કાણો કળશ અને વિધિની વક્રરેખા

મારી એક જૂની વાર્તા

કાણો કળશ અને વિધિની વક્રરેખા

કાનો કલશ

 

વૅલેન્ટાઈન ડેની આગલી બર્ફિલી રાત્રે, ન્યુ જર્સીના પાર્કવે નોર્થ પર બિંદુની કાર બેફામ દોડતી હતી. ટ્રાફિક ન્હોતો. રોડ સ્લીપરી હતા. બિંદુનું મન એનાથીયે વધારે સ્લીપરી હતું. કારની ઝડપ કરતાં, સરી ગયેલા ભૂતકાળમાંની વિચારધારા વધુ વેગીલી હતી. બિંદુનિ કાર ફોરવર્ડ અને વિચારો બેકવર્ડ ધસતા હતા. બસ જાણે બધું ગઈ કાલેજ બન્યું હોય તેવુંજ તેને સ્પષ્ટ દેખાતું હતું.  અત્યારે તે ધવલ અને રેખાને મળીને પાછી ફરતી હતી.

         ધવલે કેટલી સરળતાથી બિંદુ સાથે લગ્નની હા પાડી દીધી હતી. લોકોને તો ખરું,  તેને પણ નવાઈ લાગી હતી. ક્યાં ધવલ અને ક્યાં બિંદુ. જાણે ધોળાઉજળા હંસ અને કાળીકાગડીની જોડી.  ધવલ કૉલેજ ગ્રેજ્યુએટ અને બિંદુ  હાઈસ્કુલ ગ્રેજ્યુએટ.  ધવલ અમદાવાદની બેન્કમાં કામ કરતા એકાઉંટન્ટ અને બિંદુ હૉબૉકનના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કામ કરતી કૅશિયર.

મહેંદી, શણગાર અને શરણાઈના મંગળ સૂરો સાથે લગ્ન લેવાયા. રિસેપ્શન પાર્ટીમાં બધા ખુબજ નાચ્યા. ધવલની મિત્ર રેખાએ તો કમાલ કરી. એણે ધવલેની સાથે જે ડેન્સ કર્યો, તેવોતો બિંદુને આવડતોજ ન્હોતો. રેખાએજ તો ‘સંસ્કારી ગૃહિણી’ સાબિત થશે કહીને ધવલ ને બિંદુ સાથે લગ્ન માટે તૈયાર કર્યો હતોને!

બિંદુના બાપુ, હૉબોકનની ફૅકટરીમાં, નાઈટ શિફ્ટમાં નોકરી કરતા હતા. ભાઈ ભાભી ન્યુયોર્કમાં ઑફિસે જતા.. નાના ઍપાર્ટમેન્ટમાં તેઓ ચાર પુરુષાર્થીઓ, સંતોષ અને શાંતીથી જીવન જીવતા હતા. ધવલને વિઝા મળતા તેઓ પાંચ થયા. બેન્કમાં તેમણે સંયુક્ત ખાતું ખોલાવ્યું. બિંદુની બચત અને પગાર એમાંજ જમા થતો. 

રેખાના ફોન આવતા. એ પહેલા બિંદુ સાથે વાત કરતી. પછી ધવલ વાત કરતો….કલાકો સુધી.

બિંદુની ગેરહાજરીમાં ધવલ રેખાને ફોન કરતો….કલાકો સુધી.

મોટાભાઈએ ફોનનું મોટું બિલ જોઈને ધવલને હળવો ઠપકો આપ્યો.

ધવલ વિફર્યો. ભાઈનું અપમાન કર્યું. સાસરિયાના માનસિક ત્રાસના બહાના હેઠળ હૉબોકન છોડ્યું.  એને ઍટલાંટિક સીટીની બેન્કમા જોબ મળી. એણે એપાર્ટમૅન્ટ માંડ્યો.

બિંદુ પણ ધવલ સાથે જવા તૈયાર થઈ પણ ધવલે કહ્યું, “હમણાં તું અહીં રહી નોકરી કર. તું પૈસા ભેગા કર. પગભર થઈશું અને આપણું ઘર લઈશું ત્યારે તને લઈ જઈશ.”

બિંદુ રજાને દિવસે ધવલને ત્યાં જતી. ઍપાર્ટમેન્ટની સફાઈ કરતી. આખા વીક માટે કંઈક ખાવાનું બનાવી ફ્રિઝમા મુકતી. ધવલ જોઈતું શરીર સુખ માણી લેતો. ધવલે જોઈન્ટ ઍકાઉન્ટમાંથી વ્યવસ્થિત રીતે બેલૅન્સ પોતાના નામ પર કરવા માંડ્યું.

લગભગ વર્ષ પછી અચાનક બિંદુને વકિલ મારફતે ડિવૉર્સ નોટિસ મળી…

કુટુંબ પર આભ તૂટી પડ્યું. બધા રડતાં રડતાં ધવલને મળ્યા. બાપુ તો ખરેખર લાંબા થઈને પગે લાગ્યા. સિંહ જેવા મોટાભાઈએ પણ આંખમા આંસુ સાથે એકની એક બહેનનું જીવન ન બગાડવા ભીખ માંગી.

…..પણ બધું વ્યર્થ. ડિવૉર્સ ફાઈનલ થઈ ગયા. ધવલની કુંડળી અમેરિકા સાથે મૅચ થઈ હતી. બિંદુ સાથે નહિ.

બિચારી બિંદુને શી ખબર!  આ બધુંતો મીઠડી રેખાના પ્લાન પ્રમાણેજ થયું હતું. તેણે પોતાના પ્રેમી ધવલને માટે ખૂબ કાળજીથી ઈરાદા પૂર્વકજ, અનમૅચેબલ બિંદુને પસંદ કરી હતી.

ડિવૉર્સ પછી બિંદુ ધવલને મળી. ધવલે ઠંડા કલેજે સધ્યારો આપ્યો.

આપણી વચ્ચે કંઈ પણ સામ્યતા નથી. મને તારાપર પ્રેમ નથી. પણ હું નિષ્ઠુર નથી. મને તારી ખૂબ દયા આવે છે. વાસ્તવિકતા સ્વિકારી લે. કોઈ યોગ્ય પાત્ર શોધી નવો સંસાર શરૂ કર.

પછી તો ધવલે બિંદુને બાથમાં લઈને  કિસ પણ કરી.

ભલે આપણે પતિ-પત્ની નથી પણ એક સારા મિત્ર બનીશું. વી વીલ બી ગુડ ફ્રૅન્ડસ.  જ્યારે મન થાય ત્યારે મને મળવા આવી રહેજે.

બિંદુનું મન અને હૈયું ધવલ માટેજ ધબકતું-તડફતું રહેતું. હૃદય પરિવર્તનની આશાએ ભાઈ ભાભીથી છૂપી રીતે તે ધવલને મળતી રહી. સ્વેચ્છાએ શરીર અને આર્થિક સંપત્તિ લૂંટાવતી રહી.  ખંધો ધવલ પોતાની અનુકૂળતા અને ભૂખ પ્રમાણે બિંદુને રમાડતો રહ્યો…ચૂસતો રહ્યો…. આખરેતો એ પુરુષ હતો ને!

…..દરમ્યાન ધવલે ઇન્ડિયા જઈ રેખા સાથે લગ્ન કર્યા.

રેખાનો અમૅરિકા આવવા માટેનો પ્લાન ધીરજ અને કુનેહથી સફળ થયો. બન્નેનું અમૅરિકન સ્વપનું સાકાર થયું. બિંદુની આશા પર પાણી ફળી વળ્યું. મળવા જવાનું બંધ થયું. તેણે બીજા કોઈને પ્રેમ કર્યો નહોતો. પોતાનું સર્વસ્વ તેના પતિદેવને અર્પી ચુકી હતી. નિરાશ અને હતાશ બિંદુ ડિપ્રૅશનમાં સરકવા માંડી. નોકરી છૂટી ગઈ.

….પ્રેમાળ ભાઈ ભાભી એની ખુબ કાળજી રાખતાં. નિર્દોષ ડિવૉર્સી તરીકેની જહેરાતો આપી બહેનના પુનર્લગ્ન માટેની કોશિશ કરી, પણ તે નિષ્ફળ નીવડી. ભાઈ ભાભી અજ્ઞાત હતા; પણ સમાજની આંખોએ નિહાળ્યું હતું કે બિંદુ ડિવૉર્સ પછી પણ ધવલને મળતી હતી. બિંદુની ઈચ્છા પણ મરી પરવારી હતી.

અને અચાનક એક દિવસ ફોન રણક્યો.

બિંદુબેન!  કેમ છો?  હું રેખા બોલું છું. બ્હેન! મારે તમારી ક્ષમા માંગવાની છે. મારે કારણે તમને દુઃખ પહોંચ્યું હોય તો તમારી હૃદય પૂર્વક ક્ષમા માંગુ છું. નાની બહેનને માફ નહિ કરો?”

બિંદુ સ્તબ્ધ બની સાંભળી રહી. એ નિરૂત્તર રહી.  સામેથી વાત ચાલુ રહી.

બહેન સાંભળ્યું છે કે તમારી તબિયત બગડી છે. તમને જોવા-મળવા આવવાની ઘણી ઇચ્છા છે, પણ શી રીતે અવાય!

હજુતો આપણે યુવાન છીએ. આખી જિંદગી સામે પડી છે. સ્વાથ્યનો ખ્યાલ રાખવો જોઈએને! નાની બહેનથી સલાહ તો ન અપાય,પણ વિનંતી કરવાનો અધિકાર તો ખરોને?  આનંદમા રહો. ખોટો જીવ બાળી જીવનને વેડફશો નહિ. લગ્ન એ તો ઈશ્વ્રર સર્જિત લેણાં-દેણી છે. તમારે માટે મને ખૂબ માન અને પ્રેમ છે.”

બિંદુથી ડૂસકું ભરાઈ ગયું.

અરે બેન! તમે રડશો નહિ. મારેતો તમારી સાથે ઘણી વાતો કરવી છે. પણ ફોન પર નહિ. આપણે રૂબરુમાં વાતો કરીશું. જો તમો આવતા શુક્રવારે સાંજે અમારે ત્યાં આવો તો આપણે સાથે ડિનર લઈશું. વાતો કરીશું. હૈયાનો ભાર હલકો કરીશું. અમારું એડ્રેસ તો તમને ખબર જ છે. ધવલ પણ તમને ખૂબ ખૂબ યાદ કરે છે. એને પણ તમને જોવાની ઈચ્છા છે. આવશોને?”

બિંદુએ પત્યુત્તર ન વાળ્યો. ફોન કટ થઈ ગયો.

રેખાનો ફોન ઝંઝાવાત ન્હોતો. સુનામી હતો. રેખાનો અવાજ,  બિંદુના મગજમાં પડઘા પાડતો રહ્યો. “ધવલ પણ તમને ખૂબ ખૂબ યાદ કરે છે.”….”ધવલ પણ તમને ખૂબ યાદ કરે છે.”….” ધવલ પણ તમને ખૂબ ખૂબ યાદ કરે છે.

….બિંદુનું મન આશાના ઝૂલા પર હિંડોળા લેવા માંડ્યું.

અરે યાદ કરેજને! પહેલો અધિકાર તો મારોજ ને! મેં તો એને સર્વસ્વ અર્પણ કરી દીધું છે… યાદ કરેજને!.. ધવલ મને યાદ કરે છે…ઘવલ મારો છે…એને મારે માટે લાગણીતો છેજ. હું એને મળીશ. મને તે હૈયામાં સમાવી લેશે. ભૂલ સુધારી લેશે. હું પણ તેને માફ કરી દઈશ. મને સાથે રાખશે. ભલે રેખા અમારી સાથે રહે. લાગણીવાળી છોકરી છે. મારું બાળક રેખાને પણ મમ્મી કહેશે…..

ડિપ્રેશ મગજમાં, આશાની આતસબાજી ઝળકી ઉઠી.

અને શુક્રવારે…..

“હું મારી ફ્રૅન્ડને ત્યાં જાઉં છુ. મોડી આવીશ. ચિંતા ના કરશો” કહી એ ભાઈની કાર લઈને ધવલને ત્યાં ઉપડી.

આવો આવો બિંદુબેન. મને ખાત્રી હતી કે તમે આવશોજ. તમારીજ રાહ જોતાં હતા.” રેખાએ ભેટી પડતાં આવકાર આપ્યો.

આવ બિંદુ” કહેતા ધવલે પણ હગઆપી. ધવલના સ્પર્ષ માત્રથી જડ થયેલા બિંદુના તન મનમાં ચેતના ઝળકી.

આપણે ઘણા વખતે મળ્યા. જોને! કેવી હાલત કરી નાંખી છે! થોડી શરીરની કાળજી રાખતી હોયતો!” ધવલે પ્રેમથી કહ્યું. બિંદુને સ્વર્ગ હાથવેંત લાગ્યું. જાણે ડિવૉર્સ એ માત્ર ખરાબ સ્વપનું જ હતું. હકિકત ન્હોતી.

બિંદુબેન તમે ઘવલ સાથે વાતો કરો. તમે બહાર ઠંડીમાંથી આવ્યા છો. હું તમારે માટે મસાલાવાળી સરસ ચા બનાવી લાઉં”

ચા સાથે ઔપચારિક વાતો ચાલતી રહી. મોટાભાગે રેખા જ વક્તા હતી. ધવલ અને બિંદુ શ્રોતા હતાં.

ડિનર ટૅબલ પર રેખાએ અન્નકૂટનો થાળ સજાવી દીધો.

ડુ યુ નૉ!  ટુમોરો ઇઝ વૅલેન્ટાઈન ડે. લેટ્સ સેલિબ્રેટ  ટુ ડે.”  ધવલે બન્નેને ફિલ્મી અદાથી પુષ્પ ગુચ્છ આપ્યો.

થૅન્કસ” બન્ને એક સાથે બોલ્યા. બિંદુની આંખમા હર્ષાશ્રુ ઝળક મારતાં હતા.

રેખાએ વાતનો દોર ચાલુ રાખ્યો.

બિંદુબેન! યુવાનીનો કિમતી સમય, તૂટેલું સાંધવાના નિષ્ફળ પ્રયાસોમાં બરબાદ ન કરવો જોઈએ. નવું મેળવો અને આનંદથી જીવો. તમારા ભાઈના પ્રયત્નોને કમનસીબે સફળતા નથી મળી. હું તમને મદદરૂપ થઈ થોડું પ્રાયષ્ચિત કરવા માંગુ છું. જો તમારા ધ્યાનમાં ઉતરે તો, મારા મામાનો છોકરો તમારો હાથ પકડવા તૈયાર છે. ઊંમર તમારા કરતાં થોડી વધારે છે. માત્ર બેતાળીસ. અમૅરિકામાં તો એ યુવાન જ ગણાય. માત્ર એક પગ એક્સિડન્ટમાં ગુમાવ્યો છે. લાકડાનો પગ પહેરે છે. કોઈને ખબર પણ પડતી નથી. સ્વભાવે ખૂબજ સરળ અને રમુજી છે. મને ખાત્રી છે કે તમને ગમશેજ. લગ્નનો ખર્ચો પણ મારા ભાઈ જ ઉપાડી લેશે. અહીં આવ્યા પછી અનુકૂળ ન આવે તો સ્વેચ્છાએ તમને છૂટા કરાવી દેવાની જવાબદારી મારી. બોલો તમારા મોટાભાઈને વાત કરૂં?” 

 

હું વિચારિશ. થૅન્કસ ફોર ધ ડિનર. ઈટસ ટુ લૅઇટ. આઈ મસ્ટ ગો નાવ.”

 

બે દિવસમાં મને જરૂર થી જણાવજો.” રેખાએ યાદ કરાવ્યું.

 

બિંદુ પાર્કિગ લૉટમાંથી નિકળી એટલે રેખાએ ધવલને થંબ્સ અપની સાઈન આપી.

 

ધવલ પાસેથી વૅલેન્ટાઈન ગિફ્ટ મળી હતી. રેખાએ લાગણીનો સર્પ ગળે પહેરાવ્યો હતો.

બિંદુએ પ્રેમ અને સ્વાર્પણ, વ્યર્થ આશાએ ધવલના કાંણાં કળશમાં ઠાલવ્યા હતાં.

ના, આ પ્રેમ નથી. ના, આ લગ્ન નથી. આતો છે ઈમિગ્રશન માટે વ્યાપાર. આ આત્મજ્ઞાનનો દિપક ન્હોતો. આતો અક્કલ ઠેકાણે આવી તે આગનો ભડકો હતો.

વૅલેન્ટાઈન ઈવ?  ના! ના! આતો હતી કાળી, કાજળ ઘેરી, અમાસની રાત….ધ ફ્રાઈડે… થર્ટિન્થ……અમાસની કાળી રાત……અમાસ જેવી બિંદુની રાત.

બિંદુની આંખે અંધારા આવતા હતા.

બહાર સ્નોશરૂ થઈ ગયો હતો. સ્નો સફેદ કેમ હતો! કાળો હોવો જોઈએને! બિંદુના જીવન જેવો.

બિંદુની કાર રાઈટ લૅઇનમાં, પાર્કવૅ પર બેફામ ઝડપે દોડતી હતી. હૈયાની અંદર બળતી આગને બહારની હિમવર્ષા ઠારી શકતી ન્હોતી.

 

બિંદુએ ભગવાનને ઠપકો આપ્યો. બાપુ અને ભાઈ ભાભીને મનોમન વંદન કર્યા. માફી માંગી.

…..આંખો બંધ કરી…સ્ટિયરીંગ સહેજ જમણી બાજુ વાળ્યું…હાથ ઉઠાવી લીધો…

એક્સલરેટર ફ્લોર સુધી દબાવી દીધું….પંદર સૅક્ન્ડ….એક મોટો ધડાકો…પાર્કવૅને પ્રકાશિત કરતી ભડભડતી જ્વાળા.. જાણે બિંદુની વિધિની અને ધવલની પ્રેમીકાની વક્રરેખાઓ. બિંદુનું ભૂંસાઈ ગયેલું અસ્તિત્વ…રેખાની વક્રતા…

પોલીસ રિપોર્ટમાં બિંદુની આત્મહત્યા સ્લીપરી રોડના કારણે થયેલા કાર ઍક્સિડન્ટ તરીકે નોંધાઈ.

 

 પ્રવીણ શાસ્ત્રી

૩/૧૪/૨૦૧૦

3 responses to “કાણો કળશ અને વિધિની વક્રરેખા

 1. મનસુખલાલ ગાંધી October 14, 2019 at 9:53 PM

  સરસ પણ બહુ કરૂણ વાર્તા..

  Like

 2. pravinshastri October 14, 2019 at 9:20 PM

  આભાર પ્રજ્ઞાબહેન. મને હમેંશા આપના પ્રતિભાવ દ્વારા કંઈક નવું જાણવા શીખવા મળ્યું છે.

  Like

 3. pragnaju October 12, 2019 at 4:15 PM

  સ રસ વાર્તા અને તેનો અણધાર્યો અંત !
  વાર્તાઓ જુની નથી થતી પણ થોડા ફેરફાર સાથે ફરી પ્રગટ થાય છે…એક્સલરેટર ફ્લોર સુધી દબાવી દીધું….પંદર સૅક્ન્ડ….એક મોટો ધડાકો…પાર્કવૅને પ્રકાશિત કરતી ભડભડતી જ્વાળા.. જાણે બિંદુની વિધિની અને ધવલની પ્રેમીકાની વક્રરેખાઓ…. બિંદુનું ભૂંસાઈ ગયેલું અસ્તિત્વ…રેખાની વક્રતા…
  પોલીસ રિપોર્ટમાં બિંદુની આત્મહત્યા સ્લીપરી રોડના કારણે થયેલા કાર ઍક્સિડન્ટ તરીકે નોંધાઈ.
  હોમી સાઇડને સુઇસાઇડ વચ્ચે મુંઝાતી પોલીસ ઘણી વાર અન્યાય કરતી હોય છે !

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: