એક અજાણ્યા ગાંધીની આત્મકથા પ્રકરણ ૩૦ અને ૩૧

મિત્રો,

કેટલાક પારિવારિક સંજોગોમાં બહારગામ રોકાણ હોવાને કારણે હું  શ્રી નટવર ગાંધીની  આત્મકથા પોસ્ટ કરી શક્યો ન હતો. આજે બે પ્રકરણ્ટ્ટ એક સાથે રજુ કરું છું. હવે પછી  ૩૨મું પ્રકરણ તા.૨૨ કે ૨૩મી એ પોસ્ટ કરી શકીશ. સળંગ વાંચતા મિત્રોને અનિયમિતતા કઠે એ સમજું છું. અને ક્ષમા પ્રાર્થું છું.

આપનો પ્રવીણ.

===============================

એક અજાણ્યા ગાંધીનીામ આત્મકથ

NatwarGhandhi.jpg

નટવર ગાંધી

પ્રકરણ 30– પ્રોફેસર થયો

 મુંબઈની સીડનહામ કૉલેજમાં ભણવાથી એક ફાયદો એ થયો એ કે મને અંગ્રેજી પ્રમાણમાં સારું આવડતું હતું.  સાવરકુંડલામાં તો મારું ભણતર ગુજરાતી માધ્યમમાં જ થયું હતું, એટલે સીડનહામ કોલેજનું ઈંગ્લીશ મીડિયમ મને બહુ આકરું લાગેલું.  પણ કૉલેજનાં ઈંગ્લીશ મીડિયમના ચાર વર્ષો અને મુંબઈના વસવાટને કારણે અંગ્રેજી ભાષાની સગવડ વધી હતી.  એટલાન્ટા યુનિવર્સિટીમાં ભાષાની બાબતમાં કોઈ વાંધો નહી આવ્યો. ભણવાના વિષયો પણ મને મુખ્યત્વે સહેલા લાગ્યા.  પ્રોફેસરો ક્લાસમાં શું બોલે છે કે ભણાવે છે એ સમજવામાં મુંબઈમાં જે મુશ્કેલી પડી હતી, તે એટલાન્ટામાં ન પડી!  જેમ મુંબઈના કોઈ પ્રોફેસરની બુદ્ધિમત્તાથી હું અંજાયો ન હતો, તેવું જ એટલાન્ટામાં થયું, જો કે અહીંના પ્રોફેસરો પોતાના વિષયની બરાબર તૈયારી કરીને આવતા, અને પોતાના વિષયના નિષ્ણાત દેખાતા. સીડનહામ કૉલેજમાં પ્રોફેસરો વેઠ ઉતારતા હતા એવું લાગતું, જ્યારે અહીં પ્રોફેસરોને પોતાના વિષયમાં અને વિદ્યાર્થીઓમાં રસ હોય એવું દેખાતું.  આ બધામાં એટલાન્ટાનું પહેલું વરસ તો ક્યાં ગયું તેની ખબર જ ન પડી.

મારો અભ્યાસ પૂરો થાય તે પહેલાં મારે ફૂલટાઈમ જોબ શોધવાનો હતો.  હું જ્યારે જોબ શોધવા નીકળ્યો ત્યારે ખબર પડી કે એટલાન્ટા યુનિવર્સિટીમાં ભણવાની મર્યાદાઓ શું હતી.  મેં જોયું તો અમારી સાથે જે કાળા છોકરાછોકરીઓ હતાં તેમને ફટ ફટ સારી સારી કંપનીઓમાં જોબ મળવા મંડ્યા, જ્યારે અમને દેશી વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂના પણ ફાંફા!  અમેરિકાની સમૃદ્ધિથી કાળાઓને વેગળા રાખવાથી એમની કપરી દશા થઈ  હતી.  અમેરિકન સમૃદ્ધિ જે અહીં સામાન્ય ગોરા માણસોને પણ મળતી હતી, તે કાળા લોકોને નહોતી મળતી.  એમને નસીબે ગરીબી અને કાળી મજૂરી ને હલકાં કામો જ લખાયાં હતાં. ખાસ તો મોટી કંપનીઓની અને ફેડરલ કે સ્ટેટ ગવર્ન્મેન્ટની સારી સારી નોકરીઓમાંથી એમને બાકાત રાખવામાં આવ્યા હતા.

1960ના દાયકામાં કાળી પ્રજાની સિવિલ રાઈટ્સની મોટી ઝુંબેશ શરૂ થઇ. બ્લેક પાવરના હિંસક આંદોલનને કારણે મોટાં શહેરોમાં હુલ્લડો થયાં.  ગોરી પ્રજા ચેતી.  દેશના આર્થિક તંત્રમાં ફેરફાર કરવાની જરૂરિયાત ગોરાઓને વરતાણી.  ફેડરલ ગવર્ન્મેન્ટનું કંપનીઓ ઉપર દબાણ આવવા માંડ્યું કે એમણે કાળી પ્રજાને સારા જોબ આપવા, પ્રમોશન આપવું. આ સરકારી વ્યવસ્થાને અહીં “અફીર્મેટીવ એક્શન” કહેવામાં આવે છે.  આપણા દેશમાં લઘુમતિઓ માટે જેમ સારી નોકરીઓ, મેડિકલ કૉલેજના એડમિશન વગેરેના અમુક ટકા રિજર્વ રખાય તેવું જ.  ક્વોટા રાખવાની અમેરિકનોને મોટી સૂગ, પણ હકીકતમાં આ કાળા લોકોને સારા જોબ આપવાના ક્વોટા જ હતાં.

સારી સારી કંપનીઓ પોતાના ક્વોટા જલદી ભરવા બ્લેક કૉલેજોમાં જાય અને છોકરાછોકરીઓને પસંદ કરે.  ભલે સાવ નબળો બ્લેક વિદ્યાર્થી હોય, છતાં પણ એને ઝીરોક્સ કે આઇબિએમ જેવી કંપનીઓ સામેથી મોટી ઓફર આપે, અને અમે દેશી વિદ્યાર્થીઓ જોતા રહી જઈએ. અમને ઇન્ટરવ્યૂમાં પણ ન બોલાવે.  અહીં દરેક યુનિવર્સીટીમાં જોબ પ્લેસમેન્ટ સેન્ટર હોય.  એની ફરજ વિદ્યાર્થીઓને સારી નોકરીઓ અપાવવાની હોય છે.  કંપનીઓ યુનિવર્સિટીઓમાં સામેથી આવે અને સારા વિદ્યાર્થીઓને પસંદ કરે. જોબ પ્લેસમેન્ટ ઑફિસર વિદ્યાર્થીઓને મદદ કરે. હું પ્લેસમેન્ટ સેન્ટરમાં જાઉં ત્યારે મને મારા મુંબઈના દિવસો યાદ આવે.  સીડનહામ કૉલેજમાં પ્લેસમેન્ટ સેન્ટર કેવું ને વાત કેવી?  બી.કોમ થયા પછી મુંબઈમાં એક સાવ સામાન્ય ક્લર્કની નોકરી લેતા મને નાકે દમ આવી ગયો. અને છેવટે જે નોકરી મળી તે લાગવગથી જ મળી.

હવે મારે અમેરિકામાં જોબનો પત્તો પાડવાનો હતો, અને તે પણ તુરત જ.  પૈસાની જરૂર તો ખરી જ, પણ મારે જલદી જલદી ગ્રીન કાર્ડ મેળવવું હતું. એ મળે તો જ અમેરિકામાં રહી શકાય. મારે કંઈ દેશમાં પાછા જવું નહોતું. પાછા જઈને દેશસેવા કરવી છે કે દેશ તમારી રાહ જોઈને બેઠો છે એવા શેખચલ્લીનાં શમણાં હું ક્યારે ય જો’તો નહોતો.  ગ્રીનકાર્ડ મેળવવા માટે જોબ હોવો એ અનિવાર્ય હતું.  મારો હિસાબ સીધો હતો:  જોબ હોય તો તમારા એમ્પ્લોયર તમને ગ્રીન કાર્ડ માટે સ્પોન્સર કરે.  ભવિષ્યમાં વધુ સારો જોબ મેળવવા માટે પણ ગ્રીન કાર્ડ હોવું જરૂરી હતી. વળી ગ્રીન કાર્ડ વગર નલિનીને  કેમ બોલાવી શકાય? એના એકસૂરી કાગળો તો નિયમિત આવતા જ હતા: ક્યારે બોલાવો છો?

ગ્રીનકાર્ડ મળે તો પછી પાંચ વરસે સીટીઝનશીપ માટે પણ એપ્લાય કરી શકાય.  ભાઈ, બહેન, માબાપ વગેરેને જો દેશમાંથી બોલાવવા હોય તો અમેરિકન સીટીઝનશીપ હોવી જ જોઈએ.  એટલે જે એમ્પ્લોયર સ્પોન્સરશીપ આપવા તૈયાર હોય ત્યાં જોબ લેવાનો હતો.  બ્લેક કૉલેજો સ્પોન્સરશીપ આપવા તૈયાર હતી.  તેમને બીઝનેસ, મેથ્સ અને એન્જીનીઅરીંગના પ્રોફેસરોની ખૂબ જરૂર હતી.  આવા પ્રોફેસરોની ત્યાં તંગી હોવાને કારણે ઈમિગ્રેશન સર્વિસ બ્લેક કૉલેજોની સ્પોન્સરશીપ તરત માન્ય કરતી અને ગ્રીનકાર્ડ આપતી.

બ્લેક કૉલેજમાં જોબ શોધવાનું એક બીજું રહસ્ય હતું.  એટલાન્ટા યુનિવર્સિટી જેવી બ્લેક કૉલેજમાં ભણ્યા હો તો તમારે ભાગ્યમાં બ્લેક કૉલેજ જ લખી હોય ને!   હવે મને ખબર પડી કે જારેચા શા માટે અહીં એટલાન્ટા યુનિવર્સિટીમાં કામ કરતા હતા. અમારે જોબ જોતો હોય તો કોઈ બ્લેક કૉલેજમાં જ મળવાનો હતો. ત્યાં ઘણી જગ્યાઓ ખાલી પડી હતી.  એક જમાનામાં જ્યારે બ્લેક લોકોને વ્હાઈટ કંપનીઓમાં નોકરી નહોતી મળતી ત્યારે એટલાન્ટા યુનીવસિૅટીના સ્નાતકો આવી બ્લેક કૉલેજોમાં નોકરી કરતા. પણ હવે તો મોટી કંપનીઓ અને ફેડરલ અને સ્ટેટ ગવર્ન્મેન્ટ આ બ્લેક સ્નાતકોને જેવા યુનિવર્સિટીમાંથી નીકળ્યા કે તરત ઊપાડી જાય. કંપનીઓની જેમ વ્હાઈટ યુનિવર્સિટી ઉપર પણ બ્લેક પ્રોફેસરોને જોબ આપવાનું ફેડરલ ગવર્ન્મેન્ટનું પ્રેશર હતું. આમ બ્લેક કૉલેજોમાં જે પ્રોફેસરો હતા તેમને પણ વ્હાઈટ કૉલેજો અને યુનિવર્સિટીઓ સારી સારી ઓફર આપી લઈ જતી.

બ્લેક પ્રોફેસરો જો વ્હાઈટ કૉલેજ અને યુનિવર્સિટીમાં જતા રહે તો પછી બ્લેક કૉલેજોમાં ભણાવશે કોણ?  અમેરિકામાં ત્યારે લગભગ સોએક જેટલી બ્લેક કૉલેજો અને યુનિવર્સીટીઓ હતી.  ત્યાં હવે નવા બ્લેક સ્નાતકો તો જતા બંધ થયા. બ્લેક કૉલેજમાં પ્રોફેસરોની, ખાસ કરીને બિઝનેસ, મેથેમેટિક્સ, એન્જીનીયરીંગના પ્રોફેસરોની, ખૂબ તંગી થઈ. લાયબ્રેરીમાં જઈને બ્લેક કૉલેજોનું લીસ્ટ હું લઇ આવ્યો. ફટ ફટ એપ્લીકેશન કરવા માંડી. આપણે એપ્લીકેશન કરવામાં તો હોશિયાર હતા. મુંબઈની ટ્રેનીંગ હતી ને?  જો કે આ વખતે મુંબઈની જેમ હાથે લખીને નહીં, પણ ટાઈપ કરીને ઘણે ઠેકાણે એપ્લીકેશન મોકલાવી દીધી.  ચાર ઠેકાણેથી ઇન્ટરવ્યૂ માટે મને બોલાવ્યો.  ગયો. ચારે ઠેકાણેથી જોબ ઓફર આવી.

મેં નોર્થ કેરોલિના સ્ટેટના ગ્રીન્સબરો નામના એક નાના શહેરની બ્લેક પબ્લિક યુનિવર્સિટીમાં નોકરી લીધી. નોર્થ કેરોલિના સ્ટેટની એગ્રીકલ્ચરલ એન્ડ ટેકનીકલ યુનિવર્સિટી (એ. ઍન્ડ ટી.)નું ફંડિંગ રાજ્ય તરફથી હતું, તેથી પ્રમાણમાં નાણાંકીય રીતે એ સદ્ધર હતી.  મોટા ભાગની પ્રાઈવેટ બ્લેક કૉલેજો ફંડીગને અભાવે મરવા પડી હતી. ગ્રીન્સબરોની જ એક પ્રાઈવેટ બ્લેક કૉલેજ બેનેટ કૉલેજમાં પણ મને જોબ મળેલો.  મેં વિનય પૂર્વક ના પાડી. તે ફંડના અભાવે ફડચામાં પડવાની તૈયારી હતી.  જેવું એટલાન્ટાનું ભણવાનું પત્યું કે આપણે તુરત જ બેગ ઉપાડીને બસમાં બેસી ગયા, ગ્રીન્સબરો જવા માટે.

હું કાંઈ ગ્રેજ્યુએશન સેરીમનીમાં માર્ચ કરીને ડિગ્રી લેવા રોકાયો નહીં.  મને થયું કે યુનિવર્સીટી એની ફૂરસદે ડિગ્રી મોકલવાની છે, તો પછી એને માટે કંઈ ગાઉન અને કેપનો ખોટો ખર્ચ શા માટે કરવો?  મારી સાથે ભણતા અમેરિકનોને આ વાત વિચિત્ર લાગી.  એમને માટે કોલેજ ગ્રેજ્યુએશન એ બહુ મોટી વાત હતી.  એ સેરીમની માટે આખું કુટુંબ ભેગું થાય.  દૂર દૂર થી સગાં વહાલાંઓ આવે, મોટા ડિનર થાય, ફોટા પડે, વગેરે, વગેરે.

મારે માટે એવું કંઈ થવાનું નહોતું. જે કુટુંબમાં ઉચ્ચ અભ્યાસનું મહત્ત્વ હોય તે કૉલેજ ગ્રેજ્યુએશનનો ઉત્સવ કરે, પણ અમારા કુટુંબમાં હું શું ભણું છું તેની જ કોઈને ખબર ન હોય, અને કાકા તો એમ માનતા હતા કે હાઈસ્કુલ પછી કંઈ ભણવું એ જ નકામું છે, તો પછી હું ક્યાં મોઢે કહું કે મારું ગ્રેજ્યુએશન થવાનું છે તો તેની સેરીમનીમાં તમે આવો.  આ કારણે મારી પાસે પીએચ.ડી સુધીની આજે ચાર ચાર ડિગ્રીઓ હોવા છતાં મેં કયારેય ગ્રેજ્યુએશન સેરીમનીમાં માર્ચ કરીને એકેય ડિગ્રી લીધી નથી કે ફોટા પડાવ્યા નથી.  મુંબઈમાં મને બી.કોમ. અને એલ.એલ.બી.ની ડિગ્રીઓ મળી ત્યારે ખબર પણ નહોતી કે સેરીમની ક્યારે હતી!  જોબ શોધવાની મથામણ જ એવડી મોટી હતી કે  ગ્રેજ્યુએશન સેરીમનીનો વિચાર પણ નહોતો કર્યો.

1966ના સપ્ટેમ્બરમાં હું ગ્રીન્સબરો પહોંચ્યો ત્યારે એ. ઍન્ડ ટી.નું સેમેસ્ટર શરુ થતું હતું.  મારે જલદીથી જોબ શરુ કરી દેવાનો હતો.  ગ્રીન્સબરોમાં હું એકલો હતો.  એટલાન્ટાના મારા એક વરસના વસવાટમાં મને જારેચાની સલાહ સૂચના અને માર્ગદર્શન સતત મળતાં  રહેતાં.  મારો એમની સાથેનો સંપર્ક રોજનો હતો.  ગ્રીન્સબરોમાં હવે મારે જ બધું સાંભળવાનું હતું. બસ સ્ટેશને મને કોઈ લેવા આવવાનું નહોતું.  જ્યાં સુધી મારું અપાર્ટમેન્ટનું નક્કી ન થાય ત્યાં સુધી મેં રહેવાની વ્યવસ્થા કૉલેજની ડોર્મમાં કરી.  એટલાન્ટામાં હું  ડોર્મના વસવાટથી ટેવાયેલો હતો તેથી અહીં કાંઈ નવું નહીં લાગ્યું.  એક વસ્તુ ખાસ કઠી અને તે એ કે મારી પાસે કાર નહોતી. ન્યૂ યોર્ક કે શિકાગો જેવા ગણ્યાં ગાંઠ્યાં મોટાં શહેરોને બાદ કરતા, અમેરિકાનાં નાનાં શહેરોમાં કાર વગર રહેવું ખૂબ મુશ્કેલ. બસ કે ટ્રૈનની સગવડ નહિવત.  એટલાન્ટામાં જારેચા એમની કારમાં મને જ્યાં જરૂર હોય ત્યાં લઈ જતા. અહીં એ માટે કોને કહેવું?

એ. ઍન્ડ ટી. યુનિવર્સિટીમાં મારું મુખ્ય કામ એકાઉટીન્ગ ભણાવવાનું. બ્લેક કૉલેજ એટલે લગભગ સો ટકા બ્લેક વિદ્યાર્થીઓ.  મોટા ભાગે મધ્યમ વર્ગ કે ગરીબ ઘરોમાંથી આવેલા. ઘણા તો એવા કુટુંબોમાંથી આવેલા કે જ્યાંથી કોઈ આ પહેલાં કૉલેજમાં ગયું જ ન હોય.  માબાપ છોકરા છોકરી ઉપર ઘણો મદાર માંડી બેઠા હોય. ક્લાસમાં પહેલે દિવસે જઈને ઊભો રહ્યો. મારી સામે બધાં જ બ્લેક છોકરાછોકરીઓ બેઠેલા.  હું એમના કરતાં  ઉંમરમાં દસેક વરસે મોટો હોઈશ, પણ એમના કદાવર શરીર સામે નાના છોકરા જેવો દેખાયો હોઈશ.  હું થોડી વાર તો ગભરાયો. હું જે કાંઈ બોલીશ તે આ લોકો સમજશે ખરા?  મારા ઉચ્ચારો અને ઈંગ્લીશ હજી દેશી જ હતા. વળી અત્યાર સુધી હું જાહેરમાં ઇંગ્લીશમાં ક્યારેય બોલ્યો નહોતો.  એટલાન્ટા યુનીવસિૅટીમાં ક્લાસમાં પ્રોજેક્ટનું પ્રેજન્ટેશન જરૂર કરેલું, પણ એ તો બીજાઓ સાથે.  અહીં તો હું એકલો.  મેં જો કોઈ ભૂલ ચૂક કરી તો કોઈ મારી મદદે આવવાનું નહોતું.  આગલે દિવસે તૈયારી ખૂબ કરી હતી, અરીસા સામે ઉભા રહીને પ્રેક્ટીસ પણ કરી હતી.

સ્વીમીંગ પૂલના ડાઈવીંગ બોર્ડ પર ઉભેલા શીખાઉ સ્વીમર જેવી મારી દશા થઈ.  ત્યાં ઉપર પહોંચ્યા પછી પાણીમાં પડવા સિવાય છૂટકો થોડો છે?  મેં તો યા હોમ કરીને ઝંપલાવ્યું.  આગલે દિવસે જે ગોખ્યું હતું તે ઓકવાનું શરૂ કરી દીધું.  પહેલી પાંચ મિનિટ  હું શું બોલ્યો તેની કાંઈ મને ખબર ન પડી, પણ બોલ્યો ખરો અને જોયું તો સામે બેઠેલા વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળતા હતાં, હું જે બોલતો હતો તેની નોટ્સ લેતા હતા.  ખાસ કરીને કોઈ ઊભું નહોતું થતું, કે અંદરો અંદર વાત કરતું નહોતું.  દેશની કૉલેજોમાં જેમ પ્રોફેસરોનો હુરિયો બોલાવાય તેવું કાંઈ થશે તો એવો મને ભય હતો.  એવું કાંઈ ન થયું.  પહેલી પાંચ મિનિટ પછીની બાકીની ચાલીસ મિનિટ ઝડપથી ગઈ.  મેં ક્લાસ પૂરો કર્યો.  એ જ વિષય મારે દિવસના બે વાર ભણાવવાનો હતો.  મારા શંકા અને ભય પહેલા ક્લાસ પછી ગાયબ થયા. બીજો ક્લાસ બરાબર ગયો.  રાત્રે શાંતિથી સૂતો.

પ્રોફેસર તરીકે એકાદ અઠવાડિયું પસાર કર્યા પછી મને ખબર પડી કે પ્રોફેસર હોવાનો એક મોટો ફાયદો છે.  મોટે ભાગે વિદ્યાર્થીઓ તો એમ જ માને છે કે તમારામાં એમના કરતાં વધુ બુદ્ધિ, અનુભવ અને વિષયની જાણકારી છે, નહીં તો તમારી પ્રોફેસર તરીકે પસંદગી થઈ કેવી રીતે?  વધુમાં આગળ જણાવ્યું છે તેમ અહીં જે ગ્રેડ અપાય છે તે પ્રોફેસર પોતે જ આપે. દેશની જેમ યુનિવર્સિટી એક્જામ અહીં નથી હોતી, કે જેમાં હજારો વિદ્યાર્થીઓ એક જ સરખી એક્જામ આપે.  આપણે ત્યાં પેપરનું ગ્રેડિંગ કોણ કરે છે તે વિદ્યાર્થીઓને ખબર પણ ન હોય.  અહીં તો પ્રોફેસર જ એક્જામ પેપર નક્કી કરે, એ જ તપાસે, અને એ જ ગ્રેડિંગ કરે. એટલે કોઈ પણ વિદ્યાર્થી પ્રોફેસરની સાથે જીભાજોડી કરતાં બે વાર વિચાર કરે.

દેશમાં જે પ્રોફેસરોનો હુરિયો બોલાવાય એવું અહીં થયું હોય એમ મને યાદ નથી.  એનો અર્થ એ નથી કે વિદ્યાર્થીઓને પ્રોફેસર સામે ફરિયાદ કરવાનો કોઈ હક્ક નથી કે એવી ફરિયાદો થતી નથી.  થાય જ છે, પણ કૉલેજના ડીન એવી કોઈ ફરિયાદ આવતા એ બાબતની તપાસ કરે, અને પછી તે બાબત યોગ્ય પગલાં જરૂર લે. કોઈ વિદ્યાર્થીને પ્રોફેસર ન ગમતા હોય, કે એની સામે વાંધો હોય તો એ જ વિષય ભણાવતા બીજા પ્રોફેસરના ક્લાસમાં દાખલ થાય.

સદ્ભાગ્યે હું લોકપ્રિય પ્રોફેસર નીવડ્યો.  વિદ્યાર્થીઓ માટે મારી ઑફિસનાં બારણાં હંમેશ ઉઘાડાં હોય એ એમને ગમતું.  કોઈ પણ વિદ્યાર્થી મારી પાસે કોઈ પ્રોબ્લેમ લઈને આવે તો એ હું ધ્યાનથી સાંભળું એ એમને ગમે.  એક વાર અપાર્ટમેન્ટ લીધા પછી  હું થોડા થોડા વિદ્યાર્થીઓને ઘરે પણ બોલાવતો.  તે એમને ખૂબ ગમતું.  વધુમાં હું ઇન્ડિયન છું, બીજા પ્રોફેસરોથી જુદો છું, વિદ્યાર્થીઓને મળવાનો, તેમના પ્રશ્નો સાંભળવાનો મારી પાસે ટાઈમ છે, મને તેમનામાં રસ છે–આ બધાંને કારણે હું પોપ્યુલર થઇ ગયો.  વધુમાં હું જે કાંઈ ભણાવતો હોઉં તેનું વર્તમાન બીઝનેસ સાથે અનુસંધાન કરું, સમજાવું કે આજે આપણે જેની ક્લાસમાં ચર્ચા કરીએ છીએ એવું ક્લાસ બહારની દુનિયામાં થતું હોય છે.  આ એપ્રોચ એમને ગમ્યો.  હું નવો નવો પ્રોફેસર હતો તેથી ક્લાસ માટે બરાબર તૈયારી કરતો, જેથી ક્લાસમાં ભણાવવામાં કે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપવામાં ભાગ્યે જ મુશ્કેલી પડતી.

**********************************

એક અજાણ્યા ગાંધીની આત્મકથા

નટવર ગાંધી

 પ્રકરણ 31– બ્લેક પાવરની ઝુંબેશ

એટલાન્ટાની સરખામણીમાં ગ્રીન્સબરો આમ તો નાનું શહેર ગણાય.  પણ અમેરિકન સિવિલ રાઈટ્સ મુવમેન્ટમાં એનું મહત્ત્વ ઘણું.  અમેરિકાના એક મોટા ડીપાર્ટમેન્ટ સ્ટોર વૂલવર્થના લન્ચ કાઉન્ટર પર એ. એન્ડ ટી. યુનિવર્સીટીના ચાર વિદ્યાર્થીઓએ 1960માં સીટ-ઇન કર્યું.  એ દિવસોમાં કાળા અને ગોરા લોકોના લન્ચ કાઉન્ટર જુદા.  કાળા લોકોના કાઉન્ટર પર જગ્યા ન હોય તો કાળા લોકોએ રાહ જોવાની.  ગોરાઓના  કાઉન્ટર પર જગ્યા હોય તો પણ ત્યાં એ બેસી ન શકે.  જેવું લન્ચ કાઉન્ટરનું તેવું જ બસનું અને બીજી અનેક પબ્લિક ફેસીલીટીઓનું–કાળા અને ગોરા લોકો માટે જુદી જુદી વ્યવસ્થા અને ગોરાઓને પહેલો પ્રેફરન્સ મળે.

માર્ટીન લ્યુથર કિંગની અસર નીચે ચાર કાળા વિદ્યાર્થીઓ 1960ની ફેબ્રુઆરીની પહેલી તારીખે વૂલવર્થના ગોરા લોકોના કાઉન્ટર પર જઈને બેઠા અને કૉફી ઓર્ડર કરી. ત્યાં કામ કરતી ગોરી વેઈટ્રેસે ના પાડી અને કહ્યું કે આ તો ગોરા લોકોનો કાઉન્ટર છે.  કૉફી પીવી હોય તો કાળા લોકોના કાઉન્ટર પર જાઓ. વિદ્યાર્થીઓએ કાઉન્ટર પરથી ખસવાની નાં પાડી. સ્ટોર બંધ થયો ત્યાં સુધી બેઠા, પણ એમને કૉફી નહીં મળી.  બીજે દિવસે બાજુની કૉલેજમાંથી વીસ કાળા વિદ્યાર્થીઓ આવ્યા, ત્રીજે દિવસે સાઈંઠ અને ચોથે દિવસે ત્રણસો  વિદ્યાર્થીઓ આવ્યા. આ બનાવને ટીવી અને છાપાંએ ઘણો કવર કર્યો.  દેશમાં હો હા થઈ ગઈ. સાઉથનાં બીજાં મોટાં શહેરોમાં પણ આ પ્રકારના સીટ-ઇન શરૂ થયા. છેવટે વૂલવર્થ અને બીજા સ્ટોર્સમાંથી આ કાળા ગોરાના જુદા જુદા કાઉન્ટર રદ થયા.  સિવિલ રાઈટ્સ મુવમેન્ટનું આ એક અગત્યનું પ્રકરણ હતું જેમાં કાળા લોકોને થોડી ઘણી સફળતા મળી.

એ. એન્ડ ટી. યુનિવર્સિટીમાં ભણાવવાથી સહેજે જ હું બ્લેક વિદ્યાર્થીઓના ગાઢ સંપર્કમાં આવ્યો. એમના પ્રશ્નો, સમસ્યાઓ, મૂંઝવણ વગેરેનો મને ઊંડો ખ્યાલ આવ્યો.  હું જો પહેલેથી જ કોઈ ગોરી યુનિવર્સિટીમાં દાખલ થયો હોત તો, અમેરિકાના કાળા ગોરાના સંબંધોની સમસ્યા હું ક્યારેય આટલી નજીકથી જોઈ શક્યો ન હોત.  ગુલામીથી માંડીને અત્યાર સુધી રંગભેદને કારણે બ્લેક પ્રજા ઉપર સૈકાઓથી જે અન્યાય થઈ રહ્યો હતો તે હવે એ લોકો સહેવા તૈયાર ન હતા.  આર્થિક, સામાજિક, અને રાજકીય ક્ષેત્રે ગોરી પ્રજાને જે કંઈ મળતું હતું તે બ્લેક પ્રજાને હમણાં ને હમણાં મળવું જોઈએ એવી એમની સ્પષ્ટ માંગ હતી. એ બાબતમાં કાળા યુવાનો અધીરા હતા.  એમના માબાપની પેઢીઓની ધીરજ સ્વાભાવિક રીતે તેમનામાં ન જ હોય. માર્ટીન લ્યુથર કિંગની અહિંસક અસહકારની ઝુંબેશને લીધે બ્લેક લોકો માટે સિવિલ રાઈટ્સ મેળવવામાં જે પ્રગતિ થઈ રહી હતી તેની ધીમી ગતિ એમને માન્ય ન હતી.  જો એ બાબતમાં ગોરી પ્રજા આનાકાની કરતી હોય તો એમની સામે શસ્ત્રો ઉપાડવાં પણ આ નવી પેઢી તૈયાર હતી.

નવી પેઢીની સ્પષ્ટ માન્યતા હતી કે માર્ટીન લ્યુથર કિંગની અહિંસક ચળવળ વ્હાઈટ પાવરની સામે આખરે તો નિરર્થક નીવડવાની છે.  માર્ટીન લ્યુથર કિંગ અને બીજા બ્લેક આગેવાનોના અહિંસક મોરચાઓનો સામનો દક્ષિણ રાજ્યોની ગોરી પ્રજાએ અને તેમના ગવર્નર, મેયર અને બીજા અધિકારીઓએ હિંસક રીતે જ કર્યો.  સિવિલ રાઈટ્સ માટે શાંતિથી કૂચ કરતા અહિંસક બ્લેક સ્વયંસેવકો ઉપર વારંવાર ઝનૂની કૂતરાઓ દોડાવ્યા, લાઠીમાર કર્યા, અને ગોળીબાર પણ કર્યા. એમાં ઘણાં બ્લેક લોકો મર્યાં. કેટલાય બ્લેક ચર્ચનું બોમ્બિંગ થયું. નવી પેઢીના નેતાઓનું માનવું એવું હતું કે બ્લેક પ્રજા માટે હિસંક ક્રાંતિ સિવાય કોઈ બીજો રસ્તો નથી.

બ્લેક પ્રજા પર જુલમ કરતા વ્હાઈટ શાસનને ઉથલાવવા જો માર્ટીન લ્યુથર કિંગનું આંદોલન અહિંસક હતું, તો માલ્કમ એક્સ નામના એટલું જ જોરદાર વ્યક્તિત્ત્વ ધરાવતા નવી પેઢીના એક અગ્રણી નેતાનું આંદોલન હિંસક હતું.  એ એમ માનતો કે  લોહિયાળ ક્રાંતિ કર્યા સિવાય બ્લેક પ્રજાનો કોઈ ઉદ્ધાર થવાનો નથી. કિંગ અને માલ્કમ એક્સના જુદા જુદા અભિગમમાં શું સારું, શું નરસું, એ બાબતમાં હું કૉલેજના વિદ્યાર્થીઓ સાથે ઘણી ચર્ચા કરતો.  એ લોકો પણ મને ગાંધીજીના સત્યાગ્રહ અને અહિંસક આંદોલન વિષે ઘણું પૂછતા.  એ વખતે બ્લેક પાવરના મુખ્ય પ્રણેતા સ્ટોકલી કાર્માઈકલની બોલબાલા હતી, ખાસ કરીને યુવાન બ્લેક પેઢીમાં. એક વખત એ અમારી યુનિવર્સીટીમાં પ્રવચન કરવા આવ્યો.  આખું ફિલ્ડ હાઉસ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયું હતું.  ઊભા રહેવાની પણ જગ્યા ન મળે.  હું પણ એને સાંભળવા ગયો હતો. એના જેવા તેજસ્વી વક્તા મેં બહુ ઓછા જોયા છે.  અમેરિકા આખરે બ્લેક પ્રજા માટે સારો દેશ નથી એમ માનીને છેવટે દેશ છોડીને એ ઘાનામાં જઈને રહેલો.  વર્ષો પછી એ કોઈ સખ્ત માંદગીમાં સપડાયા હતો.  એ સારવાર કરવા પાછા અમેરિકા આવેલો ત્યારે મેં એને વ્હીલ ચેરમાં બેઠેલો જોઇને હું માની જ ન શક્યો કે આ માંદલો માણસ એક જમાનામાં જાહેર સભામાં હજારોને મંત્રમુગ્ધ કરતો હતો?

1968માં માર્ટીન લ્યુથર કિંગની હત્યા થઇ. એ સમયે બ્લેક પ્રજાના એ સૌથી વધુ માનનીય નેતા હતા. ગાંધીજીની અસર નીચે એમણે અમેરિકન બ્લેક પ્રજાના સિવિલ રાઈટ્સ માટે અહિંસક સત્યાગ્રહની જે ઝુંબેશ આદરી હતી તેને કારણે માત્ર અમેરિકામાં જ નહીં, પણ આખી દુનિયામાં એ આદરપાત્ર હતા.  એમને 1964નું શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું.  એમની હત્યા થઈ ત્યારે એમની ઉંમર માત્ર 39 વર્ષની હતી.  જેવા એ હત્યાના સમાચાર આવ્યા કે તરત અમેરિકાના નાનાં મોટાં શહેરોમાં હુલ્લડ શરૂ થયાં.  એ હુલ્લડોમાંથી વોશીન્ગ્ટન પણ બાકી ન રહ્યું.  વ્હાઈટ હાઉસને બચાવવા માટે પ્રેસિડેન્ટ જ્હોનસને નેશનલ ગાર્ડને બોલાવવા પડ્યા!  અમારી કૉલેજના પ્રેસિડેન્ટે તરત જ સમજીને અઠવાડિયાની રજા જાહેર કરી અને કૉલેજ બંધ કરી દીધી.  છોકરાછોકરીઓને ઘરે મોકલી દીધા.  એ છોકરાઓછોકરીઓ જો કેમ્પસ ઉપર હાજર હોત તો ગામમાં જરૂર મોટું તોફાન થાત.

મારે તો જલદી જલદી ગ્રીન કાર્ડ લેવું હતું.  એ.એન્ડ ટી. યુનિવર્સિટીમાં જોબ હોવાને કારણે તરત જ ગ્રીન કાર્ડ મળી ગયું.  જેવું ગ્રીન કાર્ડ મળ્યું કે તરત જ કાર લીધી, ફોર્ડ મસ્ટેન્ગ!  કાર લેવાના રોકડા પૈસા નહોતા, પણ અહીં તો ઇન્સ્ટોલમેન્ટ ઉપર બધું મળે.  ગ્રીન્સબરો જઈને મેં તરત ડ્રાઈવિંગ શીખી લીધું હતું.  જેવી કાર લીધી કે ગાંડાની જેમ ડ્રાઈવ કરવાનું શરૂ કરી દીધું.  વોશીન્ગ્ટન, ન્યૂ યોર્ક, શિકાગો, એમ બધે જવા માંડ્યું.  શરૂ શરૂમાં શીખાઉ હતો છતાં એટલું તો ડ્રાઈવ કરતો કે આજે મને થાય છે કે ત્યારે મારો કોઈ જીવલેણ એક્સીડંટ કેમ નહીં થયો?  જો કે થોડા ફેંડર બેન્ડર જેવાં છમકલાં જરૂર થયા, પણ ઈશ્વર કૃપાએ જેમાં શારીરિક હાનિ થાય એવું કાંઈ નહીં થયું.

કાર લીધી કે પહેલું કામ વોશીન્ગ્ટન જવાનું કર્યું! દેશમાંથી જ મને વોશીન્ગ્ટનનું મોટું આકર્ષણ હતું. વ્હાઈટ હાઉસ, કેપિટોલ, સ્મીથસોનિયન મ્યુઝિયમ, મેસેચ્યુસેટ એવન્યુ ઉપર આવેલ ઇન્ડિયન એમ્બેસી જ્યાં એક વાર ગગનવિહારી મહેતા અને એમ.સી. ચાગલા આપણા એમ્બેસેડર હતાં, વોશીન્ગ્ટન પોસ્ટ જેવા વિશ્વ વિખ્યાત છાપાં–આ બધું મારે જોવું હતું. વોલ્ટર લીપમેન જેવા કોલમનીસ્ટ, ફુલબ્રાઈટ જેવા સેનેટરોને મળવું હતું.  એ બધાને કાગળો પણ લખી દીધા કે મારે એમને મળવા આવવું છે. મારે એમની સાથે વિએટનામ વોર વિષે ચર્ચા કરવી હતી.

મારા પત્રો જોઈને તેમને મારી ધૃષ્ટતા પર હસવું આવ્યું હશે.  મને  પોતાને જ આજે આશ્ચર્ય થાય છે કે હું કેવી રીતે આવા મોટા માણસોને કાગળો લખી શક્યો? લીપમેનને મળવા માટે તો પ્રમુખો, વડાપ્રધાનો, એમ્બેસેડરો આતુર હોય છે.  મોટે ભાગે બધે ઠેકાણેથી ના આવી, પણ ‘ન્યૂ રિપબ્લિક’ નામના સાપ્તાહિકના એક કોલમનીસ્ટ રિચર્ડ સ્ટ્રાઉટ તરફથી હા આવી.  1920ના દાયકામાં ખુદ  વોલ્ટર લીપમેને એ સાપ્તાહિકની શરુઆત કરી હતી.  આપણે તો ખુશખુશાલ. મિત્ર કનુભાઈ દોશી ત્યારે અમેરિકા આવી ગયા હતા.  એમને ઉપાડીને આપણે તો વોશીન્ગ્ટન પહોંચી ગયા.  સ્ટ્રાઉટ અમને ત્યાંની વિશ્વવિખ્યાત નેશનલ પ્રેસ ક્લબમાં લંચમાં લઈ ગયેલા એ યાદ છે.

વિએટનામનું યુદ્ધ ચાલતું હતું. મારે મન એ અમેરિકાની વિદેશનીતિ ઉપર મોટું કલંક હતું.  એ યુદ્ધનો વિરોધ કરતા પ્રખ્યાત અમેરિકનોને હું મળવા પ્રયત્ન કરતો હતો.  એ વખતે શિકાગો યુનિવર્સિટીના રાજકારણના પ્રખ્યાત પ્રોફેસર હાન્સ મોર્ગેન્થાઉ એ યુદ્ધના સખ્ત વિરોધી હતા. એમનો વિરોધ કોઈ નૈતિક કારણોસર નહીં, પણ માત્ર પ્રેક્ટીકલ અને મીલીટરી વ્યુહની દૃષ્ટિએ હતો.  મને થયું કે મારે એમને મળવું જોઈએ! મેં એમને કાગળ લખ્યો કે મારે આવીને તમને મળવું છે.  એ કહે આવો.  ઠેઠ ગ્રીન્સબરોથી લગભગ હજારેક માઈલ ડ્રાઈવ કરીને હું શિકાગો પહોંચી ગયો.  એમની સાથે થોડી વાતો કરી.  પણ એમને જ્યારે ખબર પડી કે હું કોઈ રાજકારણ કે વિદેશનીતિનો નહીં, પણ અકાઉન્ટીન્ગનો પ્રોફેસર હતો અને તે પણ નોર્થ કેરોલિનાની કોઈ સામાન્ય યુનિવર્સિટી સાથે જોડાયેલો હતો કે તરત જ એણે અમારી વાતચીત પૂરી કરી.  કહ્યું કે એ બહુ કામમાં છે, અને મારે હવે જવું જોઈએ!

આ દરમિયાન નલિની દેશમાંથી આવી.  કારમાં હું ગ્રીન્સબરોથી પાંચસોએક માઈલ ડ્રાઈવ કરીને ન્યૂ યોર્ક જઈને એને લઈ આવ્યો.  એ આવે એ પહેલાં મેં એક એપાર્ટમેન્ટ લઈ રાખ્યું હતું. અમે ઘર માંડ્યું.  થોડી બેઝીક વસ્તુઓ લીધી.  હું તો સવારથી જ કૉલેજમાં ભણાવવા ચાલી જાઉં. એ તો ચાલીમાં રહેલી.  પાડોશીઓ, સગાંઓથી ઘેરાયેલી રહેવા ટેવાયેલી.  દિવસ રાત એ બધાની આવ જા હોય.  અહીં કોણ આવે?  ગણ્યાગાંઠ્યાં  ઇન્ડિયન ફેમીલી હતાં, એ જ સગાં ગણો, ગુજરાતી હોય કે નહીં.  જે હતાં તેમાં મોટા ભાગના મારી જેમ પ્રોફેસરો. સારા ઘરમાંથી આવેલા, જેમની પત્નીઓ ભણેલી.  હવે નલિનીને પોતાની અભણતાનું ભાન થયું.  એને અંગ્રેજી જરાય ન આવડે. ડ્રાઈવિંગની તો વાત જ ક્યાં કરવાની?

હું કૉલેજમાં ગયો હોઉં ત્યારે એને ઘરમાં ગોંધાઈને બેસી રહેવું પડે. જો કે આનો એક આડકતરો ફાયદો એ થયો કે એ ટીવી જોતી થઈ.  દરરોજ કલાકો સુધી ટીવી જોવાથી એને અમેરિકન ઈંગ્લીશ ધીમે ધીમે સમજાવા માંડ્યું. અને ભાંગી તૂટી ઇંગ્લીશમાં આજુ બાજુના પાડોશીઓ સાથે વાતો કરવા મંડી.  સ્વાભાવિક રીતે જ એને ઘરમાં એકલું લાગવા માંડ્યું.  મને થયું કે એને જેટલું બને તેટલું ડ્રાઈવિંગ શીખી લેવું જોઈએ જેથી એ પોતાની મેળે ઘરની બહાર નીકળે અને એને કંઈ અમેરિકાની ગતાગમ પડે. એ ડ્રાઈવિંગ શીખી. લાયસન્સ લીધું. પોતાની મેળે ગેસ, ગ્રોસરી વગેરે લેવા જતી થઈ. એના પગ હવે છૂટા થયા.  પછી તો જ્યાં ક્યાંય સેલ હોય ત્યાં પહોંચી જાય.  કોઈ પણ ભારતીય સ્ત્રી સ્ટોરમાં છાશવારે આવતા સેલમાં જતી થાય ત્યારે સમજવું કે એનું અમેરીકનાઈઝેશન શરૂ થઈ ગયું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: