બંગલી નંબર ૧૩ [વાર્તા પ્રવીણ શાસ્ત્રી]

New photo 1

પ્રવીણ શાસ્ત્રી

બંગલી નંબર ૧૩

Image result for handsome hairdresser

અમારી આખી સોસાયટીની મહિલાઓ તેર નંબરની “મારુતી” બંગલીની આગળ આંટા ફેરા કરતી થઈ ગઈ. આ સલ્લુભાઈ ના ઘરમાં ગોરકીનો પ્રવેશ? અને ઘરમાં ત્રણ બાળકોની દોડધામ? કોઈને સમજાતું ન હતું કે સલ્લુભાઈએ કોને ઘરમાં ઘાલી? મહેમાન હોય તો કલાક બે કલાકમાં પાછી જાય પણ આ તો ગઈકાલે બપોરની આવી હતી. રાત પણ એને ત્યાં જ રહી હતી.

તમે મને ચોક્કસ પુછવાના જ કે મામલો શું છે.

વાત એમ છે કે બાર નંબરના બંગલામાં હું રહું, તેર નંબરની ત્રણ રૂમની નાની બંગલીમાં અમારો સોમલો ઉર્ફે સલ્લુભાઈ રહે અને ચૌદ નંબરના બંગલામાં  ચોર્યાસી વર્ષના ચંપાબા રહે. સોસાયટી બંધાયલી ત્યારથી ચંપાબા સોસાયટીમાં જ રહેલા. તેર નંબરનો પ્લોટ કોઈ પણ લેવા તૈયાર નહિ. છેવટે હિરાલાલ બિલ્ડરે એ પ્લોટ એના ગોર ગૌરીશંકરને દક્ષિણામાં આપેલો અને ત્રણ રૂમની બંગલી બાંધી આપેલી. ગૌરીશંકર અને ગંગાબાને આગળ પાછળ કોઈ જ નહિ. ગૌરીશંકર, સોસાયટીના પચ્ચીસ ત્રીસ ઘરોમાં પૂજા પાઠ કરાવે અને જીવવા પુરતું સીધુ સામાન મળી રહે.

એક નંબરમાં રહેતા બિલ્ડર હિરાલાલ શેઠ ખમતા આસામી અને ઉદાર દિલના માણસ એટલે બે પાંચ પૈસાની જરૂર હોય તો ગૌરીશંકરની જ્રરૂરીયાત સંતોષાઈ જતી. ગોર બંગલીમાં રહેવા આવ્યા અને માત્ર તેર મહિનામાં જ ગંગાગોરાણીએ સ્વર્ગાગમન કર્યું. ગૌરીશંકરે એના ગામની એક યુવાન રૂપાળી વિધવા સાથે પુનર્લગ્ન કર્યા. સધવા બનેલી વિધવા ગોરાણીને એક દશ વર્ષનો રૂપાળો દીકરો પણ હતો. તેર મહિનામાં રૂપાળી ગોરાણી પોતાના સગા દીકરા સોમલાને મૂકીને સોસાયટીમાં શાક વેચવા આવતા ફેરિયા સાથે નાસી ગઈ.  આ નાનપણનો સોમલો મારો મિત્ર અને પાડોસી તે આજનો સલમાન, સલ્લુ , ભાઈજાન કે હનુમાન.

મા નાસી ગઈ એટલે ગૌરીશંકરે દયા ભાવથી પારકા છોકરા સોમલાને પોતાનો કરી ઉછેર્યો. સોમલાએ પણ દાદાની ઉમ્મરના સાવકા બાપની ખુબ સેવા કરી હતી. ડોસા મર્યા ત્યારે હિરાલાલ શેઠને સોમલાની સંભાળ રાખવાનું કહી ગયા હતા. સોમલો હિરાલાલ શેઠને દાદા કહેતો હતો.

સોમલો હેન્ડસમ હતો. સોસાયટીની ભાભીઓ, કાકીઓ, માસીઓ, દાદીઓનો વ્હાલો હતો. બધાનું દોડીને કામ કરતો. એ સ્કુલમાં તો ગયો જ ન હતો. સોસાયટીના બધા મોટાભાઈઓ, કાકાઓ દાદાઓની સેવા મસ્કામાં એનો દિવસ પસાર થતો. સવારે વહેલા ઉઠતો. ઘરમાં જ હનુમાનજીનો મોટો ફોટો હતો. એના પર આંકડાના ફૂલનો હાર ચઢાવતો. દીવો કરતો અને બંગલીને ઓટલે જ શર્ટ વગર દંડ બેઠક કરતો. મગદળ ફેરવતો વિગેરે દેશી કસરત કરી પરસેવો રેલાવતો. એને જોઈને યુવાન છોકરીઓના મોંમાંથી સિસકારા સાથે “વાઉવ”, “ઓહ માય ગોડ” વગેરે આહ સરી જતી. પણ બસ એટલું જ. આજકાલની છોકરીઓ સમજદાર હોય છે. એકલું રૂપ અને સિક્સ પેક ના જોવાય, ભણતર અને પૈસો પણ ઈંપોર્ટન્ટ હોય છે. સોમલાકા ગુજારા તો હિરાલાલ શેઠ ઔર સોસાયટી વાલેકી મહેરબાની સે હી ચલતા થા. બિચારો પચ્ચીસ વર્ષે પણ કુંવારો હતો. અને નોકરી ધંધા વગરનો હતો.

એક દિવસ હિરાલાલને ત્યાં શ્રાદ્ધને દિવસે સોમલો બ્રહ્મભોજન માટે ગયો હતો. શેઠજીએ એને પ્રેમથી પાસે બેસાડ્યો. સો રૂપિયા દક્ષિણા આપી. હળવેથી કહ્યું; ‘દીકરા સોમલા, તુ બામણનો દીકરો છે. પણ ગરીબ બામણની જેમ ભિક્ષા માંગી પેટ ના ભરાય. તને એક પણ મંત્ર આવડતો નથી. તુ કહે તો હું તને સંસ્કૃત પાઠશાળામાં દાખલ કરાવી આપું. યજમાનવૃત્તિનુંકામ શીખી જા. એમાથી પણ આજે તો બ્રાહ્મણો ઘણું કમાય છે. કમા અને પરણ અને સંસાર માંડ.’

‘પણ દાદા, એમાંતો સંસ્કૃત આવડવું જોઈએ. બાપાએ શીખવવાની શરૂઆત કરેલી. મને અઘરા અઘરા મંત્રો ગોખાવેલા પણ યાદ જ નહોતા રહેતા. મને નથી આવડતું. અને મને એમાં રસ નથી.’ સોમલાએ વિવેક પુર્વક સ્પષ્ટ ખુલાસો કર્યો.

‘જો એ ન કરવું હોય તો પાડા જેવું શરીર બનાવ્યું છે તો મજુરી કર.’ શેઠજી જરા અકળાયા અને અવાજ ઊચો થયો. ગુસ્સે થઈને કહ્યું ‘જેકરવું હોય તે કર, કાલથી તારું સીધું બંધ.’

‘પણ દાદા નોકરી પણ મળતી નથી. મેં શોધવા પ્રયત્ન કર્યો જ હતો.’

 સોમલો જૂઠું નહોતો બોલતો. બિચારાએ ટ્રાય તો કરી જ હતી. મેં પણ મારી ઓફિસમાં પીયુન તરીકે નોકરી માટે મેનેજરને વાત કરી હતી; પણ આઠ ધોરણ મિનિમમ ક્વોલિફિકેશન તો જોઈએ જ. અને બી.એ. એમ.એ થયેલા મળતાં હોય ત્યાં સોમલાનું શું ગજુ?

‘બોલો દાદા, શું કરું?’ શેઠજી કંટાળ્યા. ‘જા હજામત કર’ શેઠના મોંમાંથી નીકળી ગયું. સોમલાને ખરેખર લાગી આવ્યું. મારી અને સોમલાની ઉમ્મરનો જ અમારી ક્રિકેટ ટીમનો નાનપણનો ખેલાડી દાઉદની હેર કટિંગ સેલુન હતી. એ સોમલાના વાળ મફતમાં કાપી આપતો.  સોમલો સીધો પહોંચ્યો દાઉદ પાસે. ‘દાઉદ દોસ્ત મને વાળ કાપતા શીખવ’

‘પગલા હૈ ક્યા? બમ્મનકા બેટા બાલ કાટેગા? ચલ ભાગ યહાંસે’

પણ સોમલો સિરિયસ હતો. એણે તો દાઉદને ત્યાં બાકડા પર પલાઠી લગાવી. આખો દિવસ દાઉદને વાળ કાપતા જોયા કર્યું. બીજે દિવસે સવારે દાઉદના સલુન પર પહોંચી ગયો. દાઉદને ઉંચકીને ખુરસી પર બેસાડી દીધો.

‘એઇ સોમલા, એ તુ ક્યા કર રહા હૈ’

‘મૈં તેરા બાલ કાટુંગા. અગર તુઝે ઠીક ન લગે ઓર બીગડ જાય તો તૂઝે ટકલું બનાઉંગા’

દાઉદ બિચારો થરથર ધ્ર્જતો તો બેસી રહ્યો. વાળ કાપવામાં શું ધાડ મારવાની છે. કોઈના માનવામાં ન આવે પણ, એણે પહેલી જ ટ્રાયલે દાઉદની સરસ હજામત કરી. જાણે પ્રોફેશનલ વાળંદે વાળ કાપ્યા હોય એવા જ વાળ કાપ્યા. ઓફ કોર્સ સાઈડ બર્ન પર અસ્ત્રો લગાવ્યો અને અને દાઉદને લોહી લુહાણ કર્યો હતો એ અલગ વાત છે. એકાદ મહિનામાં તો એ પોતાની સૂઝબુઝથી છોકરાઓથી માંડી યુવાનો અને બુઢ્ઢાઓના વાળ કાપતો થઈ ગયો. દાઉદને ત્યાં મફત ઈંટર્નશીપ કરી એમ કહીયે તો ચાલે.

એક મહિના પછી એને “લેડિઝ હેર એન્ડ બ્યુટિ પાર્લર”માં નોકરી મળી. નોકરીમાં એનો પ્લસ પોઈંટ એનો સલમાન ખાન જેવો દેખાવ. સિક્સપેક બોડી, ખુલ્લા બટનવાળુ શર્ટ અને લેડિઝ સાથેની હળવાશ. મેગેઝિનમાંના ફોટા જોઈ જોઈને સુંદરીઓના વાળકાપી હેર સ્ટાઈલ કરતો થઈ ગયો. કાંઈ લોચો પડે તો એ નવી સ્ટાઈલમાં ખપી જતું માત્ર હેરસ્ટાઇલ જ નહિ પણ ફેઈસ મસાજમાં પણ એક્ષપર્ટ થઈ ગયો. પાર્લર સોમલાને કારણે ફેમસ થઈ ગયું. સોમલો ઓફિસિયલી સલ્લુ કે સલમાન નામે ઓળખાતો થઈ ગયો. પૂજા પાઠનું સંસ્કૃત એને અઘરૂ લાગ્યું હતુ, પણ બોલતાં સંભળતાં અંગ્રેજીમાં ઠોકાઠોક કરતો થઈ ગયો હતો.

પચ્ચીસ પછી ત્રીસ, ત્રીસ પછી ચાલીસ, અને પછી પચાસ પુરા કર્યા પણ સલ્લુ કુંવારો હતો. પરણવાનું નામ જ નહિ લેતો. કોઈ લગ્નની વાત કરે તો કહેતો “જય બજરંગબલી”     

બસ આજે આ જ “મારુતી”બંગલી નંબર થરટીનમાં સોમલો એટલે કે હવે પચાસ વર્ષના સલ્લુને ત્યાં, વર્ષો પછી કોઈ રૂપાળું પરદેશી બૈરું ફરતું હતું. તમને બધાને નવાઈ લાગે જ. એક સમયે સોસાયટીની બધી જ કુંવારી પ્રોસ્પેક્ટિવ લેડિઝે, સોસાયટીના પાંત્રીસ વર્ષના, મોસ્ટ એલીજીબલ સલમાનખાનના હમસકલ, સોમલા પર દાણાં નાખેલા અને લાળ પાડેલી પણ એ સલમાન હનુમાન કહે કે મારે આ બંગલીમાં જ જીવવું મરવું છે. આ બંગલીમાં કોઈ પણ સ્ત્રી તેર મહિનાથી વધારે જીવતી નથી. મારે મારી નજર સામે કોઈ કન્યાને મરતી જોવી નથી. જય બજરંગબલી. બસ પતી ગયું. એક વાર તો બોલીવૂડમાંથી પણ સલમાનના ડૂપ્લિકેટ તરીકે કામ કરવાની ઓફર આવેલી પણ આપણા સોમલાએ વટથી એ ઓફર નકારી કાઢેલી.

ઘણી લેડિઝ કસ્ટમર્સ એની ગર્લફ્રેંડ બની હતી. થોડે થોડે સમયેએ સૌ મહિલા મિત્રો પરણી જતી અને એની જગ્યાએ નવી આવતી,  એની સાથે હરતો ફરતો, ખાતો પીતો પણ આજ સુધીમાં કોઈએ અમારા સુપર હેરસ્ટાર સોમલા સામે “મી ટૂ” ની ફરિયાદ નોંધાવી નથી.  એ બ્રહ્મચારી રહ્યો હતો કે કેમ એવી અંદરની વાત તો આ હનુમાનના રામ જ જાણે પણ “ચારિત્ર્યનો ચોખ્ખો” બામણ એવી છાપ જળવાઈ રહેલી.

ચૌદનંબરના એના પાડોસી ચંપાદાદીએ ખાનગી અને જાહેર રીતે સોમલાને કહેલું કે ‘ગમે તેને એકને ઘરમાં ઘાલ અને છોકરા છૈયા વાળો થઈ જા. આ બધા પસાને શું ચાટવાનો છે?’ તને આ બંગલીનો વ્હેમ છે તો બીજે રહેવા જા પણ મૂઆ પરણી જા.’ સોમલાએ ચંપા ડોસીની સલાહ પ્રમાણે સેટેલાઈટ એરિયામાં એક લક્ઝરી ફ્લેટ વેચાતો લઈ લીધો પણ રહેવાનું તો એ બંગલીમાં જ રાખેલું. મિત્રોને ભેગા કરી જલસા કરાવતો. પણ એ પોતે ખાવાપીવામાં પણ ચોખ્ખો ભુદેવ રહેલો.. સરસ કન્વર્ટેબલ કાર પણ લઈ .રાખેલી. સોસાયટીની છોકરીઓને મફતમાં કે ડિસ્કાઉન્ટમાં હેરસેટ કરી આપતો. વીશ પચ્ચીસ વર્ષની સોસાયટીની દીકરીઓ પણ હવેતો એને સલ્લુ અંકલ કહેતી થઈ ગયેલી.

હવે એ જ સલ્લુની બંગલીમાં  કાલે કોઈ યુરોપીયન ગોરી રૂપાળી લલના આવીને રાત પણ રહી હતી. ત્રણ જોડિયા (ટ્રિપલેટ) બાળકો દોડતા હતા અને સલ્લુ ભાઈજાનને ખભે ચઢતાં હતાં. સોસાયટીના બૈરા તો શું માટિડાઓને પણ આશ્ચર્ય થતું હતું અને તેરનંબરની બંગલીની આજુબાજુ આંટા મારતા હતા.

બીજે દિવસે બપોરે મારા પર હિરાલાલ શેઠનો ફોન આવ્યો. આજે સાંજે છ વાગ્યે સોમલાનો વિદાય સમારંભ રાખ્યો છે. સોસાયટીના કારોબારી સમીતીનીના સભ્યો અને ખાસ મેંમ્બરસને આમંત્રણ આપ્યું છે.     

હું શેઠને ત્યાં ગયો ત્યારે, શેઠનું દિવાનખાનું ચિક્કાર હતું, ઘણી લેડિઝ ઓટલા પર હતી એને બારીમાંથી ડોકીયાં કરતી હતી.  ચૌદનંબરના ચંપાબા એક રિક્લાઈનર પર પ્રમુખ તરીકે બેઠા હતા. સોમલો સલ્લુ પેલી ગોરી ગોરી આધેડ મહિલા પાસેની ખુરશી પર બેઠો હતો. અને મેડમના ત્રણ બાળકો ડાહ્યા થઈને એક સોફા પર બેઠા હતા. બધાના ચહેરા એક સરખા અને સોમલાને જ મળતા આવતા હતા.

‘અબે ભાઈજાન મામલા ક્યા હૈ? કોનસા પ્રોબ્લેમ હૈ.’ મેં સોમલાને બમ્બઈ હિંન્દીમાં પુછ્યું. સોમલો મારો નેક્સ્ટ ડોર નેબર અને મારે  એની સાથે બાળપણની દોસ્તી એટલે આ જ રીતે અમે વાતો કરતા. પણ ચંપાબાએ નાક પર આંગળી મૂકી અટકાવી દીધો. એ ઊભા થયા અને એમણે ભાષણ કરતાં હોય એમ કહેવા માંડ્યું.

‘ભાઈઓ અને બહેનો, “મારુતી” બંગલીના શ્રી સોમેશ્વર ચતુર્વેદી થોડા વર્ષ માટે પરદેશ જઈ રહ્યા છે આજે આપણે એમને શુભેચ્છા પાઠવી વિદાય આપવાની છે. પણ તે પહેલાં હું સોમેશ્વરજીને નમ્ર વિનંતી કરું છું કે એઓ કેમ અને ક્યાં જઈ રહ્યા છે એ આપણને ટુંકમાં જણાવે. આપણે બધા એને મીસ કરીશું જ. મારે માટે તો એ દીકરા સમાન છે.

લો; આજે અમારો પડોસી સોમલો, સલ્લુ, સલમાન, હનુમાન એકદમ માનવંતો સોમેશ્વર ચતુર્વેદી થઈ ગયો, જેને વેદનો એકેય મંત્ર આવડતો ન હતો. આજના ચંપાડોસી એની યુવાનીમાં હાઈસ્કુલના પ્રિન્સિપાલ હતાં.

સોમલો ઉભો થયો.

‘મિત્રો અને સોસાયટીના વડીલો,

મને મિસ ડાયેન તરફથી  એના પોતાના સ્ટુડિયોમાં હેર આર્ટ શીખવા અને શીખવવા માટે સ્પોંસરશીપ મળી છે એટલે હું થોડા વર્ષો માટે પેરિસ જઈ રહ્યો છું. આપની શુભેચ્છા અને આશીર્વાદ મળે એ જ ઈચ્છું છું.’ એને ભાષણબાજી આવડતી ન હતી. એ બેસી ગયો. હિરાલાલ શેઠે એને અને પેલી યુરોપિયન લેડીને હાર પહેરાવ્યો. બાળકોને પણ બુકે આપ્યા.

મેં ફરી પાછો એ જ સવાલ પુછ્યો. મામલા ક્યા હૈ. યે તીન  ફોરેનબંદર તો બીલકુલ તેરે જૈસે હી દિખતે હૈ, ક્યા લફડા કીયેલા હૈ?

બંગલી પર ચાલ. ત્યાં વાત કરીશું. હું એની સાથે એને ત્યાં ગયો. વાત ચાલુ થઈ.

‘અરે દોસ્ત, આ ડાયેન (Diane) ગળે પડી છે. મારે એની સાથે ફ્રાંસ જવું પડશે. માનતી  જ નથી.  મારો સીટીલાઈટનો ફ્લેટ વેચી આપવાની જવાબદારી હવે તારી. મારી બંગલી વેચવાની નથી. પાછો આવીશ ત્યારે જોઈશેને? મારે માટે શુકનીયાળ છે.’

‘આ લે વેચની વાત છોડ અને સીધું ભસ. ડાયેનકે સાથ લફરા ચક્કર ક્યા હૈ? આ બાલબ્રહ્મચારી મારુતીનંદનને એક સાથે ત્રણ ત્રણ મકરધ્વજો?’ બોલ આ તારા જ છોકરાંઓ છેને?’

સોમલાએ  ડોકું હલાવી કન્ફેશન કર્યું. ‘લાગે છે તો એવું જ કે મારા છે.’

‘પેલી સફેદ ભૂતડી કઈ રાતે ભોળા બામણને ભોળવી ગઈ?’

‘ભાઈ આતો ધરમ કરતાં ધાડ પડેલી છે. આ દંડ પીલીને બનાવેલો દેહ શા કામનો? મને આ બંગલીએ સહારો આપ્યો. સોસાયટીના સ્વજનોએ પ્રેમ આપ્યો અને મુજ નિરાધારને પાળ્યો પોષ્યો. એક વાત મને સમજાઈ કે આ બંગલીમાં કોઈ સ્ત્રી વધુ ટકતી નથી. બસ એટલે જ ઈચ્છાઓ હોવા છતાં પરણવાનું માંડી વાળ્યું હતું.‘

‘ભગવાને આ પાડા જેવું શરીર આપ્યું છે એનો ઉપયોગ શું? મર્યા પછી દેહદાનનું તો વીલમાં લખી જ દીધું છે. દર શનીવારે બ્લડ બેંકમાં જઈને નિયમિત બ્લડ આપતો હતો. એક વાર બ્લડ લેતી હતી, એ નર્સે મને કહ્યું માત્ર બ્લડ જ નહિ, શરીરના ઘણાં અંગો જીવતા હોય ત્યારે પણ આપી શકાય છે. ભગવાને જે જે પાર્ટસ બબ્બે આપ્યા છે તેમાનો એક આપી શકાય, દાખલા તરીકે એક કિડની, એકાદ ફેફસાનો થોડો ભાગ, લિવરનો થોડો ભાગ, પેનક્રિયાસ કે આંતરડાનો ભાગ પણ આપી શકાય. બોનમેરો પણ અપાય જ છે. પછી કહે…..

નર્સે નારી છાતી પર હાથ ફેરવતા સમજાવ્યું કે વિર્યનું પણ દાન કરાય છે. ભવિષ્યમાં તમારી પત્નીને કે બીજા કોઈને પણ તંદુરસ્ત શુક્રાણુ બાળક પેદા કરવામાં કામ લાગે. એ પણ સેવાનું કામ કહેવાય. એણે મને થોડી મેડીસીન બોટલ આપી. મહિનામાં બે વાર આ ભરીને સ્પર્મ ડોનેશન લેબમાં આપી જજો. સાથે બધી સૂચનાઓ હતી.

 એના કહ્યા પ્રમાણે વિર્યદાન કરી આવ્યો.  એણે બધી બોટલના લેબલ પર “સુરતી સલમાન” લખ્યું. એક વર્ષ પછી એજ નર્સ એના હસબંડ અને બે બાબા લઈને સલુન પર થેંક્યુ કહેવા આવી હતી. અને હવે આ ડાએન! મને શું ખબર કે મારા દેહના પ્રવાહી ક્યાં ક્યાં પહોંચે છે?’

‘ડાએન છેલ્લા બે વર્ષથી સુરતી સલમાનને સોધતી હતી. એના મનથી એમ કે એના બાબાઓ બોલીવૂડના સલમાન ખાનના દીકરાઓ છે. પણ લેબરેકર્ડમાં ભાઈજાનનું નામ નહિ પણ મારું નામ નીકળ્યું. મેં નકાર કર્યો તો ડીએનએ મારી સાથે મળતા આવ્યા. મારી બોચી પરનો તલ પણ આ છોકરાઓ પર છે. બોલ હવે હું શું કરું?’

‘આ ડાયેન ખૂબ પૈસાદારની દીકરી છે.  બિચારી નાની હતી ત્યારે બે ત્રણ પીધેલાએ એના પર બળાત્કાર કર્યો હતો. એ પુરૂષોથી ડરી ગઈ હતી. અને થોડા સમય માટે ચર્ચમાં નન બની ગઈ હતી. પછી એને બાળકોની ઈચ્છા થઈ. પણ શારીરિક સહયોગ વગર. એણે ઈંડિયાથી બોલિવૂડના સલમાનખાનનાના સ્પર્મનો ઓર્ડર કર્યો હતો પણ લેબોરેટરીએ ગરબડ કરી નાંખી. સુપર સ્ટાર સલમાન ખાનને બદલે મારી બોટલ મોકલી આપી અને મને એક સાથે ત્રણ ફ્રેંચ ગલુડિયાનો બાપ બનાવી દીધો. હવે ડાએન કહે કે છોકરાંઓને પાપા જોઈ છે. એ છોકરાઓ માટે મને પેરિસ લઈ જવા માંગે છે. મારે એની સાથે છોકરાંઓ વીશ વર્ષના થાય ત્યાં સુધી રહેવાનું છે. એ મને પેરિસમાં હેર સ્ટુડિયો ખોલી આપશે. ઉપરાંત એની સાથે રહેવાના મહિને એક લાખ ફ્રેંક એટલે કે મહિને બાર લાખ રૂપિયા મારા ઈંડિયાની બેંકમાં જમા કરશે. હું મારા હેર સ્ટુડિયોમાં જે કાંઈ કમાઉં તે તો મારું જ. છોકરાંઓ પ્પાપા પાપા કરે છે. શું થાય? જવું પડશે. આ ફ્રેંચ લોકો બહુ જીદ્દી. ધારેલું જ કરે અને કરાવે.

‘દોસ્ત તું ફાવ્યો. હવે હનુમાન મટી રોમેંટિક સલમાન બની ગયો.’

‘ના ના. એવું નથી. એની એક ખાસ શરત છે. એની સાથે રહેવાનું પણ એને છેડવાની નહિ. મારું બ્રહ્મચર્ય પણ જળવાઈ રહેશે. આવી તક મને ક્યાંથી મળે? મારા જેવા બજરંગ માટેની ઉત્તમ વાત છે. મારે તમને બધાને છોડીને જવું પડશે. આ છોકરાંઓ વીશ વર્ષના થાય એટલે હું છૂટ્ટો. આ બંગલીમાં આવી જઈશ. મારે માટે તો તેર નંબરની બંગલી ખરેખર ખુબ જ શુકનવંતી છે.’

એ મને ગળે વળગ્યો. મેં વિદાય લીધી.

સાલો  અમારો નશીબદાર સોમલો સલમાન. હું વિચારતો હતો ‘શું એ ફ્રેંચ રૂપાળી સાથે આખી જીંદગી હનુમાન બનીને રહેશે?  પાછો આવશે ત્યારે પુછીશ. પણ એ પાછો બંગલી નંબર તેરમાં આવશે ખરો?’ તમે શું માનો છો?

ગુજરાત દર્પણ. જુન ૨૦૧૯ માટે.

 

5 responses to “બંગલી નંબર ૧૩ [વાર્તા પ્રવીણ શાસ્ત્રી]

 1. pravinshastri June 29, 2019 at 9:24 AM

  જુ ભાઈ, પ્રતિભાવ બદલ આપનો ઘણો આભાર. આપ જેવા બે પાંચ મિત્રોને ગમે એટલે લખ્યું સાર્થક ઘણાય. કુશળ હશો.

  Like

 2. jugalkishor June 27, 2019 at 6:05 AM

  બંગલી ત્રણ જ ઓરડીની હતી પણ આ વાર્તામાં તો એક પછી એક વાર્તાઓ નીકળતી જ જાય છે !! સોમલાના આવ્યા પહેલાંય કેટલી વાર્તાઓ ! અને એના આવ્યા પછીની તો અહોહો !!

  આવા પ્લૉટને તો તમે ધારો તો મહાવાર્તા બનાવી શકો. પૌરાણિક વાર્તાઓ યાદ આવી જાય એવી આ વાર્તા નાની બંગલીના શીર્ષકની સંકડાશમાં સમાવી દીધી એ ખરું, બાકી એને ફેલાવો તો……જવા દો, આમેય એને છેક ફ્રાંસ સુધી તો પહોળી કરી જ છે.

  સોમલાનું પાત્ર ખરેખર સરસ રીતે પ્રગટ્યું છે. એની સ્થિતિનો આટલો વિકાસ બતાવાયો હોવા છતાં એનું મૂળ તત્ત્વ યથાવત રાખી શકાયું છે….વાહ !!

  Liked by 1 person

 3. મનસુખલાલ ગાંધી June 11, 2019 at 12:01 AM

  ખાનગી રાખતું નામ વગરનું ખરુ દાન….!! આજે વળી નવાજ વિષયની વાર્તા… રહસ્યમય તો ખરીજ વળી.. આજકાલની આવતી રડકુ વાર્તાઓને બદલે આવી Happy End વાળી વાર્તા વાંચવાની મજા આવી ગઈ…

  Liked by 1 person

 4. pravinshastri June 10, 2019 at 3:13 PM

  આભાર મનુભાઈ.

  Like

 5. Manu Bhatt June 10, 2019 at 2:23 PM

  This is one of your best stories.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: