ચંદુભાઈનું ડિપ્રેશન

પ્રવીણ લેખક કાર્ટુન

ચંદુભાઈનું ડિપ્રેશન

શાસ્ત્રીજી, ચંદુ હોસ્પિટલમાં છે. હું તમને લેવા આવું છું. આપણે જઈને જરા ઠેકાણે પાડી આવીએ.
કેમ? શું થયું? ચાર દિવસ પહેલાં તો એની સાથે દોઢ કલાક ખપાવ્યું હતું. મજામાં હતો. આનંદથી
વાત કરતો અને બૈજુ બાવરાનું ગીત “આજ ગાવત મન મેરો” ગાતો હતો.

હવે ચંદુ રડતા અને ઘોઘરા અવાજે ગાય છે. “સૂરના સજે. કોઈ સાગર દિલ કો બહલાતા નહિ.
આસું ભરી હૈ, હમને તો જબ કલિયાં માંગી કાંટો કા હાર મિલા, તુટે હુવે ખ્વાબો મેં.”
પણ ચંદુને થયું શું?

ચંપાએ એને સાઈક્રિયાસ્ટ્રિક વોર્ડમાં દાખલ કરાવ્યો છે. આપણે જઈએ પછી બધી વાત. હં હમણાં જ
નીકળું છું. તૈયાર રહેજો. હું તૈયાર થઈને બહાર ઉભો અને મંગુમોટેલ મને લેવા આવ્યો. સાથે સાથે
કરસનદાદા તો હોય જ.

મેં દાદાને કહ્યું “દાદા આ ઉમ્મરે તમે શું કામ દોડાદોડી કરો છો!

દાદાને બદલે મંગુએ જ જવાબ આપ્યો “દાદાના મનમાં એમ છે કે એની ચમ્પાવહુ હોસ્પિટલમાં
પણ એમને માટે કેરેટ કૅઇક લાવશે. એટલે સાથે આવવા તૈયાર થઈ ગયા.”

“ચંદુ તો દીકરા જેવો વ્હાલો છે, મને એની ચિંતા થાય છે એટલે તો આવું છું.” ચંદુ માટે દાદાને
લાગણીનો ઊભરો આવ્યો. ખરેખરતો ગયે વખતે જ્યારે ચંદુ હોસ્પિટલ્માં હતો ત્યારે ચંપા એક
ડબ્બામાં કેરેટ કેક વધેલી હશે તે લઈ આવી હતી. અને ચંદુને બદલે કરસનદાદાએ જ પુરી કરી
હતી. મંગુ એને કેરેટ કેકની વાતમાં હમ્મેશ સતાવતો રહેતો. વડીલને ખોટું ના લાગે એટલે મારે
કહેવું પડ્યું. “દાદા, મંગુ તો આપને માત્ર ચિઢવવા માટે જ કહે છે. મનમાં ઓછું ના લાવવું. એ જ
તો તમને રાખે છે. કાળજી રાખે છે.”

બિચારા દાદાએ હતાશ અવાજે કહ્યું, “મારા ચાર ચાર દિકરાઓ ઈંડિયામાં જલસા કરે છે અને છતે
પૈસે આ દેશમાં મારે પડી રહેવું પડે છે. મારું કોઈ નથી. આ ઉંમરે મારે ભત્રિજાઓને ત્યાં રહેવું પડે
છે. લોકો જાત જાતની સલાહ આપે છે. આ ઉમ્મરે તમારે એક જ જગ્યાએ ઠરેઠામ રહેવું જોઈએ.
મારો એક દીકરો દીલ્હીમાં છે અને એક ગાંધી નગરમાં છે. બન્ને કહે છે કે હવે દેશમાં ગુંડા રાજ છે.
દેશમાં આવવા જેવું નથી. જ્યાં છો ત્યાં પડી રહો. તમારી સલાહ પ્રમાણે, બે પૈસા આમતેમ કરીને
કમાયા એટલે હવે બેંકવાળા પાછળ પડ્યા છે. લોનના પૈસા પાછા આપો. સરકારનો ડોળો હવે
અમારા પર છે. જો પાછા જ આપવાના હોય તો લેવાનો અર્થ જ શું રહે? માલ્યાની જેમ અમારે જ
પોટલાં બાંધવા પડશે. બાપા, તમે ત્યાં અમેરિકામાં જ રહેજો’

‘દેશના લોકોએ, સીધા સાદા, ભલાભોળા જુવાનીઆ છોકરાને બદલે લુચ્ચા, લફંગા, બદમાશ,
ગુંડાઓને દેશ પર રાજ કરવા ખુરશીઓ આપી. હું જો સુરત કે અમદાવાદમાં હોત તો આવું ના
થાત. ગુજરાતની છવ્વીસે છવીસ ખુરસી પર પંજાનો ખેશ હોતે. વાદરાએ તો મને ફોન કરીને કહ્યું
હતું કે ભૈલાને માર્ગદર્શન આપવા દિલ્હી આવો; તમારી ખાસ જરૂર છે. પણ હવે આ ઉમ્મરે સોળ
સોળ કલાક વિમાનમાં થોડું બેસી રે’વાય. મેં કહ્યું કે હું ફોન પર જ જેમને સલાહ જોઇતી હોય
એમને સલાહ આપીશ. પણ બિચારાઓ ક્યાં ક્યાં દોડે. અમેઠીને સાચવે કે કેરાલામાં પથરાય?
બચારાઓને મારી સલાહ માંગવાનો પણ ટાઈમ ક્યાં હતો? મેં સામેથી ફોન કરેલો કે એટલિસ્ટ
મારા લાજપોરીયા ભત્રીજાને કાઠીયાવાદમાંની એકાદ ટિકિટ આપો. જામનગરની ટિકીટ આપો. સો
ટકા એ સીટ તો આપણી જ સમજવી. પણ હાઈ કમાંડમાં કંઈ ગરબડ થઈ. કોઈએ મારું ના માન્યું.
લાજપોરીઓ ભત્રીજો બિચારો ભુખ્યો તરસ્યો કેટલા દિવસ બહાર તંબુમાં પડી રહ્યો હતો. દેશભરના
લોકો એની સાથે હતા. એને ટિકીટ ન આપીને પંજાએ મોટ્ટી ભૂલ કરી હતી. મેં પાછો ફોન કર્યો તો
મને જવાબ મળ્યો કે જામનગરમાં એ ઊભો રહે તો એક જ સીટ મળે. જો એ ગુજરાતમાં ફરતો રહે
તો છવ્વીસે છવ્વીસ સીટ લાવી શકે. એ વાત પણ માનવા જેવી હતી. બિચારો લાજપોરીયો એકલો
તો ક્યાં ક્યાં દોડે? મેં દિલ્હી ફોન કર્યો કે એને ગાડી કે હેલીકોપ્ટર જેવું આપો. બધું આપ્યું પણ મોડું
મોડું. હવે પાચ વર્ષ મોદીના રાજમાં કેમકેમ જીવાશે? કોઈને બિમાર વિધવાની દયા નથી આવતી.
બિચારો રાહુલ કેટલા ડિપ્રેશનમાં છે. તમને શું સમજાય જેને જે મળવું જોઈએ, પોતાના હક્કનું ના
મળે એટલે ડિપ્રેશન આવે જને. ભલોભોળો રાહુલ ડીપ્રેશનમાં છે. ભગવાન એને જલ્દી ડિપ્રેશનમાં
થી બહાર લાવે અને ગર્જના કરતો સિંહ બનાવે.’

‘દાદા તમે ક્યાં મોદીના રાજમાં જીવો છો? તમે તો ટ્રંપ સાહેબના રાજમાં લીલા લે’ર કરો છો. અને
દાદા છન્નુ વરહ તો પાંચ વરસથી ઊજવો છો હજુ બીજા પાંચ કાઢશો તો કદાચ ધોળી દાઢીને

બદલે કાળી દાઢીના રાજમાં પણ જીવવું પડશે. છન્નુ તો ઘણાં વર્ષ ઊજવ્યા હવે સત્તાણું, અઠ્ઠાણું
ગણવા માંડો. કે વ્હેલો પાર આવે.’

અમારા કરસનદાદાની કેટલીઓ છન્નુમી બર્થડે અમે ઉજવી હશે. સાચી બર્થડે કોઈને ખબર નથી. એ
મોટેભાગે મંગુની મોટેલ પર ધામો નાંખીને પડી રહેતા. મંગુએ એક નાનો રૂમ એને માટે રાખી
મુક્યો હતો. આમ પણ અમુક સમયે જ બધી રૂમો ભરાયલી હોય બાકી કોઈ ખાલી રૂમમાં એમની
સગવડ થઈ રહેતી.

દાદાની વાતોમાં લાંબો રસ્ત્તો ક્યાં કપાઈ ગયો તે ખબર ના પડી. અમે હોસ્પિટલ પહોંચ્યા. આ
વોર્ડમાં ડિપ્રેશન વાળા કરતાં તો ખરેખર અડધા પાગલ લોકો વધારે જણાતા હતા.

અમે એની રૂમમાં ગયા ત્યારે ચંદુ સિલિંગ સામે જોઈને મોટેથી રડતો હોય એમ ગાતો હતો. આંસુ
ભરી હૈ યે જીવનકી રાહેં.

ચંપા ખુરશી પર બેસી કપાળ પર હાથ ઠોકતી બબડતી હતી, મારે હવે ઘડપણના દિવસો આ
ગાંડિયા સાથે કાઢવાના? બે મહિનાથી ઘરમાં રાગડા તાણ્યા કરે છે અને હવે તમારો દોસ્ત ગાંડો
થઈ ગયો છે.

“ના કોઈ ઉમંગ હૈ” ચંદુએ ગાવા માંડ્યું. કરસનદાદાએ ચંદુની પાસે જઈને પુછ્યું ચંદુ શું થયું?
“દિલકા ખિલૌના આ જ તૂટ ગયા.”

ચંપા, આ તારો ચંદુ કોઈ બૈરાના લફડામાં પડ્યો હતો? મંગુએ ચંપાને સીધો સવાલ પૂછ્યો.
તમે માનો છો કે કોઈ એના ડાચા સામે પન જોતું હશે. અને જૂએ તો હું બેઠી છું ને એને સીધી
કરવાવાળી. પણ એક મ્યુઝિકના પ્રોગ્રામમાં જઈ આવ્યા પછી એ બસ દેવદાસના જેવા ગીતો ગાવા
માંડ્યો છે.

મંગુ એને તતડાવતો હતો.

મેં કહ્યું ચંદુભાઈ શું પ્રોબ્લેમ છે. આ વિકએન્ડના મ્યુઝિકલ પ્રોગ્રામનું શું થયું? અમે હાઈસ્કુલમાં હતા
ત્યારે અમે થોડા મ્યુઝિકના પ્રોગ્રામ સાથે જોયલા. એને પણ મારી જેમ સાંભળવાનો શોખ. મારી
ટિકિટ પણ એ જ કઢાવતો. એનો અવાજ સરસ હતો અને પ્રમાણમાં સારું ગાતો પણ ખરો.
અમેરિકામાં આવ્યા પછી ગાવા વગાડવાનું બંધ થઈ ગયું હતું. પાંચ દશ વર્ષ પહેલાં એનો એ રસ

ફરી જાગૃત થયો હતો. ઈન્ડિયાથી કોઈ સંગીતકાર આવે તો એને પોતાને ત્યાં રાખતો અને રાત્રે
એના સંગીતનો લાભ પણ લેતો. એને એક સંગીત સંસ્થા સાથે સારો ઘરોબો હતો. દર મહિને એ
સંસ્થાને પોતાની રીતે મદદ પણ કરતો. એ સંસ્થાનો ગયા વિકએન્ડમાં કાંઈ પ્રોગ્રામ હતો. એ મને
કહેતો હતો કે આ વખતે પ્રોગ્રામમાં હું ગાવાનો છું.

એના સંદર્ભમાં જ એ કાંઈ લવારે ચઢ્યો હતો.

મેં ફરી પુછ્યું ચંદુભાઈ તમારો પ્રોગ્રામ કેવો ગયો એ તો વાત કરો.

સાસ્ટરી આ મંગુને એમાં કઈ હમજ નૈ પરે. આઈ એમ અપ સેટ, આઈ એમ ડિપ્રેશ. આ ડુનિયામાં
જીવ્વા જેવું લાગટું જ નઠી. અવે કોઈડા’રો પણ કૉઇણે મ્યુઝિક માટે પૈહા આપ્પાનો નઠી.

ઓકે, તમે પૈસા આપવાના નથી તો ન આપતા પણ ડિપ્રેશ કેમ છો તે તો કહો?

સાસ્ટ્રી મારી જગ્યાએ ટુ હોય ટો ટુ ટો કાંટો ખૂન કરી બેસે કાંટો આટ્મહટ્યા કરી બસે.
આ શાસ્ત્રીજી પૂછે છે એનો જવાબ ભસને” મંગુ બરાડ્યો.

સાસ્ટ્રરી મને ગાવાનું કીધેલુ ને મને ગાવા જ નઈ ડીઢો. સંગીટ ક્લબના સેક્રેટરી સૂરિયાએ મને
પ્રોમિશ કરેલું કે બે મહિના પછીના મન્ઠલી પ્રોગ્રામમાં ટમારે ગાવાનું જ છે. ટમે જ મેઈન સિંગર.
ટમે સંગીટના ટમારા ઈન્ટરેસ્ટ અને ટમારા નોલેજનું બેકગ્રાઉન્ડ આપજો અને એકાડ સરસ સોંગ
ગાજો. ટુ ટો જાને છે કે તને અને મને ક્લાસિકલ મ્યુઝિકનો શોખ છે. મેં ટને કઈલું પન ખરું કે હું
બજુબાવરાનું આજ ગાવત મન મેરો ઝૂમકે ગાવાનો છું. ટને ટો ખબર છે કે આ સોંગ ડેસી રાગમાં
છે. કેટલાક ડેસી બુઠ્ઠાઓને રાગ ડેસીમાં અને રાગ ડેસ માં ગટાગમ નઠી. હું એમને સમજાવવાનો બે
રાગનો ડિફરન્સ હમજાવવાનો હટો. મારા માઇન્ડમાં મે પ્લાન કરેલો કે હું શું બોલવાનો છું ને હુ
ગાવાનો છું. યુ નો ઇટ વોઝ લાઈફ તાઈમ ઓપોર્ટ્યુનિતી ફોર મી.

પન હુમ ઠીયું ટે હું ટને કઉં. આપનો સૂરિયો સુરેશ પ્રોગ્રામમાં આઈવો જ નૈ. એને બડલે મુકેશ
મુકલાએ પ્રોગ્રામ કંડક કઈરો. એને જાહેર કરી ડીધુ કે બઢ્ઢાએ ટન ટન મિનિટનું એક જ સોંગ
ગાવાનું છે. મને એમ કે બીજા બઢાને ટન ટન મિનિટ પન મને ટો ટીશ મિનિટ મલહે જ મલહે.
એમાં પાછો એક બોલિવૂડ વાલો સિંગર પન આવેલો. ઓય એને પન ગાવાની બાબટમાં લેક્ચર
ફાડેલું. મને હૌ ગમેલુ. પછી મારો વારો આઈવો. મેં તૉ મારી વાટ કરવા માંદી ટો બોલિવૂડ વારાએ
કઈ દીધુ કે તારી ટન મિનિટ પુરી થઈ ગઈ. અને મૂકલા મહેશે મારા હાઠમાં થી માઈક છિનવી લીઢું. એ માઈક ન હટું મારી બોલિવુડિયા કરટાં હારુ ગાવાની સુપિરિયારીટી બતાવવાની ટક હટી.
સાલુ બૌ લાગી આવેલું. હું મારા ડિલનું ડુખ ગાઈ ગાઈને બાર કાઢતો હુતો ને ચંપાએ મને
ગાંન્ડાની ઓસ્પિતાલમાં ઢકેલી ડીઢો. બોલ મારી જગ્યાએ ટુ ઓય ટો ટને ડિપ્રેશન આવે કે નૈ?
ના ચંદુભાઈ મને જરા પણ ડિપ્રેશન નહિ આવે. એ કાંઈ મોટી વાત નથી. બિચારા મહેશને સુરેશે
વાત જ કરી ન હોય કે આમાં ચંદુને લાંબુ બોલવા ગાવા દેવાનો છે.

એટલામાં અમારો ડોક્ટર કેદાર આવી પહોંચ્યો. પછી તો અમે ડિપ્રેશનની વાત પર ચઢી ગયા.
જ્યારે કોઈ એમ માનતું હોય કે અમુક સ્થાનને માટે હું લાયક છું. અથવા તો આ સ્થાન કે આ પદ
કે આ માન મને મળવું જોઈએ અને એ મેળવવાનો મારો અઘિકાર છે એ કોઇ કારણસર ન મળે,
એના કરતાં નીચલી કક્ષાની વ્યક્તિ એ માન કે પદ મેળવી જાય કે ઝૂટવી જાય ત્યારે હતાશા આવે
અને એ હતાશા એ જ ડિપ્રેશન. પછી સ્વાભાવિક છે કે દિલિપકુમારની જેમ ગાવાનું મન થઈ જાય
કે “કોઈ સાગર દિલ કો બહલાતા નહિ”

ડોક્ટર આ ચંદુની વાતમાં તો કાઈ દમ નથી પણ આપણા કરસનદાદાને થોડી ડિપ્રેશનની અસર
છે. રાહુલને બદલે મોદીનું રાજ આવી ગયું. મંગુએ ફરી દાદાને ચિઢ્વ્યા.

આજે ડોક્ટર મુડમાં હતા. “એમાં દાદાનો જ વાંક. એ જો ગયા હોત તો સરકારમાં રાહુલ, માયાવતી
કેજરીવાલ સિધ્ધુ વાંકુ ઊભું ત્રાંસુ ઘણું હોત. પન શું થાય? દાદાએ જઈને રાહુલને મદદ કરવી
જોઈએ. ખરેખર તો આખું ગાંધી પરિવાર ડિપ્રેશનમાં ગરકી જાય એવા સંજોગો છે.

ચંદુભાઈને તો અહિ રાખવાના નથી. મારે ડોકટર સાથે વાત થઈ છે. એક દિવસ મારે ત્યાં જ
આપણે આપણા માટે જ સંગીતનો પ્રોગ્રામ રાખીશું. અમિરખાન અને પુલ્સ્કરનું બૈજુબાવરાનું નહિ
પણ પડોશનનું એક ચતુરનાર. ચંદુભાઈ અને મંગુભાઈ બન્ને ગાશે. અમે બધા હસી પડ્યા.

તિરંગા ઓગસ્ટ ૨૦૧૯

3 responses to “ચંદુભાઈનું ડિપ્રેશન

  1. મનસુખલાલ ગાંધી September 5, 2019 at 7:25 PM

    ખરેખર તો રાહુલ સહિત બધા કોંગ્રેસીઓ ડિપ્રેસનમાં છે.

    Liked by 1 person

  2. pravinshastri August 20, 2019 at 10:10 PM

    હા હા હા પ્રજ્ઞાબહેન,

    Like

  3. pragnaju August 20, 2019 at 6:17 PM

    ડિપ્રેશન ઘણા નવા સાહસ કરવાની પ્રેરણા આપે……………………………….! ટેમા હુરટીઓને ટો ખાસ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: