
“ભાઈ અમે આવી ગયા,
રહીશું તમ સંગાથ”

મહાજન થી મજૂર થયાં,
ને આવ્યા વેજલપુર,
પ્રોગ્રામ ઓફીસર થયાં,
હવે સુખના ઘોડાપૂર

રાત દિવસ સરતા ગયાં
એમ વરસ વિત્યા કેટલાંય
શ્રમિક વિદ્યા પામતા,
હવે શમણામાં દેખાય

નિવૃત જીવન મોજમાં,
ત્રણ પુત્ર સંગ છે જાય
પંચ દોહિતરને સંગ,
આજ પંચોતેરમું જાય

– આનંદ