આઈ’મ હીઝ ફાધર……. (વાર્તા)

vijay-thakkar

વિજય ઠક્કર

આઈ’મ હીઝ ફાધર……. 

મીસીસ બાવીસી  દાદર પરથી નીચે આવ્યાં. તેમની પાછળ બે-ત્રણ પ્રોફેસરો પણ ઉતર્યા અને પટાવાળો મનસુખ મેડમની બ્રીફકેસ લઈને આગળ ગાડી પાસે પહોંચી ગયો હતો. ગાડી પોર્ચ પાસે આવીને ઉભી હતી.. ડ્રાયવર ગાડી પાસે જ મેડમની રાહ જોઇને ઉભો હતો..

ડોક્ટર મીસીસ શશીકલા બાવીસી હજુ છ મહિના પહેલાંજ આ કોલેજમાં ટ્રાન્સફર થઈને આવ્યાં છે.અંગ્રેજી લીટરેચરમાં તેમણે પી.એચ.ડી કર્યું છે.. ધારદાર બુદ્ધિપ્રતિભા, સ્પષ્ટવક્તા અને શિસ્તનાં આગ્રહી, કામ કરવાનો  જબ્બર જૂસ્સો અને સબોરડીનેટ્સ પાસેથી કામ કરાવવાની તેમની આવડત અને ત્રેવડ બંને ગજબ.. પ્રભાવજ એવો કે કોલેજનાં રાઉન્ડમાં નીકળે એટલે આખું કેમ્પસ ખાલી થઇ જાય.. અધ્યાપકો કે વિદ્યાર્થીઓ કોઈ આડુંઅવળું ફરતું ના દેખાય.. આ હતું એમના વ્યક્તિત્વનું એક પાસું. એમનાં વ્યક્તિત્વનું બીજું પાસું પણ એવું જ મજબૂત… બિલકુલ ઓછું બોલવું,ધીમા અવાજે બોલવું, અવાજની ટોનલ ક્વોલીટી બેમિસાલ અને પ્રભાવક, ખૂબજ શાંત, સૌમ્ય, જાજરમાન અને  કેરીષ્મેટીક વ્યક્તિત્વ, મધ્યમસરનો બાંધો..પ્રમાણસરની હાઈટ, ઉજળો વાન અને કોઈની પણ દ્રષ્ટિ ચીપકી જાય એવાં ફીચર્સ.  મીસીસ  શશીકલાની ડ્રેસ સેન્સ પણ જબરદસ્ત છે.. તે હમેંશા ડ્રાય કરેલી સિલ્કની અથવા કલકત્તી કોટન કે પછી અવરગંડી પ્રકારનીજ સાડી પહેરતાં, ભાગ્યેજ તેઓ સિન્થેટિક કપડાં પહેરતાં અને સાડી-બ્લાઉઝનું પરફેક્ટ કે કોન્ટ્રાસ્ટ મેચિંગ હોય..ખુબજ ઓછી જૂલરી પહેરતાં. પરફેક્ટલી ટ્રીમ્ડ બોબ્ડ હેર રાખતાં.. કપાળમાં એક નાનકડી બિંદી કરતાં..અને રીમલેસ ગ્લાસીસ પહેરતાં…

શહેરનાં પશ્ચિમ કિનારે આવેલી આ કોલેજ અંગ્રેજ શાસન વેળાએ કોઈક અંગ્રેજ અમલદારે શરુ કરાવેલી અને ખૂબજ પ્રતિષ્ઠા હતી તેની આખા રાજ્યમાં..એ વેળા શહેરમાં જે બે-ત્રણ કોલેજો હતી એમાંની આ શ્રેષ્ઠ કોલેજ હતી.. ખૂબ વિશાળ કેમ્પસમાં પથરાયેલી હતી અને તેની બાંધણી પણ અંગ્રેજી કોઠી પ્રકારની હતી..

મીસીસ બાવીસીનું જાજરમાન અને ઠસ્સાદાર વ્યક્તિત્વ અને આ ભવ્ય પ્રાચીન ઢબની ઈમારત જોઇને કોઈ એવું ચોક્કસ અનુમાન કરેજ કે તેઓ કોઈ રાજ ઘરાનાની સ્ત્રી હશે….

આજે કોલેજમાં અગત્યની મીટીંગ હતી એટલે તેઓ મોડા સુધી રોકાયેલાં.. મીટીંગ પૂરી થઇ.. ઘણાબધાં  નીકળી ગયાં અને થોડાં લોકો રોકાયેલા, જેઓ હવે મેડમ સાથે નીકળ્યા.. આમાનાં કેટલાક પ્રોફેસરોને તેમના માટે આદર હતો તો કેટલાક તેમની અદબ જાળવવા રોકાયેલા તો કેટલાક વળી મેડમની કૃપાદ્રષ્ટિ પામવાની ખેવનાવાળા પણ હતા. મેડમ આગળ ચાલતાં હતાં અને બાકીના બધા એમની પાછળ ચાલતા હતા.

છેલ્લા એકાદ બે વર્ષમાં કોલેજનું વાતાવરણ ઘણું બગડી ગયું હતું.. કોલેજને તેની આગવી પ્રતિષ્ઠાને અનુરૂપ ચલાવવામાં અગાઉના આચાર્ય નિષ્ફળ ગયા અને તેથીજ મીસીસ બાવીસીને તાત્કાલિક અસરથી રાતોરાત બદલીને અહીં લાવવામાં આવેલાં.. ગવર્ન્મેન્ટ કોલેજ હોવાથી એમાં ટ્રાન્સફર થાય એ તો સ્વાભાવિક  ગણાય અને એ જ રાહે એમની ટ્રાન્સફર થઇ અને તેઓ અહીં આવી ગયાં.. હા… કોલેજને એનાં મૂળ રેપ્યુટેશનમાં લાવતા એમને છ એક મહિના લાગ્યા.. બધાંજ દૂષણો અને તમામ અસામાજિકોનો સફાયો થઇ ગયો.. હવે આજે કોલેજની એજ પૂર્વપ્રતિષ્ઠા આવી ગઈ..

રોજ સાંજે મોડે સુધી તેઓ કોલેજમાં રોકાતાં અને વળી આમ પણ એમનો પરિવાર અહીં નથી. કોલેજ તરફથી એમને સુંદર ક્વાર્ટર રહેવા માટે આપવામાં આવ્યું છે.. એમણે એમનાં આગવા અંદાજમાં અને એમનાં ટેસ્ટ અને જરૂરીયાત પ્રમાણે ક્વાર્ટરને  સજાવ્યું છે.. રોજ રાત્રે વોકિંગ માટે નીકળે અને બે-ત્રણ માઈલ જેટલું ચાલીને પાછા આવે..મોડીરાત સુધી વાંચતાં હોય અને એમ કરતાં  ક્યારે ઉંઘ આવી જાય એની ખબર જ ના રહે..

લગભગ સાંજ પડવા આવી છે…દિવસ આથમી ચૂક્યો છે, મેડમ ઓફિસમાંથી નીકળીને તેમની સરકારી ગાડી તરફ પ્રયાણ કરી રહ્યાં છે.. હમેંશા છૂટવાના સમયે ડ્રાયવર ગાડીને પાર્કિંગ લોટમાંથી  પોર્ચમાં  લાવીને ઉભી કરી દે..અને પછી મેડમ ઓફિસમાંથી આવીને સીધા તેમાં બેસી જાય. આજે પણ એમજ બન્યું.. દૂરથી   ડ્રાયવરે મેડમને આવતાં જોયા એટલે તે દરવાજો ખોલીને ઉભો રહી ગયો..મેડમ કારમાં બેઠાં અને દરવાજો બંધ કરતાં કરતાં કહ્યું..: “ ઓ.કે. જેન્ટલમેન ગુડ નાઈટ એન્ડ ટેક કેર… વી શેલ મીટ ટુ મોરો ધેન ….!!”

“યસ મે’મ..ગુડ નાઈટ” એક સાથે ત્રણ-ચાર જણાનો અવાજ આવ્યો..

કારનો દરવાજો બંધ થયો..અને કાર ધીરે ધીરે ચાલવા માંડી..અને એ સાથેજ એમણે ડ્રાયવરને કાર રોકવાની સૂચના આપી..અને તરતજ એમને મૂકવા આવેલા અધ્યાપકો કાર પાસે આવી પહોંચ્યા..

મેડમની નજર એમના બિલ્ડીંગથી દૂર પ્લે-ગ્રાઉન્ડ પાસે એક ઝાડ નીચે બેઠેલા કપલ, યંગ છોકરા- છોકરી

તરફ ગઈ…

“અરે આટલી મોડી સાંજે આ લોકો કોલેજ કેમ્પસમાં શું કરે છે..?” ક્યાં છે સિક્યુરીટી..? જલ્દી લઇ આવો એ બંને જણને અહીં..” એટલું બોલતાં બોલતાં કારમાંથી બહાર આવી ગયા..એકદમ  ધૂઆંપૂઆં થઇ ગયા..અધ્યાપકો પણ વિચારવા લાગ્યા કે મેડમ આવું કેમ કરે છે..? કોલેજ કેમ્પસમાં તો આ બધું બનતું જ હોય.. સિક્યુરીટી નો જવાન એ બન્નેને ત્યાં લઇ આવ્યો..આમતો એ લોકો ખાસ્સા દૂર બેઠા હતા એટલે થોડી વાર પણ લાગી ..પણ તેમ છતાં ત્યાં સુધી મેડમ બિલકુલ મૌન ઉભા રહ્યાં હતા અને જાણે કોઈક વિચારોમાં ખોવાઈ ગયાં..

“ મેડમ આ લોકો આવી ગયા..”

“હં..હા…હા..શું કરો છો અહીં આટલા મોડા ..આટલી સાંજે..?” ગુસ્સામાં લાલચોળ થઇ ગયેલાં. 

“કૈંજ નહિ અમેતો બેઠા હતા.. “

એક પ્રોફેસરને કશીક સૂચના આપી અને એ કારમાં બેસીને રવાના થયાં.. ડ્રાયવરને ઘડીએ ઘડીએ ઝડપથી ચલાવવાની સુચના આપ્યા કરતાં હતાં. એમનું વર્તન સાવજ બદલાઈ ગયું.. એકદમ રેસ્ટલેસ થઇ ગયાં.. ડ્રાયવર પણ એટલું તો સમજી જ શક્યો કે પેલા બે જણાને જોયાં પછી મેડમનું વર્તન બદલાઈ ગયું હતું.. એકદમ અપસેટ થઇ ગયા હતાં અને…કશાક વિચારોમાં ખોવાઈ ગયા હતાં અને એટલેજ તો એમને ઘર આવ્યું તો પણ ખબર જ ના રહી..એમના મનનો કબજો કોઈક અતીતની ઘટનાએ જાણે લઇ લીધો હતો…!!

મીસીસ બાવીસી શાંત પ્રકૃતિનાં પ્રૌઢા અને પ્રગલ્ભ વ્યક્તિત્વ… કોણ જાણે કેમ આટલાં બધાં વિવશ થઇ ગયાં..!!

ઘરે જઈને ક્યાંય સુધી બહાર વરંડામાં આરામ ખુરશીમાં બેસી રહ્યાં..અને એમજ ક્યારે આંખ મળી ગઈ એનીય ખબર ના રહી.. અને બસ જાગૃત અવસ્થામાં ચાલતા વિચારો અજાગૃતીમાં એક ગમતીલો અહેસાસ બનીને ઉમટી આવ્યો..આંખનાં ખૂણા ક્યારેક ભીનાશ અનુભવતાં, એક અવાજ પોકારતો હતો…બે હાથ પહોળા થઈને જાણે એમનાં તરફ આવી રહ્યાં હતાં..એક ખૂબ અનુભવેલા અહેસાસનું પુનરાવર્તન થતું લાગ્યું.. એજ અનુભૂતિ… હૃદયનાં એજ આવેગો.. રૂવાંડાઓનું ઉભા થઇ જવું.. ..એક ખોળામાં એમનું માથું અને કપાળ પરના વાળમાં પરોવાયેલી આંગળીઓનો સ્પર્શ અને ધીમે ધીમે બે હથેળીઓ વચ્ચે પકડાયેલો ચહેરો અને એનાં પર ચુંબનોનો વરસાદ…અને એનાથી થતી ગુંગળામણથી ચહેરો છોડાવવા થતી મથામણ અને છટપટાહટ અને એ સાથેજ નીકળી આવેલી ચીસ…

“ છો..છો..છોડ વિદિશ મને પ્લીઝ શું કરે છે,  આ ..જો..જો.. આ મારો આખો ચહેરો ..કેવો..? આરામખુરશીમાં છટપટાવા માંડ્યાં મીસીસ શશીકલા બાવીસી..!!!

એ સાથેજ ઝબકીને જાગી ગયાં..અને એક ક્ષણતો એમને ખ્યાલ જ ના આવ્યો કે એ ક્યાં છે.. ચારેય  બાજુ નજર ફેરવી લીધી કે કોઈ જોતું તો નથીને… પણ સારું હતું કે ત્યાં કોઈ હતું નહીં.

પચાસ બાવન વર્ષની આ સ્ત્રીમાં જાણે કોઈક નવયૌવનાનો પ્રવેશ થઈ ગયો હતો.. અત્યારેજ જાણે આ ઘટના બની હોય એવું ફિલ કરવાં લાગ્યાં.. ઉભાં થયાં અને વોશબેઝીન પાસે ગયાં અને સામેના મિરરમાં ચહેરો જોયો.. ચાંલ્લો  કપાળમાં એની મૂળ જગ્યાએથી સહેજ ખસી ગયો હતો.. એ તો જોકે એમની જ હથેળીમાં ચહેરો પકડ્યો ત્યારે એમ થયેલું..!

અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં જ ૩૦-૩૨ વર્ષની મૂગ્ધ યુવાન શશીકલાનો ચહેરો મિરરમાં દેખાયો અને એના શરીરને વીંટળાયેલા બે હાથ..

“રહેવા દેને વિદિશ તું મને બહુ પજવે છે..પ્લીઝ છોડ મને “

“ શશી..તારી પાસેથી દૂર જવાનું મન જ નથી થતું….તારા બદનની મહેક મને દૂર જવા જ નથી દેતી..”

અચાનક શશીકલા તંદ્રાવસ્થામાંથી જાગૃતિમાં આવ્યા..!!

“ ઓહ માય ગોડ..! .આ શું થાય છે મને, હું તો કાંઈ નાની કીકલી છું..? કેમ આવું થયું અચાનક..? આટલાં બધાં વર્ષો પછી એ કેમ આમ સામે આવ્યો..? હા..! એ મારા જીવનનો એક હિસ્સો છે, હતો…હતો કેમ.? છે જ વળી, આજે જે રીતે એ ભૂતકાળનો ભોરીંગ, સમયનો રાફડો ફાડીને બહાર ધસી આવ્યો એનો અર્થ જ એ ને કે, એ હજુ પણ  મનમાં એનું અસ્તિત્વ જાળવીને બેઠો છે.. કોઈ પણ કારણ વગર આંતરમનના એ ખંડનાં ચુસ્ત ભીંસાયેલા કમાડનું ઓચિંતું ખૂલી જવું, એની પાછળ કોઈ કારણ હશે..?? એની સાથે થયેલા મેળાપની ઘટના અને એનાથી વિખૂટાં પડી જવાની દુર્ઘટના એ અમારી નીયતીજ ને વળી..?  નહીં તો ક્યાં કશુંય

અયોગ્ય હતું.?? જાત જાતનાં વિચારો અને  કેટ કેટલાય પ્રશ્નો એકસામટા ઉમટી આવ્યા…!!

એ સમજાતું ન હતું કે આટલાં બધાં વર્ષો પછી એવું તે શું થયું કે ભુતકાળે વર્તમાનનો કબજો લઇ લીધો..કારણકે તેઓ કેટલાં બધાં વર્ષોથી કોલેજના અધ્યાપન અને પ્રિન્સીપાલની જવાબદારી નિભાવી રહ્યા છે.. કોલેજ કેમ્પસમાં છોકરા-છોકરીઓને આમ એકાંતમાં સાથે બેઠેલા અને પોતાની મસ્તીમાં મસ્ત હોય એવાં તો અનેક પ્રસંગો એમણે જોયાં છે. આજે સાંજે કોલેજ કેમ્પસમાં બે જણ સાથે બેઠેલાં જોવા મળ્યાં એમાં ક્યાં કશુંજ નવું કે અજુગતું હતું….? તો પછી આજે કેમ એ ઘટના મીસીસ શશીકલાનાં મનોમસ્તિષ્ક પર સવાર થઇ ગઈ..!!

આ બધા પ્રશ્નોમાંથી માંડ માંડ છૂટકારો મળ્યો …

બાથરૂમમાં જઈને હોટ વોટરમાં કોલોન એડ કરીને શાવર લીધો..આખો રૂમ કોલોનની સ્મેલથી ભરાઈ ગયો..અને એમને પણ શરીરમાં સ્ફૂર્તિ આવી..તાજગી મહેસુસ થવા લાગી.જમ્યા અને નિત્યક્રમ મુજબ વાંચવા બેસતા હતા ને જ ફોન ની રીંગ વાગી..

“હેલ્લો..!”

“હેલો શશી..કેમ છે તું ?

“મજામાં..તમે કેમ છો માનવ..?”

“આર યુ સ્યોર… તું મજામાં છે..?કેમ અવાજ ઢીલો છે ? કાંઈ થયું છે ..? તબિયત તો ઠીક છે ને ? કોલેજમાં કાંઈ પ્રોબ્લેમ તો નથીને ?”

“ના માનવ એવું કશુંજ નથી.. તમે સવાલો બહુ જ પૂછો છો..તમે ચિંતા નહિ કરો…..માનવ, પ્લીઝ ..ડોન્ટ વરી..”

“ઓ.કે… ધેટ્સ વેરી ગૂડ..શશી સાંભળ જો હું કાલે સાંજે ત્યાં આવુ છુ, મારે થોડું કામ છે એટલે એકાદ દિવસ રોકાઈને પાછો આવી જઈશ ….”

“છોકરાઓ…?”

“એ લોકો અહીંજ રહેશે…જો સિદ્ધાંતને આવવું હશે તો લઇ આવીશ..હું પૂછી જોઇશ”

‘સારું થયું તમે આવો છો, આમ પણ આઈ નીડ યુ હિયર ધીસ ટાઈમ…”બોલતા તો આમ બોલાઈ ગયું પણ એ શબ્દોનો ખટકો તો જરૂર લાગ્યો..

અહીં ટ્રાન્સફર થઇ એટલે એમને એકલાં રહેવું પડતું હતું…એમનો પરિવાર અમદાવાદમાં સેટલ્ડ છે…એમના હસબંડ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ છે.. નાનો દીકરો સિધ્ધાંત તેમની સાથેજ બિઝનેસમાં છે.. મોટી દીકરી સ્વર્ણિમ મેડીસીનમાં પોસ્ટ ગ્રેડ્યુએશન કરે છે અને હોસ્ટેલમાં રહે છે..આમ આખો પરિવાર વેરણછેરણ હતો..

ક્યાંય સુધી ફોન પાસે બેસી રહ્યાં, આજે કશુંજ સુજતું નથી…સૂનમૂન બેઠાં હતાં અને બસ વિચારોની ઘટમાળ ચાલ્યાજ કરી..બહુવારે એમાંથી બહાર આવ્યાં અને રૂમમાં આંટો મારીને પાછા આવીને બેડ પર બેસી ગયાં..અને વિચારવા લાગ્યા કે આજે શું થઇ ગયું છે …? વિદીશ સાથેનો સંબંધ  અનાયાસ માનસપટ પર તરી આવ્યો અને આટલા વર્ષે તાજો થયો.. જે ઘટનાઓ નજર સમક્ષ થઇ એ બધી જ જાણે હમણાંજ બની હોય એમ લાગતું હતું.. વિચારોમાં ને વિચારોમાં ક્યારે આંખ લાગી ગઈ તેની ખબરજ ના રહી.. અને મોડી રાત્રે જ્યારે ઝબકીને જાગ્યાં ત્યારે રૂમની લાઈટો ચાલુ હતી.. ઉઠ્યા બાથરૂમ જઈ આવ્યાં અને પાણી પીને પાછા આડા પડ્યા… જોકે ઊંઘ ઉડી ગઈ..ક્યાંય સુધી જાગતાં પડી રહ્યાં.. વિદિશ આજે નજર સામેથી હટતો જ નથી.. અનાયાસ એમનાં મોએથી જોરથી વિદિશના નામની ચીસ પડી ગઈ.. સ્વગત બોલવા માંડ્યાં

“વિદિશ મેં તને અન્યાય કર્યો છે ..હું કબુલ કરું છું કે મેં તારા કોઈ પણ દોષ વગર તને દુઃખી કર્યો છે .. તું તો ..તું..તો મને બહુજ પ્રેમ કરતો હતો..પણ શું કરતી હું વિદિશ ? હું બેવડું જીવતી હતી..ના તો હું તને છોડી શકતી  હતી કે ના તો હું માનવને પામી શકતી  હતી..એ સાચું હતું કે તું મારા જીવનમાં પહેલો આવ્યો હતો અને આપણે બેસુમાર પ્રેમ કરતા હતાં એકબીજાને અને આપણી વચ્ચેનો સંબંધ….” આટલું બોલતાં તો એમનાં ગળે ડૂમો આવી ગયો..ક્યાંય સુધી બોલી ના શક્યાં.. પાછો એક ઊંડો શ્વાસ લઈને ધીમે ધીમે બોલવા માંડ્યાં..” હા વિ..” ક્યારેક શશીકલા એને ફક્ત વિ કહીને જ બોલાવતાં..આજે અનાયાસ એ સંબોધન પણ થઇ આવ્યું.. “ વિ, આપણા સંબંધને કોઈ સામાજિક માન્યતા ન હતી..પણ આપણેતો ક્યાં એવી કોઈ માન્યતાની જરૂર પણ હતી..હેં..??”

આટલી રાત્રે એકલાંએકલાં બોલવું અને આમથી તેમ રૂમમાં આંટા મારવા… સાવ બાલીશ વર્તન લાગતું હતું એક મેચ્યોર્ડ અને ભણેલી ગણેલી પ્રૌઢ સ્ત્રીનું.. પણ અત્યારે ક્યાં કશુંજ એમનાં નિયંત્રણમાં હતું..? બધુંજ અનાયાસ થતું હતું.. આંતરમનમાં જબરદસ્તી દબાવી રાખેલી એ લાગણી આજે બહાર આવી રહી છે.. પણ આમતો એ સારુંજ હતું એમનાં માટે કારણકે એમ કરતાં એ મનનો ઉભરો બહાર ઠાલવી રહ્યાં હતાં.. એ તો બોલ્યેજ જતા હતાં.. એમની સામે એ વિદીશને બેઠેલો જોઈ રહ્યાં હતાં અને બસ એને સંબોધીને જે મનમાં આવતું તે બોલતાં હતાં..

“ વિદિશ, હા..! માનવ તારા પછી મારા જીવનમાં આવ્યો..પણ એ કાયદેસર મારા પતી તરીકે આવ્યો..મારો એની સાથેનો સંબંધ સમાજમાન્ય સંબંધ છે…” અને એકદમ આવેશમાં આવીને ચિત્કારી ઉઠ્યા.. “ હા વિદિશ એ મારો પતિ છે કાયદેસર પતિ છે અને એની સાથેનો સંબંધ સમાજમાન્ય સંબંધ છે અમારો..           બોલ  વિ..તારું મારા જીવનમાં શું સ્થાન હતું..હેં..બોલ..! તું નહિ બોલે… હું જ તને કહું છું કે તારું મારા જીવનમાં કોઈજ સ્થાન ન હતું.. મારે માનવને પામવો હોય તો મારે તારાથી છૂટકારો મેળવવોજ પડે..??પણ કેવી રીતે એ શક્ય હતું..? તું તો મારા શ્વાસનાં એકએક ધબકારમાં વ્યાપેલો હતો..વિદિશ મારી છાતીનાં ધબકારમાંથી પહેલો અવાજ જ વિદિશ આવતો.. પછી શું કરતી હું..? બોલ વિદિશ કેવી રીતે હું તારાથી મુક્ત થતી ??? એટલેજ વિદિશ ..હા એટલેજ હું તારાથી દૂર ચાલી ગઈ અને દૂર પણ એવીકે…!!!” આમ બોલતાં બોલતાં તો એમની આંખો મીંચાઈ ગઈ…ઘસઘસાટ ઊંઘી ગયાં… સવારે ખૂબ મોડા ઉઠ્યા ..નિત્યક્રમ પતાવી ઝડપથી કોલેજ પહોંચી ગયાં અને કામમાં લાગી ગયાં.. વચ્ચે એક ક્લાસ એમનો હતો તે પતાવીને હમણાંજ આવીને ઓફીસમાં બેઠાં..પટાવાળા મનસુખને કડક કોફી બનાવવા કહ્યું..સહેજ માથું ભારે લાગતું હતું.. એ કોઈ ફાઈલો જોઈ રહ્યા હતાં અને બીજો પટાવાળો એક ચિઠ્ઠી ટેબલ પર મૂકી ગયો..

“ કોણ છે ભાઈ.. મોકલ જે હોય તેને..” ચિઠ્ઠી વાંચ્યા વગરજ કહ્યું..અને પાછાં એ તો નીચું જોઇને ફાઈલો વાંચવા માંડ્યા ..

 ચેમ્બરનું ડોર ખૂલ્યું અને  એક અવાજ આવ્યો..” મે આઈ કમ ઇન મેડમ ..??”

“ યેસ પ્લીઝ..” અને એમણે ઉંચું જોયું..ચારેય આંખો મળી અને

“ શશી..”

“વી..વીદી..વિદિશ …તું..તું, ક્યાંથી આમ..અહીં..અચાનક..??

“ એક છોકરાને કોઈ છોકરી સાથે ગઈકાલે કેમ્પસમાં બેઠેલાં તમે જોયેલાં અને એના વાલીને બોલાવવાની તમે સુચના આપ હતી ને ? એ છોકરાનો વાલી હું છું.. આઈ’મ હીઝ ફાધર…! શશી..મીસીસ શશીકલા ..!!”

                                                  *********

                                                                               

વિજય ઠક્કર

ગુર્જરિકા

લખ્યા તારીખ: ૦૫/૨૧/૨૦૧૫ @ 1. 15 AM

                                                                     

5 responses to “આઈ’મ હીઝ ફાધર……. (વાર્તા)

  1. pravinshastri April 6, 2020 at 9:21 PM

    આભાર અનિલભાઈ.

    Like

  2. મનસુખલાલ ગાંધી December 14, 2019 at 8:04 PM

    બહુ સુંદર વાર્તા છે.

    Liked by 1 person

  3. pragnaju December 10, 2019 at 3:00 PM

    ‘ હું બેવડું જીવતી હતી..ના તો હું તને છોડી શકતી હતી કે ના તો હું માનવને પામી શકતી હતી
    આવા ઘણાખરાબી માનસિક સ્થિતીનુ સરસ નીરુપણ
    અને
    અંત ‘“ એક છોકરાને કોઈ છોકરી સાથે ગઈકાલે કેમ્પસમાં બેઠેલાં તમે જોયેલાં અને એના વાલીને બોલાવવાની તમે સુચના આપ હતી ને ? એ છોકરાનો વાલી હું છું.. આઈ’મ હીઝ ફાધર…! શશી..મીસીસ શશીકલા ..!!”ખૂબ સ રસ

    Liked by 1 person

  4. Gurjarica December 9, 2019 at 9:07 PM

    Thanks Pravinbhai

    Sent from my iPhone

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: