જમનાદાદીના તોફાન.

પ્રવીણ લેખક કાર્ટુન.jpg

પ્રવીણ શાસ્ત્રી

જમનાદાદીના તોફાન.

 

‘ભૂરી…..ઈ…ઓ… ભૂરકી ઈઈઈ!’

‘યા ગ્રાન્ડમા.’      

જમનાદાદીને “ગ્રાન્ડ મા” શબ્દમાં ગ્રા ને બદલે ગા જ સંભળાતો અને એ ગંદી ગાળ લાગતો એટલે ભુરીને લવથી સમજાવી દીધેલુ કે ‘ભૂરકી મારા ઘરમાં ગાળ નહિ ચાલે. મને દાદીમા જ કહેવાનું.’ બિચારી ભૂરી ઘણીવાર એ સુચના ભૂલી જતી અને ડોશી કપાળ પર હાથ ઠોકીને કંઈક બબડી લેતાં. જમના ડોશી મારું ઘર કહેતાં પણ ઘર તો ભૂરકીનું જ હતું. ભૂરી ને ડોશી મારું ઘર બોલે તેમાં કોઈ વાંધો ન હતો.

ભૂરી નું નામ પમેલા. ભૂરી આંખવાળી અમેરિકન ગોરકી પૌત્રવધૂ. જમના ડોશીને પોતાના દીકરા વહુ સાથે ગ્રહ બરાબર મેચ નહિ થતા. પોતાના દીકરા વહુ સાથે રહેવાને બદલે દીકરાના દીકરા બબલુ એટલે કે ઓર્થોપેડિક સર્જન ડોક્ટર બિરેન અને પમેલા સાથે વધારે ફાવતું. સાડી ચોરાણું વર્ષના જમનાદાદી જૂના જમાનાના મેટ્રીક પાસ. પાંસટ સિત્તેર વર્ષથી અમેરિકામાં રહે એટલે અંગ્રેજી તો આવડે જ પણ ભૂરી એટલે કે પમેલાને ડોશીનું અંગ્રેજી ફની અને મીઠ્ઠું લાગતું અને ડોશીને પમેલાનું ગુજરાતી મજાનું લાગતું. બન્ને ને એક બીજા સાથે સરસ જામી ગયું હતું. જમનાદાદી પમેલાને ભૂરી કહે, ભૂરકી કહે, કોઈવાર ગોરકી કહે. પમેલાને તો એ સ્વીટ જ લાગે.

આમ તો જમના જરાતરા ચાલી શકે પણ બબલુએ એને બેટરી વાળી વ્હિલચેર અપાવી દીધેલી. બસ જમનાડોશી જલસા કરે. બબલુ મોટો ઓર્થોપેડિક સર્જન. એનો બાપ એટલે કે દાદીનો દીકરો પણ દાકતર. દાદીની પુત્રવધૂ પણ દાક્તર. ગ્રાન્ડ ડોટર ઈન લો પમેલા પણ કોલેજમાં સાઈકોલોજીની ડોક્ટરેટ પ્રોફેસર હતી. એણે દીકરીના જન્મ પછી નોકરી છોડી દીધેલી. દીકરી હાઈસ્કુલમાં હતી. પમેલાને નોકરી કરવાની જરૂર પણ ન હતી. પાર્ટ ટાઈમ વોલેન્ટીયર સોસિયલ વર્કર તરીકે હોસ્પિટલમાં રોજ થોડા કલાક સેવા આપતી હતી. પમેલાને ડોશીમા ગમતા અને ડોશીમાને પમેલા ગમતી. કોઈ આર્થિક ચિંતા તો હતી નહિ.

પમેલાએ હોસ્પિટલ્થી આવી જેવો ઘરમાં પગ મૂક્યો કે તરત જ દાદીએ બુમ પાડી,

‘ભૂરી…..ઈ…ઓ ભૂરકી ઈઈઈ’

અને જવાબ મળ્યો, ‘યા ગ્રાન્ડમા.’

‘ગાનમાની બચ્ચી આ પા આ’

‘વ્હોટ દાદીમા?’

‘ડિયર ભૂરી કમ, અને મારી પા સીટ.’

‘ઓકે દાદીમા, વ્હોટ?’

‘ટુમોરો ઇઝ અવર એડવેન્ચર ડે.’

‘અગેઈન? નો, નો, નો. દાદીમા, નો એડવેન્ચર. બિરેન સેઇડ નો મોર એડવેન્ચર. એબ્સોલ્યુટલી નો.’

‘અરે ગાંડી! અરે પગલી”

‘નો ગાંડી, નો પગલી, નો સ્વીટ ટોક. નો એડવેન્ચર મીન્સ નો એડવેન્ચર.’

આ એડવેન્ચરમાં ડોશીમાએ એના બન્ને ટાંટિયા તોડ્યા હતા અને સળીયા નાંખ્યા હતા. ત્રણ મહિનાનો ખાટલાનંદ ભોગવ્યો હતો.

જમનાદાદીમાના લગ્ન વીસ વર્ષની ઉમ્મરે જયંતીલાલ સાથે થયા હતા. લગ્ન પહેલાં જમના એક તોફાની અને માથા ફરેલ છોકરી તરીકે પંકાયલી હતી. જયંતીલાલ ફાર્મસિસ્ટ હતા. ખુબ અભ્યાસુ અને ગંભીર પ્રકૃત્તિના માણસ.

બિચારી જમનાના તોફાનો સુકાઈ ગયા. એકદમ ડાહી થઈ ગઈ. થઈ જ જવું પડેને? પચ્ચીસ વર્ષની ઉમરે બન્ને અમેરિકા આવ્યા. જયંતિલાલને ફાર્મસ્યુટિકલ કંપનીમાં સારી નોકરી મળી.  દીકરા સુરેશનો જન્મ થયો. એકના એક પુત્ર સુરેશને પરિશ્રમ કરીને ડોક્ટર બનાવ્યો. પોતાની જ જ્ઞાતીની ડોક્ટર છોકરી સાથે પરણાવ્યો. દીકરો-વહુએ પોતાનો અલગ સંસાર વસાવ્યો. દીકરાને ત્યાં પણ એક દીકરો. તે દીકરો બિરેન પણ ડોક્ટર થયો. સાઈકોલોજીનું ભણેલી બ્યુટિફુલ અમેરિકન છોકરી પમેલા સાથે લગ્ન કર્યા. પરણીને એ પણ જૂદો રહેતો હતો. સૌ સુખી હતા. કોઈને કોઈ ફરિયાદ ન હતી. જમના જમનામાંથી મૉમ, મમ્મી, બા, દાદી અને ગ્રાન્ડમા બની ગયા હતાં.

એમની એંસી વર્ષની ઉમ્મરે જયંતિલાલે દેહ છોડ્યો. મરતાં પહેલાં ડોસા ડોશી વચ્ચે વાત થયેલી. ‘જીંદગી ભર ખુબ મહેનત કરી. પૈસા કમાતી વખતે પૈસા ખર્ચવાનો સમય ન હતો એટલે બધા સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટમેન્ટમાં આપોઆપ વધ્યા કરતા હતા. જયંતિલાલે તો જલસા નહોતા કર્યા પણ જમના તું જલસા કરજે. આનંદથી રહેજે.’

‘ના, હું તમારી પાસે ટૂંક સમયમાં આવું છું. તમારી આજ્ઞા પ્રમાણે જેટલા થાય તેટલા જલસા કરીને જેમ બને તેમ જલ્દી તમારી પાસે આવી રહીશ. જયંતિલાલ વિદાય થયા. જમનાદાદીએ ફ્યુનરલહોમમાં જ જયંતિલાલના મૃતદેહની પેટીમાં જ પોતાની બધી જ દવાઓ પધરાવી દીધી. નો મોર એની મેડિકેશન. મારા જેન્તિલાલ પાસે જલસા કરતાં કરતાં હું જલ્દી પહોંચીશ.

એંસી વર્ષના જમનાજી હવે ગંગાસ્વરૂપ બન્યા. પણ વૈધવ્ય પાળવાને બદલે હેર બ્લિચ કરાવીને, સેટ કરાવીને, અમેરિકન ડોશલીઓ જેવા કપડાં પહેરી બિંગો ક્લબમાં જવા માંડ્યું. સિનિયર સિટીજનની બાઉન્ડ્રી લાઈન પર ઉભેલા બાપના જેવી જ ગંભીર પ્રકૃત્તિના દીકરા-વહુ માજીને પોતાને ત્યાં લઈ આવ્યા. વહુ ભલે ડોક્ટર હતી પણ જૂનવાણી વિચારની હતી. એઇટી પ્લસની વિધવા ડોશીની બદલાઈલી લાઈફ સ્ટાઈલ એને નહોતી ગમતી. માજીનો સ્વભાવ તદ્દન બદલાયો હતો. મંદિરે જવાની ઉમ્મરે બોલિવુડના ફાઈટિંગ મૂવી જોવાનો ચસ્કો લાગ્યો હતો. ઘરે બેસીને મોરારીબાપુની કથાઓના વિડિયો જોવાને બદલે લેડિઝ મડ રેસ્લિંગ જોઈને બરાડા પાડવા શરૂ કર્યા હતા. ભણેલા ગણેલા પ્રોફેશનલ કુટુંબમાં આવું ચાલે? દીકરો-વહુ કહે મમ્મી દવા લો. તો કહે હવે એંસી તો પૂરા થયા. બાકી કેટલા? દવાઓ તો ફેંકી દીધેલી.

ઉપર જલ્દી જવા શરીર બગાડવું હતું પણ બેફિકરા જ્મનાજીની તંદુરસ્તી ખીલવા માંડી હતી.

ઘરમાં સ્વિમિંગ પૂલ હતો. ઉમ્મર પહેલાં જ માનસિક વૃદ્ધત્વ અનુભવતી ડોક્ટર વહુને તરતાં આવડતું નહતું પણ વર્ષમાં એકવાર પૂલ પાર્ટી થતી. બધાના અચંબા વચ્ચે જમનાબાએ પૂલમાં ઝંપલાવ્યું. ગામડાના તળાવમાં લૂગડા ધોઈને મોટી થયેલી જમનાને તરતાં આવડતું હતું. પણ આ ઉમ્મરે એઈટી પ્લસ ગંગાસ્વરૂપ ગુજરાતણ વિડો બિકીનીમાં? વેરી એમ્બરેસિંગ. પુત્રવધૂને આ બધું ન ગમતું; પણ ગ્રાન્ડ ડોટર ઈન લો પમેલા માટે દાદી વોઝ ફન.

ભૂરકી ગ્રાન્ડમાને પોતાને ત્યાં લઈ આવી. એને ભૂરકી સાથે ફાવી ગયું. મુદ્દલ કરતાં વ્યાજ વ્હાલું હતું. ડો. બિરેન એટલે કે ડોશીમાનો બબલુ પણ મજાનો હતો. અને ટિનેજ ગ્રેઇટ ગ્રાન્ડોટર તો ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. એ પણ મિઠ્ઠી હતી. એટલે જ એ દીકરાને બદલે દીકરાના દીકરાને ત્યાં જમનાદાદી રહેતાં હતાં.

એક દિવસની વાત.

પ્રેસિડન્ટ બુશે ઘરડે ઘડપણ વિમાનમાંથી પેરેસૂટ સાથે ઝંપલાવ્યું તે સમાચાર જમના બાએ ટીવી પર જોયા. નાનપણમાં એ વડ પર છોકરાઓ સાથે આંબલા-પીપળીની રમત રમતા અને ઝાડ પરથી ભૂસકો મારતા. મારા જેન્તિલાલ મારી રાહ જોતા હશે. એ મને મીસ કરતા હશે. બહુ લાંબો સમય થઈ ગયો. આ એક જલસો કરી લઉં. કદાચ જલ્દી પહોંચાશે.

બીજે દિવસે પેમિલાને સવારે બુમ પાડી…..

ભૂરી ઈઈઈ. ચાલ આપણે એમ્યુઝમેન્ટ પાર્કમાં જઈએ.

ઓકેય. લેટસ ગો ગ્રાન્ડમા. ભૂરી તૈયાર. સાથે ગ્રાન્ડ ડોટર પણ રેડી. જમના બા કહે. બુશે ભૂસકો માર્યો. એમાં શું મોટી ધાડ મારી. મી ટૂ. એમ્યુઝમેન્ટ પાર્કમાં બંગી જમ્પિંગ  (bungee jumping) રાઈડ હતી.  ક્રેઇન માં પચાસ ફૂટ ઉપર જવાનું અને કમર પર ટેન્શન વાયર બાંધીને નીચે ઝંપલાવવાનું. ડોશીમાને પણ કુદકો મારવો હતો.

પમેલા ભૂરકીએ કહ્યું, ‘આર યુ ક્રેઝી?’

પણ ડોશીમા સાંભળે તો ને? જઈને લાઈનમાં ઊભા રહ્યા. રાઈડ ઓપરેટરે એને પાછી કાઢી. ‘ઈટ ઈઝ એઇજ ડિસ્ક્રિમિનેશન.’

ડોશીમાએ મોટો હંગામો ઉભો કર્યો. ભૂરીએ માંજીને માંડ માંડ સમજાવી.

છેવટે હાઈ રોલરકોસ્ટરની રાઈડ નો સોદો થયો. એ રાઈડ લીધી. દાદીને ચક્કર આવ્યા, ઉલટી થઈ. વૉમિટ કરતા જાય અને બબડતા જાય, ‘જયંતિલાલ હું હવે એક બે દિવસમાં આવી હોં. રાઈડમાં બૌ મજા આવી. કંઈ મંગાવવું છે?’ પણ બે દિવસમાં તો જમનાબા પાછા ઓલરાઈટ થઈ ગયા. ‘ભૂરકી, જો મને બંગી રાઈડમાં જવા દીધી હોત તો ચક્કર ન આવતે કે ઉલટી પણ ન થતે.’ લો કરો વાત.

બબલુ અને ભૂરી એની દીકરીને લઈને દર વિન્ટરમાં સ્કિઈંગ માટે જાય. ત્રણ વર્ષ પહેલાં એકાણું વર્ષના ડોશીમા કહે, ‘ભૂરકી મારે પણ બરફમાં લસરવું છે. મને પણ લઈ જા.’ બબલુ કહે ‘ના. તમારું ત્યાં કામ નથી. ઠંડી લાગે. ન્યુમોનિયા થાય. ઈન્ફેક્શન થાય અને મરી જવાય. આઈ ડોન્ટ વોન્ટુ લૂઝ માઈ ગ્રાન્ડમા. લસરવું છે એટલે લસરવું જ છે. હું મરી જાઉં તેમાં તારા બાપનું હું જાય? તને અને એને તો ફાયદો જ છે.’

ભૂરી કહે ‘લઈ જઈએ. અંદર બેસીને સ્પોર્ટસ જોશે.’ પણ જમના ડોશીની જીદ. છેવટે બાર્નમાંથી બધા ઈક્વિપમેન્ટ, ઝભ્ભા ટોપી ભાડે લઈને પહેરાવીને ડોશીમાને તૈયાર કર્યા. પગમાં બૂટ અને સ્કી સાથે ફોટા પાડ્યા. પમેલા અને એની દીકરીએ આજુબાજુ રહી હાથ પકડી રાખ્યો હતો. દાદી કહે ‘હાથ છોડ. હું કાઈ બેબી નથી.’ હાથ છુટ્યા અને ટાંટિયા લપસ્યા. બન્ને પગમાં સળીયા નાંખવા પડ્યા. સારું હતું કે પૌત્ર ઓર્થોપેડિક સર્જન હતો, કાબેલ હતો. બાકી આ ઉમરે બે પગમાં ઓપરેશન કરવાનું રિસ્ક કયો સર્જન લે!

થોડો સમય ઉપદ્રવ રહિત ગયો.

…..અને ભૂરીઈઈઈ

‘ટુમોરો ઇઝ અવર એડવેન્ચર ડે.’

‘આર યુ નટ્સ? માઈ ડિયર ગ્રાન્ડમા આર યુ ક્રેઝી?

‘પગલી મારી પાસે સીટ. સીટ બાય મી. ભૂરી એની બાજુમાં બેઠી.

‘લિસન. આઈ હેવ વન ફેન્ટસી.’

‘યસ. ટેલ મી.’

જમનાબાએ એને વાત કહેવા માંડી.

હું સ્કુલમાં ભણતી હતી ત્યારે એક પૈસાના બોર લેતી. મારી ફ્રેન્ડ બોર વેચવાવાળીને વાતમાં પાડતી અને એના ખૂમચામાં થી કોઈવાર મુઠ્ઠી ભરીને ફ્રોકના ગજવામાં મુકી દેતી. મને મજા આવતી. પણ બે દિવસ પછી બોર વાળીએ મને કહ્યું કે મને ખબર છે કે તને છાના માના બોર લેવાની ટેવ છે. આ સારું નથી. દીકરી આ ચોરી કહેવાય. …. અને ચોરીનો આનંદ ઊડી જતો. હું મેથ્સમાં સ્માર્ટ હતી. કાયમ હન્ડ્રેડ માર્કસ આવતા. એક વાર ચોરી કરવાનું મન થયું. પરિક્ષા કી ઐસી કી તૈસી. મારી આગળની છોકરીની નોટમાંથી ખોટા દાખલાની કોપી કરી. ટીચરે પકડી પાડી પણ મને જવા દીધી. ચોરીની મજા બગડી ગઈ.

‘ટુમોરો આઈ વોન્ટુ ગો ફોર શોપલિફટિંગ.’ ગ્રાન્ડમાએ ધડાકો કર્યો.

‘ગ્રામી, યુ આર ફની અને કંપ્લીટલી ઈન્સેઇન. ડુ યુ નો, ઇટ ઇઝ ક્રાઈમ. પનિસેબલ ક્રાઈમ. ઈટ ઈઝ સ્ટિલિંગ. ઈટ્સ થેફ્ટ. ઈટ ઇઝ ઈમમોરલ. ઇલ લિગલ. ઈફ યુ કોટ યુ હેવ ટુ ડુ કોમ્યુનિટિ સર્વિસ. પે હેવી પેનલ્ટી. યુ કેન ગો ટુ જેલ.’

‘હની, ડોન્ટ લેક્ચર મી. આઈ નો. આઈ ડિડ્ન્ટ કમ ઇન અમેરિકા યસ્ટર ડે ઈન બનાના બોટ. યુ આર રાઈટ. બટ ડિયર ઈટ ઈઝ જસ્ટ ફોર ફન.’

‘નો. ઈટ ઈઝ નોટ ફન. ડુ યુ નો ધેટ નેક્ટ ડે ટીવી રેડિયો એન્ડ ન્યુઝ પેપર વીલ બ્લાસ્ટ વીથ ન્યુઝ. મિલિયોનર ડોક્ટર ફેમિલી નાઇન્ટીફોર યર ગ્રેટગ્રાન્ડમધર કોટ શોપલિફ્ટિંગ. યુ આર ગોઈંગ ટુ સ્પોઈલ અવર ફેમિલી નેઇમ. એન્ડ અવર રેપ્યુટેશન,’

મિડિયા બ્રોડકાસ્ટિંગ! વાઉવ! ધેટ વુડ મોર ફન. હની હો જાય!

આ ઓલ્ડ લેડિને શું સમજાવવું એનું શું કરવું? જો બિરેનને ખબર પડે તો ડોશીને ડેડીને ત્યાં જ મોકલી આપે. જો મધર ઈન લો ને કેમ મોકલી આપ્યા એ ખબર પડે તો એને કોઈ દૂરના મેન્ટલ નર્સિંગ હોમમાં જ ધકેલી દે.

પમેલા વિચારતી હતી. આ પણ એક સ્ટડી માટેનો સેમ્પલ છે. ત્રણ કલાક પછી જમનાદાદી પાસે ગઈ. ‘ગ્રામી પ્રોમિસ મી ધીસ વિલ બી લાસ્ટ ટાઈમ. આફટર ટુ મોરો નો મોર ક્રેઝીનેસ. ઈ લવ યુ લવ યુ લોટ્સ. ઈફ યુ વોન્ટ ટુ ડુ એની ક્રેઝી થીંગ આઈ વીલ સેન્ડ યુ બેક ટુ મોમ’સ હાઉસ. એન્ડ યુ નો ધેટ યુ ડોન્ટ લાઈક ઈટ એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધેટ. આઈ કાન્ટ ટેઈક એની મોર.’

‘ઓકે ઓકે ઓકે. લાસ્ટ ટાઈમ. આઈ પ્રોમિસ.’

બીજે દિવસે ડોશીમા અને પમેલા મોલના મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં શોપીંગ કરવા ગયા. પમેલાએ મોટુ કાર્ટ ભરીને શોપીંગ કર્યું. આ બાજુ જમના બાએ ઈલેક્ટ્રીક હેન્ડિકેપ કાર્ટમાં થોડું શોપીંગ કર્યું. એક ગાઉન પરની પ્રાઈઝ ટેગ બદલી સસ્તી ટેગ લગાવી દીધી. ડ્રેસિંગ રૂમમાં જઈને જુનું શર્ટ કાઢીને નવું શર્ટ ચડાવી દીધું. ધીમે રહીને એક હેર પીન અને નેઇલ પેઇન્ટ બોટલ પર્સમાં સરકાવી દીધી. એક કેડબરી મોંમાં પધરાવી દીધી. સરળતાથી વટથી ચેક આઉટ થઈ ગયું. ડોશીમાનો અભરખો પુરો થયો. જમનાબા જંગ જીત્યા. ડોશીમાં ઘરમાં આનંદથી “બચ ગયેલી રે મૈ બચ ગઈ;” ગાતાં રહ્યાં.

પમેલા પ્રોફેશનલ સાઈકોલોજીસ્ટ હતી. એણે સ્ટોર મેનેજરને અગાઉથી વાત કરી હતી કે હું માનસ શાસ્ત્રી છું. મારો એક અંગત રિસર્ચ પ્રોજેક્ટ છે. રીચ ઓલ્ડ વુમન શા માટે અને કેવી રીતે નાની નાની ચોરીઓ કરે છે. શોપલિફ્ટિંગ ચોક્કસ પણે એમની જરૂરીયાતને માટે તો ચોરી નથી કરતી પણ શોખ, થ્રીલ કે કુટેવને કારણે કરે છે તેનો વધુ સ્ટડી કરવાનો ઉદ્દેશ છે. કાલે હું એક વૃદ્ધાને લઈ આવીશ. એની પર સીસીટીવીનું રેકોર્ડિંગ રાખજો. એનું જે કંઈ બીલ હશે તેની ડબલ કિમત મારા કાર્ડમાં ચાર્જ કરજો. પણ એને પકડશો નહિ. એ પ્રોફેશનલ શોપલિફ્ટર નથી.

જમનાબાએ માત્ર પાંત્રીસ ડોલરનો માલ તફડાવ્યો હતો. સ્ટોર મેનેજરે પાંત્રીસ ડોલર જ ચાર્જ કર્યો હતો. પમેલા સાથે વાત થયા મુજબ સિત્તેર નહિ.

બિચારા જમનાબાને આ વાતની ખબર નહિ. એને મજા માણ્યાનો સંતોષ હતો. 

જમનાબા ખુશ હતા.

‘ભૂરીઈઈઈઈ….ઓ માય સ્વીટ ગોરકી. કોલ યોર મધર ઈન લો. આઈ વોન્ટુ ગોટુ ટેમ્પલ વિથ હર. નાઉ નો મોર તોફાન, નો એડવેન્ચર એઝ આઈ પ્રોમિસ. નાવ ઓન્લી ભજન. આક્સ હર ટુ કમ એન્ડ પીક મી અપ આફ્ટર લંચ.  આસ્ક હર ટુ બ્રીંગ માઈ વ્હાઈટ સારી. આઈ વોન્ટુ વેર ધેટ ટુ ટેમ્પલ.’

બીજે દિવસે લંચ લઈને જમનાબા નેપ લેવા આડા પડ્યા. એમનો પુત્ર સુરેશ અને પુત્રવધૂ મંદીરે લઈ જવા આવી પહોંચ્યા.

“ગ્રાન્ડમા વેક અપ, મૉમ ઈઝ હિયર. વી ઓલ આર ગોઈંગ ટુ ટેમ્પલ.”

‘ગ્રાન્ડમા વેક અપ.’

પણ શ્વાસ ન હતો, જવાબ ન હતો. એમના મો પર જાણે તોફાની સ્મિત હતું. જમનાદાદી, જયંતિલાલને મળવા મોટા ટેમ્પલ પર પહોંચી ગયા હતા.

પ્રવીણ શાસ્ત્રી.

પ્રગટઃ ગુજરાત દર્પણ ડિસે. ૨૦૧૯.

9 responses to “જમનાદાદીના તોફાન.

 1. pragnaju December 22, 2019 at 5:04 PM

  બહુ સુંદર વાર્તા..
  .
  જમનાબા જેવા બધા સીનીયરોમા હાસ્ય જન્મે….
  .
  નવા સાહસો કરવાનો ઉત્સાહ જન્મે તેવી આશા.
  .
  ધન્યવાદ પ્રવિણભાઇ

  Liked by 1 person

 2. pravinshastri December 18, 2019 at 9:01 PM

  આભાર મનસુખભાઇ

  Like

 3. pravinshastri December 18, 2019 at 8:59 PM

  આભાર નટવરભાઈ

  Like

 4. pravinshastri December 18, 2019 at 8:58 PM

  આભાર રાજુલબહેન.

  Like

 5. Rajul Kaushik December 18, 2019 at 8:19 PM

  તોફાની જમાના ડોશીની મઝાની વાત .

  Liked by 1 person

 6. pravinshastri December 17, 2019 at 10:24 PM

  શારીરિકરીતે તો નહિ પણ માનસિક અભર્ખાવાળી ઘણી અમેરિકન જમનાબાઓ મળી આવશે. આપણાં બ્લોગરમિત્ર ૯૬ વર્ષના “આતાશ્રી” એવા જમનાદાસ જેવા સ્વભાવના જ હતો. બધા જ ઐચ્છિક સુખ ભોગવી ને મોટામંદિરે સિધાવ્યા હતા. મહામાં છોને?

  Like

 7. Amrut Hazari. December 17, 2019 at 9:37 PM

  પ્રવીણભાઇ,
  તમે જમનાબાને જન્મ તો આપી દીઘો. તેમની ઘૂનકી પણ બતાવી દીઘી…..બાળપણ થી તે જયંતીલાલને મળવા જવાના દિવસ સુઘીની ઘૂનકીથી તેના જીવનકવનને સજાવી પણ દીઘો…ખૂબ ગમ્યો….પરંતું પ્રેક્ટીકલ લાઇફમાં…તે પણ દુજ્જુઓમાં…જમનાબા કેટલાં ? કોનો મોઢા ઉપર જમનાબા જેટલું હાસ્ય આળસ મળડે ?
  તમારા લેખને વાંચીને બઘીઅે જમનાબા…બઘી…હાં બઘી જ બાઓના મોઢા ઉપર હાસ્ય જન્મે….નવા નવા સાહસો કરવાનો મહાવરો જન્મે તેવી શુભેચ્છાઓ.
  સરસ મઝાની વાત….સાસુ વહુના પ્રેમભરેલાં જીવતાં સંબંઘો….દરેક વાંચનારના દિમાગમાં ઉતરે…ફેમીલી લાઇફ વૃંદાવન બનીને બહાર આવે….સુંદર સર્જન.
  હાર્દિક અભિનંદન.
  હેપી હોલીડેઇઝ….આનંદો…..
  અમૃત હઝારી.

  Liked by 1 person

 8. મનસુખલાલ ગાંધી December 17, 2019 at 8:56 PM

  શું વાત છે….???? Sex વગરની વાર્તા….!!!! પણ, મજા આવી ગઈ…

  જમના ડોશી તો ઠીક, પમેલાની ટ્રીક પણ ગમી ગઈ… આજના ઢ્ગલાબંધ સીનીયર સેન્ટરોમાં આવા Adventure કરવાવાળા થોડાઘણા લોકો નીકળે પણ, તેમની પાસે પમેલા જેવા સમજવાવાળા ન હોય એટ્લે એમના સાહસ સુકાઈ ગયા હોય..

  બહુ સુંદર વાર્તા..

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: