સાહિત્યનાં ખખડેલાં ધોરણો-નટવર ગાંધી

સૌજન્યઃ

NatwarGhandhi

નટવર ગાંધી

સાહિત્યનાં ખખડેલાં ધોરણો

જો કે દેશમાં પણ સાહિત્યનાં ધોરણ ખખડી ગયાં છે. ત્યાં પણ જેવું તેવું લખાય છે અને જેવું લખાય છે તેવું જ છપાય છે.  કદાચ આ ટેકનોલોજીનું પરિણામ છે. કહેવાય છે કે આજે ગુજરાતીમાં સેંકડોની સંખ્યામાં બ્લોગ ચાલે છે. જેની પાસે લેપ ટોપ તે હવે લેખક! આના કારણે ગુજરાતી સાહિત્યમાં દ્વારપાલની (door keeper)ની જે અમૂલ્ય પ્રથા હતી તે ભુંસાઈ જવા આવી છે.  એક જમાનામાં કવિ થવું હોય તો બચુભાઈ રાવત કે ઉમાશંકર જોશી જેવા દુરારાધ્ય તંત્રીઓની આકરી પરીક્ષામાંથી પસાર થવું પડે. તો જ કવિતા ‘કુમાર’ કે ‘સંસ્કૃતિ’ જેવા ઉચ્ચ કક્ષાના મેગેઝીનમાં પ્રગટ થવાય. આ દ્વારપાલોને સાહિત્યના ઊંચા ધોરણો અને શ્રેષ્ઠ પ્રથાઓ જાળવવી હતી. 

હું મારી પોતાની જ વાત કરું તો કાવ્યપ્રવૃત્તિમાં મને આવા કોઈ દ્વારપાળ મળ્યા હોત તો મેં જે પહેલા ત્રણ કાવ્યસંગ્રહો (‘અમેરિકા, અમેરિકા,’ ‘ઇન્ડિયા ઇન્ડિયા,’ અને ‘પેન્સિલવેનિયા એવન્યૂ’) પબ્લિશ કર્યાં છે તે ન જ કર્યાં હોત.  જો કે એ તો હવે છૂટી ગયેલા તીર હતાં। મારી એ સમગ્ર કાવ્યપ્રવૃત્તિમાંથી કંઈ બચાવવા જેવું હોય તે તારવીને એક સંગ્રહમાં મૂકવાનું દુષ્કર કાર્ય સૂક્ષ્મ કાવ્યમર્મી વિવેચક ધીરુ પરીખને મેં સોંપ્યું. એ સંવેદનશીલ કવિ મારી મૂંજવણ સમજ્યા અને મિત્રધર્મે મેં લખેલી બધી જ કવિતાઓ વાંચી ગયા અને એમની દૃષ્ટિએ જે સાચવવા જેવું હતું તે સાચવ્યું.  અને તે હવે સંવર્ધિત આવૃત્તિમાં ‘અમેરિકા, અમેરિકા’નામે એક જ વોલ્યુમમાં પબ્લિશ થયું છે.[1]

વધુ દુઃખની વાત એ છે કે આપણે ત્યાં જો શિષ્ટ સાહિત્યની ચોકીદારી કરતા કડક દ્વારપાળ નથી તો જે લખાય છે તે જોડણીની ભૂલો વગર છપાય તેવી એલિમેન્ટરી સંભાળ લે એવા પ્રૂફરીડર પણ નથી.  જોડણીની ભૂલો વગરના પુસ્તકો જોવા એ હવે વિરલ વાત બની ગઈ છે. જૂના જમાનામાં પત્રો નીચે એક તાજા કલમ મૂકાતી, “તા.ક. ભૂલચૂક સુધારીને વાંચવા વિનંતિ.”  મને લાગે છે કે હવે એવી વિનંતિભરી ચેતવણી લગભગ બધા જ ગુજરાતી પુસ્તકોમાં મૂકવી અનિવાર્ય થઈ ગઈ છે. એમ પણ થાય છે કે સ્વામી આનંદ જેવા અત્યંત ચીકણાં લેખક જે એમના પ્રગટ થયેલા લેખોમાં એક પણ જોડણી ભૂલ ન ચલાવી લે તે કદાચ હવે કાંઈ પ્રગટ જ ન કરી શકે.

આજનો ગઝલકાર તો રમત રમતમાં કમ્પ્યુટર પર ગઝલ લખી નાખે અને તુરત વેબ ઉપર પોતાના બ્લોગમાં મૂકી દે.  એને કોણ કહે કે આવું ન લખાય? એને કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી.  અને જો પરીક્ષા ન આપવાની હોય તો પછી તૈયારી કરવાની શી જરૂર?  કશું પણ લખતાં પહેલાં સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓ અને પ્રથાને આત્મસાત્ કરવા જે અસાધારણ પરિશ્રમ કરવો પડે, અઢળક વાંચન અને અભ્યાસ કરવા પડે, એવી સુફિયાણી વાત હવે કોઈ કરતું નથી.  વધુમાં કેટલાક ગુજરાતી લેખકો તો હવે લખતા પણ નથી, લખાવે છે!  જેવું બોલાય, તેવું ટાઈપીસ્ટ ટાઈપ કરે અને તેવું જ પ્રેસમાં જાય!  દર અઠવાડિયે એકાદ બે કોલમ અને દર વરસે બે ત્રણ દળદાર પુસ્તકો પ્રગટ થઈ જાય. આવા ગુજરાતી સાહિત્યકારોના નામે દોઢસો બસો પુસ્તકો તો રમત રમતમાં જ  થઇ જાય! 

જો ગુજરાતમાં કવિ લેખકોની ખોટ નથી તો સુજ્ઞ વાંચકોની તો છે જ. જે વંચાય છે તે બહુધા પુસ્તકો કરતાં છાપાં અને મેગેઝિનો, અને ખાસ તો તેમાં આવતી કોલમો.  મુંબઈની પરાંની ટ્રેનમાં લોકોના હાથમાં પુસ્તકો કરતાં છાપાં અને મેગેઝિનો વધુ જોવા મળે. એક જમાનામાં લોકો રમણલાલ વસંતલાલ દેસાઈ કે કનૈયાલાલ મુન્શીની નવલકથાના દળદાર પુસ્તકો હોંશે હોંશે વાંચતા. હવે મુખ્યત્વે છાપાં કે મેગેઝિનોમાં ધારાવાહિક આવતી નવલકથાઓ વંચાય છે. લોકોનો વાંચવાનો સમય ટીવી અને વિડીયોએ ભરખી ખાધો છે. વધુમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનું શિક્ષણ ક્ષીણ થતું જાય છે. મુંબઈમાં તો ગુજરાતી માધ્યમની શાળાઓનો લગભગ અસ્ત આવી ગયો છે. મુંબઈના ગુજરાતી કુટુંબોમાં ઉછરતી પેઢીના બાળકો ભલે ગુજરાતી બોલે, પણ એમનું ગુજરાતી વાંચન કે લેખન તો નહિવત્ જ થઈ ગયું છે.  ગુજરાતના મોટા શહેરોમાં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓનો મહિમા મોટો છે. આ કારણે શિષ્ટ ગુજરાતી ભાષા સાહિત્યનું ભવિષ્ય એ મોટી ચિંતાનો વિષય છે.

[1] નટવર ગાંધી, ‘અમેરિકા, અમેરિકા,’ સંપાદન : ધીરુ પરીખ, મુંબઈ: ઈમેજ પબ્લિકેશન્સ, 2015

6 responses to “સાહિત્યનાં ખખડેલાં ધોરણો-નટવર ગાંધી

 1. pravinshastri July 25, 2019 at 9:01 PM

  મેં તો સાતમા ધોરણથી અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું હતું. ન તો અંગ્રેજી આવડ્યું. ન તો ગુજરાતી શીખ્યો. સાયન્સ કોલેજમાં ગુજરાતી હતું ખરું પણ માત્ર પાસ થવા પુરતું જ. ભાષાના માર્ક્સ ગ્રેડમાં ગનાતા ન હતા. ૧૯૬૮ પચી તો ગુજરાતી ભાશા અને સાહિત્ય સાથેનો નાતો તૂટી ગયો હતો એમ કહું તો ચાલે. ૧૯૭૦ પચી લખવાનું શરૂ કર્યં. નતવરભાઈ કહે છે તે સાચું જ છે. મારી ભાષા પણ પાંગળી અને લૂલી જ છે. આવડે તેવી બોલીમાં બ્લોગમાં લખ્યા કરું છું.

  Like

 2. pragnaju July 25, 2019 at 4:30 PM

  ગુજરાતના મોટા શહેરોમાં પણ અંગ્રેજી માધ્યમની શાળાઓનો મહિમા મોટો છે. આ કારણે શિષ્ટ ગુજરાતી ભાષા સાહિત્યનું ભવિષ્ય એ મોટી ચિંતાનો વિષય છે. વાત સાચી પણ અનુભવે જીવનની સફળતા માટે વધુ અગત્યની અંગ્રેજી મીડીયમ

  Liked by 1 person

 3. jugalkishor July 22, 2019 at 10:24 PM

  ચિંતાનો વિષય બની ગયો છે આ સવાલ. દ્વારપાલને કોણ ગણકારશે હવે ? અને દ્વારપાલો હવે છે જ ક્યાં ?! તમેય સારા અને અમે પણ સારા. કોમેન્ટોના વાટકી વહેવારોમાં અટવાયાં ગયું છે ગુજ. સાહિત્ય અને એની ભાષા !

  Like

 4. Yashumati Raksha Patel July 22, 2019 at 3:06 PM

  બીજો વાંચવા જેવો લેખ!

  On Thu, Jul 4, 2019 at 9:45 PM પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો wrote:

  > pravinshastri posted: “સૌજન્યઃ નટવર ગાંધી સાહિત્યનાં ખખડેલાં ધોરણો જો કે
  > દેશમાં પણ સાહિત્યનાં ધોરણ ખખડી ગયાં છે. ત્યાં પણ જેવું તેવું લખાય છે અને
  > જેવું લખાય છે તેવું જ છપાય છે. કદાચ આ ટેકનોલોજીનું પરિણામ છે. કહેવાય છે કે
  > આજે ગુજરાતીમાં સેંકડોની સંખ્યામાં બ્લોગ ચાલે છે. જે”
  >

  Like

 5. pravinshastri July 5, 2019 at 8:39 AM

  એમની જીવનકથા એટલે અમેરિકામાં મારો જીવનકાળ. એમના જીવનની વાત અને વિચારો મને પ્રેરણાદાયક લાગ્યા એટલે એમની આત્મકથા મારા આ બ્લોગમાં સમાવી દીધી છે..

  Like

 6. jugalkishor July 4, 2019 at 10:53 PM

  સરસ, પ્રવીણભાઈ.
  આવાં લખાણોની તાતી જરૂરિયાત છે. બહુ સારો શબ્દ પ્રયોજ્યો છે શ્રી નટવરભાઈએ – દ્વારપાલ !!

  આભાર.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: