છોટુ અને ૩૭૦ 

પ્રવીણ લેખક કાર્ટુન

છોટુ અને ૩૭૦ 

જૂન મહિનામાં મંગુને ત્યાં ભાજપનો મોટો વિજય સમારંભ રાખ્યો હતો.અમારો મંગુ મોટેલ, મોદીસાહેબનો પરમ ભક્ત. એની સાથે ચંદુભાઈના વચલા પુત્રનો સાળો મોટુ પણ એટલો જ ભક્ત. અને મોટાનો ટ્વિન બ્રધર છોટુ કાયમનો વિરોધ પક્ષનો સરદાર. બન્ને ભાઈઓ સમજે કે ન સમજે પણ બન્ને વચ્ચે દલીલ અપીલ અને લડત ચાલતી જ હોય.

કોન્ગ્રેસની કારમી હાર પછી મોટુ અને પોતાની પત્ની સહિત બધાના દબાણથી, છોટુએ જાહેરમાં પક્ષ પલટો કરેલો. ખરેખર તો કરવો પડેલો. છોટુ મુઝાતો હતો પણ એની વાઈફ એને ઘસડીને સ્ટેજ પર લઈ ગયેલી. મોટુએ છોટુને ભાજપનો ખેસ પહેરાવેલો અને કમળનું ફૂલ આપીને ભાજપમાં વટલાવેલો. મોટુએ છોટુ પાસે કમળ શેઈપની કેક પણ કપાવેલી.

બસ ત્યારથી મોટુએ જાણે મોટો મીર માર્યો હોય અને પંદર વીશ કોંગ્રેસના ધારાશભ્યને ઊઠાવી લાવીને ભાજપી બનાવી દીધા હોય એમ છાપ્પનની છાતી ફૂલાવીને ચાલતો હતો.

બિચારા છોટુની હાલત મારી મચડીને મુસલમાન બનાવ્યા જેવી હતી. એ કાંઇ જ બોલતો ન હતો , મોટુની ડંફાસો મુંગે મોઢે સાંભળી લેતો. આ બન્નેને ઈંડિયા સાથે કશી જ લેવાદેવા ન હતી પણ પણ “કુછ તો લડનેકા બહાના ચાહીયે” એ હિસાબે એક ભાજપી થઈ ગયેલો અને બીજો કોંગ્રેસી.

રાહુલ ગાંધીએ જ્યારે કોંગ્રેસ પક્ષના પ્રેસિડંટ તરીકે રાજીનામું આપેલું  ત્યારે ખાનગીમાં એ રડેલો પણ ખરો. ભલે એણે ભગવો ખેસ એક વખત ગળામાં નાંખેલો પણ એ ખેસ એને ગળામાં નાંખેલો સાપ જેવો લાગતો હતો. એનો આત્મા તો રાહુલ ગાંધી સાથે જ જોડાયલો હતો. એની પત્ની એની મશ્કરી કરતી કે “ હની તું રાહુલ ગાંધી જેવો જ હેંડસમ છે અને પપ્પુ જેટલો જ બ્રિલિયંટ પણ છે.”

છોટુએ મોટુ કે ઘરના બીજા કોઈ ન જાણે એ રીતે રાહુલ ગાંધી ને મેસેજનો ડ્રાફ્ટ પણ તૈયાર કરેલો કે મેં ભલે ખેસ બદલ્યો છે પણ હું તમારી સાથે જ છું. હું એકલો નથી. મારી સાથેના બધા જ યુવાન સાથીદારો પણ તમારી અને પ્રિયંકા બહેનની સાથે જ છે. પ્લીઝ પ્લીઝ તમે પ્રેસિડંટ તરીકેનું મુકેલું રાજીનામું પાછું ખેંચો. જો રાજીનામું પાછું નહીં ખેંચો તો હું ઉપવાસ પર ઉતરીશ.

કમનસીબે એ ડ્રાફ્ટ મોકલાયા વગર, રાહુલનું ચોક્કસ ઈ-મેઇલ એડ્રેસ ન મળવાને કારણે પડી રહ્યો હતો. કમનસીબે એની પત્નીના ધ્યાનમાં એ ડ્રાફ્ટ આવ્યો અને બિચારો મુન્નો (એટલેકે અમારો છોટુ) હુઓ બદનામ. ઘરના બધાએ બિચારાને ખુબ ઉઠાવ્યો. મશ્કરીઓ થઈ. ડિનર સમયે એની પ્લેટ ખાલી રાખી અને કેચપ થી લખ્યું હતું “માય પપ્પુ, ઓન હંગર સ્ટ્રાઈક.”

નાના મોટા મળીને છોટુ-મોટુના ઘરમાં બાર માણસો. બધા જ ભાજપી ભક્તો. છોટુ લધુમતીમાં. ઓફિસિયલ લિડરશિપ  માટે પણ દશ ટકા જોઈએ. બાર માણ્સ એટલે વન પોઇંટ ૨ તો જોઈએ જ. એ બિચારો દશ ટકામાં પણ નહિ. પોઈંટ ટુ પર્સંટ લાવવા ક્યાંથી. નાના છોકરાં પણ ઘરમાં કમળ છાપ ડાયપર પહેરે.

પણ પાંચમી ઓગસ્ટે છોટુ ખીજવાયો.લવારા ચાલુ થઈ ગયા. જે પાર્ટીને ઇંડિયાના કોંસ્ટિટ્યૂશન માટે માન નથી તે પાર્ટી સાથે મારે કોઈ સ્નાન સૂતક નથી. અભી નિકાહ અભી તલ્લાક. એણે એનો કમળબ્રાંડ ભાજપી ખેસ લીધો, એક મેટલ ડસ્ટબીનમાં નાંખ્યો અને ઉપર રેડ વાઈનની બોટલ રેડી દીધી. દીવાસળી શોધવા કિચનમાં ગયો.  દિવાસળી મળી નહિ એટલે બબડાટ કરતો બેસી રહ્યો. એની પત્નીએ બહારથી આવી જોયું. અને પતિ પત્ની વચ્ચે જબરૂ યુદ્ધ ચાલ્યું. પછી તો આખા ધરના બધા સભ્યો અને બિચારો એકલો છોટુ.

દર વખતે છોટુ મોટુને વાંધો પડે ત્યારે ઘરમાં યુદ્ધ જેવું વાતાવરણ થાય. બન્નેની પત્નીઓ પણ સગ્ગી બહેનો. બસ બધું પડતું મૂકીને તેઓ ચંદુબાપાને ત્યાં વેકેશન ગાળવા પહોંચી જાય. આ વખતે છોટુ જ ચંદુભાઈને ત્યાં પહોંચી ગયો.  તો એની પાછળ મોટુ પણ આવી ગયો. ચંદુએ મને ફોન કરીને બોલાવ્યો. કહ્યું કે જલ્દી આવો; છોટુ ગાંડો થયો છે

હું પહોચ્યો ત્યારે, એના ધમપછાડા હળવા થયા ન હતા. થ્રી સેવન્ટી, થ્રી સેવન્ટીના બરાડા જ ચાલુ હતા.

‘જાણે બાપાના ઘરનો જ કાયદો હોય અને બારમાનો રિવાજ કાઢવસનો હોય તેમ દાઢીવાળાઓએ ૩૭૦નો રિવાજ જ કાઢી નાંખ્યો. સાલા બદમાશ. કોંન્સ્ટીટ્યૂશનનું કોઈ રિસ્પેક્ટ જ નહિ. મારેના ભગતડાઓ સાથે રહેવું જ નથી. હું કોઈ મંદિરમાં રહેવા જઈશ. ના કોઈ  હોટેલ મોટેલમાં જઈશ.’

‘છોટુ બેટા મારી મોટેલમાં આવી રહે. કરસનદાદા અત્યારે મારે ત્યાં જ રહે છે. એને તારી કંપની ગમશે.’ અચાનક જ મંગુ કરસન દાદાને લઈને આવી પહોંચ્યો.

ચંદુભાઈએ એને ઠંડો પાડ્યો. ‘આ ત્રણસો સિત્તેર શું છે એ મને સમજાવ.’

મોટુ કહે ‘હવે કાશ્મિર આપણું થઈ ગયું’

છોટુ કહે ‘ગેરકાયદે પચાવી પાડ્યું?

દાદા આપણાથી એ ન લેવાયને? મોદી શાહની ગેંગે ઝઃટવી લીધું એમ જ કહેવાયને?’ છોટુ એ  કોંગ્રેસી કરસનદાદાની સાક્ષી શોધી.

‘જો છોટીયા ભલે હું કોંગ્રેસી છું પણ આ બાબતમાં હું ભારતીય છું. મોદી અને અમિતે આ એક પહેલું કામ એવું કર્યું છે કે જેમાં મારે એના જખ્ખ મારીને વખાણ કરવા પડે. હું એકલો કોંગ્રેસી નથી. ઘણાં મોદી વિરોધીઓએ પણ આ નિર્ણયને વધાવી લીધો છે. કેટલાક કોંગ્રેસી નેતાઓએ પણ જાહેરમાં એને સપોર્ટ કર્યો છે. જ્યોતિરાદિત્ય શિંધીયા, દિપેંદ્ર હૂડા, ભુબનેશ્વર કાલિતા અને જનાર્દન દ્વિવેદી જેવા ઘણાં સમજુ કોંગ્રેસીઓ એ ડર્યા વગર સરકારને ટેકો આપ્યો છે.’

‘પણ રાહુલજી તો એમ કહે છે કે મોદીએ બંધારણનો ભંગ કર્યો છે. બહુમતિનો દુર ઉપયોગ કર્યો છે.’ છોટુના દિમાગમાં કશું ઉતરતું ન હતું.

‘અલ્યા દાદા પાસે પહેલા સમજ કે આ ત્રણસો સિત્તેર શું બલા છે. તને અને તારા પપ્પુને ત્રણસો સિત્તેર અંગે કશું જ ભાન નથી. દાદા એને જરા ટૂંકમા સમજાવો.’  આજે મંગુ મોટેલ દાદા સાથે માન પૂર્વક વાત કરતો હતો.  દાદાએ ગંભીરતાથી બધાને ઐતિહાસિક વાતો સમજાવવા માંડી.

‘જ્યારે ભારત પાકિસ્તાનને આઝાદી મળી ત્યારે ભારતમાં લગભગ ૫૬૨ નાના મોટા રજવાડાઓ હતા. એ બધાને માટે ત્રણ ઓપ્શન હતા. હિદુસ્તાનમાં જોડાવ, પાકિસ્તાન સાથે જોડાવ ક્યાં તો સ્વતંત્ર રહો. સરદાર વલ્લભભાઈએ બધા રજવાડાને સમજાવ્યા ને તેઓ હિદુસ્તાન સાથે જોડાઈ ગયા. હૈદ્રાબાદનો નિઝામ અને જૂનાગઢીયો સુલતાન ટેંટેં કરવા ગયો તો તેને આપણા સરદારે ઠેકાણે પાડી દીધો. નેપાળ ભારત સાથે કેટલીક શરતોને આધીન રહીને સ્વતંત્ર થયું.’

‘હા, એ તો અમને બધી ખબર છે પણ કાશ્મિરનું શું?’  છોટુ અકળારો હતો.

‘આઝાદી વખતે કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાના બદલે પોતાનું અલગ રાજ ચાલુ રાખવાનો નિર્ણય કરેલો હતો. ૨૦મી ઓકટોબર ૧૯૪૭ના રોજ આઝાદ કાશ્મીર ફોર્સે પાકિસ્તાન આર્મી સાથે મળીને કાશ્મીર પર ચઢાઈ કરી. રાજા હરિસિંહ પાસે કોઈ લશ્કર ન હતું થોદાસિપાઈઓ હતા અને તેમાના મુસ્લીમ સૈનિક સામેના લોકો સાથે જોડાઈ ગયા એટલે બાકી વધેલા સૈનિકો મુકાબલો કરવા સક્ષમ ન રહ્યા. પાકિસ્તાની આર્મી શ્રીનગર તરફ આગળ વધતું હતું.’


‘મહારાજા હરિસિંહે એમનાં દીવાન મહેરચંદ મહાજનને મદદ માટે ભારત મોકલ્યા. ભારત સરકારે મદદ માટે ના કહી દીધી. કારણકે કાશ્મીર ભારત સાથે જોડાયેલું નહોતું. હોમમિનિસ્ટર સરદાર પટેલે કહ્યું કે કાશ્મીર ભારત સાથે જોડાવા માટેના જોડાણખતમાં સહી કરી આપે તો એ ભારતનો હિસ્સો ગણાય પછી ભારત કાશ્મીરને મદદ કરી શકે. ભારત સરકારની આ વાત સ્વીકારવા સિવાય મહારાજા હરિસિંહનો છૂટકો ન હતો. એમણે ૨૬મી ઓક્ટોબર ૧૯૪૭ના રોજ જોડાણખત પર રહી કરીને કાશ્મીરને ભારત સાથે જોડી દીધું.’

‘છોટુ દીકરા, આટલી સમજ તો પડી ને કે કાશ્મિર ૧૯૪૭માં જ તારા જન્મ પહેલાં અને તારા રાહુલના જન્મ પહેલા જ ભારતનું થઈ ગયું હતું. રાહુલનો બાપ રાજીવ પણ તે સમયે ત્રણ વર્ષનો હતો અને લાકડાના વિમાન સાથે રમતો હતો. અને દશ મહિનાની સોનિયા મમ્મા ઈટલીમાં ઘોડિયામાં ગાંગાગુંગા કરતી હતી.’ મંગાએ એક સાથે બેત્રણ સિક્સર મારીદીધી.

 

મેં મંગુને શાંત રહેવા ઈસારો કર્યો. આ જાણવા જેવી વાત છે. આપણે પણ આ બધું જાણતા ન હતા. આપણે ૧૯૪૭માં ગિલ્લી દંડા જ રમતા હતા. દાદા તમે વાત ચાલુ રાખો.’

 

 કાશ્મિરનો કાશ્મીર હવે ભારતનો હિસ્સો બની ગયું એટલે  ભારતના આર્મિએ પાકિસ્તાને જડબાતોડ જવાબ આપીને ભગાડ્યું. હવે કાશ્મિરમાં રાજા હિંદુ અને પ્રજા મુસ્લિમ.  શેખ અબ્દુલાનો મુસ્લિમ પોલિટિકલ લિડર હતો. નહેરૂનો ખાસ દોસ્તાર. એણે કાશ્મિરની પ્રજાને ભંભેરી. કે આ હિંદુઓ તમને રંજાડશે.. શેખ અબ્દુલ્લા પોતાનો કેશ લઈને જવાહરલાલ નહેરુ પાસે આવ્યા. શેખ અબ્દુલ્લાની માંગણી હતી કે કાશ્મીરની પ્રજાને સાંત્વના આપવા માટે ભારત સરકાર કાશ્મીરને ખાસ બંધારણીય અધિકારો આપે. આવા વિશેષ અધિકારોની યાદી તૈયાર કરીને શેખ અબ્દુલ્લાએ નહેરુજીને રજુઆત કરી. 

 

          નહેરુજીએ કહ્યું કે તમે ડો.ભીમરાવ આંબેડકરને મળો. બંધારણ ઘડવાની  જવાબદારી એમની છે. શેખ અબ્દુલ્લા પોતાની માંગણી લઈને ડો. આંબેડકરને મળ્યા. ડો. આંબેડકરજીએ ઘસીને ના કહી દીધી. આખા દેશનું બંધારણ એક જ હોય. દેશના બીજા નાગરિકો કરતા કાશ્મીરના નાગરિકોને વિશેષ અધિકારો કેવી રીતે આપી શકાય ?  શેખ અબ્દુલ્લા ફરીથી નહેરુજી પાસે આવ્યા.

નહેરુ બહુ ભોળીયા.   નહેરુજીએ સરદાર પટેલને બોલાવીને શેખ અબ્દુલ્લાની માંગ કોંગેસની વર્કિંગ કમિટીમાં મંજૂર કરાવવા માટે કહ્યું પણ સરદાર સહીત વર્કિંગ કમિટિએ પણ આ બાબતનો વિરોધ કર્યો. 

નહેરુ થોડા વધુ લાગણીશીલ હતા; એમાંને એમાં એમણે મોટી ગરબડ કરી નાંખી. કાશ્મીરની પ્રજા માટે શેખ અબ્દુલ્લાની માંગણીઓને ધ્યાનમાં લઈને બંધારણની કલમ ૩૭૦ માટેનો મુસદો તૈયાર કરવા માટે ગોપાલસ્વામી આયંગરને કહેવામાં આવ્યું અને ગમે તે ભોગે આ મુસદો બંધારણ સભામાં મંજૂર કરાવવાની જવાબદારી સરદાર પટેલને સોંપવામાં આવી. નહેરુના હઠાગ્રહ સામે બધાને નમવું પડ્યું. કાશ્મીરની પરિસ્થિતિ થાળે પાડવા માટે હંગામી કલમ ( ટેમ્પરરી કે જે થોડા સમય પછી રદ થઈ શકે તેવી કલમ ) તરીકે કલમ ૩૭૦ને બંધારણમાં ઉમેરવામાં આવી. કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. કાશ્મિરના કોકડા માટે નહેરૂની મુર્ખાઈ અને અબ્દુલ્લાની કોમવાદી લુચ્ચાઈ જવાબદાર છે.’

જરા જાણવા, સમજવા જેવી વાત છે.  કાશ્મીર રાજ્યને કેટલાક ખાસ અપાયલા. જે દેશના બીજા રાજ્યના નાગરિકોને મળતા નથી. 

ભારતની સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ કાયદાને જો કાશ્મીરની વિધાનસભા મંજૂરી ન આપે તો તે કાયદાને કાશ્મીરમાં લાગુ કરી શકાય નહિ. (સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાય). જે રીતે ભારત દેશનું પોતાનું બંધારણ છે એવી જ રીતે કાશ્મીરનું પોતાનું અલગ બંધારણ છે. ભારતની સુપ્રીમકોર્ટના કોઈ નિર્ણયને માનવા માટે કાશ્મીર બંધાયેલું નથી. 

જાણે કાશ્મીર અલગ દેશ હોય એમ કાશ્મીરના નાગરિકને બેવડું નાગરિકત્વ મળે છે. એક ભારતનું નાગરિકત્વ અને બીજું કાશ્મીરનું નાગરિકત્વ જ્યારે અન્ય રાજ્યના નાગરિકોને માત્ર ભારત દેશનું એક જ નાગરિકત્વ મળે છે.

કાશ્મીરના કાયમી નાગરિક સિવાય બીજી કોઈ વ્યક્તિ કાશ્મીરમાં મિલકતની ખરીદી કરી શકતી નથી. 

મજાની વાત તો એ છે કાશ્મીરની કોઈ કલી કાશ્મીર સિવાયના ભારતના અન્ય કોઈ રાજ્યના ભમરા સાથે લગ્ન કરે તો એ કલીનું કાયમી નાગરિકત્વ ખતમ થઈ જાય છે પરંતુ જો એ પાકિસ્તાનના કોઈ છોકરા સાથે લગ્ન કરે તો નાગરિકત્વ ખતમ થતું નથી. (બાપના ઘરનો કાયદો)

          કાશ્મીરનો પોતાનો અલગ ધ્વજ છે.  કાશ્મીરમાં કોઈ નાગરિક ભારતના રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રચિહ્નનું અપમાન કરે તો તેને કોઈ સજા પણ કરી શકાતી નથી.

          ભારતના અન્ય રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યનો કાર્યકાળ ૫ વર્ષ છે જ્યારે કાશ્મીરની વિધાનસભાના ધારાસભ્યનો કાર્યકાળ ૬ વર્ષ છે.  કાશ્મીરમાં ભારત સરકાર ક્યારેય નાણાકીય કટોકટી જાહેર ના કરી શકે. અબ્દુલ્લા ભાઈજાન બોલા ઔર પંડિતજીને દે દીયા.

આવા તો નાનાં મોટા કેટલાય વિશેષાધિકાર બંધારણની કલમ ૩૭૦ દ્વારા કાશ્મીરને આપવામાં આવ્યા હતા. આ જ કલમના અનુસંધાને ૧૪-૫-૧૯૫૪ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદનાં હુકમથી બંધારણમાં કલમ ૩૫એ ઉમેરવામાં આવી અને કાશ્મીરના કાયમી નાગરિકોના અધિકારોની જોગવાઈ કરવામાં આવી જે મુજબ કાશ્મીરમાં રહેતા હોય પણ કાશ્મીરના કાયમી નાગરિક ન હોય તો તેમને સરકારી નોકરી કે સરકારી યોજનાઓનો લાભ મળી શકે નહિ અને કાશ્મીરની વિધાનસભામાં મતદાન પણ કરી શકે નહિ. 

હવે છોટુ, તારે અને આપણા યુવરાજ રાહુલજીએ બંધારણ સમજવાની વાત છે.

‘બંધારણની કલમ ૩૭૦ રદ કરવા માટે બંધારણમાં જ જોગવાઈ કરવામાં આવી છે. એ ટેંપરરી હતું. મૂળ બંધારણ પ્રમાણે, ભારતના રાષ્ટ્રપતિ, જમ્મુ કાશ્મીર વિધાનસભાની મંજૂરી સાથે એક જાહેનામુ બહાર પાડીને આ હંગામી કલમને રદ કરી શકે. પણ વિધાન સભા તો હતી નહિ. રાસ્ટ્રપતિ શાશન હતું. કોઈની મંજુરી લેવાની રહીજ નહિ. ભારતના બંધારણે આપેલા આ અધિકારનો ઉપયોગ કરીને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તા.૫મી ઓગસ્ટ ૨૦૧૯ને સોમવારના રોજ જાહેરનામું બહાર પાડીને બંધારણની ટેંપરરી કલમ ૩૭૦ કાયદેસર ઉડાડી દીધી. મોદી શાહે બધું જ પર્ફેક્ટ કાયદેસર જ કર્યું છે. સાલાઓ હોંશીયાર તો ખરા જ.’

‘છોટુ, ગાંડાની જેમ બંધારણ બંધારણના બરાડા ના પાડ. લોકો તને પાકિસ્તાની ગણશે? પાકિસ્તાને પણ તારા જેવી જ રડારોડ કરી હતી. રડતુ કકળતું યુનોમાં ગયું.  યુનોમાં પણ કોઈ દેશે એને દાદ આપી નહિ. માત્ર ચપટા નાક વાળા ચીનાએ ટેકો આપ્યો. પોલાંડ વાળાને તો નિયમ મૂજબ ટેકો આપવો પડે એટલે લૂલો ટેકો આપ્યો. પાકિસ્તાનનું કશું વળવાનું નથી. દીકરા છોટુ, હું તો કોંગ્રેસી છું અને કોંગ્ર્સી તરીકે જ મરીશ પણ કોંગ્રેસી પહેલા હું હિંદુસ્તાની છું.

વાતો ચાલતી હતી એમાં છોટુ મોટુની વહુઓએ ભંગ પાડ્યો. એક તિરંગા કેરેટ કેઇક લઈ આવી. ઉપર લખ્યું હતું કાશ્મિર હમારા થા, હમારા હૈ, હમારા રહેગા. દાદાની ભાવતી કેરેટ કેઈક હતી. છોટુ બિચારો એકલો પડી ગયો. સમજ્યો પણ સ્વિકારવા તૈયાર ન હતો. એક ખૂણાપરની ખુરશી પર બેસી કેઇક હાથમાં લઈને મનમોહનસિંહે પરાણે બોલેલા વાક્યનું રટણ કરતો હતો.  हमें पार्टी की कुर्बानी मंजूर है लेकिन देश का नुकसान मंजूर नहीं है।

દાદા તમે ગમે તે કહો પણ કાળી ધોળી દાઢીએ બંધારણની હાંસી ઉડાડી છે.  અને કાશ્મિરની પ્રજાનો મત દબાવી દીધો છે. દુનિયાની પ્રજા ભાજપને ધિક્કારશે. પાકિસ્તાન મોદીને માફ નહિ કરે. રાહુલજીના મનોભક્ત છોટુની આંખમાં પાણી હતા.

 ( તિરંગા સપ્ટે. ૨૦૧૯)

6 responses to “છોટુ અને ૩૭૦ 

  1. pravinshastri September 5, 2019 at 11:59 PM

    ઽઅભાર ઠાકરસાહેબ.

    Like

  2. pravinshastri September 5, 2019 at 11:55 PM

    આભાર બહેન.

    Like

  3. pravinshastri September 5, 2019 at 11:54 PM

    આભાર ગાંધીસાહેબ.

    Like

  4. મનસુખલાલ ગાંધી September 5, 2019 at 7:22 PM

    શું સરસ સમજણ આપી છે, નમો -અમિત ખુશ થઈ જશે… કોંગ્રેસીઓનું ફુસ્સ્સ્સ્સ્સ કરી નાંખ્યું. !!!!!!!!. અમે આશા રાખીએ, તમને આવું સરસ સામ્જવવા માટે કોઇ એવોર્ડ મલે..

    Liked by 1 person

  5. pragnaju September 5, 2019 at 10:14 AM

    રમુજમા મોટી વાત સમજાવી

    Liked by 1 person

  6. mhthaker September 5, 2019 at 2:53 AM

    very nicely explained 370 point to point for one and all

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: