સૌજન્યઃ ફેસબુક મિત્ર

Ramesh Oza

 

કૉન્ગ્રેસનું શું થશે? કૉન્ગ્રેસ માટે સહાનુભુતિ ધરાવનારા અથવા બીજેપીનો વિરોધ કરનારાઓ તો કૉન્ગ્રેસના ભવિષ્ય વિષે ચિંતિત છે જ, પણ બીજેપીને મત આપનારા સમજદાર નાગરિકો પણ ચિંતિત છે. ઘેલાઓની વાત જુદી છે, જેમને લોકતંત્રનું મૂલ્ય નથી સમજાતું. સબળ વિરોધ પક્ષ વિના લોકશાહી ટકી ન શકે. આપણી લોકશાહીની આજે જે નિર્બળ દશા છે એનું મુખ્ય કારણ દાયકાઓ સુધી વિરોધ પક્ષો નિર્બળ હતા એ છે. એને પરિણામે કોંગ્રેસે એકચક્રી શાસન કર્યું જેના કારણે કૉન્ગ્રેસ એક રાજકીય પક્ષ તરીકે ક્ષીણ થતી ગઈ. જો આઝાદી પછી દાયકા-દોઢ દાયકામાં કૉન્ગ્રેસના વિકલ્પે કોઈ રાજકીય પક્ષ સામે આવ્યો હોત તો આજે કૉન્ગ્રેસનું સ્વરૂપ પણ જુદું હોત અને દેશના લોકતંત્રનો ચહેરો પણ જુદો હોત.

 

આમ આજે જેવી સ્થિતિ કૉન્ગ્રેસની છે એવી આવતી કાલે બીજેપીની ન થાય અને આજે જેવી સ્થિતિ દેશના લોકતંત્રની છે એનાં કરતાં બદતર સ્થિતિ ન થાય એ માટે પણ એક દિવસ બીજેપીને પરાજીત કરે એવા સબળ વિરોધ પક્ષની જરૂર છે. બીજેપીના સમર્થકોએ સમજવું જોઈએ કે કૉન્ગ્રેસ કે બીજો કોઈ પણ સબળ વિરોધ પક્ષ બીજેપીના હિતમાં છે અને એનાથી પણ વધુ દેશના હિતમાં છે. હા, તમે સાચા લોકતંત્રની જગ્યાએ એક પક્ષની તાનાશાહી ઈચ્છતા હો તો વાત જુદી છે. માત્ર એક જ વિનંતી છે કે જે દેશોમાં એકપક્ષીય લોકતંત્ર છે એવા દેશોની હાલત કેવી છે એ જરા જોઈ જવું.

 

સંસારનો નિયમ છે કે કોઈ પણ સંસ્થા જ્યારે જૂની થઈ જાય, તેને વાંછીત પરિણામ મળી જાય અને સફળતાના શિખરે દાયકાઓ સુધી કાયમ રહે ત્યારે તેમાં સ્થાપિત હિતો વિકસતાં હોય છે. જેઓ જામી જાય છે એ સંસ્થા પર કબજો જમાવી દે છે. તેઓ સંસ્થામાં પરિવર્તનો કરવા દેતાં નથી અને સંસ્થા જેસેથેવાદી (સ્ટેટ્સકોઈસ્ટ) બનવા લાગે છે. એક દિવસ સંસ્થા ગતિશીલતા ગુમાવી બેસે છે. કૉન્ગ્રેસની બાબતમાં આ જ બની રહ્યું છે. જો બહુ જલદી બીજેપીની સામે સબળ વિરોધ પક્ષ પેદા નહીં થાય તો બીજેપીના પણ એ જ હાલ થવાનાં છે જેવા કૉન્ગ્રેસના થયાં છે. બીજેપીનું તો જે થવું હોય તે થાય, આપણી મોટી ચિંતા લોકતંત્રની અને દેશની છે.

 

રાહુલ ગાંધીની અને નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રા બે જુદા અંતિમેથી શરુ થઈ હતી. એકે સ્ટેટ્સકોઈસ્ટ, ગતિશૂન્ય, સ્થાપિત હિતોથી ગ્રસ્ત, ભૂતકાળમાં કરેલાં પાપોનો બોજો, લોકોની નારાજગીથી ગ્રસ્ત, વૃદ્ધ, જીર્ણ અને બીમાર કૉન્ગ્રેસને બેઠી કરવાની હતી તો નરેન્દ્ર મોદીએ હણહણતા ઘોડાને વિજય-રેખા સુધી પહોંચાડવાનો હતો. રમતના મેદાનમાં આ મૂળભૂત તફાવત ધ્યાનમાં રાખીને બે વચ્ચેની તુલના કરશો તો કહેવું પડશે કે રાહુલ ગાંધીએ ઘણો સારો દેખાવ કર્યો છે. તેમને એક બાબતે તો હું સોમાંથી સો માર્ક્સ આપું કે તેમને બદનામ કરીને અને ‘પપ્પુ’ તરીકે ઠેકડી ઊડાડીને કચડી નાખવાનો ક્રૂર અને બેશરમ પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં તેઓ તૂટ્યા નથી. તેમની જગ્યાએ પોતાની જાતને મૂકીને વિચારો કે એ કેટલું કઠીન કામ હતું. પડેલાને પાટુ મારવામાં અને તેના પર થૂંકવામાં કાંઈ બાકી રાખવામાં આવ્યું નહોતું. રાહુલની જગ્યાએ તમે હોત તો ટકી શકત ખરા?

 

બીજું, સંપૂર્ણ બહુમતી સાથે હજુ તો પહેલીવાર બીજેપી શાસનમાં આવી ત્યારે જે તુમાખી જોવા મળી તે જોતાં પણ મજબૂત વિરોધ પક્ષ તેના લાભમાં છે. બીજેપીએ જો પોતાનાં હાલ કૉન્ગ્રેસ જેવા થવા ન દેવા હોય તો કૉન્ગ્રેસ કરતાં પણ વધુ નમ્રતા, કૉન્ગ્રેસ કરતાં પણ વધુ લોકશાહીપ્રેમ અને કૉન્ગ્રેસ કરતાં પણ વધુ મૂલ્યનિષ્ઠા કેળવવાં જોઈએ. જો એમ નહીં કરે તો મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા એ કહેવત તો તમે સાંભળી જ હશે.

 

સવાલ એ છે કે કૉન્ગ્રેસ આજે જે સ્તિતિમાં છે એ જોતાં પાછી બેઠી થઈ શકશે? બીજું રાહુલ ગાંધી જો રાજીનામું પાછું ખેંચી લે અને કૉન્ગ્રેસનું નેતૃત્વ સ્વીકારે તો એ પછી તેઓ કૉન્ગ્રેસને બેઠી કરી શકશે? શું પરિવાર એ કૉન્ગ્રેસની એક માત્ર બીમારી છે અને પરિવારમુક્તિ એ એક માત્ર ઈલાજ છે? કે પછી યોગેન્દ્ર યાદવ કહે છે એમ કૉન્ગ્રેસનું યુગકાર્ય પૂરું થઈ ગયું છે અને તેના પર મદાર રાખવાની જગ્યાએ તેને મરવા દેવી જોઈએ? જો કૉન્ગ્રેસ પરનો મદાર છોડી દઈએ તો દેશમાં કયો એવો પક્ષ છે જે કૉન્ગ્રેસની જગ્યા લઈ શકે, અર્થાત્ રાષ્ટ્રીય પક્ષ બની શકે? આમ આદમી પાર્ટી ફરી વાર દેશની રાષ્ટ્રીય અપેક્ષાને વાચા આપી શકશે? અત્યારે જેટલા પક્ષો દેશમાં અસ્તિત્વ ધરાવે છે એમાંથી કયો પક્ષ આવી સંભાવના ધરાવે છે કે પછી નવો પક્ષ રચવો પડશે? જો નવો પક્ષ રચવો પડે તો તેની રચના કોણ કરશે? પરંપરાગત રાજકારણી કે પછી નાગરિક સમાજ? નાગરિક સમાજમાં કોણ? તેમની વચ્ચે પણ મતભેદો ઓછા નથી. 

આ બધા પ્રશ્નો લોકશાહીપ્રેમી સમજદાર નાગરિકોને સતાવનારા છે. દેશને એકપક્ષીય સરમુખત્યારીથી બચાવવો હોય તો સક્ષમ રાજકીય પક્ષની જરૂર છે.

 

ઉપર જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એના જવાબ તપાસવા જરૂરી છે. પહેલી વાત તો એ કે કૉન્ગ્રેસ સિવાયના દેશમાં અત્યારે જેટલા પક્ષો છે એમાંનો એક પણ પક્ષ કૉન્ગ્રેસની જગ્યા લઈ શકે એમ નથી અર્થાત્ અખિલ ભારતીય રાષ્ટ્રીય પક્ષ બનવાની લાયકાત ધરાવતો નથી. કેટલાક પક્ષો પરિવારની બાપીકી મિલકત જેવા છે. કેટલાક પક્ષો જ્ઞાતિ, ભાષા કે પ્રદેશની ઓળખ પર આધારિત છે. કેટલાક પક્ષો કૉન્ગ્રેસની માફક જીર્ણ અવસ્થામાં છે. ૨૦૧૪-૨૦૧૫નાં વર્ષોમાં આમ આદમી પાર્ટી ઝળકી અને મરણ પામી. અત્યારે તે દિલ્હી શહેરનો પ્રાદેશિક પક્ષ બનીને રહી ગઈ છે. આમ આદમી પાર્ટીનું ગળું ઘોંટવાનું કામ તેના સ્થાપક અરવિંદ કેજરીવાલે જ કર્યું છે. ભારતમાં રાજકીય સંસ્કૃતિ એવી છે કે કોઈ સર્વોચ્ચ નેતા બન્યું નહીં કે કહેવાતા મોવડીમંડળની તુમાખી કે સરમુખત્યારી આવી નહીં. આમ આદમી પાર્ટીમાં કૉન્ગ્રેસની જગ્યા લેવાની સંભાવના નજરે પડતી હતી. મેં ત્યારે આ કોલમમાં લખ્યું પણ હતું કે જેમ બ્રિટનમાં લિબરલ પક્ષની જગ્યા લેબર પાર્ટીએ લીધી હતી એમ ભારતમાં બની શકે એમ છે. વિચારધારાને લાગે વળગે છે ત્યાં સુધી લેબર પાર્ટી લિબરલ પાર્ટી જેવી જ ઉદારમતવાદી ડાબેરી હતી જેમ કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીની વિચારધારા એક સરખી છે. દિલ્હી વિધાનસભામાં ૭૦માંથી ૬૭ બેઠકો મેળવ્યા પછી અરવિંદ કેજરીવાલને એવો આફરો ચડ્યો હતો કે તેમણે તુમાખી બતાવીને પાર્ટીને મારી નાખી. એક રીતે અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય ગુનેગાર છે.

 

તો વિકલ્પ બચે છે બે: એક કૉન્ગ્રેસનું પુનર્જીવન અને બીજો નાગરિક સમાજ દ્વારા નવા પક્ષની સ્થાપના જે રીતે આમ આદમી પાર્ટીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. નાગરિક સમાજ દ્વારા આમ આદમી પાર્ટીની સ્થાપના કરીને પહેલો પ્રયોગ હાથ ધરાયો ત્યારે જ અનેક લોકોએ તેની સફળતા વિષે શંકા વ્યક્તિ કરી હતી. દેશમાં જે રાજકીય સંસ્કૃતિ વિકસી છે અને રૂઢ થઈ છે એમાં સમાધાનો કર્યા વિના ભલા માણસો માટે ટકવું મુશ્કેલ છે. આમ આદમી પાર્ટીએ ટકી જવાની કસોટી પાર પાડી તો નેતાની તુમાખીનો ભોગ બની ગઈ. આવું બીજી વાર નહીં બને એની શું ખાતરી? નાગરિક સમાજના આપસી મતભેદોનું શું? ફરી વાર તુમાખી કે મતભેદને કારણે વિભાજન નહીં થાય તેની શી ખાતરી? પહેલા પ્રયોગની નિષ્ફળતાએ પણ લોકોને નિરાશ કર્યા છે અને નાગરિક સમાજના નિસ્બતકારો તરફ શંકાની નજરે જૂએ છે.

 

જો કૉન્ગ્રેસને પુનર્જીવિત કરવી એ રાહુલ ગાંધી માટે કે તેમની જગ્યાએ આવનારા કોઈ પણ નેતા/નેતાઓ માટે સીધાં ચઢાણ જેવો છે તો બીજો વિકલ્પ પણ એવો જ સીધાં ચઢાણવાળો છે. આ બેમાંથી કયો વિકલ્પ સહેલો છે એ તપાસવું રહ્યું. અત્યારે વિદ્વાનો આ બે વિકલ્પ વિષે ચર્ચા કરી રહ્યા છે અને તેમની વચ્ચે મતભેદ નજરે પડી રહ્યા છે. કોઈને લાગે છે કે કૉન્ગ્રેસ પાછી બેઠી થઈ શકે છે અને તેના ટેકામાં તેઓ જગતના અન્ય દેશોના પ્રમાણો આપે છે. બીજા કેટલાક માને છે કે કૉન્ગ્રેસ નામની વસૂકી ગયેલી ભેંસના ભરોસે બેસી રહેવાનો કોઈ અર્થ નથી?

 

તમને શું લાગે છે? જો તમે દેશને, દેશના લોકતંત્રને અને તમારા વહાલા બીજેપીને પ્રેમ કરતા હો તો વિકલ્પ વિષે વિચારવા લાગો. જો નહીં વિચારો તો આગળની પેઢી જ્યારે બીજેપીના હાલ કૉન્ગ્રેસ જેવા કરશે ત્યારે કોઈ વિકલ્પ નહીં હોય. શાસન શૂન્યાવકાશમાં નથી ચાલતું એટલે વિકલ્પ હશે; સરમુખત્યારશાહી. તમને જો તેની સામે વાંધો ન હોય તો મંજીરા વગાડો અને જો તમારા સંતાનો માટે કાયદાનું જવાબદાર રાજ્ય મૂકી જવા માંગતા હો તો વિકલ્પ વિષે વિચારો.