Madhu Thaker 

નીલે ગગન કે તલે / મધુ રાય 

હમારી અમૃતા

બુડાપેસ્ટ, હંગેરીના આર્ટ મ્યુઝિયમના ત્રણ માળ ફેંદીને ગગનવાલાના પ્રવાસભિલ્લુ ચિત્રકાર ડો. દિનશ શર્મા ગગનભેદી ચિત્કાર કરે છે. “અમ્રિતા કા નામોનિશાન નહીં યહાં? ક્યા કમાલ હૈ!”

અમ્રિતા યાને બુડાપેસ્ટમાં જન્મેલી અમૃતા શેર–ગિલ! ૨૦મી સદીની સર્વશ્રેષ્ઠ નારી ચિત્રકાર; તેનો અનુગામી ચિત્રકારો ઉપર પ્રભાવ બંગાળના રબીન્દ્રનાથ અને યામિની રાયનાં ચિત્રો જેટલો જ દૂરગામી કહેવાય છે.

મહારાજા રણજિત સિંહના રાજકુંવર દિલીપ સિંહે ઇજિપ્તના અનાથાશ્રમમાં ઉછરેલી કન્યા બામ્બા મૂલરને પોતાની રાણી બનાવેલી. તેની પુત્રી બામ્બા સધરલેન્ડની સહચરી હંગેરીના યહૂદી કુલીન વર્ગની પુત્રી ઓપરા ગાયિકા મેરી ગોતસ્માન લાહોર આવેલી ત્યારે તેણે ભારતના જાટ શીખ રઈસ, સંસ્કૃત તથા ફારસીમાં પારંગત ઉમરાવ સિંઘ શેર–ગિલ મજિઠિયા સાથે લગ્ન કરેલાં ને તેઓ હંગેરી સ્થાયી થયેલાં જ્યાં અમૃતાનો જન્મ થયેલો.

અમૃતાના મામા અરવિન બાક્તે ભારતીય સંસ્કૃતિના ઉપાસક હતા અને તેમણે અમૃતાની પ્રતિભાને પિછાણી તેને ચિત્રકામની તાલીમ આપી. ત્યાં હંગેરીમાં નાણાંભીડ પડતાં તેનો પરિવાર ભારતમાં સિમલા આવી વસ્યો. પાંચ વર્ષની વયથી જ અમૃતાએ તેની સિમલાની કોઠીમાં પોતાના નોકર ચાકરોના પોર્ટ્રેટ ચીતરવાનું શરૂ કર્યું. અમૃતાને કોન્વેન્ટ સ્કૂલમાંથી કાઢી મુકાયેલી કેમકે તે ઉઘાડે છોગે કહેતી કે તેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી.

દસમા વર્ષે તેની માતા સાથે તે ઇટાલીમાં અને ફરીથી ૧૬મા વર્ષે માતા સાથે પેરિસમાં પેઇન્ટિંગની વિધસરની તાલીમ લેવા તે ફ્રાન્સ આવી. ઇટાલીના પ્રકાંડ કલાકારો ઉપરાંત પેરિસમાં તે ફ્રેન્ચ પોલ સેઝાં અને પોલ ગોગાંના કામથી પ્રભાવિત થઈ તેણે સાથી ચિત્રકારો અને સ્ત્રી અને પુરુષ મિત્રો અને પ્રેમિકો સાથે અફલાતૂન ચિત્રો દોર્યાં. તેની માતાએ તેનું સગપણ યૂસુફ અલી ખાન નામક અમીરજાદા સાથે કરેલું પણ તે સંબંધમાં અમૃતાને અમુક ગુપ્ત રોગ લાગુ પડ્યો જેનો ઇલાજ તેના કઝિન ડો. વિક્ટર ઇગને કર્યો અને પોતાની માતાના વિદ્રોહમાં અમૃતા છાકટી બનીને પ્રેમીઓની શૃંખલા બાંધી બેઠી. લેખક ખુશવંત સિંહ કહે છે કે અમૃતાએ તેની ઉપર બી ડોરા ડાલેલા. અમૃતાના પત્રો ઉપરથી જણાય છે કે તેને છોકરીઓ સાથે પણ કામ–સંબંધ થયેલા.

પોતાનું ખાનદાન બ્રિટિશર્સ સાથે જોડાયેલું હોવા છતાં તે સમયની આઝાદીની ચળવળમાં અમૃતાને શ્રદ્ધા હતી અને તે રીતે જવાહરલાલ નહેરુ સાથે તેને મુલાયમ નાતો બંધાયેલો. પરંતુ તેનો નહેરુ સાથેનો સમગ્ર પત્રવહેવાર બાળી નંખાયો છે. માલકમ મગરીજ નામે એક અંગ્રેજ પત્રકાર સાથે અમૃતાને સંક્ષિપ્ત સહવાસ થયેલો અને માલકમનું તેણે દોરેલું ચિત્ર આજે દિલ્હીની નેશનલ ગેલેરીમાં છે.

અંતે અમૃતાને ખાતરી થઈ ગઈ કે અહીં જ તે પોતાની કળાને મુખરિત કરી શકશે. અમૃતાએ પચીસ વર્ષની વયે પોતાના મામાના દીકરા ડો. વિક્ટર ઇગન સાથે લગ્ન કર્યાં પણ તેનું સ્પષ્ટ માનવું હતું કે પોતે બાળક નહીં ઉછેરી શકે. તે ક્રમે તેણે ગર્ભપાત કરાવ્યા. કહેવાય છે કે એવા બીજા ગર્ભપાતમાં ૨૮ વર્ષની કાચી વયે અમૃતાએ પ્રાણ ત્યાગ્યા. અમૃતાની માતાના મતે વિક્ટરે તેને મારી નાખી.

ન્યુ યોર્ક ટાઇમ્સની શોકાંજલિ કહે છે કે ભારતની કચવાયેલી, તજાયેલી, રિબાયેલી નારીઓનાં તીવ્ર સંવેદનશીલ ચિત્રો અમૃતાની ચિત્રજગતને અનમોલ દેણગી છે. પરંતુ તેના જીવનકાળ દરમિયાન તેનાં ચિત્રોની કદર થઈ નહી. ખંડાલાવાલા તથા ફાબ્રી જેવા કલાપરખુઓએ તેને વીસમી સદીની પ્રચંડ પ્રતિભા કહ્યા છતાં હૈદરાબાદના નવાબ સલાર જંગે તેનાં ચિત્રો પાછાં મોકલાવેલાં અને મૈસૂરના મહારાજાને અમૃતાના કામ કરતાં રાજા રવિ વર્માનાં ચિત્રો વધુ રાસ આવ્યાં. હવે અમૃતાનું એક ચિત્ર ૨૦૧૮માં ૧૮ કરોડ ૬૯ લાખ રૂપિયામાં વેચાયેલું.

શેરગિલનાં ચિત્રોની ગંભીર અસર ભારતના આધુનિક ચિત્રકારો સૈયદ હૈદર રઝા અને અર્પિતા સિંઘ જેવા સેંકડો, તથા અલબત્ત ગગનવાલાના પ્રવાસભિલ્લુ ડો. દિનેશ શર્મા પણ સ્વીકારે છે. અમૃતાનાં ચિત્રોને ભારત સરકારે ‘નેશનલ ટ્રેઝર” કહેલ છે. તેના નામની પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પડેલ છે ને દિલ્હીમાં અમૃતા શેરગિલ માર્ગ છે. અમૃતાની જન્મશતાબ્દિની ૨૦૧૩ની સાલને યુનેસ્કોએ “અમૃતા શેરગિલ ઇયર” તરીકે ઉજવેલ છે. 
મગર બુડાપેસ્ટ મેં કુછ ભી નહીં? શર્માજી તાજ્જુબીની મુદ્રા કરી હંગેરીના આર્ટ વર્લ્ડ માટે સરસ્વતી વચન ઉચ્ચારે છે.

MADHU.THAKER@GMAIL.COM Wednesday, August 28, 2019

 

Image may contain: 1 person, closeup and indoor