વાવેતર –ડૉ. હિતા મહેતા

વાવેતર

લેખિકા
–ડૉ. હિતા મહેતા

સૌજન્યઃ

UttamGajjar

શ્રી ઉત્તમ ગજ્જર

‘પપ્પા….’
મોર્નીંગ વૉક કરીને આવતા વીશેષે લાગલા જ બુમ પાડી. સવારના સાડા સાતનો
સમય હતો. આલીશાન બંગલામાં ‘ઈશ્વર કોટેજ’ના ભવ્ય દીવાનખંડમાં દેવવ્રત શેઠ તથા
સમતાગૌરી ચાનો કપ લઈને બેઠાં હતાં. દીકરાની મોટી બુમ સાંભળી, બન્નેના ચા પીતા
હાથ અટકી ગયા. આટલા મોટા અવાજે તો વીશેષ કદી બોલ્યો નથી. આજે એવું તે શું થઈ
ગયું હશે? બન્ને નજીક આવતા દીકરા તરફ જોઈ રહ્યાં. અંદરથી પુત્રવધુ કોમલ પણ
વીશેષનો અવાજ સાંભળી બહાર આવી.
‘પપ્પા’, નજીક આવતા વીશેષનો અવાજ સહેજ ધીમો પડ્યો. તે સામેની ચેર પર
બેસી ગયો.
‘શું થયું? આટલો રઘવાયો રઘવાયો કેમ લાગે છે? વૉકીંગમાં ગયો હતો ને?’ દેવવ્રત
શેઠના અવાજમાં પૃચ્છા હતી. વીશેષે સામે પડેલો પાણીનો ગ્લાસ ઉઠાવી તે એકી શ્વાસે પી
ગયો. ત્રણે એની સામે જોઈ રહ્યાં.
એવું તે શું થયું કે મોર્નીંગ વૉક કરવા નીકળેલ વીશેષ આમ આટલો અકળાયેલો છે?
દરેકના મનમાં આ પ્રશ્ન ઉઠતો હતો.
‘પપ્પા,’ થોડા શાન્ત પડી ધીમા અવાજે વીશેષ બોલ્યો, ‘સોરી પપ્પા; પણ આજે મેં
જે જોયું તેનાથી થોડો ચક્કર ખાઈ ગયો.’ બધાં તે આગળ શું બોલે છે તેની રાહ જોવા
લાગ્યા. એક ઉંડો શ્વાસ ભરી તે બોલ્યો,
‘પપ્પા, ગઈકાલે રાતે આપણે પંદર જણાને સર્વેશ્વર ચોકમાં ધાબળા આપવા ગયા
હતા, બરાબર? ફુટપાથ પર સુતેલા એ ગરીબોને આપણે ધાબળા વહેંચ્યા હતા, તેમાં પેલો
એક કાણો માણસ નહોતો? તેને મેં આજે એ જ ધાબળો કોઈકને વેચતા જોયો.’
એક એક શબ્દ પર વજન આપતાં તે બોલ્યો. બધાં સ્તબ્ધ થઈને સાંભળી રહ્યાં.
‘તને પાકી ખબર છે કે એ જ માણસ હતો?’ તેની પત્ની કોમલે તેને પ્રશ્ન કર્યો.
‘હા, એ જ હતો. કારણ કે તેની કાણી આંખને હીસાબે મને તે બરાબર યાદ રહી
ગયેલો. અને બેશરમ તો જુઓ, આપણી કંપનીનો લોગો પણ તેણે તેમાંથી કાઢવાની તસ્દી
નહોતી લીધી.’

છેલ્લાં વીસ વરસથી દેવવ્રત શેઠનો આ અતુટ નીયમ હતો. શીયાળો બેસે એટલે દર
રવીવારે અલગ અલગ ઝુંપડપટ્ટીઓમાં તેઓ ધાબળાનું વીતરણ કરતા હતા. સીમેન્ટની
ધમધોકાર ચાલતી ફેક્ટરી અને ભગવાને આપેલો એક દીકરો અને વહુ એમ ચાર જણાનો
નાનો પરીવાર હતો. શહેરમાં પાંચમાં પુછાતું આબરુદાર કુટુમ્બ હતું. અનેક જગ્યાએ
સખાવત કરવાનો શેઠનો સ્વભાવ હતો. વળી, પરીવારનોયે તેમાં સાથ હતો.
આમ પણ, સ્વબળે કમાયેલ ધન બાબત દેવવ્રતને કોઈને જવાબ આપવાનો રહેતો
નહોતો. અમેરીકાથી એમ.બી.એ, કરીને આવેલા દીકરા વીશેષે બધો ધંધો સંભાળી લીધો
હોવા છતાં; પીતાને દરેક બાબતમાં માન આપ્યું હતું.
લગભગ નીવૃત્ત જેવા થઈ ગયા બાદ દેવવ્રતની સખાવતપ્રવૃત્તી વધુ ને વધુ વીસ્તરતી
જતી હતી. એમાં ક્યારેક એવું પણ બનતું કે તેઓ આમાં છેતરાઈ પણ જતા.
‘પપ્પા, આપણે જરુરીયાતમંદને મદદ જરુર કરીએ; પણ કોઈ મુરખ ન બનાવી જાય
તે પણ જોવું જોઈએ.’
ઘણી વાર વીશેષ દેવવ્રત શેઠને સમજાવવાની કોશીશ કરતો. ‘બેટા, ક્યારેક સુકા સાથે
કેટલુંક લીલું પણ બળે. એ તો કુદરતનો નીયમ છે. જે ખોટું કરશે તે ભોગવશે.’
‘છતાં થોડું ધ્યાન રાખવું.’ વીશેષ વાત પર પુર્ણવીરામ મુકતો.
‘પાંચ સો રુપીયાનો ધાબળો તે બસોમાં વેચતો હતો!’
‘હમમમ..મ્’ વીચારમાં પડી ગયા તે શેઠ દેવવ્રત. બોલે તો બોલેયે શું?
‘બહુ મહેનતથી પૈસા બન્યા છે. થોડી તપાસ કરીને દાનપુણ્ય કરીએ તો સારું!’
સમતાગૌરીએ સુર પુરાવતાં કહ્યું.
‘એમ પપ્પા ક્યાંક્યાં તપાસ કરે?’ દીકરી જેવી પુત્રવધુએ સસરાનો પક્ષ ખેંચ્યો.
‘એ વાત બરાબર; પણ પપ્પા, આ ગરીબ લોકો એવા જ હોય. જરુરીયાત કરતાં પણ
મફતમાં મળે છે ને, તો લઈ લો! પછી આવા લોકો તેની રોકડી કરી નાંખે. ઘણી વાર એમ
થાય કે આવા લોકો માટે જીવ બાળવાની જરુર જ નથી.’
છેલ્લે છેલ્લે વીશેષના અવાજમાં થોડો અણગમો આવી ગયો.
દેવવ્રત શેઠ વીશેષ સામે જોઈ રહ્યા. આ એમનો દીકરો બોલે છે? પણ તેનો શો
વાંક? જુવાન લોહી છે, ઉકળી જ જાય ને!
‘સાચી વાત છે,’ નીસાસો નાખતાં સમતાદેવી બોલ્યાં. ‘હળાહળ કળીયુગ આવી ગયો
છે. કોઈનું ભલું કરવા જેવું નથી.’

‘ભોગવે એનાં કરમ’ વીશેષ ફરી બોલ્યો, સહુ એના નસીબનું પામે, આપણે બધાનો
ઠેકો થોડો લીધો છે?’
‘હવે ચાલો વીશેષ’ વાત ફેરવતાં કોમલ બોલી, ‘વાત પુરી કરો, ચાલો, ફ્રેશ થાવ એટલે
બ્રેકફાસ્ટ તૈયાર કરું.’ વાત ત્યાં અટકી
♦●♦
જમીને બપોરે દેવવ્રત બેડરુમમાં આડા પડ્યા. મનને શાન્તી નહોતી. તેઓ આંખ
મીંચી એમ ને એમ પડ્યા રહ્યા. રાજુલ જેવા ગુજરાતના એક નાના ગામમાંથી જ્યારે તેઓ
અમદાવાદ આવ્યા ત્યારે રીતસર દોરીલોટો જ લઈને આવ્યા કહેવાય. ગામમાં તેના શીક્ષક
ગીરીજાશંકરે તેને અમદાવાદ આવવાના પૈસા આપ્યા હતા અને અહીં તેમનું ભાગ્ય પલટાયું.
પાંચ વરસમાં પ્રમાણમાં ઠીકઠાક પગ જમાવી, રુપીયા ગાંઠે બાંધી, દેવવ્રત જ્યારે પીતા કે
ફરીસ્તા સમાન ગીરીજાશંકરને પરત આપવા ગામડે ગયા ત્યારે તે સાધારણ માણસે એ પૈસા
કોઈ જરુરીયાતમંદ માટે વાપરવા કહ્યું અને તે જ પૈસા સાથે એક નીર્ણય પણ ગાંઠે બાંધી તે
અમદાવાદ પાછા ફર્યા.
બસ, ત્યારથી કમાણીનો અમુક હીસ્સો તેણે અલગ કાઢવા માંડ્યો અને ત્યારથી તેને
બરકત પણ વધવા લાગી.
તે એટલે સુધી કે અત્યારે તેઓ કરોડોની મીલકત ધરાવતા હતા. એક વાત તે બરાબર
સમજી ગયા હતા કે એક હાથે દઈશ તો ભગવાનના મારા પર ચાર હાથ થશે..
જો કે સેવાકાર્યોમાં કાયમ પત્નીનો પણ સાથ રહ્યો હતો અને પુત્ર પણ ડાહ્યો અને
લાગણીશીલ હતો. ખબર નહીં આજે જ કેમ.. તેઓ છત સામે તાકી રહ્યા. એસી ચાલુ
હોવા છતાં મનમાં અસુખ લાગવા માંડ્યું.
ના, આમ તો નહીં ચાલે. જો એક ‘બીજ’ દીકરાના મનમાં ‘રોપાઈ’ જશે તો મારા
પછી, આ કામ સાવ અટકી જશે.
થોડી વાર બાદ તેઓ એક નીર્ણય પર આવ્યા અને પછી તેઓ ગહરી નીંદમાં સરકી
ગયા.
♦●♦
‘ચાલ વીષેશ, આપણે જરા બહાર જઈએ.’

રાત્રે જમીને બધા ઉભા થયા કે દેવવ્રત શેઠ બોલ્યા. બધાને નવાઈ લાગી. ક્યારેય
જમ્યા બાદ શેઠ બહાર નીકળતા નથી. જો કે સવારની વાત તો બધા ભુલી પણ ગયા હતા.
આશ્ચર્ય તો વીષેશને પણ થયું; તે કંઈ બોલ્યો નહીં.
બન્ને કારમાં બેઠા. કારનું સ્ટીયરીંગ દેવવ્રત શેઠે સંભાળ્યું
‘પપ્પા કંઈ કામ છે?’ અસમજથી વીષેશે પુછ્યું.
‘થોડી વારમાં ખબર પડી જશે બેટા, ધીરજ રાખ.’ કારને એક વળાંક આપતાં દેવવ્રત
બોલ્યા હતા. બસ, પછી વીષેશે કંઈ પુછ્યું નહીં.
પંદરેક મીનીટમાં કાર સર્વેશ્વર ચોક પહોંચી. વીષેશને નવાઈ લાગી, ફરી એ જ
જગ્યાએ તેઓ હતા જ્યાં ગઈ કાલે રાત્રે ધાબળા આપવા ગયા હતા.
‘પ…પ્પા’ કંઈ આગળ બોલવા જાય તે પહેલાં દેવવ્રત શેઠ નીચે ઉતરી ગયા.
ફુટપાથ પર હારબંધ મજુરો સુતા હતા. કોઈ કુટુમ્બવાળું હતું, તો કોઈ એકલું. કોઈ
સ્ત્રી બાળકને પોતાનામાં સંકોરીને સુતી હતી. ક્યાંક કપડાની આડશ હતી, ક્યાંક પુંઠાંની
દીવાલ હતી, તો ક્યાંક પતરાની. ઠંડી તેનો ચમકારો બતાવતી હતી અને બધા જાત સંકોરી જે
હાથવગું હોય તે ઓઢીને ઠંડી સામે રક્ષણની કોશીશ કરતા હતા.
દેવવ્રત એક માણસ પાસે જઈ ઉભા રહ્યા. વીષેશ તેની પાછળ દોરવાયો.
શેઠને જોઈ આખું કુટુમ્બ બેઠું થઈ ગયું.
પેલો માણસ ઓળખી ગયો. આ તો ધાબળાવાળા શેઠ! તે બધાની જેમ શેઠ સામે
જોઈ રહ્યો.
‘જો ભાઈ, મેં આપેલો ધાબળો તો કાલે તેં વેચી નાખ્યો. આજે તો કાલ કરતાં વધારે
ઠંડી છે એટલે તારે ધાબળો તો જોઈશે જ. તો હું તારે માટે બીજો ધાબળો લઈ આવ્યો છું.
ગાડીમાં છે. તે પણ વેચીશ કે?
તે મજુર નતમસ્તક થઈ ગયો. તેની પત્ની પણ નીચું જોઈ ગઈ. ક્ષણ વાર…. પછી તે
કાણીયા મજુરની આંખોમાંથી આંસુ સરી પડ્યાં.
‘શાએબ, તમ માનો છ તેવા નગુણા અમે નથ. પણ તમે જ કો’ કે, જેનું બે વરહનું
બચ્ચું તાવમાં ધગતું હોય, સરકારી ઈસ્પીતાલમાં દાગ્તર દવા હારે દુધ અને ફળો આલવાનું
કે’, ઈ બાપ કામળો ઓઢે કે પસી ગગાના દુધનો વેત કરે?’
ભારે થઈ જવું જોઈતું હતું દેવવ્રત શેઠનું હૃદય; પરન્તુ તેઓમાં હળવાશ આવી ગઈ.
તેમણે કંઈ પણ બોલ્યા વીના વીષેશ સામે નજર ફેરવી. જાણે કહેતા હોય – ‘દીકરા, જોયું?
ગરીબોની ‘જરુરીયાતો’ આપણી ‘સમજણ’ની બહારની હોય છે.’
વીષેશ નીચું જોઈ ગયો.

–ડૉ. હિતા મહેતા
સર્જકસમ્પર્ક :
‘Arham’, 3/6- Saurashtra KalaKendra Society, Kalavad Road, RAJKOT-
360007 Mobile : 9898345639 eMail : hita.mehta07@gmail.com
ડીસેમ્બર 2016ના ‘અખંડ આનન્દ’ના પાન નંબર 37, 38, 39 ઉપરથી
લેખીકાબહેનની અનુમતીથી અને ‘અખંડ આનંદ’ માસીકના સૌજન્યથી સાભાર..
..ઉ.મ..

‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ પંદરમું – અંકઃ 437 –Octobar 13, 2019
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

@@@@@

8 responses to “વાવેતર –ડૉ. હિતા મહેતા

 1. pravinshastri October 14, 2019 at 9:31 PM

  આભાર ચિમનભાઈ.

  Like

 2. pravinshastri October 14, 2019 at 9:10 PM

  પ્રેરણા દાયક વાર્તા છે.

  Like

 3. mhthaker October 13, 2019 at 4:36 AM

  very touching story…manavata

  Liked by 1 person

 4. pragnaju October 12, 2019 at 3:24 PM

  ‘શાએબ, તમ માનો છ તેવા નગુણા અમે નથ. પણ તમે જ કો’ કે, જેનું બે વરહનું
  .
  બચ્ચું તાવમાં ધગતું હોય, સરકારી ઈસ્પીતાલમાં દાગ્તર દવા હારે દુધ અને ફળો આલવાનું
  .
  કે’, ઈ બાપ કામળો ઓઢે કે પસી ગગાના દુધનો વેત કરે
  .
  સુ શ્રી ડૉ. હિતા મહેતાએ ઘણાએ અનુભવેલી વાત સ રસ રીતે રજુ કરી
  .
  મા ઉત્તમભાઇ અને પ્રવીણભાઇએ આ શોધી અને રજુ કરી તે બદલ ધન્યવાદ

  Liked by 1 person

 5. Anonymous October 12, 2019 at 11:14 AM

  Prabhu Apanane pan DevVrat Sheth jevi Samaj Ape

  Liked by 1 person

 6. pravinshastri October 10, 2019 at 12:23 PM

  વડિલશ્રી ચિમનભાઈ, સાદર વંદન. ઉત્તમભાઈ ઉચ્ચ કક્ષાનું સાહિત્ય પ્રસારણ કરે છે. મને ગમતી એમની વાતો મારા બ્લોગદ્વારા થોડા વધુ મિત્રોને પહોંચાડું છું.

  Like

 7. chaman October 9, 2019 at 10:39 AM

  આ વાર્તા સાથે પાછી અંદર એક વાર્તા છુપાઈ છે! એ આ સીનીઅરની આંખે ચઢી! વાર્તાની લેખિકાનું નામ, એડ્રેસ વગેરે ને જે માસિકમાં એ છપાઈ છે એની વિગતો વિસ્તારથી અને અહિ આવી વાંચકોને આ લેખનો કામળો ઓઢાડી ગયા એ માટે ઉત્તમભાઈએ કરેલા ઉત્તમ કાર્ય માટે ટોપલો ભરીને ધન્યવાદ!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: