ચંદુ ચાવાલા અને જગો જોષી

પ્રવીણ લેખક કાર્ટુન.jpg

ચંદુ ચાવાલા અને જગો જોષી

          ‘શાસ્ત્રીજી, ચંદુનું પાછું છટક્યું છે.’ અમારા સુરતી બડી, મંગુ મોટેલનો ફોન આવ્યો. ‘હોસ્પિટલમાં પડ્યો પડ્યો લવારે ચઢ્યો છે. સાલાને પાછો ઠેકાણે લાવવો પડશે. છોકરાંઓ બધા વિખેરાઈ ગયાં અને મસમોટા ઘરમાં બે એકલાં એટલે ચંપા આમ પણ મુંઝાય છે; અને તેમાં ચાવાલો નવા નવા ગતકડા કાઢ્યા કરે અને ચંપાને દ;ખી કર્યા કરે છે.’

          ‘પણ વાત શું છે?’

          ‘તે તો મને યે ખબર નથી. હોસ્પિટલ જઈશું એટલે ખબર પડશે. હું લેવા આવું છું. આપણે સાથે જઈએ.’

          ગ્લુકોમાની સર્જરી પછી શક્ય હોય ત્યાં સુધી હું રાત્રે ડ્રાઈવ કરવાનું ટાળું છું. અમારો મંગો બે ત્રણ પેગ ચઢાવીને પણ સોબર રહી શકે. પણ મને એની સાથે આવવા જવાનું હોય તો ચિંતા રહે. એક સમય એવો હતો કે અમારા ગ્રુપમાં પાર્ટીમાં જવા આવવાનું હોય ત્યારે હું ડેઝિગ્નેટેડ ડ્રાઈવર રહેતો. પણ આ કંઈ પાર્ટીમાં જવાનું ન હતું. એ દશમિનિટમાં આવી પહોંચ્યો.

          અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કાર્ડિયાક કેર વિંગમાં ભાઈ સાહેબ પ્રાઈવેટ રૂમમાં  બેસીને ગીતા વાંચી રહ્યા હતા. અમારા સદાય છન્નુવર્ષીય કરસનદાદા હોસ્પિટલ રિક્લાયનર ચેર પર બેસીને ઘોરતા હતાં. પાસે ખાલી ડિસમાં ગાજરના હલવાનો ન ખવાયલો શેષ ભાગ પડ્યો હતો. અને એક બીજી ચેર પર ચંપા સેલફોન પર કોઈ ગુજરાતી કૉમૅડી નાટક જોતી હતી. અમે બન્ને ગયાં એટલે ચંપાએ સેલ ફોન બાજુ પર મુક્યો.

          ‘આવો પ્રવીણભાઈ, આવો મંગુભાઈ’. અમે ખુરશી ચંદુના બેડ પાસે ખેંચીને બેઠા. ચંદુએ અમારી સામે જોયા વગર ગીતા પઠન ચાલુ રાખ્યું. ચંદુ મારા કરતાં બે વર્ષ નાનો, પણ હું બધાને જ માન પુર્વક સંબોધું. અમારા મંગુ અને ચંદુમાં એવો વિવેક નહિ. અમે બધા પંચોતેર પ્લસના સિનીયર્સ. પણ ભેગા મળીયે અને નાનેરા હાજર ના હોય તો મંગુ ગધા પચ્ચીસીમાં આવી જાય.

          ‘ચંદુ કેમ છે? રામ નામ સત્ય હૈ કરતાં કરતાં અશ્વનિકુમારની તૈયારીતો નથીને?’ ચંદુએ જવાબ ન આપ્યો અને અમારા તરફ જોયા વગર ગીતા અભ્યાસ ચાલુ રાખ્યો. કરસનદાદા જાગી ગયા. મંગુ સામે મોમાંનું ચોખટું હાલતું દેખાય એ રીતે મંગુ સામે દાંત પીસીને બોલ્યા કે ‘મંગા, ગધેડા, બુદ્ધિના બારદાન તું હોસ્પિટલમાં છે. બોલવાનું ભાન રાખ. ચંદુના હાર્ટપર ખોટી અસર થાય એટલું ભાન નથી?’

          મેં પુછ્યું ‘ચંપા, ચંદુભાઈને શું થયું? શું પ્રોબ્લેમ છે?’

          ‘કશો પ્રોબ્લેમ નથી. એનામાં જગો કાણીયો ભરાયો છે.’

‘જગો કાણીયો?’ અમારા બન્નેના મોંમાંથી પ્રશ્ન સરી પડ્યો. અમારા મહોલ્લામાં હરિશંકર મા’રાજનો દીકરો જગદિશ કાણો ન હતો, પણ બિચારાની ડાબી આંખ જરા વધારે ફરક્યા કરતી. છોકરી સામે નિર્દોષ ભાવે જૂએ તો પણ આંખ મારતો હોય એવું જ લાગે. એ પંદર સોળ વર્ષનો હતો ત્યારે ચંપાની જાડી બેન ભદ્રા પર લવ લેટર લખેલો. ભદ્રાભદ્દી તો સીધી હરિશંકર કાકા પાસે પહોંચી. ‘કાકા, આ તમારા કાણીયાને મારી સાથે પરણવું છે. હું તૈયાર છું. ક્યારે માંડવો બંધાવીએ?’

હરિશંકર મા’રાજ પવિત્ર બ્રાહ્મણ અને ભદ્રા-ચંપા–ચંદુ બધા મોઢ ઘાંચી, ૧૯૫૫ની આસપાસનો સમય. ન્યાત જાતની વાતમાં બાંધછોડ નહિ. બિચારા જગદિશનું આવી બન્યું. મા’રાજે જગદિશને બરાબર ખોખરો કર્યો. અમે બધા છોકરા છોકરીઓ ઓટલા પરથી જગદીશની ધોલાઈની મજા માણતા હતાં, બસ તે દિવસથી અમારા મહોલ્લામાં જગદીશ જોષી જગો કાણીયો થઈ ગયો.  મોટો થયો પણ આંખને કારણે કોઈ કન્યા મળી નહિ. બિચારાને યજમાન વૃત્તિ પણ આવડી નહિ. એ પણ સહેલું નથી. શ્લોક  કંઠસ્થ કરવા પડે. વિધી રીતિઓ જાણવી પડે. હજારવાર ઊઠ બેસ કરવું પડે. એમાં એનું કામ નહિ. જોષી અટક વટાવી ખાવાનો આઈડિયા એને ફળ્યો. ગ્રહ દશા, ખરા ખોટા વીટીંના નંગો, હસ્તવિદ્યા, અંકવિદ્યાની ઠોકાઠોક કરવા માંડી. ઘરની બહાર એસ્ટ્રોલોજર રાજગુરુ જગદિશચંદ્ર જોષીનું બોર્ડ લટકતું થઈ ગયું હતું,

‘જગો કાંણીયો?’ એ ક્યારે આવ્યો અને ક્યારે ગયો? અમને ખબર જ ના પડી.

‘હા, એ  બે મહિના પહેલાં અમેરિકા આવ્યો હતો. એ પેલા પ્રેમ જ્યોતિષની જેમ જ ઈંડિયામાં ધંધો કરતો હતો.  અમારે ત્યાં ત્રણ દિવસ રહી ગયો. તમને બધાને મળવું હતું પણ એની પાસે સમય ન હતો. જવાની આગલી રાત્રે અમે બેઠા હતા અને ચંદુએ એને હાથ બતાવ્યો. એણે માથૂ ધુણાવ્યું. દોસ્ત ચંદુ, ગીતાનું અધ્યન કર, એમાં જ તારું કલ્યાણ છે. જગો જ્યારે કોઈનો હાથ જૂએ ત્યારે ભલે પેન્ટ શર્ટ પહેર્યા હોય પણ માથા પર જરીકસબવાળી પાધડી પહેરીને જ ભવિષ્ય ફળ અને એનું નિદાન કરે. પછી એ ડોસાએ મારો હાથ જોયો.

મને કહે ‘ચંપાવતિ, હિમ્મત રાખજો. આવી પડે તે સહન કરવાની શક્તિ મળે એ માટે હનુમાન ચાલીસાનો પાઠ દિવસમાં ચાલીસ વખત કરજો?’

મેં પુછ્યું મને કાંઈ પ્રોબ્લેમ છે?  ગ્રહદશામાં વાંધો છે?

‘તો કહે કે તારા મંગળ પર શનીની દૃષ્ટિ છે. શુક્ર વંકાયલો છે. વચ્ચેના ગુરુ અને બુધ ક્રોધિત છે. આબધું થવાનું કારણ તમારા લગ્ન શ્રાદ્ધ પક્ષમાં થયા છે. નક્ષત્ર અને ગ્રહની રિએરેંજમેંટ કરવાનું ખર્ચાળ છે કદાચ એકાવન હજાર ડોલર કે એનાથી પણ વધુ ખર્ચ થાય. પણ હવે આ ઉમ્મરે એવો ખર્ચ કરવાની શી જરૂર? ભગવાન પર છોડી દઈ એના શરણે જવું.’

ચંદુએ અકળાઈને કહ્યું કે ‘જગલા સીધું ભસ ને! ચંપાને શું પ્રોબ્લેમ છે?’

‘જગલાએ કહ્યું, ચંપાને બહુ મોટો પ્રોબ્લેમ છે. એક મહિના પછી એને વૈધવ્ય આવવાનું છે. પણ ચંદુ તારે સ્ટાર રિએરેંજમેંટ કરવા અડધોલાખ ડોલર ખરચવાની જરૂર નથી આપણે બધા જ  ઘરડા થયા છે. વહેલા મોડા જવાનું જ છે. હજુ એક મહિનાનો સમય છે. કાશી જા. ગીતા વાંચતા વાંચતા દેહને કાશીમાં જ મણિકર્ણિકા ઘાટ પર ભસ્મ થવા દે. હવે ચંપાવતીની બહેન ભદ્રાવતી પણ નથી રહ્યાં. જરૂર પડશે તો હું અમેરિકા આવીને ચંપાવતીની કાળજી રાખીશ. તમે જરા પણ ચંપાવતીની ચિંતા કરશો નહિ. તે વખતે તો અમે હસી કાઢ્યું. એ વાતને બે મહિના થઈ ગયા.’

‘ગઈ કાલે તમારો દોસ્ત કહે મને છાતીમાં દુખે છે. જગા કાણીયાનું ભવિષ્ય સાચું પડવાનું. તું ગંગાસ્વરૂપ થઈ જવાની. મારે પહેલાં સુરત જવું છે, પછી ત્યાંથી હરદ્વાર અને પછી કાશીમાં મરવું છે. તારે આવવાની જરૂર નથી’

‘મેં પુછ્યું ક્યાં દુઃખે છે તો કહે કે આમ તો જમણી બાજુ દુખે છે પણ કદાચ ડાબી બાજુ પણ દુઃખ માડે તો? એના કહ્યા પ્રમાણે એક મહિનામાં નહિ તો કદાચ બે મહિના પછી મરી જવાનો. મારે મારી જાતનું કલ્યાણ કરવું છે. ઈંડિયા જઈને પહેલાં સુરતનું જમણ માણવું છે. પછી હરદ્વારમાં પવિત્ર થઈને મોદીજીના મત વિસ્તાર કાશીમાં જઈને દેહ પાડવો છે. ગીતાનો બીજો અધ્યાય મોઢે કરવામાં લાગી પડ્યો છે.’

‘હું એને ER માં લઈ આવી. કેદારભાઈને ફોન કર્યો. કાર્ડિયોગ્રામ ઓકે. ઈકોકાર્ડિયોગ્રામ ઓકે. સ્ટ્રેટ ટેસ્ટ ઓકે એરે એંજીઓગ્રામ પણ ઓકે. બ્લડ ટેસ્ટ ઘોડા જેવો. પણ ભેજું માંદલું બકરુ જેવું. કેદારભાઈએ પણ બધા રેકોર્ડ જોઈને કહ્યું કે એનામાં કોઈ જ વાંધો નથી. ફેફસા પેટ બધું પરફેક્ટ છે.’

અમે વાત કરતાં હતાં ત્યાં કેદાર આવી પહોંચ્યો. કેદારે કહ્યું ‘મિસ્ટર ચંદ્રકાંત ચાવાલા હવે એક કલાકમાં રૂમ ખાલી કરવાનો છે. આપશ્રીને હવે કશું ચેક કરવાનું બાકી નથી. યુ આર પર્ફેક્ટ. ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણીની તૈયારી કરવા માંડો.’

‘ના, હવે ક્રિસ્મસ નહિ, ન્યુ યર પણ નહિ. મારી પાસે એટલો સમય નથી. તમે સૌ ચંપાનું ધ્યાન રાખજો. હું કાલે જ ટિકિટ બુક કરાઉં છું. છોકરાંઓને કહેવાની જરૂર નથી. મારું બારમું, તેરમું ભવ્ય રીતે ઉજવજો. આ શાસ્ત્રી તો ચિકણો કંજુશ છે. એ પૈસા ખરચવાનું આવે ત્યારે સગવડિયો રેશનાલિસ્ટ થઈ જાય છે. એણે તો એના પોઈરાઓને કહી દીધું છે કે મરણ વખતે અને મરણ પછી શ્રાદ્ધની કોઈ ક્રિયા કરવી નહીં. પણ તમે બધા મારું મરણ સાર્થક થાય એ માટે ભવ્ય રીતે બારમું તેરમું કરજો’. ચંદુના લવારા ચાલતા હતા.

નર્સ આવીને એક એંક્ઝાઇટીનું ઈંજેક્શન ઠોકી ગઈ. એ જરા શાંત થયો. અમે બધા વત કરતાં હતાં.

કેદાર કહે ‘ચંદુને તો જગો જોષી મરવાની વાત કહી ગયો; પણ ખરેખર તો જેને કેન્સર જેવી બિમારી હોય તેણે પણ નિરાશ થયા વગર પોઝિટિવ અભિગમ રાખવો જોઈએ. છે તે સુખ ભોગવી લેવું જોઈએ. મેં એક કે બે વર્ષ પહેલાં એક અડધા કલાકની સરસ ફિલ્મ જોઈ હતી. એમાં આ ચંદુભાઈ કહે તેવી જ વાત હતી. સુરતનું જમણ અને કાશીનું મરણ.

ચંદુ જરા સ્વસ્થ થયો હતો. ‘ડોક્ટર એ કઈ ફિલ્મ હતી? યુ ટ્યૂબ પર છે?’


‘હા, છે. ફિલ્મનું નામ “મુંબઈ વારાણસી એક્સપ્રેસ.” આરતિ ચાબ્રિઆની  માત્ર અડધા કલાકની જ સરસ ટૂંકી ફિલ્મ છે.’

સુરતનું જમણ અને કાશીનું મરણમેળવનાર માણસ નસીબદાર ગણાય છે. ફિલ્મમાં જાણીતા કલાકાર દર્શન જરીવાળાએ એક એવા ધનાઢ્ય ઉદ્યોગપતિકૃષ્ણકાંત ઝુનઝુનવાલાનું પાત્ર નિભાવ્યું છે, જે કેન્સરનો ભોગ બન્યા બાદ સઘળી મોહમાયાસંપત્તિ છોડીને જીવનનો બાકી બચેલો છેલ્લો એક મહિનો કાશીમાં વિતાવવાનું નક્કી કરે છે. કુટુંબસમાજસંપત્તિ છોડીને મૃત્યુ સમયે એકલા રહેવા અને જાતને થોડો સમય આપવા ઇચ્છતા કૃષ્ણકાંત મુંબઈ વારાણસી એક્ષ્પ્રેસ ટ્રેઇનમાં દાખલ થાય છે. જિન્દાદીલ સુરતી સહમુસાફર કાશી જતા ડિપ્રેસ કૃષ્ણકાંતને ચા, થેપલા અને ભેળનો આગ્રહ કરે છે અને સુરત ઉતરી જતાં પહેલાં સુરતનું જમણ અને કાશીના મરણનો જળવો સંદેશ આપી જાય છે.’

કૃષ્ણકાંતને કાશી પહોંચ્યા બાદ રફીક રીક્ષાવાળો સહિતના એવા કેટલાક મિત્રો મળે છે જેઓ સમાજના સાવ જુદા વર્ગમાંથી આવે છે, કૃષ્ણકાંતને બધા સાથે લાગણીના સંબંધ બંધાય છે. મ્રત્યુ થોડા દિવસો દૂર છે ત્યારે કૃષ્ણકાંત વાસ્તવિકતા સ્વીકારીને કાશીમાં નવા બનેલા મિત્રો સાથે આનંદથી જીવવાનું શરુ કરે છે.

અહીં એની તબિયત પણ આશ્ચર્યજનક રીતે સુધરવા માંડે છે. એક દિવસ જ્યારે એને ખબર પડે છે કે પોતે ઘર છોડ્યું પછી પુત્રો વચ્ચે ઝગડો વધી પડ્યો છે અને કંપની મુશ્કેલીમાં છે, ત્યારે કૃષ્ણકાંતને ફરી પાછી સંસારની માયા વીંટળાઈ વડે છે. અને તે કાશી છોડીને પાછા મુંબઈ ફરવાનું નક્કી કરે છે.

પ્રવાસ એનો આખરી પ્રવાસ સાબિત થાય છે. કાશીના મરણની સાથે એને સુરતી પ્રવાસીએ કરેલી સુરતના જમણની વાત યાદ આવે છે. એ ટ્રેઈનમાંથી સુરત સ્ટેશન પર ઉતરી સાસુમાની હોટલ તરફ જવા જાય છે અને એને એક્સિડંટ થાય છે અને મૃત્યુ થાય છે.

અહી જોવાની વાત છે કે જ્યાં સુધી કૃષ્ણકાંતે પરિસ્થિતિનો સ્વીકાર કરેલો, ત્યાં સુધી એની તબિયત સુધરતી ગઈ. પરંતુ જેવી એના મનમાં પુત્ર અને કંપની માટે મમતા જાગી ઉઠી, કે તરત એક અકસ્માતમાં એનો ભોગ લેવાઈ ગયો. એનું

બીજું ઈંટરપ્રિટેશન એમ પણ કરી શકાય કે કાશીનું જીવન અને સુરતનું મરણ.

આ ફિલ્મમાં કાશીની મરણ ઈકોનોમી પણ જાણવા મળે છે. મણીકર્ણિકા ઘાટ પર રોજની ૩૦૦ ચિતાઓ બળે છે. એક ચિતાના ૫૦૦૦ રૂપિયાનો ખર્ચ આવે છે. અને તેનો ઈજારો તિર્થ ગોરનો હોય છે.

દોસ્ત હું પણ બ્રાહ્મણ છું. શાસ્ત્રી પણ બ્રાહ્મણ છે. પણ અમે જ્યોતિષમાં માનતા નથી. તેમાં પણ પૈસા લઈને આકાશના ગ્રહોની રિએરેન્જમેંટની વાત કરતા જગા જોષી જેવાની વાતમાં ભેરવાઈને મરવાના ભયે જિંદગીના માર્ગો બદલીને ગાંડાવેડા કરવાની જરૂર નથી. ચંદુભાઈ મોત બધાને જ આવવાનું છે. જાતસ્ય હિ ધ્રુવોર્મૃત્યુ. ભલે ગીતા વાંચો પણ ડિપ્રેશ ના થાઓ. ઉલટા સબળ બનો.

ઓકે ઓકે ડોક્ટર નો લેક્ચર. મારે સુરત નથી જવું. હરદ્વાર અને કાશી પણ નથી જવું. હું એટલાંટિક સીટીમાં ચાર ઓસન ફ્રંટ રૂમ બુક કરાઉં છું. આપણે બધા ક્રિસમસ અને ન્યુયર ત્યાં ઉજવીશું. આજે ઘેર જતાં પહેલાં એકાદ ઈટાલિયન ડાઈનરમાં ડિનર લઈશું હજુ મરવાની વાર છે.

અને અમે ડિનર લઈને છૂટા પડ્યા. લાઈફ જીવવા અને જલ્સા કરવા જ છે. 

000000

પ્રવીણ શાસ્ત્રી

“તિરંગા” ડિસેંબર ૨૦૧૯.

8 responses to “ચંદુ ચાવાલા અને જગો જોષી

 1. રક્ષા પટેલ December 20, 2019 at 1:03 PM

  શારીરિક બિમારી કરતાં માનસિક બિમારી વધુ અસર કરતી હોય છે. તમે ખુબ સરળતાથી હાસ્ય રસના મિશ્રણ સાથે રજૂ કર્યું!

  Liked by 1 person

 2. મનસુખલાલ ગાંધી December 14, 2019 at 8:03 PM

  બહુ સુંદર જાણકારી આપી છે.

  Liked by 1 person

 3. pravinshastri December 12, 2019 at 1:29 PM

  આભાર સંજયભાઈ

  Like

 4. pravinshastri December 12, 2019 at 1:27 PM

  પ્રજ્ઞાનેન હું પોતે સગવડીયો ધાર્મિક અને સગવડિયો રેશનાલિસ્ટ છું. હું ધાર્મિક સાથે ધાર્મિક અને રેશનાલિસ્ટ સાથે રેશનાલિસ્ટ રહેવા માંગું છું. પણ દુખ એ છે કે રેશનાલિસ્ટ મને ધાર્મિક માને છે અને ધાર્મિક મને રેશનાલિસ્ટ માને છે.

  Like

 5. pravinshastri December 12, 2019 at 1:19 PM

  આભાર અમૃતભાઈ.

  Like

 6. Amrut Hazari. December 10, 2019 at 8:43 PM

  Beautiful. Gave your message in a very hilarious way. Congratulations.

  Amrut Hazari.

  Liked by 1 person

 7. pragnaju December 10, 2019 at 2:31 PM

  કાર્ડિયોગ્રામ ઓકે. ઈકોકાર્ડિયોગ્રામ ઓકે. સ્ટ્રેટ ટેસ્ટ ઓકે એરે એંજીઓગ્રામ પણ ઓકે. બ્લડ ટેસ્ટ ઘોડા જેવો. પણ
  .
  ભેજું માંદલું બકરુ જેવું. કેદારભાઈએ પણ બધા રેકોર્ડ જોઈને કહ્યું કે એનામાં કોઈ જ વાંધો નથી. ફેફસા પેટ બધું
  .
  .પરફેક્ટ છે’ તો અમારા સ્નેહી રડતા સ્વરે કહેશે પૈસા પડી ગયા કાંઇ નીકળ્યુ !
  મરણ બાદ દેહદાનનુ પ્રમાણ વધ્યું છે તેના કારણમા ફ્યુનરલના $ ૧૦૦૦૦ બચી જાય તે પણ છે !
  ‘સગવડિયો રેશનાલિસ્ટ થઈ જાય છે. એણે તો એના પોઈરાઓને કહી દીધું છે કે મરણ વખતે અને મરણ પછી શ્રાદ્ધની કોઈ ક્રિયા કરવી નહીં.’
  હાલ ઉહાપોહ કરતા રૅશનાલીસ્ટ ‘સગવડિયો’ જ લાગે છે…
  આપણા લેખમી ઘણીખરી વાત અનુભવાય છે ધન્યવાદ

  Liked by 1 person

 8. Sanjay-Smita Gandhi December 10, 2019 at 2:08 PM

  Enjoy Chandu- Mangu as much as you can…… False Alarm like this someday …………………. !!!! And then ……….. someone will miss dearly someone!!!!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: