સૌજન્યઃ

#પ્રગતિ
#વાર્તા

ગામની વચ્ચે ટેકરા પર રહેલા ઘરમાંથી બોંતેર વરસના રુખી બા ને વગર ચશ્માએ દુરથી સીમમાંથી ચરીને આવતી ગાયોના ધણના ચાલવાની ઉડતી ધુળની ડમરી દેખાય એટલે રોજના નિયમ મુજબ તે પરશાળમાં કાથીનો મોટો ખાટલો પાથરીને તેના પર બેસતા… અને અમને હુકમ કરતા … જો કે અમેય રોજે રોજના એક જ હુકમથી ટેવાઇ ગયેલા તોય તેમના બોલવાની રાહ જોતા બસ તે પરસાળમાં જ રમ્યા કરતા… “એલા કુણ કુણ રમે સે? જરા ઓરા આવો તો…. “ રુખી બા ને ય ખબર જ હોય કે આ સવાલ સાંભળવા બધાજ છોકરા હાજર જ હશે… અને “કુણ કુણ” ના જવાબમાં બધાય દોડીને આવતા વેંત બોલશે કે “દાદી હું…..”

ઉનાળાના વેકેશનમાં અમારુ એકજ ડેસ્ટીનેશન!!! “મામાનું ઘર”. એટલે ચારેય માસીના અને બે મામા ના એમ પંદર દિકરા-દિકરી ત્યાંજ ભેગા થાય… ભલે ને વેકેશનમાં ગમે ત્યાં ફરવા જવાનુ હોય, પણ પહેલુ અઠવાડીયુ તો મામાનું ઘર જ હોય!!!એ અમારા સહુનો વણલખ્યો નિયમ.

અને અમારો બીજો નિયમ એ કે સાંજ પડે ને ગાયોને ચરીને પાછા આવવાનો સમય થાય ત્યારે તો ખાસ ઘરની પરશાળમાં આવી જ જવાનુ… અને દાદી (અમે નાની ક્યારેય નહોતા કહેતા) નો હુકમ સાંભળવા રમતા રમતાય તૈયાર રહેવાનુ….
એટલે એક સાથે પંદર જવાબ આવે કે “દાદી હું…” અને દાદી પછી કામ બતાવે તે પહેલા અમે ચાર જણા જેની ઉંચાઇ વધારે હતી તે જઇને આખા ઘરના ફાનસ અને ખડિયા લઇ આવીએ… તો બાકીના માંથી કોઇ વાડાના ભાગે આવેલા ચુલા અને રસોડાના ચુલા માંથી તાજી રાખ એક ટોપલીમાં લઇ આવે… એ ટોપલી પણ કેવી!! પસ્તીના કે રદ્દી કાગળોના માવા માંથી જાતે બનાવેલી ટોપલી!!! તો કોઇ એક કપડુ લઇ આવે, કોઇ કેરોસીનનો ડબો લઇ આવે… કોઇ કાતર લઇ આવે…. દરેકને પોતાનુ કામ ખબર જ હોય…. પછી દાદી બધા ફાનસના કાચના ગોળાને રાખથી ઉટકીને તેમાં વળેલી મેંશ ને કાઢી, સુતરાઉ કે મલમલના કપડાથી સાફ કરતા… ફાનસમાં કેરોસીન ભરવાનું…. તેના મોગરામાંથી બળેલી વાટને કાતરથી કાપીને સાફ કરવાની…અને પછી રામજીમંદીરમાં આરતીની ઝાલર વાગતી બંધ થાય એટલે તેને પ્રગટાવીને વાળુ વેળા થતા પહેલા ઘરમાં ,બધા ઓરડામાં, ઓશરીમાં, પરશાળમાં લટકાવેલા સળીયા પર તેને મુકી આવવાના… ખડિયાને પણ જે તે ગોખલામાં મુકી આવવાના…

આમ તો ગામમાં ઇલેક્ટ્રીસિટી આવી ગઇ હતી, પણ રાતના સમયે જ તેમાં કાપ મુકાતો!! એટલે દરેકના ઘરમાં વીજળીના ગોળા સાથે ફાનસ ગોળા પણ જોવા મળતા… જ્યારે અમે તો મોટા શહેરમાંથી ત્યાં જતા એટલે લાઇટ કરતા ફાનસની નવાઇ વધારે લાગતી અને તેનો આછો પ્રકાશ પણ ગમતો…

એ જ ફાનસના અજવાળે બધા બે ચાર ફાનસ વચ્ચે મુકીને તેની આસપાસ જમવા બેસતા…

જમી રહ્યા પછી રાત હોઇ ઘર માંજ રમવાનુ.. એટલે બીજી રમતો સાથે એક રમતતો ખાસ રમાય… ફાનસના અજવાળામાં હાથથી જુદા જુદા આકાર બનાવી તેના પડછાયા દિવાલ પર પાડવા કે પછી દિવાલ પર કંઇક લખતા હોય તેમ આંગળીના પડછાયાથી લખતા અને તે બાકીના એ ઓળખી બતાવવાનુ, જે સાચુ ઓળખી બતાવે તેનો વારો આવા પડછાયા પાડવા માટે આવતો ….

મોડી રાતે એકજ ઓસરીમાં સળંગ ખાટલા પાથરીને પથારીમાં સુતા સુતા દાદી કે મામી કોઇ વાર્તા કહેતા… ક્યારેક અમારા માંથી પણ કોઇ વારતા માંડતુ… અને ટાઇમીંગ એવો બંધબેસતો આવતો કે વારતા પણ પુરી થતી… ફાનસમાં કેરોસીન પણ પુરુ થતા તે ધીમું પડતુ જઇ “રામ” થવાની તૈયારી કરતુ… અને અમેય તે સાથે જ આખો મિંચીને સુઇ જતા….

ક્યારેક અડધી રાત્રે પાણી પીવા કે બાથરુમ (વાડામાં જવા) ઉઠતા તો જાણે અચાનક પરિલોકમાં આવી ગયા હોઇએ તેમ ફાનસના બદલે ઇલેકટ્રિક લાઇટ જોવા મળતી.!!!!

એકવાર, લગભગ પહેલી વાર, હું ચોમાસાના દિવસોમાં મમ્મી સાથે મામાના ઘેર ગયો હતો .. મન માં તો પેલા ઉનાળાના વેકેશનના દિવસોની જ છાપ… પણ એ ચોમાસામાં પહેલી વાર મને ફાનસ ના ગમ્યા… ફાનસ કરીએ એટલે તરતજ આજુબાજુ વરસાદી જીવડા-મચ્છર આવી જતા… તે જીવડા જોવા કરતાય તેનો એક વિચિત્ર અવાજ જ અકળામણ કરાવતો રહ્યો… વાળુ ટાંણુ પણ બદલાઇ ગયેલુ… સહેજ અજવાળું હોય ત્યારે જ જમી લેવાનુ… પછી તો ફાનસના અજવાળે જમાય જ નહી… પેલા જીવડાઓને લીધે… રાત્રે પણ જો ઉઠીએ તોય લાઇટ ના આવી હોય… એટલે પાણીનો લોટો તો બાજુમાં ભરીને રાખેલો હોય પણ વાડામાં જવાની હિંમત ના થાય… છેક સવાર સુધી રાહ જોવાની…
જો કે ત્રણ જ દિવસ રહેવાનુ હતુ તોય તે બહુ લાંબા લાગતા… દિવસે પણ રમતા રમતા એ જ વિચારો આવતા કે રાત ના પડે તો સારુ….
ત્રીજા દિવસે તો દાદીને અને મામાને ઘરે જતા જતા કહીજ દીધુ કે હવે તો રાત્રે લાઇટ આવે તો જ બીજીવાર આવીશ….
અને મામાય એવા પ્રેમાળ કે જ્યારે ફરી ઉનાળાના વેકેશનમાં અમે ગયા ત્યારે કિર્લોસ્કર નુ ડિઝલ જનરેટર લાવી દીધુ હતુ… !!!! એ સાથે જ ઘણુ બદલાઇ ગયુ હતુ… હવે સાંજે દાદીનો એ જ જુનો હુકમ “એલા કુણ કુણ રમે સે? જરા ઓરા આવો તો…. “ સાંભળવા ના મળ્યો… એ ફાનસ લાવવાની… તેના ગોળા સાફ કરવાની… ફરી ફાનસને મુકી આવવાની મજા ના મળી… તો રાતે જનરેટરનો ઢખ ઢખ ઢખ… અવાજ બહુ નડ્યો… એના કરતા તો ફાનસ સારુ એવુ લાગ્યુ….

એ પછીતો ગામમાં ઇલેક્ટ્રિસીટી રેગ્યુલર જેવી થઇ ગઇ હતી… ફાનસ હવે ઘરમાંથી નીકળીને ભંડકીયામાં જતા રહ્યા હતા…કાથીના ખાટલાને બદલે લાકડાની પાટો આવી ગઇ હતી… વાડા ને બદલે સરસ બાથરુમ બની ગયા હતા…અને નીચે એકસાથે બેસીને જમવાને બદલે ડાઇનીંગ ટેબલ આવી ગયુ હોઇ આઠ આઠ જણા જ એક સાથે જમી શકતા હતા… હવે રાત્રે પેલી પડછાયાની રમતને બદલે ટીવી જોવા બેસી જતા હતા… અને સુતા સમયની વાર્તા???? એ પણ એક વારતા બની ગઇ હતી….

હા… વધતી ટેકનોલોજી સાથે બહુ બધી પ્રગતિ થઇ ગઇ હતી…. માણસ યંત્રવત્ બની રહ્યો હતો.

02/04/2019
મિત્રો આ વાર્તા પસંદ આવે તો આપના પ્રતિભાવ મારા નીચે જણાવેલા બ્લોગ પર પણ આપજો.😀💐🙏

MUKESHRAVAL.COM