ચંદુની ગુગલી માસી – હળવી વાતો

પ્રવીણ લેખક કાર્ટુન.jpg

પ્રવીણ શાસ્ત્રી

ચંદુની ગુગલી માસી

‘શાસ્ત્રીજી આવતી કાલે સાંજે ગેટ ટુ ગેધર રાખ્યું છે. ગાંડાઓનું સંમેલન છે આવી રહેજો.’  અમારા ચંદુની ધર્મપત્ની ચંપાનો ફોન આવ્યો.

‘ગાંડાઓના ગામમાં મારું શું કામ? મને યે તું ગાંડો ગણે છે?’

‘ના ના પ્રવીણભાઈ, અમારા ઘરમાં બધા ચસ્કેલ ભેગા થવાના છે. આતો તમને તમારા આર્ટિકલ માટે સબ્જેક્ટ મળે એટલે કહું છું. એડવાન્સ ઇન્ફોર્મેશન.’

મોટેભાગે ઈન્વિટેશન ચંદુનું જ હોય પણ હમણાં હમણાં નવરા ચંદુના તૂત વધ્યા હતાં અને ચંપા જ અમને બધાને એક કે બીજા બહાને બોલાવતી હતી.. અમે બધા નાનપણથી જ સુરતના એક મહોલ્લામાં મોટા થયેલા, અમારી બ્રાહ્મણ વાણીયા દેસાઈની શેરીની પાછળ જ ઘાંચી શેરી. એમાં બે ત્રણ મોટા કુટુંબના વીશ પચ્ચીસ ઘરો. બધા જ માલદાર વેપારીઓ. તેમાંથી અડધા ભાગના મેટ્રીક ફેઇલ અને અડધા ખૂબ ભણેલા. અમારા ચંદુભાઈ કેમિસ્ટ્રીમાં M.Sc. ગોલ્ડ મેડાલિસ્ટ. પણ ભણવા ખાતર જ ભણેલા; ડિગ્રી મળ્યા પછી જૂની ચાની પેટીમાં બધા ચોપડા મૂકાઈ ગયેલા અને વેપારમાં પડી ગયેલા. મારે ઘણાં કુટુંબો સાથે ઘરોબો. ઘાંચી એટલે મસ્તાની કોમ. જાહેરમાં ખૂબ લડે ઝગડે અને અંદરથી એકના એક. સવારે માથાં ફોડવાની વાત કરે અને રાત્રે સાથે બેસીને બાટલી પણ પીએ. ઘરમાં બૈરાં લડતા હોય અને બહાર ઓટલા પર માટિડા તીન પત્તી પણ રમતાં હોય.

‘શાસ્ત્રીભાઈ, એક વીકથી ગુગલી આવી છે. બે દિવસ પછી જવાની છે. તમને પણ યાદ કરતી હતી.’

ગુગલી, ચંદુની દૂરની માસી થતી હતી. ઉંમરમાં ચંદુ કરતાં એક બે વર્ષ નાની પણ ખુબ ચંચળ અને ચાલાક. હોંશીયાર પણ ખરી. તોફાની પણ એટલી જ. બધા છોકરાઓ સાથે ગુંડાગીરી કરી જાણે. એનું મૂળ નામ તો ગાર્ગી પણ એ નામ એને પોતાને પણ યાદ હશે કે કેમ એ એક સવાલ છે. અમે મહોલ્લામાં બોલબેટ રમતા. (ક્રિકેટ શબ્દ ના બોલાય – ક્રિકેટનું અપમાન થાય). ગુગલી ઓટલા પર બેઠી હોય અને કોઈ ફટકો મારે અને એના ઓટલા પાસે બોલ જાય તો કૂદીને કેચ કરી લે. એ રમતી હોય કે ન રમતી હોય તો પણ પેલો આઉટ ગણાય. બોલ એના હાથમાં આવે તો એ સ્ટાંપ પર એવી રીતે મારે કે બેટ્સમેનના બે પગ વચ્ચેથી પણ સ્ટાંપને ઉડાવી છે. ગમે ત્યારે છોકરાઓ વચ્ચે ઘૂસી જાય. બેટ ખૂચવીને બેટિંગ કરવા માડે. તે વખતે અમને કાંઈ “ઓફ સ્પિન” કે “દૂસરા” બોલિંગનું ભાન ન હતું પણ કોમેન્ટ્રી સાંભળતાં અમે ગુગલી શબ્દ સાંભળેલો. રમતમાં ને રમતમાં ચંદુએ એનું નામ ગુગલીમાસી પાડી દીધેલું. પછી તો એનું નામ જ ગાર્ગીને બદલે ગુગલી થઈ ગયેલું.

મહોલ્લાના જ ગુણવંતભાઈ સાથે અમારી ગુગલીના લગ્ન થયેલા. ગુણવંતભાઈ ખુબ જ શાંત, ઠરેલ અને વ્યવહારુ યુવાન. ત્રણ ભાઈઓમાં તદ્દન નાના. બિઝનેશ એ જ સંભાળે. ગુગલીને એ ખુબ પ્રેમ કરતા. કમનસીબે લગ્નના એક વર્ષમાં જ ગુણવંતભાઈ ટૂંકી માંદગીમાં ગુજરી ગયા.

ગુગલીના સાસરીઆઓએ જ કહ્યું કે બેટી ‘નાતરુ કરી લે, આપણી નાતમાં તો રિવાજ છે. અમે તને દીકરીની જેમ વળાવીશું ગુણવંતનો ભાગ પણ તારો.’ પણ એણે કહેલું કે મન થશે તો પરણીશ, પણ અત્યારે પરણવું નથી. એણે સાસરાનો બિઝનેશ સંભાળી લીધો. પરણવાનું ભૂલાઈ ગયું. બન્ને જેઠ જેઠાણી એને નાની બહેનની જેમ પ્રેમ કરતાં. જેઠ જેઠાણી ના સંતાનો એને “ગુગલીમમ્મી” કહેતાં. અમે બધા મિત્રો અમેરિકા આવી ગયા. ગુગલી સાસરા પરિવારના સ્નેહમાં ગળાઈ ગઈ.

મેં એને ફ્રોકમાં જોયલી, લગ્ન પછી સાડી લૂગડામાં જોઈ હતી. છેલ્લી વાર એ અમેરિકા આવી ત્યારે ડિઝાઈનર ગાઉનમાં જોઈ હતી. તોફાની છોકરીનું ધીર ગંભીર પ્રભાવશાળી બિઝનેશ લેડીમાં પરિવર્તન થઈ ગયું હતું.

ચંપાએ ગુગલીમાસી આવી તેની વાતમાં ગાંન્ડા સંમેલન કેમ કહ્યું તે સમજાયું નહિ. બીજે  દિવસે હું કાર લઈને નીકળ્યો. હું કાયમ મારો સેલ ફોન GPS જાણીતી જગ્યાએ જવાનું હોય તો પણ કનેક્ટ કરી રાખું છું. ટ્રાફિક ઈન્ફોર્મેશન મળતી રહે. તે દિવસે મારા જાણીતે રસ્તે પણ એક્ઝિટ ચૂક્યો અને GPS એ મને રિકેલ્ક્યુલેટ કરતાં કરતાં બીજા બાર માઈલના ચકરાવામાં નાંખ્યો. આખરે એક કલાક મોડો પહોંચ્યો.

બધા મિત્રો મારી જ રાહ જોતા હતાં. રગડા સમોસા ઝાપટતા હતા. મેં પુછ્યું ગાન્ડા સમ્મેલના પ્રેસિડન્ટ કોણ છે અને ક્યાં છે. મારો સવાલ ચંદુ માટે હતો પણ ગુગલી આવીને મને વળગી પડી.

પ્રવીણભાઈ આઈ એમ ધ પ્રેસિડન્ટ. પહેલાં તો મળતી તો વાંકી વળીને પ્રણામ કરતી. આજનું સ્વરૂપ અલગ હતું. એણે તદ્દન ટૂંકું વ્હાઈટ શોર્ટ અને બ્લેક ટીશર્ટ પહેર્યું હતું. ટીશર્ટ પરસેવાથી લથબથ થતું હતું. આજે તમે મોડા આવ્યા. વહેલા આવ્યા હોત તો ચાવાલાજીની દશા જોવાની મજા આવતે. ભાણીયાજીને ખૂબ દોડાવ્યા.એના કરતાં તો ચમ્પાભાણી સારું રમ્યા.

તમે શું રમ્યા?

બેકયાર્ડમાં ટેનિસ રમ્યા.

ચંદુએ સંદિપ કોઠારીનું જોઇને એના બેકયાર્ડમાં ટેનિસકોર્ટ બનાવ્યો હતો. તેમાં ટેનિસ રમીને ૭૦+ની માસીએ ૭૫+ના ચંદુ ભાણીયાને હંફાવ્યો હતો. આજની ગુગલી ફરી જાણે ટિનેજર ગુગલી બની ગઈ હતી.

અમારા “ઓન ટાઈમ” દોસ્ત, ડોકટર કેદારે પુછ્યું, ‘શાસ્ત્રીજી, આજે કેમ મોડા પડ્યા?’

‘અરે ભાઈ, જવા દોને! વિચારમાંને વિચારમાં એક એક્ઝિટ ચૂક્યો આ Gps મને રખડાવ્યો. સોરી મોડો પડ્યો. વોટ ડીડ આઈ મિસ?’

‘એપેટાઈઝર સિવાય બીજું ખાસ કશુ જ નહિ.’

‘શાસ્ત્રીજી, આ તમારા દોસ્ત ગયે મહિને ચંદ્ર પર જઈ આવ્યા અને ગાંડા થઈ ગયા છે. તેમાં આ ગુગલી માસી આવીને જોડાઈ ગઈ. આખો દિવસ અને રાત બન્ને જણા નાસા, ઈસરો, સ્પેસ સ્ટાર, પ્લેનેટ, સેટેલાઈટ પર ગુગલ કર્યા કરે છે. બસ એક પછી એક. હવે આંખે વંચાતું નથી તો પણ ફોન્ટને ભમરડા જેવા કરીને વાંચે છે. મારી સાથે વાત કરવાનો પણ સમય નથી. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ખાતી વખતે પણ ટિનેજરની જેમ હાથમાં રમકડું હોય. રમકડામાં ગુગલ હોય, ગુગલમાં નાસા હોય, અને નાસામાં સ્ફુટનિક હોય. જાણે બન્ને ગુરુદેવ અને હનુમાનજીની જાત્રાએ જવાના હોય એમ જ્યુપિટર ને સેટર્ન એવી લમણાંઝીંકમાં લાગી ગયા. બેમાંથી એકેયને મારી સાથે વાત કરવાની ફુરસદ નથી.’ ચંપાએ હાયવરાળ કાઢી.

‘સાસ્ટરી, ટૂ ગરડા ઠીઓ. એહીં પૂરા ઠીયા. મગજમાં વાર્ટાના વિચાર ભમટા ઓય, કાંઠી કાં ગુસી જાય ટેનું ભાન ની રે પછી જીપીએસ નો વાંક કારે. પચ્ચીહ વરહ પે’લ્લાનું ડીકરાઓએ ફેંકી ડીઢેલું જીપીએસ વાપરે, રસ્ટો ચૂકી જાય પછી જીપીએસનો વાંક કારે.’

‘ચંદુભાઈ, આ જીપીએસ કેવી રીતે કામ કરે એ મને હજુ પણ સમજાતું નથી.’

‘ટો હું ટને હમજાઉં.’

‘ના માંડી વાળો. હું સુરતમાં જન્મેલો પણ હવે હું હુરતી લેન્ગ્વેજ ભૂલી ગયો છું. ક્યાંતો ગુજરાતી ભાષામાં કે અંગ્રેજીમાં વાત કરો. તમારું “હુરટી” માથાં વાગે છે.’

‘ઓકે ઓકે. શાસ્ત્રીજી તમે મારી “હુરટી”નું બારમું કરી નાંખ્યું. યુ નો. મેની પીપલ ઈવન ડોન્ટ નો, વ્હોટ ઇસ જીપીએસ. વ્હોટ જીપીએસ મિન્સ.’

‘આપણા તારાઓના ઝૂમખાઓને આપણે નક્ષત્ર કહીએ છીએ……’

‘હા હા હા હા તમે ચંદ્ર બનીને રોહિણી પર લટ્ટુ થયા હતા તે નક્ષત્રની વાત કરો છોને શ્રીમાન ચંદ્રકાંતજી.’ ચંપા ચંદુની ગયા મહિનામાં આવેલા સ્વપનાઓની વાત હજુ ભૂલી ન હતી. ચંપા વાતમાં કૂદી.

‘પ્લીઝ ચંપા, નો ફન. હું શાસ્ત્રીજી સાથે સાયન્સની સીરીયસ વાત કરું છું. નક્ષત્ર એટલે નક્ષત્ર, constellation, કોન્સ્ટેલેશનની વાત કરું છું. ગુગલી, તું જ શાસ્ત્રીજીને સમજાવ. આપણી ગુગલીમાસી હવે ખરેખર મોડર્ન ગાર્ગી બની ગઈ છે. મોટા ફેમિલીની ગુગલી દાદીમાને ઘરકામ અને બિઝનેશમાંથી રિટાયર્ડ કરી દીધી છે. કોમ્પ્યુટર અને ફોન પર બસ ગુગલ ગુગલ અને ગુગલ કર્યા કરે છે. એક પણ સબ્જેક્ટ એવો નથી જે ગાર્ગી ન જાણતી હોય. એક વીકમાં તો મને માસી પાસે ઘણું શીખવા જાણવા મળ્યું.’

‘અમારા કેદારે પણ એમાં ટાપસી પુરાવી. ‘હવે તો હું પણ મેડિકલ પ્રેક્ટિશમાંથી નવરો પડ્યો છું. રોજે રોજ મેડિકલ ફિલ્ડમાં નવું નવું આવતું જ જાય છે. સ્મોલ પ્રીન્ટસ બુક્સ કે જરનલ વાંચવાને બદલે બીગ સ્ક્રિન કોમપ્યુટર પર ગુગલ જ ફંફોળતો રહું છું.’

‘શાસ્ત્રીભાઈ. હું નહોતી કહેતી કે આજે ગાન્ડાઓનું સંમેલન છે.’ ચમ્પા આજે ચંદુને હેરાન જ કરવા માંગતી હતી.

‘ચંપા, આજે આ લોકો કંઈ જાણવા જેવી વાત કરે છે. જો તને રસ ન પડતો હોય તો કિચનમાં જઈને મારે માટે કેરેટ હલવો બનાવી લાવ. આ લોકોને વાત કરવા દે.’ કરસન દાદા બરાડ્યા. ‘ગુગલી, તું વાત ચાલુ રાખ.’

‘દાદા, મોટાભાગના લોકો તો જાણે જ છે કે જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટીમ. એનું ભદ્રમ્ભદ્રીય ભાષાંતર “વૈશ્વિક સ્થળનિર્ધારણ પ્રણાલી”

 ‘આ જીપીએસ અમેરિકન ‘નાસા’ નું સર્જન છે. આપણી પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે એ કુદરતી ઉપગ્રહ છે. જીપીએસ માનવ સર્જીત ઉપગ્રહ છે. આમ તો પૃથ્વીની આજુબાજુ હજારો માનવ સર્જીત સેટેલાઈટસ ચકરડા લેયા કરે છે; તેમાં આ જીપીએસમાં પહેલાં ૨૪ સેટેલાઈટ પરિભ્રમણ કરતાં હતાં; પણ ફેબ્રુઆરી ૨૦૧૯ની માહિતી પ્રમાણે ૩૧ સેટેલાઈટ પૃથ્વીની આજુબાજુ ફરે છે અને કાર્યરત છે જ્યારે ૯ રિઝર્વમાં છે, બે ના ટેસ્ટ ચાલી રહ્યા છે અને ૩૦ રિટાયર થઈને નક્કામાં થઈને ગોળગોળ ફર્યા કરે છે. નાસાના જીપીએસનો મૂળ ઉદ્દેશ તો મિલિટરી વપરાશને માટે જ હતો પણ હવે અમેરિકાએ સિવિલ ઉપયોગ માટે પણ રમતો મૂક્યો છે. તમારા રિસિવર યુનિટ સાથે એકી સાથે ચાર સેટેલાઈટ સિગ્નલ મોકલે છે અને તમારી પોઝિશન નક્કી કરે છે. જીપીએસ દ્વારા ઘારેલી જગ્યાએ રોકેટ મિસાઈલ મોકલી શકાય છે.’

‘૧૯૯૯માં કારગિલ યુદ્ધ વખતે પેન્ટાગોને ભારત માટે પાકિસ્તાનની ફેવરમાં જીપીએસ બ્લોક કરી દીધું હતું. બસ ત્યાર પછી ભારતે પણ NAVIC (acronym for NAVigation with Indian Constellation નાવિક નેવિગેટર લોન્ચ કર્યું. આ સિસ્ટિમમાં સાત સેટેલાઈટ છે. અત્યારે તે સિવિલીયન અને મિલિટરી માટે વપરાય છે. સેટેલાઈટના આરંભનો યશ રશીયાને ફાળે જાય છે.’

‘રશીયાએ આશરે ૮૪ કિલોગ્રામ વજનનો પહેલો ઉપગ્રહ, સ્પુટનિક ઑક્ટોબર ૪, ૧૯૫૭માં અવકાશમાં મોકલ્યો હતો. એ તો તમને બધાને યાદ હશે. એક કલાકમાં ૨૯૦૦૦ કિ.મી સ્પીડે કાર્તિકસ્વામીની જેમ ૯૬.૨ મિનિટમાં પૃથ્વી માતાની પ્રદ્ક્ષણા કરી હતી. પણ આપણા ગણપતિ બાપ્પા તો મૂષક સવારીમાં ડોલતાં ડોલતાં સાત મિનિટમાં તો એના પેરન્ટસના સાત રાઉન્ડ લગાવીને પીઠી ચોળાવીને મ્હાયરામાં વિરાજમાન થઈ ગયા હતા.’

‘ગુગલી, વાત આડે પાટે ના ચઢાવ. સરખી વાત કર.’ કરસનદાદાને ઈન્ટરેસ્ટ પડ્યો.

‘હાં, તો હું એમ કહેતી હતી કે  સ્પુટનિક પછી તો સ્પેસ રેસ શરૂ થઈ ગઈ. હમ ભી કૂછ કમનહિ. ભારત પણ સેટેલાઈટ મોકલવામાં પાછું નથી પડ્યું. ઈસરોએ બીજા ૨૮ દેશના સ્ટેલાઈટ પણ લોન્ચ કર્યા છે. આજ સુધીમાં આશરે ૨૪૦ કરતાં વધુ કોમર્સિયલ વપરાશને માટે અવકાશમાં મોકલ્યા છે.’

‘હે ભગવાન મને બીજા સો વર્ષનું આયુષ્ય આપ કે હું દિવસે દિવસે થતી માનવ શોધ માણી શકું.’ અમારા ચંદુએ હાથ અને ડોકું ઊંચું કરી પ્રાર્થના કરી. ‘ઓ માઈટી ગોડ બ્લેસમી હમ્ડ્રેડ યર્સ ટુ સી ધ ન્યુ વર્ડ.’

અને ચંપા કોપરાની સુરતી પેટિસ અને ગાજરનો હલવો લઈને ફેમિલી રૂમમાં દાખલ થઈ.

‘ઓ માઈટી ગોડ, પ્લીઝ, બ્લેસ માય બિલવેડ હસબન્ડ વન હન્ડ્રેડ, ફિફ્ટીવન રોબેટિક અપ્સરા ફ્રોમ ધ હેવન. આ તમારો ગુગલ-ગુગલી જ્ઞાનયજ્ઞની સમાપ્તિની આરતી ઉતારો અને પ્રસાદના એપેટાઈઝરમાં ગરમ ગરમ પેટિસ અને હલવાથી શરૂઆત કરો. દિવાળી ડિનરનો મહાપ્રસાદ તો બાકી છે..’

બધા મનભાવન વાનગી પર લાગી પડ્યા. અને ચંપાને શાંતિ થઈ ગઈ.  ગુગલ-ગુગલીની વાત ભૂલાઈ ગઈ.

“તિરંગા” નવે. ૨૦૧૯

પ્રવીણ શાસ્ત્રી.

6 responses to “ચંદુની ગુગલી માસી – હળવી વાતો

  1. pravinshastri November 15, 2019 at 10:09 PM

    આભાર પ્રજ્ઞાબહેન.

    Liked by 1 person

  2. pragnaju November 15, 2019 at 3:44 PM

    આ ચંદુની ગુગલી માસીની વાતો માણવાની મઝા આવી.
    .
    ગાંડાની વાતમા- મનનો અધિષ્ઠાતા ચંદ્રમાં છે.,-
    .
    ચંદ્રમાં મનસો જાતઃ આમ મન ઉપરનું આધિપત્ય માનસિક સુખ શાંતિ ઉત્કર્ષ અર્પે છે.
    .
    સાથે ટેનીસ રમતા અને બધી વાતે અમારા સ્નેહી જેવા લાગ્યા!

    બધી વાતો અમે અનુભવેલી લાગી !
    .
    ધન્યવાદ પ્રવિણભાઇ

    Liked by 2 people

  3. pravinshastri November 14, 2019 at 4:48 PM

    આભાર આભાર આભાર અમૃતભાઈ આપના પ્રેમ બદલ અને વાર્તાવલોકન બદલ.

    Liked by 1 person

  4. Amrut Hazari. November 14, 2019 at 10:18 AM

    સાસ્તરીજી,
    દિવાળીનો પરસાદ ખવડાવવા વગર…વારતા પુરી કરી તે જોકે ગમી ગીયુ…કારણ કે જે સબ્જેક્ટ હાથ ઉપર હતો તે જીતી લીઘો હતો. વિષયને પુર્વભૂમિકા અેવી બનાવી આપી કે વાચકને રસ જાગે….ગાર્ગીને ગુગલી બનાવી અને સામાજીક વાતાવરણ ઉભુ કરીને.( ગુગલીને પુનર્લગ્ન નહિ કરાવીને …જો કે ‘ નાતરું ‘ પણ આઘુનિક સામાજીક પ્રશ્ન જ છે. )…હસતાં હસાવતાં….પોતે ગાંડા બનીને વાચકોને ગાંડપણના પાઠો શિખવતાં ક્યારે વિજ્ઞાન અને તેની આઘુનિકતાના પરિસંવાદમાં ભેળવી દીઘા તેની ખબર પણ ના પડી. હાર્દિક અભિનંદન.
    ભારતમાં સાહિત્ય વર્તુળમાં કદાચ અમેરિકામાં બેઠેલો સર્જક કોઇ નામ નહિ કમાતો હશે…પરંતું તમારા સર્જનો ‘ કીસી સે કમ નહિ હૈ ‘…યુ આર ઘી બેસ્ટ…..હાર્દિક અભિનંદન….દિવાળીની મીઠાઇ અમારા તરફથી આરોગી લેજો….
    ખૂબ મઝા આવી…ગાંડાઓની મીટીંગમાં બેસીને….
    અમૃત હઝારી.

    Liked by 2 people

  5. pravinshastri November 14, 2019 at 6:28 AM

    આપણે જેને જીપીએસ કહીયે છીએ તે, કે કોંપ્યુટર કે સેલફોન એક રિસેપ્ટર છે. ઈંટરનેટ દ્વારા સિગ્નલ મ્રેળવીએ છીએ. જુદા જુદા સેટેલાઈટ આ સિગ્નલ મળે છે. ગ્લોબલ પોઝિસનિંગ સિસ્ટિમ ના ચાર સેટેલાઈટ આપણી પોઝિશન અને સેટકરેલી જગ્યા નાના સ્ક્રિન પર બતાવે છે.

    Liked by 1 person

  6. મનસુખલાલ ગાંધી November 14, 2019 at 1:21 AM

    રમત જામે, વિજયની નજીક હોઈએ અને વરસાદનું વિઘ્ન આવે અને અમ્પાયાર રમત બંધ કરાવે… તમે પણ વાત અધુરી મુકી… કેટ્લું બધું સરસ સમજાવતા હતા, પણ, જીપીએસ કેવી રીતે રસ્તા બતાવે છે
    તે તો સમજાવ્યુંનહીં…!! પુરું સમજાવોને ભઈલા..

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: