સૌજન્યઃ
Gora N Trivedi

વિદેશમાં ગોઠવાવવું એટલે….

સમજણ આવી ત્યારથી એક વ્યક્તિને ચાહી છે? ૧૨-૧૫ વર્ષના હતા ત્યારથી એકબીજાને ઓળખાતા….ભણવાના વિષયો બદલાયા, સ્કુલ – કોલેજ બદલાઈ, મિત્રો બદલાયા, નવા લોકોને મળતા થયા, પેલી ખાસ વ્યક્તિને મળવાની ફ્રિકવન્સી ઘટી પણ તેનું આકર્ષણ ના ઘટ્યું, એના કરતા ઘણાં વધુ સુંદર – સફળ લોકોને મળ્યા પછી પણ એ જ સૌથી ‘અલગ’ લાગે, પ્રેમ થયો, સ્વીકાર્યો, વર્ષોના વર્ષો નિભાવ્યો, એના સિવાય કોઈને ચાહ્યું જ નહીં ક્યારેય!!! ભણવામાંથી સમય કાઢીને મળતા, ઘરમાં ખોટું બોલીને મળતા, ક્યારેક મિત્રોથી પણ છુપાવીને મળતા. કોઈ સ્વાર્થ નહીં, કશું લઇ નોતું લેવું, આ ગીફ્ટ આપ અને આ ડે સેલીબ્રેટ કરીએ તેવા વેવલાવેડા ના હતા, ૧૨-૧૫ વર્ષની માસુમિયત ૨૫ વર્ષના થયા ત્યાં સુધી અકબંધ રહી. ધીમે ધીમે કરિઅરમાં સેટ થવા લાગ્યા. એ વ્યક્તિ સિવાય કોઈની સાથે જીવી શકાય, કોઈનું વિચારી પણ શકાય તેવી જ ખબર ના હતી પણ બસ!! અલગ થઇ ગયા. લાખ પ્રયત્ન છત્તા અલગ થઇ ગયા, આબરૂ જાળવી અને કોઈનો વાંક-ભૂલ કાઢવી કે આરોપ મુકવા જેટલા નીચા ગયા વગર સન્માનપૂર્વક જુદા થઇ ગયા. એ નહીં તો બીજું કોઈ પણ હોય કંઈ જ ફરક નથી પડતો એ વિચાર સ્પષ્ટ હતો, ઘરનાએ જે પહેલું ઠેકાણું બતાવ્યું ત્યાં બંને ‘ગોઠવાઈ’ ગયા.

બસ અહીંથી વિદેશમાં પણ ‘ગોઠવાઈ’ ગયેલા જોડાશે….

નવું જીવનસાથી સારું જ છે, ખુબ સારું છે, જેને આટલા વર્ષ તૂટીને ચાહ્યું હતું કદાચ તેના કરતા પણ સારું, પણ ‘એ નથી’!! અને આખી ઘટનામાં એનો કોઈ જ વાંક નથી એટલે એને અન્યાય ના થાય તે પહેલી ફરજ છે.

જે દેશમાં વસ્યા છે તેને ચાહ્યો નથી, એટલી જલ્દી ચાહી શકતો પણ નથી, છત્તા એનો વાંક નથી, ત્યાંની કોઈ ફરજો ચુકી ના જવાય તે પહેલી ફરજ છે.

જીવનસાથી ખુબ સારું છે, પ્રેમથી રાખે છે પણ અલગ છે, જે જીવનની કલ્પના કરી હતી તે આ જીવન નથી, આપણને શું ગમે છે તે તેને ખબર જ નથી, તેના પૂરતા પ્રયત્નો છત્તા પેલી ખાસ વ્યક્તિની નાનકડી વાતથી કેટલો સંતોષ-ખુશી મળતા તે યાદ આવે છે.

વિદેશ ભર્યું ભર્યું છે, બધી જ સગવડ છે, લોકો માનથી વર્તે છે પણ કશું જ પોતાનું લાગતું નથી, ખાવાનું ભાવતું નથી, કોઈ જ સુગંધ જાણીતી નથી લાગતી, કોઈ ચહેરો જોઈ ઉત્સાહ નથી આવતો, એક્સ્પેનસીવ રેસ્ટોરન્ટસમાં ડીનર લઈએ તો આટલા રૂપિયા શેમાં ખર્ચીએ છે તે જ નથી સમજાતું [એવો સ્વાદ હોય], ઇન્ડિયન રેસ્ટોરન્ટસ પણ કોન્ટિનેન્ટલ ટેસ્ટ માટે મોળું, ફીકું, તેલ-ઘી-બટર-ચીઝ વગરનું ટેસ્ટલેસ પીરસતી હોય છે. બધું જ છે, માંગો તે મળે છે પણ ગામના નાકા પરની પાણીપુરી કે વડાપાઉં ખાઈને જે ખુશી મળતી તેની ૧૦% પણ નથી મળતી.

જીવનસાથી સાથે બહાર જઈએ, હાથ પકડ્યો હોય કે બાજુમાં જ બેઠું હોય છત્તા દુર નજર પડે અને પેલી વ્હાલી વ્યક્તિ યાદ આવે, અચાનક કોઈના ચહેરામાં તેનો ચહેરો દેખાય, કોઈની બોડી લેન્ગવેજ એના જેવી લાગે, જાહેરમાં કોઈ ખડખડાટ હસતું સંભળાય તો બધું ભૂલીને એક સેકંડ એ દિશામાં એ જ આશા/ખાતરીથી જોવાઈ જાય કે ‘એ જ હશે’!!

વિદેશના શાનદાર, સ્વચ્છ રસ્તાઓ પર જતા હોઈએ અને કશેક કોઈ નામ, સુચના વાંચીએ તો આપણા દેશના નામ સાથે સરખામણી થઇ જાય. મોલમાં કશું ખરીદતા હોઈએ અને ‘મેઈડ ઇન ઇન્ડિયા’ વાંચીએ તો વસ્તુ હાથમાંથી મુકવાનું મન ના થાય. રસ્તાઓ પર ચાલતા ચાલતા જુનું ગમતું ગીત કાનમાં વાગતું હોય અને કશે ક કૈંક અવાજ આવે અને અટકીને જોઈએ તો એમ થાય કે આપણા શહેરમાં છીએ અને કોઈ જાણીતી વ્યક્તિ ઉભી છે-જોયેલી જગ્યા/ઘટના છે. ૫-૧૦ સેકંડ થાય મનને સમજાવતા કે ઇન્ડિયામાં નથી તું અત્યારે!!!!!!!!!!!!!!!

વર્ષો જાય અને જેને પરણ્યા છીએ તેના માટે કુણી લાગણી થાય, પેલો પ્રેમ તો ઉભો જ હોય હૃદયના દરવાજે ટકોરા મારતો, કોઈ પણ ઘડીએ ડોકિયું કરતો, હલબલાવી દેતો, ક્યારેક એકલા શાંતિથી બેઠા હોઈએ અને જૂની વાત યાદ આવે તો જાણે કાલની જ વાત છે એમ ચહેરા પર એક આછુ સ્મિત લાવી દેતો, એને કેટલું ચાહ્યું હતું છત્તા….. ૧૦ સેકંડમાં જગજાહેર, હાલતા ચાલતા, લોકો વચ્ચે આંખમાં પાણી લાવી દેતો પ્રેમ ઉભો જ હોય ત્યાં આ નવી વ્યક્તિ હળવેથી પોતની જગ્યા કરી લે ત્યારે એક ઘડી આપણી જાત પર ગુસ્સો આવે, અણગમો થાય કે ‘બસ, આટલી જલ્દી?!!!’ આને ચાહું તો જેને હંમેશથી ચાહ્યું છે તેને અન્યાય નથી??

વર્ષો જતા જે દેશમાં વસો તેના સારા પાસા દેખાવા લાગે, સ્થાનિક તહેવારો ઉજવી દિવાળી ભૂલવા પ્રયત્ન કરીએ, દેશથી દિવાળી, હોળી, સંક્રાંતના વિડીઓ આવે ત્યારે જોઇને ખુશ થવું કે દુઃખી તે ખબર ના પડે. આપણા લોકો ખુશ છે એ જોવું ગમે પણ આપણે તે ખુશીમાં સામેલ નથી તે વાત હસતા હસતા પણ હૃદયમાં કાંટાની જેમ ખૂંચ્યા કરે. મિત્રો ગમતી જગ્યાએ જમવા ગયા હોય ત્યાંના ફોટો-વિડીઓ મોકલે તો સુગંધ-સ્વાદનો દરિયો દિમાગ પર ફરી વળે…… પણ પછી ધીમે ધીમે પાસ્તા ભાવતા કરી લઈએ, મોળી-ફીકી-સ્વાદવગરની કેક પેસ્ટ્રીસથી સેલીબ્રેટ કરતા શીખી જઈએ. ‘ટેસ્ટબડ્સ ડેવેલપ થાય, યુ સી!!’ ‘ટેસ્ટબડ્સ ડેવલપ થાય છે કે ટેસ્ટસેન્સ જ ચાલી જાય છે તે સમજવા છતાં સમજવા માંગતા નથી’ છતાં સારી વસ્તુઓ, વ્યક્તિઓ, ખાસ તો શિસ્તબદ્ધ જીવન ગમતું જાય, અને મન લાગતું જાય. ક્યારેક અજાણતા વતન સાથે સરખામણી થઇ જાય તો દુઃખ થાય કે ‘માં’ની સરખામણી કોઈ સાથે થોડી થાય? જેવી હોય તેવી માં એ માં જ હોય. પણ શું કરીએ? માટીના માણસ જ છીએ ને, ફસકી પડીએ. ધીમે ધીમે વતન જેટલો જ વિદેશને પણ ચાહવા લાગીએ.

જીવનસાથીને ચાહીએ એટલે સમજાય કે પ્રેમ રહેશે પણ હવે એક ખૂણામાં જ રહી શકશે. એ ખુશ રહે – આબાદ રહે તેવી જ શુભકામના એ વ્યક્તિ માટે બાકી રહે. ક્યારેક કોઈક મિત્ર ખબર આપે કે ‘એને મળ્યો/મળી હતી, ખુશ છે’ મગજ બ્લેન્ક થઇ જાય, ખુશ થવું કે દુઃખી? પણ મિનીટ ના લાગે નક્કી કરતા કે ખુશ છે એ જ ખુશીની વાત છે, ભલેને મારા વગર જ ખુશ હોય!!!!!!!!!!!!!!!!!

આ બાબતમાં સારું છે કે બે દેશને એક સાથે ચાહી શકાય છે, નિભાવી શકાય છે. દેશ ખુશ રહે, આબાદ રહે એવી સતત પ્રાર્થના મનમાં રહેતી હોય. વિદેશમાં રહી મહેનત કરી ગોઠવાઈ જઈ પોતાની કે બાળકોની ચિંતા ના રહી હોય. દેશમાં થઇ શકે તેટલી સેવા આર્થિક રીતે મોકલ્યા કરતા એન.આર.આઈસની કોઈ કમી નથી. દુનિયાના આટલા દેશો છે, સરળતાથી હરી ફરી શકાય. અમેરિકા-કેનેડા તો પાડોશી દેશો છે, યુરોપ ટ્રીપ્સ તો લોકોના વિશલિસ્ટમાં હોય જ, ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ ફરવા માટે પણ લોકો ખુબ જાય છે. વિદેશમાં થોડા વર્ષો રહ્યા પછી આ બધી જગ્યાઓએ જઈ શકાય પણ મોટાભાગના એન.આર.આઈસ ઇન્ડિયા આવે છે. જેમ પેલા પ્રેમીઓ પોતાના ગામ જાય છે, પોતાના પ્રેમી/પ્રેમિકાનું જુનું ઘર જોવા, મળતા હતા તે ગાર્ડન-કોફીશોપ જોવા… એકલા એકલા આંટો મારી શ્વાસમાં ભરી લેવા અને ફરી ‘જીવન’ જીવવા લાગવા, ‘ગોઠવાઈ’ ગયા ને??!!

[વિદેશમાં ગોઠવવાની વાત જ મારા અનુભવની છે, પ્રેમીઓની વાત કલ્પના માત્ર છે 😂🤣🙏 એ બાબતે ખરખરો ના કરવો. આ લખાણની એક શૈલી છે, બે વાર્તા-વાત-કન્સેપ્ટ-ફીલિંગ્સ એકસાથે-પેરેલલ લખવી તે, વધુ લોકોને પહેલી વાત સ્પર્શે તેવી હતી એટલે બીજી વાતનો મર્મ સરખાવી શકાય, આભાર 😀]