Image result for abhesinh rathod

વર્ષ ૧૯૯૦ના દશકમાં અમદાવાદ મ્યુનીસીપલ કૉર્પોરેશનમાં એક શિરસ્તો પ્રસ્થાપિત થયેલો જેમાં દર વર્ષે ૧૪મી એપ્રિલના રોજ આંબેડકર જંયતીથી શરુ થતા એક સપ્તાહને સમરસ સપ્તાહ તરીકે ઊજવવામાં આવતું અને એ એક સપ્તાહ દરમ્યાન દરરોજ રાત્રે શહેરના જુદાજુદા વિસ્તારોમાં જાહેરમાર્ગો પર ડાયરાના ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવતા. મોડી રાત સુધી ચાલતા આ કાર્યક્રમોમાં લોકોની ભારે ભીડ ઊમટતી કારણ લોકસંગીતના લગભગ તમામ વિખ્યાત કલાકારોને અમે આમંત્રણ આપીને બોલાવતા. 

અમદાવાદ મ્યુનીસીપલ કૉર્પોરેશનના આ આયોજનની જવાબદારી અમારે શિરે રહેતી. અમારા આ મંચ પરથી સર્વ શ્રી પ્રાણલાલ વ્યાસ, બાબુલાલ રાણપરા, અભેસિંહ રાઠોડ, ભીખુદાન ગઢવી, હરસુર ગઢવી, બાલકૃષ્ણ દવે, પ્રફુલ્લ દવે, દિવાળીબહેન ભીલ, કરશન સાગઠીયા, દમયંતી બરડાઈ, ભારતી કુંચાલા, હાજી રમકડું, જેવા અનેક કલાકારોએ લોકસંગીતની રસલ્હાણ કરાવી હતી. ત્યારથી હું આ બધા જ કલાકારોના સંપર્કમાં હતો. 

આજથી બે વર્ષ પૂર્વે ન્યૂ જર્સીમાં ગુજરાત દર્પણની સાહિત્ય સભામાં અમારા મિત્ર શ્રી નવનીતભાઈ શાહ અમારા ખૂબ ગમતા કલાકાર શ્રી અભેસિંહભાઈ રાઠોડને લઈ આવેલા. અમારા કાર્યક્રમો યોજાતા એ તો ખાસ્સા ૨૫ વર્ષ પહેલા એટલે સ્વાભાવિક કેટલીક ઘટનાઓ સ્મૃતિશેષ થઈ જાય. પણ હું અભેસિંહભાઈની સ્મૃતિને એ વર્ષો સુધી પાછળ દોરી ગયો અને એ જેવી ઘટનાઓ સ્મૃતિમાં ઊભરી આવી તો અભેસિંહભાઈના રાજીપાનો પાર ના રહ્યો. 

બરાબર બે વર્ષ પછી મિત્ર શ્રી શૈલેશ સાવલિયા ન્યૂ જર્સીમાં લોયાધામ પંચાબ્દ મહોત્સવની ઉજવણીમાં અમારા આ મિત્ર અને અમારા ખૂબ ગમતા કલાકાર શ્રી અભેસિંહભાઈને લઈ આવ્યા. અમે આ તક ઝડપી લીધી અને રેડિયો દિલનાં છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમ માટે એમની સાથે એક દીર્ઘ વાર્તાલાપ કર્યો.

આવા એક સાવ સહજ અને ઉમદા ઇન્સાન વિશ્વપ્રસિદ્ધ કલાકાર શ્રી અભેસિંહભાઈના વ્યક્તિત્વનો પરિચય કરાવવાની લાલચ રોકી શકાય એવી નથી.

સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડનું નામ વિશ્વ સમસ્તમાં ગાજતું કરનાર અને જેમનું ખુદનું નામ પણ ગુજરાતના લોકકલા અને શિક્ષણ જગતમાં ખૂબ આદર અને અદબથી લેવાય છે એવા લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડે ગુજરાતના લોકગીતોને એનાં મૂળ ઢાળમાં ગાઈને સમસ્ત વિશ્વમાં પહોંચાડવાનું એક ભગીરથ અને અમૂલ્ય કામ કર્યું છે. ગુજરાતના લોકસાહિત્ય અને લોકકલાસંસ્કૃતિ માટે આવાં ઉપકારક કર્તૃત્વથી અભેસિંહ રાઠોડના બુલંદ અવાજને ઇતિહાસ હંમેશાં યાદ રાખશે. 

ગુજરાતની અંદર ગુજરાતને ટોડલે બહુ ઓછા અભ્યાસુ અને કલાકાર છે કે જેમને રાષ્ટ્રીય શાયર અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી ઝવેરચંદ મેઘાણીનું સમગ્ર સાહિત્ય કંઠસ્થ હોય પણ આ એક જ કલાકાર છે જેમને એ સઘળું કંઠસ્થ છે. 

અભેસિંહ રાઠોડ એટલે ગુજરાતી લોકકલા અને લોકસંગીતના મોખરાના કલામર્મી.
અભેસિંહ રાઠોડ એટલે ગુજરાતી લોકસંગીતની મોંઘેરી જણસ….

અભેસિંહ રાઠોડ એટલે ગગન ગજાવનારો લોકસંગીતનો કસુંબલ ગાયક…
અભેસિંહ રાઠોડ એટલે લોકસંગીતના ચાહકોના મનમયુરને થનગનાટ કરાવનાર અષાઢી ગાયક…
અભેસિંહ રાઠોડ એટલે કંઠ કાવ્ય અને કહેણીનો કીમિયાગર.

ગુજરાતના ભાલ નળ કાંઠા પ્રદેશમાં આવેલ બોટાદ જીલ્લાના સરવા ગામે સાવ સામાન્ય ક્ષત્રિય ખેડૂ પરિવારમાં જન્મેલા અભેસિંહ રાઠોડનું બાળપણ અભાવોમાં ગુજરેલું. નાનકડા ગામના અભણ ખેડૂ માવુભા અને અભણ માતા પોતાના આ વ્હાલસોયાનાં ઉજ્વળ ભાવિની હંમેશાં કામના કરતાં. સાવ નાનકડા અભેસિંહના કંઠમાં માતા સરસ્વતી બિરાજમાન છે એની પ્રતીતિ તો શિક્ષકોને બહુ વહેલી થયેલી અને એટલે જ તો બાળ અભેસિંહને પહેલા ધોરણથી જ શાળામાં ગવડાવતા. ગામના પાદરે આવેલી નિશાળના મેદાનમાં દર શનિવારે યોજાતી સમૂહપ્રાર્થનામાં બુલંદ અવાજે ગાતા નાનકડા અભેસિંહનો અવાજ સાંભળતા જ પાદરને કુવે થી છલોછલ ભરેલી હેલ ઊંચકીને જતી પનિહારીઓનાં પગ ત્યાંજ ખોડાઈ જતાં….અભેસિંહનું ગાયન સાંભળવામાં તલ્લીન થઈ જતી પનિહારીઓને માથે ઊચકેલા પાણીના ભારનીય પરવા ના રહેતી. 

પ્રકૃતિને અનહદ ચાહનારા અભેસિંહને જીવનમાં એક જ વાર સાવ નાની ઉંમરે એમના ગાયનને લઈને દુર્ભાવપૂર્ણ વ્યવહારનો સામનો કરવો પડેલો. પોતાના ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને હાઇસ્કુલ કરવા ધંધુકા તાલુકાના ખાડોલ ગામે ગયા. ખાડોલની પાસે આવેલા રાયકા ગામથી રોજ અપ ડાઉન કરતા. રોજ ૬ કિમી જવાના અને ૬ કિમી આવવાના. કમનસીબી એ હતી કે અભેસિંહને મનગમતું સંગીતનું વાતાવરણ ત્યાં હતું જ નહિ. શાળાના શિક્ષકોને ગીત સંગીત પ્રતિ રુચી જ નહિ. હાઇસ્કુલમાં ગાવા મળે નહી એટલે જીવ મૂંઝાતો હતો. પણ પ્રકૃતિને ખોળે ઊછરેલો બાળક અભેસિંહ રોજ વગડેથી પસાર થતા મોટા અવાજે લોકગીતો ગાય. એમની શાળામાં એક શિક્ષક વધારે પડતા શિસ્તના આગ્રહી. હવે એક દિવસ અભેસિંહનું મોટા અવાજે ગાતા ગાતા જવું અને એ શિક્ષકનું એજ વખતે ત્યાંથી પસાર થવું. બસ બીજા દિવસે શાળાના સાત શિક્ષકોએ બાળક અભેસિંહને ખૂબ માર્યા. પણ ખુમારીવાળા આ છોકરાએ સામે પૂછી લીધું કે મારો શું વાંક છે..? શિક્ષકો પાસે એક જ વાહિયાત જવાબ હતો “ આવી રીતે રાગડા તાણતા રસ્તેથી જાવ તો શાળાનું નામ બગડે.” બસ પછી તો આજની ઘડીને કાલનો દિવસ…. અભેસિંહે એ શાળા છોડી દીધી…બીજી શાળામાં ગયા પણ ત્યાંય એવુંજ હતું….સંગીત માટે કોઈ વાતાવરણ જ નહિ. 

હાઇસ્કુલ પતી અને બોટાદમાં કવિ બોટાદકર કૉલેજમાં એડમીશન લીધું. બોટાદકર કૉલેજમાં એમને માલવી ગુરુ શ્રી રામદાનભાઈ ગઢવી મળી ગયા. એમણે અભેસિંહનું ગાયન સાંભળ્યું અને અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરવા સાથે એમણે કૉલેજમાં એ જ્યાં સુધી ભણે ત્યાં સુધીની તમામ ફી માફ કરી દીધી…પુસ્તકો પણ બુકબેંકમાંથી મળવા માંડ્યાં… રામદાનભાઈ ગઢવીએ બધી જ સુગમતા કરી આપી. બોટાદકર કૉલેજમાં સંગીતને અનુકૂળ વાતાવરણ મળ્યું અને વિદ્વાન દોસ્તો પણ ત્યાંજ મળ્યા. સમર્થ સાહિત્યકાર શ્રી બળવંત જાની, પૂજ્ય મોરારી બાપુનાં અત્યંત વિશ્વાસુ એવા કવિ શ્રી હરિશ્ચંદ્ર જોશી તથા ગુજરાતી કવિઓમાં આજે અગ્ર હરોળમાં બિરાજતા શ્રી વિનોદ જોશી મળ્યા. અભેસિંહના સહાધ્યાયી શ્રી વિનોદ જોશીની તાજી કવિતાઓ, અભેસિંહનું ગાયન, કૉલેજના પટાવાળા ભાઈની તાલસંગત અને ક્લાર્ક દિનેશભાઈની સુરસંગત સાથે તમામ અધ્યાપકો એ સૌની ગોષ્ઠી મંડાય અને એમ એ કલામંડળમાં રોજ ગીત- સંગીતની મહેફિલ જામે. 

જીવનનો સંયોગ કહો કે ઝવેરચંદ મેઘાણીજી સાથેનો પૂર્વજન્મનો કોઈ ઋણાનુબંધ પણ ત્યારથી અભેસિંહનાં જીવનના વળાંકો જ એવાં રચાયા કે એ જઈને મેઘાણી સુધી પહોંચે. બોટાદ એ મેઘાણીની કર્મભૂમિ છે અને અભેસિંહ, જીવનનું પહેલું પગથિયું પણ અહીંથી જ ચડે છે. 

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતીની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. અભેસિંહે જીવનનો પહેલો જાહેર કાર્યક્રમ બોટાદ હાઇસ્કુલના મેદાનમાં હકડેઠઠ મેદની વચ્ચે આપ્યો અને એમાં મેઘાણી રચિત ગીતો એનાં મૂળ ઢાળમાં ગાયાં…પ્રેક્ષકોની ખૂબ દાદ મળી…અનેક ગીતો પ્રેક્ષકોએ વારંવાર ગવડાવ્યાં. અભેસિંહભાઇ કહે છે ” પ્રેક્ષકોનો ઉમળકો અને આવકાર પામીને ધન્યતાનો ભાવ મનમાં આવ્યો એ સાથે મારા સંગીતનું મૂલ્ય લોકો સમજ્યા હોવાનો અને એની કદર થઈ હોવાનો અહેસાસ થયો..” બસ એ દિવસથી લોકસંગીત અને લોકગાયનના ક્ષેત્રમાં પગરણ માંડ્યાં. બોટાદકર કોલેજે અભેસિંહને એક આગવી ઓળખ આપી.

અભેસિંહભાઈના ભાવી જીવનની બે મહત્વની ઘટનાઓ આ એક જ દિવસે આકાર પામે છે. એક તો એ અભેસિંહમાંથી લોકગાયક અભેસિંહ રાઠોડ તરીકે ઓળખાયા અને પ્રારંભે એ પંથકમાં પંકાયા અને બીજું ત્યારથી લઈને અવિરતપણે મેઘાણીજીનાં ગીતોને સંપૂર્ણપણે સમજીને એના વિદ્યાર્થી બની રહ્યા અને આજીવન એના અભ્યાસમાં સતત રમમાણ રહ્યા. 

પંચાળની ભૂમિના ક્ષત્રિય પરિવારના આ સંતાનનાં સંસ્કાર અને ઘડતરમાં અભણ માબાપે સહેજ સરખીએ ચૂક થવા દીધી નથી. માનું અઢળક વહાલ તો બાપનો કડપ અને શિસ્તનો આગ્રહ એમના ઉછેરમાં દેખાય. ક્ષત્રિય પરિવારનું પરંપરાગત ગામનું ડેલી વાળું ઘર. સાંજ પડે એટલે ડેલી બંધ થઈ જાય. બાપુજી ડેલીને અઢેલીને જ બેઠાં હોય એટલે ડેલીમાં એમને પૂછ્યા વગર પ્રવેશ થાય જ નહિ. ક્યારેક ટાઈમ કટાઈમે અભેસિંહને બોલાવવા આવેલા ગામલોકોને બાપુજી ઠમઠોરતા ”કાં ..આ કાંઈ બાવાસાધુના ઘર થોડા છે તે હાલી નીકળો છો બધા ??” રીતસર ઠપકો ખાઈને ગામલોકોને પાછા વળવું પડે. પણ અભેસિંહભાઈ કહે છે… “મારું ગાવા વગાડવાનું બાપુજીને ઓછું ગમતું એનું કારણ એમનો ડર કે રખેને દીકરો ક્યાંક અવળી સોબતે ચડી જાય તો..! અને એટલે જ મેં બાપુજીને વચન આપેલું અને એ વચનમાં હું આજદિન સુધી ખરો ઊતર્યો છું એ વાતનો એમને સંતોષ હતો પણ એમણે સંપૂર્ણ સંતોષતો ત્યારે વ્યક્ત કર્યો જ્યારે બોટાદમાં શિવગંગા સંગીત વિદ્યાલયના લાભાર્થે એક કાર્યક્રમ યોજેલો અને એમાં પૂજ્ય મોરારી બાપુ પધારવાનાં હતા. મારા બાપુજીએ શાળામાં કે આમતેમ મને સાંભળ્યો હોય પણ જાહેરમાં કોઈ મોટા કાર્યક્રમમાં સાંભળેલો નહિ. અમારા હરિશ્ચંદ્રભાઈએ એમને આમન્ત્રણ આપીને બોલાવ્યા. બાપુજી આવ્યા અને બાપુજીએ મને તે દિવસે જાહેર મંચ પરથી ગાતો સાંભળ્યો અને તે દિવસે એમણે મને કહ્યું કે “સારું હવે તને હું ગાવાની છૂટ આપું છું.” 

કટોકટીના કાળમાં અભેસિંહભાઈ અમદાવાદમાં બી.એડનો અભ્યાસ કરતા અને એ દરમ્યાન એમના વ્યાવસાયિક કાર્યક્રમો પણ પુરજોશમાં ચાલે. એક એવોજ કાર્યક્રમ અમદાવાદની એચ..કે કૉલેજના હોલમાં યોજાએલો. કાર્યક્રમમાં સાણંદ ઠાકોર સાહેબ અને સાથે ગુજરાતના પોલીસ વડા શ્રી પી.એમ.પંત સાહેબ અતિથી તરીકે પધારેલા. કાર્યક્રમ ખૂબ સરસ થયો અને બધાં બહુજ પ્રસન્ન થયા. કાર્યક્રમ પૂરો થયા પછી પોલીસ વડા શ્રી પંત સાહેબ મળ્યા ત્યારે એમણે કહ્યું કે “તમારી હાઈટ બોડી સરસ છે એટલે પોલીસમાં આપ ભરતી થઈ જાવ. હવે જ્યારે ભરતી થાય ત્યારે આપ આવી જાજો.” અભેસિંહભાઈએ વિનમ્રતાપૂર્વક ના કહી. ત્યારે ફરી પંત સાહેબે કહ્યું…” અરે કેમ ના પાડો છો..? તમારા ક્ષત્રીયોતો પોલીસમાં આવવા માટે એકદમ આતુર હોય છે..!! એટલીજ નમ્રતાથી ફરી કહ્યું સાહેબ આપની લાગણીનો હું આદર કરું છું પરંતુ જો હું પોલીસની નોકરી સ્વીકારીશ તો આજની જેમ હું આપની સન્મુખ બેસીને ગાઈ નહિ શકું…તો મારે આપની સેવામાં ઉભા રહેવું પડશે…. સાહેબ મારે તો શિક્ષક બનવું છે”

પણ હું કલ્પના કરતો હતો કે અભેસિંહભાઈએ જો પોલીસની નોકરી સ્વીકારી હોત તો આજે એ કેવા હોત..?? તો એ આવા સૌમ્ય અને સંવેદનશીલ કલાકાર અને માયાળુ શિક્ષકને બદલે કડક અધિકારી હોત અને એમની ખુમારી અને તુમાખી કંઈક જુદા જ હોત…. કો’ક ઉચ્ચ અમલદાર હોત અને હંમેશાં ખાખી વર્ધીમાં જ જોવા મળત. 

અભેસિંહભાઈની ખુમારી, એમની પ્રામાણિકતા અને સાત્વિક પ્રકૃતિના મુખ્યત્વે ચાર સ્તંભ હું જોઉં છું. શુરાની ધરતી પર જન્મ અને ઘડતર, મેઘાણી સાહિત્યને આત્મસાત કરી લોકસંગીતનાં માધ્યમે એને લોકહૃદય સુધી પહોંચાડવાની તાલાવેલી,, સમાજનું ઉત્થાન શિક્ષક જ કરી શકે એ ધ્યેય સાથે વર્ગને સ્વર્ગ બનાવી વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનો મક્કમ નિર્ધાર અને પુણ્યસલિલા માં નર્મદાને ખોળે જિવાયેલું જીવન. 

અભેસિંહભાઈને માં નર્મદા પ્રતિ અપાર ખેંચાણ હતું અને એટલે જ જાણે માં નર્મદાએ એમને પોતાની સન્મુખ વસાવ્યા. ભરૂચના સાધના વિદ્યાલયના વ્યવસ્થાપકમંડળે શાળામાં શિક્ષક તરીકે જોડાવા એમને સામેથી કોલ મોકલ્યો અને એઓ એમાં શિક્ષક તરીકે જોડાયા. ભરૂચ જેવી સાવ અજાણી જગાએ કોઈ પરિચિત નહિ પરંતુ મોક્ષદાયિની માતા નર્મદાનાં દર્શન શાળાનાં પટાંગણમાંથી સતત થતાં રહે. અભેસિંહભાઈ એ શિક્ષણકાર્ય ને જીવનના પ્રથમ કર્તવ્ય તરીકે સ્વીકાર્યું અને આજીવન શિક્ષક બની રહ્યા. લગભગ ૨૨ વર્ષ એકધાર્યા એ શાળામાં શિક્ષણકાર્યમાં વિતાવ્યાં. ભરૂચમાંજ ભૂકંપમાં પડી ગયેલી શાળા નું સ્થળાંતર કરી એને અન્ય જગાએ ઊભી કરી. પૂજ્ય મોરારી બાપુએ એનું ખાતમૂહર્ત પણ કર્યું હતું અને એનું ઉદ્ઘાટન પણ પૂજ્ય બાપુએ કર્યું હતું જેમાં આજે ૧૫૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમના હૃદયમાં સમભાવ, અનુગ્રહ અને અત્યંત અનુકંપા છે એવા અભેસિંહભાઈએ કોઇપણ નવા વિદ્યાર્થીને દાખલ કરવાનો એક જ નિયમ રાખ્યો છે કે એ બાળક ગરીબ હોવો જોઈએ. વહેલી સવારે શાળાનો દરવાજો ખોલવાથી લઈને સતત સક્રિય એવા અભેસિંહભાઈ શાળાસંચાલન ઉપરાંત મેઘાણીજીના પૌત્ર શ્રી પીનાકીભાઈ સંચાલિત મેઘાણી સ્મૃતિ સંસ્થાન સાથે સક્રીયતાથી જોડાઈને મેઘાણીજીના સાહિત્યને સુલભતાથી ઉપલબ્ધ કરાવવાનું એક મિશન લઈને બેઠા છે. જ્યાંજ્યાં મેઘાણીની યાદ જોડાયેલી છે એ તમામ જગાએ મેઘાણી સાહિત્યનો એક કૉર્નર બનાવવાનું અને પોલીસ સ્ટેશનોમાં એમના તમામ પુસ્તકો સાથેનું એક કબાટ મૂકવાની એક ઝુંબેશ આદરી છે. 
અભેસિંહભાઈએ એમના સમસ્ત જીવન દરમ્યાન

જ્યાંજ્યાં અને જેટલાં કાર્યક્રમો કર્યા છે ત્યાં સવિશેષ મેઘાણીના રચેલા ગીતો જ ગાયા છે એટલે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી કે રાષ્ટ્રીય શાયરને અભેસિંહભાઈએ લોકસ્મૃતિમાંથી સ્મરણશેષ થવા દીધા નથી.
અભેસિંહભાઈ આપનો મેઘગર્જન કરતો બુલંદ અવાજ લોકસાહિત્યના આકાશમાં ચિરકાળ સુધી આંદોલિત થતો રહે એ જ શુભકામના…..
XXXXXX

Image result for vijay thakkar

વિજય ઠક્કર

લખ્યા તારીખ: August 1,2019 @ 01.45 AM 
ઈન્ટરવ્યુ તારીખ: July 24,2019 @ 12.15 PM
ઈન્ટરવ્યુ બ્રોડકાસ્ટ Radio Dil: July 27,2019@12.40PM

શ્રી નવનિત શાહની ફેસબુક વોલમાંથી કોપી પૅસ્ટ