“વેધર બદલાશે?” વાર્તા-પ્રવીણ શાસ્ત્રી

New photo 1.jpg

“વેધર બદલાશે?”

આરામધામના બાર નંબરના એક બેડરૂમના ફ્લેટમાં આજે બર્થડે પાર્ટીનો માહોલ હતો.  સાંજનો સમય હતો. વૃન્દા બની ઠનીને બેઠી હતી. સવારે પાર્લરમાં જઈને ફૅસીયલ, હેરસેટ, મેનીક્યોર, પેડિકોર કરાવી આવી હતી. સિત્ત્રેરની વૃન્દા પચાસની લાગતી હતી. આમ પણ વૃન્દા આરામધામમાં રહેતા વયસ્કો કરતાં વધારે યુવાન અને તંદુરસ્ત હતી.

આરામધામ ને વૃદ્ધાશ્રમતો ના જ કહેવાય. અમેરિકાની ઍડલ્ટ કોમ્યુનિટી જેવી સોસાયટીમાં કોઈ લાચાર, તરછોડાયલા વૃદ્ધ માબાપ કૅ ડોસલાઓ ન હતા. મોટાભાગના આર્થિક રીતે મધ્યમ વર્ગના પણ સક્ષમ વયસ્કો, સંતાનોના પરિવાર સાથે રહેવાને બદલે આરામધામમાં આવીને રહેતાં હતાં. લગભગ આઠ વર્ષ પહેલાં વૃન્દા પણ અમેરિકાથી અહિ આવીને રહેતી હતી. આજે વૃન્દાની સિત્તેરમી બર્થ ડે હતી.

વર્ષમાં વહુદીકરાના ચાર-પાંચ વાર ફોન આવતા. બેસતું વર્ષ, ડૅની એટલેકે એના દીકરાની બર્થડે, જૈમી,એટલે એની સ્વીટ દીકરી-ઈન-લોની બર્થડે, અને પોતાની બર્થડે વખતે અભિનંદનના ફોન આવતા. દીકરો મોટે ભાગે તબીયતના સમાચાર પૂછતો અને પૈસાની જરૂરીયાત અંગે પૂછતો. અને કહેતો કે મૉમ એક વાર તો આવીને મળી જા. વૃન્દા મમ્મી કહેતી જરા વેધર બદલાય એની રાહ જોઉં છું. દીકરી-ઈન-લો સાથે ગામગપાટા થતા. હસાઠઠ્ઠી થતી.

       આજે વૃન્દાના જન્મદિનની ઉજવણીમાં આરામધામના વયસ્કો ભેગા થયા હતા. દીકરા-વહુનો ફોન વૉટ્સ એપ વિડિયો ફોન આવે તેની રાહ જોવાતી હતી. ફોન આવે ત્યારે કેઇક કાપવાની હતી. બરાબર સાત વાગ્યે ફોન આવ્યો.

       હાય મૉમ, હેપ્પી બર્થ ડે ટુ ધ બેસ્ટ મૉમ એવર! ઇવન ઇફ યુ ગેટ ઓલ્ડર એવ્રી યર, યુ ગેટ યંગર એન્ડ યંગર એટ યોર હાર્ટ. વી લવ યુ મોમ. આઈ મીસ યુ મૉમ. હેપ્પી બર્થડે મૉમ. દીકરાની આંખ જરા ભીની થઈ. મૉમ મારા પ્રણામ. દીકરો અમેરિકામાં જ જન્મ્યો હતો. ગુજરાતી બોલતાં જીભ લડખડાતી હતી. મોમ ગમતું નથી. પાછી આવી જા.

દીકરી-ઈન-લૉ અને દીકરો અમેરિકાના ઘરના કિચન ટેબલ સામે બેઠા હતા. ટેબલ પર વચ્ચે કેક મુકેલી હતી. બાજુમાં સરસ બુકે હતો. બે ગ્લાસમાં શેમ્પેઈન હતો. બસ આવું જ ભારતના આરામધામના વૃન્દાના રૂમમાં પણ હતું. ફેર માત્ર એટલો કે અમેરિકામાં માત્ર બે જણા હતા. ડેની અને જીમી. અને આરામધામનો રૂમ ખીચોખીચ ભરેલો હતો. એક જ સમયે બે કૅઇક કપાઈ. આરામધામના બધા વયસ્કોએ ૭૦ વર્ષની યુવાન વૃન્દાને હેપ્પી બર્થડેના વહાલથી ગુંગળાવી કાઢી.

વૉટ્સ એપ વિડિયો ચાલુ જ હતો. જીમી ઉભી થઈ, ડેની એના પૂરા વિકસીત પેટ પર હાથ ફેરવતો હતો. ‘મૉમ, બેબી ઈઝ ડ્યુ ટુ ડે એટ એની ટાઈમ.’

‘અમે કેક કપાઈ જાય સુધી હિમ્મત રાખી. હવે અત્યારેને અત્યારે જ હોસ્પિટલ દોડવું પડશે. બ્લેસિંગ્સ આપો. અને જરૂર પડશે તો ફોન કરીશું. તરત જ અમેરિકા આવી પહોંચશો. અમે હોસ્પિટલ જઈએ છીએ.’ એઓ દોડ્યા અને સેલફોનમાં દેખાતાં બંધ થઈ ગયા.આરામધામમાં પાર્ટી ચાલુ રહી.

વૃન્દા પણ ઉત્સાહિત હતી. એને ખબર હતી કે જીમી પ્રેગનન્ટ છે. એની વર્ષગાંઠની તારીખે જ ડ્યુ ડેઇટ આપી છે. એણે બધા જ આમંત્રીતોને સમાચાર આપ્યા હતા કે એ દાદી બનવાની હતી. બધાને કહેતી કે જો વેધર બદલાય તો એને જવાની ઈચ્છા હતી. પણ આઠ વર્ષમાં વેધર બદલાયું જ ન હતું.

ખાણી પીણી પુરી ચાલતી રહી. એણે બધા મહેમાનોને હોસ્પિટલથી સમાચાર આવે ત્યાં સૂધી રોકી રાખ્યાં. અમેરિકાની વાતો થતી હતી. એક ડોસીએ તો કહ્યું પણ ખરું. પહેલી વાર દાદી બનવાની છે. કોની રાહ જૂએ છે? તું તો અમેરિકન સિટીઝન છે. ઉપડી જાને? અહિંથી કંઈ કેટલી મા અને સાસુ દીકરી કે વહુની સુવાવડ કરવા અમેરિકા દોડે છે.

એને પણ એકવાર એને પણ ઈચ્છાતો થઈ જ હતી. ‘જીમી જો જરૂર હોય તો આવું?’

‘માય ડિયર મમ્મી ઇન લૉ, તમે તો મારા સસરાજી વગર એકલે હાથે ડેનને જન્મ આપ્યો અને ઉછેર્યો છે. અમે બે તો સાથે છીએ. પછી તમારે દોડાદોડી કરવાની શી જરૂર છે?’

‘ના માસી, વેધર સુધરશે ત્યારે જઈશ.’ એણે માસીના સવાલનો જવાબ આપ્યો.

વૃન્દાને માટે ક્યારેયે વેધર સુધરવાનું નથી. વૃન્દા કદાચ હવે અમેરિકામાં પગ પણ નહિ મૂકે.

‘આ વેધર, વેધર કઈ બલા છે?’ માસી એ પુછ્યું પણ ખરું.

વૃંદાએ જવાબ તો ન આપ્યો. પણ અતિતનું એક ટ્રેઇલર પસાર થઈ ગયું 

વૃન્દા પતિ સાથે અમેરિકા આવી. પતિ-પત્ની સામાન્ય નોકરી કરીને શાંતિથી જીવતાં હતાં. એક બાળકની ખોટ હતી પણ એ ખોટનો વસવસો ન હતો. પતિની કંપનીને તાળા લાગી ગયા. એક બે મહિના નહિ પણ ત્રણ ત્રણ વર્ષ વીતી ગયા. પતિની નોકરીનો પત્તો ન લાગ્યો. પતિ-પત્નીની ધાર્મિક આસ્થા વધી. હરેકૃષ્ણ સંપ્રદાયનું મંદિર નજીક જ હતું. વૃન્દા નોકરીએ જતી અને પતિ મંદિરમાં સેવા આપતો.

એક દિવસ મુંડન કરાવીને ભગવા પહેરીને પતિ વૃન્દા સામે આવીને ઉભો રહ્યો. સાથે કોઈ ગોરી “ગોપી” હતી. વૃન્દા હું હવે ભક્તિ માર્ગે જાઉંછું. મને શોધીશ નહિ. વૃન્દા કંઈ બોલે પૂછે તે પહેલાં પતિ ગોપી દાસી સાથે નીકળી ગયો. આજે રાત્રે જ તો એને સમાચાર આપવાની હતી કે હવે સારા દિવસોની એંધાણ છે. એ મા બનવાની હતી. રડતી આંખે એ મંદિરે-મંદિરે ભટકી; પોલિસે પણ તપાસ કરી. એ ન દેખાયો. પતિ અમેરિકામાં ઓગળી ગયો. આખરે એ મિસીંગ પરસન જાહેર થયો. ફાઈલ બંધ થઈ ગઈ.

દીકરા દિનેશ એટલે ડેનીનો જન્મ થયો. વૃન્દા સધવા ન હતી વિધવા ન હતી. ઓફિસમાં નોકરી કરી. મેનેજર બની. સિંગલ મધર તરીકે ડેની ને મોટો કર્યો ભણાવ્યો અને દીકરો પોતાનો ધંધો કરતો થયો.

ઈંડિયાથી આવેલી એક સુંદર, MBA થયેલી સ્વીટ છોકરી દીકરા ડેનિસની પ્રાઈવેટ સેક્રેટરી બની ગઈ. કોઈક વાર ઘરે આવતી, કે રાત ગાળતી. ધંધાર્થે સાથે બહાર જવાનું થતું. વાર્ષિક વેકેશન પણ સાથે ગાળતાં થયા. વૃન્દા એ દીકરાને પુછ્યું ‘બેટા જો તને જીમી ગમતી હોય તો એને પરણી જા. હું બાંસઠની થઈ. આખી જીંદગી નોકરી કરી. ઘરમાં વહુ આવે તો હું હવે નિવૃત્ત થઈને આરામ કરું.’

‘મૉમ, જીમી લવ્સ મી, મેં બે વાર પ્રપોઝ કર્યું પણ ના જ કહે છે. અને ના કહેવાનું રિઝન જણાવતી નથી’

‘બેટા તું અમેરિકામાં જનમ્યો છે. માબાપ છોકરાંઓના જીવનમાં માથુ નથી મારતા. પણ જીમી ઈન્ડિયામાં મોટી થયેલી છોકરી છે. લેટ મી ટૉક ટુ હર’.

અને વૃન્દાએ જીમી સાથે વાત કરી.

‘દીકરી જીમી, તું મારા ડેનીને પ્રેમ કરે છે?’

‘અઢળક. ડેની મારું જીવન છે. ડેની સિવાય આ દેશમાં મારું છે પણ કોણ?’

‘તો એની પ્રપોઝલ કેમ સ્વિકારતી નથી? બેટી શી મુંઝવણ છે?’

થોડો સમય જવાબ વગરનો રહ્યો. જીમીની આંખ વહેવા માંડી.

‘બેટી, શું વાત છે?’

‘હું ડિવૉર્સી છું. એક સારા ગણાતા કુટુંબમાં પરણી હતી. ઘરમાં સાસુજી હતા, એનો એકનો એક પુત્ર મારો પતિ હતો. મારો પતિ એની માનો સારો દીકરો હતો, સાસુમાએ એને મોટો થવા જ દીધો ન હતો. કુટુંબથી છૂટો થઈને એ માવડિયો, મારો પ્રેમાળ પતિ બની ન શક્યો. સાસુજી સાથે મારો મનોવિગ્રહ ચાલતો રહ્યો. એક રસોડામાં બે મહિલા એટલે તકલીફ જ. માત્ર ત્રણ મહિનામાં જ  ડિવૉર્સ થયા. હું પ્રેમની બાબતમાં સ્વાર્થી જ છું. પ્રેમમાં કોઈની ભાગીદારી સહન નથી કરી શકતી. બસ છૂટી થઈ ગઈ. અમેરિકા આવી. ડેની સાથે કામ કરવાની તક મળી. પ્રેમ થઈ ગયો. ઈચ્છું છું કે જીંદગીભર સાથે કામ કરતા રહીયે.’

‘તો પછી મારા દીકરાની વાત માની જા. મારા કુટુંબમાં સમાઈ જા’

‘બસ આ જ મારો વાંધો છે. મારે કોઈના કુટુંબમાં સમાઈ નથી જવું. મારે મારું પોતાનું કુટુંબ જોઈએ છે. જેમાં મારા સિવાય બીજી કોઈ મહિલા ના હોય. ઈન્ડિયાની છોકરીઓ પુછે છે કે માળીયામાં કેટલો કાટમાલ છે. ઘરમાં કેટલાં ગાર્બેઇજ છે. મેં પહેલા મેરેજમાં પણ નહોતું પુછ્યું. મને એમ હતું કે હું ઍડજસ્ટ થઈ શકીશ. પણ એકનો એક દીકરો હંમેશા માના પાલવમાં બંધાયલો જ રહે છે. ડેન પણ બંધાયલો જ છે. હું જાણું છું કે આપે એને એકલે હાથે ઉછેર્યો છે. હું એમ નથી માનતી કે તમારી પાસેથી હું ડેનને છીનવી લઉં. પણ મને મારા પ્રેમમાં કોઈ ભાગીદાર ના ખપે. એક લગ્નથી દાઝી ગઈ છું. મને મારી મમ્મી સાથે રહેતી ત્યારે ઘણાં વિચાર ભેદ હતા. મને કદાચ વુમન ફોબીયા છે. હું જ્યાં સુધી ડેનને ગમશે ત્યાં સુધી એની મિત્ર તરીકે રહીશ. અમે બન્ને એકબીજાને ખુબ પ્રેમ કરીયે છીએ. પણ મારી માનસિકતાને કારણે એની પ્રપોઝલ સ્વીકારી શકતી નથી.પછી તો જેવું મારું ભાગ્ય’ જીમી રડી પડી.

‘બસ આટલી જ વાત છે? તું એકલી નથી. મને પણ આવો જ ફોબિયા છે. મારાથી પણ કોઈ સ્રી સાથે નહિ જીવાય. અરે ગાંડી, હું તો કેટલા વર્ષોથી કોઈ એક એવી છોકરીની રાહ જોઉં છું કે કોઈ મારા ડેનની કાળજી લે. વર્ષોથી વિચારતી હતી કે મારો ડેન લગ્ન કરી લે તો હું બીજે જ દિવસે ઈન્ડિયા ચાલી જાઉં. તું મને આ માયાજાળમાંથી છૂટકારો આપશે? મારી તબિયતને આ હવામાન ફાવતું નથી. અહિનું વેધર ફાવતું નથી. એરકન્ડિશન ફાવતું નથી, હિટિંગ પણ નથી ફાવતું અને વિન્ટરનો સ્નો પણ નથી ફાવતો. મારા દીકરાની વાત છોડ. વીલ યુ બી માય દીકરી ઈન લો?’

જવાબ મળ્યો યસ માય ડિયર મમ્મી-ઈન-લૉ. બન્ને હસતાં હસતાં એકબીજાને વળગી પડ્યા. પછીતો….. સાદા લગ્ન સમારંભમાં શરણાઈ વાગી. ડેન અને જીમીના લગ્ન થયા. દીકરો વહુ હનીમૂન પર ગયા. એ દરમ્યાન વૃંદાએ ગુગલ પરથી ઈન્ડિયામાં મનગમતી જગ્યા શોધી કાઢી. ‘આરામધામ સોસાયટીમાં અમેરિકાની એડલ્ટ કોમ્યુનીટી જેવા જ કોન્ડોમિનિયમ હતા. એમાંજ જીમ હતું, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર માટે ડાયનિંગ હોલ હતો. ચોવિસ કલાકની નર્સની સગવડ સાથેની ક્લિનિક હતી. નજીકમાં એક મંદિર હતું. નાની હોસ્પિટલ હતી એક નાની સુપરમાર્કેટ હતી. માર્કેટ પાસે જ રિક્ષા સ્ટેન્ડ હતું. બસ બીજું શું જોઈએ? અમેરિકામાં બેઠા બેઠા એક બેડરૂમનો કોન્ડો બુક કરાવી લીધો. 

પરિવાર સાથે  વોટ્સ એપ દ્વારા સંબંધ જાળવી રાખીને અમેરિકાની ધરતી સાથેનો સંબંધ છોડ્યો. સોસિયલ સિક્યોરિટી અને પેન્સનની સારી જેવી રકમ આવતી હતી અને સાંઠ પાંસઠથી રૂપિયામાં ગુણાકાર થતો હતો. આર્થિક ચિંતા ન હતી. હસમુખો સ્વભાવ અને જીમની કસરતે એને સિત્તેર વર્ષે પણ યુવાન રાખી હતી. દર દોઢ બે વર્ષે દીકરો વહુ આવીને મળી જતા હતાં. વૃન્દાને જીવન પ્રત્યે કોઈ જ અણગમો નહતો. છતાં બહારથી બેફિકર દેખાતી વૃંદાનું અંદરથી તો હૈયું કોતરાઈ જતું હતું. આજે સિત્તેરમી વર્ષગાંઠને મોં હસતું હતું. હૈયું રડતું હતું. એ સધવા છે કે વિધવા તે એને ખબર ન હતી. પુત્ર હતો પણ પાસે ન હતો. મીઠડી દેખાતી પુત્રવધુ ને સાસુની એલર્જી હતી.

પાર્ટી ચાલતી રહી. વૃન્દા રડીને મન હલ્કું કરવા બાથરૂમમાં ગઈ; અને વોટસએપ વિડિયો કોલ આવ્યો.

‘મમ્મી ઇન લો, યુ આર ગ્રાન્ડ મધર ઓફ માઈ બેબી સન’ જીમીએ બાળકને બતાવ્યું. લેબરરૂમમાં જીમીની છાતી પર કપડે વિંટાળેલું તંદુરસ્ત બાળક હતું. ‘મમ્મી, હું મારા એક કલાકના દીકરાને છાતી પરથી અળગી નથી કરી શકતી તો તમે કેવી રીતે તમારા દીકરાને છોડી શકો? જેમ બને તેમ જલ્દી અમેરિકા આવો. વી નીડ યુ’

વૃન્દા બાથરૂમમાંથી બહાર આવી. એણે રીતસરનો બરાડો પાડ્યો. ‘ઈટ્સ આ બોય.’ કોઈ ડોસલાએ સીટી વગાડી, તો કોઈએ કાચના ગ્લાસ પર ચમચીઓ ઠોકી. એક ડોશીએ થાળી વગાડી.

વડીલ મિત્રો, કાકાઓ, માસીઓ, અમેરિકાનું વેધર બદલાયું છે. હવામાન સરસ છે. હું એક બે દિવસમાં અમેરિકા જઈશ. ક્યારે પાછી આવીશ તે ખબર નથી પણ વેધર ફાવશે ત્યાં સુધી અમેરિકા રહીશ અને બદલાશે તો પાછી આવીશ.

વૃન્દાને માટે વેધર બદલાયું હતું. પેલા માસીને હજુ પણ અમેરિકાના વેધરની બલા સમજાઈ ન હતી. વૃન્દા સમજાવે પણ કેવી રીતે?

[ગુજરાત દર્પણ – ફેબ્રુ-૨૦૧૯]

8 responses to ““વેધર બદલાશે?” વાર્તા-પ્રવીણ શાસ્ત્રી

 1. સુરેશ April 28, 2019 at 7:38 PM

  કેમ છો, વ્હાલા પ્રશા?

  Like

 2. મનસુખલાલ ગાંધી March 2, 2019 at 5:54 PM

  સરસ ફીલસુફીભરી વાર્તા છે. મને તો લાગે છે કે આ જીમીવહુ તો અમેરીકન છે, બહુ જલ્દી સમજી ગઈ… ભારતીય વહુ હોત તો પોતાના માબાપને બોલાવત અથવા તો બીજું કંઇક તીકડમ કરત, પણ સાસુને એકવાર ઘરમાંથી ‘કાઢી’ મુકી પછી પાછી બોલાવત નહીં.. પણ સંયુક્ત કુટુંબમાં દરેકને સાથે રહેવાનું સમજવા માટે બહુ સુંદર વાર્તા છે…

  Like

 3. Amrut Hazari. March 2, 2019 at 12:44 PM

  I felt it.

  Liked by 1 person

 4. Amrut Hazari March 1, 2019 at 8:02 PM

  Felt it.

  Liked by 1 person

 5. pravinshastri March 1, 2019 at 4:47 PM

  માનનીય જુભાઈ’
  આપના પ્રતિભાવ મારે માટે “વાર્તાકલા”ના શૈક્ષણિક પાઠો સમાન છે જે આજ સુધીમા મને શીખવાની તક મળી જ ન હતી. હવે તો થોડુ જ લખાય છે. પણ જે લખાય છે એ આપ જેવા મિત્રોના માર્ગદર્શનથી સારી રીતે રજુ કરી શકાય એ પ્રયત્ન કરતો રહીશ. મહિનામાં એક જ વાત લખું છું. સમય કાઢી પ્ર્તતિભાવ આપતા રહેજો. આભાર જુભાઈ.

  Like

 6. pravinshastri March 1, 2019 at 4:35 PM

  jjugalkishor Vyas

  5:03 AM (11 hours ago)

  to me
  આજે ફરી તમારી વાર્તાએ ધ્યાન ખેંચીને વાંચવા પ્રેર્યો. સરસ કથા છે.

  વૃન્દાને માટે વેધર બદલાયું હતું. પેલા માસીને હજુ પણ અમેરિકાના વેધરની બલા સમજાઈ ન હતી. વૃન્દા સમજાવે પણ કેવી રીતે?
  છેલ્લા ફકરાની પહેલાં બહાર નીકળતાં જ વૃંદા જે ઉત્સાહથી કાકાઓમામાઓને કહે છે પછી “વૃંદાને માટે” એટલા શબ્દો જે લેખક વચ્ચે આવીને બોલે છે તેને કાઢી શકાય…..
  “…..વેધર તો બદલાઈ ચૂક્યું હતું !”
  વળી છેલ્લું વાક્ય “વૃન્દા સમજાવે પણ કેવી રીતે?” એય વધારાનું જણાયું …..કારણ કે એ જ તો સાર હતો જે વાચકો સમજી જ ગયા છે !

  ‘વ્હેધર’ અને ‘વેધર’નો શ્લેષ પણ કરી શકાય તો કરવા જેવો છે :
  પેલાં માસી તો એ વેધરની બલામાં અટવાયાં જ રહ્યાં….
  “વ્હેધર ધ વેધર હેઝ ચેન્જ્ડ !”

  વૃંદાએ વહુને જે રીતે વાળી લીધી એ નુસખો તો કમાલનો હતો ! માતા પોતાની છાતીને કઠણ કરીને સંતાનોનો માર્ગ સરળ કરી આપતી હોય છે તે જતું કરવાની વાત બહુ મજાથી તમે મુકી છે ! વહુ પણ માતા બનતાં વેંત બાળકને છાતીએ રાખતી બતાવીને આ વાતને કલાત્મક રીતે જોડી આપે છે. માતાની છાતી તો આમેય બાળકનું જીવન હોય છે ! એ જ છાતીએથી ક્યારેક પ્રીય વસ્તુનો ત્યાગ કરવાનો આવે છે તે કથાનું કેન્દ્ર બની રહે છે. તમે એ વાતને સરસ મુકી આપી છે. ધન્યવાદ.
  સરસ વાર્તા બદલ ધન્યવાદ.
  – જુગલકીશોર.

  jjugalkishor@gmail.com
  NET–ગુર્જરી : https://jjkishor.wordpress.com/

  Like

 7. pravinshastri March 1, 2019 at 4:27 PM

  વ્હાલા અમૃતભાઈ હજારી,
  આપનો પ્રેમ સભર પ્રતિભાવ મળ્યો. કંઈક ગરબડથઈ ગઈ અને આખો પ્રતિભાવ ભૂલમાં ડિલિટ થઈ ગયો. ક્ષમાયાચના.
  પ્રવીણના સ્નેહ વંદન

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: