સૌજન્યઃ

#દેશી_નોન_દેશી
#ચકલી_નાની_ફડકો_મોટો
ભાગ-૧૦

લો… હજુતો કાલે દેશીની વાત કરી તો આજે અહીંથી ઇન્ડીયા જતા એક મિત્રે “અમે એનઆરઆઇ પણ કાંઇ દેશીથી ઉતરતા નથી” નુ પ્રમાણ પણ આપી દીધુ….

મે મહિનો એટલે અહીં પણ સમર વેકેશન શરુ થાય… છોકરાઓને સ્કુલમાં વેકેશન પડે એટલે નાના છોકરાવાળા મા-બાપ છોકરાઓ સાથે અને મોટા છોકરાઓ વાળા મા-બાપ છોકરાઓ વગર ઇન્ડીયા આવવા નીકળી પડે…
તેની તૈયારી મહિનો-બે મહિના અગાઉથી એટલે કે અત્યારથી શરુ થઇ જાય…
“ગમ્મે ટે ઠાઇ… સમર ટો ઇન્ડીયામાંજ…ડુનિયા ઉંઢી વરી જાય ટો હઉ…”
હવે મને કહેવાનુ મન થઇ જાય કે તમે અમેરિકામાંથી ઇન્ડીયામાં જાવ છો એટલે (ભૌગોલીક રીતે) દુનિયા ઉંધી થઇ જ ગઇ છે … !!😜

પછી પહેલાતો ખરીદી શરુ થાય બેગથી… અરે ભુલ્યો… બેગની તો ખરીદી કરવાની હોય? એ તો ઇન્ડીયાથી આવતા, ત્યાંથી જ સસ્તામાં ખરીદેલી બેગો પ્લાસ્ટીક બેગમાં લપેટીને ગેરેજમાં મુકી રાખી હોય તે કાઢીને સાફ કરવાની… તેના પર અમેરીકાના એડ્રેસવાળા લેબલ મારેલા હોય તે કાઢી ઇન્ડીયાના એડ્રેસવાળા લેબલ લગાવવાના… જો પોતાની બેગો ના હોય કે તે ભરેલી હોય તો બીજા જાણીતા ઇન્ડીયન પાસેથી બેગ ઉછીની માંગી લાવવાની!!!
“અલા પરભુ ટારી પેલી મોટી બેગ ટુ જે ઇન્ડીયાઠી લાવલો ટે આપ જોઉં…”
“પન મારો હઉ ઇન્ડીયા જવાનો પ્લાન છે…મારે હઉ જોઇએને!!”
“ટે ટમે ટન જના જવાના ટે છ બેગ થહે… પેલી એક્સટ્રા કરી ઉતી તે કાઢજો હાહરીના..”
“ઓકે ટો ટમે મારુ એક્સ્ટ્રા વજન ઠવાનુ છે ટે ટમે ટે બેગમાં ઘાલી જજો…કાલે એ સામાન હાતે બેગ લઇ જજો!!!!”

આમ તો એ એક્સ્ટ્રા વજન લઇ જવા કરતા નવી બેગ લેવી સસ્તી પડે…પણ એનાય આઇડીયા હોય (જે પછી જણાવુ છું) એટલે બેગ લેતા સમયે ના તો ના જ પાડે…

પછી વોલમાર્ટ (સહુથી સસ્તો મેગા સ્ટોર્સ), અમારા કેલિફોર્નિયાનુ ફેમસ ચાઇના ટાઉન (જ્યાં મેઇડ ઇન ચાઇનાની વેરાયટી વસ્તુઓ
બહુ સસ્તામાં મળી રહે છે.), સ્વાપ મિટ(લગભગ નવા જેવી જ પણ સેકંડહેન્ડ વસ્તુઓ મળે… આપણી ગુર્જરી બજાર જેવુ.) વગેરેની મુલાકાતો શરુ થાય… કોઇ માટે જરા સારી વસ્તુઓ લેવાની હોય કે પછી આ બધા સ્ટોર્સમાં ના મળી રહે તેવી વસ્તુઓ હોય તો મોલના સુપર સ્ટોર્સમાં ૫૦-૬૦% ભાવનુ સેલ હોય તેની તકેદારી રખાય…

હવે પેકીંગ કરવાય મટીરીયલ તો જોઇએને!!! અસલ પેકીંગ હોય તે પેપર કે પુંઠાનુ હોય, જે જગ્યા પણ વધારે રોકે અને વજન વધારવા સાથે કોઇ કામમાં પણ ના આવે!!!! (એક ખાનગી વાત… તેના પર કિંમત પણ લખેલી હોય ને!!!😜) એટલે તેને કાઢી નાંખવાના… અને બુદ્ધિ તો એવી વાપરે કે પેકીંગનુ પેકીંગ થાય, અસલ પેકીંગ કરતા જગ્યા પણ ઓછી રોકે, વજન પણ ઓછુ થાય, અને પેકીંગમાંથી કાઢો તો બીજા ઉપયોગમાં પણ આવી શકે તેવી વસ્તુ વાપરે…એમાંય પાછી વધારાની હોંશિયારી તો હોય જ…
આવા પેકીંગ માટે મારા જેવા દોસ્તારો કે જેમની હોટેલ-મોટેલ હોય તેને પકડે…
“મુકેશભાઇ… જુની ચાડરો ને ટાઉલ હંઘરી રાખજો… આવટા જટા લેટા જહુ…..”
હોટેલ મોટેલમાં સહેજજ ડાઘા વાળી કે સહેજ સિલાઇ નીકળી ગયેલી ચાદરો, ટાઉલ વગેરે ના ચાલે, તેને કોઇ ઓળખીતાની નાની પ્રાઇવેટ મોટેલ હોય તેમાં વાપરવા મફત આપી દે… એ ચાદરો અને ટાઉલ આવા પેકીંગમાં વાપરે… જે મફત મળે… અને ઇન્ડીયા જઇને પેકીંગ ખોલ્યા પછી કોઇને “ગિફ્ટ” કરવાય ચાલે…છેવટે પાપડ સુકવવા ચાદરો અને કાર બાઇક સાફ કરવાકે ઘરમાં પોતા મારવા પેલા ટાઉલ ચાલે…

હવે આવી ચાદરો-ટાઉલ લેવા મોટેલ પર આવે એટલે મોટેલના લોગો વાળી બોલપેન, કિ-ચેઇન, કે ડેસ્ક ક્લાર્ક-હાઉસકિપરને કામ કરતા સમયે પહેરવાના લોગો વાળા ટીશર્ટ (જે બહુ સસ્તા હોય અને હોટેલના કસ્ટમર્સને મફત જ આપવાના હોય!!!) તે પણ ડઝનબંધ માંગીને લઇ જાય… કેમ? તો કે, સમજી જાવ ને!!!!

અહીંની એકદમ સસ્તી વસ્તુઓ લઇ જાય તેનોય વાંધો તે લેનાર કે આપનારને ના હોય તો આપણે શું કામ લેવો જોઇએ?
અરે વાંધો એ સસ્તી વસ્તુ લીધી તેનો નથી… અમેરીકાની સસ્તી વસ્તુ છેવટે ઇન્ડીયામાં તો મોંઘી જ છે!!!👍👍 પણ ત્યાં જઇને ડબલ કે વધારે ભાવ કહીને ડંફાસ મારે કે આટલુ બધુ મોંઘુ છે પણ તમારા માટે જ ખાસ લાગણીને લીધે લીધુ છે…..
હવે તો ઓનલાઇન જઇને પણ દુનિયાની લગભગ દરેક વસ્તુનો ઓરિજીનલ ભાવ જાણીજ શકાય છે!!! અને જ્યારે ગિફ્ટ જ આપો છો તો એવા ભાવ કહેવાની જરુરજ ક્યાં છે!!! લેનારને ગમે એટલે બસ….. લેનાર પણ લાગણી જુવે છે, ભાવ નહીં…

ઓકે… હવે પાછા આવીએ “તૈયારીઓ” પર…
બેગો પણ ઉછીની માંગીને આવી ગઇ… સસ્તી-સેલની વસ્તુઓ પણ ખરીદાવા લાગી… પેકીંગ મટિરીયલ પણ ચાર પાંચ લાભ સાથેનુ આવી ગયુ…
હવે એર ટિકીટ લેવાય… ટ્રાવેલ એજન્ટને કઇ એર લાઇન્સ સસ્તી છે તેની સુચના અપાઇજ ગઇ હોય… ભલેને બે સ્ટોપ થતા હોય…. સસ્તુ મળતુ હોય તો ખોટા ખરચા શું કામ કરવા જોઇએ?? એમાંય કાંઇ ખોટુ નથી…
હવે જ્યારે ડિપાર્ચર ડેટ આવી જાય એટલે ફાઇનલ પેકીંગ કરીને બેગના વજન કરાય… પોતે જ લઇ જવાની એટલી બધી વસ્તુ હોય કે બીજાના સંપેતરા લઇ જવા પોસાય નહી… એર લાઇન્સ વાળા એક્સ્ટ્રા વજનના એકસ્ટ્રા ચાર્જ કરે… એટલે એવી બીજાએ મોકલેલી વસ્તુઓ (ભલેને ઉછીની બેગ લેવા જતા એવી વસ્તુઓ લઇ જવાની શરત હોય) તેને છોડી દેવાય… અમેરીકા માં જ..પોતાના ઘરે… અને ઇન્ડીયા થી ફરીને પાછા અમેરીકા આવે, પેલી બેગો પરત કરવા જાય , જો સારી રહી હોય તો!!! ત્યારે યાદ કરાવે તો કહી દેવાનુ કે “અરે એ તો રસ્તામાં જ બેગમાંથી ચોરાઇ ગઇ/તુટી ગઇ/બગડી ગઇ/ કસ્ટમે કાઢી લીધી…” વગેરે વગેરે….

એ તો થોડા દિવસો પછી તેમના ઘરે જઇએ અને આપણે એ વસ્તુઓ જોઇ જઇએ ત્યારે ખબર પડે કે ક્યાં ચોરાઇ ગઇ!!!!!!

એવુ જ ઇન્ડિયાથી કોઇએ કોઇના માટે મોકલાવેલી વસ્તુઓ માટે થાય…

હવે ઇન્ડીયા જાય, ત્યાં પણ મોટી મોટી વાતો થાય…. વોલમાર્ટની ખરીદી લુઇસ વિટ્ટોનની થઇ જાય… ચાઇના ટાઉનની પરફ્યુમ ચનેલના થઇ જાય!!!! પોતે કરતા હોય તે જોબની કંપનીના ત્યાં માલિક પણ બની જાય!!!!!

અને પછી ત્યાં હરવા ફરવામાં, ખરીદીમાં જે થાય તે તો હવે મારા આગલા નવ ભાગ વાંચનારા સહુ જાણે જ છે!!!😜 કે કેવા લોચા થાય…..