“કુછ તો લોગ કહેંગે” – માર્ચ માસની મારી વાર્તા.

“કુછ તો લોગ કહેંગે”

New photo 1.jpg

પ્રવીણ શાસ્ત્રી

કુછતો લોગ કહેંગે.jpg

મેડમ અનુરાધાજીની રિટાયર્મેન્ટ પાર્ટી હતી. ફાઈવ સ્ટાર હોટેલનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, કંપનીના ટોચના ઓફિસરો, આમંત્રિત મહાનુભાવો, મિડિયાના પત્રકારો અને કેમેરામેનોથી ખીચોખચ ભરેલો હતો. હરણફાળે વિકાસ પામતી ‘મેથ્યુ ઈન્ટરનેશનલ સ્પોર્ટિંગ ગુડ્સ કોર્પોરેશનના સીઈઓ’ મેડમ અનુરાધાએ માત્ર પાંસઠ વર્ષની ઉમ્મરે નિવૃત્ત થવાનો એકાએક નિર્ણય કેમ લીધો હતો તે જાણવાની સૌને જીજ્ઞાસા હતી. પ્રતિસ્પર્ધી કંપનીઓએ સીધી આડકતરી અફવાઓ ઉડાવવામાં કંઈ પણ બાકી રાખ્યું ન હતું. અનુરાધાને કેન્સર છે. અનુરાધા એના શેર કેસ કરીને દીકરા સાથે અમેરિકા ચાલ્યા જવાના છે. અરે! એના તો વાઈસપ્રેસિડન્ટ સાથે વર્ષોથી લફરાં છે. હવે એ બેનરજીનું ઘર માંડવાના છે. ના દિક્ષા લઈને સાધ્વી થવાના છે.

ખરેખર તો મેડમ અનુરાધા નારી શક્તિનું જીવતું જાગતું ઉદાહરણ હતું. શહેરની એક નાની દુકાનમાંથી દેશભરમાં સાતસો જેટલા સ્ટોરની ફ્રેન્ચાઈસ ઉભી કરનાર અનુરાધાજીનું નામ ભારતના સ્પોર્ટ્સવર્લ્ડમાં આદરથી લેવાતું હતું. છેલ્લા પંદર વર્ષમાં એની કંપનીએ દેશભરમાં થતાં નાના મોટા સ્પોર્ટ્સ ઈવાન્ટ સ્પોન્સર કર્યા હતા. અંગતરીતે અનેક નાના નાના ગામડાઓની શાળાઓને અને છોકરાંઓની ટીમને સ્પોર્ટિંગ ગુડ્સ ડોનેટ કરીને ગરીબ પછાત વર્ગના બાળકોને રમતા કર્યા હતા. પાંચ વર્ષ પહેલાં જ એમને માનવતાના કામ અંગે કરેલા ચેરિટીને ધ્યાનમાં લઈને સરકારે પદ્મશ્રીનો એવોર્ડ પણ આપ્યો હતો.

અનુરાધા ધનિક કુટુંબની દીકરી હતી. નાનપણથી જ ભણવામાં અને દરેક સ્પોર્ટ્સમાં હોંશિયાર હતી. કોલેજના પહેલા જ વર્ષમાં એની મૈત્રી અનુપમ સાથે થઈ. અનુપમ  કોલેજના છેલ્લા વર્ષમાં ભણતો, પછાત વર્ગનો પણ સ્કોલર વિદ્યાર્થી હતો. અનુરાધાએ અનુપમ સાથે ટેનિસ ડબલમાં કોલેજને ઈન્ટર યુનિવર્સિટી ટ્રોફી અપાવી. અનુપમ સાથેની દોસ્તી પ્રેમમાં પરિવર્તન પામી. લગ્ન પહેલાં જ એ અનુપમની પુત્રીની મા બની ગઈ.

બન્ને પ્રેમીઓએ કોર્ટમાં લગ્ન કરી લીધા. ઉચ્ચ ધનિક વૈષ્ણવ પિયરીયાઓએ અનુરાધા સાથેનો સંબંધ તોડી નાંખ્યો. એમને માટે પુત્રી મરી ચૂકી હતી. અનુપમે આગળ ભણવાને બદલે જે મળે તે નોકરી સ્વીકારી લીધી. દીકરી માંડ દોઢ વર્ષની થઈ અને અનુરાધાએ પુત્રને પણ જન્મ આપ્યો. ઓગણીસની ઉમ્મરમાં તે બે બાળકોની માતા થઈ ગઈ. અનુપમ ઈચ્છતો હતો કે અનુરાધાના માબાપ સાથેના સંબંધો સુધરે; આગળ અભ્યાસ કરે. એ અનુરાધાના માબાપ અને ભાઈઓને લાંબા થઈને અનેકવાર પગે લાગી ચૂક્યો હતો. સમજાવી ચૂક્યો હતો. એને માત્ર અપમાન અને ધિક્કાર જ મળ્યા. અનુરાધાનું જીવન બગાડવા બદલ પોતાને ગુનેગાર ગણતો અનુપમ ડિપ્રેશનમાં સરી ગયો અને એક રાત્રે પંખા સાથે લટકીને તેણે આત્મહત્યા કરી લીધી. અનુરાધા બે બાળકો સાથે અનાથ બની ગઈ. તો પણ પિયરમાં કોઈનો સાથ કે સ્નેહ ન મળ્યો. કારણકે એ અછૂત બાળકોની માતા હતી. પુત્રી વૈષ્ણવ મટી ગઈ હતી.

આ કપરા સમયમાં કોલેજના ટેનિસકૉચ મિસ્ટર મેથ્યુએ એને મદદ કરી. મિસ્ટર મેથ્યુ કોલેજની નોકરી સાથે રમતગમતના સાધનોનો એક નાનો સ્ટોર ચલાવતા હતા. આગળ દુકાન અને પાછળ નાના બે રહેવાય તેવા રૂમ હતા. ‘અનુ, તું અહિ બાળકો સાથે રહે અને મારો સ્ટોર સંભાળ. અનુપમ મારો વ્હાલો ખેલાડી હતો.’ મેથ્યુ નિઃસંતાન વિધુર હતા. કોઈ કહેતું કે મેથ્યુ સાથે અનુરાધાને બાપ દીકરી જેવો સંબંધ હતો તો કોઈ કહેતું કે પતિ પત્ની તરીકે તેઓ સાથે રહેતાં હતા. અનુરાધાને લોકો શું કહે અને શું માને તેની પરવા ન હતી. એને તો દીકરી દીકરાને મોટા કરવાના હતા. ભણાવવાના હતા અને પોતાને આગળ વધવાનું હતું.

મિસ્ટર મેથ્યુની આર્થિક કૃપા એને આશીર્વાદ સમી નીવડી. એને મેથ્યુસર પાસે અનેક સ્પોર્ટસ અને એના સાધનો વિશે ઘણું શીખવા મળ્યું. છેલ્લા દિવસોમાં એણે મેથ્યુસરની ખૂબ સેવા કરી. ફલસ્તુતિમાં મેથ્યુ ગુજરી ગયા ત્યારે દુકાન અને નાની મૂડી અનુરાધાના નામપર કરતાં ગયા. દિવસમાં અઢારથી વીસ કલાક સખત પરિશ્રમ અને કુનેહથી બાળકોને ઉછેર્યા, અને એક પછી એક શહેરોમાં દુકાનો ખોલી. ક્યારે અને કેવી રીતે સ્પોર્ટ જગતમાં એનું નામ ગાજતું થઈ ગયું એનો એને પોતાને પણ ભાન ખ્યાલ ન હતો. ત્રીસ વર્ષને અંતે એ કોર્પોરેશનની એકાવન ટકાની માલિકી સાથે એ સીઈઓ અને ચેરમેન ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બની ગયા હતા.

પાંસઠ વર્ષની વયે જ્યારે એ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિના શિખર પર હતાં ત્યારે એણે એકાએક જ નિવૃત્ત થવાનો નિર્ણય લીધો. બિઝનેશ વર્લ્ડમાં પાંસઠની ઉમ્મર તો યુવાન ગણાય. એ કાંઈ નિવૃત્ત થવાની ઉમ્મર ન હતી. એનો નિર્ણય બધાને માટે આશ્ચર્ય હતું. અનુરાધાજી તો પાંસઠની ઉમ્મરે પણ પિસ્તાળીસી યુવતીઓ કરતાં  પણ વધુ તરવળાટ વાળા અને સ્વસ્થ મહિલા હતા. દીકરી નિલમ દિલ્હીની કોલેજમાં પ્રોફેસર હતી. અને કોઈ પોલિટિશીયનને પરણી હતી. એ પણ બે દીકરાની મા હતી. હવે એ સીઈઓ બની ને કોર્પોરેશન સંભાળવાની હતી. દીકરો તુષાર ડોક્ટર થયો હતો અને અમેરિકન ડોક્ટરને પરણીને કેલિફોર્નિયામાં સ્થાયી થયો હતો. આજે દીકરો અમેરિકાથી એની અમેરિકન પત્ની સાથે આ ફંકશનમાં ખાસ હાજરી આપવા આવ્યો હતો. દીકરી એના પરિવાર સાથે દિલ્હીથી આવી હતી.

એક અઠવાડિયા પહેલાં જ્યારે મેડમ અનુરાધાએ નિવૃત્તિની જાહેરાત કરી ત્યારથી કંપનીના સ્ટોક અનેક અફવાઓથી ઉપર નીચે જતા હતા. અનેક પત્રકારો અને ટીવી રિપોરટરના કેમેરાઓ પાર્ટીહોલમાં ખૂણે ખંણે ગોઠવાયલા હતા. કોર્પોરેશન પરિવર્તન થવાનું હતું. મેડમનું જીવન પણ બદલવાનું હતું. આજે કદાચ એકાએક નિવૃત્ત થવાના કારણનો પણ ઘટસ્પોટ થવાનો હતો.

સ્ટેજ પર મધ્યમાં મેડમ અનુરાધાજી હતા આજુબાજુની ખુરસીઓ પર કોર્પોરેશનના હોદ્દેદારો, પુત્રી નિલમ અને પુત્ર તુષાર હતો. એઓ પણ મેજર શેર હોલ્ડર હતા. વક્તાઓના વક્તવ્ય શરૂ થયા.  સૌએ અનુરાધાજીની કાર્યદક્ષતાની પ્રસંશાના પુષ્પો વેર્યા. લીડરશીપને બીરદાવી.

સિનિયર વાઈસપ્રેસિડંટે ટૂંકમાં જણાવ્યું કે સતત સંઘર્ષ, અખંડ સક્રિયતા, વ્યાપાર જગતની આત્મસૂઝથી એકલે હાથે મેથ્યુ સરની એક નાનકડી દુકાનમાંથી દેશભરમાં સાતસો થી આઠસો જેટલી નાની મોટી દુકાનોનો કરી. એ ઓછી સિદ્ધિ નથી. નારીશક્તિને સો સો  સલામ. એક આનંદના સમાચાર છે કે હવે અનુરાધાજીનું સ્થાન અને બધી જવાબદારીઓ એની પુત્રી નિલમ સંભાળશે. હોલ તાળીઓથી ગાજી ઉઢ્યો.

સીએફઓ- ચિફ ફાઈનાન્સિંગ ઓફિસરે જણાવ્યું કે ફોર્થ ક્વાર્ટરનું સેવન્ટિન પર્સેન્ટ ડિવિડન્ડ જાહેર કરતાં ગૌરવ અનુભવીએ છીએ. પુત્ર તુષારે કહ્યું કે મમ્મીએ અમને અને આ કોર્પોરેશન ઉછેરવામાં પોતાના અંગત સુખનું બલિદાન આપી દીધું છે. હાઈસ્કુલના વર્ષો દરમ્યાન રોજ રાત્રે સાત થી દશ  અમારા અભ્યાસ પર ધ્યાન રાખીને માર્ગદર્શન કરાવતા રહ્યા. અમને નાનપણથી જ પોતાનું કામ પોતે કરતાં શીખવી દીધું હતું. એમના સંજોગોએ એક સાથે ચાર પાંચ કામ સાથે કરવાની કુનેહ શીખવી દીધી હતી. આ જ એમની સફળતાની ચાવી છે. અમારી અઢારમી બર્થ ડેને દિવસે અમને જવાબદારીનું છેલ્લું લેશન આપીને કહ્યું હતું. જ્યાં જરૂર પડશે ત્યાં તમારી મદદ માટે મમ્મી તમારી સાથે જ હશે. પણ શું ભણવું, કેવી રીતે આગળ વધવું એ બધાજ નિર્ણયો જાતે જ લેવાના છે. બી રિસ્પોન્સિબલ ફોર યોર ઓન લાઈફ.

પુત્રી નિલમે કહ્યું કે, જીંદગીની દોડમાં ક્યારેકતો ધીમા પડવું જોઈએ, ક્યારેક તો દિશા બદલવી જોઈએ. મમ્મીએ નિવૃત્તિનો નિર્ણય લીધો તે યોગ્ય છે. હવે એમણે એમની જીંદગી પોતાને માટે જ જીવવાની છે. એમને માટેના નિર્ણયો એઓ જાતે જ લેવાને ટેવાયલા છે.

છેલ્લે અનુરાધા મેડમે મોદીજીના સૂત્ર “સબકા સાથ સબકા વિકાસ” દ્વારા કોર્પોરેશન સાથે સંકળાયલી તમામ વ્યક્તિનો આભાર માન્યો. ‘મારે ખાસ આભાર શ્રી બેનરજીનો માનવાનો છે. એમની મદદ અને આ માર્ગદર્શન વગર આ કોર્પોરેશનનો વિકાસ શક્ય જ ન હતો. મારા માતા પિતા અને ભાઈઓએ મને જાકારો આપ્યો હતો. શ્રી બેનરજીએ મારી પાસે રક્ષા બંધાવી મને બેન બનાવી, હંમેશાં મને ઘંઘાકીય માર્ગદર્શન આપતા રહ્યા છે. મને ખાત્રી છે કે એઓ મારી દીકરીને પણ સલાહ આપતા રહેશે. કંપનીના હોદ્દેદારોને કંપનીના ભવિષ્યની ચિંતા હતી. શેરહોલ્ડરને એમના રોકાણની ચિંતા હતી. એમ્પ્લોયિઝને એમની નોકરીની ચિંતા હતી. પણ બધું શુભમ શુભમ હતું. મોટાભાગની અફવા માત્ર અફવા જ સાબિત થઈ હતી. મિડિયાના પત્રકારોને આવી પ્રસસ્તિ પ્રવચનોમાં રસ ન હતો. એમને તો જોઈતા હતા કોઈ ઘમાકેદાર સમાચાર. કોઈ ચટાકેદાર વાત. પાર્ટિહોલમાંથી કોઈકે બૂમ પાડી. ‘પ્લીઝ, મેડમ અનુરાધાજી ડોન્ટ રિટાયર. વી નીડ યુ.  ઐસી કૌન સી વજહ હૈ કી આપને ઈતની જલ્દી કંપનીસે અલગ હોના જરૂરી સમજા.’

અનુરાધાએ કહ્યું મારા આ નિર્ણય માટે મારી દીકરીએ થોડા વર્ષો પહેલાં આપેલી સલાહ જવાબદાર છે. મારા બે નહિ ત્રણ સંતાનો છે. મેં મારા દીકરા દીકરીને જન્મ આપ્યો, એ જ રીતે મેથ્યુ કોરપોરેશનને પણ જન્મ આપ્યો છે. દીકરા દીકરીને અઢાર વર્ષ પછી એમને પોતાને પોતાની રીતે વિકસવા દીધા છે.

મારી દીકરીએ મને એક દિવસ કહ્યું હતું, ‘મૉમ, આપણી કોર્પોરેશન તો પિસ્તાળીસ વર્ષની થઈ ગઈ છે. ક્યાં સુધી એને બેબી કર્યા કરશો? ક્યાં સુધી એની આંગળી પકડી રાખશો? તમારી કંપની એટલી સક્ષમ છે કે તે અમારી ત્રણ પેઢીને સપોર્ટ કરી શકે એમ છે. ક્યારે તમે કોઈક મનગમતા સાથીદાર સાથે વેકેશન લેશો? ક્યારે કોઈની સાથે ટેનિસ રમશો? ક્યારે તમારા સજાવેલા ગાર્ડનના ઝૂલા પર કોઈની સાથે ઝૂલશો? અને ક્યારે કપડા વગર બીચ પર દોડશો? ક્યારે કોઈની સાથે તમારા દેહને દરિયાના તરંગમાં ફંગોળવાની મજા માણશો?’

‘શું સાથીદાર સાથે વસ્ત્ર વગર, સુમુદ્રના મોજા પર સવાર થવું એ પણ જીવનનો ભાગ છે? આ મને  બીજા કોઈએ નહિ પણ મારી દીકરીએ પુછ્યું હતું. જીવનમાં મેં મેળવવા જેવું ઘણું મેળવ્યું ન હતું. શું માનવ જીવનમાં આવું પણ હોય છે? હું અવઢવમાં હતી. આ વાતને પણ થોડા વર્ષો વીતી ગયા.

‘એકવાર મારી અમેરિકન પુત્રવધૂએ પણ કહ્યું હતું કે એવરી વુમન શૂડ હેવ મેન ઈન હર લાઈફ. એટલિસ્ટ ફોર ફન. આપકા મેન કૌન હૈ?’

‘મારી આજુબાજુ સેંકડો હતા પણ મારું કોઈ જ ના હતું. ક્યારેક સ્ત્રી સહજ જાગેલા માનસિક સળવળાટ દબાઈ ગયા હતા. ના દાબી દીધા હતા. કોઈ મનગમતો સાથીદાર ન હતો. આજે ત્રણ વર્ષ પછી દીકરી વહુએ ચિંધેલા માર્ગે જવા માટે નિવૃત્ત થઈ રહી છું. આજે એક સહગામી મળ્યો છે. આખા હોલમાં ગણગણાટ શરુ થઈ ગયો. કોણ છે? કોણ છે એનો સાથીદાર?

પુત્રી નિલમે ફરી માઈક હાથમાં લીધું. ‘મોમ, વી વિશ યુ ધ બેસ્ટ ટાઈમ એહેડ. બીફોર વી કનક્લુડ ધીસ લાઈફ ટર્નિગ સેરિમોની, વન યંગમેન વોન્ટસ ટુ સે સમથીંગ ટુ યુ.  આઈ રિક્વેસ્ટ મિસ્ટર અનુરાગ ટુ કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ.’

…અને ધીમે પણ મક્કમ પગલે ટેનિસ આઉટફિટમાં એક હેન્ડસમ સિક્સપેક યુવાન, હાથમાં ફ્લાવર બુકે લઈને બેન્ક્વેટ હોલમાં દાખલ થયો અને સ્ટેજ પર આવ્યો. એણે તુષાર અને નિલમને આલિંગન આપ્યું, અન્યો સાથે હાથ મેળવ્યા અને અનુરાધા મેડમ પાસે જઈને ઉભો રહ્યો.

‘મેમ હેપ્પી રિટાયર્મેન્ટ. નિવૃત્તિની વધાઈ.’ એણે મેડમ અનુરાધાજીને ફ્લાવર બુકે આપ્યો. અને આલિંગન આપ્યું.

‘મિત્રો મારું નામ અનુરાગ. છેલ્લા ત્રણ વર્ષથી હું મેડમનો પર્સનલ સેક્રેટરી છું અને એમની હોમ ઓફિસમાંથી એમના અંગત કામો સંભાળું છું. ત્રણ વર્ષ પહેલાં એ અમારી કોલેજમાં ઈન્ટરયુનિવર્સિટી ટેનિસ ટુરનામેન્ટમાં મહેમાન તરીકે આવ્યા હતા. હું ટેનિસ સિંગલમાં વિજેતા થયો હતો અને એમના હાથે મને ટ્રોફી મળી હતી. એ મારું કોલેજનું છેલ્લું વર્ષ હતું. મને નોકરીની જરૂર હતી. મેડમે મને નોકરી આપી. એઓ મારા કરતાં મોટા છે. બધી જ વાતે ઘણાં, ઘણાં મોટા છે. મારા બોસ છે. એઓ બોસ ઉપરાંત મારા અંગત મિત્ર બની ગયા છે. બોસ અને મિત્ર જ નહિ પણ મારા જીવનની એક વિશિષ્ટ વ્યક્તિ બની ગયા છે. ત્રણ વર્ષની એમની સેવા બાદ, દશ દિવસ પહેલાં એમણે મને એમના નિવૃત્ત જીવનના સાથીદાર બનવા આમંત્રણ આપ્યું છે, એને હું મારું અહોભાગ્ય સમજું છું. એમના વગરના મારા જીવનની તો હું કલ્પના જ કરી શકતો નથી. મારે આજે એક ખાસ ગુસ્તાખી કરવાની હિમ્મત કરવી છે.’

એ યુવાન એના એક પગના ઘૂંટણે બેસી ગયો. “મેમ, આઈ લવ યુ, આઈ કાન્ટ લીવ વિધાઉટ યું. વીલ યુ, મેરી મી?”

હોલમાં સન્નાટો છવાઈ ગયો. એક પચ્ચીસ વર્ષનો યુવાન પાંસઠ વર્ષની વયસ્ક મહિલાને પ્રપોઝ કરી રહ્યો હતો. એક સામાન્ય કર્મચારી માલિકને લગ્નની વિનંતિ કરી રહ્યો હતો. બધા જ જવાબની રાહ જોઈ રહ્યા હતા.

અને જવાબ મળ્યો…..”નો”… ‘શું હું હજુ પણ તારી મેમ છું? મેમનો જવાબ ના છે. ટ્રાય અગેઇન’

એ ઉભો થઈ ગયો. એનો ડાબો હાથ મેડમના ગાલપર હતો, જમણો હાથ કમર પર વિંટળયલો હતો. એકબીજાનું પ્રતિબિંબ એમની આંખોમાં સ્થિર થયું હતું

‘રાધા, તું મારી જીવનસાથી બનશે?’

અને જવાબ મળ્યો …”યસ અનુ, … મારા શેષ જીવનના સાથીદાર “અનુ” ને મારો જવાબ હા છે.’ અનુરાગ અને અનુરાધાના ચાર હોઠ એક થઈ ગયા. અનુરાધા પાંસઠનાં નહિ પણ પચ્ચીસીનાં લાગતાં હતાં. ઉમ્મરના આંકડા ઓગળી ગયા હતા. દીર્ઘઆલિંગન અનેક કેમેરાઓમાં ઝડપાઈ ગયું અને મિનિટોમાં વહેતું થયું.

અનુ અને રાધાના ઐક્યને સૌ પ્રથમ એના દીકરા દીકરીના પરિવારને તાળીઓથી વધાવી લીધો. હોલના મહેમાનો માટે વિદાય સમારંભનો વળાંક અકલ્પનીય હતો. “વાઉવ”ના આશ્ચર્ય સહિત હોલ તાળીઓથી લાંબો સમય ગુંજતો રહ્યો.

માત્ર બે જ મિનિટમાં ન્યુઝ અને સોસિયલ મિડિયામાં આ બનાવ જૂદી જૂદી રીતે વહેવા માંડ્યો અને ચર્ચાવા માંડ્યો.

કોઈકે વિવેક ચૂકીને વહેતું કર્યું…”ઘરડી ઘોડી ઔર લાલ લગામ, કૈસી યે જોડી મીલાયી મોરે રામ;” તો કેટલાકે અનુરાધા જેવી પ્રભાવશાળી મહિલાને ક્રેડલ રોબર તરીકે ચીતરી. પાંસઠની લાડીને પચ્ચીસનો વર. ગોસિપ ટેબ્લેટોમાં છપાયું “મની કેન બાય એની થીંગ. બિઝનેશ લેડીએ મનોરંજન માટે બાબાને ખરીદ્યો.”

તો કોઈકે સહાનુભૂતિ દર્શાવી. મોટી ઉમ્મરની જાણીતી મહિલાઓએ પોતાના કરતાં નાની ઉમ્મરના પ્રેમી સાથેના સહજીવનના દાખલા ટાંક્યા. કોઈકે કહ્યું,  આપણી હલકી સોચ વધુ દુર્ભાગ્ય પૂર્ણ છે. ક્યાં સુધી આપણે પ્રેમને પાપ સમજીશું? આપણને આપણી ઇર્ષા પાપ છે તે દેખાતું નથી પણ પુખ્ત વયના, એક પુરુષ એક સ્ત્રીને, કે એક સ્ત્રી એક પુરુષને પ્રેમ કરે અને લગ્ન કરે, કે સહજીવન ગુજારે તેમાં પાપ દેખાય છે.

અનુરાધાના સંતાન માટે લોકો શું માને કે શું કહે એ જરા પણ મહત્વનું ન હતું.

બે દિવસ પછી મા દીકરી એકાંતમાં વાતો કરતાં હતાં.

‘મોમ, તમે જે નિર્ણય લીધો છે એ આપણા બિઝનેશ કે કોઈના જીવનને સ્પર્શતો નથી. એ તમારી અને અનુરાગની અંગત વાત છે. લોકો ભલે ગમે તે કહે. તમે તમારું જીવન માણો એ જ અમારે માટે અગત્યનું છે. અમે છેલ્લા ત્રણ વર્ષમાં અનુભવ્યું છે કે આપ અનુરાગને ખુબ ચાહો છો. અમે ક્યારેયે નથી પુછ્યું કે અનુરાગ અને આપની વચ્ચે આ ખાસ લાગણી ક્યારે અને કેમ ઉદ્ભવી.‘ નિલમે મમ્મીનો હાથ હાથમાં લેતા કહ્યું. બીજું કોઈ નહિ અને અનુરાગને કેમ પસંદગી આપી? પૂછવું તો ન જોઈએ પણ પુછું છું કે આપની આજુબાજુ અનેક પ્રતિષ્ઠિત અને પ્રતિભાશાળી પુરુષો આજુબાજુ છે. એમાંથી કોઈ નહિ અને અમારા કરતાં પણ ઘણો નાનો અનુરાગ કેમ?’ ઉત્તર આપવો જ એ જરુરી નથી.’ જસ્ટ આસ્કિંગ.

‘કેમ તે તો હું પ્ણ જાણતી નથી. હું દર વર્ષે ઈન્ટરયુનિવર્સિટી ટેનિસ ટુર્નામેન્ટ એટેઇન કરું છું. મારા હાથે ટ્રોફી અપાય છે. ત્રણ વર્ષ પહેલાં મેં એને રમતો જોયો. મેં અનુરાગમાં તારા પપ્પાને જોયા.  એ અનુપમનો હમશકલ માત્ર દેખાવમાં જ નહિ, એની વાત, એનો અવાજ, એની ચાલ, એની અદા બધું જ મારા અનુપમ જેવું જ. હું પુર્વજન્મ કે પુનર્જન્મમાં માનતી નથી. હું એમ નથી માનતી કે અનુરાગ અનુપમનો પુનર્જન્મ છે. પણ મારું આત્મીય ખેંચાણ જે તારા પપ્પા પ્રત્યે તે જ ખેંચાણ મને અનુપમ પ્રત્યે અનુભવ્યું. એને નોકરીની જરૂર હતી. આપણાં કોર્પોરેશનમાં રાખવાને બદલે મેં એને મારો પ્રાઈવેટ સેક્રેટરી બનાવી દીધો. મેં એને આપણા બંગલામાં જ રાખ્યો. હું અનુભવતી હતી કે હું મારા અનુપમ સાથે હતી. હું ઈચ્છતી હતી કે એકવાર એ મને કચડી નાંખતું આલિંગન આપે. પણ ના એણે કોઈપણ દિવસ એવી ચેષ્ટા કરી ન હતી. મને થતું કે હું એની છાતીમાં સમાઈ જાઉં. પણ અમારી વચ્ચે હમેશાં એક હાથનું અંતર રહ્યું.

એક મહિના પહેલાં હું એના રૂમમાં ગઈ. એ ઊંઘમાં બબડતો હતો. ‘રાધા તું મારી સામે છે પણ હું કહી શકતો નથી કે મારું હૃદય તને જ પુકારે છે. આપણી વચ્ચે કેમ આટલું બધું અંતર છે? તું કેમ આટલી મોટી થઈ ગઈ. મારી રાધા. હું નદી કિનારે બેસી પાણી માટે તરસું છું.’

‘એણે જાગૃત અવસ્થામાં મને કદીયે રાધા કહી નથી. મારા સિવાય કોઈને ખબર નથી કે અનુપમ મને રાધા કહેતો હતો. અને એ પણ માત્ર સહશયન વેળા જ. મેં ખુબ મંથન બાદ તે રાત્રે આત્મસમર્પણ કરી દીધું. એણે મને એની રાધા બનાવી દીધી. મને તારી વાત યાદ આવી. મેં જીવનને માણવાનો નિર્ધાર કર્યો. અમે અમારી લાગણીઓની વાત કરી. એણે મને કોઈપણ અપેક્ષા વગર જીવનભરના સાથનું વચન આપ્યું. મને મારો સાથીદાર મળી ગયો. લાગણીઓને કચડવાને કે છૂપાવવાને બદલે મુક્ત કરી દીધી. કશું જ છાનું છપનું નહિ. દીકરી, સૌથી વધુ આભાર તો મારે તારો અને તુષારનો માનવાનો છે કે તમો બન્ને મને સમજો છો અને તમારો સાથ છે.’

‘તો મોમ, આપે એની લગ્નની પ્રપોઝલને કેમ ના કહી.’

‘આઈ વોન્ટ માય કમ્પેનિયન. ભાવનાની આડ એવી ન હોવી જોઈએ કે વાસ્તવિકતા ભૂલાઈ જાય. અનુરાગ યુવાન છે. હું જાણું છું કે અનુરાગ એ અનુરાગ છે. એ અનુપમ નથી જ, પણ મેં એને અનુરાગમાં સ્થાપિત કર્યો છે. આજનો નિર્ણય આવતી આવતીકાલે ભાવનાની ભ્રમણાં પણ સાબિત થાય. લગ્નના માળખામાં બાંધીને એની સ્વતંત્રતા છીનવી લેવાને બદલે એની સાથે ડોમેસ્ટિક પાર્ટનર તરીકે જીવવાનું પસંદ કરું છું. એ હવે પછીની મારી હર પળનો એસ્કોર્ટ છે. શક્ય છે કે કોઈ સમયે હું એની જરૂરીયાત ન સંતોષી શકું. એ મને કોઈપણ સમયે છોડી જઈ શકે એ માટે મેં એના દ્વાર  ખૂલ્લા રાખ્યા છે.’

‘મૉમ વી આર પ્રાઉડ ઓફ યુ. યુ આર ગ્રેઇટ. મિડિયા ભલે લવારા કરે. કુછ તો લોગ કહેંગે. લોગોંકા કામ હૈ કહેના. આપ આપની રીતે મુક્ત રીતે જીવો. મળેલી ક્ષણ માણી લો.’

સમાપ્ત

પ્રકાશીતઃ મધુ રાય સંપાદિત “મમતા” અને “ગુજરાત દર્પણ”

Comments are closed.

%d bloggers like this: