
વિજય ઠક્કર-
“ગુર્જરિકા”
https://gurjarica.wordpress.com
કર્ણનો હું રથ બની ઝૂકી ગયો…….
“સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી;
કે મારી પાસે એક્કે ધનુષ–બાણ પણ નથી.”
મુકુલ ચોકસી
મહાભારતનું યુદ્ધ અનેક દાવપેચ અને છળકપટથી લડાયું છે. પાંડવોની પ્રામાણિકતા અને કૌરવોનાં કાળા કરતૂતો વચ્ચેનું આ યુદ્ધ હતું. વિશેષતા એ હતી કે દુષ્ટના પક્ષે આચાર્ય દ્રોણ અને પિતામહ ભીષ્મ જેવા જ્ઞાની વિશ્વશ્રેષ્ઠ યોદ્ધાઓ અને આદરના અધિકારી સત્પુરુષો હતા તો પ્રતિપક્ષે એકમાત્ર સ્વયં ભગવાન અને ભગવાનના નિતાંત ભક્તો હતાં.
જો કે મારે મહાભારતના યુદ્ધ વિષે કે એના દાવપેચ વિષે વાત કરવાનો આશય નથી જ.
મારું કુતૂહલ તો મહાભારતનાં યુદ્ધમાં જે બે રથનું પ્રયોજન થયું હતું એ વિષય સંદર્ભે છે. આપ જાણો જ છો ને કે હું કયા કયા બે રથને હું ઉલ્લેખી રહ્યો છું. હા જી, એક કર્ણ નો રથ અને બીજો અર્જુન નો રથ.
બંને રથની પોતપોતાની કથાઓ છે.
દાનેશ્વર કર્ણ જ્યાં સુધી યુધ્ધભૂમી પર હશે ત્યાં સુધી યુદ્ધ જીતાવાની કોઈ શક્યતા નહિ હોવાનું સ્વયમ યોગેશ્વર અને અર્જુનતાત દેવરાજ ઇન્દ્ર જાણતા હતા અને એટલે જ અનંતસ્વરૂપે રચેલા અનેક તરકટોમાનું એક તરકટ તે ઇન્દ્રરાજને વિપ્રવેષે કર્ણ પાસે મોકલી એના કવચકુંડળ મેળવી લેવા. કર્ણને એના પિતા સૂર્યનારાયણે સ્વપ્નમાં આવી ઇન્દ્રરાજનાં આગમનની આગોતરી જાણ કરી હતી અને સૂતપુત્ર કર્ણ યાચક બ્રાહ્મણ વેષે આવેલા ઇન્દ્રદેવને ઓળખી લે છે છતાં બેઝીઝક કવચકુંડળ શરીર પરથી ઉતરડીને આપી દે છે. ઇન્દ્રરાજ પોતાના આ છળથી અને કર્ણના ઔદાર્યથી વિમાસણમાં મુકાયા. કર્ણને અનેક વિનંતી કરીને કવચ કુંડળનાં બદલામાં અમોઘ શક્તિ આપીને પરત ફરે છે. ઇન્દ્ર દેવને ખબર હતી કે એ શક્તિ એમના જ પુત્ર અર્જુન પર પ્રયોજાવાની છે તેમ છતાં એ આપી દે છે.
જ્યારે યુદ્ધમાં નિર્ણાયક ઘડી આવી ત્યારે કર્ણના રથને યુદ્ધભૂમિ ગળવા માંડે છે અને કર્ણનો સારથી શલ્ય અનાડીવેડા કરવા માંડે છે. રથનું પૈડું બહાર કાઢવાનો શૈલ્ય ઇનકાર કરે છે એટલે છેવટે કર્ણ પોતે રથમાંથી નીચે ઊતરી સરખું કરે છે ત્યાં ફરી પૈડું ખાંગુ થયું અને ફરી કર્ણ એની ઠીક કરવા પૈડું હાથમાં લે છે. બસ આજ તકની તો રાહ જોતા હતા શ્રી કૃષ્ણ. અર્જુનને આદેશ કરે છે કે “હવે કોઈ જ વિચાર કર્યા વગર કર્ણ ઉપર તૂટી પડ અને એક ક્ષણ પણ ગુમાવતો નહિ.” પૈડાને હાથ દેતાદેતા કર્ણ બોલ્યો” અરે અર્જુન જરા સબૂર કર હું મારું પૈડું કાઢું ત્યાં સુધી ધીરજ ધર. હું રથમાંથી બહાર યુદ્ધભૂમિની વચ્ચે રથનું સમારકામ કરું છું અને તું રથની અંદર બેઠોબેઠો બાણવર્ષા કરે છે….?? આ યુદ્ધ એ ધર્મયુદ્ધ નથી અર્જુન ..?તું અધર્મ આચરી રહ્યો છે.”
એનો જવાબ કૃષ્ણ આપે છે..” કર્ણ ધર્મયુદ્ધની તારી સુફિયાણી વાતો જ તારા મોંએ હાસ્યાસ્પદ લાગે છે કારણ તેં તારા આ જન્મારામાં ક્યારેય ધર્મ પાળ્યો છે ખરો..? પાંડવોને લાક્ષ્યાગૃહમાં સળગાવી દેવાની સલાહ તેંજ આપી હતીને કર્ણ..? બેબસ દ્રૌપદીને કૌરવસભામાં તાણી લાવીને અપમાનજનક ઉચ્ચારણો કરવાવાળો તુંજ હતો ને કર્ણ? પાંડવોને વનવાસ દરમ્યાન યુક્તિપ્રયુક્તિથી પરેશાન કરવાના કીમિયા બતાવતી વખતે તારો ધર્મ ક્યાં હતો કર્ણ..? એકદમ કોમળ ફૂલ જેવા એક લબરમુછીયા અભિમન્યુને હણવા છ છ મહારથીઓ એના પર તૂટી પડ્યા હતા અને ત્યારે ખેલાયેલા એ પ્રપંચમાં તને અધર્મ દેખાતો ન હતો..? ભૂલી જ કારણ એ બધી ધર્મની વાતો તને શોભા નથી આપતી….
અર્જુન, વધ કર….. અર્જુન કર્ણનો વધ કર..”
અર્જુનના બાણ એક પછી એક આવ્યે જ જતાં હતાં.
રથ સહેજ ઠીક કરીને કર્ણ રથ પર અસવાર થયો અને નિત્ય જેની પૂજા કરતો હતો એવું ભગવાન પરશુરામનું બ્રહ્માસ્ત્ર તેણે કાઢ્યું અને જેવું એની પણછ પર ચડાવે છે… પણ આ શું…?? બ્રહ્માસ્ત્રને પ્રયોજવાની વિદ્યા જ સરી પડી… અને એટલામાંજ ફરી રથનું પૈડું નીકળી ગયું…કર્ણ એકલું બ્રહ્માસ્ત્ર લઈને નીચે ઊતરે છે અને એક હાથમાં પૈડું અને બીજા હાથમાં બ્રહ્માસ્ત્ર… પણ બીજી બાજુ કૃષ્ણ આ ઘડી ચૂકવા માંગતા નથી… આખરી આદેશ કરે છે અર્જુનને “અર્જુન કર્ણનો વધ કર..”
કર્ણ વીંધાઈ ગયો…આંખે અંધારાં આવવા માંડ્યા…
એ વીર યોદ્ધો મહારથી કર્ણ ભગવાન શ્રી કૃષ્ણ ને દૂરથી વંદન કરે છે “ હે યોગેશ્વર મને આપના શરણમાં લઈ લો… કહો આ વીર અર્જુનને કે એના બાણથી મારું મૃત્યુ પાવન કરે… કારણ અર્જુનના હાથનું મોત તો કોઈક વીરને જ પ્રાપ્ત થાય…..
કર્ણના એક હાથમાં પૈડું અને બીજા હાથમાં પરશુરામનું આપેલું નિરર્થક ખાલી બ્રહ્માસ્ત્ર…! સૂતપુત્ર રાધેય, મહાયોધ્ધો, એકવચની, દુર્યોધનનો પરમ મિત્ર કર્ણ કુરુક્ષેત્રની એ વીરભૂમિ પર ચત્તોપાટ પડ્યો….. આકાશ સામે જાણે એના પિતા ભગવાન સૂર્યનારાયણને વિનંતી કરતો હતો કે “ મને આપની બાહોમાં સમાવી લો…”
સૂર્યનારાયણ પણ પોતાના પુત્રની વીરગતિથી ખિન્ન થઈ ગયા અને તરત જ એમણે પૃથ્વી પર અંધકાર ફેલાવી દીધો…
(ક્રમશ:)
આભાર: કવિ શ્રી હેમંત ગોહિલ “મર્મર” ( શીર્ષક પંક્તિ )
આભાર: કવિ શ્રી મુકુલ ચોકસી
XXXXXXXXXXX
વિજય ઠક્કર
શબ્દો: 703
લખ્યા તારીખ: August 5, 2019 @ 11.25 PM
Like this:
Like Loading...
Related
very nicely rewritten story of Karna and Arjun
LikeLiked by 1 person
મા વિજય ઠક્કરજી એ જાણીતી વાતને રસપ્રદ રીતે રજુ કરી ધન્યવાદ તેના અનુસંધાનમા …
જ્યારે કર્ણ મૃત્યુશૈયા પર હતા ત્યારે કૃષ્ણ તેમની પાસે દાનવીર હોવાની પરીક્ષા લેવા માટે પહોંચ્યા. કર્ણે કૃષ્ણને કહ્યું કે તેમની પાસે આપવા માટે કંઇ જ નથી. ત્યારે કૃષ્ણે કર્ણ પાસે તેનો સોનાનો દાંત માંગી લીધો. કર્ણે પોતાની પાસે પડેલા એક પથ્થરને હાથમાં લીધો અને તેની મદદથી સોનાનો દાંત તોડીને કૃષ્ણને આપી દીધો.મ્કૌરવોનો સાથ આપવા છતાં દાનવીર કર્ણને આદરભાવ આપવામાં આવે છે. તેમની સાથે થયેલા અન્યાયને કારણે મોટાભાગના લોકો તેમના પ્રતિ સહાનુભૂતિનો ભાવ રાખે છે કર્ણાટકમાં સરનોલ ગામે કુંતી પુત્ર કર્ણનું મંદિર આવેલું છે.
LikeLiked by 2 people