મધુ રાય .

નાગરિક મ્હણજે કાય?

ભારત હજી ભારત કહેવાતું નહોતું તે પહેલાંથી ને નાગરિક શબ્દ બન્યો તેનીયે પહેલાંથી આ ભારતભૂમિના આદિ નાગરિક કોણ? રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિવાસી હતા! છોટા ઉદેપુર નજીકના કોરજ ડુંગરોની ઉપર ૧૨૦૦૦ વર્ષ જૂનાં પ્રાગૈતિહાસિક ચિત્રો દોરનાર તે આ ભૂમિના આદિ–નિવાસી હતા, જેને ભારતના સંવિધાનમાં અનુસૂચિત જાતિ કહેવાયા છે તે આદિવાસી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ ઉપરાંત તેઓ બંગાળ, આસામ, અરુણાંચલ પ્રદેશ, મિઝોરમ, નગાલેન્ડ તેમ જ મધ્ય ભારત તથા દક્ષિણનાં જંગલોમાં અને આંદામાન નિકોબાર ટાપુઓમાં, ઝાડીઓમાં, વાહનો, ઉદ્યોગો, સામાજિક ધડધમાલોથી વેગળા ફંગોળાઈને વસેલા છે. સાધારણ જનમનમાંથી વિસરાયેલા. આજના ભદ્રસમાજને એહસાસ પણ નથી કે નગરો વસેલાં તે પૂર્વે આ ભૂમિ પર જીવનયાપન કરતા હતા આદિનિવાસી નાગરિક. જેમ જેમ વસતી વધતી ચાલી છે તેમ તેમ આદિવાસીઓ અંદર ને અંદર ધકેલાતા જાય છે. એમની જમીનો, ભાષાઓ, પોષાકો, રીતભાત, તહેવારો, સંગીત, એમનું સમગ્ર પોતાના–પણું લુપ્ત થતું જાય છે.

સન ૨૦૧૧ની વસતી ગણતરીમાં ભારતમાં આદિવાસીની સંખ્યા હતી ૧૦.૪ કરોડ. સિંધુ નદીની સંસ્કૃતિના પતન બાદ વિધવિધ વંશો, નસલો, જાતિઓમાંથી ઊતરી આવેલી અનેક ટ્રાઇબોની ભાષાઓની કોઈ લેખિત લિપિ નથી તે ભાષાઓ મૌખિક રૂપે સચવાયેલી છે. આ જનસમૂહ આપણી ૨૨ માન્ય ભાષાઓમાંની એક પણ નહીં, તેઓ ગુજરાતમાં બોલે છે, રાઠવી, પંચમહાલી, ભીલી, ડુગરી, ચૌધરી, વણજારા, પારવી, અહિરાણી, દેહવાલી વગેરે બોલીઓ.

ભલે, ભલે, પણ અચાનક અમેરિકા વસતા ગગનવાલાને ભારતના આદિવાસીઓની લાહ્ય કેમ લાગી છે? સરદારશ્રીની ગગનચુંબી યુનિટીની પ્રતિમા જોવા નીકળેલા ગગનવાલા નિરુદ્દેશ્યે ભ્રમણ કરતાં જઈ ચડેલા સરકારી સહાયથી સ્થપાયેલ નોન–પ્રફિટ આદિવાસી અકાદમીના ભાષા સેન્ટરમાં તેજગઢ! ને મગજમાં વિચારોની ખિસકોલીઓ દોડંદોડ કરવા લાગેલી! અભરાઈએ ચડાવી દીધેલા અમેરિકાના રેડ ઇન્ડિયન આદિવાસીઓના વિચારો! ભારતમાં ચાલી રહેલી નાગરિકતાની ચકચારના વિચારો! મન છે, માંકડું છે.

આદિવાસી પરિસરમાં પ્રવેશતાંની સાથે ચૌટે ને ચકલે દીવાલો ઉપર શોભે છે રાઠવા ચિત્રકારોના હાથે દોરાયેલ નયનરમ્ય ચિત્રો, કોણીનું ઓશિકું કરીને સૂતેલી એકાદી આળસુ અર્ધનદી, તલના દાણાથી માંડીને કમળના પાન જેવડાં ફૂલો જણે કુતૂહલથી તમને જોવા આપોઆપ ઊગી નીકળેલા હોય તેવી ઉત્કંઠા દર્શાવે છે. યસ, યસ, ગગનવાલાનો રૂપઘેલો માંહ્યલો વાસ્તવમાં જે છે તેને ઔર વરણાગી આંખે જુએ છે, ફૂલોને, પંખીઓને ડાળી ડાળખાંઓને પડી નથી તમે કોણ છો, તે તો પોતાના હોવામાં પ્રમત્ત છે.
ને તમારા માર્ગદર્શક નગીનભાઈ તમને હાથમાં ધરે છે બાફેલા ચણાનો પૌષ્ટિક નાસ્તો. ચાનાસ્તાને ન્યાય આપી તમે તાસક પાછી મૂકવા જાઓ છો તો નગીનબાબુ કહે છે, આંહી આપણે જાતે જ રકાબી ધોવાની હોય છે. ઓહ, અવશ્ય અવશ્ય.

ને ચાલતાં ચાલતાં તમારા કાને પડે છે યુરોપીયન લઢણનો અવાજ, સીએટી કેટ, ને બીએટી બેટ… તમે ચકિત થઈને જુઓ છો આ રણવગડામાં નાની અંબોડી બંધેલો એક જર્મન છોકરો આદિવાસી વિદ્યાર્થીઓને ઇંગ્લિશ શીખવે છે!

આદિવાસી અકાદેમીનાં નમણાં મકાનોમાં આદિવાસીઓનાં વાદ્યોનું એક મ્યુઝિયમ છે, પણ કાચના કબાટોમાં ધૂળ ખાતાં વાંજાંનું નહીં, તમે નજીક જઈ એકાદ નગારા ઉપર ટરનમ ટરનમનું તરન્નુમ વગાડી શકો. કુદતી વસાણાંથી કાપડ રંગવાના ઝૂંપડાં, માટીકામ, નાનામોટા ઘરહુન્નરો. અચાનક સરઘસાકારે ચાલતા ટચુકડાં વિદ્યાર્થીઓની ટોળી પસાર થાય છે. અચાનક લાઇબ્રેરી! ઇન્ડિયા ટુડેના લેટેસ્ટ અંકથી માંડીને ગ્રંથાકારે બાંધેલા પુરાણાં સામિયકોનાં કબાટો અને સુધરેલા કપડે જોવા પધારેલા મુલાકાતીઓ. આસપાસની કોલેજોમાંથી ફીલ્ડ ટ્રિપ ઉપર આવેલા બ્લૂ જીન્સ અને ગરારા પહેરેલા સ્ટૂડન્ટસો. અને આ સેન્ટરમાં બનતાં વસ્ત્રો, આભૂષણો ને ચિત્રોની હાટડી. તેની કીમતો વાંચીને જીભ કચરાઈ જાય છે પણ આ કીમતો તો એક નિમિત્ત છે, સેન્ટરને નાણાંકીય સહાય કરવાનું.

જમીને જશો? નગીનભાઈ પૂછે છે. જી ના, ના. સાંજ પહેલાં અમારે સુરત પહોંચવાનું છે. સરસ. નગીનભાઈ સાથે અમે ફોટા પડાવીને બહાર નીકળીએ છીએ. રાઈટ? આ ભૂમિપુત્રોને આપણા પૂર્વજોએ કરેલા અન્યાયો બદલ સોરી કહેવા આટલું ઇનફ છે,યસ? નગર કોને કહેવાય? નાગરિક મ્હણજે કાય? જીવન એટલે શું, ને સિવિલાઇઝેશન બોલે તો ક્યા? આવા ઠાવકા ઠાવકા વિચાર કરતાં મોટરમાં ગોઠવાતાં ગગનવાલા મનોમન બોલે છે, જય બાબા વાલ્મિકી!

madhu.thaker@gmail.com Wednesday, December 18, 2019

No photo description available.No photo description available.