છોટુનો પક્ષ પલટો

પ્રવીણ લેખક કાર્ટુન.jpg

પ્રવીણ શાસ્ત્રી

અમારા ભાજપ ભક્ત મંગુની મોટેલમાં આજે મોટો જલસો હતો. મોટેલના  બેકયાર્ડમાં મોટો તંબુ ઉભો કરાયો હતો. મંગુ અને ચંદુના વચલા દીકરાના સાળા મોટુએ વિજયાનંદ ઉત્સવનું આયોજન કર્યું હતું.  અનેક ભાજપી મિત્રોને આમંત્રણ આપ્યું હતું.

મંગુને ત્યાં કઈ પણ નાનો મોટો પ્રસંગ હોય ત્યારે મારે તો જવાનું હોય જ, મને આ પોલિટિકલ ફંકશનમાં રસ ન હતો તો પણ ચંદુ મને ખેંચી ગયો. મને કહે “મજા આવશે. આપણે એક ખૂણામાં બેસીને ખેલ જોઈશું. કદાચ મારામારી થાય તો એમને છોડાવીશું, હું તને લેવા આવીશ. હું તને મૂકી જઈશ.” અને મારે જવું પડ્યું.

એપેટાઈઝર અને કોક્ટેઈલ અવર પછી સમારંભ શરૂ થયો.

સ્ટેજ પર હું ન ઓળખું એવા ચાર પાંચ મહાનુભાવો કમળ ખેસ પહેરીને વચ્ચે બેઠા હતા. મંગુએ જમણી બાજુ અને મોટુ ડાબીએ બેઠક લીધી હતી.  બેક ગ્રાઉંડ પર મોદી અને અમિત શાહના હ્યુઝ કટાઉટ હતા. અમે બધા આગલી હરોળમાં ચંદુભાઈ સાથે બેઠા હતા.

અમારો મંગુ મોટેલ ઉભો થયો અને પોડિયમ પાસે આવ્યો.

‘ભાજપી મિત્રો, આપ સૌને કોણ જીત્યું કોણ હાર્યું તેની તો જાણ છે જ, પણ છતાં એ એકવાર હું ખાત્રી કરવા માંગું છું એટલે પુછૂં છું કે બોલો કમળ જીત્યુણ કે પંજો?’ એણે ડીજે અને માસ્ટર ઓફ સેરિમોનીની અદાથી ઓડિયન્સને સવાલ પુછ્યો.

બધાએ હોકારો મચાવ્યો “કમળ, કમળ”

‘મને બરાબર સંભળાતું નથી જરા મોટેથી બોલો ભારત પર કોણ રાજકરશે કમળ કે પંજો?’

બધાએ બરાડા પાડ્યા ‘કમળ કમળ,’

‘રામ અને રાવણની રાશી એક, ભાજપના રામ જીત્યા કે ગઠબંધનનો રાવણ?’

‘રામ – રામ ‘

‘ફરી એકવાર બોલો કોણ જીત્યું?’

‘રામ રામ,’

‘કોંગ્રેસકે લીએ જોરસે બોલો, જોરસે બોલો, રામ નામ સત્ય હૈ.’

મંગુ અને મોટુએ બોલાવેલા ઘણાંને આ બધામાં કશો રસ નહતો. તેઓ તો માત્ર ખાવા પીવા જ આવ્યા હતા. સમજ પડે કે ન પડે એ લોકોએ પણ રામનામ સત્ય હૈ બરાડ્યું.

મંગુ મૂડમાં હતો, ‘કૃષ્ણ અને કંસની રાશી એક કોણ ગમે?’

ઓડિયંસને કહેવું જ પડે કૃષ્ણ.

જોરસે દિલસે જવાબ દો ભારતમેં કોન રાજ કરેગા? કમલ ઓર કોંગ્રેસ? જખ્ખ મારીને કહેવું પડે કે કમલ.

સદ્ભાગ્યે મંગુએ ઓડિયંસ વોર્મઅપ પુરું કર્યું.

‘બેટા મોટુ, અબ ખડા હોકર માઈક હાથમેં લે ઔર મુઝે જવાબ દે. લોકસભામેં કીતને આદમી થે?’

મોટુ ઉભો થયો. માઈક હાથમાં લીધું. ‘સીર્ફ દો એક અપના ગુજરાતી મોદી ઔર દુસરા ગુજરાતી શાહ.’

‘ઔર ગબ્બર વાલે કૌન કૌન થે?’

‘સોનિયાજી, રાહુલજી, પ્રિયંકાજી, માયાવતીજી, મમતાજી, અખિલેશજી, લાલુજીકી રબડીજી, ચંદ્રાબાબુજી, યે સબ્બ જીકે ચમચે મોદી ઔર શાહ કે સામને થે.’

‘ઉન સબ્બ-જી કા ક્યા હાલ હુઆ?’

‘બસ પાવભાજી બન ગઈ, અમિતજી ખા ગયે.’

‘મોટુ બેટા કેટલા સ્ટેટમાં ભાજપે બધાનો સફાયો કરી નાંખ્યો? જરા મોટેથી બોલજે, આપણી સામે માનનીય છન્નુ વર્ષના યુવાન કોંગ્રેસી કરસનદાદા અને તારો અનુજ કોંગ્રેસી આઈમીન યોર બ્રધર છોટુ સાંભળે એમ મોટે થી બોલ.’

‘અંકલ હવે આનાથી વધારે ગળું ફાડીને બોલાય એમ નથી.’ મોટુએ શક્ય એટલા મોટા અવાજે ગળું ફાડીને બરાડવા માડ્યું.

‘ખાસ તો આપણા ગુજરાત, કેજરીવાલના દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન રાજ્યોમાં ભાજપે બધાના સૂપડા સાફ કરી નાંખ્યા અને બિહારમાં ભાજપ અને જેડીયુ મળીને ચાલિસમાંથી ઓગણચાલીસ સીટ તફડાવી લીધી, રબડી પતિ લાલુપ્રસાદ જેલમાંથી પાર્ટીનુ રિમોટ કંટ્રોલ દબાવ્યા કરતાં હતા  પણ પાર્ટીની રાબડી થઈ ગઈ.’

‘બેટા મોટુ, પાર્લામેંટમાં કેટલી સીટ છે?’

‘અંકલ, પાંચસો બેતાળીસ, (૫૪૨)’

‘અને બીજેપીની કેટલી?’

‘અંકલ, બીજેપીની ત્રણસો ત્રણ (૩૦૩)’

‘અને કોંગ્રેસની?’

‘મારા નાના ભાઈ છોટુની પાર્ટીની એટલે કે કોંગ્રેસની બાવન (૫૨)’

‘કાયદેસર વિરોધ પક્ષના નેતા બનવા માટે કેટલી સીટ જોઈએ?’

‘દશ ટકા (૧૦%)’

‘રાહુલ વિરોધ પક્ષનો નેતા ગણાશે?’

‘મંગુ અંકલ, આપ મને જે સવાલો પૂછો છો એનાથી આપણી સામે બેઠેલા આપણા વડીલ કરસનદાદા અને મારો સહોદર છોટુ માનસિક દુઃખ અનુભવી રહ્યા છે.‘

‘ભલે, આપણી જીતનો આનંદ એવો ન હોવો જોઇએ હે હારનારને હાર્ટ એટેક આવે. હવે હું આપણા સુરતી મિત્ર શ્રી ચંદ્રકાંત ચાવાલાને સ્ટેજ પર આવી  બે શબ્દ બોલવાની વિનંતી કરું છું.’

અમારો ચંદુ સ્ટેજ પર ગયો. એણે મોટુના હાથમાંથી માઈક લીધું.

‘મારા ડિયર ડોસ્ટો. આપને બઢા ગુજરાટીઓ છીએ. એટલે હું ગુજરાટની જ વાટ કરા. મેં તો મોડી, સોનિયાનો પોઈરો કે પેલો બ્રોંકાઈટિસ વાલો અરવિંન્ડ આ બઢા પાર્ટીવાલાઓને ટેમની ચૂટની માટે પૈહા આપેલા. ઈંડિયા ઓઈ કે અમેરિકા, બઢા રાજકાર્નીયોને હાથમાં રાખવા પરે. આપને બિઝનેશ વાલાથી એક પોલિતીકલ પારતી વાલાને ચોંતીને થોરું બેહી રેવાય?’

‘ગુજરાટમાંઠી છવ્વીસ ખુરશી આપને ડિલ્લી ડિલિવર કરવાની હટી. મને એમ હટું કે આપના ગુજરાટમાં બઢા અનામતીયા પટેલીઆઓ,આટ્મહટ્યા નૈ કરેલા જીવટા રહેલા ખેરુતો, ડલિટો, ઘના બઢા રેશાલિસ્ટ વારાઓ ટો ભાજપને મટ નૈ જ આપે; એટલે કોંગ્રેસવારા ઓછામાં ઓછી  બે પાંચ ખુરશી ટો લઈ જહે ને બાકીની ભાજપવારા લેહે. પન સલ્લા ભાજપીઓ બધ્ઢી જ ખુરશીઑ છીનવી લઈને ડિલ્લી ઉપરી ગીયા. જરા બી ડયા નૈ.  અવે મારે ટો કોંગ્રેસવાલાઓને જે આપેલું ટે બઢું પાનીમાં જ ને? મોટ્ટું નુકશાન જ ઠીયું ને? પેલો હાર્ડિક બિચારો મે’નટ કરી કરીઑને અરધો મરી ગીયો પન તેનો પણ એકબી ઉમેડવાર ની જીઈટો ટે નૈ જ જીઈટ્રો,’

બીજી એક વાટ આપના હુરટમાંથી ડરસનાબેન જરડોસ ( દર્શના જરદોશ ) જબ્બર જસ્ટી કરીને બિચારા અસોક આધ્વાડ (અશોક આધવાડ) ને પુરા શોકવાડામાં ધકેલી ડીઢા છે. એક બે નૈ પન પુરા હાડાપાંચ લાખ્થી હરાવી ડિઢા અને ખમનનો લોચો કરી નાઈખો.

ચંદુની રેકર્ડ ચાલતી મંગુએ અટકાવી દીધી.

મિત્રો માનીતી, રૂપાળી તુલસી સ્મૃતિ ઇરાની ભલે એક વાર રાહુલ સામે હારી ગઈ હતી પણ એણે એવો તો ધાક જમાવી દીધો હતો કે રાહુલને અમેઠીથી દૂર, દક્ષિણ દિશામાં, વાયનાડ કેરળમાં સલામત જગ્યાએ ભાગવું પડ્યું. એની બીક સાચી જ હતી. સંજય ગાંધીના સમયથી અમેઠી ગાંધી પરિવારની વસાહત બની ગઈ હતી. સ્મૃતિએ તે પડાવી લીધી. ગાંધી પરિવારને સ્મૃતિની જીતની ગંધ આવી ગઈ હતી એટલે રાહુલને સાઉથમાં ભાગવું પડ્યું. જો એ વાયનાડ ન જ ગયો હોત તો? પાર્લામેંટના સાંસદોને મનોરંજન કોણ પુરું પાડતે?  ફેંકુ, નોટબંધી, જીએસટી, વિકાસ ખોવાયો છે, ચોકીદાર ચોર છે. મોતકા સૌદાગર આ બધા શબ્દોએ મોદીને હરાવ્યા નથી બલ્કે જીતાડ્યા છે. મોદી, શાહ, અને જીતનાર સૌને મારા હાર્દિક અભિનંદન અને ભારતની પ્રજાને ધન્યવાદ કે ગઠબંધનની થાગડ થીગડવાળી અસમતોલ સરકાર આપવાને બદલે મજબુત બહુમતિવાળી એક પક્ષીય સરકાર ભારત્યને આપી છે.’

હવે હું આપણા આજન્મ કોંગ્રેસી, સદાકાળના છન્નુવર્ષીય વડીલ કરસનદાદાને બે શબ્દો કહેવા વિનંતી કરું છું.

કરસનદાદા સ્ટેજ પર ચઢ્યા. ખરેખરતો બેત્રણ જણાએ ઉંચકીને ચઢાવ્યા. એણે માઈક હાથમાં લીધું. મંગુ સામે જોઈને બોલવાનું શરૂ કર્યું.

‘મંગા, મને  સ્ટેજ પર ન બોલાવ્યો હોત તો સારું થાત. છોકરાંઓ મારે પણ અભિનંદનતો આપવા જ પડશે, પણ ભાજપને નહિ. હું અભિનંદન આપીશ ઈ.વી.એમ. મશીનને. આ રમકડાને કારણે જ ભાજપ જીત્યું છે.

ઓડિયન્સમાંથી કોઈક મહિલાએ બુમ પાડી “દાદા મતપેટીઓનું અપહરણ થાત તો ભાજપ ન જ જીતતે.”   પણ દાદા બોલતા હોય ત્યારે એના કાન બંધ હોય છે.

એમણે બોલવાનું ચાલુ રાખ્યું. ‘આ ક્યાં ભાજપની જીત છે? મોટાભાગના તો શાહે કરોડોમાં ખરીદેલા અમારા કોંગ્રેસીઓ જ છે. એટલે કહીશ કે આ જીત સંપૂર્ણ જીત નથી. આજની ઇંડિયાની પ્રજા મતિભ્રષ્ટ થઈ ગઈ છે. અમારો છોટે સરદાર હાર્દિક પટેલ કહે છે તે પ્રમાણે, આ ઈલેક્શનમાં કોંગ્રેસ હારી નથી. બેરોજગારી હારી છે; શિક્ષણ હારી ગયું છે. ખેડૂતો હાર્યા છે; મહિલાઓનું સન્માન હાર્યું છે; આશા હારી છે. હાર્દિકે કહ્યું હતું કે ‘સાચું કહું તો હિંદુસ્તાનની પ્રજા હારી છે.’

દક્ષિણ ભારતની પજા શિક્ષીત છે. કેરળમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા. તામિલનાડુ અને આંધ્રમાં યે ભાજપે શું કાંદા કાઢ્યા છે? 

ઓડિયન્સમાંથી ‘બૂઉ’ થવા માંડ્યું.

મંગુએ ધીમે રહીને દાદાને કહ્યું દાદા હજુ એક બે વક્તાને બોલવાનું છે. ધીમે રહીને એમના હાથમાં થી માઈક લઈ લીધું અને સ્ટેજ પર જ ખુરશીમાં બેસાડી દીધા.

મોટુએ માઈક હાથમાં લીધું.

‘આ ઈલેક્શનની બીજી એક ફલસ્તુતિ છે કે વર્ષોથી ચાલતો વંશવાદ મરી પડ્યો છે કે મરણતોલ હાલતમાં છે. પોલિટીશીયનોના છોકરાંઓ ચૂટાશે જ એની કોઈ ખાત્રી નથી. હવે જેઓ સોશ્યલ મીડિયા પર એકટિવ છે તેઓ તો જાણે જ છે પણ જેઓ નથી તેમને માટે હું થોડી સોશ્યલ મીડિયા પર વહેતી વાતો જણાવીશ.’

કોંગ્રેસકા ચુનાવ આયોગ પર લગાયા આરોપયે ૨૦૧૪ કી હી મશેને ખોલ રહે હૈ.’

ડોનાલ્ટ ટ્રંપે મોદીને ફોન કરીને અમેરિકાની ૨૦૨૦ની ચૂટણીના પ્રચાર માટે અમિત શાહ ખાલી હોય તો મોકલો.

પોલિટિકલ સાયન્સમાં વાંચ્યું હતું કે બધા એમ.પી. મળીને પી.એમ. બનાવે છે પરંતુ ૨૦૧૯માં તો એક પી.એમ. ૩૦૦ થી વધારે એમ.પી. બનાવ્યા.

કેજરીવાલને જેટલા લાફા પડ્યા એટલી તો મારો હાળો સીટ પણ લાવ્યો નહિ.

હાવ ઇઝ જોસ, .વી.એમ ઈઝ બોસ.

મહેરબાની કરીને રાહુલની મજાક કરવાનું બંધ કરો. ૧૪૩ વર્ષની જૂની પાર્ટીને એકલા હાથે ઠેકાણે પાડી દેવી કોઈ ખાવાનો ખેલ નથી .

પરિણામ ગમે તે આવે, તમારા કામ ધંધા ચાલુ રાખો. મોદી કે રાહુલ તમારી લોનના હપ્તા ભરવા નહિ આવે. ઘર તમારે ચલાવવાનું છે. બન્ને તો બૈરા છોકરાં વગરના છે.

‘મિત્રો આ વિજય ઉજવણી માત્ર ભાજપની જીતની જ નથી. મારા ભાઈ છોટુ ઉપર મારા પ્રેમનો વિજય પણ થતો છે. આજે છોટુએ કોંગ્રેસને તલ્લાક આપ્યા છે. હું મારા વ્હાલા ભાઈ છોટુને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું.’

છોટુ જરા મુઝાયલો દેખાયો. ખુરશી પરથી ઉઠવામાં વિચાર કરતો હતો પણ એની મોદી બ્રાંડ સાડી પહેરેલી વાઈફ એને ઘસડીને સ્ટેજ પર લઈ ગઈ. મોટુએ છોટુને ભાજપનો ખેસ પહેરાવ્યો. એક કમળનું ફુલ આપ્યું. અને ભાજપમાં વટલાવ્યો. છોટુનો પક્ષ પલટો થઈ ગયો. છોટુ પાસે મોટુએ કમળ કેઇક કપાવી.

‘બસ તો હવે મારે તમારો કિમતી સમય ભાષણ બાજીમાં પુરો નથી કરવો. હું આપના વડીલ શાસ્ત્રી અંકલને બે શબ્દો કહેવા વિનંતી કરું છું.’

મારી બોલવાની ઇચ્છા કે આવડત નથી પણ ચંદુએ અને મંગુએ મને સ્ટેજ પર ઘસડ્યો.

‘વ્હાલા દોસ્તો. હું વક્તા નથી. પોલિટિક્સ એ મારો વિષય નથી. ભારતમાં મત આપવાનો અધિકાર નથી. કોઈ પાર્ટી સાથે મારું એફિલિયશન નથી. મારે અંગત રીતે કશું કહેવા પણું નથી. લોકશાહીમાં બહુમતીથી ચૂંટાયલી સરકારને એમના એજંડા પ્રમાણે કામ કરવાની તક મળવી જોઇએ. એમાં રોડા ન નાંખવા જોઈએ. ખેલદિલીથી હારનો સ્વીકાર કરીને બીજા કેમ જીત્યા તેને બદલે પોતે કેમ હાર્યા એનું મંથન કરવું જોઈએ. મારા એક મિત્રે ફેસબુક પર એક સરસ વાત લખી છે.’

‘હાર પચાવતા આવડવી તેનાં કરતાં જીત પચાવી બતાવવી એ વધું સંસ્કારી અને સભ્યતાની વાત છે. એલફેલ વાણીવિલાસ અને ગાળાગાળીને કારણે વિરોધીને ઐતિહાસિક પછડાટ આપી મેળવેલી મહાન જીત પણ સાવ નિમ્ન અને સ્ટ્રીટ ફાઈટ જેવી બની જતી હોય છે.‘

‘પાર્ટી મુખિયાઓની કુશળ રાજનીતિ અને જમીની કાર્યકર્તાઓની તનતોડ મહેનતને ભરપૂર ઉજવવાનો અવસર એ વિજય દિવસ હોય છે તેને શાલીનતાથી “દરેક જીત વિજયાદશમી” જેમ ઉજવી શકાય પણ અમુક છાંટકા લોકોની છિછોરી હરકતોને કારણે મહાન પક્ષોને પણ છોભીલું બનવું પડતું હોય છે.’

‘એટલે જ વિક્ટરી સ્પિચની ઈતિહાસને હંમેશા નવાઈ રહી છે અને બને તેટલી વિજયનાદની નોંધ પણ રખાઈ છે. મહાન બનવા જઈ રહેલી એ ક્ષણો ઉત્સાહના અતિરેકમાં ભાન ભૂલેલી છંટાયેલી વ્યક્તિઓ સમય પહેલાં મોળી બનાવી દેતી હોય છે.’

‘મારા મિત્રની આ એક ખુબ જ સમજવા જેવી વાત છે. આપણે સો અમેરિકામાં છીએ. આપણા અહિના રોજ બરોજના જીવનમાં ભારતની સરકાર કરતાં અમેરિકાની સરકારની અસર વધુ પડે છે. અમેરિકામાં ૨૦૨૦ના ઈલેકશનના ઢોલ વાગે છે. જો સીટિઝન હો તો સમજીને મત આપવો જરૂરી છે. મિડીયામાં થતી વાતોનો અભ્યાસ કરજો અને મતદાન જરૂરથી કરજો. જય હિંન્દ અને ગોડ બ્લેસ અમેરિકા,’

હું બોલ્યો તો ખરો પણ કોઈએ સાંભળ્યું જ નહિ. ડિનર શરૂ થઈ ગયું હતું. હું બોલ્યો પણ તાળી પાડવા ઓડિયન્સમાં કોઈ જ નહતું. બધા ફુડની લાઈનમાં ઘૂસ મારતા હતા. તો બીજી બાજુ લાઈવ પંજાબી ઢોલ ધમતા હતા. ભાંગરા શરૂ થઈ ગયા. અને આ કાંઈ ગુજરાત થોડું છે? ઓપન બારમાં યુવાનો મોજ માણતાં હતાં. એ ભાજપની શાનદાર વિકટરી પાર્ટી હતી.

પ્રગટ “તિરંગા” જુન ૨૦૧૯

 

 

2 responses to “છોટુનો પક્ષ પલટો

  1. pravinshastri June 11, 2019 at 6:30 AM

    ઽઅભાર મનસુખભાઈ

    Like

  2. મનસુખલાલ ગાંધી June 11, 2019 at 12:37 AM

    પોલીટીક્સની બન્ને પાર્ટીનું તો તમે બરાબરનું ખરૂ પોસ્ટ્મોર્ટમ કરી નાંખ્યું,, ક્યાંથી ક્યાં લઈ ગયા…મજા તો આવીગઈ..પણ, અફસોસ કે તમારા અફલાતુન ભાષણ ભલે કોઈએ સાંભળ્યું નહીં પણ, મેં તો બરાબરનું બે વાર વાંચ્યું….!!!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: