અનુસંધાન…..વિજય ઠક્કર

    vijay-thakkar

                                                         વિજય ઠક્કર 

અનુસંધાન…..

 

ટો  સ્ટેશને આવીને થોભી..

માના અને મહર્ષિ ધીમેથી ઉતર્યા …એક હાથમાં કપડાની એક સુટકેસ અને બીજા હાથમાં મહર્ષિને પકડેલો..

ઓટોનું ભાડું ચૂકવીને એક નજર પાછળ છૂટી ગયેલા રસ્તા પર કરી.. સ્ટેશનમાં પ્રવેશ ટીકીટ ખરીદીને પ્લેટફોર્મ પર આવી ગઈ..હજૂતો ટ્રેન આવવાની થોડીવાર હતી.. દૂર એક બાંકડો ખાલી હતો.. માના ત્યાં જઈને એ બાંકડે બેસી ગઈ..એકબાજૂ સુટકેસ મૂકી અને બીજી બાજુ મહર્ષિને બેસાડ્યો..ખબર નહીં આ નાનકડો છોકરો મહર્ષિ એકદમ ચૂપ કેમ થઇ ગયો..!! કશુંજ બોલતો નથી..ફક્ત મમ્મીની પાછળ દોરવાયે જાય છે.

સ્ટેશન પર મુસાફરોની ચહલપહલ, ફેરિયાઓનો ઘોંઘાટ, કુલીઓની આવન-જાવન, રેનબસેરા જેવા આ પ્લેટફોર્મ પર સ્થાઈ નિવાસ કરતાં સમાજનાં તમામ અવલંબનોને પાછળ મૂકીને આવેલાંમાંથી કેટલાંક લોકો અહીં-તહીં સૂતાં છે..અને આ બધી ભીડ વચ્ચે માના દૂરના છેડે આવેલા બાંકડે બેઠી બેઠી પોતાના મન સાથે તુમૂલ યુદ્ધ ખેલી રહી હતી.. ગંતવ્ય વિષે હજુ મનમાં દ્વિધાજ છે..પણ એટલોતો મનમાં ચોક્કસ નિર્ધાર કરી લીધો છે કે જે છોડ્યું છે ત્યાંથીતો મન હવે સદાયને માટે વાળી લેવું.. છેલ્લા ત્રણ-ચાર વર્ષના સંઘર્ષ પછી માનાએ જાણે મેદાન છોડી દીધું….

સલીલ…હા ! સલીલ એનો પતિ… એની સાથેના સંઘર્ષનો અંત આવી ગયો.. એ સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.. પતિ-પત્ની નામનું લેબલ તોડી નાખ્યું..

ગઈ રાત્રે બંને વચ્ચે ખૂબ ઝગડો થયો.. વૈચારિક મતભેદો, નાનકડાં મન અને કશુંજ જતું નહીં કરવાની વૃત્તિ..પુરુષનો અહમ અને પુરુષ મનમાં ધીમેધીમે ઉછરીને મોટા થયેલા સંશયના કીડાના સળવળાટે આ ગૃહસ્થીને ઉધઈની જેમ કોરી ખાધી…અને અંતે અવિશ્વાસના પાયા પર ઉભી રહેલી એ ઈમારત ધરાશાયી થઇ ગઈ..

બસ છૂટી ગયું બધુંજ પાછળ…

માનાના મનની ઉદાસી ચહેરા પર સ્થાઈ થઇ ગઈ છે…મહર્ષિનો કલબલાટ પણ સાવ શમી ગયો છે..કારણ આખી રાત એણે પપ્પા-મમ્મીને લડતાં જોયાં હતા.. સુનમુન થઇ ગયેલા બાળ મન પર થયેલા આઘાતોએ ન જાણે શું શું અંકિત કરી દીધું હશે..! અત્યારેતો એની શી ખબર પડે..? એ બધુંજ ક્યારે અને કેવા સ્વરૂપે બહાર આવશે એનીયે અત્યારે કેવી રીતે ખબર પડે..!!!  આખી રાત સામસામા રાડારાડ અને ચીસાચીસ અને વાક્પ્રહારો ચાલતા રહેલા ત્યારે એ એટલુંજ બોલતો : પપ્પા..મારી મમ્મા સાથે ઝગડો ના કરો ને..મારી મમ્મા રડે છે .. અને એ પણ રડતો..

ટ્રેન આવવાની તૈયારી થઇ..બધા મુસાફરોની ચહલપહલ વધી ગઈ..પ્લેટફોર્મ પરનો શોરબકોર અને ભાગમભાગ છતાંય માનાતો હજુયે એમજ બાંકડે બેસી રહી હતી..એનું મન-તન જાણે નિશ્ચેતન થઇ ગયાં હતાં.

ટ્રેન આવી થોભી અને જતી રહી પણ તોયે માનાતો એમજ બાંકડે સુનમુન બેસી રહેલી…ઘણી વારે મહર્ષિએ જ્યારે એને હલબલાવી નાંખી ત્યારેજ એનામાં સ્વસ્થતા આવી.. અને હાંફળીફાંફળી આજુબાજુ જોવા માંડી..પ્લેટફોર્મ પરનો શોરબકોર શમી ગયો હતો ખુબ ઓછા લોકોની અવરજવર હતી…એને ધ્રાસકો પડ્યો.. “ શું ટ્રેન જતી રહી..?? ઓહ માય ગોડ…શું કરું હવે..?? “

કડવા વિચારોની હારમાળા તૂટી ગઈ..આખરે ફરી પાછી મહર્ષિને લઈને સ્ટેશનની બહાર આવી..ઉભી રહી ગઈ..એક બાજુ હમણાંજ છોડીને આવી એ બધું, એકબાજુ વર્ષો પહેલાં કાયમને માટે જેને અલવિદા કરેલી એ માં-બાપનું ઘર અને એકબાજુ એને મૂકીને જતી રહેલી ટ્રેનનું પ્લેટફોર્મ…. ત્રિભેટે આવીને ઉભી થઇ ગઈ…ક્યાં જવું …કેવી રીતે જવું…શું થશે..? અનેક ભાવો…અનેક પ્રશ્નાર્થો મનમાં ઉભા થયા.

              XX                          XX                        XX                         XX

“ વિદ્યા તને ઊંઘ નથી આવતી..?”

“ ના કોણ જાણે આજે જીવ બહુ બળ્યા કરે છે..”

“ભગવાનનું નામ લે વિદ્યા અને ઊંઘવાનો પ્રયત્ન કર એટલે ઊંઘ એની મેળે આવી જશે.. હજુતો રાતના

ત્રણ વાગ્યા છે..”

“કૌછુ..! મને તો જાણે કૈક ખોટું થવાનું હોય એવું લાગ્યા કરે છે..”

“ વિદ્યા તું નકામી ચિંતા કરે છે… કશુંય અશુભ નથી થવાનું.. અને જે કાંઈ થાય કે બને ..બધુંજ ઈશ્વરની ભેટ માનીને સ્વીકારી લેવાનું તો બહુ દુઃખ ના થાય સમજી…?”

“બધુંય સમજુ છું પણ મારું મન આજે કશુંક અમંગળ થવાનું હોય એમ બેચેન છે..”

“ જો વિદ્યા વિધાતાએ દરેકની હથેળીમાં ચિતરામણ કર્યું હોય છે..આપણને એની નાતો સમજ પડે કે ના એમાં ખબર પડે..અને એ અજ્ઞાનમાંજ સુખ છે..સુઈ જા જે થશે તે સારુંજ થશે..”

થોડીવાર બેમાંથી કોઈ નાં બોલ્યું ..

“ કૌછુ..સાંભળો છો..? આ બેબીતો મઝામાં હશે ને ? મનેતો એ છોડીની બહુ ચિંતા થાય છે..

“એની ચિંતા કરવા જેવી નથી વિદ્યા હવે સુઈ જા અને બધું ભગવાનને સોંપી દે…આપણી માના બહુ સમજદાર છોકરી છે..”

આ બંને ઘટનાઓ એજ રાત્રે સમાંતર બનેલી..એક બાજુ માનાનો એના પતિ સાથે સંબંધ વિચ્છેદ અને બીજી બાજુ માનાના મમ્મીનો સંતાપ-વિલાપ અને ચિંતા….એમનું દુસ્વપ્ન ખરેખર એ દિવસે કડવું સત્ય બનીને સામે આવ્યું..

હજુતો સવાર જ પડી હતી, ઘરનાં બધાં સભ્યો નીત્યક્રીયાઓ પતાવીને પોતપોતાનાં કામે વળગવાની તી

તીયારીમાં જ હતાં અને એજ વખતે માનાનો પ્રવેશ થયો અને સૌથી પહેલી નજર એના પર મમ્મીનીજ પડી.

.” અરે માના ! તું આમ અચાનક આટલી વહેલી સવારે ..?? “

“હા મમ્મી… હું થોડા દિવસ રહેવા આવી છું..”

“ પણ આટલી વહેલી સવારે અને એય પાછી આટલી મોટી બેગ લઈને..?”

“ હા મમ્મી આજે વહેલી સવારેજ નક્કી કર્યું અને નીકળી પડી…પણ કેમ મમ્મી હું અહીં રહેવા ના આવી શકું..?”

“આવવાની ક્યાં ના છે બેટા…પણ આતો થોડું જુદું લાગ્યું એટલે કહ્યું…”

“ અરે વિદ્યા ! તું આમ કેમ કહે છે..? શું થયું છે તને હેં..”

“ મને ક્યાં કશું થયું છે..? આ તો ગામમાંને ગામમાં છોડી રહેતી હોય અને સવારના પહોરમાં આમ આવડી મોટી બેગ લઈને આવે તો ચિંતાતો થાયજ ને ..પણ એ તમને નહીં સમજાય… એના માટે તો માં થઈને અવતરવું પડે…”

હવે પપ્પાનો વારો હતો..: “બેટા બધું સારું તો છે ને ..?”

“ હા પપ્પા બધું ઠીક છે..અને એ તો ઠીક કે સારું ના પણ હોય તો ક્યાં કશુંજ આપણા હાથમાં હોય છે..?”

“ બેટા કેમ આવું બધું નિરાશાજનક બોલે છે ?”

“ કશું જ નથી પપ્પા..આ તો બસ..”

“ તું સાચું તો બોલે છે ને બેટા …?”

બસ માનાએ હિમ્મતપૂર્વક રોકી રાખેલી પોતા પરનો સંયમ ખૂટી પડ્યો..ચોધાર આંસુએ રડી પડી..મમ્મીને ફાળ પડી…કૈક  અશુભના એંધાણ મળેલા એ સાચા પૂરવાર થયા…પપ્પાના ખોળામાં માથું મુકીને ક્યાંય સુધી રડતી રહી..મમ્મી-પપ્પા બંને એને સાંત્વન આપતા રહ્યાં…બહુ વારે શાંત થઇ…સહેજ સ્વસ્થ થઇ..એ આખો દિવસ કોઈએ કશુંજ પૂછ્યું નહીં..અને માનાએ પણ કશુંજ કહ્યું નહીં…આખો દિવસ માના ગુમસુમ બેસી રહી….

એ રાત્રે પપ્પા-મમ્મી હિંચકે બેઠાં હતાં અને માનાએ રૂમમાં પ્રવેશ કર્યો..એના હાથમાં એક કાગળ હતો અને એ કાગળ એણે પપ્પાના હાથમાં મૂક્યો..મમ્મીતો આ જોઇને બઘવાઈજ ગઈ અને લગભગ બુમ પાડી ઉઠ્યા

“ શેનો છે એ કાગળ… બેબી..?

“ કશું નથી..વિદ્યા તું શાંતિ રાખીશ..?  મને પહેલા વાંચવા તો દે…”

“હે ભગવાન શું થવા બેઠું છે આ..?” વલોપાત કરવા માંડ્યા..

“ કશું જ નથી થવા બેઠું.. મને પહેલા કાગળ વાંચવા દઈશ..??” પપ્પા સહેજ ગુસ્સે થઇ ગયા.

પપ્પાએ કાગળ વાંચવા માંડ્યો..:

“ આપણે દસ વર્ષ સાથે રહ્યા છતાં આપણું માનસિક સંયોજન ના થઇ શક્યું અને એટલે હવે આપણે છુટા પડીએ એજ શ્રેષ્ઠ વિકલ્પ છે, જે આપણા અને મહર્ષિના હિતમાં છે અને એ વિકલ્પ આપણને બંનેને મંજુર છે કારણ કે આપણે બંને સમાયોજન સાધીને સાથે રહી શકીએ એ સામર્થ્ય ગુમાવી ચૂક્યા છીએ.

આ લખાણ આપણે બંનેએ  રાજીખુશીથી અને સમજણપૂર્વક અને પૂરા હોશોહવાસમાં લખ્યું છે અને જરૂર જણાય તો કોર્ટ રજીસ્ત્રેશન આપણા બંનેમાંથી કોઈ પણ કરાવી શકે છે..”

કાગળમાં નીચે બંનેની સહીં હતી. કાગળની એક કોપી માના પાસે અને એક કોપી એની પાસે હતી..

પપ્પા કાગળ વાંચતાજ અવાક્ થઇ ગયા..કપાળ પર પરસેવો વળી ગયો..ચશ્મામાં ઝાંય વળવા માંડી..શ્વાસની ગતિ બેવડાઈ ગઈ.. આંખો ભીની થઇ આવી.. મમ્મી પણ રડવા લાગ્યાં… કોઈ કોઈને સાંત્વન આપી શકે એ પરિસ્થિતિમાં હતુંજ નહીં.. માના પણ રડતી હતી.. એકલો મહર્ષિ સ્વસ્થ હતો એ પણ આ દ્રશ્ય જોઇને બઘવાઈ ગયો.. માના પાસે જઈને એને વળગી પડ્યો.. અને એના આંસુ લૂછવા માંડ્યો..” મમ્મા તું ના રડીશને.. આપણે પપ્પાની કિટ્ટા કરી દઈશું…”

બધાં શાંત થઇ ગયા…સુનમુન…કોઈ કશુંજ બોલતું નથી.. બધાં પોતપોતાના મન સાથે સંવાદ કરતા હતા કે પોતપોતાની રીતે પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતા હતાં. ખાસ્સી વાર પછી પપ્પાએ પૂછ્યું : “ કેમ બેટા …કેમ આવું થયું ?”

“ય…શ…!”

“ યશના કારણે..???”

“ હા પપ્પા “

“ તારો સંબંધ છે હજી..””

“ ના બિલકુલ નહીં… પપ્પા…કેટલાય વર્ષોથી સંપર્ક તૂટી ગયો છે.. પણ મારી ભૂલ એ થઇ કે મેં એને લગ્ન પછી મારા યશ સાથેના સંબંધની રજેરજ વાત કરી….”

“ એ તો તારી પ્રામાણીકતા હતી બેટા..”

“ પ્રામાણીક્તાનું હંમેશાં સારુંજ પરિણામ મળે છે એવું નથી..એ પૂરવાર થઇ ગયુંને..?”

“ મને તો ખબરજ હતી કે એ નખ્ખોદ્યો મારી છોડીનો ભવ બગાડશે..” વિદ્યાબેન એકદમ તાડૂક્યા..

“ મમ..મમ્મી …પ્લીઝ “ માનાએ પહેલા રોષમાં અને પછી વિનંતીથી પ્રતિકાર કર્યો..

“ વિદ્યા..! યશ માટે એવું ના બોલ એ સારો માણસ છે..એણેતો  બેબીને બહુ સાચવી છે..બહુ પ્રેમ કર્યો છે.. એ તો વિધાતાની નિષ્ઠુરતા કે બેબીને એ પામી ના શક્યો…”

વિદ્યાબહેન હવે સાવ ચૂપ થઇ ગયાં..

“ બેબી આવું કેમ થયું બેટા ?”

“ પપ્પા અમારી વચ્ચે પ્રેમનું  ઝરણું તો ક્યારનુંયે સુકાઈ ગયું હતું….રહ્યો હતો માત્ર નફરતનો કીચડ…અમારા જીવનમાં એકદમ પલટો આવી ગયો..શરૂઆતના શાંત સુખી જીવનના કમાડની તિરાડમાંથી તોફાની વાયરો સૂસવાટા સાથે ધસી આવ્યો..બધુંજ વેરણ છેરણ થઇ ગયું…બધુંજ લુંટાઈ ગયું..” ખુબ ગમગીન અવાજે માના બોલી.

“ જવાબદાર કોણ બેટા…તું કે એ ..???”

“સમય…, પપ્પા, સમય અને બીજો સંશય “

“યશ જવાબદાર ખરો..?”

“ ના પપ્પા ના..બિલકુલ નહીં, એણે તો કશુંજ કર્યું નથી..એ તો આજેય દૂર ઉભો-ઉભો મને પ્રેમજ કરતો હશે…પણ પપ્પા સત્ય તો એ છે કે એના પ્રત્યેના દ્વેશભાવે જ અમારું બધું લૂંટાઈ ગયું..”

“બસ એ દિવસ પછી ઘરમાં કોઈએ એ વાતનો ઉલ્લેખ ના કર્યો..ખાસ્સા પંદરેક દિવસ વીતી ગયાં”

એક દિવસ વહેલી સવારે માના જાગી ગઈ..પપ્પાને ધીરેથી ઉઠાડ્યા અને બહાર વરંડામાં લઇ આવી..બંને જણ હિંચકે બેઠાં..થોડીવાર બંને સૂનમુન બેસી રહ્યાં..હીંચકાની સાથે મન પણ ઝૂલતું હતું..

“પપ્પા…હું શું કરું..?”

“ કશુંજ નહીં  બેટા.બસ તું તારે અહીં રહે શાંતિથી..અને ભગવાન પર ભરોસો રાખ..”

“પપ્પા મારાથી અહીં નહીં રહેવાય..”

“કેમ બેટા..? કેમ આટલો રુક્ષ જવાબ..? તને કાંઈ અમારા ભાવમાં ખોટ વર્તાઈ..??”

“ ના પપ્પા..પ્લીઝ એવું કશુંજ નથી પણ હું બધા ઉપર બોજ બનીશ..”

“એવું કેમ વિચારે છે બેબી..?”

“ પપ્પા.., હું યશ પાસે ચાલી જાઉ છું..”

“ એ કેવી રીતે શક્ય છે બેટા..??”

“પપ્પા મને યશ પર પૂરો ભરોસો છે..અને હવે હું યશ માટે છેક અંત સુધી લડી લઈશ, હવે હું નમતું  પણ નહીં જોખું અને હાર પણ નહીં માનું..”

“ બે..ટા..”

“મને ચોક્કસ ખબર છે કે યશ મારી રાહ જોતો હશે જ..પપ્પા યશને બધાએ અન્યાય કર્યો છે ..મેં પણ,

હા મેં પણ એને અન્યાય કર્યો છે.”

“તો તું શું કરવા માંગે છે..?”

“ બસ હું યશ સાથે રહીશ કોઈ પણ રીતે. યશ મારો સ્વીકાર કરશેજ, મારો આત્મા કહે છે કે બેબી જા, જા તારું ખરું ઠેકાણું યશ જ છે..”

 “મારું મન નથી માનતું..બેટા..”

“ પપ્પા એને હું એકવાર મળું ..? તમે આવશો મારી સાથે..?”

“ હા..હા,  હું ચોક્કસ આવીશ.. બેટા તારી સાથે..”

બીજા દિવસે માના અને પપ્પા યશના શહેરમાં ગયા..યશને ત્યાં પહોંચ્યા ત્યારે સવારનો સમય હતો. દરવાજો નોક કર્યો અને થોડીવારે દરવાજો ખૂલ્યો..સામે એક જાજરમાન સ્ત્રી ઉભી હતી, આ લોકોને જોઇને એકદમ આશ્ચર્યમાં પડી ગઈ..

“ કોણ…તમે માના ..??”

“ હા હું માના “

પપ્પા સહેજ પાછળ ઉભા હતા.. માનાએ એમના તરફ ઈશારો કરીને કહ્યું “ મારા પપ્પા છે..”

‘નમસ્તે..”

“ નમસ્તે..”

“ યશ છે..?” માનાએ પૂછ્યું..

“ હા..હા છે જ અને તમારી રાહ જુએ છે..”

“ મારી રાહ જુએ છે ..????પ..પ..પણ એને તો ખબરજ નથી કે હું આવવાની છું..”

“ હા એ તમારી રાહ જુએ છે..”

“ પણ કેમ ?”

“ કાયમ મને કહે છે …નીલેશ્વરી મારી માના પાછી આવશેજ ..તારે એને તારી પાસે રાખવી પડશે..”

પપ્પાતો આ બધું સાંભળીને સાવ ઢીલા થઇ ગયા..આંખોમાં આંસુ ધસી આવ્યા.. પાછું નીલેશ્વરીએ બોલવાનું શરુ કર્યું..” જો માના, ચાલો આપણે ઉપર જઈએ..ઉપર અગાશીમાં એ ઉભો હશે અને અપલક રસ્તાને જોતો હશે..રોજ આમજ ઉભો રહે છે અને હતાશ થઇ જાય છે..”નીલેશ્વરી આજે પણ માના ના આવી..” આવીને મને કહેશે.. ચાલો ઉપર પણ ખૂબ ધીમેથી એને સહેજ પણ ખલેલ ના પડે એ રીતે.. યશ અગાશીમાં એમજ ઉભો છે જેવું નીલેશ્વરીએ વર્ણન કર્યું..સફેદ કુર્તા પાયજામા ઉપર બ્રાઉન સ્વેટર પહેરેલું છે અને રસ્તાને તાકી રહ્યો છે..નીલેશ્વરીએ એને બૂમ પાડી.. “ યશ..!”

એ પાછળ ફર્યો અને એજ યથાવત “ ની..લ આજે પણ..મા..ના..!

“ યશ આજે તો માના આવી છે ..જો..”

“ ઓહ માય ગોડ..મા..ના..તું આવી ગઈ મારી પાસે..!!! તું માના આવી ગઈને મારી પાસે..??? માના તું જાણે છે …તને ખબર નહીં હોય …બેબી હું તારી કેટલી બધી રાહ જોતો હતો..?

“ ય…શ “

“ અરે તમે બેસો…હું પાણી લઇ આવું ..” નીલેશ્વરી નીચે ગઈ..પપ્પા એક ખૂણામાં ઉભા હતા અને યશની નજર એમના તરફ ગઈ.. “ અરે પપ્પા પણ આવ્યા છે.. “ યશ એમના તરફ ગયો અને એમના ચરણસ્પર્શ કર્યા અને માનાના ખભે હાથ મૂકી દીધો..

“ પપ્પા મેં માનાની બહુ રાહ જોઈ ..મને વિશ્વાસ હતોજ કે મારી માના મારી પાસે પાછી આવશેજ….અને હેં માના …તું આવી ગઈને મારી પાસે..?”

“…………………..”

“ હા યશ…માના તમારી પાસે આવી ગઈ ..પ…પણ નીલેશ્વરીને દુઃખ નહીં થાય ?

“ ના પપ્પા.. નીલેશ્વરી બહુજ સમજદાર સ્ત્રી છે.. અને એણે આ સંબંધને સ્વીકારેલોજ છે.. “

યશે હાથ ફેલાવી દીધા ..અને માના એના બાહુપાશમાં સમાઈ ગઈ…દૂર ઉભી ઉભી નીલેશ્વરી એની બંને હથેળીઓથી  એનો રડતો ચહેરો  છુપાવવાની કોશિશ કરતી હતી.. પપ્પા પણ બોજ હલકો થતા હર્ષના આંસુ વહાવતા હતા..

                                                  XXXXXXXXX

વિજય ઠક્કર

શબ્દો: 2001

લખ્યા તારીખ: August 7,2015 @ 2.45 PM          

2 responses to “અનુસંધાન…..વિજય ઠક્કર

  1. pragnaju February 2, 2020 at 11:18 AM

    .
    ‘સંબંધ’ના અટપટા બનાવો વચ્ચે વહેતી વાત
    .
    . અંત જાણી મઝા આવી યશે હાથ ફેલાવી દીધા ..
    .
    અને માના એના બાહુપાશમાં
    .
    સમાઈ ગઈ…દૂર ઉભી ઉભી નીલેશ્વરી એની બંને હથેળીઓથી
    .
    એનો રડતો ચહેરો છુપાવવાની કોશિશ કરતી હતી..
    .
    પપ્પા પણ બોજ હલકો થતા હર્ષના આંસુ વહાવતા હતા..

    Liked by 1 person

  2. Rajnikant Modi February 2, 2020 at 1:32 AM

    સરસ મઝા નો અંત .

    On Wed, Jan 29, 2020 at 9:30 PM પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો wrote:

    > pravinshastri posted: ”
    > વિજય ઠક્કર અનુસંધાન….. ઓટો સ્ટેશને આવીને થોભી.. માના અને
    > મહર્ષિ ધીમેથી ઉતર્યા …એક હાથમાં કપડાની એક સુટકેસ અને બીજા હાથમાં મહર્ષિને
    > પકડેલો.. ઓટોનું ભાડું ચૂકવીને એક નજર પાછળ છ”
    >

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: